સજાતીયતા (homosexuality) : સમાન લિંગની વ્યક્તિઓ (પુરુષ અને પુરુષ અથવા સ્ત્રી અને સ્ત્રી) વચ્ચે ઊપજતા જાતીય આકર્ષણ અને જાતીય સમાગમ સુધીના સંબંધો. પુરુષ અન્ય પુરુષમાં અથવા સ્ત્રી અન્ય સ્ત્રીમાં કામુક રસ લે અને એની સાથે પ્રગટ કામુક વ્યવહારો કરે તે સજાતીયતા. આધુનિક મત પ્રમાણે, જે વ્યક્તિની પ્રાથમિક મનોવૈજ્ઞાનિક, આવેગિક, સામાજિક અને કામુક રુચિ પોતાની જ જાતિની વ્યક્તિમાં હોય (પછી એ રુચિ વ્યક્ત થઈ હોય કે ન થઈ હોય) તે વ્યક્તિ સજાતીય કામુક ગણાય.

મોટાભાગના લોકો વિજાતીય કામુક (અં. heterosexual) હોય છે. સમાજની પ્રચંડ બહુમતીમાં રહેલા લોકો સામી જાતિની વ્યક્તિ પ્રત્યે જાતીય આકર્ષણ અનુભવે છે અને તેની સાથે કામુક વ્યવહારો પસંદ કરે છે. (પોતે પુરુષ હોય તો સ્ત્રી પ્રત્યે અને પોતે સ્ત્રી હોય તો પુરુષ પ્રત્યે.) પણ સજાતીય વ્યક્તિ અપવાદરૂપ હોય છે. તે મુખ્યત્વે અથવા સંપૂર્ણપણે પોતાની જ જાતિની વ્યક્તિ પ્રત્યે કામુક રસ અનુભવે છે અને કામુક વ્યવહારો કરે છે. આમ સજાતીયતા અને વિજાતીયતા એ વ્યક્તિના જાતીય વલણની અભિમુખતા કે દિશા (orientation) દર્શાવે છે; સજાતીયતા અને વિજાતીયતા એ આવી અભિમુખતાના બે વિરોધી છેડા છે. સંશોધનો સૂચવે છે કે આ બે છેડાની વચ્ચે અભિમુખતાની વિવિધ કક્ષાઓ આવે છે.

6 5 4 3 2 1 0
સંપૂર્ણપણે લગભગ મહદ્અંશે વિજાતીય મહદ્અંશે લગભગ સંપૂર્ણપણે
વિજાતીય કાયમ વિજાતીય અને સજાતીય, કાયમ સજાતીય
વ્યક્તિમાં વિજાતીય વ્યક્તિમાં સજાતીય પણ સજાતીય રુચિ,
રુચિ, રુચિ, રુચિ, સંબંધોમાં કેટલીક રુચિ, વિજાતીયતાનો
સજાતીય પણ પણ સરખી વાર પણ સદંતર
રુચિનો ક્યારેક જ કેટલીક રુચિ વિજાતીય જવલ્લે જ અભાવ
તદ્દન સજાતીય વાર રુચિ વિજાતીય
અભાવ રુચિ સજાતીય રુચિ
રુચિ

આકૃતિ : સજાતીય/વિજાતીય અભિમુખતાની વિવિધ કક્ષાઓ

જૂના જમાનાથી સજાતીય કામુક સંબંધોના છૂટાછવાયા દાખલા નોંધાયા છે. સિકંદર, માઇકેલેન્જેલો કે જ્યૉર્જ સેઝ જેવી જાણીતી હસ્તીઓ સજાતીય કામુક હતી એવું મનાય છે. પ્રાચીન ગ્રીસ અને રોમમાં તો કેટલીક વ્યક્તિઓ ખુલ્લંખુલ્લા સજાતીય વેશ્યા તરીકે કામ કરતી હતી એવું નોંધાયું છે. કેટલાક પ્રાચીન સમાજોમાં સજાતીય સંબંધોને સ્વીકારવામાં પણ આવતા હતા.

જાતીયતાના સંશોધક કિન્સેએ 1948માં યુ.એસ.માં વસતા અમેરિકન પુરુષોના નમૂના ઉપર કરેલ સર્વેક્ષણમાં સજાતીય (કે વિજાતીય) આકર્ષણ કે વર્તનની વ્યાપકતા આ પ્રમાણે જણાઈ હતી : (1) તેર ટકા પુરુષો અન્ય પુરુષ પ્રત્યે પોતાનો કામુક પ્રતિભાવ વ્યક્ત કરતા હતા પણ સજાતીય મૈથુન કરતા નહોતા; (2) 37 ટકા પુરુષોએ જીવનમાં એક વખત અન્ય પુરુષ સાથે જાતીય સંબંધ બાંધીને તેમાં પરાકાષ્ઠા સુધીનો અનુભવ લીધો હતો એમ જણાવ્યું; (3) 35 વર્ષની વય સુધી અપરિણીત રહેલા પુરુષોમાંથી પચાસ ટકાએ કહ્યું કે તેમણે અન્ય પુરુષ સાથે જાતીય પરાકાષ્ઠા સુધીનો અનુભવ લીધો હતો; (4) 18 ટકા પુરુષોએ કહ્યું કે તેમને સજાતીય તેમજ વિજાતીય આકર્ષણ થતું હતું; (5) 8 ટકા પુરુષો તેમની 16થી 55 વર્ષ સુધીની વયના ગાળામાં ત્રણ વર્ષ સુધી માત્ર સજાતીય સંબંધો જ ધરાવતા હતા.

કિન્સેએ જ 1953માં અમેરિકન સ્ત્રીઓના નમૂના ઉપર કરેલા સર્વેક્ષણમાં જણાયું કે એમાંની 28 ટકા સ્ત્રીઓએ જીવનના કોઈ તબક્કે અન્ય સ્ત્રીને સજાતીય પ્રતિભાવો આપ્યા હતા અને 9 ટકા સ્ત્રીઓએ સજાતીય પરાકાષ્ઠા અનુભવી હતી. સ્ત્રીઓ કરતાં પુરુષોમાં સજાતીય પ્રવૃત્તિ વધારે સમય સુધી ચાલી હતી અને પુરુષોએ પોતાના સજાતીય સાથી વારંવાર બદલ્યા હતા.

અમેરિકન નમૂના ઉપરથી મેળવેલા આ આંકડા બીજા (ખાસ કરીને પૌરસ્ત્ય) સમાજોને આપોઆપ લાગુ પડે નહિ એ દેખીતું છે.

પશ્ચિમી દેશોમાં સજાતીય વ્યવહારો જુદાં જુદાં સ્થળોએ અને જુદા જુદા સ્વરૂપે થતા જણાયા છે. મોટી વયની વ્યક્તિઓ જાહેર ખાનપાનનાં સ્થળોએ, ખાસ કરીને દારૂના પીઠામાં, અન્ય સજાતીય વ્યક્તિનો સંપર્ક કરે છે. નવયુવાન સજાતીયો શહેરની કેટલીક શેરીઓમાં ફરતા રહીને સજાતીય સંપર્કો કરે છે. જાહેરમાં પ્રગટ રીતે સજાતીય સંપર્ક કરવા ન ઇચ્છતી વ્યક્તિઓ ટેલિફોન વડે સંપર્ક કરે છે. કેટલાક સજાતીયો અમુક જ વ્યક્તિ સાથે લાંબા સમય સુધી સજાતીય સંબંધ બાંધે છે, અને તેઓ ‘સજાતીય લગ્ન’ પણ કરે છે. જોકે આવા મોટાભાગનાં ‘લગ્નો’ ઊભરો શાંત થઈ જતાં નિષ્ફળ જાય છે. મોટાભાગના સજાતીય વ્યવહારો ક્ષણિક હોય છે, તેથી તેમાં સાથીઓ બદલાતા રહે છે.

કેટલાક સજાતીય લોકો માત્ર ને માત્ર સજાતીય સંબંધ જ બાંધે છે; તેઓ વિજાતીય વ્યક્તિ સાથે જોડાવાનું પસંદ કરતા નથી કે તેવો પ્રયત્ન કરતા જ નથી; પણ બીજા સજાતીયો વિજાતીય સંબંધો પણ વિકસાવે છે. કેટલીક સજાતીય જોડીઓ સમાજથી અળગી રહે છે, પણ બીજા સજાતીયોને એકલા રહેવાથી સંકોચ, ભય, ખિન્નતા અને અપરાધની લાગણી સતાવતી હોવાથી તેઓ સજાતીય વ્યક્તિઓના મોટા જૂથમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ સજાતીયોના જૂથ સાથે તાદાત્મ્ય સાધે છે અને જૂથનો ટેકો મેળવે છે.

સજાતીય વ્યક્તિ પોતાની કામુકતાને વિવિધ રીતે વ્યક્ત કરે છે. એકબીજાનો સ્પર્શ, આલિંગન, ચુંબન, પરસ્પર હસ્તમૈથુન જેવી ક્રિયાઓ વડે આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે.

મોટાભાગના સજાતીયો પોતાની મૂળ જૈવ જાતિ (biological sex) પ્રમાણે જ વર્તન કરે છે; પણ કેટલાક સજાતીયો સામી જાતિ સાથે પૂરું તાદાત્મ્ય સાધીને, પોતે સામી જાતિની વ્યક્તિ હોય એવું વર્તન કરે છે; દા.ત., સ્ત્રૈણ સજાતીય પુરુષ તીણા અવાજે બોલે છે, સ્ત્રી જેવાં વસ્ત્રો પહેરે છે, નખ રંગે, લાલી લિપસ્ટિક લગાવે છે અને લટકમટક ચાલે છે. એ રીતે પૌરુષ સજાતીય સ્ત્રી જાડા અવાજે રોફથી બોલે, પુરુષનો વેશ પહેરે, મર્દાના રીતે ચાલે છે; પણ બધા સજાતીયો આવું કરતા નથી અને બધા વિજાતીય વેશધારકો (transwestaits) સજાતીય કામુક હોતા નથી.

સજાતીય વ્યક્તિ વિવિધ સમસ્યાઓ અનુભવે છે. પ્રગટ સજાતીય વર્તનને ઘણા સમાજો વિકૃત ગણે છે; ઘણાં રાજ્યોમાં સજાતીયતા ગેરકાનૂની અને તેથી સજાને પાત્ર હોય છે. સજાતીય વ્યક્તિ વિશે ઘણા ખોટા ખ્યાલો પ્રવર્તે છે; જેમ કે, ‘સજાતીય વ્યક્તિને તેના દેખાવ, વેશ કે રીતભાત ઉપરથી ઓળખી શકાય છે’, ‘વ્યક્તિ જન્મથી જ સજાતીય હોઈ તેને સુધારી શકાતી નથી’ વગેરે. ઘણાં જૂથો સજાતીયોનો બહિષ્કાર કરે છે, તેથી તે એકલા પડી જાય છે. તે સતત પકડાઈ જવાની કે સજા ભોગવવાની ચિંતા અને અસલામતી અનુભવે છે. કેટલીક સજાતીય વ્યક્તિઓ ઉપર ગુનાખોર યુવકો હુમલો કરી તેમને લૂંટી લે છે.

સજાતીયને બદનામીનો કે નોકરી/મોભો ગુમાવવાનો સતત ડર રહે છે. તેને કુટુંબ, સમાજ કે વ્યવસાયમાં સમાયોજન સાધવામાં ભારે મુશ્કેલી પડે છે. કેટલાક સજાતીયોને પોતાની ઇચ્છા અને વર્તન અયોગ્ય લાગે છે. તેથી સજાતીયતા ખરાબ છે એ જાણવા છતાં ‘હું તે છોડી શકતો નથી’ એવો અસંતોષ અનુભવે છે. સાથીઓ બદલાયા કરતા હોવાથી પણ તેને અસંતોષ રહે છે. પોતાના વર્તન માટે ગૌરવ લેનારા સજાતીયો પણ તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવું યૌક્તિકીકરણ કરતા હોય છે.

શું સજાતીયતા એક રોગ છે જેની સારવાર કરવી પડે ? કે શું સજાતીયતા જે તે સ્થળ અને સમયના સમાજે મંજૂર કે નામંજૂર કરેલી જાતીય અભિવ્યક્તિ છે ? હાલ આ વિવાદે જોર પકડ્યું છે. કેટલાક મનોચિકિત્સકો સજાતીયતાને એક વિકૃત મનોદશા અને વિકૃત વર્તન ગણે છે. તે સામી જાતિ વિશેના વિકૃત ભયમાંથી ઊપજે છે અને સમધારણ જીવન સાથે અસંગત છે. એક સંશોધનમાં મનોરોગની સારવાર લેનારા વિજાતીય કામુક પુરુષો કરતાં એવી સારવાર લેનારા સજાતીય કામુક પુરુષો વધારે દુ:ખી અને તીવ્ર પ્રમાણમાં વિક્ષિપ્ત જણાયા. બીજા એક અભ્યાસમાં સ્વસ્થ વિજાતીય કામુક વ્યક્તિઓ કરતાં સ્વસ્થ સજાતીય કામુક વ્યક્તિઓ પરિસ્થિતિ સાથે ઓછો સુમેળ ધરાવતી, ઓછા આત્મસન્માન અને ઓછા આત્મવિશ્વાસવાળી અને પોતાની જાતને વધુ ધિક્કારનારી જણાઈ છે. જોકે બધી સજાતીય વ્યક્તિઓ સૌમ્ય મનોવિકૃત હોતી નથી. અમેરિકન મનોચિકિત્સક મંડળ મુજબ જો વ્યક્તિ માત્ર સજાતીય કામુક જ હોય તો માત્ર તેના આધારે એને મનોરોગી ગણી શકાય નહિ.

સજાતીયતાનાં કોઈ સ્પષ્ટ કારણો હજુ પુરવાર થયાં નથી. તદ્દન સમાન વારસો ધરાવનારાં એકદળ (identical) જોડકાં અને જુદા વારસાવાળાં દ્વિદળ (fraternal) જોડકાંનો કાલમેને અભ્યાસ કર્યો. તેને જણાયું કે જો એકદળ જોડકાંની એક વ્યક્તિ સજાતીય કામુક હોય તો તેનો જોડિયો સાથી પણ સજાતીય કામુક જ હતો. પણ જો દ્વિદળ જોડકાંમાંની એક વ્યક્તિ સજાતીય હોય તો માત્ર ચાળીસ ટકા દાખલામાં જ બીજી વ્યક્તિ સજાતીય હતી. ‘સજાતીયતા વારસાપ્રાપ્ત લક્ષણ છે’ એવા ખ્યાલને આ પરિણામ ટેકો આપે છે; છતાં સજાતીયતા પૂર્ણપણે વારસાગત તો નથી જ.

કદાચ શરીરમાં અંત:સ્રાવોની અસમતુલાને લીધે સજાતીયતા ઊપજી શકે. નર પ્રાણીને માદાના અંત:સ્રાવનું ઇંજેક્શન આપવાથી નરમાં સજાતીય વર્તનનો સંભવ વધે છે, પણ માનવોમાં આવી સ્પષ્ટ અસર દેખાતી નથી. માનવોમાં કામુકતાની દિશાનો આધાર માનસિક ઘટકો ઉપર વધારે છે. જો પુખ્ત પુરુષ નાના છોકરાને (કે પુખ્ત સ્ત્રી નાની બાળકીને) લલચાવી/ધમકાવીને સજાતીય સંબંધમાં જોતરે તો એ અનુભવને લીધે બાળક મોટું થતાં સજાતીય વર્તન કરવા માંડે એવું બને છે. વિજાતીય વ્યક્તિ પ્રત્યે ઊપજેલો તીવ્ર ભય, સખત શંકા કે તીવ્ર નફરત પણ કેટલાકને સજાતીય સંબંધોમાં ઘેરે છે. જો કુટુંબમાં વર્ચસ્વાળી માતા પુત્ર સાથે ગાઢ આકર્ષણ-સંબંધથી જોડાય તો તે પુત્રને સમાન વયની છોકરીઓ જોડે હળવા-મળવા દેતી નથી. કેટલાક આવા પુત્રો સજાતીય સંબંધ બાંધી બેસે છે. જો માબાપ પુત્રી ઇચ્છતાં હોય પણ તેમને પુત્ર જન્મે તો તેઓ એને છોકરીનાં કપડાં પહેરાવી છોકરીની જેમ ઉછેરે છે. આવો પુત્ર મોટો થતાં સજાતીય બની શકે. જો બાળપણમાં કે આરંભની યુવાનીમાં વ્યક્તિને વિજાતીય વ્યક્તિઓ તરફથી વારંવાર મશ્કરી, મહેણાંટોણાં કે અપમાનનો અનુભવ થાય તો તેમાંની કેટલીક વ્યક્તિઓ સજાતીય સંબંધ તરફ વળીને તેમાંથી હૂંફ શોધે એમ બની શકે. જેલો, છાત્રાલયો, ધાર્મિક મઠો, સૈનિક નિવાસો કે સુધારણાગૃહોમાં સ્ત્રીઓ અને પુરુષોએ વર્ષો સુધી એકબીજાથી અળગાં રહેવું પડે છે. ત્યાં સજાતીય વ્યવહારોનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં વધી જાય છે.

સજાતીયતાની સારવાર ખૂબ મુશ્કેલ છે. મનોપચારથી 25થી 30 ટકા સજાતીયો ફરીથી પૂરા વિજાતીય બને છે. જો મનોપચાર લાંબા સમય સુધી અપાય તો વધુ સફળતા મળે. જે વ્યક્તિનું વલણ પહેલેથી જ સજાતીય તેમજ વિજાતીય હોય તેનામાં જલદી સુધારો થાય છે. સુધરવા માટે સજાતીય વ્યક્તિએ બનતી ઝડપે વિજાતીય સંબંધો શરૂ કરી દેવા જરૂરી હોય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે