સજાના સિદ્ધાંતો : રાજ્યે જે કરવા પર નિષેધ ફરમાવ્યો હોય તે કાર્ય એટલે કે અપરાધ કરવા સામે તેમ કરનારને રાજ્ય દ્વારા દુ:ખ પહોંચાડવાનાં અધિકૃત સામાજિક કાર્યોને લગતા રાજ્ય દ્વારા વખતોવખત નિર્ધારિત કરાતા નિયમો. અપરાધ નિષિદ્ધ કાર્ય કરીને (દા.ત., હુમલો, ચોરી) અથવા કાર્યલોપ કરીને (by omission to do) દા.ત., બાળકને ખોરાક ન આપીને) પણ થઈ શકે. અપરાધ કાં તો વ્યક્તિને સ્પર્શે અથવા તો રાજ્યને સ્પર્શે. અપરાધ માટે અપરાધીને સજા થાય. અમુક કાર્ય અપરાધ છે કે નહિ તે અપરાધવિધિના નિયમોથી તપાસવું પડે; જે કોઈ કાર્યનું ગુનાઇતપણું નક્કી કરવાની એકમાત્ર કસોટી છે.

રાજ્ય અપરાધીને દંડે છે, તેને સજા કરે છે. કહે છે કે સજા એટલે એક અનિષ્ટ(અપરાધ)ના બદલામાં બીજું અનિષ્ટ(સજા) લાદવું તે. સજા (punishment) અને દંડ (penalty) એ લાગે છે સમાનાર્થી, પરંતુ ખરેખર તેવું નથી. સજા એટલે અપરાધીને દુ:ખ આપવા માટે તેને યાતના પહોંચાડવી. દંડ એટલે પૂર્વનિર્ધારિત રકમની અપરાધી પાસેથી વસૂલાત. સજા એ એક સામાજિક કૃત્ય છે અને તે સામાજિક ન્યાયનું (social justice) એક અંગ છે.

ન્યાયતંત્ર સજા ફરમાવે છે, તેનો અમલ રાજ્યની કારોબારી વતી પોલીસતંત્ર કરે છે. મનુસ્મૃતિના 7મા અધ્યાયમાં અને મહાભારતના શાંતિપર્વના 121મા અધ્યાયમાં સજાનું સ્વરૂપ અને તેની ઉત્પત્તિ વિશેની માહિતી મળી આવે છે. તેમાં ખુદ રાજાને દંડ કહ્યો છે. રાજા દંડ વડે પ્રજાને રક્ષે છે. વિશ્વ સૂતું હોય ત્યારે દંડ જાગે છે, તેથી વિદ્વાનો દંડને જ ધર્મ કહે છે.

સજા વિશે બે મતે પ્રવર્તે છે : (i) સજા ખાતર સજા અને (ii) અમુક હેતુ સિદ્ધ કરવા માટે સજા. પ્રથમ મત બર્બર ગણાય છે; કેમ કે, દરેક અપરાધની સજા થવી જ જોઈએ એ મત યોગ્ય નથી, તેમાં અપવાદો હોઈ શકે છે. સજા વેરવૃત્તિ સંતોષવાનું સાધન નથી; એના અસ્તિત્વનું પ્રયોજન (object) છે, અને તે છે સમાજમાં શાંતિ અને સુવ્યવસ્થા પ્રવર્તાવવાનું.

સજા અંગે ત્રણ વિવિધ સિદ્ધાંતો છે : (i) ભય-પ્રભાવક સિદ્ધાંત (deterrent theory) : એનો હેતુ છે – ગુનેગાર ગુનો કરતાં ભય પામીને તેનાથી દૂર રહે, (ii) ગુનેગાર ગુનો કરતાં અટકે એ હેતુથી એને સજા કરવી એ નિરોધક સિદ્ધાંત (preventive theory) છે અને (iii) ગુનો એ માનસિક રોગ છે અને એનો ઇલાજ સજા છે – એ સિદ્ધાંતને સુધારક સિદ્ધાંત (reformative theory) કહે છે. આ સિદ્ધાંતોના પૂરક સિદ્ધાંત તરીકે બીજા સિદ્ધાંતો ઉત્પન્ન થયા : પ્રતિશોધાત્મક સિદ્ધાંત (retributive theory) અને પ્રાયશ્ચિત્ત સિદ્ધાંત (expiatory theory). પ્રતિશોધાત્મક સિદ્ધાંત પ્રમાણે અપરાધીએ પોતાને કરેલી ઈજા સામે તેને વળતો પ્રહાર કરીને વેરની વસૂલાત કરાય છે. આ પુરાણી વિચારસરણી કે સિદ્ધાંત માનવ-સ્વભાવનું ખરું પ્રતિબિંબ રજૂ કરે છે જેને રોમન કાયદામાં Lex Tellionis = Law of Retaliation અથવા Vindicta publica = જાહેર રીતે વૈરસંતોષ પ્રાપ્ત કરવો  એમ કહે છે. જેરિમી બેન્થામના મતે આધુનિક માનવીને પણ બદલો લેવો ગમે છે, પરંતુ વર્તમાન સમયમાં બદલો લેવાનો આ સિદ્ધાંત અસ્વીકાર્ય છે; 19મી સદીનું જેલ-તંત્ર ‘હાર્ડ લેબર, હાર્ડ ફૅર અને હાર્ડ બેડ’(સખત મજૂરી, સખત ખોરાક અને સખત બિછાનું)ના સિદ્ધાંત પર કાર્ય કરતું હતું. આ સિદ્ધાંત પ્રમાણે અપરાધીએ અપરાધ કરી સમાજમાં ખળભળાટ પેદા કર્યો છે અને સમાજનું દેવું ઉત્પન્ન કર્યું છે, જેની ભરપાઈ એણે સજા ખમીને કરવાની છે. ન્યાયનો હેતુ સજા નથી. સજા ખાતર સજા કરવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. આ વિચારના સમર્થનમાં ઉત્પન્ન થયેલો પ્રાયશ્ચિત્ત સિદ્ધાંત (expiatory theory) કહે છે કે અપરાધ વત્તા સજા એટલે નિર્દોષતા. અપરાધની સજા ખમી ગુનેગાર પ્રાયશ્ચિત્ત કરે છે અને સમાજમાં નવું જીવન શરૂ કરે છે.

તો પછી સજા શા માટે ? – એનો પ્રત્યુત્તર છે : અપરાધીને સજા સમાજના રક્ષણ માટે (protection of society) કરાય છે; ન્યાયના રક્ષણ અને સંવર્ધન માટે (vindication of justice) કરાય છે. આમ સજાવિષયક ફલક અતિ વિસ્તૃત છે. તેને એક છેડે માત્ર ઠપકો આપીને (scolding) છોડી મૂકવાની સજા છે; ત્યારે બીજે છેડે મૃત્યુદંડ(death penalty)ની સજા છે.

સજાના સામાન્ય સિદ્ધાંતો : (i) ‘અપરાધ વિના સજા નહિ’ એ પ્રથમ સિદ્ધાંત છે. (ii) ‘જ્યાં અપરાધ ત્યાં સજા’ એ સિદ્ધાંત અસ્વીકાર્ય છે. (iii) જે માટે સજા કરાય છે તે કાર્ય કે કાર્યલોપ અને સજા વચ્ચે સંબંધ સ્થાપિત કરવો જરૂરી છે. (iv) અપરાધ વિના કરાતી સજા નિરર્થક નીવડે છે. (v) સજા જે તે ગુનાના સ્વરૂપ અને તેની ગંભીરતાના પ્રમાણમાં થવી જોઈએ. (vi) સજા ફરમાવનાર નિષ્પક્ષ ન્યાયતંત્ર હોવું જોઈએ; કારોબારી કે જેલતંત્ર સજા ન કરી શકે.

(vii) આચરેલા કોઈ કૃત્યના પરિણામને અનુલક્ષીને સજા કરાય છે; વૈચારિક કૃત્ય માટે નહિ. (viii) સજા કરનાર રાજ્ય પોતે ગુનેગારનાં મૂલ્યો કરતાં અધિક ચઢિયાતાં મૂલ્યો ધરાવતું હોવું જોઈએ. (ix) સજા ગુનો કરનાર પર કંઈક અણગમતું લાદે છે. (દા.ત., કેદ કે દંડ) અથવા તો તેને જે ગમતું હોય તેવું કંઈક તેની પાસેથી લઈ લે છે (દા.ત., સ્વાતંત્ર્ય, મિલકત). (x) સજામાં હિંસા આવશ્યક નથી. એક અનિષ્ટ સામે બીજું અનિષ્ટ એ સજા નથી. (xi) સજા અહિંસક હોઈ શકે છે, જેમાં અપરાધીને સામાજિક સેવામાં જોતરી શકાય. (xii) યોગ્ય કિસ્સામાં સજામાં રાહત આપી શકાય છે. બંધારણની કલમ 72 અને 161 હેઠળ અનુક્રમે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને એવી સત્તા છે કે જેથી તેમને ઠીક લાગે તે કિસ્સામાં સજાનો અમલ મોકૂફ રાખી શકે છે (reprieve); સજા મોકૂફ રાખી શકે છે (suspend); સજા માફ કરી શકે છે (pardon); સજામાં ઘટાડો (commute) કરી શકે છે; સજામાંથી મુક્તિ આપી શકે છે (remit) અને સજામાં મહેતલ આપી શકે છે (respite). (xiii) લૉ કમિશન ઑવ્ ઇન્ડિયાએ ત્રણ નવીન પ્રકારની સજાઓ વિશે વિચારણા કરી છે, પરંતુ એને વિધેયકમાં સમાવી લેવા ભલામણ કરી નથી. આ સજાઓ છે  (1) તડીપાર (externment), (2) મિલકતજપ્તી (forfeiture of property), જે ‘મનુસ્મૃતિ’માં सर्वहरणम् તરીકે ઓળખાય છે, અને (3) સુધારક શ્રમ(corrective labour)ની. આમાંથી સુધારક શ્રમની સજાનો ઉદ્ભવ સોવિયત શાસન હેઠળ રશિયામાં થયો હતો. સુધારક શ્રમની સજાનો અમલ કરવામાં અનેક વહીવટી બાબતો ધ્યાનમાં લેવી પડે તેમ હોઈ, લૉ કમિશને એના માટે અલગ કાયદો કરવાની ભલામણ તેના 42મા અહેવાલ દ્વારા કરી છે. આ સજાનાં મુખ્ય તત્વો છે :

(1) ગુનેગારનું સ્વાતંત્ર્ય છીનવાઈ જતું નથી.

(2) સજા ટૂંકી મુદતની હોય છે.

(3) જાહેર સ્થળે ઓછા વેતને કામ કરવું પડે છે.

(4) આ સજા અદાલત જ કરી શકે છે.

(5) શ્રમજીવી વર્ગના અપરાધીઓ માટે આ સજા અનુકૂળ થઈ પડે તેવી હોય છે.

(6) દેહાંતદંડ, આજીવન કેદ, અથવા સાત વર્ષથી વધુ મુદતની કેદને પાત્ર થતા હોય તેવા અપરાધોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

(7) સજાની મહત્તમ મુદત 1 વર્ષની અને લઘુતમ 1 માસ રાખવાનું સૂચન છે.

(8) અપરાધીના શ્રમના વેતનમાંથી અમુક ટકા રકમ રાજ્યકોશમાં જમા લેવાય તે જરૂરી છે.

(9) નિશ્ચિત કરેલા સ્થળે અપરાધી કામ કરવાનું ટાળે તો તેને શ્રમને બદલે કેદની સજા કરવામાં આવે.

ભાનુપ્રસાદ મ. ગાંધી