સજાગતા (ચેતના – consciousness) અને તેની અવસ્થાઓ

January, 2007

સજાગતા (ચેતના consciousness) અને તેની અવસ્થાઓ : વ્યક્તિની સચેતતા અને તેની વિવિધ સ્થિતિઓ. સજાગતા અથવા ચેતના અથવા બોધસ્તરની ચર્ચા તત્વજ્ઞાનીઓ માટે ઊંડી ચર્ચાનો વિષય રહી છે. સજાગતા અને અજાગ્રતતા, ચેતન અને જડ, મન અને શરીરના સંબંધ વિશેની ચર્ચાઓમાંથી તત્વજ્ઞાનમાં એકતત્વવાદ, દ્વૈતવાદ, વિચારવાદ, ભૌતિકવાદ, ચૈતન્યવાદ, યંત્રવાદ જેવી અનેક વિચારધારાઓ ઊપજી છે.

એક સમયે મનોવિજ્ઞાનની ‘સજાગતાનો અથવા સજાગ અનુભવોનો અભ્યાસ’ એવી વ્યાખ્યા કરવામાં આવી હતી. તેને અનુલક્ષીને વિલ્હેમ વુન્ડર, એડવર્ડ ટીત્શેનર જેવા મનોવિજ્ઞાનીઓએ આંતરનિરીક્ષણવાદી મનોવિજ્ઞાનનો વિકાસ કર્યો. 1900ના આરંભનાં વર્ષોમાં વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનમાં વસ્તુલક્ષી તેમજ માપી શકાય તેવી નિરીક્ષણક્ષમ બાબતોનો જ અભ્યાસ થવો જોઈએ એવો મત ધરાવતી જ્હૉન બી. વૉટસનની વર્તનવાદી વિચારધારાએ સજાગતા, ચેતના, મન જેવી આંતરિક, અંગત અનુભવના વસ્તુને મનોવિજ્ઞાનના અભ્યાસવિષય તરીકે સ્વીકારવા ઇનકાર કર્યો. એટલે મનોવિજ્ઞાનમાં ભારબિંદુ ‘સજાગતા’ ઉપરથી ખસીને ‘વર્તન’ ઉપર ગયું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મનોવિજ્ઞાનમાં જ્ઞાનાત્મક (cognitive) અભ્યાસ માટેનું વલણ વિકસ્યું છે, પરિણામે સજાગતા અને સજાગતાની અવસ્થાઓ તેમજ સતત પરિવર્તન પામતી વ્યક્તિની સજાગ માનસિક સ્થિતિઓ વિશેના અભ્યાસમાં રસ વધવા માંડ્યો છે.

સજાગતા એ ચિત્ત અથવા મનનું લક્ષણ છે. સજાગતા એટલે આંતરિક તેમજ બાહ્ય પરિસ્થિતિ વિશે સભાનતા અથવા વ્યક્તિની જાગ્રત અવસ્થા. સજાગતા એટલે પોતાની જાત સાથે તેમજ વાતાવરણ સાથે સંબંધ સમજવાની, તેની પ્રતિક્રિયા ઝીલવાની તેમજ તેને પ્રતિક્રિયા આપવાની શક્તિ. ‘સજાગતા’ શબ્દ વ્યક્તિની તેના પ્રત્યક્ષો, વિચારો, લાગણીઓ, સ્મૃતિઓથી ભરેલી પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. સમયે સમયે વ્યક્તિમાં તેની સજાગતાની કક્ષા અને પ્રકાર વિશે તફાવત પડે છે; જેમ કે, અત્યારે વાચકનું ચિત્ત સીધું એક પુસ્તક વાંચવામાં છે તે તેમાંથી ક્યારે દિવાસ્વપ્નો કે તરંગવ્યાપારમાં સરી પડશે તેની ખબર પણ નહિ પડે. કોઈક વાર વ્યક્તિ પોતાના સમક્ષની પરિસ્થતિ વિશે સજાગ ન હોય અને તેનું ધ્યાન બીજી કોઈ બાબત પ્રત્યે હોય.

હિલગાર્ડ ઈ. આર. (1983) સજાગતાના બે પ્રકારો વચ્ચે ભેદ પાડે છે. એક, જેમાં વ્યક્તિ જે તે ક્ષણે શું ચાલે છે તેની માત્ર અસરો ઝીલે છે અને સામે પ્રતિક્રિયા આપતી નથી. આ નિષ્ક્રિય સજાગતા છે. જે અવસ્થામાં વ્યક્તિ કંઈ વિચારે છે, ગોઠવે છે, શોધે છે, નિર્ણય લે છે, ચકાસણી કરે છે, આયોજન કરે છે, પૂર્વકલ્પના કરે છે તેવી પરિસ્થિતિઓ સક્રિય સજાગતાની છે. સક્રિય સજાગતા અને નિષ્ક્રિય સજાગતા વચ્ચે કોઈ ગુણાત્મક કે સૈદ્ધાંતિક તફાવત નથી. તફાવત કેવળ સજાગતાની કક્ષાનો છે.

સજાગતાની અવસ્થામાં કેટલાંક ઉદ્દીપકો, પદાર્થો પ્રત્યે વ્યક્તિનું સીધું ધ્યાન અને તે વિશે સભાનતા હોય છે; પરંતુ તે સમયે બીજાં અનેક હાજર ઉદ્દીપકો વ્યક્તિની સજાગતાના કેન્દ્રમાં હોતાં નથી. આવાં ઉદ્દીપકો વ્યક્તિની સજાગતાની સરહદના વિસ્તારમાં, સીમા પ્રાંતમાં છે એમ કહેવાય. જરૂર પડે ત્યારે તેમની પ્રત્યે સજાગ થવા માટે વ્યક્તિની તૈયારી અને મનોભૂમિકા હોય છે.

મનોવિશ્લેષણ વિચારધારાના પ્રવર્તક સિગ્મંડ ફ્રૉઇડે સજાગતાની કક્ષાઓ વર્ણવી છે. વ્યક્તિને જે અવસ્થામાં પ્રત્યક્ષીકરણો, અનુભવો, સ્મરણો થાય છે તે વ્યક્તિનું પ્રત્યક્ષનિષ્ઠ વિશ્વ-સજાગતાનું બોધસ્તર તો તેના સમગ્ર ચેતનસ્તરનો બહુ નાનો અંશ છે. ઘણા ભૂતકાલીન અનુભવો, સ્મરણો વ્યક્તિની સજાગતાના કેન્દ્રમાં હોતાં નથી. થોડીક મહેનતે, કેટલાક સંકેતો આપવાથી તેમને સજાગતાના સ્તરમાં લાવી શકાય છે. આવા સંસ્કારો વ્યક્તિની અવસજાગ (અવચેતન) અવસ્થામાં રહેલા હોય છે એમ કહેવાય. વળી દરેક વ્યક્તિને જીવનમાં એવા કેટલાયે શૈશવકાલીન અનુભવો, કુઠારાઘાતો; અનૈતિક, અણગમાની લાગણીઓના સંસ્કારો હશે જે તેની સજાગતાના સ્તરમાં એટલા ઊંડાણમાં હોય કે તેમને યાદ કરાવવાના અનેક પ્રયાસો છતાં સજાગતાના કેન્દ્રપ્રદેશમાં તેમને લાવી શકાતા નથી અથવા ખૂબ જ પ્રયાસો પછી તૂટક તૂટક કેટલીક વિગતોની ઝાંખી થાય. આવા સંસ્કારો વ્યક્તિના ઊંડા અસજાગ (અચેતન, અજાગ્રત) અબોધ સ્તરમાં રહેલા હોય છે એમ કહેવાય. ફ્રૉઇડ કહે છે કે સ્વપ્નો; વર્તનવ્યવહારોમાં ઉદ્ભવતી ક્ષતિઓ, અસંગત લાગતાં વર્તનલક્ષણો, મનોવિકૃતિઓ વગેરે પાછળનાં કારણભૂત પરિબળો મોટેભાગે વ્યક્તિના અજાગ્રત, અબોધ સ્તરમાં રહેલાં હોય છે. હેનરી રોએડીગર તેના પુસ્તક Psychology(1984)માં બેભાન (unconscious) તેમજ અભાન (non-conscious) વચ્ચે તફાવત પાડે છે. આપણા દેહતંત્રમાં સ્વચલિત એવી લોહીનું પરિભ્રમણ, શ્વસન, ગ્રંથિસ્રાવ, પચન જેવી શારીરિક પ્રક્રિયાઓ વિશે આપણે સભાન હોતા નથી. આ સ્વચલિત પ્રક્રિયાઓમાં કઈ વિકૃતિ કે અનિયમિતતા ઊપજે તો તેના વિશે આપણે સભાન બની જઈએ છીએ. આવી સ્વચલિત પ્રક્રિયાઓ અભાન અથવા અજાગ્રત સ્તરે થતી પ્રક્રિયાઓ છે.

રોગદશાની એવી ઘણી ઘટનાઓ બને છે જેમાં વ્યક્તિ સજાગતા ગુમાવી મૂર્છા, બેભાન કે તંદ્રા-અવસ્થામાં સરી પડે છે. આ મૂર્છા, બેભાન અવસ્થામાં વ્યક્તિમાં દેહતંત્રની સ્વચલિત પ્રક્રિયાઓ ચાલુ હોય છે, તેથી તે જીવિત તો રહે છે, પરંતુ મગજમાંનાં અવયવો, કેન્દ્રો કામ કરતાં અટકી ગયાં હોય છે. સતત અજાગ્રત, મૂર્છા-અવસ્થાની પરિસ્થિતિમાં મગજમાંનાં ઉચ્ચ કેન્દ્રો તેમજ મધ્ય મગજ, થેલેમસમાંનાં કેન્દ્રો વચ્ચે આંતરક્રિયા સ્થગિત થઈ ગઈ હોય છે. તેમજ કર્પરિત્વચાની કક્ષાએ પણ આંતરક્રિયાઓ અતિ નિમ્ન કક્ષાએ હોય છે.

જેમાં વ્યક્તિ ભાન ગુમાવી દે છે એવી અપસ્મારનો હુમલો, વાઈ, મૂર્છાવસ્થા અને શસ્ત્રક્રિયા કરતી વખતે સામાન્ય એનેસ્થિસિયાની સ્થિતિ, અને કદાચ પ્રગાઢ ઊંઘ જેવી સ્થિતિઓમાં મગજમાંના તમામ ખંડો  વિભાગો તેમજ કર્પરિત્વચા વચ્ચે આંતરક્રિયા અતિ નિમ્ન કક્ષાએ ચાલતી હોય છે.

મગજમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સજાગતાને સંબંધ છે. ઊંઘ લાવવા માટેનાં ઔષધો મગજને જાગ્રત-સભાન અવસ્થામાંથી અજાગ્રત-અભાન અવસ્થામાં લઈ જાય છે. જાગવા માટેનાં ઔષધો આનાથી ઊલટી પ્રક્રિયા કરે છે. હેરોઇન, કોકેન, એલ. એસ. ડી., મેરીજુઆના જેવાં દ્રવ્યોનું સેવન વ્યક્તિની સજાગતાની પરિસ્થિતિઓમાં પરિવર્તનો લાવે છે. થેલેમસમાંનાં આંતરિક કેન્દ્રો(centro median nucleus)ને દૂર કરવામાં આવે તો સજાગતા નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ કૉમા જેવી તદ્દન નિર્જીવ અવસ્થા, તીવ્ર અવાચક અવસ્થા તેમજ મગજનું મૃત્યુ જેવી સ્થિતિમાં સરી પડે છે.

માનવપ્રાણી સજાગ છે, પરંતુ ઊતરતી કોટિના અનેક જીવસ્વરૂપો(દા.ત., બૅક્ટેરિયા, અળસિયાં, જંતુઓ વગેરે)ની સજાગતા નથી. સંશોધનો અને નિરીક્ષણો બતાવે છે કે પ્રાણીસૃદૃષ્ટિમાં સજાગતાની કક્ષાઓનો જૈવિક ઉત્ક્રાંતિ સાથે ક્રમિક વિકાસ થયો છે. જૈવિક ઉત્ક્રાંતિ-ક્રમમાં માનવી ટોચકક્ષાએ છે; તેથી અન્ય પ્રાણીઓની તુલનામાં માનવીમાં સજાગતા ઉત્કૃષ્ટ – ઉચ્ચ કક્ષાએ છે. માણસને ‘હું કોણ છું, શું કરું છું, શા માટે કરું છું ?’ – એ વિશે પૂરી સભાનતા (consciousness of the self by the self) હોય છે; જ્યારે ઊતરતી કક્ષાનાં પ્રાણીઓ(વાનર, કૂતરા વગેરે)ને સંકેતો સમજાય છે (જેમ કે, ખોરાક આપવો, લાકડી ઉગામવી વગેરે) ત્યારે તે પ્રતિક્રિયાઓ આપે છે. તેમને તાલીમ આપી શકાય છે. આથી તેઓમાં ‘સજાગતા’ છે એમ કહી શકાય; પરંતુ ‘પોતે કોણ છે, શા માટે, કેવી રીતે અમુક વર્તન કરે છે તેની સજાગતા હોતી નથી. વળી મનુષ્યેતર જીવોમાં નૈતિકતાનો ખ્યાલ પણ હોતો નથી. વાસ્તવમાં પ્રાણીઓ માટે તો સજાગતા તેમના જીવનની સલામતી, અસ્તિત્વ માટેનું તંત્ર છે. દરેક પ્રાણી તેના જીવન માટે, ભય સામે સાહજિકકુદરતી પ્રતિભાવ આપે છે.

સજાગતા માપવા માટે એક અરીસા-કસોટી છે. પ્રાણી કે માણસે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને જો પોતાની જાત પ્રત્યે આકર્ષણ કે રસ ધરાવે તો તે ‘સજાગ’ છે એમ કહી શકાય. સ્વઓળખ એ સજાગતાનું સૂચન કરતું એક લક્ષણ છે. કૂતરા, ડૉલ્ફિન, વાનર જેવી ઊંચી કક્ષાનાં પ્રાણીઓ આ અરીસા-કસોટીમાં પસાર થાય છે.

અલબત્ત, વર્તનમાં સજાગતાનું તત્વ કેટલે અંશે સંકળાયેલું છે એ એક તાત્ત્વિક ચર્ચાનો, વિવાદનો પણ વિષય છે. વર્તનવાદી મનોવિજ્ઞાનીઓ તેમજ શુદ્ધ ભૌતિકવાદી તત્વજ્ઞાનીઓ માને છે કે સજાગતાના ખ્યાલને વચમાં લાવ્યા વગર કેવળ શરીરવ્યાપારોના સંદર્ભમાં તમામ પ્રકારના વર્તન-વ્યવહારોને સમજાવી શકાય છે. સજાગતા હોય તોપણ તેનું કોઈ મહત્વ નથી. સજાગતા માત્ર એક ઉપતત્વ (epiphenomenalism) છે.

સજાગતાની વિભિન્ન અવસ્થાઓ : વ્યક્તિ સામાન્ય જાગ્રત અવસ્થા, સજાગતામાં હોય તેના કરતાં ઘણી ભિન્ન લાગે એવી સ્થિતિઓને સજાગતા-ચેતનાની પરિવર્તિત અવસ્થાઓ કહે છે. મનોવિજ્ઞાનીઓ (1) ઊંઘ અને સ્વપ્ન, (2) ધ્યાન અને યોગ, (3) ઔષધોની અસર, (4) સંમોહન વગેરે સ્થિતિઓને સજાગતાની પરિવર્તિત સ્થિતિઓ કહે છે.

ઊંઘ અને જાગ્રત સ્થિતિ બંને પરસ્પરવિરોધી કહેવાય, છતાં બંને સ્થિતિઓ વચ્ચે કેટલીક સમાનતાઓ છે. જાગ્રત અવસ્થામાં સંભવે છે તેમ ઊંઘ દરમિયાન સ્વપ્નો આવે છે તેમાં વિચારક્રિયા, તરંગવ્યાપારો, આવેગ-લાગણીની પ્રક્રિયાઓ થાય છે. એટલે ઊંઘ તદ્દન નિષ્ક્રિય અવસ્થા ન કહેવાય. કેટલાકને ઊંઘમાં બબડવાની, ચાલવાની ટેવ હોય છે. ઊંઘતો માણસ બાહ્ય વાતાવરણમાંનાં ઉદ્દીપકો પ્રત્યે તદ્દન અસંવેદનશીલ હોય છે એવું હોતું નથી. વ્યક્તિના નામની બૂમ પડે, ટેલિફોનની ઘંટડી વાગે, તેને કોઈ હલાવે તો તે જાગી જાય છે. જાગ્રત સ્થિતિ તેમજ ઊંઘ અને સ્વપ્ન સ્થિતિ વચ્ચે તફાવત તપાસવાના અભ્યાસો થયા છે. ઊંઘ દરમિયાન મગજમાં થતી પ્રક્રિયાઓનું વિદ્યુત સાધનો દ્વારા માપન; વીજનેત્રાલેખ (Electroculogram, EOG), વીજ-સ્નાયુ-આલેખ (Electromyogram – EMG) તેમજ ઊંઘ દરમિયાન આંખમાં થતી ઝડપી હિલચાલો (Rapid Eye movement  REM) વગેરે તપાસવામાં આવે છે. સ્વપ્નના મનોવિજ્ઞાન વિશે સિગ્મંડ ફ્રૉઇડે ‘Interpretation of Dreams’(1909)માં વિગતે વિશ્લેષણ કર્યું છે. મનોવિશ્લેષણાત્મક રીતે થયેલા આ અભ્યાસ પછી આજે સ્વપ્ન વિશે અનેક પ્રકારના અભ્યાસો થયા છે.

ધ્યાન અને યોગ સજાગતાની એવી અવસ્થા છે જેને ચોક્કસ પ્રકારની શારીરિક કસરત, પ્રક્રિયાઓ અને માનસિક વિધિઓથી પહોંચી શકાય છે. ધ્યાન તેમજ યોગ-અવસ્થાનું મનોવૈજ્ઞાનિક મૂલ્ય એ છે કે આ સ્થિતિઓમાં વ્યક્તિ માનસિક શાંતિ, હળવાશ અને તણાવમુક્તિ અનુભવે છે.

સજાગતા અને ચિત્તની સ્થિતિમાં પરિવર્તન લાવવા તેમજ માનસિક અસરો ઉપજાવવા માટે વિવિધ પ્રકારનાં રાસાયણિક દ્રવ્યો, ઔષધોનો ઉપયોગ થાય છે; જે મગજમાં જૈવ-રાસાયણિક ફેરફારો ઉપજાવે છે. પરિણામે સજાગતાની સ્થિતિઓમાં પરિવર્તનો આવે છે. આવાં દ્રવ્યો ચાર પ્રકારનાં છે : (1) શામકો (મદ્ય, કોકેન, હેરોઇન) જે મજ્જાતંત્રની ક્રિયાશીલતા નીચી લાવે છે. (2) ઉત્તેજકો (એમ્ફિમેટાઇન, કોકેન) જે મજ્જાતંત્રની ક્રિયાશીલતા તીવ્ર બનાવે છે; (3) વિભ્રમોત્પાદકો (એલ. એસ. ડી., મેરીજુઆના) જે વાસ્તવિકતાના પ્રત્યક્ષીકરણમાં ફેરફારો-વિકૃતિઓ સર્જે છે; (4) મનોપચારકો જે માનસિક રોગોનાં ચિહ્નો હળવાં બનાવે છે.

સંમોહન એવા પ્રકારની સજાગતાની સ્થિતિ છે જે એક વ્યક્તિ (સંમોહનકર્તા) બીજી વ્યક્તિ(સંમોહન પાત્ર)ને સૂચનો આપીને તેની સજાગતાની સ્થિતિમાં પરિવર્તન ઉપજાવે છે. સંમોહિત થયેલી વ્યક્તિમાં એવી મનોદશા સર્જાય છે કે તે સંમોનહકર્તાનાં સૂચનોને પોતે જાતે કોઈ પણ વિચાર કર્યા વગર અમલમાં મૂકે છે.

ગૂઢવાદમાં રસ ધરાવતા કેટલાક અભ્યાસીઓ મન કે સજાગતાની અસાધારણ ગૂઢ શક્તિ, શરીરતત્વથી પર ચૈતસિક શક્તિ, અતિચેતનાના અસ્તિત્વના દાવા કરે છે. તેઓ કહે છે કે વ્યક્તિમાં તેની ઇન્દ્રિયો, મજ્જાતંત્રના હસ્તક્ષેપ વગર અનુભવો થવાની ઘટનાઓ બને છે; દા.ત., અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણની ઘટનાઓ બને છે. આવી ઘટનાઓમાં વિચારસંક્રમણ, પૂર્વજ્ઞાન, દૂર-અવરોધ-દર્શન, મનોગતિ, હવામાં ઊડવું, સૂક્ષ્મ, અશરીરી રૂપમાં આત્માનું અસ્તિત્વ, ભૂતપ્રેતનું અસ્તિત્વ અને આત્માનો પુનર્જન્મ વગેરેનો સમાવેશ થાય છે. વાસ્તવિક વસ્તુલક્ષી વિજ્ઞાનની દૃષ્ટિએ તપાસતાં આવી અતિસજાગતાની ઘટનાઓના અસ્તિત્વ વિશે કોઈ પ્રમાણભૂત, ચકાસણી કરી શકાય તેવા પુરાવા અત્યાર સુધી મળ્યા નથી.

ભાનુપ્રસાદ અ.પરીખ