સચ્ચિદાનંદન, પી. (. 17 ઑક્ટોબર 1936, ઇરિંજલકુડા, જિ. તિસ્સાર, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની ડિગ્રી મેળવી, ઇજનેર તરીકે જોડાયા અને સેવાનિવૃત્ત થયા. તેમણે સેન્ટ્રલ વૉટર કમિશનના ડિરેક્ટર તરીકે કામગીરી કરી. ‘આનંદ’ તેમનું તખલ્લુસ છે.

તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. ‘અલ્ક્કુટમ્’ (1970); ‘મરણ સર્ટિફિકેટ’ (1974); ‘ઉત્તરાયણમ્’ (1982); ‘અભયાર્તિકાલ’ (1984); ‘મરુભૂમિકાલ ઉંતવુન્નાટુ’ (1989); ‘ગોવર્ધન્તે યાત્રાકાલ’ (1995) – આ બધી તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. ‘વીતમ તતવમ્’ (1980); ‘સંવાદમ્’ (1987); ‘અસાન્તમ્’ (1991) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘જૈવ મનુષ્યાન્’ (1991) તેમનો તત્વજ્ઞાનવિષયક ગ્રંથ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને ત્રણ વખત કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; વયલાર ઍવૉર્ડ; અને 1997માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવેલા.

બળદેવભાઈ કનીજિયા