સચ્ચિદાનંદન, કે. (જ. 28 મે 1946, પુલ્લુટ, જિ. થ્રિસુર, કેરળ) : મલયાળમ કવિ અને વિવેચક. તેમણે કાલિકટ યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્રમાં બીએસ.સી.; કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. તથા કાલિકટ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. હાલ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં સેક્રેટરી. 1979-92 સુધી ક્રિસ્ટ કૉલેજ ઇરિન્જલકુડામાં અંગ્રેજીના પ્રાધ્યાપક; કાલિકટ યુનિવર્સિટીની ભાષાવિદ્યાશાખાના સભ્ય; મલયાળમ સામયિક ‘જ્વાલા’, ‘ઉત્તરામ’, ‘વિચિંતનમ્’ના સંપાદક; અંગ્રેજી-હિંદી જર્નલ ‘વર્ણમાલા’ના સંપાદક; ‘વાગર્થ’ ભારત ભવન, ભોપાલના સલાહકાર. 1992-96 દરમિયાન સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં ‘ઇન્ડિયન લિટરેચર’ના સંપાદક રહેલા.
તેમણે 15 અનુવાદો સહિત અંગ્રેજીમાં 50થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અન્ચુસૂર્યન્’ (1971); ‘એળુતાચન એળુતુમ્બોલ’ (1979); ‘સચ્ચિદાનંદન્તે કવિતાકાલ’ (1983, 1987); ‘ઇવાને કકૂડી’ (1987); ‘વીડુમાત્તમ’ (1988); ‘કાયત્તમ’ (1990); ‘દેશાટનમ્’ (1994); ‘પૂર્ણમ્’ (1998) તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. ‘સૌંદર્યવમ્ અધિકારવમ્’ (1993) સાહિત્યિક વિવેચન; ‘ઇન્ડિયન લિટરેચર : પોઝિશન્સ ઍન્ડ પ્રપોઝિશન્સ’ (1999) અંગ્રેજીમાં વિવેચન; ‘જેસ્ચર્સ’ (સાર્ક કાવ્યસંગ્રહ) સહિત અંગ્રેજીમાં સંખ્યાબંધ કાવ્યસંગ્રહોનું સંપાદન અને સંકલન; કાવ્યો હિંદી, અંગ્રેજી, અન્ય ભારતીય ભાષાઓમાં અને વિદેશી ભાષાઓમાં અનૂદિત કરી; 1985માં વાલ્મીકિ પૉએટ્રી ફેસ્ટિવલ, સારાજેવો પૉએટ્રી ડેઝ, યુગોસ્લાવિયા ખાતે ભારતીય કવિતાનું પ્રતિનિધિત્વ; 1988માં રશિયામાં ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા; 1994માં ચીનમાં ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયામાં પ્રતિનિધિત્વ કર્યું. વિદેશના અન્ય દેશોનો પ્રવાસ ખેડ્યો.
સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1990માં શ્રીકાન્ત વર્મા ફેલોશિપ; ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગમાંથી સિનિયર ફેલોશિપ; 1984 અને 1989માં એમ બે વાર કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; 1993માં ઓમાન કલ્ચરલ સેન્ટર ઍવૉર્ડ; 1996માં કાવ્ય માટે ઉલ્લૂર ઍવૉર્ડ તથા 1997માં મહાકવિ પી. કુન્હિંરામન નાયર ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા