સગોત્રતા (consanguinity) : લોહીની સગાઈ અથવા સમાન પૂર્વજોને કારણે ઉદ્ભવતું સગપણ. માતા કે પિતાની સગાઈથી ઉદ્ભવતી સગોત્રતાને અનુક્રમે માતૃપક્ષી સગોત્રતા અને પિતૃપક્ષી સગોત્રતા કહે છે. તેનો સંબંધ વ્યક્તિગત સંબંધો, સામાજિક સંબંધો, કૌટુંબિક તથા આનુવંશિક રોગો અને વિકારો, કાયદાને સંબંધે લગ્ન તથા વારસાઈ હકના મુદ્દાઓ તથા ધાર્મિક અને નૈતિક વિચારણાઓ અને મૂલ્યો સાથે છે. જુદા જુદા ધર્મો અને સમાજોમાં સગોત્રતાની વિવિધ કક્ષાએ લગ્નસંબંધ વર્જ્ય, અવૈધ અને અનૈતિક ગણાય છે. સામાન્ય રીતે બધા જ સમાજોમાં પ્રથમ કક્ષાની સગોત્રતા(માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી)માં લગ્નસંબંધ નિષિદ્ધ છે; પરંતુ કેટલાક સમાજોમાં તે દ્વિતીય કક્ષાની સગોત્રતા(માતા-પિતાનાં ભાઈ-બહેનનાં બાળકો)માં કે સહોદર ન હોય તેવાં ઓરમાન ભાઈબહેન સાથે લગ્નસંબંધ સ્વીકાર્ય છે. હિન્દુ ધર્મમાં પિતૃપક્ષી સગોત્રતાને અધાર્મિક ગણાઈ છે. હાલ 7 પેઢી પછી તેને વૈધ (કાયદાની રીતે સ્વીકાર્ય) ગણવામાં આવે છે.
પશ્ચિમમાં શરૂઆતના ગાળામાં આ અંગે કડક નિયમો ન હતા. ઍથેન્સમાં એક પિતાથી જન્મેલાં ઓરમાન ભાઈ-બહેન, સ્પાર્ટામાં એક માતાથી જન્મેલાં ઓરમાન ભાઈ-બહેન અને ઇજિપ્ત અને પર્શિયામાં સગાં ભાઈ-બહેન વચ્ચે લગ્ન અને દૈહિક સંબંધો થતાં હતાં. તે સમયે લગ્નસંબંધોને કુટુંબની મર્યાદામાં રાખવાનો રિવાજ હોય તેવું મનાય છે. મોઝેઇક કાયદામાં લગ્નસંબંધે કેટલાંક નિયંત્રણો આવ્યાં; જેથી માતા, સગી કે ઓરમાન બહેન, પૌત્રી તથા માસી કે ફોઈ સાથે લગ્ન અવૈધ બન્યું. રોમનોના શરૂઆતના સમયથી મસિયાઈ કે પિત્રાઈ ભાઈ-બહેનમાં લગ્નો થતાં ન હતાં, પરંતુ ક્યારેક યુદ્ધસમયે તેવાં લગ્નો થયાં હતાં. કાકા-ભત્રીજી કે મામા-ભાણી વચ્ચેનાં લગ્ન અવૈધ ગણાતાં. નિકોલાસ પહેલા(858-67)એ તેના પત્રમાં જણાવ્યું છે કે પિતા-પુત્રી, માતા-પુત્ર, દાદા-પ્રપૌત્રી, દાદી-પ્રપૌત્ર આમ બંને બાજુએ અનંત સંબંધો સુધી એક લંબરેખામાં આવેલા સંબંધોમાં લગ્ન ન થવાં જોઈએ; પરંતુ ઇનોસન્ટ (ત્રીજો) લોહીની સગાઈવાળાં યુગલોને ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી થાય તો તેમને સ્વીકારે છે. આઠમી સદીમાં ચર્ચ દ્વારા જર્મનો માટે 7 કક્ષા સુધીની સગોત્રતામાં લગ્ન અસ્વીકાર્ય ગણવામાં આવ્યાં.
સંત ઑગસ્ટિન અને સંત થૉમસના મતે સામાજિક વ્યવસ્થાના કલ્યાણ માટે સમગ્ર માનવજાત માટે મૈત્રી અને પ્રેમ હોવાં જોઈએ; તેથી મધ્યકાલીન યુગમાં લોહીના સંબંધોમાં લગ્નને અસ્વીકાર્ય કરીને જુદી જુદી જાતો અને જુદા જુદા પ્રકારના લોકો સુમેળ સાથે રોમન સામ્રાજ્યમાં વસે તેવી સ્થિતિ પેદા કરી હતી. કુટુંબો અને પ્રજાતિઓ વચ્ચેના વાડાઓને તોડીને શાંતિ, સુમેળ અને તાલમેલ થાય તેવા સમાજની રચના કરવાની નેમ હતી. મોટા થતા જતા ખ્રિસ્તી સમાજમાં તેની જરૂર હતી. વળી એવું પણ જોવામાં આવ્યું હતું કે કુદરત પણ આવાં જોડાણોને સ્વીકારતી નથી; કેમ કે, તેમાં વ્યંધ્યતા, શારીરિક રોગો તથા માનસિક વિકારો થવાની સંભાવના વધુ રહેલી જોવા મળી હતી.
સગોત્રતાની કક્ષાની ગણતરી : તેમાં 3 બાબતોને મહત્વ અપાય છે – રેખા (line); કક્ષા અથવા અંતર (degree) અને મૂળ (stock અથવા root). લોહીની સગાઈવાળી વ્યક્તિઓ, જે એક પૂર્વજ પુરુષ અથવા સ્ત્રી દ્વારા એકબીજાથી જોડાઈ હોય તે વ્યક્તિને મૂળ કહે છે. લોહીની સગાઈથી જોડાયેલી વ્યક્તિઓ વચ્ચેના સંબંધના પેઢીઓના અંતરને અંતર કહે છે. એક પૂર્વજ મૂળથી સીધી રેખામાં ઊતરી આવેલી વ્યક્તિઓની શ્રેણીને રેખા કહે છે. આવી રેખા લંબરેખા હોય છે જે દાદા-પિતા-પુત્ર/પુત્રીની જેમ એક રેખામાં ઊતરે છે. જ્યારે એક પૂર્વજ મૂળમાંથી ઊતરી આવેલા પણ એક લંબરેખામાં ન હોય તેઓને પાર્શ્ર્વ-રેખા(collateral)ના સંબંધો કહે છે. તેમાં પિતરાઈ/માસિયાઈ ભાઈ-બહેનો આવે છે. પાર્શ્ર્વરેખા સમાન કે અસમાન હોઈ શકે છે. લોહીની સગાઈ ગણવા માટે મૂળથી અંતર શોધી કાઢવામાં આવે છે અને તેને આધારે કેટલી પેઢી કે કક્ષાનું અંતર છે તે ગણી કાઢવામાં આવે છે.
રોમન નાગરિક અને કેનન કાયદામાં લંબરેખામાં જેટલી પેઢી એટલી કક્ષા ગણવામાં આવે છે અને મૂળને ગણતરીમાં લેવામાં આવતું નથી. તેથી પુત્ર તેના પિતાથી પ્રથમ કક્ષાએ છે ત્યારે દાદા-પૌત્ર વચ્ચે 2 કક્ષાનું અંતર ગણાય છે. પાર્શ્ર્વરેખામાંના સંબંધો માટે રોમન નાગરિક કાયદામાં પેઢીદીઠ કક્ષા ગણવામાં આવે છે તેથી બે ભાઈઓ બીજી કક્ષાના અને બે પ્રથમ પિતરાઈ/મસિયાઈ ભાઈઓ ચોથી કક્ષાના સંબંધી ગણાય છે; પરંતુ કેનન કાયદામાં ભાઈબહેનોને પ્રથમ કક્ષાના, કાકા-ભત્રીજાને બીજી કક્ષાના લોહીના સંબંધીઓ ગણવામાં આવે છે. આમ આ બંને કાયદામાં અલગ અલગ રીતે લોહીના સંબંધની કક્ષા ગણાય છે.
એક માતાપિતાનાં બાળકોને સમબૈજિક (german) બાળકો કહે છે, એક માતા પણ અલગ અલગ પિતા હોય તો તેમને સમયૌનિક બાળકો (uterine children) કહે છે અને એક પિતા અને અલગ અલગ માતાઓ હોય તો સમરુધિરી બાળકો (blood children) કહે છે. આ પ્રકારની ગણતરીમાં બાળકની વૈધિકતા(legitimacy)ને મહત્વ આપવામાં આવતું નથી. એક માતાનાં બાળકોને (પિતા એક જ હોય કે ન પણ હોય) સહોદર (siblings) કહે છે. ક્યારેક બે ભાઈઓ બે એવી બહેનોને પરણે જે સગોત્રી લગ્નો હોય તો તેનાથી ઉદ્ભવતી સગોત્રતા બમણી બને છે.
અમેરિકામાં એક લંબરેખામાં બધી કક્ષાએ અને પાર્શ્ર્વરેખામાં કાકા, મામા, ફોઈ, માસી તથા તેમનાં બાળકો સાથેનાં લગ્નોને અવૈધ માનવામાં આવે છે.
સગોત્રતાના સંબંધને ગાણિતિક રીતે પણ દર્શાવવામાં આવે છે. જો 2 વ્યક્તિઓ (a અને b) હોય અને તેમની વચ્ચેના નજીકના સહસામાન્ય (common) પૂર્વજ (c) અથવા તો ‘મૂળ’થી તેમનું પેઢીની સંખ્યાની દૃષ્ટિએ અંતર અનુક્રમે Ga અને Gb હોય X અને Y મૂલ્યો ગણી કઢાય છે, જેને આધારે તેમની વચ્ચેનો સંબંધ દર્શાવી શકાય છે. અહીં X = ટૂંકામાં ટૂંકું (Ga, Gb) અને Y = | Ga – Gb |
આવી સ્થિતિમાં
જો |
તો |
|
X |
Y |
તેઓ છે |
0 | 0 | એક જ વ્યક્તિ |
0 | 1 | પિતા/માતા અને પુત્ર/પુત્રી (જનક/જનની અને સંતતિ) |
0 | 2 | દાદા/દાદી (પિતામહ/પિતામહી કે માતામહ/માતામહી) અને પૌત્ર/પૌત્રી કે દૌહિત્ર/દૌહિત્રી. |
0 | >2 | બીજી કક્ષાથી વધુ દૂરનાં વડીલો અને પિતરાઈ કે મસિયાઈ બાળકો. |
1 | 0 | સહોદર (sibling) એટલે કે ભાઈ/બહેન |
1 | 1 | કાકા/ફોઈ અને ભત્રીજો/ભત્રીજી અથવા મામા/માસી અને ભાણો/ભાણી |
1 | >1 | બીજી કે વધુ કક્ષાએ કાકા/ફોઈ/મામા/માસી અને બીજી કે વધુ કક્ષાએ ભત્રીજો/ભત્રીજી/ભાણો/ભાણી |
>1 | 0 | (X-1) કક્ષાએ પિતરાઈ/મસિયાઈ ભાંડુ |
>1 | > 0 | (X-1) કક્ષાએ Y પેઢી દૂરના પિતરાઈ/મસિયાઈ ભાંડુ |
જનીનવિદ્યા : સગોત્ર લગ્નસંબંધથી ઉદ્ભવતી સંતતિમાં કેટલાક રોગ કરતા પ્રચ્છન્ન (recessive) જનીનો બેવડાય તેવી સંભાવના વધે છે અને તેથી જે તે રોગ થવાની સંભાવના પણ વધે છે. આમ દેહસૂત્ર (autosome) કે લિંગસૂત્ર (sex chromosome) એમ બંને પ્રકારના રંગસૂત્રો પરના પ્રચ્છન્ન (અલ્પપ્રભાવી) જનીનો વડે થતા રોગોની સંભાવના વધે છે.
આ પ્રકારના રોગોમાં હિમોક્રોમેટોસિસ, સિકલસેલ ઍનિમિયા (દાત્રકોષી પાંડુતા), સિસ્ટિક ફાઇબ્રોસિસ, આલ્ફા-1-ઍન્ટિટ્રિપ્સિનની ઊણપ, સિસ્ટિન્યુરિયા, આલ્બિનિઝમ, ગ્લાયકોજન સ્ટોરેજ રોગ, વિલ્સનનો રોગ વગેરેનો સમાવેશ થાય.
શિલીન નં. શુક્લ