સગુણ : રૂપ, સત્વ વગેરે ગુણો ધરાવનારું તત્વ. ‘ગુણ’ શબ્દનો ગીતામાં 2122 વાર ઉલ્લેખ થયેલો છે, જ્યારે ચૌદમા અધ્યાયમાં તો ‘ગુણત્રયવિભાગ’નો સ્પષ્ટ ખ્યાલ અપાયો છે. મૂળ ‘ગુણ’ શબ્દના તો અનેક અર્થ છે, 24થી ઓછા નહિ એટલા. ‘સગુણ’ – ‘નિર્ગુણ’ શબ્દો આવે ત્યારે ગીતોક્ત ત્રણ ગુણો ચોક્કસ યાદ આવે અને ‘સત્વ’, ‘રજસ્’ અને ‘તમસ્’, જે ‘પ્રકૃતિ’‘સ્વભાવ’ એવા એક ચોક્કસ અર્થ આપે છે. તત્વજ્ઞાનની દૃષ્ટિએ તો ‘પુરુષ’ અને ‘પ્રકૃતિ’  એ મૂળ તત્વો છે. એમાંની ‘પ્રકૃતિ’માંથી એ ત્રણેય ગુણ વિકસી આવ્યા છે. એ ત્રણેય ગુણોની લાક્ષણિકતા છે, જે ચેતન પ્રાણધારીઓમાં જોવા મળે છે. એ ત્રણેય અવિનાશી જીવોને બંધનકારક બને છે. આ ત્રણ ગુણોમાં સત્વગુણ નિર્મલ હોવાથી પ્રકાશ પાથરનારો છે, એ નીરોગ છે અને સુખ તથા જ્ઞાનથી પ્રાણીઓમાં પ્રભુત્વ ધરાવે છે. રજોગુણની લાક્ષણિકતા એ છે કે એમાં આસક્તિ છે, જે તૃષ્ણા-લાલચને કારણે પ્રાણીઓમાં રહે છે અને કાર્ય કરાવ્યાં કરે છે. તમોગુણ તો અજ્ઞાનમાંથી ઊભો થાય છે, જે ચેતન પ્રાણીઓને મૂઢ બનાવે છે. પ્રમાદ, આળસ અને ઊંઘ દ્વારા ચેતન પ્રાણીઓને ફસાવી રાખે છે. સત્વગુણ સુખને લાવી આપે છે, રજોગુણ દુન્યવી પ્રવૃત્તિમાં લઈ જાય છે, જ્યારે તમોગુણ તો ચેતન પ્રાણીના સ્વભાવને જ જકડી રાખે છે અને પ્રમાદી બનાવે છે. આ ત્રણ ગુણોથી પરમ તત્વ-પરબ્રહ્મ-પરમાત્મા-પરમેશ્વર સદા દૂર રહે છે. આ ત્રણ ગુણ ચોક્કસ પ્રકારના અર્થોથી ભરેલા છે. સત્વ ઉત્તમોત્તમ ગુણ છે છતાં પણ એ જીવન-મરણના ચક્રને અધીન છે, વારંવાર જન્મ અને મરણના ચક્રમાં ફરતો રાખે છે. તત્વજ્ઞાનીઓ આવા ચક્રમાં પોતે ન ફસાય એ માટે પરમ તત્વપરમાત્માપરમેશ્વર સાથેના સાયુજ્યને ઇષ્ટ માને છે. બ્રહ્મની ત્રણ કક્ષા છે : પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ અને અંતર્યામી. આમાં માત્ર પરબ્રહ્મ-પરમાત્મા-પરમેશ્વર નિર્ગુણ છે અને તેથી બંધનોથી પર છે. સમગ્ર સૃદૃષ્ટિ અક્ષરબ્રહ્મ વડે છે. જ્ઞાનની પરાકોટિ અક્ષરબ્રહ્મ છે અને ચતુર્વિધ મોક્ષ એ અક્ષરબ્રહ્મમાં રહેલો છે, છતાં નિર્ગુણતાની સેવાઓને કોઈ જરૂર નથી. આ જ સગુણતા છે. પરમબ્રહ્મ, નિર્ગુણ = ગુણાતીત છે. આ ‘નિર્ગુણ’ શબ્દ સદ્વર્તનવાચક ‘ગુણ’નો વિરોધી અર્થ લોકમાં વપરાય છે ત્યારે ‘નગુણું’ અર્થ આપે છે. गुणा गुणज्ञस्य गुणा भवन्ति, ते निर्गुणं प्राप्य भवन्ति दोषा:। ગુણ શું છે એનો જેને ખ્યાલ છે. તે માણસને સામામાં રહેલા ગુણ ‘ગુણ’ તરીકે જ દેખાય છે, પરંતુ જેમાં ગુણની કદર નથી તેવો નગુણો માણસ સામાના ગુણોને દોષ જ માને છે.

ઉપનિષદોમાં પરમેશ્વરનું સગુણ, નિર્ગુણ અને મિશ્ર – એ ત્રણ પ્રકારોનું વર્ણન છે. રૂપ, રંગ, આકાર, ભાવ વગેરે ગુણવાળું ઈશ્વરનું તત્વ એ સગુણ છે, જે જગતના કર્તારૂપ છે. મનુષ્ય જેવા દેહવાળા રામ, કૃષ્ણ વગેરે વિષ્ણુના અવતારો સગુણ સ્વરૂપનાં ઉદાહરણો છે. વળી સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સત્યકામ, સત્યસંકલ્પ એવું ગુણોથી વિશિષ્ટ તથા ક્લેશ, કર્મ, વિપાક, આશય વગેરે દોષોથી રહિત એવું ઈશ્વરનું તત્વ સગુણ બ્રહ્મ કહેવાય છે. સત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણવાળી પ્રકૃતિ માયા છે અને માયાની ઉપાધિથી વિશિષ્ટ ઈશ્વરનું તત્વ છે કે જે સગુણ સ્વરૂપને ઉપનિષદો ‘માયિન્’ અર્થાત્ માયાવાળું એવા શબ્દથી વર્ણવે છે. આવા સગુણ ઈશ્વરની ઉપાસના ઉપાસક જ્ઞાનેન્દ્રિયો વડે ઈશ્વરના રૂપને પ્રત્યક્ષ કરીને કરે છે. આ સગુણની ઉપાસના પહેલાં કરવી પડે છે અને તે બહુ મુશ્કેલ નથી. જ્યારે એથી વિપરીત નિર્ગુણની ઉપાસના ખરેખર મુશ્કેલ છે અને સગુણની ઉપાસના કર્યા પછી જ તે થઈ શકે છે, કારણ કે નિર્ગુણ એવું બ્રહ્મતત્વ નિરાકાર, નિરંજન, શાંત છે. પરિણામે નિર્ગુણની ઉપાસના ઉપાસકે મનથી ગોચર કરીને કરવી પડે છે તે બહુ મુશ્કેલ છે. ટૂંકમાં, વ્યક્ત ઈશ્વરની ઉપાસના અવ્યક્ત બ્રહ્મતત્વની ઉપાસનાની તુલનાએ ઓછી મુશ્કેલ છે.

કે. કા. શાસ્ત્રી