સગીર : સંબંધિત કાયદા દ્વારા પુખ્તતા માટે નિર્ધારિત કરેલ ઉંમર પૂરી ન કરેલ વ્યક્તિ. સને 1875ના પુખ્ત વય અધિનિયમ [Indian Majority Act] અનુસાર અઢાર વર્ષની ઉંમર પૂરી થતાં સગીરાવસ્થા પૂરી થાય છે, પણ જે સગીરની જાત કે મિલકત માટે અદાલત દ્વારા વાલી નીમવામાં આવ્યો હોય તેની ઉંમર એકવીસ વર્ષની થતાં તે પુખ્ત વયનો થયો ગણાય છે. સને 1875 પહેલાં સોળ વર્ષની ઉંમર સુધી સગીરાવસ્થા ચાલુ ગણાતી.
જે વ્યક્તિ સગીર હોય તેની બુદ્ધિ પરિપક્વ નથી થઈ એમ માનીને
(1) તેની જાત કે મિલકત માટે વાલી કામ કરે છે.
(2) તે પોતાનું હિત-અહિત સંપૂર્ણપણે વિચારી શકતો નથી એમ માનીને એ કરાર કરવા સક્ષમ ગણાતો નથી અને જો એ કોઈ લેખિત કરારના દસ્તાવેજમાં સહી કરે તો તે કરાર કાયદાનુસાર રદબાતલ ગણાય છે અને તેથી સગીર ભાગીદાર થઈ શકતો નથી.
(3) અદાલતમાં દાવો કરવા દરેક પુખ્ત વયની વ્યક્તિ માટે મુદતબંધીના કાયદામાં મુદત દર્શાવેલી હોય છે, પણ સગીર વયની વ્યક્તિ માટે દાવો કરવાની મુદત તેની સગીરાવસ્થા પૂરી થયા પછી શરૂ થાય છે.
વાલી : સગીરની જાત કે મિલકત માટે તેનો પિતા અને પિતાની પછી તેની માતા કુદરતી વાલી ગણાય છે. સગીરાવસ્થા દરમિયાન કુદરતી વાલી ન હોય તો અદાલત તેના માટે વાલીની નિમણૂક કરે છે. આવી નિમણૂક કરવાની હકૂમત જિલ્લા ન્યાયાલય અને વડી અદાલતને હોય છે અને તે માટે સને 1890નો ‘પાલક અને પાલ્ય ધારો’ અમલમાં છે. કુદરતી વાલી તરીકે પિતા કે માતા સગીરની જરૂરિયાતના પ્રસંગે અથવા તેની મિલકતના લાભાર્થે તેની મિલકત કે તેનો ભાગ વેચી શકે છે કે ગીરો આપી શકે છે, પણ તેની સામે અંગત કે વ્યક્તિગત નાણાકીય જવાબદારી ઊભી કરી શકે નહિ. જે રકમ સગીરના વાલી તરીકે ચૂકવવાની કાયદેસરની જવાબદારી ઊભી થાય એ એની મિલકતમાંથી જ વસૂલ થઈ શકે. સગીરના પિતા પોતાના વસિયતનામા દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિને સગીરની જાત કે મિલકત માટે વાલી તરીકે નીમી શકે. જ્યારે અદાલત દ્વારા વાલીની નિમણૂક કરવાની હોય ત્યારે સને 1890ના ‘પાલક અને પાલ્ય અધિનિયમ’ મુજબ સગીરના કલ્યાણ માટે જ કરી શકે; અને તે માટે અદાલત સગીરની ઉંમર, તેની જાતીયતા (sex), સૂચિત વાલીનું ચારિત્ર્ય અને ક્ષમતા, સગીર સાથેનું સગપણ અને સગીરનાં મૈયત માતા-પિતાની ઇચ્છા – આ બધી બાબતો વિચારણામાં લેવાની રહે છે.
કરારક્ષમતા : ભારતીય કરારના કાયદા મુજબ કોઈ સગીર કરાર કરવા સક્ષમ હોતો નથી. તેથી એ કોઈ પણ લેખિત કરારમાં કે દસ્તાવેજમાં સહી કરે તો તે મૂળથી જ રદબાતલ ગણાય છે અને સગીર પુખ્ત વયનો થયા પછી પણ તેને અનુમોદન આપી શકતો નથી. આવા કરારમાંથી સગીરની વિરુદ્ધ કોઈ પણ જવાબદારી ઊભી કરી શકાતી નથી. પરિણામે આવા કરારના આધારે સગીરની મિલકતની માલિકી અન્યને મળી શકતી નથી, તેમજ આવા કરારનું વિશિષ્ટ પાલન કરવા દાવો થઈ શકતો નથી, વળી એવા કરાર હેઠળ કોઈ લાભ કે નાણાં મેળવ્યાં હોય એ પાછાં મેળવવા દાવો થઈ શકતો નથી.
આના પરિણામે કોઈ પણ વ્યક્તિ કિંમત લીધા વિના સગીરને કોઈ વસ્તુ આપવા તૈયાર થાય નહિ માટે સગીરને રક્ષણ આપવા માટે એવી જોગવાઈ છે કે જે સગીરનો વાલી નથી કે નીમવામાં આવ્યો નથી એવા સગીરને તેની સામાજિક અને આર્થિક સ્થિતિ મુજબ આવશ્યક જણાતી વસ્તુઓ પૂરી પાડવામાં આવી હોય અને તે વખતે સગીર પાસે એવી જરૂરિયાતોનો પૂરતો જથ્થો ન હોય, તો આવી વસ્તુઓની વાજબી કિંમત સગીરની મિલકતમાં વસૂલ કરી શકાય; સગીર અંગત રીતે જવાબદાર બને નહિ. સગીરની જરૂરિયાતોમાં તેનું શિક્ષણ, લગ્ન, કોર્ટના દાવાદૂવી વગેરેના ખર્ચનો સમાવેશ થાય છે. આવી જોગવાઈ કરવા માટે કાયદો કૃત્રિમ કરાર કે અર્ધકરાર(Quasi-contract)નું અસ્તિત્વ માની લે છે.
સગીરની કરાર કરવાની અસમર્થતાને લીધે તે કોઈ પેઢીમાં ભાગીદાર બની શકતો નથી, કારણ કે ભાગીદારી એ કરારનું જ પરિણામ છે, પણ જો બધા ભાગીદારો સંમત થાય તો સગીરને ભાગીદારીના માત્ર લાભો પ્રાપ્ત કરવા ભાગીદારીમાં દાખલ કરી શકાય. તેમ થાય તો તે અંગત રીતે પેઢીના દેવા માટે જવાબદાર થાય નહિ, પણ પેઢીમાંની તેની મિલકત જવાબદાર થાય.
મુદતબંધી : અદાલતમાં દીવાની હક્ક માટે દાવો કરવો હોય તો જુદા જુદા પ્રકારના દાવા કરવા માટે જુદી જુદી મુદત (Limitation Act 1963) કાયદામાં દર્શાવેલી છે અને દાવાનું કારણ ઊભું થાય (cause of action) ત્યારથી એ મુદત ગણવામાં આવે છે. આવી મુદત વીતી જાય તો તે પછી કરવામાં આવેલો દાવો રદ કરવામાં આવે છે અને દાવાના ગુણદોષ પર ધ્યાન આપવામાં આવતું નથી, કારણ કે કાયદો બેદરકાર અને આળસુ હોય એવી વ્યક્તિને મદદ કરવા માગતો નથી. પણ સગીરના રક્ષણ માટે એવી જોગવાઈ છે કે તેના દાવાનું કારણ તેની સગીરાવસ્થા પૂરી થાય તે પછી જ ઊભું થાય છે અને મુદત તે દિવસથી શરૂ થાય છે. આમ સગીર પુખ્ત વયનો થયા પછી દાવો કરી શકે છે.
ચિન્મય જાની