સગર્ભાવસ્થાનું અતિવમન (hyperemesis gravidarum)

January, 2007

સગર્ભાવસ્થાનું અતિવમન (hyperemesis gravidarum) : સગર્ભા સ્ત્રીને અતિશય ઊલટીઓ થવી તે. ઊલટી થવાનાં સગર્ભાવસ્થા સિવાય પણ અનેક કારણો હોય છે. સગર્ભાવસ્થામાં જોવા મળતી ઊલટીના વિકારનાં કારણો સારણીમાં દર્શાવ્યાં છે :

સારણી : સગર્ભા સ્ત્રીને થતી ઊલટીનાં કેટલાંક મહત્વનાં કારણો

વિભાગ અને જૂથ

ઉદાહરણો

(અ) શરૂઆતની સગર્ભતા
(1) સગર્ભતા સંબંધિત કારણો (i) પ્રાત:કાલીન વ્યાધિ (morning sickness) અથવા સગર્ભીવમન (emesis gravidarum)
(ii) સગર્ભી અતિવમન (hyperemesis gravidarum)
(2) અન્ય કારણો (i) ઔષધવશ્ય – કૃમિ, મૂત્રમાર્ગમાં ચેપ, ચેપી કમળો અથવા યકૃતશોથ (hepatitis), મધુપ્રમેહમાં કીટો-અમ્લતા, મૂત્રપિંડી નિષ્ફળતા
(ii) શસ્ત્રક્રિયાલક્ષી  આંત્રપુચ્છશોથ (appendicitis), પચિતકલાવ્રણ (peptic ulcer) એટલે કે જઠરમાં ચાંદું, આંતરડામાં અવરોધ, પિત્તાશયશોથ (cholecystitis)

(iii) સ્ત્રીજનનાંગી વ્યાધિઓ : અમળાઈ ગયેલી અંડપિંડી ગાંઠ કે કોષ્ઠ (cyst), ગર્ભાશયની તંતુસમ ગાંઠ(fibroid)માં વિષમતા

(આ) સગર્ભતાનો પાછલો ભાગ
(1) સગર્ભતા સંબંધિત કારણો (i) લાંબો ચાલેલો પ્રાત:કાલીન વ્યાધિ
(ii) ઉગ્ર અને અતિતીવ્ર સગર્ભવિષતા (toxaemia of pregnancy)
(2) અન્ય કારણો (i) ઉપર જણાવેલા ઔષધવશ્ય, શસ્ત્રક્રિયાલક્ષી અને સ્ત્રીજનનાંગી વ્યાધિઓ
(ii) ઉદરપટલીય સારણગાંઠ (hiatus hernia)

સગર્ભતા સંબંધિત વમન(ઊલટી)ને તેની તીવ્રતાને આધારે 2 ભાગમાં વહેંચાય છે – મંદ પ્રકારના વ્યાધિને પ્રાત:કાલીન અથવા ઉષાકાલીન વ્યાધિ (morning sickness) કહે છે, જ્યારે તીવ્ર પ્રકારના વ્યાધિને સગર્ભી અતિવમન (hyperemesis gravidarum) કહે છે. પ્રાત:કાલીન વ્યાધિને સગર્ભી વમન (emesis gravidarum) પણ કહે છે.

પ્રાત:કાલીન (ઉષાકાલીન) વ્યાધિ (સગર્ભી વમન) : સગર્ભા સ્ત્રીને શરૂઆતના મહિનાઓમાં સવારે ઊઠતી વખતે ઊબકા અને માંદગી જેવું લાગે છે. તે આશરે 50 % દર્દીઓમાં થાય છે અને તેથી તેને ઘણી વખત સગર્ભાવસ્થાનું લક્ષણ પણ ગણવામાં આવે છે. દિવસમાં તે અન્ય સમયે પણ થાય છે. ઊલટીનું પ્રમાણ થોડું રહે છે અને તે ચોખ્ખા પાણી જેવી કે પિત્તવાળી હોય છે. તેનાથી સગર્ભા સ્ત્રીના જીવનકાર્યને અસર થતી નથી અને તે સારવાર સાથે કે તેના વિના સગર્ભતાના 12થી 14મા અઠવાડિયે શમે છે. તેનું સ્પષ્ટ કારણ જાણમાં નથી, પરંતુ તે અંત:સ્રાવી (hormonal) અને પ્રતિરક્ષાલક્ષી (immunological) ક્રિયાઓમાં આવતા બદલાવને કારણે હશે તેવું મનાય છે. તેની તીવ્રતા ચેતાતંત્રીય પરિબળો દ્વારા વધ-ઘટ પામે છે.

સારવારમાં મુખ્ય બાબત સગર્ભા સ્ત્રીને હૈયાધારણ આપવાની છે. તેને પથારીમાંથી બહાર આવતાં પહેલાં થોડા હાથપગ હલાવવાની સૂચના અપાય છે. તે સમયે તેને સુક્કો શેકેલો પાંઉ (toast) અથવા બિસ્કિટ લેવાનું પણ કહેવાય છે. તૈલી કે મસાલેદાર ખોરાક ન લેવાથી પણ તકલીફ ઘટે છે. જો આ રીતે ઊલટી ન શમે તો ટ્રાયફ્લુઓપરેઝિન તથા ફિનોબાર્બિટોન રાત્રે અપાય છે. આ ઉપરાંત દર્દીને મધુશર્કરા (glucose) કે ફળના રસ સાથે પુષ્કળ પાણી પીવાનું પણ કહેવાય છે.

સગર્ભી અતિવમન (hyperemesis gravidarum) : તે સગર્ભા સ્ત્રીને થતી ઊલટીઓનો તીવ્ર વિકાર છે, જેમાં માતાના આરોગ્યને ખરાબ અસર પહોંચે છે અને તે રોજેરોજની ક્રિયાઓ કરવામાં અશક્તિ અનુભવે છે. તેનો નવસંભાવ્યદર (incidence) ઘટી રહ્યો છે અને હવે તે દર 1000 સગર્ભા સ્ત્રીઓમાં 1ને થાય છે. યોગ્ય ઔષધો, યોગ્ય પૂર્વજન્મ (antenatal) સારવાર અને આયોજનપૂર્વકની સગર્ભાવસ્થાએ તેના દરમાં ઘટાડો કર્યો છે.

તેનું કારણ સુસ્પષ્ટ નથી; પરંતુ અંત:સ્રાવી (hormonal), માનસિક, પોષણની ન્યૂનતાજન્ય, વિષમોર્જી (allergic) કે પ્રતિરક્ષાલક્ષી (immunological) પરિબળોને કારણે તે થાય છે તેવું મનાય છે. સામાન્ય રીતે તે સગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિનામાં જોવા મળે છે. તે પહેલી સગર્ભાવસ્થામાં વધુ જોવા મળે છે અને પછીની સગર્ભાવસ્થાઓમાં ફરીથી સંભાવના વધે છે. જે સ્ત્રીની માતા કે બહેનોને તે થયું હોય તેને આ વિકાર થવાની સંભાવના વધુ રહે છે. વળી તે બહુગર્ભી સગર્ભતા (જોડકાં ગર્ભશિશુ) હોય, દ્રાક્ષઝૂમખાં જેવા બહુકોષ્ઠાર્બુદ (hydatidiform mole) નામની ગાંઠ થઈ હોય તથા અનાયોજિત (unplanned) સગર્ભતા થઈ હોય તો તેવી પરિસ્થિતિઓમાં વધુ જોવા મળે છે.

દર્દીને અપોષણ અને ભૂખમરો થાય છે. તેને કારણે યકૃત (liver), મૂત્રપિંડ, હૃદય અને મગજમાં વિકારો થાય છે; જેમ કે, યકૃતમાં અને ક્યારેક મૂત્રપિંડની નલિકાઓમાં મેદીય અંત:પૂરણ (fatty infiltration) થવું, નાના કદનું હૃદય થવું, ક્યારેક હૃદયની અંદરની દીવાલ અથવા અંત:હૃદ્કલા(endocardium)ની નીચે લોહીનું વહેવું તથા વિટામિન B1ની ઊણપને કારણે વર્નિકની મસ્તિષ્કરુગ્ણતા (Wernicke’s encephalopathy) થવી વગેરે. ઊલટીને લીધે ભૂખમરો અને પાણીની ઊણપ (નિર્જલતા, dehydration) થાય છે. તેને કારણે કેટલીક ચયાપચયી (રાસાયણિક) અસરો પણ ઉદ્ભવે છે; જેમ કે, કીટો-અમ્લતાનો વિકાર (ketoacidosis) અને પેશાબ દ્વારા બિનપ્રોટીન નાઇટ્રોજનનો વધી ગયેલો ઉત્સર્ગ. પાણી અને ક્ષારની ઊણપને કારણે વીજવિભાજ્યો (electrolytes)ના સ્તરમાં ઘટાડો થાય છે, અમ્લતા વિકાર (acidosis) ઉદ્ભવે છે તથા પોષણની ઊણપને કારણે દર્દીને કીટોઅમ્લતા (ketoacidosis), શરીરમાં ગ્લુકોઝની અલ્પતા (hypoglycaemia), પ્રોટીનની અલ્પતા (hypoproteinaemia) તથા વિટામિનોની અલ્પતા થાય છે. ક્યારેક લોહીમાં બિલિરૂબીનનું પ્રમાણ વધે છે. લોહીમાંથી પાણી ઘટવાથી લોહી ઘટ્ટ બને છે.

શરૂઆતના વિકારમાં આખો દિવસ ઊલટી થયા કરે છે અને તેને ખોરાક સાથે કોઈ સંબંધ નથી. ઊલટીમાં પિત્ત ભળેલું હોય છે અને ખાધેલો ખોરાક નીકળે છે. અશક્તિને લીધે સામાન્ય ક્રિયાઓમાં મુશ્કેલી પડે છે; પરંતુ પોષણ અને પાણીના સ્તર જળવાઈ રહે છે. શારીરિક તપાસ તથા નિદાન કસોટીશાળાની તપાસ સામાન્ય પ્રકારની રહે છે.

વધુ વિકસેલો વિકાર મધ્યમથી તીવ્ર પ્રકારનો હોય છે. તેમાં નિર્જલન અને ભૂખમરો થયેલો જોવા મળે છે. સગર્ભા સ્ત્રીને થતી ઊલટીની સંખ્યા અને કદ વધુ રહે છે અને બે ઊલટી વચ્ચે ઓડકાર અને ઊબકા આવ્યા કરે છે. વમનદ્રવ્ય (vomitus) એટલે કે ઊલટીમાં બહાર આવતો પદાર્થ કૉફીના રંગનો કે ક્યારેક લોહીવાળો હોય છે. શરીરમાં પાણી ઘટવાથી પેશાબનું પ્રમાણ ઘટે છે તથા કબજિયાત થાય છે. ક્યારેક ઝાડા થાય છે. પેટના ઉપરના ભાગમાં દુખે છે. દર્દી પથારીવશ થઈ જાય છે. જો વર્નિકની મસ્તિષ્કરુગ્ણતા થાય તો ભાવશૂન્યતા (mental apathy), અજંપો (restlessness), અનિદ્રા, આંચકી અથવા સંગ્રહણ (convulsion) તથા ક્યારેક બેભાનાવસ્થા થાય છે. જો કોર્સાકૉફનો તીવ્રમનોવિકાર (psychosis) થાય તો માનસિક ગૂંચ તથા તરતના બનેલા બનાવોની વિસ્મૃતિ થાય છે. ક્યારેક દર્દીને હાથપગના છેડા પર ચેતારુગ્ણતા (periphaeral neuropathy) થાય છે અને ત્યારે હાથપગના છેડાઓ પર ઝણઝણાટી કે અન્ય પ્રકારની પરાસંવેદનાઓ (paraesthesia) અને બહેરાશ આવે છે. આંખમાં થતી આનુષંગિક તકલીફોને કારણે બેવડું દેખાવું (દ્વિદૃષ્ટિ, diplopia), અસ્પષ્ટ દેખાવું કે દેખાતું બંધ થઈ જવું જેવા આંખના વિકારો થાય છે. વજન સતત ઘટે છે, ચહેરો સચિંત (anxious) દેખાય છે, આંખો ઊંડી ઊતરે છે તથા ભાવશૂન્ય અને શુષ્ક બને છે, ચામડીની લવચીકતા (elasticity) ઘટે છે અને તે તેજવિહીન બને છે, જીભ સુક્કી તથા લાલ અને ઊલના જાડા થરવાળી બને છે, શ્વાસમાં એસિટોનની ગંધ આવે છે, નાડી ઝડપી બને છે (100-120/મિનિટ), લોહીનું દબાણ ઘટે છે (100-110 મિમી. પારોથી ઓછું), થોડો તાવ રહે છે (100° ફે.), પાછળથી કમળો તથા ચેતાતંત્રીય વિકારો થઈ આવે છે; જેમ કે, તિર્યક દૃષ્ટિ (squint) અથવા એક આંખ ત્રાંસી થવી, નેત્રલોલન (nystagum) કે જેમાં કોઈ એક દિશામાં જોતાં કીકી સ્થિર રહેવાને બદલે લોલકની માફક મધ્યબિન્દુની આસપાસ એક રેખામાં હાલ્યાં કરતી હોય છે તેમજ જુદા જુદા અંગમાં લકવો થઈ આવે છે.

મધ્યમથી તીવ્ર પ્રકારના વિકારમાં મૂત્રવિશ્લેષણ (urinalysis) કરાય ત્યારે જોવા મળે છે કે મૂત્રનું પ્રમાણ ઓછું રહે છે, તે ગાઢા રંગનું હોય છે અને તેની વિશિષ્ટ ઘનતા વધુ રહે છે. તેની રાસાયણિક પ્રતિક્રિયા અમ્લીય (acidic) હોય છે. તેમાં એસિટોન, પ્રસંગોપાત્ત, પ્રોટીન અને ક્યારેક પિત્તવર્ણકો (bile pigments) હોય છે. તેમાં ક્લોરાઇડનું પ્રમાણ ઘટે છે અથવા નહિવત્ થઈ જાય છે. સારવાર માટે વારંવાર લોહીના વીજવિભાજ્યો (electrolytes); દા.ત., સોડિયમ, પોટૅશિયમ, ક્લોરાઇડના સ્તર જાણી લેવાય છે. દૃષ્ટિપટલમાં રુધિરસ્રાવ થાય (લોહી ઝમે) છે અને અતિતીવ્ર કિસ્સામાં દૃષ્ટિપટલ(retina)માં ઉન્મૂલન (retinal detachment) એટલે કે દૃષ્ટિપટલ ઊખડી જાય છે. હૃદયનો વીજાલેખ (electro-cardiogram) લેવાથી પોટૅશિયમના વિષમ સ્તર વિશે માહિતી મળે છે.

નિદાન માટે સૌપ્રથમ સગર્ભતા છે તેવું નિશ્ચિત કરાય છે તથા ઊલટી કરાવવામાં ઔષધવશ્ય, શસ્ત્રક્રિયાસાધ્ય કે સ્ત્રીજનનાંગનાં વ્યાધિજન્ય કારણો અને પરિબળો નથી તેની ખાતરી કરી લેવાય છે. જો ઊલટીનો વિકાર એકદમ ટૂંકા સમયમાં ઉદ્ભવ્યો હોય તો તે સગર્ભી વમન કરતાં અન્ય કારણે થયો હોવાની વધુ સંભાવના રહે છે.

સારવારમાં 3 બાબતોને અગ્રિમતા અપાય છે  (1) ચેતાઓનું ઉત્તેજન કરનારાં તત્વોને દૂર કરવાં, (2) પાણી અને વીજવિભાજ્યો સંબંધિત તથા અન્ય ચયાપચયી વિકારોની સારવાર કરીને તેમને સમધાત કરવાં તથા (3) જીવનને જોખમી આનુષંગિક તકલીફોનું પૂર્વનિવારણ કરવું. હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવાથી કૌટુંબિક પરિબળો ઘટે છે અને તેથી કશું પણ વિશિષ્ટ ન કરવામાં આવે તોપણ વિકારની તીવ્રતા ઘટે છે. પાણી અને વીજવિભાજ્યોની ક્ષતિ ગણી કાઢીને તેને અનુરૂપ ક્ષતિપૂરક સારવાર અપાય છે. પ્રોમેઝિન કે ડાયાઝેપામ વડે સંત્રસ્ત સગર્ભા સ્ત્રીને શાંત કરાય છે. ઊલટી શમાવવા માટે પ્રોમિથેઝિન, પ્રોક્લોરપરેઝિન કે ટ્રાફ્લુપ્રોમેઝિનને મુખમાર્ગે વપરાય છે. ટ્રાયફ્લુઓપરેઝિનને ઇન્જેક્શન દ્વારા આપવાથી ફાયદો રહે છે. પોષણ તરફ ખાસ ધ્યાન રખાય છે અને વિટામિન B1, B6 અન્ય B જૂથનાં પ્રજીવકો તથા વિટામિન-સી પૂરતી માત્રામાં અપાય છે. દરરોજ મળત્યાગ થાય તે માટે જરૂર પડ્યે બસ્તી કે મળાશય-શોધન (bowel-wash) અપાય છે. મોં તથા દાંતની ખાસ સંભાળ લેવાય છે.

પરિચારિકા દ્વારા અપાતી સહૃદયી સંભાળ સારવારની મહત્વની કડી છે. પાણી અને પ્રવાહીનો શરીરમાં પ્રવેશ અને નિકાલ, નાડીનો દર, શ્વસનદર, શારીરિક તાપમાન, લોહીનું દબાણ વગેરેનો સારલેખ (chart) રખાય છે. દિવસમાં 2 વખત પેશાબની તપાસ કરાય છે તથા લોહીમાં વિવિધ રસાયણો (ગ્લુકોઝ, એસિટોન, પ્રોટીન વગેરે), વીજવિભાજ્યો (સોડિયમ, પોટૅશિયમ, ક્લોરાઇડ, બાયકાર્બોનેટ) તથા અન્ય દ્રવ્યો(ક્રિયેટિનિન, યુરિયા)ના સ્તર જાણવા માટે યોગ્ય સમયાંતરે કસોટીઓ કરાય છે. જરૂર પડ્યે તે પ્રમાણે હૃદ્-વીજાલેખ (electro cardiogram, ECG) અને નેત્રદર્શકી (ophthalmoscopy) વડે પરીક્ષણ કરાય છે. વજનની વધઘટની પણ નોંધ રખાય છે.

ઊલટી શમે એટલે નસમાર્ગી પોષણને સ્થાને મોઢેથી ખોરાક શરૂ કરાય છે. શરૂઆતમાં સૂકો કાર્બોદિત આહાર અપાય છે; જેમ કે, બિસ્કિટ, પાંઉ, શેકેલો પાંઉ, ભાખરી વગેરે. જેમ જેમ શરીર તેને સ્વીકારે તેમ તેમ ઝડપથી પૂરો આહાર આપવાનું શરૂ કરાય છે. દિવસમાં 6 વખત થોડો થોડો આહાર અપાય છે.

સગર્ભી અતિવમનને કારણે ગર્ભપાત કરવો જરૂરી છે કે નહિ તે નક્કી કરવાનું કાર્ય અનુભવી નિષ્ણાતનું છે. તેમાં સગર્ભા સ્ત્રીની શારીરિક સ્થિતિ કેટલી હદે બગડી છે તે જોવાય છે તથા માતા અને કુટુંબીજનોનું સગર્ભાવસ્થા અંગે શું માનવું છે તેનું ધ્યાન રખાય છે. શારીરિક સ્થિતિમાં થઈ રહેલો સતત બગાડો, વધતો જતો નાડીનો દર (100/મિનિટ કે વધુ), સતત ઊંચું તાપમાન (38° સે. કે 100.4° ફે. કે વધુ), પેશાબમાં થતો જતો ઘટાડો, વધતી જતી અલ્પમૂત્રતા (oliguria એટલે કે પેશાબ ઘટતો જવો), પેશાબમાં વધતો જતો પ્રોટીનનો વ્યય, કમળો થવો, ચેતાવિકાર થવો વગેરે સગર્ભા સ્ત્રીને માટે પણ જોખમ કરે છે. ઉપર જણાવેલી યાદીમાંની છેલ્લી બે સ્થિતિઓ (કમળો અને ચેતાવિકાર) થાય તે પહેલાં નિર્ણય લેવો જરૂરી બને છે.

શિલીન નં. શુક્લ