સક્સેના, બાબુરામ (જ. 1897, જિ. લખીમપુર, ઉત્તરપ્રદેશ) : ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં પાયાનું કામ કરનાર  હિન્દીના વિદ્વાન. પ્રયાગ વિશ્વવિદ્યાલય, બનારસહિંદુ યુનિવર્સિટી તેમજ ‘લંડન સ્કૂલ ઑવ્ ઓરિયેન્ટલ સ્ટડિઝ’ જેવી સંસ્થાઓમાં રહીને ડી. લિટ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. અવધી ભાષા વિશે ઇંગ્લૅન્ડમાં રહીને જાણીતા ભાષાશાસ્ત્રી ડૉ. ટર્નરના સહયોગથી પૂર્ણ કરેલ એમના સંશોધનકાર્ય ‘ઇવૅલ્યુએશન ઑવ્ અવધી’એ હિંદી ભાષાના અધ્યયનની દિશામાં એક નવો ચીલો પાડ્યો. બાબુરામ સક્સેના મુખ્યત્વે સંસ્કૃતના અભ્યાસુ તરીકે જાણીતા છે. એમણે પોતાની કારકિર્દીની શરૂઆત સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે કરેલી અને વર્ષો સુધી પ્રયાગ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. થોડા સમય માટે સાગર વિશ્વવિદ્યાલયમાં ભાષાવિજ્ઞાનના પ્રોફેસર અને વિભાગના અધ્યક્ષ તરીકેની કામગીરી કરી. તકનીકી શબ્દાવલી નિર્માણ આયોગ(ભારત સરકાર)ના અધ્યક્ષ તરીકે મહત્ત્વનું કામ કર્યું. એક તબક્કે રાયપુર વિશ્વવિદ્યાલય અને પ્રયાગ વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકેની જવાબદારી પણ તેમણે સંભાળી હતી. હિંદી સાહિત્ય સંમેલન પ્રયાગ, લિંગ્વિસ્ટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયા અને ભારતીય હિંદી પરિષદ જેવી સંસ્થાઓની કામગીરીને વેગ આપવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

બાબુરામ સક્સેનાના ગ્રંથોની યાદી આ પ્રમાણે છે : ‘અર્થવિજ્ઞાન’, ‘સામાન્ય ભાષાવિજ્ઞાન’, દક્ષિણી હિંદી ‘કીર્તિલતા’ (સંપાદન) અને ‘ઇવૅલ્યુએશન ઑવ્ અવધી’.

મહાવીરસિંહ ચૌહાણ