સક્સેના, આર. એન. (રામનરેશ સક્સેના)

January, 2007

સક્સેના, આર. એન. (રામનરેશ સક્સેના) (જ. 12 જૂન 1909, લખીમપુર, ખેરી, ઉત્તરપ્રદેશ) : સમાજશાસ્ત્રના અધ્યાપક. તેમણે લખનૌમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સક્સેનાએ એમ.એ. (1932); પીએચ.ડી. (1937) અને ડી.લિટ.(1947)ની પદવી લખનૌ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ભારતના વિદ્વાન સમાજવૈજ્ઞાનિકો જેવા કે રાધાકમલ મુખરજી, ડી. પી. મુખરજી, ધીરેન્દ્રનાથ મજમુદાર વગેરે પાસેથી તેમણે શિક્ષણ મેળવ્યું હતું. તેમાંના કેટલાક તેમના સહકાર્યકરો પણ બન્યા હતા. તેમણે અધ્યાપક તરીકેની કારકિર્દીની શરૂઆત ઈ. સ. 1933થી લખનૌમાં કરી. ઈ. સ. 1937થી 1946 સુધી લખનૌ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. 1946થી 1956 સુધી દહેરાદૂન ખાતે આવેલ ડી. એ. વી. પોસ્ટ ગ્રૅજ્યુએટ કૉલેજના આચાર્ય તરીકે કામ કર્યું. ઈ. સ. 1956થી 1970 દરમિયાન આગ્રાની સોશિયલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તરીકે કામ કર્યું; જેના તેઓ સંસ્થાપક હતા. આ સંસ્થામાં તેમણે સમાજશાસ્ત્રના સંશોધન અને અધ્યાપન માટેનાં નવાં પરિમાણો આપ્યાં. તેને કારણે યોગેશ અટલ અને યોગેન્દ્રસિંઘ જેવા વિદ્વાન સમાજશાસ્ત્રીઓ આગ્રાની સંસ્થાના પ્રાધ્યાપકો બન્યા. આ ઉપરાંત પ્રો. સક્સેનાએ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડ્વાન્સ્ડ સ્ટડી, સિમલાના વિઝિટિંગ ફેલો તરીકે કામ કર્યું. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર-વિભાગમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. એ પછી તેઓ કાશી વિદ્યાપીઠ, વારાણસીના ઉપકુલપતિ બન્યા હતા.

રામનરેશ સક્સેનાને પ્રથમ સમાજશાસ્ત્રીય પરિષદ ભરવાનો યશ પ્રાપ્ત થયો. ઈ. સ. 1955માં તે દહેરાદૂન ખાતે ભરાઈ હતી. ઈ. સ. 1959માં તેઓ ભારતીય સમાજશાસ્ત્ર મંડળના પ્રમુખ તરીકે ચૂંટાયા. પુન: ત્રણ વર્ષ માટે તેઓ સમાજશાસ્ત્ર મંડળના પ્રમુખ બન્યા. પ્રો. સક્સેનાના અધ્યક્ષપણા હેઠળ સમાજશાસ્ત્રીય પરિષદો હૈદરાબાદ (1970) તથા અમદાવાદ (1972) ખાતે આયોજિત કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે સમાજશાસ્ત્રના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન આપ્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય સમાજશાસ્ત્ર પરિષદના બીજા, ત્રીજા અને ચોથા અધિવેશનમાં ભાગ લીધો હતો. આ અધિવેશનો અનુક્રમે લીગ (1953); ઍમસ્ટરડૅમ (Armsterdam) (1956) અને મિલન સ્ટ્રેસા (Milan Stresa) (1959) ખાતે યોજવામાં આવ્યાં હતાં. ઈ. સ. 1957માં તેમણે મૉસ્કો (સોવિયત સંઘ) ખાતે યોજાયેલી સમાજશાસ્ત્રની ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. ઈ. સ. 1964માં પ્રો. સક્સેનાએ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં સમાજશાસ્ત્ર વિષયના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું. ઈ. સ. 1970માં તેમણે કેલગરી યુનિવર્સિટી, કૅનેડા (University of Calgary, Canada) ખાતે સમર સ્કૂલનું આયોજન કર્યું હતું.

પ્રો. સક્સેનાએ સમગ્ર કારકિર્દી દરમિયાન કેટલાંક પુસ્તકો, નિબંધો, ચિંતનાત્મક લેખો, મૉનોગ્રાફ તથા અન્ય લખાણો લખ્યાં હતાં; જેમાં આદિવાસી જીવન, સર્વેક્ષણ-અભ્યાસો, સામાજિક નીતિવિષયક બાબતો, સામાજિક સમસ્યાઓ, ભારતીય સમાજ અને સંસ્કૃતિ જેવા અનેક વિષયોનો સમાવેશ થાય છે. તેમનાં પ્રકાશનોની વિગત નીચે મુજબ છે :

(1) સોશિયૉલૉજી, સોશિયલ રિસર્ચ ઍન્ડ સોશિયલ પ્રૉબ્લેમ્સ ઇન ઇન્ડિયા (1961)

(2) ‘સોશિયલ ઇકૉનૉમી ઑવ્ અ પૉલિયાન્ડ્રોસ પીપલ’ (1962)

(3) સોશિયૉલૉજી ઍન્ડ સોશિયલ પૉલિસી ઇન ઇન્ડિયા (1964)

(4) ગોવા ઇન ટુ ધ ઇન્ડિયન મેઇન સ્ટ્રીમ (1974)

(5) ‘ઇન્ડિયન સોશિયલ થૉટ’ (1981)

ઉપર્યુક્ત પુસ્તકો ઉપરાંત તેમના અનેક લેખો વિવિધ સામયિકોમાં સમયાંતરે પ્રકાશિત થયા છે.

હર્ષિદા દવે