સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ સુધી તેમણે શિક્ષક તરીકે અધ્યાપનકાર્ય કર્યું.
તેમણે ઉત્તર કન્નડમાં કન્નડ માટે સન્માનનીય સ્થાન મેળવવા ખૂબ પ્રયત્ન કર્યો. તેમણે કર્ણાટક નાટક કંપનીની સ્થાપના કરી; અનેક નાટકો લખ્યાં અને ભજવ્યાં. તેમના પ્રથમ નાટક ‘ઉષાહરણ’ની ભજવણી ઘણાં કેન્દ્રો પર કરવામાં આવી અને તે અતિ લોકપ્રિય બન્યું. આ નાટક માટે બિન-કન્નડવાસીઓએ પણ અભિરુચિ વિકસાવી, તેથી તેમને વધુ નાટકો લખવા પ્રેર્યા અને તેમણે ‘સિરિયલ સત્વપરીક્ષે’, ‘કિચકવધે’, ‘સુન્ડોપાસુન્ડા’, ‘વત્સલાહરણ’, ‘વિરાટપર્વ’, ‘સુરતસુધન્વા કાલગા’, ‘સીતારણ્યપ્રવેશ’ અને ‘ચંદ્રાવલીચરિત’ જેવાં નાટકો રચ્યાં.
તેઓ કીર્તનોના મહાન રચનાકાર હતા. કીર્તનોથી ભાષા અને સાહિત્યનો હેતુ સરે છે એમ તેમણે સ્વીકાર્યું હતું. તેમનાં કેટલાંક કીર્તનોમાં ‘મુકુન્દાનંદામૃત’, ‘રાવણ-વેદવતી’, ‘શ્રીમતી સ્વયંવર’, ‘હરિમિત્રોપાખ્યાન’, ‘શ્યામન્તકોપાખ્યાન’ અને ‘ગજેન્દ્રમોક્ષ’નો સમાવેશ થાય છે. આ પૈકી ‘મુકુન્દાનંદામૃત’થી તેમને ખ્યાતિ મળી.
તેમણે 63 ગ્રંથો આપ્યા છે. ‘કિચકવધે’, ‘પાર્વતીપ્રણય’, ‘મેઘદૂત’, ‘ઋતુસંહાર’, ‘શકુન્તલા’ અને ‘મૃચ્છકટિક’ તેમના અનૂદિત ગ્રંથો છે, જ્યારે ‘સીતારણ્યપ્રવેશ’ અને ‘હરિશ્ચંદ્રસત્વપરીક્ષા’ તેમના પૌરાણિક કથાઓ પર આધારિત ગ્રંથો છે.
તેમણે ‘અડ્ડાકથેગલા બક્કુ’, ‘કન્નડ દાસપ્યાનાપાદગલુ’, ‘કન્નડિગરિગે સવલુગલુ’, ‘વ્યભિચારણાર્થસિન્ધુ’, ‘વસપ્પાનાયકન ફરસુ’, ‘કાલમહિમે’, ‘કાલસુરા’ જેવા વિનોદરસિક નિબંધો આપ્યા છે. કેટલાક શૃંગારિક ભાષાના ગ્રંથો પણ તેમણે રચ્યા છે, જેમાં ‘શૃંગાર સાગર’, ‘વિરહ તરંગા’, ‘શૃંગાર પદસંગ્રહ’ અને ‘રસિક વિચાર’નો સમાવેશ થાય છે.
તેમણે વિજયનગરના સ્થાપક શ્રી વિદ્યારણ્યનો ઇતિહાસ કીર્તનો અને ગીતો રૂપે રજૂ કર્યો છે. તેમનો ‘વિદ્યારણ્યવિજય’ નામક કાવ્યગ્રંથ કર્ણાટકમાં અતિ લોકપ્રિય બન્યો. આ કાવ્ય તેમની ભાષા પ્રત્યેની દેશભક્તિ અને પ્રેમ દર્શાવે છે. તેમણે કર્ણાટકનાં દેવીની પ્રશંસા રૂપે ‘કર્ણાટક ભૂદેવી સ્તવન’ની રચના પણ કરી છે.
1918માં સાહિત્ય પરિષદ યોજવા માટેનો ફાળો ઉઘરાવવા તેઓ ઘેરેઘેર ફર્યા હતા. દેશ અને ભાષાની મહાન સેવા કર્યા બદલ બેલગામ અને ધારવાડ ખાતે કર્ણાટકની પ્રજાએ તેમનું સન્માન કર્યું હતું.
બળદેવભાઈ કનીજિયા