સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર ન રહેતાં મોટું મીડિયા-જૂથ બન્યું છે અને તેનું સંચાલન પવાર ઔદ્યોગિક જૂથ પાસે છે. હાલ તેના તંત્રી તરીકે પ્રતાપરાવ પવાર કામગીરી સંભાળે છે.

લોકજાગૃતિ લાવવાની પોતાની સામાજિક જવાબદારી છે તેવી ભાવના સાથે શ્રી પરુળેકરે પ્રારંભનાં ઘણાં વર્ષો સુધી ચાર પાનાંના અખબારનું પ્રકાશન કર્યું અને તેની વિતરણ-વ્યવસ્થા પણ પોતે જ ગોઠવી હતી. ‘સકાળ’ના વિતરણ માટે તેમણે તે જમાનામાં 200થી 250 જેટલા કિશોર વયના છોકરા કામે રાખ્યા હતા, જેઓ પુણે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ‘સકાળ’નું વેચાણ કરતા હતા. એ જમાનામાં આ અખબારનો ફેલાવો 700થી 800 નકલનો હતો તેવું અરવિંદ કેશવ સાનેએ ‘સકાળ’ના અમૃત મહોત્સવ અંકમાં નોંધ્યું છે.

લગભગ 53 વર્ષ સુધી પરુળેકર પરિવારના નેજા હેઠળ રહ્યા બાદ 1985માં પવાર ઉદ્યોગ જૂથ ‘સકાળ’નું સંચાલન હાથમાં લીધું હતું. હાલ આ અખબાર પુણે ઉપરાંત કોલ્હાપુર, નાશિક, મુંબઈ, ઔરંગાબાદ, સોલાપુર, નાગપુર, સતારા, જળગાંવ – એમ નવ સ્થળેથી પ્રકાશિત થાય છે; એટલું જ નહિ, પરંતુ ‘સાપ્તાહિક સકાળ’, ‘esakal.com’, ‘મહારાષ્ટ્ર હેરલ્ડ’, ‘સકાળ એગ્રોવન’, ‘ગોમન્તક’ તેમજ ‘ગોમન્તક ટાઇમ્સ’ (અંગ્રેજી) જેવાં અન્ય પ્રકાશનો પણ આ જૂથ દ્વારા થાય છે. ‘સકાળે’ વાચકોના સંદર્ભમાં ‘Inform them and enrich their information’નું સૂત્ર અપનાવેલું છે.

‘સકાળ’ની સૌથી મોટી વિશેષતા એ છે કે તે નિયમિતપણે સાઇકલ-ફેરી દ્વારા જનજાગૃતિનું અભિયાન ચલાવે છે. હાલ (2006) આ અખબાર-જૂથનાં તમામ પ્રકાશનોનો કુલ ફેલાવો અંદાજે સાત લાખ નકલોનો છે.

અલકેશ પટેલ