સંસ્કૃતિ કે ચાર અધ્યાય (1956) : ઐતિહાસિક ભૂમિકા સાથે ભારતીય સંસ્કૃતિના વિકાસનું વિગતવાર અને પૃથક્કરણાત્મક વૃત્તાંત આપતી રામધારીસિંહ ‘દિનકર’(જ. 1908)ની કૃતિ. આ કૃતિને 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

દિનકર રાષ્ટ્રીય ચેતનાના કવિ હોઈ, પ્રબળ રાષ્ટ્રીય ચેતનાથી પ્રેરાઈને તેમણે આ ગ્રંથની રચના કરી છે. તેમણે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસને ચાર મોટી ક્રાંતિઓમાં વિભાજિત કર્યો છે. આર્યો ભારતમાં આવ્યા અને અનાર્યોનાં સંપર્કમાં આવ્યા ત્યારથી તેનો પ્રારંભ કર્યો છે. પ્રથમ તબક્કો પૂર્વવૈદિક અને વૈદિક સંસ્કૃતિઓનો છે. તેને દ્રવિડો અને આર્યો વચ્ચેના સંઘર્ષો અને સામંજસ્યનો કાળ ગણવામાં આવે છે.

પ્રકરણ 2માં દ્રવિડો અને આર્યોના પંથ અને તેમનાં મૂળની તપાસ; ‘દેવો’ અને ‘દાનવો’ વચ્ચેના યુદ્ધની ભૌગોલિક વિગતો; ઋગ્વેદની રચનાનો કાળ; હસ્તપ્રત અને લેખનકળાનો ક્રમિક વિકાસ; ‘કિરાત’ અને ‘પારસી’ જાતિઓનો પ્રવેશ; વૈદિક સંસ્કૃતિ; આર્ય-દ્રવિડ સંબંધો; જાતિપ્રથાનો ઉદ્ભવ; શૈવ, કાર્તિકેય, ગણેશ, વૈષ્ણવ સંપ્રદાયોનો ઉદ્ભવ; રાધા અને કૃષ્ણનાં નામોની તથા ‘રામકથા’ની પ્રાચીનતા; ‘હિંદુ’ નામનો ઇતિહાસ; ભારતમાંથી પસાર થતી અન્ય જાતિઓનું વૃત્તાન્ત અને હિંદુ સંસ્કૃતિની સમ્મિલિત કરવાની શક્તિની વિશદ ચર્ચા આપવામાં આવેલ છે.

વિભાગ 2માં વૈદિક સાહિત્યની સંક્ષિપ્ત મોજણી અને જૈન તથા બૌદ્ધ ધર્મની માન્યતાઓનું વિગતવાર વિવરણ જોવા મળે છે. તેમાં લેખકે ગૌતમ બુદ્ધ અને કન્ફ્યૂશિયસના વિચારોની તુલના અને તેમની વચ્ચેનો ભેદ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે બૌદ્ધ ધર્મની સાધના પર શાક્ત પ્રભાવ દર્શાવીને પછીના યુગમાં આવી તમામ આધ્યાત્મિક સાધનાઓ ચાલ્યાનો વિગતે ઉલ્લેખ છે.

વિભાગ 4માં ભારતીય સંસ્કૃતિ પર યુરોપીય સંપર્ક દ્વારા થયેલી અસરો વર્ણવી છે. આ કૃતિની પ્રસ્તાવના પંડિત જવાહરલાલ નહેરુએ લખી છે. તેમણે ‘સંસ્કૃતિ’ની વ્યાખ્યા કરી છે અને દિનકરના વર્ગીકરણ પર આ સંદર્ભમાં પ્રકાશ પાડ્યો છે. આમ, આ ગ્રંથ ભારતની સાંસ્કૃતિક ક્રાંતિના વિવિધ તબક્કાઓનું ચિત્રાંકન કરવા અને ઊંડાણમાં ચર્ચા કરવાની મહત્ત્વાકાંક્ષા રાખતો હોવાથી તત્કાલીન હિંદીમાં સંશોધનાત્મક સાહિત્યમાં અનન્ય લેખાયો છે.

મહાવીરસિંહ ચૌહાણ

બળદેવભાઈ કનીજિયા