સંસ્કૃત ભાષા અને સાહિત્ય

ભારતની જ નહિ, સમગ્ર જગતની સૌથી પ્રાચીન ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય.

સંસ્કૃત ભાષા અનેક ભાષાઓની જનની છે અને દેવોની ભાષા લેખાય છે. વૈદિક સાહિત્યની સંસ્કૃત ભાષા પ્રાચીન છે અને પાણિનીય વ્યાકરણને અનુસરતી અને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની ભાષા તેનું નવીન રૂપ છે. સંસ્કૃત ભાષામાં દસ ગણોમાં વહેંચાયેલા બે હજાર મૂળ ધાતુઓ આ ભાષાનો વ્યાપ બતાવે છે. વાક્યમાંનો પ્રત્યેક શબ્દ વાક્યમાં ગમે તે સ્થળે મૂકવા છતાં વાક્યનો અર્થ એનો એ જ રહે છે. એનાં રૂપાખ્યાનો ચોક્કસ નિયમને અનુસરતાં અને સ્વતંત્ર રીતે શબ્દનો અર્થ બતાવનારાં તથા યાદ રાખવામાં અભ્યાસકને ઠીક ઠીક પરિશ્રમ આપનારાં છે. શબ્દોની વિપુલ સંખ્યા, અનેક પંક્તિઓ સુધી ચાલનારા દીર્ઘ સમાસો, પાંચ પ્રકારની સંધિઓ, નામ અને ધાતુનાં ચોક્કસ રૂપો, સ્વરભારને બતાવતી નિશાનીઓ, ઉચ્ચારણ મુજબ લેખન, ચોક્કસ અર્થ બતાવતા ભાતભાતના પ્રત્યયો વગેરે વિલક્ષણતાઓ જગતની અન્ય ભાષાઓથી આ ભાષાને અલગ તારવવા સમર્થ છે. આ લોકભાષા નથી, પરંતુ સંસ્કૃત અર્થાત્ પરિમાર્જિત કરાયેલી અને ભણેલા વર્ગની ભાષા છે એટલે એમાં કૃત્રિમતા હોય તો સ્વાભાવિક છે.

દેવનાગરી લિપિ

પ્રાચીન વૈદિક સાહિત્યમાં જુદા જુદા ઋષિઓએ વિભિન્ન દેવતાઓની કરેલી સ્તુતિઓના બનેલા વેદગ્રંથો, વૈદિક કર્મકાંડની ચર્ચા કરતા બ્રાહ્મણગ્રંથો તથા વેદના જ્ઞાનકાંડને રજૂ કરતા આરણ્યકગ્રંથો અને ઉપનિષદ્-ગ્રંથોનો સમાવેશ થાય છે. એ ગ્રંથોમાં ક્યાંક કવિતા દેખાય છે, અન્યથા એનો મોટો ભાગ ગદ્યાળુ છે. વેદગ્રંથોમાં (1) દસ મંડળોમાં સંગ્રહાયેલી દેવતાસ્તુતિવિષયક ઋચાઓનો બનેલો જગતભરનો પ્રાચીનતમ ગ્રંથ ‘ઋગ્વેદ’, (2) યજ્ઞવિધિમાં ખપ લાગતી યજુષોનો ચાળીસ અધ્યાયોમાં સંગ્રહ કરતો ‘યજુર્વેદ’, (3) ‘ઋગ્વેદ’ની ઋચાઓને રાગોમાં ઢાળીને કરાયેલા ત્રણ હજાર જેટલાં સામો એટલે ગાનોનો બનેલો ‘સામવેદ’ અને (4) અઢાર કાંડોમાં વહેંચાયેલા વિભિન્ન વિષયોના મંત્રોનો બનેલો ‘અથર્વવેદ’ – એ ચાર ગ્રંથોનો સમાવેશ થાય છે. વૈદિક કર્મકાંડની ચર્ચા કરતા 14 બ્રાહ્મણગ્રંથોમાં ‘ઋગ્વેદ’ના ‘ઐતરેયબ્રાહ્મણ’ અને ‘શાંખાયનબ્રાહ્મણ’; ‘યજુર્વેદ’ના ‘શતપથબ્રાહ્મણ’ અને ‘તૈત્તિરીયબ્રાહ્મણ’; ‘સામવેદ’ના ‘તાંડ્યમહાબ્રાહ્મણ’, ‘ષડ્વિંશબ્રાહ્મણ’, ‘સામવિધાનબ્રાહ્મણ’, ‘આર્ષેયબ્રાહ્મણ’, ‘દૈવતબ્રાહ્મણ’, ‘સંહિતોપનિષદ્બ્રાહ્મણ’, ‘વંશબ્રાહ્મણ’, ‘મંત્રબ્રાહ્મણ’ અને ‘જૈમિનીય બ્રાહ્મણ’ તથા ‘અર્થવવેદ’ના ‘ગોપથબ્રાહ્મણ’નો સમાવેશ થાય છે.

વેદના જ્ઞાનકાંડમાં ઋષિઓએ અરણ્યમાં કરેલા ચિંતનને રજૂ કરતા પાંચ આરણ્યકગ્રંથોમાં ‘ઋગ્વેદ’ના ‘ઐતરેય-આરણ્યક’ અને ‘શાંખાયન-આરણ્યક’, ‘યજુર્વેદ’ના ‘બૃહદારણ્યક’ અને ‘તૈત્તિરીય-આરણ્યક’ તથા ‘સામવેદ’ના ‘તલવકાર-આરણ્યક’નો સમાવેશ થાય છે. બ્રહ્મતત્ત્વ, આત્મતત્ત્વ અને જગત વિશે અતિશય સુંદર તત્ત્વચિંતન રજૂ કરતા તત્ત્વજ્ઞાનવિષયક 108થી વધુ ઉપનિષદ્-ગ્રંથોમાં મુખ્ય 13 ઉપનિષદ્-ગ્રંથોમાં ‘ઈશાવાસ્યોપનિષદ’, ‘કેનોપનિષદ’, ‘કઠોપનિષદ’, ‘પ્રશ્નોપનિષદ’, ‘મુંડકોપનિષદ’, ‘માંડૂક્યોપનિષદ’, ‘તૈત્તિરીયોપનિષદ’, ‘ઐતરેયોપનિષદ’, ‘છાંદોગ્યોપનિષદ’, ‘બૃહદારણ્યકોપનિષદ’, ‘શ્વેતાશ્વતરોપનિષદ’, ‘કૌષીતક્યુપનિષદ’ અને ‘મૈત્રાયણ્યુપનિષદ’નો સમાવેશ થાય છે. વૈદિક સાહિત્યના ગ્રંથોનો લલિતેતર વાઙ્મયમાં સમાવેશ કરવો ઘટે. ગિરિધર શર્મા ચતુર્વેદીને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વૈદિક સાહિત્ય-વિષયક શ્રેષ્ઠ પુસ્તકનો એવૉર્ડ 1961માં ‘ઞ્હૃદઘ્ઇં દઞ્ણ્ઙ ૐહૃજ્ર જ્રરૂહ્મજા ઠ્ઠદ્વઠ્ઠઇંદ્દદરૂ’ નામના તેમના ગ્રંથ માટે મળ્યો છે.

સંસ્કૃત ભાષાના લલિત વાઙ્મયનો ઉદ્ભવ ઘણો પ્રાચીન છે. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં વેદાંગ ‘નિરુક્ત’માં યાસ્કે પોતાની પૂર્વે થયેલા ગાર્ગ્ય નામના આચાર્યે આપેલી ઉપમા અલંકારની વ્યાખ્યાનો કરેલો નિર્દેશ અને ઈ. પૂ. ચોથી સદી પહેલાં થયેલા પાણિનિએ નાટ્યવિવેચન કરતાં ‘નટસૂત્રો’ના લેખક શિલાલી નામના આચાર્યનો કરેલો ઉલ્લેખ એમ સિદ્ધ કરે છે કે કાવ્ય અને નાટ્ય જ નહિ, કાવ્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રનો પણ ઉદ્ભવ ઈ. પૂ. એક હજારથી વધુ વર્ષો પહેલાં થઈ ગયો હતો. એ બધી પ્રાચીન રચનાઓ કાળના ગર્તમાં લુપ્ત થઈ ગઈ છે. વળી જે રચનાઓ પ્રથમ કક્ષાની હતી તે જ હાલ ઉપલબ્ધ છે. પાછળના સાહિત્યકારોની પણ બધી રચનાઓ ઉપલબ્ધ નથી. વળી તેમની સઘળી રચનાઓ પ્રકાશિત છે તેવું પણ નથી. હસ્તપ્રતોમાં સચવાઈ રહેલી રચનાઓ ધીરે ધીરે પ્રકાશિત થતી જાય છે. આ બધા સાહિત્યકારોનો સમય પણ નક્કી નથી, ઘણી વાર સૈકાઓનો ફેર તેમાં પડે છે. એક જ સાહિત્યકારના નામ અને સમય વિશે વિદ્વાનોમાં મતભેદો છે. સમાન નામ ધરાવતા જુદા જુદા સાહિત્યકારો અને એક જ શીર્ષકની જુદી જુદી રચનાઓ પણ છે. વળી આ સાહિત્યમાં મહાકાવ્ય અને નાટ્ય ઉપરાંત ખંડકાવ્ય, મુક્તકકાવ્ય, ગદ્યકથા (નવલકથા જેવું), ચંપૂકાવ્ય, વાર્તા, સુભાષિત વગેરે પ્રકારો પણ જોવા મળે છે. ઘણા સાહિત્યકારોએ એકથી વધુ પ્રકારોમાં પોતાનો હાથ અજમાવ્યો છે. આવી અનેક વિષમતાઓ છતાં સંસ્કૃત લલિત વાઙ્મયનો જરૂરી પરિચય આપી શકાય તેમ છે.

સંસ્કૃત સાહિત્યનો પ્રથમ યુગ નૈસર્ગિક વૈદર્ભી શૈલીનો યુગ છે, જેમાં પ્રાસાદિક અને મધુર રચનાઓ આવે છે. તેમાં વાલ્મીકિ, વ્યાસ, ભાસ અને કાલિદાસ જેવા અમર કવિઓ પ્રમુખ કવિઓ છે. ઈ. પૂ. છઠ્ઠી સદી પહેલાં રચાયેલું. સાત કાંડોમાં વહેંચાયેલા 24,000 શ્લોકોમાં રામકથા વર્ણવતું, અતિશય વિશાળ કદનું, સંસ્કૃત ભાષાનું આદિકાવ્ય ઉત્તમ કાવ્યતત્ત્વોથી ભરપૂર, પાછળના અનેકાનેક કવિઓ અને નાટ્યકારો માટે ઉપજીવ્ય બનેલું અને તેથી તેના રચયિતા મહાકવિ વાલ્મીકિને ભુવનોપજીવ્ય કવિ બનાવતું, સર્વશ્રેષ્ઠ, સર્વાંગસુંદર મહાકાવ્ય ‘રામાયણ’ સંસ્કૃત સાહિત્યની પ્રથમ છતાં શિરમોર કાવ્યરચના છે. એ પછી ઈ. પૂ. પાંચમી સદી પહેલાં મહર્ષિ વેદવ્યાસે રચેલું, અઢાર પર્વોમાં વહેંચાયેલા એક લાખ શ્લોકોનું બનેલું, કુરુવંશના કૌરવો અને પાંડવોની યુદ્ધકથા વર્ણવતું, જગતસાહિત્યમાં સૌથી વિશાળ કદ ધરાવતું, પાછળના અનેકાનેક કવિઓ અને નાટ્યકારો માટે ઉપજીવ્ય બનેલું અને તેથી મહાકવિ વ્યાસને પણ ભુવનોપજીવ્ય કવિ બનાવનારું, ઢગલાબંધ આખ્યાનો અને ઉપાખ્યાનોથી શોભતું, રાજનીતિ ઉપરાંત જગતની અન્ય તમામ બાબતો વર્ણવતું હોવાથી વિશ્વકોશ જેવું સ્વરૂપ ધરાવતું, જગતભરમાં સૌથી મહાકાય મહાકાવ્ય ‘મહાભારત’ સંસ્કૃત સાહિત્યનું પણ અદ્વિતીય મહાકાવ્ય છે.

વળી મહર્ષિ વેદવ્યાસે સૃદૃષ્ટિના સર્જનથી માંડી પ્રલય સુધીના વિષયો, વંશો અને તેમાં થઈ ગયેલા રાજાઓ અને તેમનાં ચરિતો વગેરેની ઇતિહાસના જેવી સામગ્રી વર્ણવતાં અઢાર પુરાણોની રચના કરી છે. તેમાં ‘અગ્નિપુરાણ’, ‘નારદપુરાણ’, ‘પદ્મપુરાણ’, ‘ગરુડપુરાણ’, ‘કૂર્મપુરાણ’, ‘બ્રહ્મપુરાણ’, ‘બ્રહ્મવૈવર્તપુરાણ’, ‘બ્રહ્માંડપુરાણ’, ‘ભવિષ્યપુરાણ’, ‘મત્સ્યપુરાણ’, ‘માર્કંડેયપુરાણ’, ‘લિંગપુરાણ’, ‘ભાગવતપુરાણ’, ‘વામનપુરાણ’, ‘વારાહપુરાણ’, ‘વિષ્ણુપુરાણ’, ‘શિવપુરાણ’ અને ‘સ્કંદપુરાણ’ – એ 18 મહાપુરાણો તથા ‘દેવીભાગવતપુરાણ’, ‘વાયુપુરાણ’, ‘નૃસિંહપુરાણ’ વગેરે ઉપપુરાણો છે. પ્રત્યેક પુરાણ હજારો શ્લોકોનું બનેલું અને કેટલાંક સ્થળોએ સુંદર કાવ્યતત્ત્વથી ભરપૂર છે. પ્રાચીન ભારત વિશેની જાતજાતની માહિતી તેમાં છે.

ઈ. પૂ. ચોથી સદીમાં નાટ્યકાર ભાસનાં તેર રૂપકો ઉત્તમ નાટ્યતત્ત્વથી ભરેલાં અને પ્રાસાદિક છે. તેમાં ‘રામાયણ’ પર આધારિત રૂપકોમાં સાત અંકોમાં રામકથા વર્ણવતું ‘પ્રતિમા’ ઉત્તમ નાટક છે અને સુગ્રીવની મૈત્રીથી રામના રાજ્યાભિષેકની રામકથા છ અંકોમાં વર્ણવતું ‘અભિષેક’ સારું નાટક છે. ‘મહાભારત’ પર આધારિત રૂપકોમાં કૃષ્ણના દૌત્યનો પ્રસંગ રજૂ કરતું એકાંકી ‘દૂતવાક્ય’, ઘટોત્કચના દૌત્યનો પ્રસંગ વર્ણવતું એકાંકી ‘દૂતઘટોત્કચ’, ભીમ સાથે ઘટોત્કચ અને હિડિંબાના મિલનને કેન્દ્રમાં રાખતું એકાંકી ‘મધ્યમવ્યાયોગ’, અજ્ઞાતવાસમાં રહેલા પાંડવો છતાં થવાની વાત રજૂ કરતું ત્રિઅંકી ‘પંચરાત્ર’, કર્ણની દાનવીરતા વર્ણવતું એકાંકી ‘કર્ણભાર’, સંસ્કૃત નાટકોમાં એકમાત્ર કરુણાંત એકાંકી ‘ઊરુભંગ’ અને ‘મહાભારત’ના પરિશિષ્ટ ‘હરિવંશ’ને આધારે કૃષ્ણની બાળલીલાઓને રજૂ કરતું ‘બાલચરિત’ સારાં રૂપકો છે. ચાર અંકોમાં ચારુદત્તની લોકકથા દર્શાવતું રૂપક ‘દરિદ્રચારુદત્ત’ અને છ અંકોમાં કુરંગી અને અવિમારકની પ્રણયકથા રજૂ કરતું ‘અવિમારક’ એ બે લોકકથા ઉપર આધારિત રૂપકો છે. વળી વત્સરાજ ઉદયન અને વાસવદત્તાની પ્રણયકથાનો પૂર્વભાગ ચાર અંકોમાં રજૂ કરતું ‘પ્રતિજ્ઞાયૌગંધરાયણ’ અને ઉત્તરભાગ છ અંકોમાં વર્ણવતું ‘સ્વપ્નવાસવદત્ત’ વૈદર્ભી શૈલીની રચનાવાળું, સર્વશ્રેષ્ઠ ગણાયેલું રૂપક છે. એ ગાળામાં પાણિનિએ રચેલું મહાકાવ્ય ‘જામ્બવતીજય’ અને વરરુચિનું કાવ્ય હાલ ઉપલબ્ધ નથી. ઋષિ દુર્વાસાનું ‘ત્રિપુરમહિમસ્તોત્ર’, લંકેશ્વરની ‘શિવસ્તુતિ’ અને પુષ્પદંત ગંધર્વે લખેલું ‘શિવમહિમ્ન:સ્તોત્ર’ એ શિવવિષયક સ્તોત્રકાવ્યો – એ સમયગાળામાં રચાયેલાં અને જાણીતાં છે.

ઈ. પૂ. પહેલી સદીમાં મહાકવિ અને નાટ્યકાર કાલિદાસ, વાલ્મીકિ અને વ્યાસની જેમ, ઉપજીવ્ય હોવાથી કવિકુલગુરુ મનાયા છે. છ સર્ગોમાં છ ઋતુઓને વર્ણવતું તેમનું ખંડકાવ્ય ‘ઋતુસંહાર’ ઋતુકાવ્યોની પરંપરા સ્થાપનારું છે. મેઘ દ્વારા યક્ષસંદેશ મોકલતું તેમનું સર્વોત્કૃષ્ટ ખંડકાવ્ય ‘મેઘદૂત’ દૂતકાવ્યોની પરંપરાનું સ્થાપક છે. શિવ અને પાર્વતીની પ્રણયકથા આલેખતું મહાકાવ્ય ‘કુમારસંભવ’ તથા 19 સર્ગોમાં રઘુવંશના રાજાઓની વાત કહેતું ‘રામાયણ’ પર આધારિત મહાકાવ્ય ‘રઘુવંશ’ એ બંને મહાકાવ્યો સંસ્કૃત સાહિત્યનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાં સ્થાન પામેલાં છે; જ્યારે પાંચ અંકોમાં માલવિકા અને અગ્નિમિત્રની પ્રણયકથા રજૂ કરતું ‘માલવિકાગ્નિમિત્ર’ સામાન્ય કક્ષાનું નાટક છે. પાંચ અંકોમાં રાજા પુરુરવા અને અપ્સરા ઉર્વશીની પ્રેમકથા આલેખતું ‘વિક્રમોર્વશીય’ તેમના પોતાના ‘શાકુંતલ’ અને ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’ને બાદ કરતાં અન્ય તમામ સંસ્કૃત નાટકોથી ચઢિયાતું છે. સાત અંકોમાં રાજા દુષ્યંત અને આશ્રમકન્યા શકુંતલાના પ્રણયને નિરૂપતું ‘અભિજ્ઞાનશાકુંતલ’ સંસ્કૃત ભાષાનાં નાટકોમાં જ નહિ, જગતભરનાં શ્રેષ્ઠ નાટકોમાં ગણના પામ્યું છે. મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યના સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર છે.

ઈ. સ.ની પહેલી સદીમાં બૌદ્ધધર્મી મહાકવિ અશ્વઘોષે 28 સર્ગોમાં ગૌતમ બુદ્ધનું ચરિત્ર ભક્તિભાવથી વર્ણવતું મહાકાવ્ય ‘બુદ્ધચરિત’, 18 સર્ગોમાં નંદ અને તેની પત્ની સુંદરીના દાંપત્યને વર્ણવી નંદને બુદ્ધે આપેલી ધર્મદીક્ષાની વાત મુખ્યત્વે આલેખતું મહાકાવ્ય ‘સૌંદરનંદ’, બુદ્ધના શિષ્ય શારિપુત્ર વિશે લખાયેલું નાટ્ય ‘શારિપુત્રપ્રકરણ’ અને ‘ગંડીસ્તોત્ર’ જેવાં સ્તોત્રકાવ્યોની રચના કરી છે. એ જ સમયગાળામાં સમાજનાં વિભિન્ન પાત્રો પર કટાક્ષ વેરતાં શ્યામિલકરચિત ‘પાદતાડિતક’, ઈશ્વરદત્તરચિત ‘ધૂર્તવિટસંવાદ’, શૂદ્રકરચિત ‘પદ્મપ્રાભૃતક’ અને વરરુચિરચિત ‘ઉભયાભિસારિકા’ – એ ચાર ભાણ પ્રકારનાં રૂપકો ભાણની પ્રાચીન પરંપરાને અનુસરે છે. ઉદયન અને વાસવદત્તાની કથા વર્ણવતું અજ્ઞાતકર્તૃક નાટક ‘વીણાવાસવદત્તા’ પ્રથમ ત્રણ અંક સુધીનું જ હાલ ઉપલબ્ધ છે. બૌધાયનરચિત ‘ભગવદજ્જુકીય’ બૌદ્ધ ધર્મના સિદ્ધાન્તોની મજાક કરવા લખાયેલું પ્રહસન પ્રકારનું રૂપક છે.

ઈ. સ.ની બીજી સદીમાં થયેલી સાહિત્યિક રચનાઓમાં કોઈ વિશિષ્ટ કે અગ્રગણ્ય ન હોવાથી તેમાંની એક પણ રચના હાલ ઉપલબ્ધ નથી.

ઈ. સ.ની ત્રીજી સદીમાં અજ્ઞાતકર્તૃક નાટક ‘શાંતિચરિત’ (અપ્ર. = અપ્રકાશિત) બૌદ્ધ ધર્મના સિદ્ધાન્ત જીવહિંસા સામે બલિદાનનો સંદેશ રજૂ કરે છે.

ઈ. સ.ની ચોથી સદીમાં બુદ્ધઘોષે દસ સર્ગોમાં બુદ્ધની જીવનકથા આલેખતા મહાકાવ્ય ‘પદ્યચૂડામણિ’ની કરેલી રચના અશ્વઘોષના ‘બુદ્ધચરિત’ની યાદ આપનારી છે. એ જ સમયગાળામાં નાટ્યકાર શૂદ્રકે દસ અંકોમાં ચારુદત્ત નામના વણિક વેપારી અને વસંતસેના નામની ગણિકા વચ્ચેના પ્રણયને વર્ણવતું પ્રકરણ પ્રકારનું રૂપક ‘મૃચ્છકટિક’ રચ્યું છે કે જે પ્રાય: રાજાઓના પ્રણયને વર્ણવતાં સંસ્કૃત નાટકોથી તદ્દન અલગ પડતું, પરંપરાથી મોં ફેરવીને ચાલતું અને સમાજનાં નીચલા થરનાં પાત્રોને રજૂ કરતું હોવાથી રશિયા જેવા સામ્યવાદી દેશોમાં પ્રિય થઈ પડેલું અને અનેક બાબતોમાં અપૂર્વ નાટ્ય છે.

ઈ. સ.ની પાંચમી સદીમાં ‘ચાંદ્રવ્યાકરણ’ના પ્રખ્યાત લેખક ચંદ્રગોમિને છકી ગયેલા રાજકુમાર રત્નકીર્તિને ઉપદેશ આપતું 114 શ્લોકોનું બનેલું ‘શિષ્યલેખાધર્મકાવ્ય’ની અને જીવહિંસા થવા ન દેવાનો ઉપદેશ આપતા ‘લોકાનંદ’ નામના નાટકની રચના કરી છે. તે સમયે ભર્તૃમેંઠે રચેલું ‘હયગ્રીવવધ’ નામનું મહાકાવ્ય હાલ ઉપલબ્ધ નથી. પ્રસ્તુત સદીમાં વિશાખદત્તરચિત ‘મુદ્રારાક્ષસ’ નામનું સાત અંકનું નાટક ચાણક્ય અને રાક્ષસની રાજનીતિની ખટપટોથી ભરેલું હોઈ સંસ્કૃત નાટકોમાં અલગ તરી આવે છે. વિશાખદત્તે લખેલું બીજું નાટક ‘દેવીચંદ્રગુપ્ત’ અનુપલબ્ધ છે. એ સમયે કવિ સુંદરપાંડ્યે 62 આર્યાઓમાં નીતિનો ઉપદેશ આપતું ‘નીતિદ્વિષષ્ઠિકા’ નામનું લઘુકાવ્ય લખ્યું છે, જ્યારે સાંબ નામના કવિએ 50 શ્લોકોમાં સૂર્યની સ્તુતિ કરતું ‘સાંબપંચાશિકા’ નામનું ઉત્તમ સ્તોત્રકાવ્ય રચ્યું છે. પૈશાચી ભાષામાં ગુણાઢ્યે રચેલી ‘બૃહત્કથા’નો સંક્ષેપ બુદ્ધસ્વામીએ ‘બૃહત્કથાશ્લોકસંગ્રહ’માં સંસ્કૃત ભાષામાં રજૂ કર્યો છે, જે હાલ ફક્ત 28 સર્ગો સુધી જ ઉપલબ્ધ છે. વિષ્ણુશર્માએ પાંચ તંત્રોમાં રાજનીતિ અને વ્યવહારનું જ્ઞાન પ્રાય: પ્રાણીઓની વાર્તાના માધ્યમથી આપતો, વાર્તામાં વાર્તા અને તેમાં વાર્તા રજૂ કરતો, ભારતની બહાર પણ પ્રતિષ્ઠા પામેલો, લોકપ્રિય અને સુવિખ્યાત ગ્રંથ ‘પંચતંત્ર’ રચ્યો છે. એ ગાળામાં માયુરાજે રામકથા વર્ણવતું ‘ઉદાર-રાઘવ’ અને ઉદયનકથા વર્ણવતું ‘તાપસવત્સરાજ’ – એ બે નાટકો લખેલાં, જે હાલ ઉપલબ્ધ નથી.

ઈ. સ.ની છઠ્ઠી સદીમાં કુમારદાસે રામકથા વીસ સર્ગોમાં વર્ણવતું ‘જાનકીહરણ’ નામનું સુંદર મહાકાવ્ય રચ્યું છે. એ સદીમાં મહાકવિ ભારવિએ 18 સર્ગોમાં ‘મહાભારત’ના અર્જુનના પાશુપતાસ્ત્રની પ્રાપ્તિની વાર્તા રજૂ કરતા મહાકાવ્ય ‘કિરાતાર્જુનીય’ની રચના કરી છે. અર્થગૌરવ માટે વખણાયેલું આ મહાકાવ્ય સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાં સ્થાન પામેલું છે. તેના અમુક સર્ગોમાં વાલ્મીકિ, વ્યાસ અને કાલિદાસની કુદરતી કાવ્યરચનાને બદલે કૃત્રિમ અલંકૃત કાવ્યરચના જોવા મળતી હોવાથી પ્રસ્તુત મહાકાવ્ય સંક્રાન્તિકાળની કૃતિ છે, જેમાં કુદરતી અને કૃત્રિમ કાવ્યરચનાનું મિશ્રણ છે. વાલ્મીકિથી આરંભાયેલો નૈસર્ગિક કવિતાનો યુગ ભારવિ સાથે સમાપ્ત થાય છે.

પ્રસ્તુત સદીમાં કૃત્રિમ કવિતાનો બીજો યુગ મહાકવિ ભટ્ટિથી શરૂ થાય છે. ગુજરાતના ભાવનગર પાસેના વલભીપુરના ગુજરાતી મહાકવિ ભટ્ટિએ વીસ સર્ગોમાં રામકથાને વર્ણવતું અને પાણિનીય વ્યાકરણનાં સૂત્રોના ક્રમે શબ્દપ્રયોગો આપતું અતિકૃત્રિમ શૈલીનું ‘રાવણવધ’ અથવા ‘ભટ્ટિકાવ્ય’ તરીકે જાણીતું મહાકાવ્ય રચ્યું છે. તેમનું અનુસરણ કરીને નિયમોના ક્રમથી શબ્દપ્રયોગો કરનારા જૂજ કવિઓમાં અગ્રેસર મહાકવિ આચાર્ય હેમચંદ્ર પણ ગુજરાતના જ છે એ નોંધવું જોઈએ. એ સમયગાળામાં સુબંધુએ આરંભથી અંત સુધી પ્રત્યેક શબ્દે શ્લેષવાળું, કાલ્પનિક કથાવાળું, ગૌડી શૈલીની રચનાવાળું, દીર્ઘ સમાસો, દીર્ઘ વાક્યો અને વિશેષણોની લંગારવાળું, કથા પ્રકારનું ઉત્તમ ગદ્યકાવ્ય ‘વાસવદત્તા’ લખ્યું છે. સુબંધુએ ગદ્યકાવ્યમાં કૃત્રિમ કાવ્યરચનાનો ઉપક્રમ કર્યો છે. એ સમયે ચાર સર્ગોમાં નલની કથા વર્ણવતું યમકકાવ્ય ‘નલોદય’ અને નાનકડું ‘રાક્ષસકાવ્ય’ બંને કાલિદાસને નામે ચઢાવાયેલાં છે. નીતિ, શૃંગાર, વૈરાગ્ય અને ભક્તિનું વર્ણન કરતાં અનુક્રમે ‘નીતિશતક’, ‘શૃંગારશતક’, ‘વૈરાગ્યશતક’ અને ‘વિજ્ઞાનશતક’ – એ ચાર મુક્તકોનાં શતકકાવ્યો ભર્તૃહરિએ રચેલાં છે અને નૈસર્ગિક કવિતા ધરાવે છે.

સાતમી સદીમાં મયૂર કવિએ લખેલું સૂર્યની સ્તુતિ કરતું શતકકાવ્ય ‘આદિત્યશતક’ ઉત્તમ સ્તોત્રકાવ્ય છે. એ સમયે કાલિદાસની અસર ઝીલનાર હર્ષદેવે ચાર અંકોમાં ઉદયનની પ્રણયકથા વર્ણવતી અને નાટ્યશાસ્ત્રનાં સંધ્યંગોનાં ઉદાહરણો માટે આદર્શ ગણાયેલી નાટિકા ‘રત્નાવલી’ અને તેના જેવી નાટિકા ‘પ્રિયદર્શિકા’ની રચના કરી છે. સાથે સાથે તેમણે પાંચ અંકોમાં સર્પજાતિને ગરુડથી બચાવવા પોતાનું બલિદાન આપવા તૈયાર ત્યાગવીર અને મલયવતીના પ્રણયી રાજકુમાર જીમૂતવાહનની કથા વર્ણવતું નાટક ‘નાગાનંદ’ અને ‘સુપ્રભસ્તોત્ર’ તથા ‘અષ્ટમહાશ્રીસ્તોત્ર’ જેવાં સ્તોત્રકાવ્યો રચ્યાં છે. એ સમયે મહાકવિ બાણે ચંડીદેવીની સ્તુતિ કરતું સ્તોત્રકાવ્ય ‘ચંડીશતક’ અને પોતાના આશ્રયદાતા સમ્રાટ હર્ષનું જીવન વર્ણવતું, આઠ ઉચ્છ્વાસોનું બનેલું ‘હર્ષચરિત’ નામનું આખ્યાયિકા પ્રકારનું ઉત્કૃષ્ટ ગદ્યકાવ્ય રચ્યું છે. એવું જ દીર્ઘ સમાસો અને દીર્ઘ વાક્યોથી ભરપૂર, ઉપમાઓ, ઉત્પ્રેક્ષાઓ અને પરિસંખ્યાઓની હારમાળાવાળું, તમામ પ્રકારનાં વર્ણનોથી ભરેલું, ચંદ્રાપીડ અને કાદંબરીની તથા પુંડરિક અને મહાશ્વેતાની જન્મજન્માંતરો સુધી ચાલતી કાલ્પનિક પ્રણયકથા વર્ણવતું કથાપ્રકારનું ગદ્યકાવ્ય ‘કાદંબરી’ જગતભરનાં શ્રેષ્ઠ ગદ્યકાવ્યોમાં આગલી હરોળમાં સ્થાન પામેલું છે અને વિશ્વફલકે મહાકવિ બાણને યશ અપાવનારું નીવડ્યું છે. એ સમયગાળામાં દંડીએ ઉપલબ્ધ આઠ ઉચ્છ્વાસોમાં આઠ કુમારોનાં ચરિત્રો વર્ણવતું, વૈદર્ભી શૈલીનું, પદલાલિત્ય માટે પ્રશંસા પામેલું, સાતમા ઉચ્છ્વાસમાં ઔષ્ઠ્ય વ્યંજનો વગરની કૃત્રિમ રચનાવાળું અને સમાજનાં વાસ્તવિક પાત્રોને આલેખતું ‘દશકુમારચરિત’ નામના આખ્યાયિકા પ્રકારના શ્રેષ્ઠ ગદ્યકાવ્યની રચના કરી છે. સાથે સાથે તેમણે ‘અવંતીસુંદરીકથા’ નામનું વૈદર્ભી શૈલીનું તેવું જ બીજું ગદ્યકાવ્ય પણ લખ્યું છે. ‘મહાભારત’નાં પાત્રો વિશેનું, છ અંકોમાં દ્રૌપદીના ચોટલાને દુ:શાસનના લોહીથી બાંધવાની ભીમની પ્રતિજ્ઞાની વાત કરતું, વીરરસપ્રધાન, ગૌડી શૈલીની રચનાવાળું, નાટ્યશાસ્ત્રનાં સંધ્યંગોનાં ઉદાહરણો પૂરાં પાડતું, ભટ્ટનારાયણકૃત ‘વેણીસંહાર’ નાટક પ્રાય: શૃંગારપ્રધાન સંસ્કૃત નાટકોથી અલગ ભાતનું છે. આ જ સમયે મહાકવિ માઘે રચેલું, વીસ સર્ગોમાં શ્રીકૃષ્ણે કરેલા શિશુપાલના વધને વર્ણવતું, સુંદર કાવ્યતત્ત્વથી ભરેલું, કૃત્રિમ શૈલીની કાવ્યરચનાવાળું મહાકાવ્ય ‘શિશુપાલવધ’ સંસ્કૃત સાહિત્યનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાં સ્થાન પામેલું છે. આ સદીમાં ‘પ્રસ્થાનત્રયી’ પર સર્વપ્રથમ છતાં ઉત્તમ ભાષ્યો અને વેદાંતવિષયક પ્રકરણ-ગ્રંથોના રચનાકાર આદ્ય શંકરાચાર્યે કવિ તરીકે શિવ, વિષ્ણુ, ગણપતિ, દેવી અને છેક ગંગા વગેરે નદીઓ પર પણ વિવિધ છંદોમાં, વિભિન્ન કદનાં અને ભક્તિભાવભર્યાં અનેક સ્તોત્રો રચીને સ્તોત્રકાવ્યના ક્ષેત્રે તેઓ તેજસ્વી ધ્રુવતારક બન્યા છે. જ્યારે મુક્તક કવિ અમરુએ સો પ્રબંધોની ગરજ સારે તેવાં અને મુગ્ધ શૃંગારની બહારભર્યાં 150થી વધુ મુક્તકો ધરાવતું તથા આનંદવર્ધન જેવા આલંકારિક આચાર્યની પ્રશંસા પામેલું ‘અમરુશતક’ નામનું શ્રેષ્ઠ કાવ્ય રચ્યું છે.

આઠમી સદીમાં વિખ્યાત નાટ્યકાર ભવભૂતિએ સાત અંકોમાં રામકથાની સીતાવિવાહથી આરંભી રામના રાજ્યાભિષેક સુધીની ઘટનાઓ વર્ણવતું ‘મહાવીરચરિત’ નામનું સામાન્ય કક્ષાનું નાટક રચ્યું છે. તેમણે રચેલું ‘માલતીમાધવ’ દસ અંકોમાં માલતી અને માધવની પ્રણયકથા આલેખતું પ્રકરણ પ્રકારનું, અનેક રોમાંચક પ્રસંગોથી ભરેલું અને કલ્પનાના નાવીન્યવાળું સુંદર નાટક છે. ભવભૂતિની અમર નાટ્યકળા તો સાત અંકમાં રામકથાનો પાછળનો ભાગ વર્ણવતા નાટક ‘ઉત્તરરામચરિત’માં સોળે કળાએ ખીલી ઊઠી છે. તેમાં રામ અને સીતાની પથ્થરને પણ પિગળાવે તેવા કરુણરસની કથા એવી સુંદર રીતે આલેખાઈ છે કે ‘ઉત્તરરામચરિત’ કાલિદાસના સર્વશ્રેષ્ઠ નાટક ‘અભિજ્ઞાનશાકુંતલ’ની હરોળમાં સ્થાન પામ્યું છે. આ સદીમાં દામોદર ગુપ્તે સાતસો જેટલી આર્યાઓમાં વિકરાલા નામની વેશ્યા પુરુષોના મનને જીતવાના ઉપાયો માલતી નામની વેશ્યાને ઉપદેશે છે તે વર્ણવતું ‘કુટ્ટિનીમત’ અથવા ‘શંભલીમત’ નામનું કાવ્ય રચ્યું છે. આ સદીમાં નીતિવર્માએ લખેલું, પાંચ સર્ગોમાં કામુકતાથી કીચકે દ્રૌપદીની કરેલી કનડગતને પરિણામે ભીમે કરેલો કીચકનો વધ વર્ણવતું, રસાભાસના પ્રયોગવાળું અને કૃત્રિમ રચનાવાળું શ્લેષયમક પ્રકારનું કાવ્ય ‘કીચકવધ’ સર્વપ્રથમ ચિત્રકાવ્ય છે. આ સદીમાં મહેન્દ્રવિક્રમે રચેલું ‘મત્તવિલાસ’ (અપ્ર.) નામનું પ્રહસન અને સર્વજ્ઞમિત્રે લખેલું સ્તોત્રકાવ્ય ‘સ્રગ્ધરાસ્તોત્ર’ (અપ્ર.) સામાન્ય કક્ષાનાં છે. એ સમયગાળામાં ઘટકર્પરે નાનકડું અને સરળ યમકોવાળા ‘ઘટકર્પરકાવ્ય’ની રચના કરી છે, જેમાં પોતાનાથી વધુ સરળ યમકકાવ્ય લખનાર કવિને ત્યાં ઘડાની કાચલીથી પોતે પાણી ભરશે એવી પ્રતિજ્ઞા તેમણે રજૂ કરી છે !

નવમી સદીમાં જૈન કવિ જિનસેને 23મા તીર્થંકર પાર્શ્ર્વનાથ વિશે કાલિદાસના ‘મેઘદૂત’ની પ્રત્યેક પંક્તિની સમસ્યાપૂર્તિ રૂપે 450થી વધુ શ્લોકોનું ‘પાર્શ્ર્વાભ્યુદય’ નામનું કાવ્ય તથા જૈન ‘હરિવંશપુરાણ’ અને ‘આદિપુરાણ’ની રચનાઓ કરી છે. આ સદીમાં કાશ્મીરના મહાકવિ શિવસ્વામીએ 20 સર્ગોમાં રાજા કફ્ફિણને વર્ણવતું ‘કફ્ફિણાભ્યુદય’ નામનું મહાકાવ્ય રચ્યું છે, જે કૃત્રિમ શૈલીનું છે. આ સમયગાળામાં કાશ્મીરી મહાકવિ રત્નાકરે 50 સર્ગોમાં અંધક નામના રાક્ષસ પર શિવે મેળવેલા વિજયને વર્ણવતું, કૃત્રિમ શૈલીનું, વિપુલ કદનું તથા અતિદીર્ઘ વર્ણનોવાળું મહાકાવ્ય ‘હરવિજય’ રચ્યું છે. તેમાં પોતાનું મહાકાવ્ય વાંચીને કવિ ન હોય તે કવિ અને મહાકવિ બની જશે એવો તેમનો દાવો છે. કાશ્મીરી કવિ અભિનંદે રામકથા વર્ણવતા મહાકાવ્ય ‘રામચરિત’ના 36 સર્ગો રચ્યા છે અને અપૂર્ણ રહેલા આ મહાકાવ્યને ભીમકવિએ છેલ્લા ચાર સર્ગો ઉમેરી પૂર્ણ કર્યું છે. ગૌડ દેશના અભિનંદે બાણની ‘કાદંબરી’ના કથાનકનો સંક્ષેપ આઠ સર્ગોના બનેલા મહાકાવ્ય ‘કાદંબરીકથાસાર’માં સુંદર કવિતામાં કર્યો છે. આ સદીમાં શક્તિભદ્રે સાત અંકોમાં રામકથા વર્ણવતું ‘આશ્ર્ચર્યચૂડામણિ’ નામનું નાટક લખ્યું છે. નાટ્યશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રના નદીષ્ણ નાટ્યકાર મુરારિએ સાત અંકોમાં રામકથા નિરૂપતું ‘અનર્ઘરાઘવ’ નામનું જાણીતું સુંદર નાટક રચ્યું છે. એ સમયગાળામાં કાશ્મીરી કવિ ભલ્લટે સરસ કાવ્યતત્ત્વથી ભરેલું મુક્તકકાવ્ય ‘ભલ્લટશતક’ રચ્યું છે, જેમાંનાં મુક્તકોને ઉદાહરણ તરીકે આનંદવર્ધન, અભિનવગુપ્ત અને મમ્મટ જેવા આલંકારિકોએ આપ્યાં છે. આ સદીમાં કવિ વાસુદેવે યુધિષ્ઠિરનું ચરિત આઠ આશ્વાસોમાં રજૂ કરતું ‘યુધિષ્ઠિરવિજય’, કૃષ્ણનું ચરિત આલેખતું ‘શૌરિકથોદય’ (અપ્ર.) અને શિવે કરેલા ત્રિપુરના દાહને વર્ણવતું ‘ત્રિપુરદહન’ (અપ્ર.) – એમ ત્રણ કૃત્રિમ શૈલીનાં યમકકાવ્યો રચ્યાં છે. જૈન કવિ માનતુંગે ખૂબ જાણીતું ‘ભક્તામરસ્તોત્ર’ આ સદીમાં રચેલું છે. એવું બોધિસત્ત્વ અવલોકિતેશ્વરને વિશેનું સ્તોત્રકાવ્ય ‘લોકેશ્વરશતક’ આ જ સમયની રચના છે. આ સદીમાં નાટ્યકાર રાજશેખરે દસ અંકોમાં રામકથા વર્ણવતું મહાકાય નાટક ‘બાલરામાયણ’ રંગભૂમિ પર ભજવી ન શકાય તેટલું લાંબું લખ્યું છે. આ નાટક ફક્ત પઠન માટે છે એમ નાટ્યકારે પોતે જ કહ્યું છે. તેમનું ‘બાલભારત’ અથવા ‘પ્રચંડપાંડવ’ અપૂર્ણ નાટક છે, જેના બે અંકો જ મળે છે. તેમણે ચાર અંકોમાં રાજા ચંડપાલ અને કર્પૂરમંજરીની પ્રણયકથા વર્ણવતી ‘કર્પૂરમંજરી’ અને રાજા વિદ્યાધરમલ્લ તથા મૃગાંકાવલીની પ્રણયકથા ચાર અંકોમાં રજૂ કરતી ‘વિદ્ધશાલભંજિકા’ આપ્યાં છે. બંને પ્રાકૃત ભાષામાં રચાયેલાં સટ્ટક પ્રકારનાં ઉપરૂપકો છે અને પાતળું નાટકીય તત્ત્વ ધરાવે છે. નાટ્યકાર હસ્તીમલ્લે પાંચ અંકમાં જૈન પરંપરાની રામકથા આલેખતું ‘મૈથિલીકલ્યાણ’ અથવા ‘મૈથિલીપરિણય’ નામનું નાટક રચ્યું છે. આ સદીમાં અત્યંત જાણીતા નાટ્યકાર શંખધરે બે અંકોમાં પાખંડીઓ અને ધૂર્તોને રજૂ કરી હાસ્ય પૂરું પાડતું ‘લટકમેલક’ નામનું પ્રહસન રચ્યું છે.

દસમી સદીમાં કવિ જગદ્ધરે 39 ખંડોમાં શિવની સ્તુતિ કરતું ‘સ્તુતિકુસુમાંજલિ’ નામનું કાવ્ય લખ્યું છે. કવિ ઉત્પલદેવનું શિવસ્તુતિવિષયક સ્તોત્રકાવ્ય ‘પરમેશસ્તોત્રાવલી’ હસ્તપ્રતમાં સચવાયેલું છે. વિશ્વનાથ ચક્રવર્તીરચિત કૃષ્ણસ્તુતિવિષયક ‘સ્તવામૃતલહરીકાવ્ય’ પણ હસ્તપ્રતમાં સચવાયેલું છે. કવિ શોભનમુનિએ જૈન ધર્મના 24 તીર્થંકરો વગેરેની સ્તુતિઓ રજૂ કરતું અને દ્વિતીય-ચતુર્થ પાદયમકની રચનાવાળું ‘ચતુર્વિશતિકા’ નામનું કાવ્ય રચ્યું છે. આ સદીમાં કવિ ત્રિવિક્રમે સાત આશ્વાસોમાં નલ અને દમયંતીની કથા વર્ણવતું ‘નલચંપૂ’ લખ્યું છે, જે સર્વપ્રથમ હોવા છતાં અત્યંત સુંદર ચંપૂ પ્રકારનું કાવ્ય છે. તેમની કલમે બીજું ‘મદાલસાચંપૂ’ લખાયાનો ફક્ત ઉલ્લેખ મળે છે. જૈન કવિ સોમદેવનું ‘યશસ્તિલકચંપૂ’ સાત આશ્વાસોમાં યશોધર નામના રાજાની વાત જૈન તત્ત્વજ્ઞાનના સિદ્ધાન્તો સાથે વર્ણવે છે. આ સમયગાળામાં શ્રીનીલહનુમત્નું નવ અંકોમાં રામકથા વર્ણવતું ‘હનુમન્નાટક’ પ્રાય: પદ્યોનું બનેલું છે. વળી દામોદરનું 14 અંકોમાં રામકથા રજૂ કરતું ‘મહાનાટક’ સૌથી વધારે અંકો ધરાવતું દીર્ઘ નાટક છે. નાટ્યકાર ક્ષેમીશ્વરે પાંચ અંકોમાં સત્યવાદી રાજા હરિશ્ર્ચંદ્ર અને વિશ્વામિત્રની વાર્તા કહેતું ‘ચંડકૌશિક’ નામનું નાટક રચ્યું છે. એ સમયે અનેક ગ્રંથોના રચયિતા, નાટ્યકાર, કવિ અને શાસ્ત્રગ્રંથોના લેખક ક્ષેમેન્દ્રે ‘રામાયણ’નો સાર આપતી ‘રામાયણમંજરી’, મહાભારતનો સાર આપતી ‘ભારતમંજરી’, બૃહત્કથાનો સાર આપતી ‘બૃહત્કથામંજરી’, વેશ્યાના કાશ્મીરપ્રવાસને વર્ણવતું કાવ્ય ‘સમયમાતૃકા’, નીતિના નિયમો આપતું કાવ્ય ‘ચારુચર્યા’, વિષ્ણુના અવતારોને વર્ણવતું ‘દશાવતારચરિત’, ઉપદેશ નિરૂપતું કાવ્ય ‘સેવ્યસેવકોપદેશ’, વિવિધ કળાઓને વર્ણવતું શાસ્ત્ર-કાવ્ય ‘કલાવિલાસ’, છંદશાસ્ત્રનો અજોડ ગ્રંથ ‘સુવૃત્તતિલક’, અલંકારશાસ્ત્રના ગ્રંથો ‘કવિકંઠાભરણ’ અને ‘ઔચિત્યવિચારચર્ચા’, કાશ્મીરના રાજાઓનો ઇતિહાસ વર્ણવતું ‘રાજાવલી’ વગેરેની રચના કરી છે. આ સદીમાં કવિ ધનંજયે ‘રામાયણ’ અને ‘મહાભારત’ની વાત પ્રત્યેક શ્લોકમાં એકસાથે કહેતા ‘દ્વિસંધાનકાવ્ય’ની સર્વપ્રથમ રચના કરી છે, જે શ્લેષ પ્રકારનું ચિત્રકાવ્ય છે. એ સમયે અલંકારશાસ્ત્રના ‘સરસ્વતીકંઠાભરણ’ અને ‘શૃંગારપ્રકાશ’ જેવા ગ્રંથોના લેખક ભોજરાજાએ ‘રામાયણચંપૂકાવ્ય’ પાંચ કાંડો સુધીનું અલંકૃત શૈલીમાં રચ્યું છે. તેમાં લક્ષ્મણ ભટ્ટે છઠ્ઠા યુદ્ધકાંડની અને વેંકટરાજે સાતમા ઉત્તરકાંડની પૂર્તિ કરી છે. અનેક શાસ્ત્રના ઘણા ગ્રંથો રચનાર ભોજરાજાએ ‘શૃંગારમંજરી’, ‘શાલિકથા’ અને ‘વિદ્યાવિનોદ’  એ ત્રણ સાહિત્યિક રચનાઓ પણ આપી છે. આ સમયે કવિ રાઘવાચાર્યે ભદ્રાચલ વિશે ‘ભદ્રાચલચંપૂકાવ્ય’ (અપ્ર.) લખ્યું છે.

અગિયારમી સદીમાં પદ્મગુપ્તે 18 સર્ગોમાં રાજા સિંધુરાજ અને નાગકન્યા શશિપ્રભાના લગ્નને વર્ણવતું ‘નવસાહસાંકચરિત’ નામનું સુંદર કલ્પનાભર્યું મહાકાવ્ય રચ્યું છે. ‘પાઇયલચ્છીનામમાલા’ નામનો પ્રાકૃત ભાષાનો નાનો કોશ રચનાર કવિ ધનપાલે સમરકેતુ અને તિલકમંજરીની પ્રણયકથા વર્ણવતું, કથાપ્રકારનું દીર્ઘ ગદ્યકાવ્ય ‘તિલકમંજરી’ બાણની અસર ઝીલી રચ્યું છે. અભિનવકાલિદાસે ભાગવતની કથા વર્ણવતું ‘ભાગવતચંપૂ’ (અપ્ર.), મહાભારતની કથા વર્ણવતું ‘અભિનવભારતચંપૂ’ (અપ્ર.), શંકરાચાર્યને વર્ણવતું લઘુકાવ્ય ‘ભગવત્પાદસપ્તતિ’ (અપ્ર.) અને કલિયુગનો ઉપહાસ કરતા લઘુકાવ્ય ‘કલિવિડંબન’(અપ્ર.)ની રચના કરી છે. ગદ્યલેખક સોઢ્વલે આઠ ઉચ્છ્વાસોમાં રાજા મલયવાહન અને ઉદયસુંદરીના લગ્નને વર્ણવતું કથાપ્રકારનું ગદ્યકાવ્ય ‘ઉદયસુંદરીકથા’ રચ્યું છે. સોમદેવે ‘કથાસરિત્સાગર’માં ગુણાઢ્યની ‘બૃહત્કથા’નો સંક્ષેપ 124 તરંગોમાં રજૂ કર્યો છે. કવિકુંજરે સભારંજન માટે નીતિનો બોધ આપતી વાર્તાઓનો સંગ્રહ ‘રાજશેખરચરિત્ર’ લખ્યો છે. કાશ્મીરી કવિ બિલ્હણે કલ્યાણના રાજા વિક્રમાદિત્ય ત્રિભુવનમલ્લને 18 સર્ગોમાં વર્ણવતું ઐતિહાસિક મહાકાવ્ય ‘વિક્રમાંકદેવચરિત’, ગુજરાતના ચાલુક્ય વંશના રાજા કર્ણદેવ વિશે ચાર અંકોની નાટિકા ‘કર્ણસુંદરી’ અને પચાસ શ્લોકોનું શૃંગારિક લઘુકાવ્ય ‘ચૌરપંચાશિકા’ની રચના કરી છે. કાશ્મીરી કવિ શિલ્હણે શાંતિ વિશેના વિચારો રજૂ કરતું ‘શાંતિશતક’ નામનું લઘુકાવ્ય રચ્યું છે. આ સમયગાળામાં પરમ વૈષ્ણવ કવિ કૃષ્ણલીલાશુકે બાર તરંગોમાં કૃષ્ણ વિશે રમ્ય ઊર્મિભર્યાં મુક્તકોવાળું કાવ્ય ‘કૃષ્ણલીલામૃત’ અને કૃષ્ણની રાસક્રીડાનું વર્ણન કરતા સુરમ્ય શ્લોકો ધરાવતા કાવ્ય ‘વૃંદાવનસ્તુતિ’ની રચના કરી છે. આ સદીમાં કવિવર જયદેવે 24 રાગબદ્ધ અષ્ટપદીઓવાળા બાર સર્ગોમાં કૃષ્ણ અને રાધિકાના પ્રણયને વર્ણવતું, મધુર ભાવોને આલેખતી કોમળ કાન્ત પદાવલીવાળું, અમર કાવ્ય ‘ગીતગોવિંદ’ રચ્યું છે, જેણે સંસ્કૃત સાહિત્યમાં ગીતિકાવ્યોની ઉજ્જ્વળ પરંપરા તો ખડી કરી છે જ, સાથે સાથે ભારતની વિભિન્ન ભાષાઓના સાહિત્યમાં પણ ઘેરી અસર કરી છે. આ સમયગાળામાં ધોયી નામના કવિએ કુવલયાવતી પવન દ્વારા રાજા લક્ષ્મણસેનને સંદેશો મોકલે છે એ વિશે ‘પવનદૂત’ નામનું ખંડકાવ્ય લખ્યું છે. કૃષ્ણમિશ્રનું શાંકર વેદાંત અને વિષ્ણુભક્તિનો સમન્વય ધરાવતું, જ્ઞાન, વિદ્યા, વિવેક, મોહ જેવા અમૂર્ત ભાવોમાં માનવભાવના આરોપવાળું અને સાત અંકોનું બનેલું રૂપકાત્મક નાટક ‘પ્રબોધચંદ્રોદય’ નવીન ભાતની નાટ્યપરંપરા ખડી કરે છે.

બારમી સદીના અનેક ગુજરાતી સાહિત્યકારોમાં શિરમોર સમા આચાર્ય હેમચંદ્રે વીસ સર્ગોમાં સંસ્કૃત ભાષામાં સોલંકી રાજાઓને અને બાકીના આઠ સર્ગોમાં પ્રાકૃત ભાષામાં કુમારપાળને વર્ણવતું, પોતાના ‘સિદ્ધહેમ’ નામના સાત અધ્યાયોમાં સંસ્કૃત ભાષાના અને આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાના વ્યાકરણનાં સૂત્રોનાં ઉદાહરણો ક્રમપૂર્વક આપતું મહાકાવ્ય ‘દ્વયાશ્રય’ અથવા ‘કુમારપાલચરિત’ રચ્યું છે, જે કૃત્રિમ શૈલીની રચનાવાળું છે. વળી હેમચંદ્રે જૈન ધર્મના 63 મહાપુરુષોનાં ચરિતો વર્ણવતું પુરાણ મહાકાવ્ય ‘ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત’, જૈન ધર્મનાં સ્તોત્રકાવ્યો, અલંકારશાસ્ત્રનો સ્વોપજ્ઞ ‘વિવેક’ ટીકા સાથેનો ગ્રંથ ‘કાવ્યાનુશાસન’, ‘અભિધાનચિંતામણિ’ વગેરે શબ્દકોશો, યોગશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રીય ગ્રંથો લખ્યા કે જે તેમને ગુજરાતને ગૌરવ અપાવનારા લેખક તરીકે સ્થાપે છે. તેમનું શિષ્યવૃંદ અને સોલંકી રાજાઓ સાથે સંકળાયેલા અન્ય વિદ્વાનો બારમી સદીના પ્રમુખ સાહિત્યકારો છે. તેમાં શ્રીપાલે બલિનો પરાજય વર્ણવતું મહાકાવ્ય ‘વૈરોચનપરાજય’ (અપ્ર.) અને તેના પુત્ર સિદ્ધપાલે દ્રૌપદીના સ્વયંવર વિશે ‘દ્રૌપદીસ્વયંવરનાટક’ની (અપ્ર.) રચના કરી છે. વર્ધમાને ‘સિદ્ધરાજવર્ણન’ નામનું મહાકાવ્ય અને ક્રિયાપદ ગૂઢ રીતે મૂક્યું હોય તેવું ‘ક્રિયાગુપ્તક’ નામનું ચિત્રકાવ્ય રચ્યું હોવાના ઉલ્લેખો મળે છે. શંભુ નામના કવિએ રાજા હર્ષની પ્રશંસા કરતું લઘુકાવ્ય ‘રાજેન્દ્રકર્ણપૂર’ લખ્યું છે. ‘નાટ્યદર્પણ’ના અને સો પ્રબંધોના જાણીતા લેખક કવિ રામચંદ્રે ભીમના પરાક્રમને વર્ણવતું એકાંકી રૂપક ‘નિર્ભય-ભીમવ્યાયોગ’, નલકથા વર્ણવતું ‘નલવિલાસ નાટક’, પ્રકરણ પ્રકારનું રૂપક ‘મલ્લિકામકરંદ’, રામકથા વર્ણવતું નાટક ‘રઘુવિલાસ’, કૃષ્ણ વિશેનું મહાકાવ્ય ‘યાદવાભ્યુદય’, નાટક ‘રાઘવાભ્યુદય’, પ્રકરણ પ્રકારનું રૂપક ‘રોહિણીમૃગાંક’, નાટિકા ‘વનમાલા’, પ્રકરણ પ્રકારનું રૂપક ‘કૌમુદીમિત્રાણંદ’, હરિશ્ર્ચંદ્ર વિશેનું નાટક ‘સત્યહરિશ્ર્ચંદ્ર’, સુભાષિતસંગ્રહ ‘સુધાકલશ’ વગેરે રચ્યાં હોવાના ઉલ્લેખો તેમણે પોતે જ ‘નાટ્યદર્પણ’માં કર્યા છે. એમાંથી ત્રણેક રચનાઓ પ્રકાશિત છે. દેવચંદ્રે પાંચ અંકોનું નાટક ‘ચંદ્રલેખાવિજય’ (અપ્ર.) રચ્યું છે. પ્રહલાદનદેવે અર્જુને વિરાટ રાજાની ગાયો પાછી વાળી તે વર્ણવતું ‘પાર્થપરાક્રમવ્યાયોગ’ નામનું એકાંકી રૂપક લખ્યું છે. કવિરાજે કૃષ્ણ સ્વર્ગમાંથી પારિજાતનું વૃક્ષ લાવ્યા એ પ્રસંગ વિશે દસ સર્ગોનું સુંદર મહાકાવ્ય અને ‘રામાયણ’ અને ‘મહાભારત’ની કથા એકસાથે વર્ણવતું દ્વિસંધાન પ્રકારનું પ્રખ્યાત ચિત્રકાવ્ય ‘રાઘવપાંડવીય’ એ બે રચનાઓ કરી છે. મોક્ષાદિત્યે ‘ભીમપરાક્રમ’ (અપ્ર.) નામનું એકાંકી વ્યાયોગ રચેલું છે. ‘કાવ્યપ્રકાશ’ પર ‘સંકેત’ ટીકા લખનારા કવિ માણિક્યચંદ્રે દસ સર્ગોમાં તીર્થંકરો પર ‘પાર્શ્ર્વનાથચરિત’ (અપ્ર.) અને ‘શાંતિનાથચરિત’ (અપ્ર.) એ મહાકાવ્યો તથા સો સર્ગોનું જૈન ‘નલાયનપુરાણ’ અથવા ‘કુબેરપુરાણ’ એ ત્રણ રચનાઓ કરી છે. અલંકારગ્રંથ ‘વાગ્ભટાલંકાર’ના લેખક વાગ્ભટે ‘નેમિનિર્વાણકાવ્ય’ લખ્યું છે. યશ:ફલે રાજા કુમારપાળ વિશે ઐતિહાસિક નાટક ‘મોહરાજ-પરાજય’ લખ્યું છે. નાટ્યકાર યશશ્ર્ચંદ્રે શ્વેતાંબરાચાર્ય દેવસૂરિએ દિગંબરાચાર્ય કુમુદચંદ્રને શાસ્ત્રાર્થમાં આપેલી હાર પાંચ અંકોમાં વર્ણવતું અત્યંત જાણીતું ઐતિહાસિક નાટક ‘મુદ્રિતકુમુદચંદ્ર’ રચ્યું છે. રત્નસૂરિએ 23 સર્ગોમાં તીર્થંકર સુવ્રતને વર્ણવતું ‘મુનિસુવ્રતચરિત’ અને 30 સર્ગોમાં અમમસ્વામીને વર્ણવતું ‘અમમસ્વામિચરિત’ એ બે મહાકાવ્યો રચ્યાં છે. આ સદીના અન્ય પ્રદેશના સાહિત્યકારોમાં વિદ્યામાધવે શિવપાર્વતીના અને રુક્મિણીકૃષ્ણના પરિણયને વર્ણવતું મહાકાવ્ય ‘પાર્વતીરુક્મિણીય’ લખ્યું છે. કલ્હણે આઠ તરંગોમાં કાશ્મીરી રાજાઓને વર્ણવતા પ્રસિદ્ધ ઐતિહાસિક મહાકાવ્ય ‘રાજતરંગિણી’ની રચના કરી છે, જેમાં ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનું આલેખન છે. જલ્હણે ઉપદેશ આપતા લઘુકાવ્ય ‘મુગ્ધોપદેશ’ અને કાશ્મીરના રાજા સોમપાલને વર્ણવતા મહાકાવ્ય ‘સોમપાલવિલાસ’ની રચના કરી છે. વાદીભસિંહે રાજા સત્યધર અને તેના પુત્ર જીવંધરને 11 લંભકોમાં વર્ણવતું ગદ્યકાવ્ય ‘ગદ્યચિંતામણિ’ રચ્યું છે, જેના પર બાણની ‘કાદંબરી’ની ઘેરી છાયા છે. વિગ્રહરાજદેવે ભારવિના ‘કિરાતાર્જુનીય’ની વાર્તા રજૂ કરતું ‘હરકેલિ’ નામનું નાટક લખ્યું છે. નાટ્યકાર મદને રચેલી નાટિકા ‘પારિજાતમંજરી’ના પથ્થર પર કોતરાયેલા બે અંકો ઉપલબ્ધ છે. તેમાં રાજકુમારી પારિજાતમંજરીનો રાજા અર્જુનવર્મા સાથેનો પ્રણય રજૂ થયો છે. આ સદીમાં મહાકવિ શ્રીહર્ષે બાવીસ સર્ગોમાં નલકથા વર્ણવતું, શૃંગારરસપ્રધાન, કૃત્રિમ શૈલીનું શિરમોર એવું શાસ્ત્રગર્ભ મહાકાવ્ય ‘નૈષધીયચરિત’ રચ્યું છે, જે સંસ્કૃત સાહિત્યનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાં સ્થાન પામેલું છે. નાટ્યકાર જયદેવનું સાત અંકોમાં રામકથા રજૂ કરતું ‘પ્રસન્નરાઘવ’ સુંદર નાટક છે. એમની ‘સીતાવિહાર’ નામની બીજી રચના પણ છે, જે ઉપલબ્ધ નથી. શ્રીવત્સાંકનું આર્યા છંદમાં કૃષ્ણવર્ણન કરતું ‘યમકરત્નાકર’ કૃત્રિમ શૈલીનું યમક-ચિત્રકાવ્ય છે. મહાકવિ ચંડે પૃથ્વીરાજ ચૌહાણને વર્ણવતું ઐતિહાસિક મહાકાવ્ય રચ્યું હતું; પરંતુ તે અપૂર્ણ મળે છે. આ સદીના કથાસાહિત્યમાં રાજા વિક્રમાદિત્યના સિંહાસનમાં રહેલી બત્રીસ પૂતળીઓ રાજા ભોજને વારાફરતી બત્રીસ વાર્તાઓ કહે છે તેનો સંગ્રહ ‘વિક્રમાર્કચરિત’ અથવા ‘સિંહાસનદ્વાત્રિંશિકા’, 70 દિવસના પ્રવાસે ગયેલા રાજાના સેવકની પત્નીને પોપટે કહેલી 70 વાર્તાઓનો સંગ્રહ ‘શુકસપ્તતિ’ અને વેતાલે કહેલી 25 વાર્તાઓનો સંગ્રહ ‘વેતાલપંચવિંશતિ’ એ ત્રણ મહત્ત્વના ગદ્યકથાના ગ્રંથો વિભિન્ન લેખકોનાં જુદાં જુદાં સંસ્કરણો ધરાવે છે. શ્રીવિદ્યા ચક્રવર્તીએ રાજા નરસિંહ અને વીરબલ્લાલ વચ્ચે શ્રીરંગમ્માં થયેલા યુદ્ધને વર્ણવતું ઐતિહાસિક ગદ્યકાવ્ય ‘ગદ્યકર્ણામૃત’ અને 16 સર્ગોમાં કૃષ્ણ અને રુક્મિણીના વિવાહને વર્ણવતું મહાકાવ્ય ‘રુક્મિણીકલ્યાણ’ – એ બે સુંદર રચનાઓ કરી છે. બૌદ્ધ ધીરનાગે છ અંકોમાં રામના સીતાત્યાગ પછીના પ્રસંગોને રજૂ કરતું ‘કુંદમાલા’ નામનું નાટક રચ્યું છે. સંધ્યાકર નંદીએ બંગાળના રાજા રામપાલ વિશે ઐતિહાસિક મહાકાવ્ય ‘રામપાલચરિત’ રચ્યું છે.

તેરમી સદીમાં થયેલા ઘણા ગુજરાતી સાહિત્યકારોમાં અભયદેવે 19 સર્ગોમાં જયંતના વિજયને વર્ણવતું ‘જયંતવિજય’ નામનું મહાકાવ્ય લખ્યું છે. એ સમયે જૈન મહાકવિ પૂર્ણભદ્રે જૈન ધર્મના પુણ્યશાળી જનોને વર્ણવતાં ‘દશશ્રાવકચરિત’, ‘ધન્યશાલિભદ્રચરિત્ર’, ‘કૃતપુણ્યચરિત્ર’ અને ‘અતિમુક્તચરિત્ર’ એ ચાર (અપ્ર.) મહાકાવ્યો રચ્યાં છે. ગુર્જરેશ્વરના પ્રસિદ્ધ મહામાત્ય વસ્તુપાલે 16 સર્ગોમાં કૃષ્ણ અને અર્જુનની મૈત્રી વર્ણવતું ‘નરનારાયણાનંદ’ નામનું મહાકાવ્ય અને ‘ઈશ્વરમનોરથમયસ્તોત્ર’ એ લઘુકાવ્યની રચના કરી છે. કવિશિક્ષાવિષયક શાસ્ત્રગ્રંથ ‘કાવ્યકલ્પલતાવૃત્તિ’ના પ્રસિદ્ધ લેખક મહાકવિ અમરચંદ્રે ‘મહાભારત’ની કથા રજૂ કરતા મહાકાવ્ય ‘બાલભારત’ અને મહાવીરનું જીવન વર્ણવતા ‘જિનેન્દ્રચરિત’ અથવા ‘પદ્માનંદ કાવ્ય’ની રચના કરી છે. જયસિંહસૂરિનું જાણીતું ઐતિહાસિક નાટક ‘હમ્મીરમદમર્દન’ મહામાત્ય વસ્તુપાલે મુસલમાનોના આક્રમણમાંથી ગુજરાતને બચાવ્યું તે ઘટના રજૂ કરે છે. પદ્મપ્રભે જૈન તીર્થંકરોને વર્ણવતાં ‘કુંથુનાથચરિત’ (અપ્ર.) અને ‘મુનિસુવ્રતચરિત’ (અપ્ર.)  એ બે મહાકાવ્યો લખ્યાં છે. વીરનંદીએ લખેલું 18 સર્ગોમાં તીર્થંકર ચંદ્રપ્રભને વર્ણવતું મહાકાવ્ય ‘ચંદ્રપ્રભચરિત’ જાણીતું છે. મુનિદેવસૂરિએ બે મહાકાવ્યો ‘શાંતિનાથચરિત’ (અપ્ર.) અને ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ (અપ્ર.) રચ્યાં છે. દેવપ્રભસૂરિએ 18 સર્ગોમાં ‘મહાભારત’ની વાર્તા રજૂ કરતું મહાકાવ્ય ‘પાંડવચરિત’ લખ્યું છે. નરચંદ્રસૂરિકૃત ‘કથારત્નસાગર’ જૈન ધર્મની કથાઓ રજૂ કરે છે. આ સદીમાં ગુર્જરેશ્વર-પુરોહિત મહાકવિ સોમેશ્વરે પંદર સર્ગોમાં ‘દુર્ગાસપ્તશતી’ની વાર્તા આલેખતું મહાકાવ્ય ‘સુરથોત્સવ’, નવ સર્ગોમાં મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલનાં જીવનકાર્યો વર્ણવતું મહાકાવ્ય ‘કીર્તિકૌમુદી’, આઠ અંકોમાં રામકથા રજૂ કરતું નાટક ‘ઉલ્લાઘરાઘવ’, 102 શ્લોકોમાં રામને વર્ણવતું લઘુકાવ્ય ‘રામશતક’, પોતાનાં 217 જેટલાં સુભાષિતોનો સંગ્રહ ‘કર્ણામૃતપ્રપા’ વગેરે રચનાઓ કરી છે. સુભટ કવિનું એકાંકી છાયાનાટક ‘દૂતાંગદ’ અંગદદૌત્યનો પ્રસંગ રજૂ કરે છે. મહાકવિ અરિસિંહે 11 સર્ગોમાં મહામાત્ય વસ્તુપાલનાં દાનપુણ્યાદિ સારાં કાર્યો વર્ણવતું ખૂબ જાણીતું મહાકાવ્ય ‘સુકૃતસંકીર્તન’ રચ્યું છે. નયચંદ્રસૂરિનું ‘હમ્મીરમહાકાવ્ય’ 14 સર્ગોમાં રાજા હમ્મીરનાં પરાક્રમો આલેખે છે. બાલચંદ્રસૂરિનું ‘વસંતવિલાસ’ 14 સર્ગોમાં મહામાત્ય વસ્તુપાલની કથા રજૂ કરે છે. આ સદીના અન્ય પ્રદેશના સાહિત્યકારોમાં કૃષ્ણાનંદે 15 સર્ગોમાં નલકથા આલેખતા મહાકાવ્ય ‘સહૃદયાનંદ’ની રચના કરી છે, જે સુંદર વૈદર્ભી શૈલીની છે. લક્ષ્મીતિલકનું ‘પ્રત્યક્બુદ્ધચરિત’ મહાકાવ્ય 17 સર્ગોમાં કરકંડુ, દ્વિમુખ, નમિ અને નાગગતિ – એ ચાર સંતોનું જીવન રજૂ કરે છે. વેંકટનાથે 21 સર્ગોમાં કૃષ્ણ અને યદુવંશનું વર્ણન કરતું મહાકાવ્ય ‘યદુવંશ’, ખંડકાવ્ય ‘હંસસંદેશ’, મુક્તકકાવ્ય ‘સુભાષિતનીવી’ અને એક હજાર શ્લોકોમાં રામની પાદુકાની સ્તુતિ કરતું મહાકાય સ્તોત્રકાવ્ય ‘પાદુકાસહસ્ર’ની રચના કરી છે. તેમણે લખેલાં ‘સંકલ્પસૂર્યોદયનાટક’, ‘મારસંભવમહાકાવ્ય’ અને લઘુકાવ્ય ‘અચ્યુતશતક’ હાલ અનુપલબ્ધ છે. રવિવર્માનું ‘પ્રદ્યુમ્નાભ્યુદય’ નાટક પાંચ અંકોમાં રાજકુમારી પ્રભાવતી સાથેના રાજા પ્રદ્યુમ્નના લગ્નને વર્ણવે છે. કવિ ઉત્પ્રેક્ષાવલ્લભે કલ્પનાભર્યું લઘુકાવ્ય ‘સુંદરીશતક’ અને ભગવાન શિવે રાજા ચોલની દાનવીરતાની સંન્યાસીવેશે લીધેલી પરીક્ષા વર્ણવતું ‘ભિક્ષાટનકાવ્ય’ લખ્યું છે. કાશ્મીરી કવિ જયરથે 32 સર્ગોમાં ભગવાન શિવના અવતારોનું વર્ણન કરતું ‘હરચરિત-ચિંતામણિ’ નામનું મહાકાવ્ય લખ્યું છે. રાજા પ્રતાપરુદ્રદેવે ઉષા અને અનિરુદ્ધના પ્રણયને ચાર અંકોમાં વર્ણવતી નાટિકા ‘ઉષારાગોદય’ અને સાત અંકોમાં યયાતિ અને શર્મિષ્ઠાની જાણીતી પ્રણયકથા નિરૂપતા નાટક ‘યયાતિચરિત’ની રચના કરી છે.

ચૌદમી સદીમાં કવિ વરદે ‘કોકિલસંદેશ’ અને ‘શુકસંદેશ’ નામનાં બે ખંડકાવ્યો લખ્યાં છે. શાકલ્યમલ્લે 18 સર્ગોમાં રામકથા વર્ણવતું ‘ઉદારરાઘવ’ નામનું મહાકાવ્ય રચ્યું છે. માધવે કૃષ્ણે કરેલા નરકાસુરના વધને આલેખતું મહાકાવ્ય ‘નરકાસુરવિજય’ લખ્યું છે, જેના ફક્ત નવ સર્ગો હાલ ઉપલબ્ધ છે. ભોગનાથકૃત ‘રામોલ્લાસ’ (અપ્ર.) અને ‘ત્રિપુરવિજય’ (અપ્ર.)  એ બે મહાકાવ્યો સામાન્ય કક્ષાનાં છે. અગસ્ત્ય અથવા વિદ્યાનાથે રચેલાં ‘બાલભારત’, ‘નલકીર્તિકૌમુદી’ અને ‘કૃષ્ણચરિત’ – એ ત્રણેય (અપ્ર.) કાવ્યરચનાઓ છે. ધર્મઘોષકૃત યમકકાવ્ય ‘યમકસ્તુતિ’ પણ હસ્તપ્રતમાં મળે છે, જેના પર સોમતિલકે ટીકા લખેલી છે. અભિનવ કાલિદાસે ‘શૃંગારકોશ’ નામના ભાણ પ્રકારના રૂપકની રચના કરી છે. શિવદાસે 18 સર્ગોમાં રાજા શાલિવાહનનું વર્ણન કરતું મહાકાવ્ય ‘શાલિવાહનચરિત’ રચ્યું છે. દત્તાત્રેયે ‘દત્તાત્રેયચંપૂ’ (અપ્ર.) તેમના પુત્ર ગંગાધરે ‘મદ્રકન્યાપરિણયચંપૂ’ (અપ્ર.) અને ગંગાધરના પુત્ર લક્ષ્મણે ‘ભારતચંપૂતિલક’ (અપ્ર.) રચ્યાં છે. એવું જ શ્રીકંઠનું ‘કંદર્પદર્પભાણ’ નામનું (અપ્ર.) રૂપક છે. નાટ્યકાર વિરૂપાક્ષે ‘નારાયણવિલાસ’ (અપ્ર.) નામનું વિષ્ણુવિષયક નાટક અને વિરહી રામ વિશે ‘ઉન્મત્તરાઘવ’ (અપ્ર.) નામનું એકાંકી નાટક લખ્યાં છે. અન્ય વિરૂપાક્ષ કવિએ ‘ચોલચંપૂ’માં ભગવાન શિવ અને ચોલના રાજા વિશે કાલ્પનિક વાર્તા વર્ણવી છે. આ સદીમાં અવતાર કવિનું ‘ઈશ્વરશતક’, લોષ્ટક કવિનું ‘દીનાક્રંદન’, માધવાનંદનું ‘હસ્તામલકસ્તોત્ર’, પુરુષોત્તમની ‘વિષ્ણુભક્તિકલ્પલતા’, રામાચાર્યનું ‘રામમહિમ્ન:સ્તોત્ર’ અને રામકૃષ્ણની ‘પદ્યપુષ્પાંજલિ’ જેવાં નાનકડાં સ્તોત્રકાવ્યો રચાયાં છે. ‘માલતીમાધવ’ અને ‘ગીતગોવિંદ’ પરની ટીકાઓના લેખક કવિ માનાંકે ‘વૃંદાવન’ અને ‘મેઘાભ્યુદય’  એ બે યમકકાવ્યો રચ્યાં છે. મેરુતુંગે પાંચ પ્રકાશોમાં ઐતિહાસિક માહિતી ધરાવતી વાર્તાઓ રજૂ કરતા ગદ્યગ્રંથ ‘પ્રબંધચિંતામણિ’ની રચના કરી છે. સમયસુંદરે ગદ્યગ્રંથ ‘કાલિકાચાર્યકથા’ (અપ્ર.) લખ્યો છે, જેમાં જૈન સાધુ કાલિકાચાર્યનું ચરિત રજૂ થયું છે. કવિકુંજરે નીતિવિષયક કાવ્ય ‘સભારંજનપ્રબંધ’ની (અપ્ર.) રચના કરી છે. નાટ્યકાર માણિકે મદનવતી અને ભૈરવાનંદના પ્રણય વિશે (અપ્ર.) નાટક ‘ભૈરવાનંદ’ રચ્યું છે. રાજા જયરણમલ્લદેવે ‘મહાભારત’ વિશે ‘પાંડવવિજય’ નામનું (અપ્ર.) નાટક લખ્યું છે. કામશાસ્ત્રના ગ્રંથ ‘પંચસાયક’ના લેખક નાટ્યકાર જ્યોતિરીશ્વરે ‘ધૂર્તસમાગમ’ નામનું પ્રહસન રચ્યું છે. ભાસ્કરે ‘ઉન્મત્તરાઘવ’ નામનું એકાંકી રૂપક રામ અને સીતાના વિરહ વિશે રચ્યું છે, જે કાલિદાસના ‘વિક્રમોર્વશીય’ની પ્રગાઢ અસર બતાવે છે. નાટ્યકાર ગંગાધરે ચંદ્ર અને કુમુદિની વિશે કાલ્પનિક નાટક ‘ચંદ્રવિલાસ’ અને રામકથા વિશે ‘રાઘવાભ્યુદય’  એમ બે નાટકોની રચના કરી છે. તેમના પ્રથમ પુત્ર નાટ્યકાર નરસિંહે આઠ અંકોમાં બાણની ‘કાદંબરી’ની વાર્તા વર્ણવતું નાટક ‘કાદંબરીકલ્યાણ’ અને બીજા પુત્ર પ્રસિદ્ધ અલંકારગ્રંથ ‘સાહિત્યદર્પણ’ના લેખક કવિરાજ વિશ્વનાથે દ્રૌપદી અને ભીમ વિશે કલ્પનાસભર સુંદર એકાંકી ‘સૌગંધિકાહરણ’ની રચના કરી છે.

પંદરમી સદીમાં મહાકવિ યુવરાજે બાર સર્ગોમાં રામકથા વર્ણવતું મહાકાવ્ય ‘રામચરિત’ અને ‘રસસદનભાણ’ નામના સુંદર એકાંકીનું નિર્માણ કર્યું છે. વ્યાસ રામદેવે રામાયણવિષયક ‘રામાભ્યુદય’, મહાભારતવિષયક ‘પાંડવાભ્યુદય’ અને ‘સુભદ્રાપરિણય’ – એ ત્રણ નાટકો સર્જ્યાં છે. વામનભટ્ટ બાણે આઠ સર્ગોમાં નલકથા વર્ણવતું મહાકાવ્ય ‘નલાભ્યુદય’, 30 સર્ગોનું મહાકાવ્ય ‘રઘુનાથચરિત’ (અપ્ર.), હંસને દૂત બનાવતું ખંડકાવ્ય ‘હંસસંદેશ’, પાંચ અંકોમાં ‘કુમારસંભવ’ની વાર્તા વર્ણવતું નાટક ‘પાર્વતીપરિણય’, ચાર અંકોમાં વ્યાસવર્મા અને કનકલેખાના પ્રણયને વર્ણવતી નાટિકા ‘કનકલેખા’, પોતાના આશ્રયદાતા રાજા વેમને વર્ણવતું ગદ્યકાવ્ય ‘વેમભૂપાલચરિત’, કાર્તિકેયને વર્ણવતું ‘કુમારસંભવચંપૂ’ અને એકાંકી ‘શૃંગારભૂષણભાણ’ વગેરે સર્જ્યાં છે. લોલિંબરાજ નામના કવિએ આયુર્વેદના આચાર્ય વાગ્ભટે બતાવેલા કેટલાક ઉપચારો કાવ્યમય રીતે વર્ણવતું, નાનકડું છતાં ઉત્તમ લઘુકાવ્ય ‘હરિવિલાસ’ લખ્યું છે. શિવસૂર્યે આઠ સર્ગોમાં ‘મહાભારત’ની વાર્તા વર્ણવતું ‘પાંડવાભ્યુદય’ નામનું મહાકાવ્ય સર્જ્યું છે. આ સદીમાં કવયિત્રી અભિરામકામાક્ષીએ 24 સર્ગોમાં રામકથા વર્ણવતું મહાકાવ્ય ‘અભિનવરામાભ્યુદય’ નિર્મ્યું છે. નાટ્યકાર ઉદ્દંડે ‘માલતીમાધવ’ની અસર ઝીલી પ્રકરણ પ્રકારનું રૂપક ‘મલ્લિકામારુત’ સર્જ્યું છે. ભર્તૃહરિની જેમ ધનદરાજે ‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’ – એ ત્રણ મુક્તક-શતકોની રચના કરી છે. ભાસ્કરે પાંચ અંકોનું નાટક ‘વલ્લીપરિણય’ તથા ચંપૂકાવ્ય ‘કુમારવિજય’(અપ્ર.)નું સર્જન કર્યું છે. શ્રીકૃષ્ણ વિશે શંકરકવિએ ‘શ્રીકૃષ્ણવિજય’ અને સુકુમારકવિએ ચાર સર્ગો સુધી ઉપલબ્ધ સુંદર મહાકાવ્ય ‘કૃષ્ણવિલાસ’નું નિર્માણ કર્યું છે. કવિ વાસુદેવે ભમરાને દૂત બનાવતું ખંડકાવ્ય ‘ભૃંગસંદેશ’ અને પાણિનિનાં સૂત્રોનાં ઉદાહરણો આપતું ધાતુકાવ્ય ‘વાસુદેવવિજય’ (અપૂર્ણ) રચ્યું છે. એની પૂર્તિ નારાયણ નામના કવિએ કરી છે. કવયિત્રી ગંગાદેવીએ રાજા વીરકંપરાયના વિજયને વર્ણવતું ‘મધુરાવિજય’ નામનું મહાકાવ્ય નિર્મ્યું છે, જેનો થોડોક ભાગ હાલ ઉપલબ્ધ છે. કવયિત્રી તિરુમલામ્બાએ રાજા અચ્યુતરાય અને રાજકુમારી વરદામ્બાનાં લગ્નનું વર્ણન કરતું ‘વરદાંબિકાપરિણયચંપૂ’ સર્જ્યું છે, જે દીર્ઘ વાક્યોવાળા ગદ્ય અને પદ્યની મિશ્ર રચના છે. વાસુદેવ નામના અન્ય કવિએ અર્જુનની વાત રજૂ કરતા યમકકાવ્ય ‘પાર્થકથા’(અપ્ર.)ની રચના કરી છે. રાજા કૃષ્ણદેવરાયે પાંચ પાંચ અંકોનાં ‘ઉષાપરિણય’ (અપ્ર.) તથા ‘જામ્બવતીજય’ (અપ્ર.) નામનાં બે નાટકોની રચના કરી છે. આ સદીમાં શાંકર વેદાંતના શકવર્તી ગ્રંથ ‘અદ્વૈતસિદ્ધિ’ અને અલંકારશાસ્ત્રના ગ્રંથ ‘ભક્તિરસાયન’ના વિદ્વાન લેખક કવિ મધુસૂદન સરસ્વતીએ ‘આનંદમંદાકિની’ નામનું ઉત્તમ સ્તોત્રકાવ્ય લખ્યું છે. રાજા પુરુષોત્તમદેવે જયદેવના ‘ગીતગોવિંદ’ને સામે રાખી ‘અભિનવગીતગોવિંદ’ની સુંદર રચના કરી છે. ધર્મદાસે ચિત્રકાવ્યના પ્રકારોની સોદાહરણ વ્યાખ્યા આપતું, વિસ્મયસભર પ્રસિદ્ધ કાવ્ય ‘વિદગ્ધમુખમંડન’ લખ્યું છે. ચંપૂકાવ્યોના ઉત્કૃષ્ટ કવિ અનંતભટ્ટે ‘ભાગવત’ વિશે ‘ભાગવતચંપૂ’ અને ‘મહાભારત’ વિશે ‘ભારતચંપૂ’નું નિર્માણ કર્યું છે. એકામ્રનાથે ‘વીરભદ્રવિજય’ (અપ્ર.) નામનું કાવ્ય રચ્યું છે. જૈન કવિ સોમપ્રભે જૈન ધર્મની દૃષ્ટિએ ગુણો અને દોષો વર્ણવતું નીતિકાવ્ય ‘સિંદૂરપ્રકર’, સુભાષિતકાવ્ય ‘નરાભરણ’ અને પ્રત્યેક શ્લોકમાં શૃંગાર અને વૈરાગ્ય બંનેની રજૂઆત કરતું કાવ્ય ‘શૃંગારવૈરાગ્યતરંગિણી’ – એ ત્રણેય રચનાઓ લખી છે. આ સમયગાળામાં ગુજરાતી કવિ જીવરામ યાજ્ઞિકે ભાગવતની કૃષ્ણકથા પાંચ અંકોમાં વર્ણવતું ‘મુરારિવિજય’ (અપ્ર.) નામનું નાટક રચ્યું છે. એ સમયે વાર્તાકાર નારાયણ પંડિતે ‘પંચતંત્ર’નું ઉપજીવન લઈ સુપ્રસિદ્ધ ગ્રંથ ‘હિતોપદેશ’ લખ્યો છે. રામાનંદરાયે કૃષ્ણ વિશે ‘જગન્નાથવલ્લભ’ (અપ્ર.) અને ‘ગોવિંદવલ્લભ’ (અપ્ર.)  એ બે નાટકો રચ્યાં છે. ગદ્યલેખક અનંતભટ્ટે ‘પંચતંત્ર’ના આધારે ‘પંચોપાખ્યાનસંગ્રહ’ (અપ્ર.) નામનો કથાસાહિત્યનો ગ્રંથ લખ્યો છે. હરિહર રાજા ભર્તૃહરિ પત્નીના મૃત્યુના ખોટા સમાચારથી શોક પામી યોગીના ઉપદેશથી વૈરાગ્ય પામે છે એવું નિરૂપતા ‘ભર્તૃહરિનિર્વેદ’ નામના નાટકના લેખક છે. જૈન લેખક સોમચંદ્રે 120 જૈન ધાર્મિક વાર્તાઓના સંગ્રહ ‘કથામહોદધિ’ની રચના કરી છે. વાર્તાકાર વિદ્યાપતિએ મનુષ્યને ચતુર બનાવતી 44 વાર્તાઓનો સંગ્રહ ‘પુરુષપરીક્ષા’ સર્જ્યો છે. ગદ્યકાર આનંદે માધવાનલ અને કામકંદલાની વાર્તા ગદ્યમાં રજૂ કરતી ‘માધવાનલકથા’ લખી છે. કૃષ્ણદાસે ભગવાન કૃષ્ણની લીલાઓ વર્ણવતું મહાકાવ્ય ‘ગોવિંદલીલામૃત’ નિર્મ્યું છે. લેખક શ્રીવરે યવનપાત્રો યૂસુફ અને ઝુલૈકાની વાર્તા વર્ણવતી નવલકથા ‘કથાકૌતુક’ લખી છે.

સોળમી સદીમાં બલ્લાલ મિશ્રે ભોજરાજાનો કવિતાપ્રેમ અને ચાતુર્ય દર્શાવતી વાર્તાઓનો સંગ્રહ ‘ભોજપ્રબંધ’ લખ્યો છે. અલંકારશાસ્ત્રના ગ્રંથ ‘રસવિલાસ’ના લેખક ભૂદેવ શુક્લે ધર્મનો મહિમા બતાવતું ‘ધર્મવિજય’ નામનું નાટક રચ્યું છે. કવયિત્રી મધુરવાણીએ 14 સર્ગોમાં મધુર શબ્દોમાં રામકથા વર્ણવતું મહાકાવ્ય ‘રામાયણસાર’ સર્જ્યું છે. ‘પ્રસ્થાનત્રયી’ અને ‘ભાગવત’ પર ભાષ્યો રચનારા અને પુદૃષ્ટિમાર્ગનું સ્થાપન કરનારા વલ્લભાચાર્યે ‘મધુરાષ્ટક’ અને ‘યમુનાષ્ટક’ જેવાં સુંદર સ્તોત્રકાવ્યો સર્જ્યાં છે. અલંકારશાસ્ત્રના ‘ચિત્રમીમાંસા’, ‘કુવલયાનંદ’ અને ‘વૃત્તિવાર્તિક’ તથા વેદાંતના ‘શિવાર્કમણિદીપિકા’, ‘કલ્પતરુપરિમલ’ અને ‘મધ્વતંત્રમુખમર્દન’, મીમાંસાના ‘વિધિરસાયન’ જેવા શાસ્ત્રગ્રંથો મળી 104 કૃતિઓના સર્જક પ્રસિદ્ધ અપ્પય્ય દીક્ષિતે ‘વરદરાજસ્તવ’, ‘અપીતકુચામ્બાસ્તોત્ર’, ‘આર્યાશતક’ વગેરે અનેક સ્તોત્રકાવ્યોની રચના કરી છે. શેષ ચિંતામણિએ કૃષ્ણવિષયક નાટક ‘રુક્મિણીહરણ’ (અપ્ર.) લખ્યું છે. મધુસૂદને કૃષ્ણવિષયક નાટક ‘કૃષ્ણકુતૂહલ’ (અપ્ર.) અને ભાણ ‘ધૂર્તચરિત’ની (અપ્ર.) રચના કરી છે. રાજનાથે કૃષ્ણવિષયક ‘ભાગવતચંપૂકાવ્ય’ અને 12 સર્ગોમાં રાજા અચ્યુતરાયને વર્ણવતું મહાકાવ્ય ‘અચ્યુતરાયાભ્યુદય’ લખ્યું છે. ગોકુલનાથે સાત અંકોમાં મદાલસાનું લગ્ન આલેખતું નાટક ‘મુદિતમદાલસા’ અને જીવને મોક્ષપ્રાપ્તિ વર્ણવતું રૂપકાત્મક નાટક ‘અમૃતોદય’ની રચના કરી છે. સૂર્યકવિએ 38 શ્લોકોને સીધા ક્રમે વાંચતાં રામકથા અને ઊંધા ક્રમે વાંચતાં કૃષ્ણકથા કહેતું કૃત્રિમ શૈલીનું ચિત્રકાવ્ય ‘રામકૃષ્ણ-વિલોમકાવ્ય’ લખ્યું છે. નાટ્યકાર મલ્લિકાર્જુને પાંચ અંકોમાં કૃષ્ણ અને સત્યભામાના લગ્નને વર્ણવતું નાટક ‘સત્યભામાપરિણય’ રચ્યું છે. સ્વયંભૂએ 14 સર્ગોમાં કૃષ્ણકથા વર્ણવતું મહાકાવ્ય ‘કૃષ્ણવિલાસ’ અને શિવ સાથે અર્જુનના યુદ્ધ વિશે ‘શંકરાનંદચંપૂ’ની રચના કરી છે. નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથ ‘નાટકચંદ્રિકા’ અને અલંકારશાસ્ત્રવિષયક ‘ઉજ્જ્વલનીલમણિ’ ગ્રંથના લેખક અને વૈષ્ણવ કવિ રૂપ ગોસ્વામીએ સાત અંકોનાં બનેલાં કૃષ્ણરાધાવિષયક ‘વિદગ્ધમાધવ’ અને ‘લલિતમાધવ’ નામનાં બે નાટકો તથા ગોપીઓ કૃષ્ણને ઉદ્ધવ દ્વારા સંદેશો મોકલે છે તે વર્ણવતા ખંડકાવ્ય ‘ઉદ્ધવસંદેશ’ની રચના કરી છે. તેમણે અનેક સ્તોત્રકાવ્યો પણ રચ્યાં છે. નારાયણ ભટ્ટતિરિએ હજારથી વધુ મધુર શ્લોકોમાં ‘ભાગવત’નો સાર આપતું સુપ્રસિદ્ધ કાવ્ય ‘નારાયણીય’ની સાથે અનેક પ્રબંધો અને ચંપૂકાવ્યોની રચના કરી છે. અલંકારગ્રંથ ‘અલંકારકૌસ્તુભ’ના લેખક કવિકર્ણપૂરે ચૈતન્ય મહાપ્રભુ વિશે ‘ચૈતન્યચંદ્રોદયનાટક’ અને શ્રીકૃષ્ણ વિશે ‘ચમત્કારચંદ્રિકા’ (અપ્ર.) અને ‘આનંદવૃંદાવનચંપૂ’ લખ્યાં છે. નાટ્યકાર મહાદેવે દસ અંકોમાં રામકથા વર્ણવતું અને ‘અદ્ભુત રસ જ ઉત્તમ છે’ એનું ઉદાહરણ આપવા રચેલું નાટક ‘અદ્ભુતદર્પણ’ લખ્યું છે. દેવવિજયગણિએ જૈન પરંપરાની રામકથાને વર્ણવતું ગદ્યકાવ્ય ‘રામચરિત’ સર્જ્યું છે. રાજા લક્ષ્મણમાણિક્યદેવે રચેલાં ઘણાં નાટકોમાંથી મદાલસા અને કુવલયાશ્વનો પ્રણય વર્ણવતું ‘કુવલયાશ્વચરિત’ (અપ્ર.) અને છ અંકોમાં કૌરવો સાથે નકુલે કરેલા યુદ્ધની કથા રજૂ કરતું ‘વિખ્યાતવિજય’ (અપ્ર.)  એ બે જ નાટકો લખ્યાં છે. સંગીતશાસ્ત્રના ગ્રંથ ‘સંગીતસુધાનિધિ’ લખનારા મહામાત્ય ગોવિંદ દીક્ષિતે રાજા અચ્યુતરાય અને રાજા રઘુનાથને વર્ણવતું ઐતિહાસિક મહાકાવ્ય ‘સાહિત્યસુધા’ (અપ્ર.) અને કૃષ્ણના વંશને વર્ણવતું મહાકાવ્ય ‘હરિવંશસારચરિત’ (અપ્ર.) બંનેની રચના કરી છે. તેમના જ્યેષ્ઠ પુત્ર વેંકટેશ્વરે ‘સાહિત્યસામ્રાજ્ય’ અને ‘ચિત્રબંધરામાયણ’ – એ બે કાવ્યો અને ‘વાર્તિકાભરણ’ અને ‘ચતુર્દંડીપ્રકાશિકા’ જેવા શાસ્ત્રગ્રંથો પણ રચ્યા છે. તેમના બીજા પુત્ર યજ્ઞનારાયણ દીક્ષિતે રાજા રઘુનાથને વિશે મહાકાવ્ય ‘રઘુનાથ-ભૂપવિજય’ (અપ્ર.) અને નાટક ‘રઘુનાથવિલાસ’ (અપ્ર.) તથા મહાકાવ્ય ‘સાહિત્યરત્નાકર’ની (અપ્ર.) રચના કરી છે. 60 કાવ્યો અને 18 નાટકોના તથા અનેક શાસ્ત્રગ્રંથોના લેખક શ્રીનિવાસ દીક્ષિતે શિવની લીલાઓ વર્ણવતું મહાકાવ્ય ‘શિતિકંઠવિજય’ (અપ્ર.), નલકથા વિશેનું ‘ભૈમીપરિણય’ (અપ્ર.), રૂપકાત્મક નાટક ‘ભાવનાપુરુષોત્તમ’ (અપ્ર.) અને કૃષ્ણ સાથેના રુક્મિણીના લગ્નને વર્ણવતા ચંપૂકાવ્ય ‘ભૈષ્મીપરિણય’ની (અપ્ર.) રચનાઓ કરી છે. નાટ્યકાર વેંકટસુબ્રહ્મણ્યે રચેલું રાજા રામવર્મા સાથે રાજકુમારી વસુલક્ષ્મીના લગ્નને વર્ણવતું નાટક ‘વસુલક્ષ્મીકલ્યાણ’ (અપ્ર.) લખ્યું છે. કૃષ્ણ દીક્ષિતે નલકથા અને પારિજાત વૃક્ષની કથા સમાન શ્લોકોથી વર્ણવતા દ્વિસંધાન પ્રકારના ચિત્રકાવ્ય ‘નૈષધપારિજાત’ની અને 30 સર્ગોમાં રામકથા વર્ણવતા મહાકાવ્ય ‘રામચંદ્રોદય’ની રચના કરી છે. અલંકારગ્રંથ ‘કાવ્યદર્પણ’ અને મીમાંસાસૂત્રો પર ‘તંત્રશિખામણિવૃત્તિ’ના લેખક રાજચૂડામણિ દીક્ષિતે રાજા રઘુનાથને વર્ણવતું મહાકાવ્ય ‘રઘુનાથભૂપાલવિજય’, રુક્મિણી અને કૃષ્ણ વિશે દસ સર્ગોનું બનેલું મહાકાવ્ય ‘રુક્મિણીકલ્યાણ’, છ સર્ગો સુધી ઉપલબ્ધ અને જગદ્ગુરુ શંકરાચાર્યને વર્ણવતું મહાકાવ્ય ‘શંકરાભ્યુદય’, મહાભારત વિશે ‘ભારતચંપૂકાવ્ય’; રામ, કૃષ્ણ અને પાંડવોની કથાઓ સમાન શ્લોકોથી વર્ણવતું ત્રિસંધાન પ્રકારનું ચિત્રકાવ્ય ‘રાઘવયાદવપાંડવીય’, પ્રત્યેક શબ્દે શ્લેષવાળું ગદ્યકાવ્ય ‘મંજુભાષિણી’, રૂપક ‘શૃંગારસર્વસ્વભાણ’, પાંચ અંકોમાં રામકથા વર્ણવતું નાટક ‘આનંદરાઘવ’, ચાર અંકોમાં કલહંસ અને કમલિનીના લગ્નને વર્ણવતું રૂપક ‘કમલિનીકલહંસ’ વગેરે રચનાઓ કરી છે અને તેમાંથી કેટલીક પ્રકાશિત છે. મૃત્યુંજયે 11 સર્ગોમાં પ્રદ્યુમ્નની વાત રજૂ કરતું મહાકાવ્ય ‘પ્રદ્યુમ્નોત્તરચરિત’ સર્જ્યું છે. વૈષ્ણવ-આચાર્ય જીવ ગોસ્વામીએ કૃષ્ણવિષયક ‘ગોપાલચંપૂકાવ્ય’ લખ્યું છે. અલંકારશાસ્ત્રના અત્યંત પ્રૌઢ અને પ્રતિનિધિ ગ્રંથ ‘રસગંગાધર’ના લેખક જગન્નાથે ગંગાની સ્તુતિ કરતી ‘ગંગાલહરી’, વિષ્ણુની સ્તુતિ કરતી ‘કરુણાલહરી’, લક્ષ્મીની સ્તુતિ કરતી ‘લક્ષ્મીલહરી’, સૂર્યની સ્તુતિ કરતી ‘સુધાલહરી’ અને યમુનાની સ્તુતિ કરતી ‘અમૃતલહરી’ એ પાંચ સ્તોત્રકાવ્યો; પ્રાસ્તાવિક, શૃંગાર, કરુણ અને શાંત એ ચાર વિભાગોવાળું મુક્તકકાવ્ય ‘ભામિનીવિલાસ’; રાજા પ્રાણનારાયણ, રાજા જગતસિંહ અને આસફખાનની પ્રશસ્તિ અનુક્રમે રજૂ કરતાં ‘પ્રાણાભરણ’, ‘જગદાભરણ’ અને ‘આસફવિલાસ’  એ ત્રણ પ્રશસ્તિકાવ્યો; યમુનાને વર્ણવતું ‘યમુનાવર્ણનચંપૂકાવ્ય’ અને અનુપલબ્ધ ‘પંડિતરાજશતક’ વગેરે રચનાઓ કરી છે. વળી તેમણે વ્યાકરણગ્રંથ ‘મનોરમા’ અને અલંકારગ્રંથ ‘ચિત્રમીમાંસા’નાં ખંડનો પણ લખ્યાં છે. ચિદંબર કવિએ રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ અને સુબ્રહ્મણ્ય – એ પાંચ દેવોના લગ્નની વાત સમાન શ્લોકોથી વર્ણવતા પંચસંધાન પ્રકારના ચિત્રકાવ્ય ‘પંચકલ્યાણચંપૂકાવ્ય’ની રામ, કૃષ્ણ અને પાંડવની વાત સમાન શ્લોકોથી વર્ણવતા ત્રિસંધાન પ્રકારના ચિત્રકાવ્ય ‘રાઘવયાદવપાંડવીય’ની, ભાગવતની કથા રજૂ કરતા ‘ભાગવતચંપૂકાવ્ય’ની, શ્લેષકાવ્ય ‘શ્લેષચિંતામણિ’ અને પાંચ સર્ગોમાં નટરાજ શિવને વર્ણવતા કાવ્ય ‘ચિદંબરવિલાસ’ની રચના કરી છે. ‘વીરમિત્રોદય’ નામના ધર્મશાસ્ત્રના ગ્રંથના લેખક મિત્રમિશ્રે કૃષ્ણ વિશે ‘આનંદકંદચંપૂકાવ્ય’ લખ્યું છે. ગિરધરીનાથે સાત અંકોમાં કૃષ્ણે કરેલા કંસના વધને આલેખતા નાટક ‘કંસવધ’ની, કૃષ્ણકથા વર્ણવતાં ‘મુરારિવિજય’, ‘મુક્તાચરિત’, ‘સત્યભામાપરિણય’ – એ ત્રણ નાટકોની તથા ‘પારિજાતહરણ’, ‘ઉષાપરિણય’ અને ‘સત્યભામાવિલાસ’ એ ત્રણ ચંપૂકાવ્યોની અને રામકથા નિરૂપતા અને પ્રત્યેક શ્લોકમાં ક્રિયાપદ ગૂઢ રીતે મૂકેલું હોય તેવા કાવ્ય ‘ક્રિયાગોપનરામાયણ’ની રચના કરી છે.

સત્તરમી સદીમાં થયેલી સાહિત્યિક રચનાઓમાં ગુજરાતી શીઘ્રકવિ જગન્નાથના ભાવનગરના મહારાજા વખતસિંહજીના દરબારને વર્ણવતા નાટક ‘સૌભાગ્યમહોદય’નો અને ગુજરાતી મહાકવિ દેવવિમલગણિએ રચેલા, ગુજરાતની પ્રશંસા કરતા અને 17 સર્ગોમાં હીરવિજયસૂરિએ અકબર બાદશાહને આપેલા ઉપદેશનો પ્રસંગ વર્ણવતા મહાકાવ્ય ‘હીરસૌભાગ્ય’નો સમાવેશ થાય છે. એ બંને રચનાઓ ગુજરાતની ગરિમા વધારનારી છે. કવિ વેંકટાધ્વરીએ લક્ષ્મીની એક હજાર શ્લોકોમાં સ્તુતિ કરતા ‘લક્ષ્મીસહસ્ર’ કાવ્યની, સમાન શ્લોકો સીધેથી અને ઊંધેથી વાંચતાં કૃષ્ણ અને રામની કથાઓ કહેવાય એવા ‘યાદવરાઘવીય’ કાવ્યની, ભારતના વિવિધ પ્રદેશોના ગુણ અને દોષ વર્ણવતા પ્રસિદ્ધ ચંપૂકાવ્ય ‘વિશ્વગુણાદર્શચંપૂ’ની, રામનું ઉત્તર જીવન વર્ણવતા ‘ઉત્તરચરિતચંપૂકાવ્ય’ની, કાંચીના દેવનો મહિમા વર્ણવતા ‘હસ્તિગિરિચંપૂકાવ્ય’ની, પાંચ પ્રકરણોના સુભાષિતસંગ્રહ ‘સુભાષિતકૌસ્તુભ’ની, પ્રદ્યુમ્નના લગ્નને વર્ણવતા અને છ અંકોના બનેલા નાટક ‘પ્રદ્યુમ્નાનંદ’ની, ભાણ પ્રકારના રૂપક ‘શૃંગારદીપિકા’ની અને હાલ જેના બે અંકો ઉપલબ્ધ છે તેવા નાટક ‘સુભદ્રાપરિણય’ની રચનાઓ કરી છે. કવયિત્રી રામભદ્રામ્બાએ પોતાના પતિ રાજા રઘુનાથ વિશે મહાકાવ્ય ‘રઘુનાથાભ્યુદય’ લખ્યું છે. વ્યાકરણગ્રંથ ‘કૈયટવ્યાખ્યાન’ અને ધર્મશાસ્ત્રના ગ્રંથ ‘અઘવિવેક’ના લેખક મહાકવિ નીલકંઠ દીક્ષિતે આઠ સર્ગોમાં ભગીરથ દ્વારા ગંગાના અવતરણને વર્ણવતું મહાકાવ્ય ‘ગંગાવતરણ’, 22 સર્ગોમાં હાલાસ્યનાથ શિવની 64 લીલાઓ વર્ણવતું મહાકાવ્ય ‘શિવલીલાર્ણવ’, જેના ચાર સર્ગો હાલ ઉપલબ્ધ છે તેવું કૃષ્ણવિષયક મહાકાવ્ય ‘મુકુંદવિલાસ’, છ અંકોમાં નલકથા વર્ણવતું નાટક ‘નલચરિત્ર’, શિવના વિષપાનને વર્ણવતું ‘નીલકંઠવિજયચંપૂકાવ્ય’, અન્યોક્તિકાવ્ય ‘અન્યાપદેશશતક’, લઘુકાવ્યો ‘કલિવિડંબન’ અને ‘સભારંજનશતક’; ‘શિવોત્કર્ષમંજરી’, ‘આનંદસાગરસ્તવ’, ‘ચંડીરહસ્ય’, ‘રઘુવીરસ્તવ’ વગેરે સ્તોત્રકાવ્યો સર્જ્યાં છે. તેમના શિષ્ય રામભદ્ર દીક્ષિતે આઠ સર્ગોમાં મહાભાષ્યકાર પતંજલિની વાર્તા વર્ણવતું મહાકાવ્ય ‘પતંજલિચરિત’, રામકથામાં સઘળાં મુખ્ય પાત્રોને એક સાચું અને બીજું બનાવટી એમ બે સ્વરૂપોમાં વર્ણવતું સાત અંકોનું નાટક ‘જાનકીપરિણય’, ભાણપ્રકારનું રૂપક ‘શૃંગારતિલકભાણ’, રામવિષયક ‘રામસ્તવકર્ણરસાયન’ જેવાં સાતથી વધુ રામવિષયક સ્તોત્રકાવ્યોની રચના કરી છે. ચક્રકવિએ ‘રામાયણ’ના બાલકાંડને વર્ણવતા મહાકાવ્ય ‘જાનકીપરિણય’ની તથા રુક્મિણી, ગૌરી, જાનકી અને દ્રૌપદીના લગ્ન વિશે અનુક્રમે ‘રુક્મિણીપરિણય’, ‘ગૌરીપરિણય’, ‘જાનકીપરિણય’ અને ‘દ્રૌપદીપરિણય’ – એ ચાર નાટિકાઓની રચના કરી છે. ચોક્કનાથ મખીએ સેવંતિકા અને રાજા બસવરાજના લગ્ન વિશે નાટિકા ‘સેવંતિકાપરિણય’, કાંતિમતી અને રાજા શાહજીના લગ્ન વિશે નાટિકા ‘કાંતિમતીપરિણય’ અને ભાણ પ્રકારના રૂપક ‘રસવિલાસ’ની રચના કરી છે. નાટ્યકાર માનવેદે કૃષ્ણ વિશે રૂપક ‘કૃષ્ણગીતિ’ લખ્યું છે. રામપાણિવાદે વીસ સર્ગોમાં રામકથા વર્ણવતા મહાકાવ્ય ‘રાઘવીય’ની, એ રામકથા વિશે નાટક ‘લલિતરાઘવીય’ની, વીથી પ્રકારના રૂપક ‘ચંદ્રિકા’ની, પ્રાકૃત ભાષામાં ચાર સર્ગોમાં ઉષા અને અનિરુદ્ધના લગ્ન વિશેના ખંડકાવ્ય ‘ઉસાણિરુદ્ધ’ની અને ચાર સર્ગોમાં કૃષ્ણે કરેલા કંસના વધને વર્ણવતા ખંડકાવ્ય ‘કંસવહો’ની રચના કરી છે. ગુજરાતી કવિ મેઘવિજયગણિએ નવ સર્ગોમાં એકસાથે સમાન શ્લોકો વડે મહાવીર, કૃષ્ણ, બળરામ, ઋષભદેવ, શાંતિનાથ, પાર્શ્ર્વનાથ અને નેમિનાથની સાત વાર્તાઓ વર્ણવતું ચિત્રકાવ્ય ‘સપ્તસંધાનકાવ્ય’ રચ્યું છે, જેમાં કૃત્રિમ શૈલીનાં સંધાનકાવ્યોની પરાકાષ્ઠા જોવા મળે છે. જગન્નાથે ‘અતંદ્રચંદ્રિકા’ (અપ્ર.) નામનું નાટક લખ્યું છે. વરદાચાર્યે છ અંકોમાં રામાનુજાચાર્યના જીવનને નિરૂપતા નાટક ‘યતિરાજવિજય’ની અને ભાણ પ્રકારના રૂપક ‘વસંતતિલક’ની રચના કરી છે. સમરપુંગવ દીક્ષિતે ભારતનાં તીર્થો અને નદીઓને વર્ણવતું ચંપૂકાવ્ય ‘તીર્થયાત્રાપ્રબંધ’ લખ્યું છે. નલ્લા દીક્ષિતે રાજા શાહજીના જીવન વિશે ‘ધર્મવિજયચંપૂકાવ્ય’, ભાણ પ્રકારનું રૂપક ‘શૃંગારસર્વસ્વ’, કૃષ્ણવિષયક નાટક ‘સુભદ્રાપરિણય’, રૂપકાત્મક બે નાટકો ‘ચિત્તવૃત્તિકલ્યાણ’ અને ‘જીવન્મુક્તિકલ્યાણ’ની રચના કરી છે. અતિરાત્રયજ્વાએ રામના પુત્ર કુશ અને નાગકન્યા કુમુદ્વતીના લગ્નને વર્ણવતું ‘કુશકુમુદ્વતીય’ નાટક લખ્યું છે. વેંકટકૃષ્ણ દીક્ષિતે સાત સર્ગોમાં શિવને વિશે કાવ્ય ‘નટેશવિજય’, ભોજરાજાના ‘રામાયણચંપૂ’ની પૂર્તિ કરતું ચંપૂકાવ્ય ‘ઉત્તરચંપૂરામાયણ’, રામનો પુત્રો સાથેનો સંઘર્ષ વર્ણવતું ‘કુશલવવિજયનાટક’ અને રામકથા વિશે ‘રામચંદ્રોદયનાટક’ની રચના કરી છે. મલયે 18 સર્ગોમાં મદુરાની મીનાક્ષીદેવીના શિવના અવતાર સુંદરેશ સાથેના લગ્નને વર્ણવતું મહાકાવ્ય ‘મીનાક્ષીપરિણય’ લખ્યું છે. શ્રીધર વેંકટેશે આઠ સર્ગોમાં રાજા શાહજીને વર્ણવતું ઐતિહાસિક મહાકાવ્ય ‘શાહેન્દ્રવિલાસ’ લખ્યું છે. નાટ્યકાર વેંકટેશ્વરે પ્રહસન ‘ઉન્મત્તકવિકલશ’ (અપ્ર.), નાટક ‘સભાપતિવિલાસ’ (અપ્ર.), નાટક ‘નીલાપરિણય’ (અપ્ર.) અને રામવિષયક નાટક ‘રાઘવાનંદ’ (અપ્ર.) રચ્યાં છે. લલ્લા દીક્ષિતે ‘આનંદમંદિર’ નામનું સ્તોત્રકાવ્ય લખ્યું છે. વેંકટનાથે વિશિષ્ટાદ્વૈતનું સમર્થન કરતું નાટક ‘સંકલ્પસૂર્યોદય’, કેવલાદ્વૈતનું સમર્થન કરતા કૃષ્ણમિશ્રના નાટક ‘પ્રબોધચંદ્રોદય’ની સ્પર્ધામાં રચ્યું છે. રામચંદ્રે ભારતના જુદા જુદા પ્રદેશોના ગુણો અને દોષો વર્ણવતું ચંપૂકાવ્ય ‘કેરલાભરણ’ લખ્યું છે. અલંકારગ્રંથ ‘કાવ્યેન્દુપ્રકાશ’ના લેખક સામરાજ દીક્ષિતે પાંચ અંકોમાં કૃષ્ણસખા સુદામાને વર્ણવતા ‘શ્રીદામચરિતનાટક’ની અને પ્રહસન ‘ધૂર્તનર્તન’ની રચના કરી છે. કવિ સૂર્યનારાયણે શ્રુતકીર્તિ નામના બ્રાહ્મણે કરેલા પ્રવાસનું વર્ણન કરતું ચંપૂકાવ્ય ‘શ્રુતકીર્તિવિલાસ’ લખ્યું છે. નારાયણતીર્થે બાર તરંગોમાં કૃષ્ણલીલાઓને વર્ણવતું કાવ્ય ‘કૃષ્ણલીલાતરંગિણી’ સર્જ્યું છે, જે સંગીતના રાગ અને તાલથી બદ્ધ છે. મથુરાદાસે ચાર અંકોમાં રાધા અને કૃષ્ણના પ્રણયને નિરૂપતી નાટિકા ‘વૃષભાનુજા’ નિર્મી છે. વેંકટકવિએ ભારતનાં પવિત્ર સ્થળોને વર્ણવતું ચંપૂકાવ્ય ‘વિબુધાનંદ પ્રબંધ’ સર્જ્યું છે. જગન્નાથ મિશ્રે વિભિન્ન મનભાવન વાર્તાઓનો સંગ્રહ ‘કથાપ્રકાશ’ લખ્યો છે. કવિ રાજવલ્લભે ચિત્રસેન અને પદ્માવતીની વાર્તા વર્ણવતું લઘુકાવ્ય ‘ચિત્રસેનપદ્માવતીકથા’ રચ્યું છે. લક્ષ્મીપતિ નામના કવિએ ઔરંગઝેબના પુત્ર મુહમ્મદશાહે પ્રધાન અબ્દુલ્લા સામે યુદ્ધ કરી દિલ્હીની ગાદી મેળવી તેનું વર્ણન કરતું ફારસી અને સંસ્કૃત બંને ભાષામાં શબ્દો વારાફરતી આવે તે રીતે ‘અબ્દુલ્લાચરિત’ (અપ્ર.) કાવ્ય રચ્યું છે.

અઢારમી સદીમાં થયેલા સાહિત્યકારોમાંના બાણેશ્વરે ‘ચિત્રચંપૂ’ નામનું કાવ્ય લખ્યું છે. કામરાજ દીક્ષિતે લઘુકાવ્ય ‘શૃંગારકલિકા’ની રચના કરી છે. અજ્ઞાતકર્તૃક નાટક ‘અર્થપંચક’ પાંચ અંકોમાં કામદેવે શંબરાસુરને ખતમ કરી તેની પુત્રી રતિ સાથે કરેલા લગ્નની વાત વર્ણવે છે. હરદત્તે રામ અને નલ બંનેની વાર્તા સમાન શ્લોકોથી એકસાથે વર્ણવતું દ્વિસંધાન પ્રકારનું ચિત્રકાવ્ય ‘રાઘવનૈષધીય’ લખ્યું છે. અપ્પા દીક્ષિતે રાજા શાહજીને વર્ણવતા નાટક ‘શૃંગારમંજરીશાહજીય’ની, ભાણ પ્રકારના રૂપક ‘મદનભૂષણ’ની અને ‘ગૌરીમાયૂરચંપૂકાવ્ય’ની રચના કરી છે. સુમતીન્દ્ર ભિક્ષુએ રાજા શાહજીને વર્ણવતું કાવ્ય ‘સુમતીન્દ્રજયઘોષણ’ લખ્યું છે. ભગવંતે 10 સર્ગોમાં કૃષ્ણને વર્ણવતું મહાકાવ્ય ‘મુકુંદવિલાસ’ (અપ્ર.) અને રામની પાછળની વાર્તા વર્ણવતું ‘ઉત્તરચંપૂકાવ્ય’ સર્જ્યું છે. આનંદરાય મખીએ સાત અંકોમાં બ્રહ્મવિદ્યા અને જીવાત્માના લગ્નને વર્ણવતું નાટક ‘વિદ્યાપરિણય’ અને રાજા જીવે શત્રુ ક્ષય વગેરે રોગોને પારદરસના પ્રયોગથી આપેલી હારને વર્ણવતું નાટક ‘જીવાનંદન’ રચ્યાં છે. નાટ્યકાર જગન્નાથે રતિ અને કામદેવ વિશે નાટક ‘રતિમન્મથ’ (અપ્ર.) અને વસુમતીના લગ્ન વિશે નાટક ‘વસુમતીપરિણય’ (અપ્ર.) રચ્યાં છે. ઘનશ્યામે ભાણ પ્રકારનું રૂપક ‘મદનસંજીવન’, રૂપકાત્મક નાટક ‘પ્રચંડરાહૂદય’, નલ, કૃષ્ણ અને હરિશ્ર્ચંદ્ર એ ત્રણની વાર્તા સમાન શ્લોકોથી એકસાથે વર્ણવતું ત્રિસંધાન પ્રકારનું ચિત્રકાવ્ય ‘આબોધાકર’, એક જ દિવસમાં લખેલું નાટક ‘ડમરુક’, સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં અર્થવાળા સમાન શ્લોકો ધરાવતું ભાષાશ્લેષ પ્રકારનું કાવ્ય ‘કલિદૂષણ’ વગેરે મળી 64 સંસ્કૃતમાં અને 20 પ્રાકૃતમાં  એ રીતે કુલ 84 રચનાઓ કરી છે. નાટ્યકાર રામેશ્વરે સાત અંકોમાં ચંદ્રગુપ્ત અને ચાણક્યને વર્ણવતું નાટક ‘ચંદ્રાભિષેક’ લખ્યું છે. રામદેવે વિવિધ ધાર્મિક અને અધાર્મિક પંથોના અનુયાયીઓના સંવાદમાં તાત્ત્વિક સિદ્ધાન્તનું પ્રતિપાદન કરતી નાટ્યકૃતિ ‘વિદ્વન્મોદતરંગિણી’ની રચના કરી છે. અલંકારગ્રંથો ‘રસચંદ્રિકા’ અને ‘અલંકારકૌસ્તુભ’ના લેખક વિશ્વેશ્વરે નાટક ‘રુક્મિણીપરિણય’, નાટિકા ‘નવમાલિકા’, ગદ્યકાવ્ય ‘મંદારમંજરી’; લઘુકાવ્યો ‘વક્ષોજશતક’, ‘હોલિકાશતક’, ‘લક્ષ્મીવિલાસ’, ‘ષડ્ઋતુવર્ણન’, ‘રોમાવલીશતક’ અને ‘આર્યાશતક’ તથા મુક્તકકાવ્ય ‘આર્યાસપ્તશતી’ અને ચાર સર્ગોનું ચિત્રકાવ્ય ‘કવીન્દ્રાભરણ’ વગેરે અનેક રચનાઓ કરી છે. કૃષ્ણદત્ત મૈથિલે પાંચ અંકોમાં ‘ભાગવત’ના પુરંજનનું ચરિત વર્ણવતા નાટક ‘પુરંજનચરિત’ની, સાત અંકોમાં કુવલયાશ્વ અને દાસી મદાલસાના પ્રણયને વર્ણવતા મનોરંજક નાટક ‘કુવલયાશ્ર્વીય’ની, બાવીસ સર્ગોમાં રાધા અને કૃષ્ણના પ્રણયને વર્ણવતા મહાકાવ્ય ‘રાધારહસ્ય’ની તથા સંગીતના રાગોમાં બદ્ધ કાવ્ય ‘ગીતગણપતિ’ની રચના કરી છે. ગોપાલાર્યે પાંચ ઉચ્છ્વાસોમાં રામકથા રજૂ કરતું યમકકાવ્ય પ્રકારનું ચિત્રકાવ્ય ‘રામચંદ્રોદય’ લખ્યું છે. અલંકારગ્રંથ ‘સાહિત્યકલ્પદ્રુમ’ના લેખક સોમશેખરે ‘ભાગવત’ની કૃષ્ણકથા વર્ણવતું ચંપૂકાવ્ય ‘ભાગવતચંપૂ’ સર્જ્યું છે. રાજનાથે પણ કૃષ્ણકથા વર્ણવતું ‘ભાગવતચંપૂ’ (અપ્ર.) રચ્યું છે. નૃસિંહે ન્યાયદર્શનના પદાર્થોને પાત્રો તરીકે વર્ણવી, પરામર્શની દીકરી અનુમિતિના ન્યાયરસિક સાથેના લગ્નને વર્ણવતું ‘અનુમિતિપરિણય’ (અપ્ર.) નામનું નાટક લખ્યું છે, શંકર દીક્ષિતે ગંગાવિષયક ચંપૂકાવ્ય ‘ગંગાવતરણ’ (અપ્ર.) અને નાટક ‘પ્રદ્યુમ્નવિજય’ની (અપ્ર.) રચના કરી છે. નાટ્યકાર વિશ્વનાથે રાજકુમારી કાંતિમતીના રાજા ચંદ્રકેલિ સાથેનાં લગ્ન ચાર અંકોમાં વર્ણવતી નાટિકા ‘શૃંગારવાટિકા’ લખી છે. રામવર્મ વંચી યુવરાજે ‘રુક્મિણીપરિણય’ અને ‘શૃંગારસુધાકર’-  એ બે (અપ્ર.) નાટકો અને ‘કાર્તવીર્યવિજય’, ‘સંતાનગોપાલ’ અને ‘વંચીશસ્તવ’ – એ ત્રણ (અપ્ર.) ચંપૂકાવ્યો રચ્યાં છે. રાજા શરભોજીએ 12 સર્ગોમાં રામકથા આલેખતું મહાકાવ્ય ‘રાઘવચરિત’ લખ્યું છે. મલ્લારિ આરાધ્યે પાંચ અંકોમાં વીરશૈવ સંપ્રદાયને ચઢિયાતો બતાવતું નાટક ‘શિવલિંગસૂર્યોદય’ લખ્યું છે. મહારાજા કૃષ્ણરાજે વિભિન્ન દેવતાઓના ધ્યાનના શ્લોકોનું બનેલું વિશિષ્ટ પ્રકારનું સ્તોત્રકાવ્ય ‘દેવતાધ્યાનમાલિકા’ અને શિવવિષયક સ્તોત્રકાવ્ય ‘મૃત્યુંજયસ્તોત્ર’ની રચના કરી છે. નાટ્યકાર જાતવેદસે તત્ત્વજ્ઞાનના વાદો કે સંપ્રદાયોરૂપી રાક્ષસોનો નાશ કરી આત્મા સાથે આનંદપક્વવલ્લીનાં લગ્ન સુશ્રદ્ધા અને સુભક્તિની સહાયથી થાય છે એમ નિરૂપતું રૂપકાત્મક નાટક ‘પૂર્ણપુરુષાર્થચંદ્રોદય’ લખ્યું છે. અન્ય વિશ્વનાથે રાજકુમારી મૃગાંકલેખાનાં લગ્ન કર્પૂરતિલક સાથે થવાની વાત વર્ણવતી ચાર અંકની નાટિકા ‘મૃગાંકલેખા’ સર્જી છે. નાટ્યકાર દેવરાજે પોતાના આશ્રયદાતા રાજા માર્તાંડવર્મન્ની વિજયયાત્રાઓ પાંચ અંકોમાં વર્ણવતું નાટક ‘બાલમાર્તાંડવિજય’ લખ્યું છે. ગોદવર્મન્ યુવરાજે રૂપક ‘રસસદનભાણ’ અને ‘શ્રીપાદસપ્તક’, ‘મુરરિપુસ્તોત્ર’ તથા ‘સુધાનંદલહરી’ – એ ત્રણ સ્તોત્રકાવ્યો રચ્યાં છે.

ઓગણીસમી સદીમાં સર્વપ્રથમ સર્વમંગલેશ્વરે જુદી જુદી વિભક્તિઓમાં થતાં સમાન રૂપોના જુદા જુદા અર્થો ધરાવતા 31 શ્લોકોનું બનેલું કૃત્રિમ શૈલીનું ચિત્રકાવ્ય ‘વિભક્તિવિલાસ’ લખ્યું છે. ભદ્રાદ્રિ રામ શાસ્ત્રીએ રામકથા વર્ણવતું કાવ્ય ‘શ્રીરામવિજય’, શંબરનો વધ વર્ણવતું ચંપૂકાવ્ય ‘શંબરાસુરવિજય’ અને કાલ્પનિક ચાર અંકોની નાટિકા ‘મુક્તાવલી’ની રચના કરી છે. સુંદરરાજે દુષ્ટ સાસુ સામે પુત્રવધૂનો વિજય વર્ણવતું રૂપક ‘સ્નુષાવિજય’ તથા ‘પદ્મિનીપરિણય’, ‘વૈદર્ભીવાસુદેવ’, ‘હનુમદ્વિજય’ અને ‘રસિકરંજન’ – એ ચાર રૂપકો; ‘કંસવધ’, ‘ગોદાપરિણય’, ‘રામભદ્રવિજય’, ‘શ્રીનિવાસદીક્ષિતેન્દ્રચરિત’ – એ ચાર ચંપૂકાવ્યો; ‘નીતિરામાયણ’, ‘કૃષ્ણાર્યસ્તુતિ’, ‘રામભદ્રસ્તુતિ’ – એ ત્રણ લઘુકાવ્યો વગેરે ઘણી સાહિત્યિક રચનાઓ કરી છે. મહાકવિ વેંકટેશ્વરે ત્રીસ સર્ગોમાં રામાયણનો સાર આપતું મહાકાવ્ય ‘રામાયણસંગ્રહ’ રચ્યું છે, જે ‘ચતુશ્ર્ચિત્રગર્ભ’ એવા બીજા નામે ઓળખાય છે, કારણ કે પ્રત્યેક શ્લોકમાંથી ચોક્કસ ક્રમના અક્ષરો વાંચતાં એ એક જ મહાકાવ્યમાંથી ‘ગૌરીવિવાહ’, ‘શ્રીરંગાદિક્ષેત્રમાહાત્મ્ય’, ‘ભગવદવતારચરિત’ અને ‘દ્રૌપદીકલ્યાણ’ – એ ચાર અન્ય કાવ્યો વંચાય છે. પ્રસ્તુત મહાકાવ્ય કૃત્રિમ શૈલીના ચિત્રકાવ્યની ચરમ સીમા ગણી શકાય તેમ છે. તિમ્મકવિએ કેરળના રાજાની કાલ્પનિક પ્રણય અને મોક્ષની વાર્તા ગદ્યમાં વર્ણવતી કથા ‘સુજનમન:કુમુદચંદ્રિકા’ લખી છે. રાઘવાચાર્યે ભારતનાં તીર્થોને વર્ણવતા ચંપૂકાવ્ય ‘વૈકુંઠવિજય’ની અને નીલકંઠે તેવાં જ વર્ણનોવાળા ચંપૂકાવ્ય ‘કાશિકાતિલક’ની રચના કરી છે. વંદારુ ભટ્ટે 16 સર્ગોમાં નલકથાનો પાછલો ભાગ વર્ણવતું મહાકાવ્ય ‘ઉત્તરનૈષધ’ લખ્યું છે. કસ્તૂરી શિવશંકર શાસ્ત્રીએ ‘શિવાનંદલહરી’, ‘શિવપાદસ્તુતિ’, ‘સ્તોત્રકદંબ’, ‘દ્વાદશમંજરી’, ‘નૃસિંહસ્તોત્ર’ અને ‘શૂલપાણિશતક’ વગેરે સ્તોત્રકાવ્યોની રચના કરી છે. અહોબિલ નૃસિંહે પોતાના આશ્રયદાતા કૃષ્ણરાજને વર્ણવતું ગદ્યકાવ્ય ‘અભિનવકાદંબરી’ અથવા ‘ત્રિમૂર્તિકલ્યાણ’નું સર્જન કર્યું છે. કેરલવર્માએ ચંપૂકાવ્ય ‘કંસવધ’ (અપ્ર.) અને મહાકાવ્ય ‘વિશાખરાજ’ (અપ્ર.) રચ્યાં છે. શ્રીશૈલ દીક્ષિતે ‘શ્રીકૃષ્ણાભ્યુદય’, ‘કાવેરી’ અને ‘ભારતીવિલાસ’  એ ત્રણ ગદ્યકાવ્યો તથા ‘વીરાંજનેયશતક’ અને ‘હનુમન્નક્ષત્રમાલા’ – એ બે લઘુકાવ્યોની રચના કરી છે. માનવિક્રમે અંગ્રેજોના સામ્રાજ્યને વર્ણવતું મહાકાવ્ય ‘આંગ્લસામ્રાજ્ય’ અને લઘુકાવ્ય ‘વિટવિભાવરી’ લખ્યાં છે. કલ્યાણરામ શાસ્ત્રીએ ‘કનકલતા’ નામનું ગદ્યકાવ્ય અને ‘લક્ષ્મીનૃસિંહશતક’ અને ‘મીનાક્ષીશતક’ – એ બે સ્તોત્રકાવ્યો રચ્યાં છે. કૃષ્ણમૂર્તિએ ‘કંકણબંધરામાયણ’ નામનું ચિત્રકાવ્ય સર્જ્યું છે, જેમાં એક જ અનુષ્ટુપ્ શ્લોક એવી રીતે રચ્યો છે તેને જુદા જુદા અક્ષરથી શરૂ કરીને સીધો અને ઊંધો વાંચતાં 64 શ્લોકો બને છે, જે શ્લોકો રામાયણની વાર્તા વર્ણવે છે. ચર્લ ભાષ્યકાર શાસ્ત્રીએ આવું જ બીજું ‘કંકણબંધરામાયણ’ લખ્યું છે, જેમાં સમાસની તોડજોડ કરીને 128 શ્લોકો બને છે. વળી દત્તાત્રેય શાસ્ત્રીએ ગંગા નદીના ગુણો અને દોષો વર્ણવતું ચંપૂકાવ્ય ‘ગંગાગુણાદર્શ’ લખ્યું છે. આ સદીમાં કવયિત્રી લક્ષ્મીએ ત્રણ સર્ગોમાં કૃષ્ણ અને અર્જુને બ્રાહ્મણનાં મૃત સંતાનો પાછાં અપાવવાની કાલ્પનિક વાર્તા વર્ણવતું ‘સંતાનગોપાલકાવ્ય’ સર્જ્યું છે. અપ્પા શાસ્ત્રી રાશિવડેકરે ગદ્યકાવ્ય ‘લાવણ્યમયી’ લખ્યું છે. રાની ચયાનુલુ નરસિંહ કવિએ રૂપકાત્મક નાટક ‘ચિત્સૂર્યાલોક’ રચ્યું છે. તિરુવેંકટ તાતદેશિકે ‘નખરશતક’, ‘નૃસિંહશતક’ અને ‘સ્તોત્રમાલિકા’ – એ ત્રણ લઘુકાવ્યો રચ્યાં છે. રામનાથ શાસ્ત્રીએ સાત અંકોનું, સંગીતના રાગબદ્ધ ગીતોવાળું નાટક ‘મણિમંજૂષા’ લખ્યું છે. શ્રીસ્વર વિદ્યાલંકારે બાર સર્ગોમાં રાણી વિક્ટોરિયા અને તેમના દિલ્હી દરબારને વર્ણવતા મહાકાવ્ય ‘વિજયિની’ની અને દુર્ગાની સ્તુતિ કરતા સ્તોત્રકાવ્ય ‘શક્તિશતક’ની રચના કરી છે. ગોપાલ શાસ્ત્રીએ ‘શિવગૌરીપરિણય’ અને ‘સીતારામાભ્યુદય’ એ બે કાવ્યો લખ્યાં છે. અલંકારગ્રંથ ‘કાવ્યચંદ્રિકા’ના લેખક અન્નાદચરણે ‘રામાભ્યુદય’ અને ‘મહાપ્રસ્થાન’ – એ બે મહાકાવ્યો તથા ‘સુમનાંજલિ’ અને ‘ઋતુચિત્ર’ – એ બે કાવ્યો સર્જ્યાં છે. રામરાયે ‘રુક્મિણીપરિણય’, ‘રમાપરિણય’ અને ‘સમુદ્રમંથન’ – એ ત્રણ ચંપૂકાવ્યો; ‘ગરુડસંદેશ’, ‘કૃષ્ણલીલાતરંગિણી’, ‘સમસ્યારત્નાકર’, ‘સુમનોમનોરંજન’, ‘હયગ્રીવશતક’ અને ‘કવિભૂષણ’ – એ છ લઘુકાવ્યો તથા ભાણ પ્રકારના રૂપક ‘કંદર્પદર્પ’ની રચના કરી છે. વેંકટરમણૈયાએ રામ, કૃષ્ણ, શિવ, ગણેશ, ગૌરી, દશાવતાર, સદ્ગુરુ, વાણી અને લક્ષ્મી  એ નવની નવ ગીતાઓનો સાર રજૂ કરતા અને એકદેવવાદને સ્થાપતા કાવ્ય ‘નવગીતકુસુમાંજલિ’ તથા પાંચ અંકોમાં દોષ પર ગુણના વિજયની વાત વર્ણવતા નાટક ‘કમલાવિજય’ની રચના છે. નરકંઠીરવ શાસ્ત્રીએ સુબંધુના ગદ્યકાવ્ય ‘વાસવદત્તા’નો આર્યા છંદમાં સાર આપતું કાવ્ય ‘અભિનવવાસવદત્તા’ લખ્યું છે. કૃષ્ણમાચાર્યે ગદ્યકાવ્ય ‘સુશીલા’ સર્જ્યું છે. ગંગાધર શાસ્ત્રીએ ‘હંસાષ્ટક’ અને ‘અલિવિલાસિસંલ્લાપ’ – એ બે તત્ત્વજ્ઞાનવિષયક કાવ્યો લખ્યાં છે. દુ:ખભંજન કવિએ ‘ચંદ્રશેખરચરિત’ નામનું કાવ્ય રચ્યું છે. પરમેશ્વર ઝાએ ‘મેઘદૂત’ પર આધારિત ‘યક્ષમિલનકાવ્ય’ લખ્યું છે. સુબ્રહ્મણ્ય કવિએ સાત અંકોમાં વલ્લી અને સ્કંદના લગ્નને વર્ણવતા નાટક ‘વલ્લીબાહુલેય’ની, ભાણ પ્રકારના રૂપક ‘મન્મથમંથન’ની, ગદ્યકાવ્ય ‘શાંતનુચરિત’, લઘુકાવ્ય ‘બુદ્ધિસંદેશ’ અને 199 આર્યાઓમાં રામકથા રજૂ કરતા લઘુકાવ્ય ‘આસેચનકરામાયણ’ની રચના કરી છે. કૃષ્ણરામે જયપુરના રાજાઓને વર્ણવતા મહાકાવ્ય ‘જયપુરવિલાસ’ અને જયપુરના રાજવંશને વર્ણવતા કાવ્ય ‘કચ્છવંશ’ની, ડુંગળીનું રાજા તરીકે વર્ણન કરતા લઘુકાવ્ય ‘પલાંડુરાજશતક’ની, પોતે રચેલાં સુભાષિતોના સંગ્રહ ‘મુક્તકમુક્તાવલી’ની તથા પંચ મહાકાવ્યોનો સાર આપતા કાવ્ય ‘સારશતક’ અને હોળીને વર્ણવતા કાવ્ય ‘હોલામહોત્સવ’ની રચના કરી છે. જાણીતા ગુજરાતી શીઘ્રકવિ મહામહોપાધ્યાય શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરે મોરબીના રાજાને વર્ણવતું મહાકાવ્ય ‘રવાજિરાજકીર્તિવિલાસ’, જામનગરના તેમના ગુરુબંધુ મહા. હાથીભાઈ શાસ્ત્રીએ જેના છેલ્લા સર્ગો રચ્યા છે તે મહાકાવ્ય ‘દુર્ગાવિજય’, ત્રીજું મહાકાવ્ય ‘બાલાચરિત’; ‘સાવિત્રીચરિત’, ‘ધ્રુવાભ્યુદય’, ‘અમરમાર્કંડેય’, ‘ગોપાલચિંતામણિવિજય’, ‘ભદ્રાયુવિજય’ અને ‘શ્રીકૃષ્ણચંદ્રાભ્યુદય’ – એ છ નાટકો; ગદ્યકાવ્ય ‘ચંદ્રપ્રભાચરિત’, ‘ભગવતીભાગ્યોદય’, ‘મહેશપ્રાણપ્રિયા’, ‘કૈલાસયાત્રા’, ‘કેશવકૃપાલેશલહરી’, ‘પાંચાલીચરિત્ર’, ‘અરુંધતીવિજય’, ‘મેઘપ્રાર્થના’, ‘પ્રસન્નલોપામુદ્રા’, ‘ભ્રાંતિભયભંજન’, ‘વિપન્મિત્ર’ વગેરે અનેક રચનાઓ કરી છે. વેંકટેશ સોવનીએ ચાર સર્ગોનું કાવ્ય ‘રામચંદ્રોદય’, લઘુકાવ્ય ‘ઈશલહરી’, શિવાજીને વર્ણવતું ગદ્યકાવ્ય ‘શિવાવતારપ્રબંધ’ અને કાલિદાસ વિશે કાવ્ય ‘કાલિદાસપ્રશંસા’ રચ્યાં છે. અલંકારગ્રંથ ‘કાવ્યાલંકારસંગ્રહ’ના લેખક વેંકટરામ આચાર્યે મહાકાવ્ય ‘રામચંદ્રકથામૃત’; રૂપકો ‘ગજેન્દ્રવ્યાયોગ’, ‘રાજહંસીય’ અને ‘ચિત્સૂર્યાલોક’; ચંપૂકાવ્ય ‘ઉજ્જ્વલાનંદ’, લઘુકાવ્યો ‘ખલાવહેલના’ અને ‘નીતિરહસ્ય’ વગેરે કુલ 115 રચનાઓ કરી છે. શિવકુમાર શાસ્ત્રીએ પોતાના આશ્રયદાતા રાજા લક્ષ્મીશ્વરને વર્ણવતું ‘લક્ષ્મીશ્વરપ્રતાપ’ અને યોગી ભાસ્કરાનંદને વર્ણવતું ‘યતીન્દ્રજીવનચરિત’ – એ બે ગદ્યકાવ્યો લખ્યાં છે. વૈદ્યનાથ ભટ્ટાચાર્યે પાંચ અંકોમાં દક્ષયજ્ઞનું વર્ણન કરતું નાટક ‘ચૈત્રયજ્ઞ’ લખ્યું છે. વીરરાઘવે સાત અંકોમાં રામકથા વર્ણવતા નાટક ‘રામરાજ્યાભિષેક’ની, પાંચ અંકોમાં વલ્લી અને સુબ્રહ્મણ્યના લગ્નને વર્ણવતા નાટક ‘વલ્લીપરિણય’ અને કાવ્ય ‘પાર્વતીસ્તોત્ર’ની રચના કરી છે. સુંદરવીરરાઘવે રામકથા વર્ણવતું ‘અભિનવરાઘવ’ અને રંભા અને રાવણનો પ્રસંગ વર્ણવતું ‘રંભારાવણીય’  એ બે નાટકો લખ્યાં છે. કસ્તૂરીરંગનાથે ત્રણ અંકોમાં રામ અને સીતાનાં લગ્નને વર્ણવતું સમવકાર પ્રકારનું રૂપક ‘રઘુવીરવિજય’ લખ્યું છે. વલ્લીસહાય કવિએ પાંચ અંકોનું નાટક ‘યયાતિતરુણાનંદ’, અનિરુદ્ધ અને રોચનાનાં લગ્નને વર્ણવતું નાટક ‘રોચનાનંદ’ અને શંકરાચાર્યને વર્ણવતું ચંપૂકાવ્ય ‘આચાર્યદિગ્વિજય’ રચ્યાં છે. નાટ્યકાર પદ્મનાભે ત્રિપુરાસુરના વધને વર્ણવતું એકાંકી રૂપક ‘ત્રિપુરવિજયવ્યાયોગ’ અને ભાણ પ્રકારનું રૂપક ‘લીલાદર્પણ’ લખ્યાં છે. અલંકારગ્રંથો ‘નાટકદીપિકા’, ‘વિમર્શ’ અને ‘કાવ્યમીમાંસા’ના લેખક અને અજોડ નાટ્યકાર નારાયણ શાસ્ત્રીએ બધી જ પૌરાણિક કથાઓ વર્ણવતાં 92 નાટકો આપ્યાં છે, જેમાં ‘મૈથિલીય’, ‘શર્મિષ્ઠાવિજય’, ‘સૂરમયૂર’ અને ‘જૈત્રજૈવાતૃક’નો સમાવેશ થાય છે. 24 સર્ગોનું મહાકાવ્ય ‘સુંદરવિજય’, ચંપૂકાવ્ય ‘ગૌરીવિલાસ’, ગદ્યકાવ્યો ‘ચિંતામણિ’ અને ‘આચાર્યચરિત’ વગેરેની રચનાઓ પણ તેમણે કરી છે. કવિ રામચંદ્રે મહાકાવ્ય ‘દેવીવિજય’, ચંપૂકાવ્ય ‘કુમારોદય’ અને ભાણ પ્રકારનું રૂપક ‘શૃંગારસુધાર્ણવ’ લખ્યાં છે. પાર્થસારથીએ ‘મદનાનંદભાણ’ અને ઉપદેશાત્મક કાવ્ય ‘સ્વાપપ્રત્યય’ રચ્યાં છે. શ્રીનિવાસાચાર્યે ગદ્યકાવ્યો ‘શ્રીકૃષ્ણલીલાયિત’ અને ‘શાર્ઙ્ગકોપાખ્યાન’; રૂપકો ‘શૃંગારતરંગિણીભાણ’ અને ‘ઉષાપરિણય’; રૂપકાત્મક ખંડકાવ્ય ‘હંસવિલાસ’ અને સંગીતના રાગોમાં બદ્ધ કાવ્ય ‘અમૃતમંથન’ લખ્યાં છે. પદ્મનાભાચાર્યે રચેલાં ‘ધ્રુવતપસ્’ અને ‘ગોવર્ધનવિલાસ’ – એ બે નાટકોની વિશેષતા એ છે કે બંને અંકોને બદલે અંગ્રેજી નાટ્યપદ્ધતિ અનુસાર, દૃશ્યોમાં વિભાજિત છે. શ્રીશૈલ તાતાચાર્યે રૂપકાત્મક કાવ્ય ‘વેદાંતદેશિકચરિત’; લઘુકાવ્યો ‘મુગ્ધાંજલિ’ અને ‘કપીનામુપવાસ:’ તથા લઘુનાટક ‘યુગલાંગુલીય’ની રચના કરી છે. પેરી કાશીનાથ શાસ્ત્રીએ ‘પાંચાલિકારક્ષણ’ અને ‘યામિનીપૂર્ણતિલક’ – એ બે નાટકો અને ‘દુર્ગાસૌંદર્યશતક’, ‘ગંગાસ્તવ’ અને ‘ગોદાવરીસ્તવ’ – એ ત્રણ લઘુકાવ્યો લખ્યાં છે.

વીસમી સદીની સાહિત્યિક રચનાઓમાં સર્વપ્રથમ વિદ્યાધર શાસ્ત્રીએ ‘પૂર્ણમલ્લ’ નામનું નાટક, ‘વિદ્યાધરશતક’ સુભાષિતકાવ્ય અને ‘શિવપુષ્પાંજલિ’ તથા ‘સૂર્યપ્રાર્થના’ એ બે સ્તોત્રકાવ્યો લખ્યાં છે. રામવર્માએ ‘અનંગવિજય’ અને ‘વિટરાજવિજય’ – એ બે ભાણ-પ્રકારનાં રૂપકો, ‘બાણયુદ્ધ’ નામનું ચંપૂકાવ્ય અને ‘ત્રિપુરદહન’, ‘વલ્લ્યુદ્ભવ’, ‘વિપ્રસંદેશ’, ‘ઉત્તરરામચરિત’ અને ‘દેવદેવેશ્વરશતક’ – એ પાંચ લઘુકાવ્યો રચ્યાં છે. રામદત્ત પંતે ‘અપરપંચરાત્ર’ નામનું નાટક, ‘દીપશતક’ અને ‘લેખિનીકૃપાણ’ – એ બે લઘુકાવ્યોની રચના કરી છે. પરમાનંદ શર્માએ મહાભારત પર આધારિત કાવ્ય ‘કર્ણાર્જુનીય’ અને રામાયણ પર આધારિત ‘મંથરાદુર્વિલસિત’, ‘દશરથવિલાપ’, ‘મારીચવધ’, ‘મેઘનાદવધ’ અને ‘રાવણવધ’ – એ પાંચ કાવ્યો રચ્યાં છે. ક્ષિતીશચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘ષષ્ઠીતંત્ર’ નામનો મૌલિક વાર્તાસંગ્રહ લખ્યો છે. લેખિકા ઉમાદેવીએ ‘આભાણકમાલા’માં વિભિન્ન ભાષાઓની કહેવતોનો સંસ્કૃત ભાષામાં સંગ્રહ કર્યો છે. રામાવતાર શર્માએ ‘હર્ષનૈષધીય’ નામનું નાટક અને ‘મુદ્ગરદૂત’ તથા ‘મારુતિષટ્ક’ – એ બે લઘુકાવ્યો રચ્યાં છે. અલંકારગ્રંથ ‘કાવ્યતત્ત્વાવલી’ના લેખક મહેશચંદ્ર તર્કચૂડામણિએ 17 સર્ગોમાં રાજાઓને વર્ણવતા મહાકાવ્ય ‘દિનાજપુરરાજવંશ’ અને 24 સર્ગોના મહાકાવ્ય ‘ભૂદેવચરિત્ર’ની રચના કરી છે. કલ્કિસિંહે અનેક ગીતો ધરાવતું કાવ્ય ‘ગાનામૃતતરંગિણી’ લખ્યું છે. બટુકનાથ શર્માએ મહાકાવ્ય ‘સીતાસ્વયંવર’, પ્રહસન પ્રકારનું રૂપક ‘પાંડિત્યતાંડવિત’ અને ચાર લઘુકાવ્યો ‘વલ્લવદૂત’, ‘શતકસપ્તક’, ‘કાલિકાશતક’ અને ‘આત્મનિવેદનશતક’ની રચના કરી છે. ગુરુપ્રસન્ન ભટ્ટાચાર્યે મહાકાવ્ય ‘શ્રીરાસ’, ચંપૂકાવ્ય ‘વરૂથિની’ અને લઘુકાવ્ય ‘મધુરમ્’; ત્રણ રૂપકો ‘નાભાગચરિત’, ‘મદાલસાકુવલયાશ્વ’ અને ‘ભામિનીવિલાસ’ લખ્યાં છે. તારાચંદ્ર તર્કભૂષણે લઘુકાવ્ય ‘કાનનશતક’ તથા બે રૂપકો ‘રામજન્મ’ અને ‘શૃંગારરત્નાકર’ની રચના કરી છે. પ્રમથનાથ તર્કભૂષણે ‘કોકિલદૂત’, ‘રાસરસોદય’ અને ‘વિજયપ્રકાશ’ – એ ત્રણ કાવ્યો રચ્યાં છે. રંગનાથ તાતાચાર્યે ‘શુકસંદેશ’ અને ‘હનુમત્પ્રસાદશતક’ – એ બે લઘુકાવ્યો તથા ‘કુત્સિતકુસીદ’ અને ‘ન્યાયસભા’  એ બે નાટકો લખ્યાં છે. ચેલમય્યા શાસ્ત્રીએ સાત અંકોનું ‘ગોપીચંદ્રચરિત’ નામનું નાટક રચ્યું છે. શ્રીનિવાસાચાર્યે ‘મણિમેખલા’ અને ‘પ્રવાલવલ્લી’ એ બે ગદ્યકાવ્યો લખ્યાં છે. વળી અનંતાચાર્યે ‘સંસારચક્ર’ નામની નવલકથા લખી છે. રાજગોપાલ ચક્રવર્તીએ ‘શૈવલિની’, ‘કુમુદિની’ અને ‘વિલાસકુમારી’ – એ ત્રણ ગદ્યકાવ્યો તથા ‘મધુકરદૂત’ અને ‘વિયોગિવિલાપ’  એ બે લઘુકાવ્યો લખ્યાં છે. જયરામે કૃષ્ણવિષયક ચંપૂકાવ્ય ‘રાધામાધવવિલાસ’ લખ્યું છે. હેમચંદ્ર રૉયે ‘સત્યભામાપરિગ્રહ’, ‘સુભદ્રાહરણ’, ‘હૈહયવિજય’, ‘પાંડવવિજય’ અને ‘પરશુરામવિજય’ – એ પાંચ લઘુકાવ્યો રચ્યાં છે. મથુરાનાથ ઉર્ફે મંજુનાથ શાસ્ત્રીએ ‘જયપુરવિજય’, ‘ઈશ્વરવિલાસ’, કાવ્યોનો સંગ્રહ ‘સાહિત્યવૈભવ’, મુક્તકોનો સંગ્રહ ‘પદ્યમુક્તાવલી’, ‘સંસ્કૃતગાથાસપ્તશતી’, ‘ત્રિપુરસુંદરીસ્તવરાજ’, ‘સંસ્કૃતસર્વસ્વ’ અને ‘કાવ્યકલારહસ્ય’ વગેરેની રચના કરી છે. આ સદીની કવયિત્રી જ્ઞાનસુંદરીએ છ સ્તબકોમાં દેવી મીનાક્ષી અને સુંદરેશ શિવને વર્ણવતું ‘હાલાસ્યચંપૂકાવ્ય’ સર્જ્યું છે. કવયિત્રી કામાક્ષીએ કાલિદાસે પ્રયોજેલા શબ્દો વડે જ રામકથા વર્ણવતું લઘુકાવ્ય ‘રામચરિત’ રચ્યું છે. કપિસ્થલમ્ કૃષ્ણમાચાર્યે ભાણપ્રકારના રૂપક ‘રસાર્ણવતરંગિણી’ની, ગદ્યકાવ્ય ‘મંદરાવતી’ અને લઘુકાવ્ય ‘વિલાપતરંગિણી’ની રચના કરી છે. જગ્ગુ આલવાર આયંગરે ‘જયંતિકા’ નામનું ગદ્યકાવ્ય, ‘સ્યમન્તક’ અને ‘અદ્ભુતાંશુક’  એ બે નાટકો તથા ‘કરુણરસતરંગિણી’ અને ‘હયગ્રીવસ્તુતિ’ – એ બે લઘુકાવ્યો લખ્યાં છે. કવયિત્રી રાજમ્માએ આધુનિક પદ્ધતિની ‘ચંદ્રમૌલિ’ નામની નવલકથા લખી છે. નારાયણ શાસ્ત્રી ખિસ્તેએ ‘વિદ્વત્ચરિતપંચક’ નામનું, તો શેષશાયીએ ‘અષ્ટાવક્રીય’ નામનું ગદ્યકાવ્ય લખ્યું છે. નરસિંહાચાર્યે ગદ્યકાવ્ય ‘ભારતકથા’, નવલકથા ‘સૌદામિની’ અને રૂપક ‘પ્રતિજ્ઞાભાર્ગવવ્યાયોગ’ની રચના કરી છે. ગદ્યકાર સાર્વભૌમે ‘મહાભારતકથાનક’ અને ‘રામાયણઅર્થસંગ્રહ’  એ ગદ્યકૃતિઓ લખી છે. રવિવર્માએ ‘દમયંતીપરિણય’ નામનું કાવ્ય લખ્યું છે. પરશુરામ વૈદ્યે ‘સંયોગિતાસ્વયંવર’ નામનું કાવ્ય અને ‘પરિહાસચર્યા’ નામનું ગદ્યકાવ્ય રચ્યાં છે. વરદકાંત વિદ્યારત્ને ‘ગદ્યાદર્શ’ નામનું ગદ્યકાવ્ય લખ્યું છે. ડી. ટી. તાતાચાર્યે આધુનિક પદ્ધતિની નવલકથા ‘મેનકા’ રચી છે. શ્રીકંઠ શાસ્ત્રીએ ‘યામિનીવિનોદકથા’ નામનું, જ્યારે વેંકામાત્યે ‘સુધાઝરી’ નામનું ગદ્યકાવ્ય રચ્યું છે. વેંકટેશ્વર શાસ્ત્રુલુએ ‘પરશુરામચરિત્ર’ નામનું ગદ્યકાવ્ય સર્જ્યું છે. અંબિકાદત્ત વ્યાસે શિવાજી વિશે ‘શિવરાજવિજય’ નામની નવલકથા લખી છે. નારાયણ શાસ્ત્રીએ ‘મહેશ્વરોલ્લાસ’, ‘ઉદારરાઘવ’ અને ‘મુકુંદમનોરથ’ વગેરે 24 નાટકો સમેત કુલ 108 ગ્રંથો લખ્યા છે. શ્રીનિવાસાચાર્યે ‘ધ્રુવમ્’ અને ‘ક્ષીરાબ્ધિશયન’ – એ બે નાટકો રચ્યાં છે. પંચાનન તર્કવાગીશે રાણા પ્રતાપના પુત્ર અમરસિંહ વિશે ‘અમરમંગલ’ નામનું નાટક અને ‘પાર્થસ્વમેધ’ નામનું લઘુકાવ્ય લખ્યાં છે. અલંકારગ્રંથ ‘અલંકારસૂત્ર’ના લેખક ચંદ્રકાંત તર્કાલંકારે ‘ચંદ્રવંશ’ અને ‘સતીપરિણય’ – એ બે કાવ્યો અને ‘કૌમુદીસુધાકર’ નામનું નાટક રચ્યાં છે. હરિદાસ સિદ્ધાન્તવાગીશે ‘રુક્મિણીહરણ’ નામનું મહાકાવ્ય; ‘કંસવધ’, ‘વિરાજસરોજિની’, ‘જાનકીવિક્રમ’ અને ‘વંગીયપ્રતાપ’  એ ચાર નાટકો; ગદ્યકાવ્ય ‘સરલા’ અને ચંપૂકાવ્ય ‘કંસવધ’ તથા ‘શંકરસંભવ’ અને ‘વિયોગવૈભવ’  એ બે લઘુકાવ્યો લખ્યાં છે. કાલીપદ તર્કાચાર્યે ‘નલદમયંતીય’ અને ‘સ્યમંતકોદ્ધાર’  એ બે નાટકો લખ્યાં છે. દેવીપ્રસાદ શુક્લે કાવ્ય ‘લક્ષ્મીનારાયણ’ અને નાટક ‘નલચરિત’ની રચના કરી છે. કે. એસ. રામાસ્વામી શાસ્ત્રીએ ‘રતિવિજય’ નામનું નાટક લખ્યું છે. વી. કૃષ્ણન્ તંપીએ શ્યોમાં વહેંચાયેલી ‘લલિતા’, ‘પ્રતિક્રિયા’, ‘વનજ્યોત્સ્ના’ અને ‘ધર્મસ્ય સૂક્ષ્માગતિ:’ – એ ચાર લઘુનાટિકાઓ લખી છે. જાણીતા ગુજરાતી નાટ્યકાર મૂળશંકર યાજ્ઞિકે રાગબદ્ધ ગીતોવાળાં શિવાજી, પ્રતાપ અને પૃથ્વીરાજ ચૌહાણ વિશે અનુક્રમે ‘છત્રપતિસામ્રાજ્ય’, ‘પ્રતાપવિજય’ અને ‘સંયોગિતાસ્વયંવર’ – એ ત્રણ ઐતિહાસિક નાટકો રચ્યાં છે. અપ્પય્ય દીક્ષિતના વંશજ મહાલિંગ શાસ્ત્રીએ ‘ઉદ્ગાત્રીદશાનન’, ‘પ્રતિરાજસૂય’ અને ‘કૌંડિન્યપ્રહસન’ – એ ત્રણ રૂપકો; ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘કલિપ્રાદુર્ભાવ’; ‘વનલતા’, ‘નદીપૂર’, ‘વ્યાજોક્તિરત્નાવલી’, ‘અર્થાન્તરન્યાસપંચાશત’, ‘ભારતીવિષાદ’, ‘ભ્રમરસંદેશ’, ‘દુર્જનહૃદય’, ‘લઘુપાંડવચરિત’, ‘લઘુરામચરિત’ અને ‘દ્રાવિડાર્યાસુભાષિતસપ્તતિ’ વગેરે લઘુકાવ્યો રચ્યાં છે. ચિંતામણિ દેશમુખે કાવ્યસંગ્રહ ‘સંસ્કૃતકાવ્યમાલિકા’ની રચના કરી છે. કવયિત્રી ક્ષમા રાવે ‘મીરાલહરી’ અને ‘તુકારામચરિત’  એ બે કાવ્યો લખ્યાં છે. વિદ્યાધર શાસ્ત્રીએ શિવવિષયક મહાકાવ્ય ‘હરનામામૃત’ તો ત્ર્યમ્બક ભાંડારકરે ‘વિવેકાનંદચરિત’ નામનું મહાકાવ્ય લખ્યાં છે. નારાયણ શાસ્ત્રીએ સામાજિક ગદ્યકાવ્ય ‘દરિદ્રાણાં હૃદયમ્’ રચ્યું છે. કે. ચિતળેએ લોકમાન્ય તિલક વિશે ‘લોકમાન્યચરિત’, સી. કે. ક્ષત્રેએ સુભાષચંદ્ર બોઝ વિશે ‘શ્રીસુભાષચરિત’ તથા શ્રીનિવાસ શાસ્ત્રીએ ‘ચંદ્રમહીપતિ’ નામનાં ગદ્યકાવ્યો રચ્યાં છે. મહાત્મા ગાંધી વિશે ભગવદાચાર્યે ‘ભારતપારિજાત’ નામનું મહાકાવ્ય અને બ્રહ્માનંદ શુક્લે ‘શ્રીગાંધિચરિત’ કાવ્ય લખ્યાં છે. ગણપતિશંકર શુક્લે વિનોબા ભાવેની ભૂદાનયજ્ઞની પ્રવૃત્તિ વિશે ‘ભૂદાનયજ્ઞગાથાકાવ્ય’ની રચના કરી છે. શિવપ્રસાદ ભારદ્વાજે ભારતીય સંસ્કૃતિ વિશે ‘ભારતસંદેશ’ નામનું કાવ્ય લખ્યું છે. સુરેશચંદ્ર ત્રિપાઠીએ ભારત-ચીન વચ્ચેના યુદ્ધ વિશે ઉપદેશકાવ્ય ‘વીરોત્સાહવર્ધન’ રચ્યું છે. રમાકાન્ત મિશ્રે ભારતના પ્રથમ વડાપ્રધાન વિશે ‘જવાહરલાલનેહરુવિજય’ તો વી. આર. શાસ્ત્રીએ દેશપ્રેમ વિશે ‘વિક્રાન્તભારત’ નામનાં નાટકો રચ્યાં છે. રમેશચંદ્ર મજૂમદારે ‘રાજવિજય’ નાટક; છજ્જૂરામ શાસ્ત્રીએ દેવી દુર્ગા વિશે ‘દુર્ગાભ્યુદય’ નાટક અને યતીન્દ્ર ચૌધરીએ ‘ભાસ્કરોદય’, ‘આનંદરાધમ્’ અને ‘નિષ્કિંચનયશોધર’  એ ત્રણ નાટકોની રચના કરી છે. શ્રીકૃષ્ણમણિ ત્રિપાઠીએ ‘સાવિત્રીનાટક’ તો સીતારામ ચતુર્વેદીએ ‘મંગલપ્રભાત’ નાટક આપ્યાં છે. નાટ્યકાર ગોપાલ શાસ્ત્રીએ ‘નારીજાગરણ’ નામનું સામાજિક નાટક અને વૈયાકરણ પાણિનિ વિશે ‘પાણિનીય’ અને ‘પાણિનિપ્રશસ્તિ’ – એ બે લઘુનાટકો લખ્યાં છે. કવયિત્રી વનમાલા ભવાલકરે પાર્વતી વિશે ‘પાર્વતીપરમેશ્વરીયસંગીતિકા’ રચી છે. સી. આર. દેવધરે પૌરાણિક કાવ્ય ‘યયાતિચરિત’ લખ્યું છે. પ્રભુદત્ત શાસ્ત્રીએ ‘ગણપતિસંભવ’ નામનું તેવું જ કાવ્ય લખ્યું છે. ગિરિધર શર્મા ચતુર્વેદીએ ‘ચતુર્વેદીયસંસ્કૃતરચનાવલી’ નામનો નિબંધસંગ્રહ રચ્યો છે. વીરમણિપ્રસાદ ઉપાધ્યાયે ‘ઋતંભરા’ રચી છે. બટુકનાથ શાસ્ત્રીએ ઉપાખ્યાનો વર્ણવતી ‘ઉપાખ્યાનમંજરી’ લખી છે.

કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકને મળેલા એવૉર્ડની યાદી

વર્ષવિજેતાનું નામપુસ્તકનું નામસાહિત્યિક પ્રકાર1967રામરૂપ પાઠકચિત્રકાવ્યકૌતુકકાવ્યસંગ્રહ1968સત્યવ્રત શાસ્ત્રીશ્રીગુરુગોવિંદસિંહચરિતમહાકાવ્ય1973માધવ અણેશ્રીતિલકયશોર્ણવમહાકાવ્ય1974શ્રીધર વર્ણેકરશ્રીશિવરાજ્યોદયમહાકાવ્ય1977શાંતિભિક્ષુ શાસ્ત્રીબુદ્ધવિજયમહાકાવ્ય1979કે. એન. એઝ્યુથચનકેરલોદયમહાકાવ્ય1980પી. સી. દેવાસિયાક્રિસ્તુભાગવતમહાકાવ્ય1981જગન્નાથ પાઠકકપિશયાનીકાવ્યસંગ્રહ1982પી. કે. નારાયણન્ પિલ્લેવિશ્વભાનુમહાકાવ્ય1983પંઢરીનાથાચાર્યશ્રીશંભુલિંગેશ્વરવિજયચંપૂકાવ્ય1984શ્રીનાથ હસુરકરસિંધુકન્યાનવલકથા1985વસંત શેવડેવિંધ્યવાસિનીવિજયમહાકાવ્ય1987વિશ્વનારાયણ શાસ્ત્રીઅવિનાશીનવલકથા1988રાજેન્દ્ર મિશ્રઈક્ષુગંધાલઘુવાર્તાસંગ્રહ1989રામકરણ શર્માસંધ્યાલઘુકાવ્યસંગ્રહ1990ઓગેટિ શર્માશ્રીમત્પ્રતાપરાણાયણમહાકાવ્ય1991રેવાપ્રસાદ દ્વિવેદીસ્વાતંત્ર્યસંભવમહાકાવ્ય1992હરિનારાયણ દીક્ષિતભીષ્મચરિતમહાકાવ્ય1993જગ્ગુ વકુલ ભૂષણજયંતિકાગદ્યકાવ્ય1994રાધાવલ્લભ ત્રિપાઠીસંધાનકાવ્યસંગ્રહ1995રસિકવિહારી જોશીરાધાપંચશતીકાવ્યસંગ્રહ1996કેશવચંદ્ર દાશકવિતાસંકલનકાવ્યસંગ્રહ1997શ્યામદેવ પારાશરત્રિવેણીમહાકાવ્ય1998બચ્ચૂલાલ અવસ્થીપ્રતાનિનીકાવ્યસંગ્રહ1999શ્રીનિવાસ રથતદેવ ગગનં સૈવ ધરાકવિતાસંગ્રહ

વળી એવૉર્ડ-વિજેતા આ કવિઓમાં વસંત શેવડેએ ‘શુંભવધ’ નામનું મહાકાવ્ય અને રેવાપ્રસાદ દ્વિવેદીએ કાવ્ય ‘સીતાચરિત’ની રચના પણ કરી છે.

જગન્નાથ પદે શાસ્ત્રીએ શ્લોકે શ્લોકે નવા છંદવાળું ‘રુક્મિણીસ્વયંવર’ નામનું લઘુકાવ્ય રચ્યું છે. પદ્મગુપ્ત ઓઝાએ તદ્દન આધુનિક વિષય સિનેમાને વર્ણવતું લઘુકાવ્ય ‘સિનેમાશતક’ પણ રચ્યું છે !

સાહિત્યિક રચનાઓમાંથી ચૂંટેલાં સુભાષિતોના બનેલા સુભાષિતસંગ્રહો પણ લલિત વાઙ્મયમાં સમાવિષ્ટ થાય છે. તેમાં સૌથી પ્રાચીન બારમી સદીમાં અજ્ઞાતકર્તૃક ‘કવીન્દ્રવચનસમુચ્ચય’ છે. એ પછી વલ્લભદેવે કરેલો ‘સુભાષિતાવલી’ સંગ્રહ ખૂબ જાણીતો છે. વિદ્યાકરનો ‘સુભાષિતરત્નકોશ’ પણ બારમી સદીનો છે. એ અરસામાં શ્રીધરદાસે મુખ્યત્વે બંગાળી કવિઓનાં સુભાષિતો ધરાવતો ‘સદુક્તિકર્ણામૃત’ રચ્યો છે. જલ્હણે ‘સૂક્તિમુક્તાવલી’નો સંગ્રહ 13મી સદીમાં કર્યો છે. શાર્ઙ્ગધરે ‘શાર્ઙ્ગધરપદ્ધતિ’માં સાડા ચાર હજાર સુભાષિતો એકત્ર કર્યાં છે. સૂર્ય કલિંગરાયનો ‘સૂક્તિરત્નહાર’ દક્ષિણ ભારતીય કવિઓનાં સુભાષિતો રજૂ કરે છે. શ્રીવરની ‘સુભાષિતાવલી’ ઓછી જાણીતી છે. રૂપ ગોસ્વામીએ બંગાળના વૈષ્ણવ કવિઓનાં સુભાષિતોનો સંગ્રહ ‘પદ્યાવલી’માં કર્યો છે. વેણીદત્તનો સંગ્રહ ‘પદ્યવેણી’ નવસો સુભાષિતો આપે છે. લક્ષ્મણ ભટ્ટનો સંગ્રહ ‘પદ્યરચના’ સાડા સાતસો સુભાષિતોનો બનેલો છે. વેંકટનાથે ‘સુભાષિતનીવી’, સુંદરદેવે ‘સૂક્તિસુંદર’ અને હરિ ભાસ્કરે ‘પદ્યામૃત તરંગિણી’ નામના સુભાષિતસંગ્રહો રચ્યા છે. હરિહરે પોતે જ રચેલાં 625 જેટલાં સુભાષિતોના સંગ્રહને ‘હરિહરસુભાષિત’ એવું યોગ્ય નામ આપ્યું છે. હરિકવિનો ‘સુભાષિતહારાવલી’, ગદાધરનો ‘રસિકજીવન’, ગોવિંદનો ‘સભ્યાલંકરણ’ અને નંદનનો ‘પ્રસન્નસાહિત્યરત્નાકર’ વગેરે અવનવીન શીર્ષકો ધરાવતા સુભાષિતસંગ્રહો છે. વીસમી સદીમાં કાશીનાથ પરબનો ‘સુભાષિતરત્નભાંડાગાર’ નામનો સુભાષિતસંગ્રહ સૌથી મોટો અને અગિયાર હજારથી વધુ સુભાષિતો ધરાવે છે. આ સુભાષિતસંગ્રહોમાં અનેક અપરિચિત કવિઓનાં સુભાષિતોની સાથે વિજ્જકા, સુભદ્રા, ફલ્ગુહસ્તિની, મોરિકા, મારુલા, ઇન્દુલેખા, વિકટનિતંબા અને શીલા ભટ્ટારિકા વગેરે કવયિત્રીઓનાં સુભાષિતો પણ મળે છે.

સાહિત્યની સાથે સાહિત્યશાસ્ત્ર અથવા અલંકારશાસ્ત્ર પણ જોડાયેલું છે. સંસ્કૃત ભાષામાં તે ઘણું ખેડાયેલું છે. તેની ઉપલબ્ધ રચનાઓમાં સર્વપ્રથમ નાટ્યની સાથે રસ, ગીત, વાદ્ય અને નૃત્ય વગેરેની સર્વાંગીણ ચર્ચા કરતો; રસ પર ભાર મૂકતો અને ‘રસવાદ’ને રજૂ કરતો સર્વસંગ્રહ જેવો ગ્રંથ ‘નાટ્યશાસ્ત્ર’ ભરત મુનિએ ઈ. સ. પૂર્વે બીજી સદીમાં રચ્યો છે. એ પછી છેક ઈ. સ.ની સાતમી સદીમાં ઉપલબ્ધ થતા બે ગ્રંથો ભામહકૃત ‘કાવ્યાલંકાર’ અને દંડીકૃત ‘કાવ્યાદર્શ’ કાવ્યનાં તત્ત્વોની ચર્ચા કરી અલંકાર પર ભાર મૂકે છે. એ પછી રીતિવાદનું સ્થાપન કરતો વામનનો ગ્રંથ ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’ મહત્ત્વનો છે. એ પછી ઉદ્ભટે ફક્ત કાવ્યના અલંકારોની ચર્ચા કરતો ગ્રંથ ‘કાવ્યાલંકારસંગ્રહ’ રચ્યો છે. એ પછી કાવ્યનાં બધાં તત્ત્વોની વ્યવસ્થિત ચર્ચા કરતો રુદ્રટનો ‘કાવ્યાલંકાર’ પણ અલંકાર પર જ ભાર મૂકે છે. એ પછી મહાન આલંકારિક આચાર્ય આનંદવર્ધનનો ગ્રંથ ‘ધ્વન્યાલોક’ કાવ્યનો આત્મા ધ્વનિ છે એમ કહી ધ્વનિવાદની સ્થાપના કરે છે. જ્યારે અભિનવગુપ્ત ‘નાટ્યશાસ્ત્ર’ અને ‘ધ્વન્યાલોક’ પર અનુક્રમે ‘અભિનવભારતી’ અને ‘લોચન’ ટીકાઓ લખી ધ્વનિવાદને શાસ્ત્રીય પીઠિકા પર મૂકી આપે છે. કુંતક ‘વક્રોક્તિજીવિત’ નામનો ગ્રંથ લખી ધ્વનિનો વિરોધ કરી ધ્વનિનો વક્રોક્તિમાં સમાવેશ કરે છે. એવો જ ધ્વનિનો વિરોધ કરી મહિમ ભટ્ટ પોતાના ‘વ્યક્તિવિવેક’માં ધ્વનિને ‘કાવ્યાનુમિતિ’ કહે છે. રાજશેખરે કવિશિક્ષાની ચર્ચા કરતો ‘કાવ્યમીમાંસા’ નામનો ગ્રંથ લખ્યો છે. એ પછી ધનંજયે ભરતની રૂપકની ચર્ચાનો સંક્ષેપ ‘દશરૂપક’ નામના ગ્રંથમાં રજૂ કર્યો છે. ‘દશરૂપક’ પરની ‘અવલોક’ ટીકામાં ધનિક ધ્વનિનું ખંડન કરે છે અને રસની બાબતમાં ભટ્ટનાયકના ભુક્તિવાદ સાથે સામ્ય ધરાવતો પોતાનો મત રજૂ કરે છે. ભોજરાજાએ ‘સરસ્વતીકંઠાભરણ’ અને ‘શૃંગારપ્રકાશ’ નામના ગ્રંથોમાં બધા રસોને શૃંગારરસમાં સમાવી કાવ્યનાં તત્ત્વોની ઘણી વિસ્તૃત અને સૂક્ષ્મ ચર્ચા કરી છે. ક્ષેમેન્દ્રે કવિશિક્ષાની ચર્ચા કરતો ‘કવિકંઠાભરણ’ અને ઔચિત્યને કાવ્યના આત્મા તરીકે સ્થાપતા ‘ઔચિત્યવિચારચર્ચા’ નામના ગ્રંથો રચ્યા છે. મમ્મટ પોતાના પ્રૌઢ ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’માં નાટ્ય સિવાય કાવ્યના સઘળા મુદ્દાઓની ચર્ચા કરે છે અને કુંતક વગેરેનું ખંડન કરી ધ્વનિવાદનું પ્રસ્થાપન કરે છે. રુય્યકનો ‘અલંકારસર્વસ્વ’ અલંકારોની સૂક્ષ્મ અને માર્મિક ચર્ચા આપે છે. હેમચંદ્રનો ‘કાવ્યાનુશાસન’ પુરોગામીઓના ગ્રંથોને વ્યવસ્થિત રીતે રજૂ કરે છે. વાગ્ભટનો ‘વાગ્ભટાલંકાર’ કાવ્યના મુદ્દાઓ સંક્ષેપમાં રજૂ કરે છે. એ પછી દેવેશ્વરે કવિશિક્ષાનો અગત્યનો ગ્રંથ ‘કવિકલ્પલતા’ અને અરિસિંહ તથા અમરચંદ્રે તેવો જ અગત્યનો ગ્રંથ ‘કાવ્યકલ્પલતા’ કવિશિક્ષા વિશે રચ્યા છે. દ્વિતીય વાગ્ભટનો ‘કાવ્યાનુશાસન’ ગ્રંથ હેમચંદ્રના ગ્રંથને આધાર બનાવે છે. શારદાતનયે નાટ્યવિવેચનને વિસ્તૃત રીતે રજૂ કરતો ‘ભાવપ્રકાશન’ રચ્યો છે. રામચંદ્ર અને ગુણચંદ્રે તેવો જ અગત્યનો ગ્રંથ ‘નાટ્યદર્પણ’ રચીને રસ સુખદુ:ખાત્મક હોવાનો નવીન મત આપ્યો છે. શિંગભૂપાલે નાટ્યની વિસ્તૃત ચર્ચા કરતો ગ્રંથ ‘રસાર્ણવસુધાકર’ લખ્યો છે. જયદેવે અલંકારશાસ્ત્રના સઘળા મુદ્દાઓ સરળ અને સંક્ષેપમાં રજૂ કરતો ગ્રંથ ‘ચંદ્રાલોક’ લખ્યો છે. શોભાકરનો ગ્રંથ ‘અલંકારરત્નાકર’ ફક્ત અલંકારોની જ માર્મિક અને વિશદ ચર્ચા કરે છે. વિદ્યાધરકૃત ‘એકાવલી’, વિદ્યાનાથરચિત ‘પ્રતાપરુદ્રીય’ અને વિશ્વનાથરચિત ‘સાહિત્યદર્પણ’ અલંકારશાસ્ત્રના બધા પદાર્થોને ચર્ચતા અને અભ્યાસીઓને ઉપયોગી ગ્રંથો છે. ભાનુદત્તે ફક્ત રસને ચર્ચતા ‘રસમંજરી’ અને ‘રસતરંગિણી’  એ બે ગ્રંથો લખ્યા છે. કેશવ મિશ્રનો ‘અલંકારશેખર’ સંક્ષેપપ્રિય ગ્રંથ છે. અપ્પય્ય દીક્ષિતે ફક્ત અલંકારોને ચર્ચતા ‘કુવલયાનંદ’ અને ‘ચિત્રમીમાંસા’ – એ બે ગ્રંથો અને શબ્દશક્તિની ચર્ચા કરતા ‘વૃત્તિવાર્તિક’ની રચના કરી છે. પંડિતરાજ જગન્નાથે ‘રસગંગાધર’ નામનો નવ્ય ન્યાયની શૈલીએ રસ અને અલંકારોની પાંડિત્યપૂર્ણ ચર્ચા કરતો, અલંકારશાસ્ત્રનો પ્રતિનિધિગ્રંથ રચ્યો છે; પરંતુ તે અપૂર્ણ રહ્યો છે. વિશ્વેશ્વરે જગન્નાથનું પણ ક્યારેક ખંડન કરતો અને ફક્ત અલંકારોની ચર્ચા કરતો ‘અલંકારકૌસ્તુભ’ નામનો ગ્રંથ લખ્યો છે; જ્યારે કૃષ્ણકવિએ અલંકારશાસ્ત્રના તમામ પદાર્થોની સરળ રીતે રજૂઆત કરતો અને અભ્યાસીઓને ઉપયોગી ‘મંદારમરંદચંપૂ’ નામનો ગ્રંથ આપ્યો છે. અલંકારશાસ્ત્રના ભોજરચિત ગ્રંથ ‘શૃંગારપ્રકાશ’નું સમગ્રતયા આકલન કરતો વી. રાઘવન્નો ગ્રંથ કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો સંસ્કૃતના અલંકારશાસ્ત્રવિષયક શ્રેષ્ઠ ગ્રંથ તરીકેનો 1966ના વર્ષનો એવૉર્ડ પ્રાપ્ત કરે છે.

સંસ્કૃત ભાષામાં રચાયેલું શાસ્ત્રીય સાહિત્ય તો મહાસાગર જેવું છે અને તેનો મૂળ આધાર ચાર વેદોમાં રહેલો છે. ચાર વેદોનાં છ વેદાંગો અને ચાર ઉપવેદો વિવિધ શાસ્ત્રો છે. વળી વેદનાં ઉપનિષદો સાથે છ દર્શનશાસ્ત્રો જોડાયેલાં છે. છ વેદાંગોમાં પ્રથમ શિક્ષાગ્રંથો ઉચ્ચારણશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. તેમાં ઋગ્વેદની ‘સ્વરાંકુશ-શિક્ષા’, અથર્વવેદની ‘માંડૂકી શિક્ષા’, સામવેદની ‘નારદી શિક્ષા’ અને યજુર્વેદની ‘યાજ્ઞવલ્ક્ય શિક્ષા’ – એ જાણીતી શિક્ષાઓ છે.

બીજું વેદાંગ છંદનું પણ શાસ્ત્ર છે. તેનો સૌથી પ્રાચીન અને પ્રમાણભૂત ગ્રંથ પિંગલાચાર્યનો ‘છંદ:સૂત્ર’ છે, જેમાં વૈદિક અને પ્રશિષ્ટ બંને પ્રકારના છંદોની ચર્ચા છે. કાલિદાસના નામે ચઢેલો નાનકડો ગ્રંથ ‘શ્રુતબોધ’ અતિ લોકપ્રિય છે. કેદાર ભટ્ટરચિત ‘વૃત્તરત્નાકર’ અને ગંગાદાસકૃત ‘છંદોમંજરી’ અનેક છંદોની સાથે ગદ્યના પ્રકારોની સોદાહરણ ચર્ચા કરતા જાણીતા ગ્રંથો છે. જયદેવનાં ‘છંદસ્સૂત્રો’ અને ભાસ્કરનો ‘અભિનવવૃત્તરત્નાકર’ – એ નોંધપાત્ર ગ્રંથો છે; પરંતુ ‘જાનાશ્રયી છંદોવીચિતિ’ સ્વરોના આધારે ગણો ગણતો નવી પરંપરા ખડી કરતો ગ્રંથ છે. ચિંતામણિરચિત ‘પ્રસ્તારચિંતામણિ’ છંદના પ્રસ્તારની ચર્ચા કરતો અજોડ ગ્રંથ છે. આચાર્ય ક્ષેમેન્દ્રરચિત ‘સુવૃત્તતિલક’ જાણીતા છંદોના વર્ણ્ય વિષયો વર્ણવતો અદ્વિતીય ગ્રંથ છે. ગુજરાતી લેખક હેમચંદ્રકૃત ‘છંદોનુશાસન’ સંસ્કૃત ભાષાના છંદો અને પ્રસ્તારની સાથે પ્રાકૃત ભાષાના છંદોને ચર્ચે છે. દામોદરકૃત ‘વાણીભૂષણ’ જાણીતા છંદો આપતો ગ્રંથ છે.

ત્રીજું વેદાંગ વ્યાકરણ પણ શાસ્ત્ર છે. આ વ્યાકરણશાસ્ત્રમાં ઘણી પરંપરાઓ છે; પરંતુ પાણિનીય વ્યાકરણ પરંપરા અગત્યની અને પ્રાચીન છે. પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ લગભગ ચાર હજાર સૂત્રોની બનેલી છે અને તેમાં વૈદિક અને પ્રશિષ્ટ બંને ભાષાઓના નિયમો આપવામાં આવ્યા છે. સૂત્રોમાં સુધારાવધારા માટે કાત્યાયને વાર્તિકો રચ્યાં છે. સૂત્રો પર પતંજલિએ ‘મહાભાષ્ય’ની રચના કરી છે; પરંતુ તે મોટું અને અગત્યનું ભાષ્ય ફક્ત બારસો જેટલાં સૂત્રો પરનું જ ઉપલબ્ધ છે. કાત્યાયને બતાવેલી ભૂલો સામે પાણિનિનો બચાવ પતંજલિએ કર્યો છે. ભર્તૃહરિએ શબ્દ અને અર્થની મીમાંસા કરી, વ્યાકરણશાસ્ત્રનું તત્ત્વજ્ઞાન રજૂ કરતો અજોડ ગ્રંથ ‘વાક્યપદીય’ રચ્યો છે. સાથે સાથે તેમણે ‘મહાભાષ્ય’ પર ‘દીપિકા’ નામની ટીકા પણ રચી છે. ‘અષ્ટાધ્યાયી’ પર વામન અને જયાદિત્યે કાશીમાં લખેલી ‘કાશિકા’ વૃત્તિ પ્રસિદ્ધ અને અદ્ભુત ગ્રંથ છે. તેના પર જિનેન્દ્રબુદ્ધિએ ‘ન્યાસ’ નામની જાણીતી ટીકા લખી છે. બીજી વૃત્તિ શરણદેવરચિત ‘દુર્ઘટવૃત્તિ છે, જે અર્થ ઘટાવવો મુશ્કેલ હોય તેવાં સૂત્રો પર જ લખાયેલી છે. કૈયટે ‘મહાભાષ્ય’ પર ‘પ્રદીપ’ નામની ટીકા સૂક્ષ્મેક્ષિકાથી રચી છે અને તેના પર નાગેશ ભટ્ટે ‘ઉદ્યોત’ નામની અનુટીકા લખી છે. એ પછી રામચંદ્રે ‘અષ્ટાધ્યાયી’ના સૂત્રક્રમનો અનાદર કરી, પ્રક્રિયાના ક્રમે આવતાં સૂત્રો આપી તેના પર ‘પ્રક્રિયાકૌમુદી’ નામની વૃત્તિ લખી વ્યાકરણશાસ્ત્રમાં એક નવું સીમાચિહ્ન મૂક્યું છે. એ પછી ભટ્ટોજિ દીક્ષિતે ‘પ્રક્રિયાકૌમુદી’ને અનુસરી લખેલી, વૃત્તિ ‘સિદ્ધાન્તકૌમુદી’ ધ્રુવતારક સમી બની છે. સાથે સાથે તેમણે ‘અષ્ટાધ્યાયી’ના ક્રમે બીજી ‘શબ્દકૌસ્તુભ’ નામની વૃત્તિ પણ લખેલી પણ તે અપૂર્ણ મળે છે. ભટ્ટોજિ દીક્ષિતે પોતે જ ‘સિદ્ધાન્તકૌમુદી’ પર ‘પ્રૌઢમનોરમા’ નામની ટીકા લખી છે અને તેનું પંડિતરાજ જગન્નાથે ખંડન કરવા છતાં ‘સિદ્ધાન્તકૌમુદી’ની લોકપ્રિયતા અક્ષુણ્ણ રહી છે. તેમના શિષ્ય વરદરાજે પ્રારંભિક અભ્યાસી માટે ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’ અને થોડા પ્રૌઢ અભ્યાસી માટે ‘મધ્યસિદ્ધાન્તકૌમુદી’ એવા તેના બે સંક્ષેપો કર્યા છે. કૌંડ ભટ્ટે ‘વૈયાકરણભૂષણ’ નામનો શાસ્ત્રીય વ્યાકરણનો ગ્રંથ લખ્યો છે. નાગેશ ભટ્ટે પરિભાષાઓ પર ‘પરિભાષેન્દુશેખર’, ‘સ્ફોટનિર્ણય’, ‘લઘુમંજૂષા’ અને ‘શબ્દેન્દુશેખર’ વગેરે અનેક રચનાઓ આપીને પાણિનીય વ્યાકરણના ક્ષેત્રે અંતિમ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. પાણિનીય ધાતુપાઠ પર સાયણે રચેલી ‘માધવીયધાતુવૃત્તિ’ અને ક્ષીરસ્વામીએ રચેલી ‘ક્ષીરતરંગિણી’ અગત્યના ગ્રંથો છે. પાણિનિને બદલે અન્ય પરંપરાને અનુસરતા આવા ધાતુવિષયક ગ્રંથોમાં મૈત્રેયરક્ષિતનો ‘ધાતુપ્રદીપ’ અને વર્ધમાનનો ‘ગણરત્નમહોદધિ’ ઉલ્લેખનીય છે. વ્યાકરણની અન્ય પરંપરાઓમાં ‘ઐન્દ્રવ્યાકરણ’, ‘ચાંદ્રવ્યાકરણ’, ‘શાક્ટાયનવ્યાકરણ’, ‘કાશકૃત્સ્નવ્યાકરણ’, ‘જૈનેન્દ્રવ્યાકરણ’, ભોજરાજાનું ‘સરસ્વતી-કંઠાભરણવ્યાકરણ’, ગુજરાતના હેમચંદ્રાચાર્યનું અતિપ્રસિદ્ધ ‘સિદ્ધહેમ-વ્યાકરણ’, વોપદેવનું ‘મુગ્ધાવબોધવ્યાકરણ’, અનુભૂતિસ્વરૂપાચાર્યનું ‘સારસ્વતવ્યાકરણ’, શર્વવર્માનું ‘કાતંત્ર’ અથવા ‘કૌમારવ્યાકરણ’, ક્રમદીશ્વરનું ‘સંક્ષિપ્તસારવ્યાકરણ’ અને પદ્મનાભદત્તનું ‘સુપદ્મવ્યાકરણ’ – એ બધાં પાણિનીય વ્યાકરણથી જુદી સંજ્ઞાઓ ધરાવતાં વ્યાકરણો છે, જેમાં પાણિનીય વ્યાકરણને સરળ બનાવવાના પ્રયત્નો થયા છે. વી. સુબ્રહ્મણ્ય શાસ્ત્રીએ શબ્દશક્તિ વિશે રચેલા ‘શબ્દતરંગિણી’ નામના વ્યાકરણવિષયક ગ્રંથને 1970ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મળ્યો છે.

ચોથું વેદાંગ ‘નિરુક્ત’ તો વ્યુત્પત્તિશાસ્ત્ર છે એ જાણીતી વાત છે. વેદના અઘરા શબ્દોની વ્યુત્પત્તિ રજૂ કરી અર્થ આપવાનું કાર્ય ‘નિરુક્ત’ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આવા ‘નિરુક્ત’ ગ્રંથો તો ઘણા લખાયેલા; પરંતુ તેમાંથી માત્ર યાસ્ક મુનિએ રચેલું ‘નિરુક્ત’ જ હાલ ઉપલબ્ધ છે. તેનો આધુનિક ભાષાશાસ્ત્ર અને વ્યુત્પત્તિશાસ્ત્રમાં પણ ઉપયોગ થયો છે એ સંસ્કૃત ભાષા માટે ગૌરવપ્રદ બીના છે.

પાંચમું વેદાંગ ‘જ્યોતિષ’ તો આજે પણ ખપમાં લાગતું શાસ્ત્ર છે. જ્યોતિષશાસ્ત્રમાં ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર બંનેનો સમાવેશ થાય છે, કારણ કે આકાશીય ગ્રહો અને તેમની ગતિ પર જ જ્યોતિષશાસ્ત્રના ફળાદેશનો આધાર છે. જ્યોતિષશાસ્ત્રનો સૌથી પ્રાચીન ગ્રંથ ‘વેદાંગજ્યોતિષ’ નાનકડો ગ્રંથ છે. પ્રાચીન કાળના અન્ય ગ્રંથોમાં ગર્ગાચાર્યની ‘વૃદ્ધગર્ગસંહિતા’ અને જૈમિનિ ઋષિનાં ‘જૈમિનિસૂત્રો’ નોંધપાત્ર છે. જાણીતા આચાર્ય આર્યભટે ‘આર્યભટીય’, ‘દશગીતિકાસૂત્ર’ અને ‘આર્યાષ્ટશત’ જેવા પાયાના અગત્યના ગ્રંથો રચ્યા છે. બ્રહ્મગુપ્તના ‘બ્રાહ્મસિદ્ધાન્ત’ અને ‘ખંડખાદ્યક’ પણ મહત્ત્વના ગ્રંથો છે. વરાહમિહિરના ‘હોરાશાસ્ત્ર’, ‘પંચસિદ્ધાન્તિકા’ અને ‘બૃહત્સંહિતા’  એ પણ તેટલું જ મહત્ત્વ ધરાવે છે. પ્રસિદ્ધ ભાસ્કરાચાર્યે જ્યોતિષનાં કરણોની ચર્ચા કરતો ગ્રંથ ‘કરણકુતૂહલ’ અને લીલાવતી, બીજગણિત, ગ્રહગણિત અને ગોલ – એ ચાર અધ્યાયો ધરાવતા ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રની ચર્ચા કરતા ગ્રંથ ‘સિદ્ધાન્તશિરોમણિ’ની રચના કરી છે. ભોજરાજાનો ‘રાજમૃગાંક’, શતાનંદકૃત ‘ભાસ્વતી’, લલ્લાચાર્યનો ‘શિષ્યધીવૃદ્ધિતંત્ર’, મકરંદના ‘તિથ્યાદિપત્ર’ અને ‘મકરંદ’, ગણેશનો ‘ગ્રહલાઘવ’, શ્રીધરકૃત ‘પંચશતી’, મહાવીરાચાર્યનો ‘ગણિતસારસંગ્રહ’, પૃથુયશસ્રચિત ‘હોરાષટ્પંચાશિકા’, બલ્લાલસેનનો ‘અદ્ભુતસાગર’ અને નીલકંઠનો ‘તાજિક’ એ જ્યોતિષશાસ્ત્રમાં મહત્ત્વના ગ્રંથો છે.

છઠ્ઠું વેદાંગ ‘કલ્પ’ પણ કર્મકાંડનું શાસ્ત્ર છે. વેદના બ્રાહ્મણગ્રંથોમાં શ્રૌત યજ્ઞોની ચર્ચા છે, પરંતુ શ્રૌત અને ગૃહ્ય  તમામ પ્રકારના યજ્ઞના વિધિવિધાનની વ્યવસ્થિત ચર્ચા કલ્પસૂત્રોમાં રજૂ થઈ છે. તેના ત્રણ પ્રકારો છે : શ્રૌતસૂત્રો, ગૃહ્યસૂત્રો અને ધર્મસૂત્રો. સર્વપ્રથમ શ્રૌતસૂત્રોમાં આશ્વલાયન, શાંખાયન, શૌનક, આર્ષેય કલ્પ, લાટ્યાયન, દ્રાહ્યાયણ, વૈતાન, કાત્યાયન, માનવ, બોધાયન, ભારદ્વાજ, આપસ્તમ્બ, હિરણ્યકેશી, વૈખાનસ અને કાઠકનાં રચેલાં શ્રૌતસૂત્રો ઉપલબ્ધ છે. ગૃહ્યસૂત્રોમાં આશ્વલાયન, શાંખાયન, કૌષીતકિ, પારસ્કર, બોધાયન, આપસ્તમ્બ, હિરણ્યકેશી, ભારદ્વાજ, માનવ, કાઠક, ગોભિલ, ખાદિર, જૈમિનિ, કૌષિકનાં રચેલાં ગૃહ્યસૂત્રો ઉપલબ્ધ છે. ધર્મસૂત્રોમાં ગૌતમ, બૌધાયન, આપસ્તમ્બ, હારિત, હિરણ્યકેશી, વસિષ્ઠ અને વિષ્ણુનાં રચેલાં ધર્મસૂત્રો ઉપલબ્ધ થાય છે. આ ધર્મસૂત્રોના પાયા પર ધર્મશાસ્ત્ર ખડું છે. તેમાંથી જ ધર્મશાસ્ત્ર એટલે કે સ્મૃતિસાહિત્ય ઉદ્ભવ્યું છે. લગભગ સો જેટલી સ્મૃતિઓમાંથી 45 જેટલી સ્મૃતિઓ ઉપલબ્ધ છે. એ સ્મૃતિઓમાં મનુની ‘મનુસ્મૃતિ’ એ સૌથી વધુ મહત્ત્વ ધરાવતો લોકપ્રિય ગ્રંથ છે. તેનો સંક્ષેપ વ્યવસ્થિત રીતે ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’માં રજૂ થયો છે. એ બંને સ્મૃતિઓને આધારે હિંદુ કાયદો ઘડવામાં આવ્યો છે. ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’ પરની ‘મિતાક્ષરા’ ટીકા અતિવિસ્તૃત છે અને તેનો આધાર પણ વર્તમાન કાયદામાં લેવામાં આવ્યો છે. સ્મૃતિગ્રંથોમાં એકવાક્યતા સ્થાપી ચોક્કસ નિર્ણય તારવતા નિબંધગ્રંથો એ ધર્મશાસ્ત્રના ગ્રંથોનો અંતિમ પ્રકાર છે. નિબંધગ્રંથોમાં લક્ષ્મીધરે રચેલો ‘સ્મૃતિકલ્પતરુ’, દેવણભટ્ટકૃત ‘સ્મૃતિચંદ્રિકા’, હેમાદ્રિકૃત ‘ચતુર્વર્ગચિંતામણિ’, ચંડેશ્વરરચિત ‘સ્મૃતિરત્નાકર’, મિત્રમિશ્રકૃત ‘વીરમિત્રોદય’ વગેરે અગત્યના ગ્રંથો છે. નીલકંઠે રચેલા ‘વ્યવહારમયૂખ’ અને ‘દાનમયૂખ’ વગેરે ઘણા મયૂખગ્રંથો લોકપ્રિય અને વર્તમાન હિંદુ કાયદાના આધારગ્રંથો છે. એ પછી કમલાકર ભટ્ટે રચેલો ‘નિર્ણયસિંધુ’ ધર્મશાસ્ત્રનો અતિશય પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ ગ્રંથ છે. તેના સંક્ષેપ રૂપે કાશીનાથે રચેલો ‘ધર્મસિંધુ’ પણ ધર્મશાસ્ત્રનો ઉત્તમ ગ્રંથ છે. મહા. પી. વી. કાણેએ રચેલા ‘History of ’ નામના ગ્રંથને 1956ના ધર્મશાસ્ત્રવિષયક શ્રેષ્ઠ ગ્રંથ તરીકે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મળ્યો છે.

ઉપવેદોમાં ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ પણ હાલમાં ખપમાં લાગતું ચિકિત્સાનું શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં ચરકની ‘ચરકસંહિતા’ અને સુશ્રુતની ‘સુશ્રુતસંહિતા’ સૌથી પ્રાચીન છતાં મહત્ત્વના ગ્રંથો છે. એમની સાથે વાગ્ભટના ‘અષ્ટાંગહૃદય’ અને ‘અષ્ટાંગસંગ્રહ’ એ બંને પણ મહત્ત્વના ગ્રંથો છે. ભેલરચિત ‘ભેલસંહિતા’, માધવકૃત ‘માધવનિદાન’ અને ‘રુગ્વિનિશ્ર્ચય’, વૃન્દકૃત ‘વૃન્દમાધવ’, વંગસેનરચિત અને ચક્રપાણિદત્તકૃત ‘ચિકિત્સાસારસંગ્રહ’ નામના અલગ ગ્રંથો, મિલ્હણકૃત ‘ચિકિત્સામૃત’, ત્રિસટાચાર્યકૃત ‘ચિકિત્સાકલિકા’, ભાવમિશ્રરચિત ‘ભાવપ્રકાશ’, શાર્ઙ્ગધરરચિત ‘શાર્ઙ્ગધરસંહિતા’, લોલિંબરાજનું ‘વૈદ્યજીવન’ વગેરે આજે પણ આયુર્વેદના ઉપયોગી ગ્રંથો છે. પાલકાપ્યનો ‘પાલકાપ્ય’ અને નીલકંઠરચિત ‘માતંગલીલા’ હાથીની ચિકિત્સા વર્ણવતા ગ્રંથો હસ્ત્યાયુર્વેદના ગ્રંથો કહેવાય છે. એ જ રીતે નકુલનો ‘અશ્વચિકિત્સિત’, ભોજરાજાનો ‘શાલિહોત્ર’, જયદત્તનો ‘અશ્વવૈદ્યક’, ગણનો ‘અશ્વાયુર્વેદ’ અને દીપંકરનો ‘અશ્વવૈદ્યક’ – એ અશ્વની ચિકિત્સા વર્ણવતા અશ્વાયુર્વેદના ગ્રંથો છે. સુરપાલનો ‘વૃક્ષાયુર્વેદ’ વૃક્ષની ચિકિત્સા રજૂ કરે છે.

બીજો યજુર્વેદનો ઉપવેદ ‘ધનુર્વેદ’ પણ ધનુષ્ય જેવા શસ્ત્રાસ્ત્રોનું શાસ્ત્ર જ છે. ‘ધનુર્વેદ’ ફક્ત ધનુષ્યબાણની વાત જ કરે છે પરંતુ રાજનીતિનો ખ્યાલ આપતા ‘શુક્રનીતિ’ વગેરે ગ્રંથો અન્ય શસ્ત્ર અને અસ્ત્ર વિશે માહિતી આપે છે જ.

ત્રીજો સામવેદનો ઉપવેદ ‘ગંધર્વવેદ’ એટલે સંગીતશાસ્ત્ર છે. વળી પ્રાચીન ગ્રંથ ‘નાટ્યશાસ્ત્ર’માં ભરત મુનિએ ગીત, વાદ્ય અને નૃત્ય ત્રણેયને ‘સંગીત’ શબ્દથી ઓળખીને ચર્ચ્યા છે. ભરતને અનુસરીને ત્રણેયની ચર્ચા કરતા સંગીતના તેમજ ફક્ત સંગીત એટલે ગીતની અને ફક્ત નૃત્યની રજૂઆત કરતા ગ્રંથો પણ છે. નંદિકેશ્વરે રચેલો ‘અભિનયદર્પણ’ ફક્ત નૃત્ય અને અભિનયની ચર્ચા કરતો નૃત્યશાસ્ત્રનો પાયાનો પ્રાચીન ગ્રંથ છે. રાજા મદનપાલરચિત ‘આનંદસંજીવન’ (અપ્ર.) સંગીતનો ગ્રંથ છે. શાર્ઙ્ગદેવનો સાત અધ્યાયોનો બનેલો ‘સંગીતરત્નાકર’ નૃત્ય, ગીત અને વાદ્ય ત્રણેયની ચર્ચા કરે છે. આ ગ્રંથ મૂળ ભારતીય સંગીતનો અંતિમ ગ્રંથ છે. ત્યારબાદ જયસેનકૃત ‘નૃત્યરત્નાવલી’ આઠ પ્રકરણોમાં ફક્ત નૃત્યની ચર્ચા આપે છે. અજ્ઞાતકર્તૃક ‘નટાંકુશ’ રસો, અભિનય અને એ બંને વચ્ચેના સંબંધની ચર્ચા કરતો નૃત્યશાસ્ત્રનો ગ્રંથ છે, જ્યારે ‘રાગસાગર’ ત્રણ અધ્યાયોમાં ફક્ત સંગીતના રાગોની જ ચર્ચા કરતો ગ્રંથ છે. જૈન લેખક પાર્શ્ર્વદેવરચિત ‘સંગીતસમયસાર’ નવ અધિકરણોમાં ગીત, વાદ્ય અને અભિનય વગેરેની ચર્ચા કરીને ‘દર્શનોથી નહિ, સંગીતથી મોક્ષપ્રાપ્તિ થાય છે’ એવો મત રજૂ કરે છે. રાજા હમ્મીરકૃત ‘સંગીતશૃંગારહાર’ (અપ્ર.) સામાન્ય કક્ષાનો ગ્રંથ છે. રાજા કુંભકર્ણે સોળ હજાર શ્લોકોનો બનેલો ‘સંગીતરાજ’ નામનો ગ્રંથ લખ્યો છે; જેમાં નાટ્ય, ગીત, વાદ્ય, નૃત્ય, અભિનય, રસ અને નાયકનાયિકાભેદ – એ તમામની સુંદર ચર્ચા છે. તેમનો ઓછો મહત્ત્વનો બીજો ગ્રંથ ‘સંગીતક્રમદીપિકા’ નામનો છે. દેવણનો ‘સંગીતમુક્તાવલી’ મુખ્યત્વે નૃત્ય અને છેલ્લા પ્રકરણમાં સંગીતની વાત કરે છે. રામ અમાત્યનો ‘સ્વરમેલકલાનિધિ’ પાંચ પ્રકરણમાં કર્ણાટકી રાગો અને એ રાગોનું 72 મેલકર્તાઓમાં વિભાજન કરતો મહત્ત્વનો ગ્રંથ છે. પુંડરિક વિઠ્ઠલે ઉત્તર હિંદુસ્તાની સંગીતને વ્યવસ્થિત કરી ‘વિઠ્ઠલીય’, ‘રાગમાલા’, ‘રાગમંજરી’ અને ‘ષડ્રાગોદય’ – એ ચાર ગ્રંથો રચ્યા છે તથા નૃત્ય વિશે ‘નર્તનનિર્ણય’ નામનો ગ્રંથ આપ્યો છે. શુભંકરરચિત ‘સંગીતદામોદર’ સાત પ્રકરણોમાં સંગીત, નૃત્ય અને નાયકનાયિકાભેદની વાત કરતો સુંદર ગ્રંથ છે. લક્ષ્મીનારાયણરચિત ‘સંગીતસૂર્યોદય’ પાંચ અધ્યાયોમાં તાલ, વૃત્ત, સ્વરગીત, જાતિ અને પ્રબંધને વર્ણવતો વિશિષ્ટ ગ્રંથ છે. ગોવિંદકૃત ‘રાગતાલપારિજાતપ્રકાશ’ રાગ અને તાલ વિશે વાત કરે છે. સોમનાથરચિત ‘રાગવિબોધ’ વીણાના ખાસ સંદર્ભમાં રાગો અને શ્રુતિને રજૂ કરે છે. ચતુર દામોદરકૃત ‘સંગીતદર્પણ’ રાગોનું ચિત્રાત્મક વર્ણન આપે છે. નારદરચિત ‘સંગીતમકરંદ’ રસદૃષ્ટિ, ગતિ, ચારી, હસ્ત, નૃત્ય અને રસનું નિરૂપણ કરે છે. રાજા રઘુનાથના નામે ચઢેલો ગ્રંથ ‘સંગીતસુધા’ ગોવિંદ દીક્ષિતની રચના છે. ગોવિંદ દીક્ષિતના પુત્ર વેંકટેશ્વરે છ પ્રકરણોમાં વીણાના ખાસ સંદર્ભમાં કર્ણાટકી સંગીત વિશે વાત કરતો ‘ચતુર્દંડીપ્રકાશિકા’ નામનો પાંડિત્યપૂર્ણ ગ્રંથ લખ્યો છે. ભવભટ્ટે સંગીત વિશે ‘અનૂપસંગીતવિલાસ’, ‘અનૂપસંગીતરત્નાકર’, ‘અનૂપસંગીતાંકુશ’, ‘સંગીતવિનોદ’ અને ‘મુરલીપ્રકાશ’  એ પાંચ મહત્ત્વના ગ્રંથો રચ્યા છે. રામવર્માએ 18 પ્રકરણોમાં સંગીત, વાદ્ય, નૃત્ય અને રસની ચર્ચા કરતો અગત્યનો ગ્રંથ ‘બાલરામભરત’ લખ્યો છે. રાજા તુલજરાજે સંગીતના તમામ મુદ્દાઓને ચર્ચતો વિસ્તૃત ગ્રંથ ‘સંગીતસારામૃત’ની અને નૃત્ય વિશે ‘નાટ્યવેદાગમ’ની રચના કરી છે. જયપુરના મહારાજા પ્રતાપસિંહદેવે સંગીતકારોના સમૂહની સહાયથી સંગીતશાસ્ત્રનો વિશ્વકોશ ‘સંગીતસાર’ તૈયાર કર્યો છે.

ચોથો અથર્વવેદનો ઉપવેદ શિલ્પ એ પણ શિલ્પશાસ્ત્ર કે બાંધકામનું શાસ્ત્ર છે. એમાં શિવે કહેલો ‘કાશ્યપશિલ્પ’ એ સૌથી પ્રાચીન ગ્રંથ છે. તેના અન્ય પ્રાચીન ગ્રંથોમાં મય દાનવે રચેલો ‘મયમત’ અને સનત્કુમારે રચેલો ‘સનત્કુમારવાસ્તુશાસ્ત્ર’નો સમાવેશ થાય છે. ભોજરાજાએ રચેલો ‘સમરાંગણસૂત્રધાર’ ખૂબ જાણીતો ગ્રંથ છે. દેવમંદિરોના બાંધકામને વર્ણવતા ગ્રંથોમાં શ્રીકુમારરચિત ‘શિલ્પરત્નસૂત્રધાર’, સૂત્રધાર મંડનરચિત ‘પ્રાસાદમંડન’ અને ‘રૂપમંડન’ નામના ગ્રંથો હજી પણ પ્રચલિત છે.

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – એ ચાર પુરુષાર્થોનાં પણ શાસ્ત્રો છે. એમાંથી વેદાંગ કલ્પમાં ધર્મશાસ્ત્રની રચનાઓ આવી ગઈ. એ પછી અર્થશાસ્ત્રમાં રાજનીતિશાસ્ત્ર અને રાજવહીવટનો ખાસ સમાવેશ થાય છે. તેનો સૌથી પ્રાચીન ગ્રંથ કૌટિલ્યકૃત ‘અર્થશાસ્ત્ર’ છે. આ સુપ્રસિદ્ધ ગ્રંથમાં રાજાનાં કર્તવ્યો અને રાજવહીવટ વગેરે વિશે સૂત્રશૈલીમાં સૂક્ષ્મ ચર્ચા રજૂ થઈ છે. સંરક્ષણ, કરવેરા, વેપાર વગેરે અનેક મુદ્દાઓમાં રાજાએ શું કરવું તેની માહિતી આ પ્રાચીન છતાં અજોડ અને અદ્ભુત ગ્રંથમાં આપી છે. અન્ય પ્રાચીન ગ્રંથોમાં શુક્રાચાર્યના નામે ચઢેલો ‘શુક્રનીતિ’ નામનો ગ્રંથ ધર્મશાસ્ત્રનો હોવા છતાં ‘મનુસ્મૃતિ’ વગેરે સ્મૃતિઓની જેમ રાજનીતિશાસ્ત્ર વિશે માહિતી આપતો ઉત્તમ ગ્રંથ છે. કામંદકરચિત ‘નીતિસાર’, સોમદેવકૃત ‘નીતિવાક્યામૃત’, સોમેશ્વરરચિત ‘અભિલષિતાર્થચિંતામણિ’ અને ચંડેશ્વરકૃત ‘રાજનીતિરત્નાકર’ એ પાછળના ગ્રંથો રાજનીતિને જ કેન્દ્રમાં રાખી ચર્ચા કરે છે.

કામશાસ્ત્ર એ ત્રીજા પુરુષાર્થ કામની ચર્ચા કરે છે. કામશાસ્ત્રમાં અનેક પુરોગામી આચાર્યોનો આધાર લઈ વાત્સ્યાયન મુનિએ રચેલો ‘કામસૂત્ર’ નામનો આજે પણ એટલો જ પ્રસ્તુત અને પ્રચલિત તથા અદ્ભુત ગ્રંથ રચ્યો છે. વાત્સ્યાયનનો મત એવો છે કે કામશાસ્ત્રનું પણ પ્રયોજન મોક્ષ છે. શિવને જેના કર્તા મનાયા છે એ ‘મનસિજસૂત્ર’ પાછળના સમયની રચના છે. જ્યોતિરીશ્વરકૃત ‘પંચસાયક’, પંડિત કોક્કોકરચિત ‘રતિરહસ્ય’, જયદેવકૃત ‘રતિમંજરી’, કલ્યાણમલ્લરચિત ‘અનંગરંગ’, નાગાર્જુનકૃત ‘રતિશાસ્ત્ર’, વીરભદ્રદેવરચિત ‘કંદર્પચૂડામણિ’, પદ્મશ્રીકૃત ‘નાગરસર્વસ્વ’, અનંતરચિત ‘કામસમૂહ’, પ્રૌઢદેવરાયકૃત ‘રતિરત્નપ્રદીપિકા’, મીનનાથરચિત ‘સ્મરદીપિકા’ અને સામરાજ દીક્ષિતકૃત ‘રતિકલ્લોલિની’ વગેરે ગ્રંથો ખૂબ જાણીતા અને વાત્સ્યાયનને સંક્ષેપમાં રજૂ કરનારા છે.

ચોથા પુરુષાર્થ મોક્ષનું પણ શાસ્ત્ર છે. વેદવિહિત મોક્ષની વાત કરતાં છ દર્શનો એ છ શાસ્ત્રો છે અને તેમનું સાહિત્ય વિપુલ છે. આ સાહિત્યમાં સિદ્ધાન્તોને સંક્ષેપમાં અર્થાત્ સૂત્રો કે કારિકાઓમાં મૂકવામાં આવે છે અને તે પછી તેના પર વૃત્તિ, ભાષ્ય, ટીકા અને અનુટીકાની પરંપરા ચાલે છે. સર્વપ્રથમ સાંખ્યશાસ્ત્રના ઉદ્ભાવક કપિલ મુનિએ ‘તત્ત્વસમાસ’ નામનો ગ્રંથ રચ્યો છે. એમણે ‘સાંખ્યસૂત્રો’ની રચના કરી હોવા વિશે વિદ્વાનો એકમત નથી. કપિલ મુનિના શિષ્ય આસુરિના શિષ્ય પંચશિખે ‘સાંખ્યસૂત્રો’ લખ્યાં હોવાનો મત જાણીતો છે. આમ છતાં સાંખ્યશાસ્ત્રનો સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ ઈશ્વરકૃષ્ણે રચેલો ‘સાંખ્યકારિકા’ છે. તેના પર વાચસ્પતિ મિશ્રે રચેલી ‘તત્ત્વકૌમુદી’ નામની ઉત્તમ ટીકા જાણીતી છે. વિજ્ઞાનભિક્ષુએ ‘સાંખ્યસૂત્રો’ પર ‘સાંખ્યપ્રવચનભાષ્ય’ની પ્રસિદ્ધ રચના કરી છે.

યોગશાસ્ત્રના આદિ પ્રવર્તક તો હિરણ્યગર્ભ છે; પરંતુ ‘યોગસૂત્રો’ પતંજલિએ રચેલાં છે. આ સૂત્રો પર વ્યાસે રચેલું ‘વ્યાસભાષ્ય’ પ્રાચીન અને અગત્યનું છે. તેના પર શંકરાચાર્યે ‘યોગભાષ્યવિવરણ’, વાચસ્પતિ મિશ્રે ‘તત્ત્વવૈશારદી’ નામની ટીકા અને વિજ્ઞાનભિક્ષુએ ‘યોગવાર્તિક’ની રચનાઓ કરી છે, એ ત્રણેય મનનીય ગ્રંથો છે. ભોજરાજારચિત ‘રાજમાર્તંડ’ નામની વૃત્તિ, હરિહરાનંદકૃત ‘ભાસ્વતી’ નામની ટીકા અને નારાયણતીર્થરચિત ‘યોગસિદ્ધાન્તચંદ્રિકા’ યોગની સરળ સમજ આપનારા ગ્રંથો છે.

વૈશેષિકશાસ્ત્રમાં કણાદ મુનિએ ‘વૈશેષિકસૂત્રો’ રચ્યાં છે. તેના પર પ્રશસ્તપાદે રચેલું ‘પ્રશસ્તપાદભાષ્ય’ અત્યંત મહત્ત્વનો ગ્રંથ છે. એ ભાષ્ય પર રચાયેલી ટીકાઓમાં વ્યોમશિવાચાર્યની ‘વ્યોમવતી’, શ્રીધરની ‘ન્યાયકંદલી’, ઉદયનની ‘કિરણાવલી’ અને શ્રીવત્સની ‘લીલાવતી’ પ્રમુખ છે. શંકર મિશ્રે ‘ઉપસ્કાર’ નામની વૃત્તિ લખી છે. અભાવ નામનો સાતમો પદાર્થ ઉમેરનારા શિવાદિત્યે રચેલી ‘સપ્તપદાર્થી’ પ્રસ્તુત દર્શનનો સીમાચિહ્નરૂપ ગ્રંથ છે. અન્નંભટ્ટરચિત ‘તર્કસંગ્રહ’, વિશ્વનાથ ન્યાયપંચાનનકૃત ‘ભાષાપરિચ્છેદ’, લૌગાક્ષિ ભાસ્કરરચિત ‘તર્કકૌમુદી’ અને વેણીદત્તકૃત ‘પદાર્થમંડન’ ન્યાયદર્શનને વૈશેષિકદર્શનમાં સમાવતા જાણીતા ગ્રંથો છે.

ન્યાયશાસ્ત્રમાં અક્ષપાદ ગૌતમે ‘ન્યાયસૂત્રો’ની રચના કરી છે. તેના પરનું વાત્સ્યાયનરચિત ‘ન્યાયભાષ્ય’ અતિપ્રસિદ્ધ છે. ઉદ્યોતકરે ‘ન્યાયવાર્તિક’ નામનો ગ્રંથ રચ્યો છે. જયંત ભટ્ટે ‘ન્યાયમંજરી’ નામનો ખૂબ જાણીતો ગ્રંથ લખ્યો છે. વાચસ્પતિ મિશ્રે ‘ન્યાયવાર્તિક’ પર ‘તાત્પર્ય’ નામની ટીકા લખી છે. અનિરુદ્ધે તેના પર ‘તાત્પર્યવિવરણપંજિકા’ નામની અનુટીકા રચી છે, જ્યારે ઉદયને ‘તાત્પર્યપરિશુદ્ધિ’ નામની ખંડનાત્મક ટીકા લખી છે. સાથે સાથે ઉદયને ‘લક્ષણાવલી’ અને ‘ન્યાયકુસુમાંજલિ’ નામના બે સ્વતંત્ર ગ્રંથો રચ્યા છે. ભાસર્વજ્ઞકૃત ‘ન્યાયસાર’ અને વરદરાજકૃત ‘તાર્કિકરક્ષા’ અને ‘બોધિની’ – એ બે ટીકાઓ ઓછા જાણીતા ગ્રંથો છે. શશધર ઉપાધ્યાયનો ‘ન્યાયસિદ્ધાન્તદીપ’ જાણીતો ગ્રંથ છે. વિશ્વનાથરચિત ‘કારિકાવલી’, કેશવ મિશ્રકૃત ‘તર્કભાષા’, અભયતિલકરચિત ‘ન્યાયાલંકાર’ અને મણિકંઠ મિશ્રકૃત ‘ન્યાયરત્ન’ વૈશેષિક દર્શનને ન્યાયદર્શનમાં સમાવનારા ગ્રંથો છે. ગંગેશોપાધ્યાયરચિત ‘તત્ત્વચિંતામણિ’ નવ્યન્યાયનો પાયાનો અજોડ ગ્રંથ છે. આ ‘તત્ત્વચિંતામણિ’ પર મિથિલાની પરંપરામાં શંકર મિશ્ર, અભિનવ વાચસ્પતિ મિશ્ર, જયદેવ મિશ્ર અને યજ્ઞપતિ ઉપાધ્યાયે તથા બંગાળની પરંપરામાં પ્રગલ્ભ મિશ્રે ‘પ્રગલ્ભી’ નામની, રઘુનાથ શિરોમણિએ ‘દીધિતિ’ નામની, જાનકીનાથ, કૃષ્ણદાસ, હરિદાસ, વિશ્વનાથ સિદ્ધાન્તપંચાનન, જયરામ ન્યાયપંચાનન, ગદાધર ભટ્ટ અને જગદીશે અલગ અલગ ટીકાઓ લખી છે. સાથે સાથે જગદીશકૃત ‘શબ્દશક્તિપ્રકાશિકા’ અને ‘તર્કામૃત’ એ નવ્યન્યાયના મૌલિક ગ્રંથો જાણીતા છે.

મીમાંસાશાસ્ત્રમાં જૈમિનિએ ‘મીમાંસાસૂત્રો’ની રચના કરી છે. એના પર શબર સ્વામીકૃત ‘શાબરભાષ્ય’ પ્રસ્તુત શાસ્ત્રનો પ્રૌઢ અને પ્રસિદ્ધ ગ્રંથ છે. પ્રભાકરે તેના પર ‘લઘ્વી’ અને ‘બૃહતી’  એ બે ટીકાઓ રચી છે. કુમારિલ ભટ્ટે ‘શ્લોકવાર્તિક’, ‘તંત્રવાર્તિક’ અને ‘ટુપ્ટીકા’ની કરેલી રચનાઓ અત્યંત પ્રસિદ્ધ છે. મંડનમિશ્રે પ્રસ્તુત શાસ્ત્રમાં ‘વિધિવિવેક’, ‘ભાવનાવિવેક’, ‘વિભ્રમવિવેક’, ‘મીમાંસાનુક્રમણી’ અને ‘સ્ફોટસિદ્ધિ’ વગેરે રચનાઓ કરી છે. ઉમ્બેકે ‘શ્લોકવાર્તિક’ પર ‘તાત્પર્યટીકા’ અને ‘ભાવનાવિવેક’ પર વ્યાખ્યા લખી છે. વાચસ્પતિ મિશ્રે ‘વિધિવિવેક’ પર ‘ન્યાયકણિકાટીકા’ અને ‘તત્ત્વબિંદુ’ નામના મૌલિક ગ્રંથની રચના કરી છે. પાર્થસારથિ મિશ્રે ‘ન્યાયરત્નાકર’ નામનો મૌલિક ગ્રંથ અને કુમારિલનાં વાર્તિકો પર ‘શાસ્ત્રદીપિકા’ નામની મૂલ્યવાન ટીકા લખી છે. માધવે ‘જૈમિનીયન્યાયમાલાવિસ્તર’ નામનો ટીકાગ્રંથ રચ્યો છે. અપ્પય્ય દીક્ષિતે વિધિપ્રમાણ વિશે ‘વિધિરસાયન’ નામનો પ્રૌઢ ગ્રંથ લખ્યો છે. શાલિકનાથ મિશ્રકૃત ‘પ્રકરણપંજિકા’ પ્રસિદ્ધ ગ્રંથ છે, જ્યારે આપદેવરચિત ‘મીમાંસાન્યાયપ્રકાશ’ પ્રારંભિક અભ્યાસીઓ માટે લખાયેલો લોકપ્રિય ગ્રંથ છે.

વેદાંતશાસ્ત્રમાં બાદરાયણ વ્યાસે ‘વેદાંતસૂત્રો’ અથવા ‘બ્રહ્મસૂત્રો’ રચ્યાં છે કે જેમાં ઉપનિષદોમાં એકવાક્યતા સ્થાપીને બ્રહ્મતત્ત્વનું જ્ઞાન આપવામાં આવ્યું છે. ‘બ્રહ્મસૂત્રો’ના ભાષ્યકારોની સંખ્યા મોટી છે અને દરેકે પોતપોતાનો મૌલિક સિદ્ધાંત તેમાં રહેલો હોવાનું પ્રતિપાદન કર્યું છે. ‘બ્રહ્મસૂત્રો’ પર સર્વપ્રથમ ઉપલબ્ધ ભાષ્ય શંકરાચાર્યે રચેલું ‘શારીરકભાષ્ય’ છે અને તેમાં કેવલાદ્વૈતનું પ્રતિપાદન ગૌડપાદે રચેલી કારિકાઓનો આધાર લઈ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત ગ્રંથ અત્યંત પ્રૌઢ છતાં પ્રસન્ન પદરચનાવાળો છે. પ્રસ્તુત ભાષ્ય પર પદ્મપાદે ‘પંચપાદિકા’ અને પ્રકાશાત્મયતિએ ‘વિવરણ’ નામની ટીકાની રચના કરી છે. સુરેશ્વરાચાર્યે ‘નૈષ્કર્મ્યસિદ્ધિ’ નામનો અદ્ભુત મૌલિક ગ્રંથ અને ‘બૃહદારણ્યક ઉપનિષદ’ પર ભાષ્યની રચના કરી છે. મધુસૂદન સરસ્વતીએ રામાનુજ વગેરે આચાર્યોએ કરેલા કેવલાદ્વૈતના ખંડનનો જવાબ વાળતા ‘અદ્વૈતસિદ્ધિ’ નામના અદ્ભુત ગ્રંથની રચના કરી છે. વાચસ્પતિ મિશ્રે ‘શારીરકભાષ્ય’ પર ‘ભામતી’ નામની અતિપ્રૌઢ ટીકા રચી છે, જેના પર અમલાનંદે ‘વેદાંતકલ્પતરુ’ નામની અનુટીકા રચી છે. એ અનુટીકા પર અપ્પય્ય દીક્ષિતે ‘પરિમલ’ નામની અનુટીકા લખી છે. અપ્પય્ય દીક્ષિતે ‘સિદ્ધાન્તલેશસંગ્રહ’ નામના સ્વતંત્ર ગ્રંથની પણ રચના કરી છે. મહાકવિ શ્રીહર્ષચરિત ‘ખંડનખંડખાદ્ય’ કેવલાદ્વૈતની સ્થાપના કરતો અતિશય દુર્ગમ ગ્રંથ છે. ચિત્સુખાચાર્યકૃત ‘તત્ત્વપ્રદીપિકા’ અને સર્વજ્ઞાત્મમુનિરચિત ‘સંક્ષેપશારીરક’ કેવલાદ્વૈતનું પ્રતિપાદન સુપેરે કરે છે. નૃસિંહાશ્રમરચિત ‘અદ્વૈતદીપિકા’, વિમુક્તાત્માકૃત ‘ઇષ્ટસિદ્ધિ’, પ્રકાશાનંદરચિત ‘વેદાંતસિદ્ધાન્તમુક્તાવલી’, વિદ્યારણ્યકૃત ‘પંચદશી’ અને ‘જીવન્મુક્તિવિવેક’, સદાનંદરચિત ‘વેદાંતસાર’ અને ધર્મરાજકૃત ‘વેદાંતપરિભાષા’ વગેરે કેવલાદ્વૈતના પ્રકરણગ્રંથો છે.

‘બ્રહ્મસૂત્રો’ પર રામાનુજાચાર્યરચિત ‘શ્રીભાષ્ય’ કેવલાદ્વૈતનું ખંડન કરી વિશિષ્ટાદ્વૈતની સ્થાપના કરતું સુંદર ભાષ્ય છે. ‘શ્રીભાષ્ય’ પર રામમિશ્રકૃત ‘શ્રીભાષ્યવિવૃતિ’ અને સુદર્શનરચિત ‘શ્રુતપ્રકાશિકા’ અને ‘શ્રુતપ્રદીપિકા’ એ બે ટીકાઓ અત્યંત પ્રૌઢ છે. વેદાંતદેશિકકૃત ‘તત્ત્વટીકા’, ‘મુક્તાકલાપ’ અને ‘શતદૂષણી’ – ત્રણેય વિશિષ્ટાદ્વૈતનું મંડન કરતી અગત્યની ટીકાઓ છે. વળી શ્રીનિવાસરચિત ‘યતીન્દ્રમતદીપિકા’ ખૂબ જાણીતો ગ્રંથ છે.

‘બ્રહ્મસૂત્રો’ પર વલ્લભાચાર્યરચિત ‘અણુભાષ્ય’ શુદ્ધાદ્વૈતની સ્થાપના કરતો ગ્રંથ છે. તેમણે રચેલો ‘તત્ત્વાર્થદીપનિબંધ’ મૌલિક ગ્રંથ છે. તેમણે ‘ભાગવત’ પર રચેલી ‘સુબોધિની’ નામની ટીકા અતિપ્રસિદ્ધ છે. તેમના પુત્ર વિઠ્ઠલેશરચિત ‘ભક્તિહંસ’ અને ‘ભક્તિહેતુનિર્ણય’

‘બ્રહ્મસૂત્રો’ પર મધ્વાચાર્યરચિત ‘પૂર્ણપ્રજ્ઞભાષ્ય’ દ્વૈતવાદની સ્થાપના કરે છે. પ્રસ્તુત ભાષ્ય પર જયતીર્થકૃત ‘તત્ત્વસંખ્યાન’, ‘તત્ત્વવિવેક’ અને ‘ન્યાયસુધા’ દ્વૈતવાદને સરળ રીતે સમજાવતા ટીકાગ્રંથો છે. વિષ્ણુદાસકૃત ‘વાદરત્નાવલી’ તથા વ્યાસતીર્થરચિત ‘ન્યાયામૃત’ અને ‘તાત્પર્યચંદ્રિકા’ વગેરે ગ્રંથો દ્વૈતવાદનું મંડન અને અદ્વૈતવાદનું ખંડન કરે છે; પરંતુ તેની સામે કેવલાદ્વૈતવાદી અપ્પય્ય

‘બ્રહ્મસૂત્રો’ પર ભાસ્કરે પોતાના ‘ભાસ્કરભાષ્ય’માં ભેદાભેદવાદનું, નિમ્બાર્કે પોતાના ‘વેદાંતપારિજાતભાષ્ય’માં દ્વૈતાદ્વૈતવાદનું, શ્રીકંઠે પોતાના ‘શૈવભાષ્ય’માં શૈવવિશિષ્ટાદ્વૈતવાદનું, શ્રીપતિએ પોતાના ‘શ્રીકરભાષ્ય’માં વીરશૈવવિશિષ્ટાદ્વૈતવાદનું, વિજ્ઞાનભિક્ષુએ પોતાના ‘વિજ્ઞાનામૃતભાષ્ય’માં અવિભાગાદ્વૈતવાદનું અને બલદેવે પોતાના ‘ગોવિંદભાષ્ય’માં અચિંત્યભેદાભેદવાદનું સ્થાપન કર્યું છે.

તદુપરાંત, તંત્રશાસ્ત્ર અથવા તંત્રાગમ પણ યંત્ર, મંત્ર અને દેવદેવીઓની તાંત્રિક પદ્ધતિએ ઉપાસના દ્વારા મોક્ષપ્રાપ્તિની વાત કરે છે. આ જ્ઞાન ગુપ્ત છે તેથી શિષ્ય લાયક કે અધિકારી ના મળે તો તે આપવામાં આવતું ન હોવાથી તંત્રો હજારોની સંખ્યામાં હોવા છતાં તે નાશ પામ્યાં છે. જે થોડાં બચ્યાં છે તેમાં ‘માહેશ્વરતંત્ર’, ‘માહેશ્વરીતંત્ર’, ‘રુદ્રયામલતંત્ર’, ‘બગલામુખીતંત્ર’, ‘ગાયત્રીતંત્ર’, ‘કુલાર્ણવતંત્ર’, ‘દત્તાત્રેયતંત્ર’ અને ‘નીલતંત્ર’ વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. મહા. ગોપીનાથ કવિરાજના ‘રૂદ્વદઢઇં ઞ્ઉંન્જ્જા જ્િ ટ્ટપ્રૂ ત્દઠક્ક’ ગ્રંથને કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી 1964ના વર્ષના શ્રેષ્ઠ ગ્રંથ તરીકેનો એવૉર્ડ મળ્યો હતો.

રત્નનું પણ શાસ્ત્ર છે. તેમાં બુદ્ધભટ્ટનો ગ્રંથ ‘રત્નપરીક્ષા’ અને ફક્ત નવ રત્નો વિશે લખાયેલો નારાયણનો ગ્રંથ ‘નવરત્નપરીક્ષા’ વિવિધ રત્નોનાં લક્ષણો અને તેની પરીક્ષાના ઉપાયો વર્ણવે છે.

ચોરીનું પણ શાસ્ત્ર છે અને તેમાં શિવ અને પાર્વતીના પુત્ર સ્કંદનો ‘ષણ્મુખકલ્પ’ નામનો ચૌર્યશાસ્ત્રનો ગ્રંથ ચોરી કરવાની વિગતો આપે છે.

છેક રસોઈ બનાવવા માટેના પાકશાસ્ત્રમાં નલરાજાએ લખેલો ‘નલપાક’ નામનો ગ્રંથ ઉપલબ્ધ છે.

સંસ્કૃત વાઙ્મયમાં કોશસાહિત્યનો પણ પ્રાચીન કાળથી ઉદ્ભવ થયેલો છે. છેક વૈદિક સાહિત્યમાં વેદના કઠિન શબ્દોના અર્થ મુજબ સંગ્રહો હતા કે જે નિઘંટુના નામે ઓળખાતા. એમાંથી ફક્ત યાસ્કે ‘નિરુક્ત’ના આધાર તરીકે લીધેલું એક જ નિઘંટુ હાલ પ્રાપ્ત થાય છે. પ્રશિષ્ટ સંસ્કૃત ભાષાના સોથી વધુ કોશોમાં સૌથી લોકપ્રિય કોશ અમરસિંહનો ‘અમરકોશ’ અથવા ‘નામલિંગાનુશાસન’ કોશ છે.

‘અમરકોશ’માં બાકી રહેલા શબ્દો પુરુષોત્તમદેવે પોતાના ‘ત્રિકાંડશેષ’માં આપ્યા છે. સાથે પુરુષોત્તમદેવે ‘હારાવલી’ નામનો કોશ અને એક અર્થના શબ્દનાં બે રૂપો થતાં હોય તેવા શબ્દોનો ‘દ્વિરૂપકોશ’ તથા એક જ વર્ણના અર્થોનો ‘એકાક્ષરકોશ’ પણ રચ્યો છે. ગુજરાતી લેખક હેમચંદ્રનો ‘અભિધાનચિંતામણિ’, ‘અમરકોશ’થી વધુ શબ્દો આપે છે. તેની પૂર્તિ કરતો ‘અભિધાન-ચિંતામણિપરિશિષ્ટકોશ’, અનેકાર્થી શબ્દોનો ‘અનેકાર્થસંગ્રહકોશ’, બાકી રહેલા શબ્દોનો ‘નિઘંટુશેષકોશ’ અને શબ્દોનાં લિંગો જણાવતો ‘લિંગાનુશાસનકોશ’ પણ હેમચંદ્રે પોતે જ રચ્યા છે. હલાયુધરચિત ‘અભિધાનરત્નમાલા’, યાદવપ્રકાશકૃત ‘વૈજયંતીકોશ’ અને ધનંજયરચિત ‘નામમાલા’  એ ત્રણ કોશો ખૂબ જાણીતા છે. મહેશ્વરરચિત ‘વિશ્વપ્રકાશ’, મંખકૃત ‘અનેકાર્થકોશ’, શ્રીધરસેનરચિત ‘વિશ્વલોચનકોશ’ અને સાધુસુંદરકૃત ‘શબ્દરત્નાકર’ ઓછા જાણીતા કોશો છે. મેદિનીકરનો ‘અનેકાર્થકોશ’ લોકપ્રિય અને ‘મેદિની’ નામથી જ ઓળખાય છે. કેશવ સ્વામીએ રચેલો ‘નાનાર્થાર્ણવ’ એ નાનો કોશ છે; પરંતુ અન્ય કેશવનો ‘કલ્પદ્રુકોશ’ ઘણો મોટો અને હેમચંદ્રની જૈન તત્ત્વજ્ઞાનની પદ્ધતિએ રચાયેલો કોશ છે.

એ રીતે ધાતુઓના પણ કોશો છે. તેમાં દેવકૃત ‘દૈવકોશ’ સમાન રૂપ ધરાવતા ધાતુઓનો જ કોશ છે. હર્ષકુલનો ‘કવિકલ્પદ્રુમ’ હૈમ વ્યાકરણના ધાતુઓનો કોશ છે. ક્ષીરસ્વામીરચિત ‘ક્ષીરતરંગિણી’ અને સાયણકૃત ‘માધવીયધાતુવૃત્તિ’ સઘળા ધાતુઓને અર્થ અને પાણિનીય વ્યાકરણ મુજબ થતાં તેનાં વિશિષ્ટ રૂપો સાથે રજૂ કરનારા ધાતુકોશો છે. આવો જ ગુણરત્નકૃત ‘ક્રિયારત્નસમુચ્ચયકોશ’ હૈમ વ્યાકરણ મુજબ રચાયેલો ધાતુકોશ છે. તારાનાથ તર્કવાચસ્પતિરચિત ‘વાચસ્પત્યમ્’ અને રાધાકાન્ત દેવબહાદુરરચિત ‘શબ્દકલ્પદ્રુમ’ બંને સંસ્કૃત ભાષાનાં તમામ નામો અને ધાતુઓ બંનેને આધુનિક પદ્ધતિએ અકારાદિક્રમે અન્ય આનુષંગિક માહિતી સાથે રજૂ કરતા સંસ્કૃત ભાષામાં લખાયેલા વિશાળ અને અજોડ કોશો છે. એની સાથે મહા. રામાવતાર શર્માએ રચેલો ‘વાઙ્મયાર્ણવ’ સંસ્કૃતમાં લખાયેલો એકમાત્ર વિશ્વકોશ છે.

વીસમી સદીમાં સંસ્કૃત ભાષામાં સામયિકો પણ નીકળ્યાં છે. તેમાં કાશીથી કેશવદત્ત પાંડેય અને તારાદત્ત પંત સંપાદિત ‘વલ્લરી’ 1935માં શરૂ થયેલું માસિક છે. ત્યારબાદ આગ્રાથી હરદત્ત શાસ્ત્રી, જ્વાલાપ્રસાદ શાસ્ત્રી અને ઘનશ્યામ ગોસ્વામી દ્વારા સંપાદિત ‘કાલિન્દી’, મુંબઈથી ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત ‘ભારતીય વિદ્યા’, કાશીથી મહાદેવ શાસ્ત્રી અને માધવપ્રસાદ મિશ્ર વડે સંપાદિત ‘જ્યોતિષ્મતી’, શ્રીરંગપટ્ટમ્થી ટી. કે. બાલસુબ્રહ્મણ્યમ્ આયંગર દ્વારા સંપાદિત ‘શંકરગુરુકુલપત્રિકા’, કાશી-રામપુરથી રામબાલક શાસ્ત્રી દ્વારા સંપાદિત ‘સંદેશ’, પટણાથી કેદારનાથ શાસ્ત્રી દ્વારા સંપાદિત ‘સંસ્કૃતસંજીવન’, કોલકાતાથી ક્ષિતીશચંદ્ર ચેટરજી દ્વારા સંપાદિત ‘મંજૂષા’, ગુજરાતમાં પારડી, વલસાડથી શ્રીપાદ દામોદર સાતવળેકર દ્વારા સંપાદિત ‘અમૃતલતા’, મધ્યપ્રદેશમાં સાગર વિશ્વવિદ્યાલય દ્વારા પ્રકાશિત ‘સાગરિકા’, ગુજરાતમાં ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરાથી પ્રકાશિત ‘સુરભારતી’, અમદાવાદમાંથી જ નીકળતું બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદનું મુખપત્ર ‘સામ્મનસ્યમ્’ વગેરે અનેક સામયિકો સંસ્કૃત ભાષામાં ભારતભરમાંથી પ્રસિદ્ધ થાય છે.

તેવી જ રીતે ગુજરાતી લેખકોએ સંસ્કૃત રચનાઓના ગુજરાતીમાં અનુવાદ પણ આપ્યા છે. તેમાં સર્વપ્રથમ કવિ ભાલણે ‘ભાગવત’ના દશમ સ્કંધ અને બાણની ‘કાદંબરી’ના ઉત્તમ ગુજરાતી પદ્યાનુવાદો આપ્યા છે. એ પછી પંડિત મણિલાલ દ્વિવેદીએ ‘માલતીમાધવ’, ‘મહાવીરચરિત’, ‘ઉત્તરરામચરિત’  એ ત્રણ નાટકોનો, ‘હનુમન્નાટક’નો અને વેદાંતગ્રંથ ‘વૃત્તિપ્રભાકર’નો, સાક્ષર કેશવલાલ ધ્રુવે ‘અમરુશતક’, ‘ગીતગોવિંદ’  એ બે કાવ્યોનો અને ‘મુદ્રારાક્ષસ’, ‘વિક્રમોર્વશીય’, ‘પ્રતિજ્ઞાયૌગંધરાયણ’, ‘સ્વપ્નવાસવદત્ત’, ‘મધ્યમવ્યાયોગ’, ‘પ્રતિમા’ અને ‘પ્રિયદર્શિકા’  એ નાટકોનો, આચાર્ય આનંદશંકર ધ્રુવે વેદાંતગ્રંથ ‘શ્રીભાષ્ય’નો

ત્યારબાદ ડોલરરાય માંકડે ‘ધ્વન્યાલોક’નો, રા. બ. આઠવળેએ ‘રસગંગાધર’નો, રામનારાયણ પાઠક અને રસિકલાલ પરીખે ‘કાવ્યપ્રકાશ’(16)નો, બેચરદાસ દોશીએ ‘સિદ્ધહેમ’ વ્યાકરણનો, સુંદરમે ‘મૃચ્છકટિક’નો, ઉમાશંકર જોશીએ ‘શાકુંતલ’નો, નગીનદાસ પારેખે ‘ધ્વન્યાલોક’, ‘કાવ્યપ્રકાશ’ અને ‘વક્રોક્તિજીવિત’નો, શ્રીમન્નથ્થુરામ શર્મા અને વલ્લભરામ વૈદ્યે ‘પાતંજલયોગદર્શન’નો, કે. કા. શાસ્ત્રીએ ‘અમરકોશ’નો, તપસ્વી નાંદીએ ‘લોચનટીકા’ સાથે ‘ધ્વન્યાલોક’નો અને ભગવતીપ્રસાદ પંડ્યાએ ‘વાક્યપદીય’નો ગુજરાતીમાં અનુવાદ કરેલ છે. ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાતી માધ્યમ સ્વીકાર્યા પછી પાઠ્યાંશો અને પાઠ્યપુસ્તકોના ગુજરાતીમાં અનુવાદો હાલની પેઢીના સંસ્કૃતના ઘણા અધ્યાપકોએ કર્યા છે. સંસ્કૃત સાહિત્ય, વિવેચન, તત્ત્વજ્ઞાન વગેરેની ગુજરાતી સાહિત્ય, વિવેચન, તત્ત્વજ્ઞાન વગેરે પર ગાઢ અસર પડી છે.

આજે પણ દક્ષિણ ભારતમાં એક આખું ગામ સંસ્કૃતભાષી છે અને સંસ્કૃત ભાષામાં જ પોતાનો રોજિંદો જીવનવ્યવહાર ચલાવે છે. ‘સંસ્કૃતભારતી’ નામની એક સંસ્થા સમગ્ર ભારતમાં પોતાની શાખાઓ ખોલીને પોતાનાં ઉત્તમ પાઠ્યપુસ્તકો દ્વારા સંસ્કૃત-સંભાષણના વર્ગો ચલાવી અનેક મનુષ્યોને સંસ્કૃત ભાષામાં બોલી શકે તેવા તૈયાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર તેને અનુદાન આપે છે. વળી કેન્દ્ર સરકાર અન્ય ભારતીય ભાષાઓની જેમ આકાશવાણી અને દૂરદર્શન પર સંસ્કૃતમાં સમાચાર આપે છે. માતા પુત્રીઓને પોષણ આપે તે રીતે સંસ્કૃત ભાષા ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાઓને પય:પાન કરાવતી કરાવતી જીવે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી