સંસ્કાર
January, 2007
સંસ્કાર : વ્યક્તિ કે પદાર્થને સુયોગ્ય કે સુંદર બનાવવાની ક્રિયા. ‘સંસ્કાર’ શબ્દ પ્રાચીન વૈદિક સાહિત્યમાં મળતો નથી. ઠ્ઠજ્ન્ ઉપસર્ગ સાથે ઇંદ્દ ધાતુથી ‘સંસ્કાર’ શબ્દ બન્યો છે. ઋગ્વેદ અને જૈમિનિ સૂત્રો જેવા ગ્રંથોમાં ‘સંસ્કાર’ શબ્દ પાત્ર, પવિત્ર કે નિર્મળ કાર્યના અર્થમાં પ્રયોજાયો છે. શબરે (શ. બ્રા., 3. 1. 3) તંત્રવાર્તિક અનુસાર કહી ‘યોગ્યતા પ્રદાન કરનારી ક્રિયાઓ’ એવો અર્થ કર્યો છે. દોષ-નિરાકરણ અને ગુણાન્તરાધાન – એ દ્વિવિધ હેતુ સંસ્કાર દ્વારા સિદ્ધ થાય છે. ‘સંસ્કાર’ શબ્દ ‘વૈખાનસ ગૃહ્યસૂત્ર’માં મળે છે, અન્ય ગૃહ્યસૂત્રોમાં નહિ. ‘ગૌતમ ધર્મસૂત્ર’ (8.8), ‘આપસ્તંબ ધર્મસૂત્ર’ (1.1.19), ‘વસિષ્ઠ ધર્મસૂત્ર’ (4.1) વગેરેમાં ‘સંસ્કાર’ શબ્દ મળે છે.
સંસ્કારોનો ઉદ્દેશ દ્વિજાતિઓ(દ્વિજો)માં માતા-પિતાના રજ અને શુક્રગત દોષોના નિવારણથી આરંભી અંત્યેદૃષ્ટિપર્યંત ભૌતિક દેહને સંસ્કૃત કરતા રહેવાનો છે.
હારિત અનુસાર સંસ્કારના બાહ્ય અને દૈવ બે પ્રકારો છે. સ્મૃતિઓમાં વર્ણવાયેલા ગર્ભાધાનાદિ સંસ્કારો બાહ્ય છે. પાકયજ્ઞ, હવિયોગ, સોમયાગ વગેરે દૈવ સંસ્કાર છે.
સંસ્કારોની સંખ્યા વિશે સ્મૃતિકારોમાં મતભેદ પ્રવર્તે છે. ગૌતમે 40 સંસ્કારોની સાથે આત્માના શીલ વગેરે આઠ સંસ્કાર – ગુણાધાન કરનારા ગણાવ્યા છે. શંખ અને મિતાક્ષરા ગૌતમને સ્વીકારે છે. વૈખાનસે 18 શરીરસંસ્કાર કહ્યા છે. ગૃહ્યસૂત્રો, ધર્મસૂત્રો અને સ્મૃતિઓમાં આટલી મોટી સંખ્યા બતાવાઈ નથી. અંગિરાએ ‘સંસ્કારમયૂખ’ અને ‘સંસ્કારપ્રકાશ’ જેવા ગ્રંથોમાં 25 સંસ્કાર ગણાવ્યા છે. ‘મનુસ્મૃતિ’, ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’, ‘વિષ્ણુધર્મસૂત્ર’ જેવા ગ્રંથો સંસ્કારોની સંખ્યા આપતા નથી. સંસ્કારો નિષેકથી સ્મશાન (અંત્યેદૃષ્ટિ) પર્યંત સંસ્કાર કરવામાં આવે છે. ગૌતમ અને અન્ય ગૃહ્ય સૂત્રકારોએ અંત્યેદૃષ્ટિને સંસ્કાર કહ્યો નથી. સોળ સંસ્કાર વિશે સૌ કોઈ સામાન્યત: સંમત છે. આ સોળ સંસ્કારો આ પ્રમાણે છે – ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, વિષ્ણુબલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, વેદવ્રતચતુષ્ટય, સમાવર્તન અને વિવાહ. ‘સ્મૃતિચંદ્રિકા’ અનુસાર ગર્ભાધાન, પુંસવન, સીમન્ત, જાતકર્મ, નામકરણ, અન્નપ્રાશન, ચૌલ, મૌંજિબંધન (ઉપનયન) વ્રત (4), ગોદાન, સમાવર્તન, વિવાહ અને અંત્યેદૃષ્ટિ.
ઘણે ભાગે ઘણાંખરાં ગૃહ્યસૂત્રોમાં વિવાહથી સમાવર્તન પર્યંતના સંસ્કારો વર્ણવાયા છે. ‘હિરણ્યકેશિ ગૃહ્યસૂત્ર’, ‘ભારદ્વાજ ગૃહ્યસૂત્ર’ અને ‘માનવ ગૃહ્યસૂત્ર’ ઉપનયનથી આરંભ કરે છે. આ સંસ્કારો વિશે ટૂંકમાં નિરૂપણ પ્રસ્તુત છે.
ગર્ભાધાન : નિષેક, ચતુર્થી કર્મ અને ઋતુસંગમન તેના પર્યાયો છે. વૈખાનસે સંસ્કારોનો આરંભ આનાથી કર્યો છે. શુભમુહૂર્તમાં આ સંસ્કારથી ‘પિંડ’ બંધાય છે. ભૌતિક જન્મનો આરંભ આનાથી થતો હોવાથી આ સંસ્કાર વયગણનાનો આધાર બને છે.
ધર્મશાસ્ત્રમાં ગૃહસ્થે કહી વિધિવચન આપી પર્વદિન, શ્રાદ્ધદિન, ઉપવાસદિન, મૂલ, મઘા અને ઋતુકાળના પ્રથમ સાત દિવસ વર્જ્ય ગણી ઋતુસ્નાતા નારીના ઋતુકાળ (સોળ રાત્રિ પર્યંત) દરમિયાન ગર્ભાધાન કરવું, એમ જણાવ્યું છે.
પુંસવન : શબ્દો ‘પુત્રજન્મ’નું સૂચન કરે છે. ગર્ભાધાન પછી થતા આ સંસ્કારનો ઉલ્લેખ ગૌતમ અને યાજ્ઞવલ્ક્યે (111) કર્યો છે. આ સંસ્કાર પુરુષ-નક્ષત્રો(હસ્ત, શ્રવણ, પુનર્વસુ, મૃગશીર્ષ, પુષ્ય વગેરે)માં કરવામાં આવે છે.
આ સાથે ગર્ભરક્ષણ કરવાનું ‘શાંખાયાન’ (1-1-1) અને ‘આશ્વલાયન ગૃહ્યસૂત્ર’(1.13-1)માં કહ્યું છે.
આ બંને સંસ્કાર સાથે જ કરવામાં આવે છે. આ સંસ્કાર એક જ વખત કરવામાં આવે છે.
સીમંતોન્નયન : સીમંત-સેંથો-કેશનું વિભાજન. નાસિકાના ઉપરના ભાગે મસ્તકની મધ્યથી આરંભી સેંથાના ભાગે ઉન્નયન – ઉપરની બાજુએ વડની ડૂંખ, ઉમરાનાં ફળ વગેરેની પિંજુલિકા (પીંછીઊજણી) લઈ જવામાં આવે છે. ગર્ભાધાનથી છઠ્ઠે કે આઠમે મહિને કે જ્ઞાતિ કે કુળના રિવાજ પ્રમાણે આ સંસ્કાર પુરુષનક્ષત્રમાં થાય છે. આનાથી સ્ત્રીના ગર્ભના દોષોનું નિવારણ થાય છે. અગ્રગર્ભિણી અથવા પ્રથમ વાર સગર્ભા સ્ત્રીને થતો સંસ્કાર હોવાથી તેને ‘અઘરણી’ પણ કહે છે. આ સંસ્કાર કેવળ સ્ત્રીને જ થાય છે અને એક જ વાર થાય છે. કેવળ યાજ્ઞવલ્ક્યે જ (1.11) ‘સીમંત’ શબ્દ પ્રયોજ્યો છે.
સુખપ્રસૂતિ : બાળક યથાસમયે વિના કષ્ટે જન્મે તે માટે સોષ્યન્તી કર્મ કે હોમ કરવામાં આવે છે.
જાતકર્મ : જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે તે પવિત્ર, ગૌરવપૂર્ણ, ધન્યધાન્યવાળો, વીર અને મેધાવી થાય તે માટે આ સંસ્કાર જન્મ પછી તુરત જ કે દશ દિવસમાં કરવામાં આવે છે.
છઠ્ઠી : જન્મ પછી છઠ્ઠીના દિવસે ષષ્ઠીપૂજન થાય છે. પિતાએ વૃદ્ધિસૂતક પાળવાનું હોય છે. દશ દિવસે સૂતિકાનું પ્રથમ સ્નાન થયા પછી તેનું શુદ્ધીકરણ થાય છે.
જાતકર્મનો પૂર્વ ભાગ સોષ્યન્તી કર્મ (સુખપ્રસૂતિ) અને ઉત્તરભાગ મેધાજનન સંસ્કાર છે. તેમાં દજ્રત્ર્જાદ્વ જ્ક્ષ્રૂઠ્ઠદચ્ગ્ઠ સોના સાથે મધ-ઘી ચટાડવું, સુવર્ણપ્રાશન કરાવવું કે ‘ગળથૂથી’ પાવી કહે છે. સુવર્ણ-મધ-ઘી શિશુને મેધાવી બનાવે છે. અથર્વવેદમાં મેધાજનનસૂક્ત છે.
નામકરણ : બાળકના જન્મ પછી બારમા દિવસે કે યથાસમય પરંપરા મુજબ નામ પાડવાનો સંસ્કાર કરવા કહ્યું છે. નામ પિતાએ પાડવાનું છે. ઉચ્ચારવામાં સુગમ, ઋષિ-દેવતા-કુળદેવતા સાથે સંબંધિત નામ પાડવું ઇષ્ટ લેખાય છે. પુરુષનાં નામ સમક્ષર અને સ્ત્રીનાં વિષમ અક્ષરવાળાં નામ પ્રશસ્ય કહ્યાં છે. બાર માસ સુધીમાં નામ પાડવું અને એ નામ ક્રૂર ભાવવાળું નહિ, પણ શુભ હોવું જોઈએ – એમ જણાવાયું છે.
નિષ્ક્રમણ : નિષ્ક્રમણ એટલે જન્મથી ચોથે મહિને બાળકને સૂર્યદર્શન કરાવવું તે. તેને ઉપનિષ્ક્રમણ અથવા આદિત્યદર્શન પણ કહે છે.
કર્ણવેધ – અન્નપ્રાશન : વ્યાસ, બૌધાયન અને કાત્યાયન આનો ઉલ્લેખ કરે છે. આ પરંપરા પુરુષ કે સ્ત્રી શિશુ બંને માટે છે. અન્નપ્રાશન છઠ્ઠે મહિને કરાવવાનું કહ્યું છે. આ ષડ્રસનો આસ્વાદ કરાવી શિશુને છ રસની વાનગીઓ ખાવા માટે કેળવવાનો આશય આ સંસ્કારનો છે. આ વિધિમાં ભાત-ઘી-દહીં-મધ ભેગાં કરી ચટાડાય છે.
દર વર્ષ અબ્દપૂર્તિ વર્ષની સંખ્યા પ્રમાણે ગાંઠો વાળી દોરો પહેરાવાય છે.
ચૌલ : ચૂલા-ચૂડા – કેશસમૂહનું પ્રથમ વાર વપન થાય તેને ચૌલકર્મ, ચૂડાકર્મ કે ચૂડાકરણ કહે છે. ‘બાબરી ઉતરાવવી’ એ પરંપરાગત અર્થ છે. જન્મથી ત્રીજા કે પાંચમા વર્ષે કુટુંબની પરંપરા અનુસાર પ્રથમ વાર મુંડન કરવામાં આવે છે.
ઉપનયનમાં પણ આ સંસ્કાર અંગભૂત છે.
શિખાની ગાંઠ ગોત્રના પ્રવર અનુસાર રાખવાની પરંપરા છે. આ સંસ્કાર કુળની પરંપરા રૂપે જીવિત રહ્યો છે.
વિદ્યારંભ : ‘અપરાર્ક’ અને ‘સ્મૃતિચંદ્રિકા’ આને એક સંસ્કાર ગણાવે છે. દેવપ્રબોધિનીથી દેવશયની એકાદશી પર્યંત ગમે તે શુભ દિવસે વિદ્યારંભ થઈ શકે છે.
ઉપનયન : દ્વિજ માટે આ એક અતિમહત્ત્વનો સંસ્કાર છે. ઉપ – પાસે નયન – લઈ જવું તે. ગૌતમ ધર્મસૂત્રના ભાષ્યકાર મસ્કરીના મતે દેવ – ગુરુ કે યજ્ઞ પાસે લઈ જવો તે ઉપનયન છે. બટુકનો લૌકિક જન્મ પૂર્ણ થઈ હવે બીજો જન્મ થાય છે. તેમાં આચાર્ય પિતા અને સાવિત્રી (ગાયત્રી) માતા છે. તેથી તેને ‘સાવિત્ર્યુપદેશ સંસ્કાર’ કહે છે. પ્રસિદ્ધ ગાયત્રીમંત્રનો ઉપદેશ કરી આચાર્ય – ગુરુ બટુકને આપી તેને ‘દ્વિજ’ બનાવે છે. દેવઋષિ અને પિતૃનું ઋણ અદા કરવા બ્રહ્મચારી લાયક બને છે અને તેને વેદના અધ્યયનનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ માટે પાળવાના નિયમોને ‘વ્રતો’ કહે છે. વિદ્યાવ્રત, વેદવ્રત, વેદવિદ્યાવ્રતનાં વ્રતોનો ઉપદેશ પણ ઉપનયન સંસ્કારમાં અંગભૂત બને છે. આ સાથે પ્રથમ પોતાનો વેદ ભણ્યા પછી અન્ય વેદ અને વેદાંગોનું અધ્યયન કરવાના પ્રતીક રૂપે વેદારંભ સંસ્કાર કરવામાં આવે છે.
બ્રહ્મચારીની વેશભૂષામાં વસન, મેખલા, ચર્મ, દંડ અને ઉપવીત મુખ્ય છે. ધર્મસૂત્રકારો અને સ્મૃતિકારોએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય માટે જુદા જુદા પ્રકારનાં આ પાંચેય ગણાવ્યાં છે. સૂત્ર કે ઉપવીતની ગ્રંથિઓ પોતાના ગોત્રના પ્રવરોની સંખ્યા પ્રમાણે રાખવાની હોય છે; પરંતુ સામાન્ય રીતે ત્રણ ગ્રંથિઓવાળી જ ઉપવીત મળે છે. નવતંતુઓના ૐકાર, અગ્નિ, નાગ, સોમ, પિતૃ, પ્રજાપતિ, વાયુ, સૂર્ય અને વિશ્વદેવ દેવતાઓ છે. તેની લંબાઈ નાભિપર્યંત કહી છે. ઉપનયન સંસ્કારથી બટુક બ્રહ્મચારી બને છે. બ્રહ્મ એટલે વેદ. બ્રહ્મચારી વેદાધ્યયનનો અધિકારી છે.
બ્રહ્મચારીના નૈષ્ઠિક અને ઉપકુર્વાણક એવા બે પ્રકાર છે. ઉપકુર્વાણક બ્રહ્મચારી વેદાધ્યયન પૂર્ણ થતાં ગૃહસ્થ બને છે. નૈષ્ઠિક બ્રહ્મચારી ગુરુની સેવામાં અંતેવાસી બની વિદ્યા-વેદવ્રત પાળે છે. જટી, મુંડી કે શિખાજટી બ્રહ્મચારીએ ગોદાનપર્યંત વ્રત પાળવાનાં હોય છે.
વેદવ્રત ચાર છે : મહાનામ્ની, મહાવ્રત, ઉપનિષદવ્રત અને ગોદાન. તેરથી સોળ વર્ષ પર્યંત આવાં વ્રત પાળવાનાં હોય છે.
ગોદાન : ગો-કેશ, દાન એટલે વપન. આને કેશની સંસ્કાર પણ કહે છે. સમાવર્તન ઠ્ઠજ્ન્ – ૐ – ઞ્રૂગ્ઙ – પાછો લાવવો. ગુરુકુળમાંથી ગોદાન સંસ્કાર પછી બટુક સ્નાતક થતાં તેને પાછો લાવવા ગુરુની આજ્ઞાથી સ્નાન કરાવવાનું હોય છે. સમાવર્તન કે દીક્ષાન્ત સંસ્કાર થતાં બ્રહ્મચારી ગુરુકુળવાસ પૂરો કરી ગૃહસ્થ બને છે.
વિવાહ : પુરુષ ઉપકુર્વાણક બ્રહ્મચારી મટી સદ્યોદ્વાહા કન્યા સાથે વિવાહથી જોડાઈ ગૃહસ્થ બને છે. કેટલીક કન્યાઓ નૈષ્ઠિક બ્રહ્મચારીની માફક બ્રહ્મવાદિની બની રહેતી હતી.
‘વિવાહ’, ‘પરિણય’, ‘પાણિગ્રહણ’, ‘ઉદ્વાહ’, ‘પરિણયન’ વગેરે લગ્નના પર્યાયો છે.
અર્યમા, ભગ અને પૂષા વિવાહના ત્રણ દેવતા છે. ધર્મ, પુત્ર અને રતિ તેના હેતુ છે. એક પુરુષ એક સ્ત્રીને જ પરણે તે ‘એકપતિ-પત્નીત્વ’ કહેવાય છે. એક સ્ત્રી અનેક પુરુષોને પરણે તેને ‘બહુપતિત્વ’ કહેવાતું હતું. એક પુરુષને એકથી વધુ પત્નીઓ હોય તેને ‘બહુપત્નીત્વ’ કહેવાતું હતું. આ ત્રણેય પરંપરાઓનાં ઉદાહરણો મળે છે. ક્ષત્રિયોમાં સ્વયંવરપ્રથા પ્રચલિત હતી. વિવાહના બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, ગાંધર્વ, અસુર, રાક્ષસ અને પિશાચ આ આઠ પ્રકારો છે. સ્મૃતિઓમાં પ્રથમ ચાર ઉત્કૃષ્ટ પ્રકારો ગણાયા છે. ગાંધર્વ તે આજનું પ્રેમલગ્ન છે. અસુરમાં કન્યા અને વરના વિક્રયને સ્થાન છે. રાક્ષસવિવાહમાં કન્યાની અનુમતિ હોય છે, પણ તેના પરિવારની અસંમતિ હોય છે. પિશાચ વિવાહમાં બળ, ઘેન, લાલચ વગેરેનો પ્રયોગ થાય છે. સ્મૃતિઓમાં આ વિવાહોની ચર્ચા મળે છે.
સવર્ણ, અનુલોમ, પ્રતિલોમ વિવાહોથી પ્રજા વર્ણસંકર થવાથી વિવિધ જાતિઓ ઉત્પન્ન થતી હોય છે.
વિવાહમાં સ્ત્રી અને પુરુષનાં લક્ષણોમાં સ્ત્રીઓનાં સ્ત્રીત્વ અને પુરુષોના ‘પૌરુષ’ ઉપર ખાસ ભાર મુકાયો છે. સ્મૃતિકારોએ અન્ય લક્ષણો આ પ્રસંગે પણ વિગતે ચર્ચ્યા છે.
ગૃહસ્થ બનતાં દંપતી સાપિંડ્ય-સંબંધથી એક થાય છે. સ્મૃતિગ્રંથોમાં સાપિંડ્ય-સંબંધ અને ગોત્ર-સંબંધ વિશે વિશેષ વિચાર કરવામાં આવ્યો છે.
સાપિંડ્ય અને સગોત્ર સંબંધની સ્પષ્ટતા કરવી અહીં જરૂરી છે. સાપિંડ્ય એટલે સપિંડીઓ વચ્ચેનો સંબંધ. પિંડ એટલે દેહ, વ્યક્તિના દેહના ઘડતરમાં યાજ્ઞવલ્ક્યના મતે પિતૃપક્ષે સાત પેઢી અને માતૃપક્ષે પાંચ પેઢીનાં જનીનતત્ત્વો કામ કરે છે. આવાં સમાન જનીનતત્ત્વો ધરાવનારા સપિંડીઓ કહેવાય છે. આવા લોહીના સંબંધમાં સ્ત્રી-પુરુષનાં લગ્નો હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે નિષિદ્ધ હતાં.
અતિપ્રાચીન યુગમાં એક સ્થાને એક કુટુંબ વસતું. તેના પુત્ર-પૌત્ર-પ્રપોત્રોનો બહોળો પરિવાર જ્યાં રહેતો તે ‘ગોત્ર’ કહેવાતું હતું. આથી આવા જ એક ગોત્રનાં સંતાનોનો મૂળ પિતા એક જ હોવાથી લોહીના સંબંધને કારણે એક જ ગોત્રના સ્ત્રીપુરુષોનાં લગ્નો નિષિદ્ધ ગણાતાં હતાં.
ગોત્રમાંથી અનુવંશો આરંભાય તેમને પ્રવર તરીકે ઓળખવામાં આવે છે. ગોત્રપ્રવર્તક ઋષિઓના અનુવંશો જેનાથી આરંભાયા તે પ્રવર કહેવાય છે. એક. ત્રણ કે પાંચ પ્રવર પ્રત્યેક ગોત્રમાં સામાન્ય રીતે હોય છે.
આમ ગોત્ર-પ્રવર અને સાપિંડ્ય સંબંધમાં પ્રથમ બીજા કરતાં વધુ વ્યાપક છે. આ ત્રણે દ્વારા લોહીના સંબંધનો જ વિચાર કરવામાં આવ્યો છે.
ગૃહસ્થાશ્રમના ધર્મો અન્ય ત્રણેય આશ્રમોને પોષતાં પોષતાં જીવનના ઊર્ધ્વીકરણનો રાહ ચીંધે છે. તેમાં વ્યવહાર (અર્થ અને કામ) અને પરમાર્થ (ધર્મ અને મોક્ષ) – બંનેનો સુભગ સમન્વય સાધવામાં આવ્યો છે. અગ્નિહોત્ર, પંચમહાયજ્ઞ, સ્ત્રીપુરુષના ધર્મ વગેરેનું કુટુંબ અને સમાજની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ છે.
અંત્યેદૃષ્ટિ : અંતિમ ઇદૃષ્ટિ. મનુ-યાજ્ઞવલ્ક્યે તેની ચર્ચા કરી છે. સાપિંડ્ય-સંબંધ જે ગર્ભાધાનથી બંધાયો હોય છે તે મરણથી વિચ્છિન્ન થાય છે. આમ છતાં સાત પેઢી પર્યંત જનીનતત્ત્વો દ્વારા સધાતો સંબંધ સાપિંડ્યના વિજ્ઞાન દ્વારા સમજી શકાય છે. ધર્મશાસ્ત્રોમાં તો આબ્રહ્મસ્તમ્બ પર્યંત અર્થાત્ બ્રહ્મથી તણખલા સુધી સૌ સાથે જીવાત્મા સંકળાયેલો ગણ્યો છે. તેનો સ્થૂળ દેહ જીવનરૂપી યજ્ઞમાં અંતિમ ઇદૃષ્ટિ તરીકે અર્પણ કરવો તે અંત્યેદૃષ્ટિ છે. તેનાથી સ્થૂળ દેહ નાશ પામે છે. જીવાત્મા પ્રેત ગાત્રશ્રાદ્ધ કે અવયવશ્રાદ્ધથી વાયુરૂપ સૂક્ષ્મ દેહ પામી દેવયાન કે પિતૃયાન માર્ગે સંચરે છે. સમાન શ્રાદ્ધ કે સપિંડીકરણથી મૃતાત્મા વસુ, રુદ્ર અને આદિત્ય નામના પિતૃઓમાં ભળે છે.
નટવરલાલ જ. શુક્લ
દશરથલાલ વેદિયા