સંવેગરંગસાલા : જિનચંદ્રસૂરિએ 1068માં રચેલો કથાત્મક ગ્રંથ. ‘નવાંગવૃત્તિ’કાર અભયદેવસૂરિના શિષ્ય જિનવલ્લભસૂરિએ તેનું સંશોધન કર્યું છે.

આ કૃતિમાં સંવેગભાવનું મુખ્ય પ્રતિપાદન છે અને તે શાંત રસથી ભરપૂર છે. અહીંયાં કહ્યું છે કે દીર્ઘકાળ સુધી તપશ્ર્ચર્યા કરી હોય કે ચારિત્ર્ય પાળ્યું હોય કે ઊંડો શાસ્ત્રાભ્યાસ કર્યો હોય; પરંતુ જો જીવમાં સંવેગરસ-વૈરાગ્ય ન હોય તો તે બધું નકામું છે. ગૌતમસ્વામી દ્વારા કહેવાયેલી મહસેન રાજર્ષિની કથા દ્વારા સંવેગભાવની હૃદયસ્પર્શી રજૂઆત થઈ છે. મધુરાજા અને સુકોમલ મુનિના દૃષ્ટાંત દ્વારા આરાધનાનું સ્વરૂપ સમજાવાયું છે. વિગતથી સમજાવવા આરાધનાના ચાર મૂલદ્વાર દર્શાવીને મરુદેવી આદિનાં દૃષ્ટાંત આપવામાં આવ્યાં છે. અરિહંત, લિંગ, શિક્ષા, વિનય, સમાધિ, મનોશિક્ષા, અનિયત વિકાર, રાજા અને પરિણામ નામનાં દ્વારોને સમજાવવા અનુક્રમે વંકચૂલ, કૂલવાલ, મંગુઆચાર્ય, શ્રેણિક, નમિરાજા, વસુદત્ત, સ્થવિરા, કુરુચંદ્ર અને વજ્રમિત્રનાં કથાનક આપવામાં આવ્યાં છે. શ્રાવકોની દશ પ્રતિમાઓનું સ્વરૂપ પણ એમાં બતાવ્યું છે.

મલુકચંદ ર. શાહ