સંવાદ : સામાન્ય અર્થમાં બે કે બેથી વધુ વ્યક્તિ વચ્ચે, ખાસ કરીને નાટક કે નવલકથા આદિમાં થતી વાતચીત. સાહિત્યના એક સ્વરૂપ તરીકે તેમાં જુદા જુદા તાત્ત્વિક કે બૌદ્ધિક મતમતાંતરોનું કાળજીપૂર્વક નિરૂપણ કરાતું હોય છે. સિસિલાના તાલબદ્ધ કે લયને અનુસરનારા ગદ્યમાં લખાયેલ, મશ્કરીથી ભરપૂર સંવાદો ‘માઇમ’ સૌથી જૂના છે. સિરાક્યૂસના સોફ્રોને ઈ. પૂ. પાંચમી સદીમાં તે લખેલાં. તેમાંનાં કેટલાંક આજે પણ ઉપલબ્ધ છે. પ્લેટોને તે ‘માઇમ’ જાણીતાં હતાં; તેમને કેટલાંક ગમતાં પણ હતાં. જોકે પ્લેટોના ‘ડાયલૉગ્ઝ’ તરીકે તેમણે મૌલિક સ્વરૂપ ધારણ કર્યું તે એક હકીકત છે. સંવાદનું સ્વરૂપ પ્લેટોની કલમે તત્ત્વજ્ઞાનના માધ્યમ તરીકે, સાહિત્યના સ્વતંત્ર સ્વરૂપ તરીકે ઈ. પૂ. 400 સુધીમાં પ્રગટી ચૂક્યું હતું, પાત્રાલેખન અને ચર્ચાના ઉપાડ પાછળની ઘટનાને લક્ષમાં લઈને રચાતા આ સંવાદોમાંથી પ્લેટોના તત્ત્વચિંતનનું ચિત્ર મળે છે. 2જી સદીમાં લુસિયનના હાથે આ સંવાદોએ એક નવો લય અને આગવી કામગીરી પૂરાં પાડ્યાં. તેમના ‘ડાયાલૉગ્ઝ ઑવ્ ધ ડેડ’ સંવાદમાં પ્રગટ થતાં કટાક્ષ અને શૈલીની પ્રબળ અસર 17મી અને 18મી સદીના ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સના લેખકો પર થઈ. ફ્રાન્સના બર્નાર્ડ દ ફૉન્તેનેલ (1683) અને ફ્રાન્કોઈ ફૅનેલૉન (1700-12) દ્વારા લખાયેલા સંવાદો પર લુસિયનની અસર સ્પષ્ટ દેખાય છે.

રેનેસાં દરમિયાન પ્લેટોના સંવાદોએ મોટું આકર્ષણ પેદા કર્યું હતું. પ્લેટોનાં લખાણોનું અનુકરણ અથવા રૂપાંતર કરનાર લેખકોની સંખ્યા મોટી હતી. સ્પેનમાં વૉન દ વાલ્દેસે સંવાદોનો ઉપયોગ દેશાભિમાન અને માનવતા-વિષયક લખાણો (1533) માટે કર્યો. તો અન્ય લેખક વિન્સેન્ઝો કાર્ડુસ્સીએ ચિત્રકળાના સિદ્ધાંતો (1633) સમજાવવા માટે, ઇટાલીમાં પ્લેટોના આદર્શોને ધ્યાનમાં રાખી ટૉર્કેટો ટૅસો (1580), જિયૉર્દાનો બ્રુનો (1584) અને ગેલિલિયો (1632) એ સંવાદો લખ્યા. પ્લેટો અને લુસિયનને ખ્યાલમાં રાખી ભાષાના શિક્ષણ માટે સંવાદોનો ઉપયોગ થયો.

16મી અને 17મી સદીઓમાં ચર્ચાસ્પદ થયેલ ધાર્મિક, રાજકીય અને આર્થિક વિચારોની અભિવ્યક્તિ માટે સંવાદોની રચના થઈ. જ્યૉર્જ બર્કલીના ‘થ્રી ડાયાલૉગ્ઝ બીટવિન હાયલાસ ઍન્ડ ફિલોનસ’ (1713) કદાચ પ્લેટોના અનુકરણમાં લખાયેલ અંગ્રેજી ભાષાના ઉત્તમ સંવાદો પૈકીના એક છે. વૉલ્ટર સેવેજ લેન્ડૉરના ‘ઇમેજિનરી કૉન્વર્સેશન્સ’ (1924-29) દાન્તે અને બિયેટ્રિસ જેવી ઐતિહાસિક વ્યક્તિઓ પર લખાયેલ સંવેદનસભર સંવાદો છે. આન્દ્રે જીદકૃત ‘ઇન્ટરવ્યૂઝ ઇમેજિનેર્સ’ (1943) સંવાદનાં પાત્રોનું માનસશાસ્ત્રીય પૃથક્કરણ કરે છે. જ્યૉર્જ સાન્તાયનના ‘ડાયાલૉગ્ઝ ઇન લિમ્બો’ (1925) – એ આ પ્રાચીન સ્વરૂપનું વીસમી સદીમાં થયેલું પુન: અવતરણ છે.

ગુજરાતીમાં ખાસ તો કાન્ત અને કલાપીએ તત્ત્વચિંતન કે ગંભીર વિચારને સ્પષ્ટ સમજાવવા માટે સંવાદનું સ્વરૂપ અખત્યાર કર્યું છે. કાન્તે એની પહેલ કરી અને કલાપી તેમને અનુસર્યા. કાન્તના સંવાદોમાં ‘રાણો કુંભો અને મીરાં’માં બે પાત્રો વચ્ચે સંવાદ થાય છે. ‘ચંદ્રકાન્ત અને અનામિકા’માં કાવ્યમય સ્વપ્નચિત્ર છે. ‘સમરસિંહ અને ચંદ’માં હિંદુ ધર્મ અને ઇસ્લામના સંઘર્ષને અનુલક્ષીને હિન્દુઓની ધાર્મિકતાની ચર્ચા કરવામાં આવી છે. આ સંવાદોમાંથી કાન્તની ધર્મ અને તત્ત્વજ્ઞાનને લગતી વિચારણા પ્રગટે છે. કલાપીના સંવાદો લોકકથા અને ઇતિહાસમાંથી રજૂ થતાં પાત્રો વચ્ચે થયા છે. ‘જેસલ-તોરલ’ સંવાદમાં નાટ્યતત્ત્વ છે. ‘ગોપીચંદ-મેનાવતી’ તથા ‘જાલંધર-ગોપીચંદ’માં કલાપીના જ માનસનું પ્રતિબિંબ પડે છે. ‘ભર્તૃહરિ અને વિક્રમ’ પણ નોંધપાત્ર સંવાદ છે.

વિ. પ્ર. ત્રિવેદી