સંલક્ષણ (syndrome)

કોઈ એક માંદગી કરતી પ્રક્રિયામાં ઉદ્ભવતાં નિશ્ચિત લક્ષણો અને ચિહ્નોનો સમૂહ જે સંયુક્ત રીતે જાણે કે એક રોગ રૂપે જોવા મળે તે. પરંતુ શાસ્ત્રીય રીતે કોઈ ચોક્કસ કારણે થતા નિશ્ચિત પ્રકારનાં લક્ષણો અને ચિહ્નોના સમૂહને જ રોગ કહે છે, જ્યારે સંલક્ષણમાં કયાં તો કોઈ નિશ્ચિત કારણ જાણમાં નથી અથવા અનેક કારણોને કારણે ઉદ્ભવતો નિશ્ચિત લક્ષણો અને ચિહ્નોનો સમૂહ છે. કેટલાક જન્મજાત વિકારો પણ સંલક્ષણ તરીકે ઓળખાય છે. અનેક સંલક્ષણો આવા લક્ષણ-ચિહ્નોના સમૂહોને ઓળખી અને વર્ણવી આપનાર વિદ્વાનો કે તબીબોનાં નામ સાથે સંકળાયેલાં છે; જ્યારે કેટલાંકે તેમાંની મુખ્ય ક્ષતિ કે મુખ્ય વિકાર પરથી નામ મેળવેલ છે. આ વિકારોનું કોઈ એક ચોક્કસ કારણ ન હોવાથી જે તે કારણને શોધવા માટે વિવિધ તપાસ-કસોટીઓ કરાય છે અને અન્ય કોઈ નિશ્ચિત રોગ નથી તેવું પણ શોધી કાઢવા તપાસો કરાય છે. તેમની સારવાર મુખ્યત્વે લક્ષણલક્ષી (symptomatic) એટલે કે જે કોઈ તકલીફ હોય તેને દૂર કરવાના, તેને શમાવવાના, તેનું ક્ષતિપૂરણ (compensation) કરવાના ધ્યેયવાળી હોય છે. જો કોઈ કિસ્સામાં મૂળ કારણ જાણમાં આવે તો તેને દૂર કરવા માટેની સારવાર પણ અપાય છે. સારણીમાં કેટલાંક સંલક્ષણો અંગે ટૂંકમાં વિગતો દર્શાવી છે.

સારણી : કેટલાંક સંલક્ષણો (syndrome)

ક્રમ નામ વિગત

1

2

3

1. અગ્ર નલાસ્થીય વિભાગ (anterior tibial campartment) સંલક્ષણ ટેવ ન હોય તેટલો પરિશ્રમ કરવાથી સ્નાયુઓમાં આવતા સોજાને કારણે સ્થાનિક ધમનીઓ દબાય અને તેથી પગના ઢીંચણથી નીચેના ભાગના આગળના ભાગના સ્નાયુઓનો કોષનાશ (necrosis).
2. અગ્ર પરાસંવેદના (acroparaesthesia) સંલક્ષણ હાથ-પગમાં ખાલી ચડવી કે ઝણઝણાટી થવી જેવી પરાસંવેદનાઓ થવી તે.
3. અગ્રવદનીય (acrofacial) તેને અગ્રવદની દુ:અસ્થિતા (acrofacial dysostosis) પણ કહે છે. તે ચહેરાનાં હાડકાંના સંલક્ષણ દુ:અસ્થકરણ(dysosteogenesis)ને કારણે ઉદભવતી કુરચના છે.
4. અધિવૃક્ક-જનનાંગી (adreogenital) સંલક્ષણ અધિવૃક્ક બાહ્યક નામના અવયવમાંથી વધુ પ્રમાણમાં લિંગિતાકારી અંત:સ્રાવો(sex hormones)નો સ્રાવ થવાથી પુરુષોનું નારીકરણ (feminization) અને સ્ત્રીનું પુંકરણ (virilization) અને સ્નાયુનું બલવર્ધન (musculization) થાય તથા બાળકોનો લિંગીય વિકાસ ઝડપી બને તે.
5. અધિવૃક્કજન્ય (adrenogenic અથવા supra renogenic) સંલક્ષણ અધિવૃક્ક ગ્રંથિ (adrenal gland)ના વધેલા કાર્યને કારણે ચામડીમાં વર્ણકતા (pigmentation) થવાથી ડાઘા પડવા, શરીર પર અને ચહેરા પર પુષ્કળ વાળ ઊગવા તથા સ્ત્રીઓમાં ઋતુસ્રાવ બંધ થવો.
6. અધિવૃક્ક બાહ્યક (adrenocortical) સંલક્ષણ અધિવૃક્ક જનનાંગી (adreno cortical) સંલક્ષણ અથવા એડિસન(Addison)નો રોગ કે કુશિંગ(Cushing)નું સંલક્ષણ દર્શાવતું અર્ધસ્પષ્ટ નામ.
7. અનુમસ્તિષ્ક-મજ્જા સેતુ કોણી (cerebellopontine angle) સંલક્ષણ તે વિસ્તારમાં ગાંઠને કારણે હલનચલનમાં અસંગતતા, સ્નાયુઓના તણાવમાં ઘટાડો, અનુમસ્તિષ્કી સંલક્ષણનાં ચિહ્નો તથા 5મી, 6ઠ્ઠી, 7મી, 9મી તથા 10મી કર્પરીચેતાનો લકવો થાય છે.
8. અનુમસ્તિષ્કી (cerebellar) સંલક્ષણ લઘુમસ્તિષ્ક(cerebellum)ની અપર્યાપ્તતાનાં  લક્ષણો અને ચિહ્નો  દુર્માપન (dysmetria), દુરુચ્ચારણ (dysarthria), (asynergia), નેત્રડોલન (nystagum), અસંતુલન (ataxia), અટકાતી ચાલ (staggering gait) અને વિરુદ્ધ દિશામાં હલનચલનને વારાફરતી કરવામાં પડતી મુશ્કેલી વગેરે થાય તે.
9. અનેક અંત:સ્રાવાર્બુદ (multiple endocrine neoplasia, MEN) સંલક્ષણ અનેક અંત:સ્રાવી ગ્રંથિઓમાં ગાંઠ થાય તેવો વિકાર MEN-1માં પરાગલગ્રંથિ (parathyroid gland), સ્વાદુપિંડના દ્વીપકોષો અને પીયૂષિકા (pituitary) ગ્રંથિ અસરગ્રસ્ત થાય છે. MEN 2માં ગલગ્રંથિનું મેડ્યુલરી કૅન્સર, ફિઑ-ક્રોમોસાયટોમા અને અતિપરાગલગ્રંથિતા થાય છે.
10. અભિસારી આંત્રાંશ (afferent loop) સંલક્ષણ જઠરનો થોડો ભાગ કાઢી નાંખીને તેને આંતરડા સાથે જોડવામાં આવે ત્યારે પિત્ત તથા પિત્તાશય-રસની નલિકાઓ ખૂલે છે. તેવા આંતરડાના ભાગને જાળવી રખાય છે. તેને અભિસારી આંત્રાંશ કહે છે. કોઈ ટૂંકા સમયના જ્ઞાત કે અજ્ઞાત કારણસર તે રસોના વહનમાં અંતર્રોધ (obstruction) આવે તો તેમાં જમ્યા પછી પેટમાં દુખાવો થાય છે. તે ભાગ ફૂલીને સંસ્પર્શી શકાય તેવો ગઠ્ઠા જેવો ભાગ બનાવે છે તથા ચોખ્ખા પિત્તની ઊલટી થવાથી તે શમે છે.
11. અવઅરીય તસ્કર (subclarian steal) સંલક્ષણ એક બાજુની અવઅરીય ધમનીમાં અંતર્રોધ (obstruction) હોવાથી બીજી બાજુની ધમનીમાંનું લોહી વહીને અંતર્રોધવાળી બાજુના હાથમાં જાય અને તેથી મગજને લોહી ઓછું મળે તેવો વિકાર.
12. અંધ-આંત્રાંશ (blind loop) સંલક્ષણ શસ્ત્રક્રિયાને કારણે આંતરડાનો એક બાજુથી બંધ એવો ભાગ (અંધ-આંત્રાંશ), અંધનાલિ (diverticulus) કે નાના આંતરડામાં સંકીર્ણતા (stricture) થાય ત્યારે આંતરડાના તે ભાગનું સંચલન ઘટે છે અને તેમાં જીવાણુઓની અતિવૃદ્ધિ થાય છે. તેને કારણે ઝાડા થવા, વજન ઘટવું, વિટામિનની ઊણપ થવી તથા પાંડુતા થવી જેવા અપશોષણી વિકારો થાય છે.
13. આલ્બ્રાઇટ-(Albright)નું સંલક્ષણ સ્થાનસીમિત (localised) તંતુમય અસ્થિરુગ્ણતા (osteitis fibrosa) અથવા બહુઅસ્થિક તંતુમય દુર્વિકસન (polyostotic fibrous dysplasia) નામે ઓળખાતા આ સંલક્ષણમાં હાડકામાં તંતુમય ક્ષતિઓ તથા અંત:સ્રાવી (endocrine) વિકારો થાય છે. છોકરીઓમાં યૌવનારંભ (puberty) વહેલો આવે છે. અન્ય નામ ફોર્બિસ આલ્બ્રાઇટનું સંલક્ષણ.
14. ઉગ્ર વિકિરણજન્ય (acute radiation) સંલક્ષણ વધુ પડતી માત્રામાં વિકિરણ (radiation) સાથે સંસર્ગ-ચિકિત્સાને કારણે, અકસ્માતને કારણે કે અણુબૉમ્બના વિસ્ફોટને કારણે. પ્રથમ 12 કલાકમાં ઊલટીઓ અને 24 કલાક બાદ તાવ, ઝાડા, ચામડી પર રક્તછાંટ (purpura), 5 દિવસે અતિશય કમજોરી, લોહીનું દબાણ ઘટે, હૃદયના ધબકારા વધે, પુષ્કળ ઝાડા થાય, તેમાં વહે અને નિર્જલન (dehydration) થાય છે 7થી 10 દિવસમાં મૃત્યુ સંભવે.
15. ઉગ્ર શ્વસનીય દુસ્ત્રસ્તતા સંલક્ષણ acute respiratory distress syndrome, ARDS) વાયુપોટા અને કેશવાહિનીઓ વચ્ચેના પટલ- (membrane)ની વધેલી પારગમ્યતા (permeability), વાયુપોટાને વ્યાપક ઈજા તથા ફેફસાંમાં પ્રોટીનયુક્ત પ્રવાહીનો ભરાવો; જેને કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે. શ્વસનક (ventilator) વડે તેની સારવાર કરાય છે.
16. ઉદ્વેગાંત્ર (irritable bowel) સંલક્ષણ કોઈ ચોક્કસ કારણ વગર પેટમાં દુખાવો થવો તથા મળત્યાગની હાજતમાં ફેરફાર થવો તે.
17. ઊર્ધ્વ મહાશિરા (superior vena cava) સંલક્ષણ ઊર્ધ્વ મહાશિરામાં અંદર લોહીનો ગઠ્ઠો જામવાથી કે બહારથી કૅન્સરની ગાંઠ (મુખ્યત્વે ફેફસાંનું કૅન્સર, ક્યારેક (લિમ્ફોમા)ના દબાણથી ઊર્ધ્વ મહાશિરા દ્વારા હૃદયમાં લોહી પાછું ન આવે અને તેથી મોઢું, ગળું અને હાથમાં સોજો આવે અને ત્યાંની નસો ફૂલે તે. આવું ક્યારેક મધ્યવક્ષની ગાંઠ તથા વક્ષાસ્થિ (sternum) પાછળ થયેલો ગલગંડ (goiter) પણ કરે છે. આ સાથે દર્દીને ખાંસી આવે તથા શ્વાસ ચડે છે.
18. ઍકાર્ડ-થિયર્સ-(Thiers)નું સંલક્ષણ સ્ત્રીને દાઢી-મૂછ પર વાળ હોય અને મધુપ્રમેહ થયેલો હોય તે એક પ્રકારનો અધિવૃક્ક બાહ્યક (adrenal cortex) નામના શરીરના અવયવનો પુંકારી (virilizing) લક્ષણોવાળો વિકાર છે.
19. ઍકાર્ડ(Achard)નું સંલક્ષણ જન્મજાત સંલક્ષણ નાનું અને પાછળ પડતું નીચલું જડબું, પહોળી ખોપરી અને હાથ પગના સાંધાનું ઢીલાપણું, જેથી તે સામાન્ય કરતાં વધુ ગાળામાં હલનચલન કરે.
20. ઍડમ-સ્ટોક્સનું સંલક્ષણ ધીમી તથા ક્યારેક અનિયમિત નાડી, ચક્કર મૂર્ચ્છા (syncope) આંચકી તથા ખેંચ (સંગ્રહણ, convulsion) તથા ક્યારેક ચાઈન-સ્ટોક્સ (chyene stokes) પ્રકારનું શ્વસન. અન્ય નામો : સ્ટૉક્સ ઍડમનું સંલક્ષણ, મોર્ગેનિ ઍડમ-સ્ટોક્સનું સંલક્ષણ.
21. ઍડિ(Adie)નું સંલક્ષણ અજ્ઞાત કારણોસર પહોળી કીકી કે જે પ્રકાશની હાજરીમાં કે નજીકનું જોતી વખતે ખૂબ ધીમે ધીમે સંકોચાય તથા તેની સાથે સ્નાયુ-બંધલક્ષી પ્રતિક્ષિપ્તક્રિયા (tendon reflex) ઘટે અથવા બંધ થઈ ગઈ હોય. અન્ય નામ : હૉજસ ઍડિનું સંલક્ષણ, કનિનિકાસજ્જી છદ્મચેતોપદંશ (pupilotonic pseudo-tabes).
22. ઍન્જલ્યુસિ-(Angelucci)નું સંલક્ષણ અતિ ઉત્તેજનશીલતા, નસોના વિકારો, હૃદય ધબકારની અતિસંવેદનશીલતા (palpitation) અને આંખ આવવી તે.
23. ઍન્ટોન(Anton)નું સંલક્ષણ પોતે સંપૂર્ણ અંધ છે તે સ્થિતિનો અસ્વીકાર.
24. ઍપર્ટ(Apert)નું સંલક્ષણ શિખરબિંદુવાળું માથું (peaked head) તથા આંગળીઓ વચ્ચેની ફાડમાં પડદા હોય અને તેના વડે એકબીજા વડે જોડાયેલી આંગળીઓ હોય તેવો વિકાર.
25. ઍબ્ડર હોલ્ડન ફાન્કોનિનનું સંલક્ષણ સિસ્ટિનવિકાર (cystinosis). સિસ્ટિન નામના એમિનો ઍસિડના ચયાપચયનો વિકાર, જેમાં લોહી અને પેશાબમાં તેનું સ્તર ઊંચું રહે છે. તેની સાથે મૂત્રપિંડની સમીપસ્થાની મૂત્રનલિકા- (proximal tubules)ના વિકારો, વિટામિન-ડી વડે ન મટે તેવો રિકેટ્સ (rickets) થાય છે. અન્ય નામો : ડી-ટોની ફાન્કોનિનું સંલક્ષણ, સિગ્નેક ફાન્કોનિનું સંલક્ષણ, ઇન્ફોનિનું સંલક્ષણ.
26. ઍલ્ડ્રિચ(Aldrich)નું સંલક્ષણ લિંગસૂત્રી પ્રચ્છન્ન વારસા (sex chromo-some-linked recessive inheritance)થી છોકરીઓમાં થતો લોહીના ગંઠનકોષો- (platelets)ની અલ્પતા, ખરજવું, કાનમાં કે અન્યત્ર વારંવાર ચેપ (infection), લોહીવાળા ઝાડા અને પાંડુતા(anaemia)નો વિકાર.
27. ઍલ્પોર્ટ(Alport)નું સંલક્ષણ જન્મજાત બહેરાશ, મૂત્રપિંડનો વિકાર, ક્યારેક આંચકી અથવા ખેંચ (convulsion) તથા માનસિક અલ્પવિકસન (mental retardation).
28. એવેલિસ(Avellis)નું સંલક્ષણ સ્વરપેટી તથા મૃદુ તાળવાના એક બાજુના સ્નાયુઓનો લકવો તથા શરીરના તેનાથી નીચેના બીજી બાજુના ભાગોમાં દુખાવો અને ગરમી અંગેની સંવેદના ઘટવી કે જતી રહેવી તે.
29. એહ્લર્સ-ડૅન્લોસ-(Ehlers-Danlos)નું સંલક્ષણ ચામડીની વધુ પડતી લવચીકતા, સાંધાને વધુ પડતા અવળી દિશામાં વાળી શકાય તેવી સ્થિતિ, ચામડીની નસોની અતિભંગુરતા (fragitity) અને ચામડીની નીચે વટાણા જેવી પિંડિકાઓ વગેરે થવાં તે. તે એક દેહસૂત્રી પ્રભાવી (autosomal dominant) વારસાથી કુટુંબમાં ઊતરી આવતો વિકાર છે.
30. કર્કાર્બુદાભ (carcinoid) સંલક્ષણ નાના આંતરડાના રજતકોષો (argentaffin cells) ગાંઠને કર્કાર્બુદાભની ગાંઠ કહે છે. યકૃત (liver)માં ફેલાય અને સિરોટોનિનનો વધુ પડતો સ્રાવ કરીને હૃદયના વાલ્વ અને ફેફસાની તકલીફ કરે તેવો વિકાર. તેમાં શ્વાસ ચડે, ઝાડા થાય, માનસિક અક્ષમતા ઉદ્ભવે વગેરે વિકારો થાય છે.
31. કર્ણ-ગંડકી (auri-culo-temporal syndrome) ખાતી વખતે કાન અને ગાલના ભાગમાં લાલાશ અને પરસેવો થવો તે.
32. કુશિંગ(Cushing)નું સંલક્ષણ અધિવૃક્ક બાહ્યક (adrenal-cortex)ની ગાંઠને કારણે તે અંત:સ્રાવી ગ્રંથિની અતિકાર્યતા તેને કારણે લોહીમાં ગ્લુકોઝ વધે છે, શરીરમાં (મોં ડોક અને ધડ પર) ચરબી જમા થાય છે, ખીલ થાય છે તથા લોહીનું દબાણ વધે છે.
33. કુશોષણ (mal-absorption) સંલક્ષણ ઝાડા, અશક્તિ, સોજા, થાક, વજનમાં ઘટાડો, ભૂખમાં ઘટાડો, ફૂલેલું પેટ, ફિક્કાશ, લોહી વહેવાની સ્થિતિ, હાથ-પગમાં બહેરાશ અને ઝણઝણાટી, સ્નાયુમાં પીડા વગેરે વિવિધ પ્રકારની તકલીફો ખોરાકમાંના પોષક દ્રવ્યોના અવશોષણમાં ઉદ્ભવેલા વિકારને કારણે થાય તે તેનું કારણ સંગ્રહણી, ક્ષયરોગ, અન્નમાર્ગ પરની શસ્ત્રક્રિયા કે અન્નમાર્ગમાં ઉદ્ભવતી સંયોગનળીઓ (fistulae) હોય છે.
34. કૅપ્લાન(Caplan)નું સંલક્ષણ વેલ્શની કોલસાની ખાણના કામદારોમાં જોવા મળતો ધૂલિતંતુમય ફેફસીરોગ (pneumoconiosis) અને આમવાતાભ સંધિશોથ(rheumatoid arthritis)વાળો ફેફસાં અને હાડકાંના સાંધાનો વિકાર.
35. કોન(Conn)નું સંલક્ષણ અધિવૃક્ક-બાહ્યક(adrenal cortex)નું વધેલું કાર્ય આલ્ડોસ્ટીરોનનું સ્તર વધારે છે. જે સ્નાયુની કમજોરી, અંગુલિવંકતા (tetany), ઝણઝણાટી, વધુ તરસ, વધુ પેશાબ, લોહીનું ઊંચું દબાણ, પોટૅશિયમમાં ઘટાડો અને ક્ષારદતા (alkalosis) વગેરે કરે છે.
36. કોર્સેકોફ(Korsa-koff)નું સંલક્ષણ એક પ્રકારની મસ્તિષ્ક-રુગ્ણતા(encephalopathy)માં થતો તીવ્ર મનોવિકાર (psychosis).
37. ક્રિગ્લર-નાજર-(Crigler-Najjar)નું સંલક્ષણ જન્મજાત ટ્રાન્સફરેઝ નામના ઉત્સેચકની ઊણપને કારણે બિલિરુબિનનું સંજોડણ (conjugation) ઘટે છે, તેથી રક્તકોષોના વિલયન (haemolysis) વગરનો કમળો થાય છે. ક્યારેક તેમાં કર્નિકટરસ અને ચેતાવિકારો જોવા મળે છે.
38. ક્લાઇનફેલ્ટર-(Klinefelter)નું સંલક્ષણ સ્ત્રીઓ જેવાં રંગસૂત્ર ધરાવતા પુરુષોમાં શુક્ર-પિંડની અપક્ષીણતા, સ્તનવર્ધન, વીર્યમાં શુક્ર કોષોની ગેરહાજરી વગેરે હોય તેવી સ્થિતિ.
39. ગુડ પાશ્ચર(Good-Pasture)નું સંલક્ષણ સગુચ્છ મૂત્રપિંડશોથ (glomerulonephritis) નામના મૂત્રપિંડની નિષ્ફળતા કરતા રોગમાં ગળફામાં લોહી પડવું તે.
40. ગુદામળાશયી (anorectal) સંલક્ષણ કેટલાંક અનેક જીવાણુઓ સામે સક્રિય એવાં મુખમાર્ગી ઍન્ટિબાયૉટિક ઔષધોની ઝેરી અસર-રૂપે ગુદામાં બળતરા, ખૂજલી, લાલાશ, સંક્ષોભન (irritation) અને ક્યારેક પાતળા ઝાડા.
41. ગુલાં-બારે(Guillain Barre)નું સંલક્ષણ વિષાણુજ ચેપથી થતો ચેપી બહુચેતાશોથ (infections polyneuritis), જેમાં હાથપગમાં સમાન રીતે બહેરાશ, ઝણઝણાટી અને સ્નાયુઓની અશક્તિ (લકવો) ઉદ્ભવે છે. તેમાં કરોડરજ્જુની આસપાસના મેરુમસ્તિષ્કજલ(cerebrospinal fluid)માં પ્રોટીન અને કોષોની સંખ્યા વધે છે.
42. ગ્રીવા-પર્શૂકીય (cervical rib) સંલક્ષણ અથવા ડોક-પાંસળી સંલક્ષણ ગળામાં વધારાની પાંસળી હોવાથી અગ્રભુજા અને હાથમાં દુખાવો અને ઝણઝણાટી તથા પાછળથી બહેરાશ થવી, તે ભાગ ભૂરો પડવો અને સ્નાયુઓ ક્ષીણ થાય તે.
43. ચિયારી-ફ્રોમેલ-(Chiari Frommel)નું સંલક્ષણ દુગ્ધજનન(lactation)નો લાંબો ચાલતો ગાળો અને ગર્ભાશયની અપક્ષીણતા.
44. ચિયારી-બડનું સંલક્ષણ જુઓ : બડ ચિયારીનું સંલક્ષણ
45. ચિલાઇડિટી(Chilaiditi)નું સંલક્ષણ યકૃત અને ઉરોદરપટલ વચ્ચે આવી જતું મોટું આંતરડું.
46. ચેડિયાક સ્ટેઇન્બ્રિક હિગાશી (Chediak Steinbrinck Higashi) સંલક્ષણ શ્વેતકોષોની મોટી કણિકાઓ, યકૃત અને બરોળનું વર્ધન, લસિકાગ્રંથિનું વર્ધન, પાંડુતા, ગંઠનકોષો-(platelets)ની અલ્પતા, હાડકાં, હૃદય, ફેફસાં અને ચામડીમાં વિકારો, વારંવાર લાગતો ચેપ અને બાળપણમાં મૃત્યુ.
47. ચેતાશ્વપુચ્છીય (cauda equina) સંલક્ષણ કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓના સમૂહ કે જે કરોડરજ્જુ પૂરો થાય તે પછી કરોડસ્તંભની નલિકામાંથી બહાર નીકળે તેને ચેતાશ્વપુચ્છ કહે છે. તેના વિકારમાં કેડના મધ્યભાગમાં પાછળ (ત્રિકાસ્થિ વિસ્તાર, sacral region) ધીમો દુખાવો, નિતંબના વિસ્તાર, જનનાંગો તથા જાંઘમાં સંવેદનાની ગેરહાજરી અથવા પીડાની સંવેદનાનો ઘટાડો અને મળાશય અને મૂત્રાશયના કાર્યમાં વિક્ષેપ.
48. છિદ્રાલ (cavernous) વિવરનું સંલક્ષણ મગજની નીચે ખોપરીમાં આવેલા છિદ્રાલ શિરાવિવર(venous sinus)માં લોહીનો ગઠ્ઠો જામવો અને તેને કારણે પોપચાં અને નેત્રકલા(conjunctiva)નો સોજો અને આંખોના ડોળાનું હલનચલન કરાવતી 3જી, 4થી અને 6ઠ્ઠી કર્પરીચેતા(cranial nerves)નો લકવો.
49. જેન્સન(Jenson)નું સંલક્ષણ (રોગ) દેહસૂત્રી પ્રભાવી વારસાવાળો વિકાર, જેમાં ટૂંકા હાથપગવાળી વામનતા તેમજ લોહીમાં કૅલ્શિયમનું સ્તર વધે છે અને ફૉસ્ફરસનું સ્તર ઘટે છે.
50. જોગ્રેન(Sjogren)નું સંલક્ષણ અશ્રુગ્રંથિ તથા લાળગ્રંથિમાં લસિકાકોષોના ભરાવાને કારણે મોઢામાં તથા આંખમાં શુષ્કતા (dryness) થવી તે. તે એક સ્વકોષઘ્ની (autoimmune) વિકાર છે.
51. ઝોલિન્ગર-(ઍલિસન) નું સંલક્ષણ સ્વાદુપિંડના દ્વીપકોષોની અતિવૃદ્ધિ, જઠરરસનું અતિસ્રવણ તથા જઠરમાં ઉદ્ભવતું ઉગ્ર અને તીવ્ર પચિતકલા વ્રણ (peptic ulcer) અથવા  ચાંદું.
52. ટર્નર(Turner)નું સંલક્ષણ વામનતા (dwarfism), ગળામાં પડદો, વાંકી વળેલી કોણી, ઋતુસ્રાવ ન થવો તથા લૈંગિક અલ્પવિકસન (લિંગશૈશવ, sexual infantalism) થાય તેવો વિકાર; જેમાં અંડકોષમાં પ્રજનનલક્ષી પુટિકાઓ (primordial follicles) ન હોય. આવા દર્દીનાં આંતરડાંમાં વાહિની અર્બુદ (angioma) જેવી કુરચના હોય તો તેમાંથી લોહી ઝમે અને પાંડુતા થાય.
53. ડાઉનનું સંલક્ષણ મોંગોલીયતા(mongolsim)નો વિકાર, જેમાં 21મા રંગસૂત્રની જોડમાં 2ને બદલે 3 રંગસૂત્રો હોય છે. દર્દીને માનસિક અલ્પવિકસન, શારીરિક અલ્પવૃદ્ધિ, વિશિષ્ટ મુખાકૃતિ, સાંધાની ઢીલાશ, શ્રોણીના હાડકાનું દુર્વિકસન (dysplasia), પહોળા હસ્ત અને પાદ, આંગળીઓની કુરચના તથા અન્ય કુરચનાઓ થાય છે. દર્દીનું મોઢું (ચહેરો) અલ્પ-વિકસિત હોય છે. ટૂંકું નાક, ઉપલાં પોપચાંની મોટી ગડી, લબડતો મોટો નીચલો હોઠ, નાના ગોળ કાન, જાડી જીભ વગેરે ચિહ્નો જોવાં મળે છે.
54. ડી ગુગ્લિલ્મો(Diguglielmo)નું સંલક્ષણ કોષકેન્દ્રવાળા રક્તકોષોની અધિકતા તેની સાથે ક્યારેક શ્વેતકોષી રુધિરકૅન્સર (leukaemia) પણ થાય છે.
55. ડી-ટોની-ફાન્કોનિનું સંલક્ષણ મૂત્રપિંડની સૂક્ષ્મનલિકાના કાર્યના વિકારને કારણે લોહીમાં મધુશર્કરા (glucose) ઘટવી, હાડકાં પોચાં થવાં, વામનતા (dwarfism) થવી તથા રિકેટ થવા તે એકજનીની આંતરિક ચયાપચયી વિકાર છે.
56. ડી-ટોની ફાન્કોનિનું સંલક્ષણ જુઓ : ઍબ્ડર હૉલ્ડન ફાન્કોનિનું સંલક્ષણ.
57. ડુબિન જ્હૉન્સનનું સંલક્ષણ વારંવાર થતો હળવા પ્રકારના કમળાનો વિકાર, જેમાં યકૃતકોષો દ્વારા બિલિરુબિનનો નિકાલ બરાબર થતો નથી.
58. ત્વરિતાવેગી (pre-excitation) અથવા વોલ્ફ-પાર્કિન્સન-વ્હાઇટનું સંલક્ષણ હૃદયના કર્ણક અને ક્ષેપક વચ્ચે આવેગ વહનના માર્ગને બદલે ઉપપથ (bypass) દ્વારા આવેગનું વહન થવાથી હૃદયના ઝડપથી ધબકારાના લઘુહુમલા થાય તેવો વિકાર.
59. નિભારણ (dumping) સંલક્ષણ ઉપરના અન્નમાર્ગમાં શસ્ત્રક્રિયા દ્વારા કરાતા કૃત્રિમ જોડાણોને કારણે જમ્યા પછી દર્દીને થતી તકલીફોનો સમૂહ. જેમાં ગરમી થવી (flush) પરસેવો વળવો, અંધારાં આવવાં, અશક્તિ લાગવી, નસોના તણાવમાં ઘટાડો થવો તથા ક્યારેક દુખાવો અને શીર્ષપીડા વગેરેનો સમાવેશ થાય છે.
60. પૂર્વઋતુસ્રાવ (pre-menstrual) સંલક્ષણ ઋતુસ્રાવના 3થી 5 દિવસ પહેલાં સ્તનમાં ભારણ અને તણાવ, કેડમાં દુખાવો, પેટના નીચલા ભાગમાં દુખાવો, તરસ, માથું દુખવું, માનસિક ઉશ્કેરાટ, શ્રોણીમાં રુધિરભારિતા (pelvic congestion), હાથે-પગે સોજા, ક્યારેક ઊબકા અને ઊલટી થવી તે.
61. પ્લમર-વિન્સન(plummer vinson)નું અથવા પિટર્સન-કેલીનું સંલક્ષણ લોહતત્ત્વની ઊણપને કારણે યુવાન સ્ત્રીઓમાં ખોરાક ગળવાની તકલીફ અને જીભ પરના સ્વાદાંકુરો(papillae of tongue)ની અપક્ષીણતા.
62. ફાન્કોનિનું સંલક્ષણ જુઓ : ઍબ્ડર હૉલ્ડન ફાન્કોનિનું સંલક્ષણ.
63. ફેલ્ટિ(Felty)નું સંલક્ષણ. આમવાતાભી સંધિશોથ(rheumatoid arthritis)ની સાથે બરોળ મોટી થયેલી હોય.
64. ફોર્બસ-આલ્બ્રાઇટનું સંલક્ષણ જુઓ : આલ્બ્રાઇટનું સંલક્ષણ.
65. ફૉસ્ટર-કેનેડી(Foster Kennedy)નું સંલક્ષણ મગજના અગ્રસ્થ ખંડમાં થયેલી ગાંઠના દબાણને કારણે તે બાજુની આંખની દૃષ્ટિચેતા ચકતીની અપક્ષીણતા અને બીજી બાજુની આંખમાં ચકતી-શોફ (papilloedema).
66. ફ્રોલિક(Frohlich)નું સંલક્ષણ જુઓ : મેદસ્વિતા અલ્પજનનાંગી સંલક્ષણ.
67. બડ ચિયારી(budd chiari)નું સંલક્ષણ યકૃતની શિરામાં લોહીનો ગઠ્ઠો જામવાથી યકૃતનો સોજો, જલોદર અને નિવાહિકા-તંત્રમાં વધુ દબાણ. તેને ચિયારી બડનું સંલક્ષણ પણ કહે છે.
68. બર્નહેઈમ(Bern-heim)નું સંલક્ષણ હૃદયના ડાબા ખંડોની અતિવૃદ્ધિને કારણે હૃદયના જમણા ખંડોની નિષ્ફળતા, જેમાં હૃદયનો જાડો થયેલો પડદો જમણા ખંડોના પોલાણને ઘટાડે છે.
69. બર્નાર્ડ સર્જન્ટ-(Bernard Sergent)નું સંલક્ષણ એડિસોનિયન રોગમાં ઝાડા, ઊલટી અને લોહીનું દબાણ ઘટે તે પ્રકારનો વિકાર તેને એડિસોનિયન સંકટ (crisis) કહે છે.
70. બર્નાર્ડ હૉર્નરનું સંલક્ષણ ડોકની અનુકંપી ચેતાશૃંખલા (cervical sympathetic chain)ના વિકારમાં તે બાજુની આંખનું ઊપલું પોપચું ઢળી પડવું, કીકી ઝીણી થવી, ચહેરા પર પરસેવો ન થવો, તથા આંખ ગોખલામાં ઊંડી ઊતરવી વગેરે ચિહ્નો થવા તે.
71. બહુતાડિત બાલ (Battered child) સંલક્ષણ ખરાબ રીતે જે બાળક સાથે વર્તાવ કરાયો હોય અને તેનાથી તેનાં અવયવો, હાડકાં અને મૃદુ પેશીને ઈજા પહોંચી હોય તે.
72. બેનેડિક્ટ(Bene-dikt)નું સંલક્ષણ સતત સંકોચી અથવા કંપનવાળો પક્ષઘાત (hemiplegia) અને સામેની બાજુએ આંખના બહારના સ્નાયુઓ લકવો.
73. બેરેટ(Barret)નું સંલક્ષણ અન્નનળીના નીચલા છેડે જટર જેવી સ્તંભાકાર કોષોવાળી શ્લેષ્મકલામાં લાંબા સમયનું પચિતકલા વ્રણ (peptic ulcer) અથવા ચાંદું.
74. બૅલિન્ટ(Balint)નું સંલક્ષણ દૃષ્ટિ સ્થિર રાખવા બાબતે માનસિક કારણોસર લકવા જેવી સ્થિતિ.
75. બેહસેટ(Behcet)નું સંલક્ષણ મોઢામાં અને જનનાંગોમાં સાથે-સાથે કે વારાફરતી થતાં ચાંદાં, આંખની અંદરની સંરચનાઓનો શોથ કનિનિકાપટલ-ચક્રીય-સ્નાયુશોથ (irido cyclitis), ક્યારેક ચામડી પર ચાંદાં, ગંડિકામય રક્તિમા (erythema nodosums), શિરામાં લોહી જામવાથી ઉદ્ભવતો શોથ (પીડાકારક, સોજો) તથા મસ્તિષ્કી રોગ.
76. બોગોરાડ(Bogorad)નું સંલક્ષણ ચહેરાના લકવા પછી જ્યારે તે વિકાર અપૂર્ણપણે શમ્યો હોય ત્યારે ક્યારેક લાળગ્રંથિના ચેતાતંતુઓ ખોટી રીતે અશ્રુગ્રંથિ સાથે જોડાય છે. તેથી જમતી વખતે આંખમાંથી પુષ્કળ પ્રવાહી (આંસુ) વહે છે. તેને મગરમચ્છી અશ્રુ (crocodile tear) સંલક્ષણ પણ કહે છે.
77. બોનિઅર(Bonnier)નું સંલક્ષણ ડેટર(Deiter)ના ચેતાકેન્દ્રને ઈજા થવાથી નજીકનું જોવા માટેના અનુકૂલનમાં ક્ષતિ, નેત્રડોલન (nystagmus), બેવડું દેખાવું, બહેરાશ, ઊબકા, તરસ, ખોરાકની અરુચિ વગેરે થવાં તે.
78. બોનેવી અલ્રીચ-(Bonnevie ullrich)નું સંલક્ષણ જુઓ : ટર્નરનું સંલક્ષણ.

 

79. બ્રાઉન સેકવાર્ડ-(Brown sequard)નું સંલક્ષણ કરોડરજ્જુની ઈજામાં અર્ધપક્ષઘાત, અતિસંવેદના (hyperaesthesia) સ્નાયુ અને સાંધાની સંવેદનામાં ઘટાડો તથા બીજીબાજુ અન્ય સંવેદનાઓમાં ઘટાડો.
80. બ્રિકે(Briquet)નું સંલક્ષણ મનોવિકારી કારણોસર અવાજ ન નીકળવો તથા શ્વાસ ચડવો તે.
81. બ્રોક(Brock)નું સંલક્ષણ જુઓ : મધ્યખંડીય સંલક્ષણ.
82. મણિબંધીય નલીમાર્ગ-(carpal tunnel)નું સંલક્ષણ કાંડા પાસેના નલીમાર્ગમાં મધ્યવર્તી ચેતા (median nerve) પર દબાણ આવે ત્યારે હાથના અમુક ભાગમાં દુખાવો, બળતરા, ઝણઝણાટી અને બહેરાશ આવે તે.
83. મધ્યખંડીય (middle lobe) સંલક્ષણ જમણા ફેફસાના મધ્યખંડમાં નિષ્ફારિતા (atelectasis) થવી અને વારંવાર ચેપ લાગવો તે.
84. મનોવિકારી ચિંતા-(anxiety)નું સંલક્ષણ ભય(panic)ને કારણે ઝડપી હૃદયગતિ, શ્વસનમાં તકલીફ અને પરસેવો વળવો તે.
85. મહાધમની કમાન (aortic arch) સંલક્ષણ રુધિરગુલ્મ(thrombus)ને કારણે મહાધમનીની કમાન અને તેની શાખાઓ બંધ થવી તે. તેને કારણે હાથ અને ડોકમાંની નાડીના ધબકાર ઘટે છે અથવા બંધ થાય છે. તેને નિર્નાડી રોગ (pulseless disease) પણ કહે છે.
86. માર્ફાન(Marfan)નું સંલક્ષણ ગર્ભની મધ્યત્વકીય (mesodermal) અને બહિસ્ત્વકીય (ectodermal) પેશીમાં જન્મજાત વિકૃતિ થવાથી થતો વારસાગત રોગ. જેમાં નેત્રમણિ (અન્યસ્થાની નેત્રમણિતા, ectopic lentis) યોગ્ય સ્થાને ન હોય અને આંગળીઓ લાંબી (લંબાંગુલિતા, arachnodactyly) હોય છે.
87. મિગ્સ(Meigs)નું સંલક્ષણ અંડપિંડમાંની ગાંઠની સાથે પેટ અને છાતીમાં પાણી ભરાવું તે.
88. મૂત્રપિંડશોફી (nephrotic) સંલક્ષણ શરીર પર સોજા, પેશાબમાં આલ્બ્યુમિન, લોહીમાં ઘટેલું આલ્બ્યુમિનનું સ્તર તથા લોહીમાં સામાન્ય રીતે વધેલું કેલિસ્ટિરોલનું સ્તર  આ 4 લક્ષણોવાળો વિકાર; જેમાં મૂત્રપિંડની નલિકાઓના કોષોમાં અપજનનીય (degenerative) ફેરફારો થયેલા હોય છે.
89. મેદસ્વિતા અલ્પ-જનનાંગી (adip osogenital) સંલક્ષણ વધુ પડતી ચરબીનો ભરાવો તથા જનનાંગોનું અલ્પવિકસન. તે પીયૂષિકા (pituitary) ગ્રંથિ અથવા અધશ્ચેતક (hypothalamus) નામના મગજના વિસ્તારના રોગમાં થાય છે. તેનાં બાળકોમાં જોવા મળતા પ્રકારને ફ્રોલિક-(Frohlich)નું સંલક્ષણ કહે છે અને પુખ્તવયી પ્રકારને મેદોતકી-અલ્પજનનાંગી દુ:ક્ષીણતા (dystrophia adiposogenitalia).
90. મેદસ્વિતા (Pickwickian) સંલક્ષણ ચાર્લ્સ ડીકન્સના ‘પિક્વિક પેપર્સ’માંના જાડા છોકરા પરથી નામકરણ પામેલું સંલક્ષણ; જેમાં વધુ પડતું વજન, અલ્પશ્વસન (hypoventilation), સામાન્ય અશક્તિ થાય છે. તેમાં વધુ પડતું વજન શ્વસનકાર્યની ક્ષમતા ઘટાડે છે એવું મનાય છે.
91. મેલોરિ-વિસ(Mallory Weiss)નું સંલક્ષણ અન્નનળીના નીચલા છેડે ચીરા પડવા અને લોહીની ઊલટી થવી તેમજ મધ્યવક્ષમાં પીડાકારક સોજો થવો તે. સામાન્ય રીતે અતિશય દારૂ પીધા પછી થતી ઊલટીઓને કારણે તે થાય છે.
92. મોર્ગેનિ ઍડમ સ્ટોક્સનું સંલક્ષણ જુઓ : ઍડમ-સ્ટોક્સનું સંલક્ષણ.
93. યકૃત મૂત્રપિંડી (hepatorenal) સંલક્ષણ યકૃત કે પિત્તનલિકાઓના રોગમાં મૂત્રપિંડની ઉગ્ર (ટૂંકા ગાળાની) નિષ્ફળતા થવી તે. તેનું કારણ લોહી વહેવું કે લોહીનું દબાણ ઘટી જવું તે હોતું નથી.
94. રુધિરભંજી મૂત્રવિષમય અથવા રક્તકોષ-વિલયી મૂત્રવિષમય (haemolyticuraemic) સંલક્ષણ નાનાં બાળકોમાં તાવ, ગંઠનકોષો(platelets)ની અલ્પતા, નાની નસોના વિકાર સાથે રક્તકોષો તૂટતા હોય તેવો સૂક્ષ્મવાહિની-રુગ્ણતાજન્ય રક્તકોષવિલયન (microangiopathic haemolysis), લોહીનું વધેલું દબાણ અને મૂત્રપિંડની નિષ્ફળતા થાય તેવો વિકાર.
95. લોફલર(Lofller)નું સંલક્ષણ ફેફસાંમાં સ્થાન બદલતી છાયાકૃતિઓ (opacities) અને લોહીમાં ઇયોસિનરાગી શ્વેત કોષોની અધિકતા તથા તેની સાથે ક્યારેક તાવ, ખાંસી, શ્વાસ ચડવો, ભૂખ ન લાગવી, વજન ઘટે વગેરે થાય તે. ક્યારેક હૃદયની નિષ્ફળતા તથા અંત:હૃદગલામાં લવચીકતંતુતા (fibroelastosis) એટલે કે લવચીક તંતુઓની અધિકતા થાય છે.
96. વિસ્મૃતિ (amenstic) સંલક્ષણ તેને કોર્સેકોફ(Korsakoff)નો તીવ્ર મનોવિકાર (psychosis). એક પ્રકારની મસ્તિષ્ક-રુગ્ણતા (encephalopathy).
97. વૉટરહાઉસ-ફ્રિડરિશ્ચન (Waterhouse-Friderichen) સંલક્ષણ 10 વર્ષથી નાનાં બાળકોમાં ઊલટી, ઝાડા, ચામડી પર વ્યાપક રુધિરછાંટ (purpura), નીલિમા (cyanosis) એટલે કે હોઠ અને નખ ભૂરા પડવા તે, આંચકી આવવી તથા લોહીનું દબાણ ઘટવું અને અધિવૃક્ક (adrenal) ગ્રંથિમાં લોહી વહેવું વગેરે થાય તેવો વિકાર.
98. શાય-ડ્રેગર(Shy-Drager)નું સંલક્ષણ પાર્કિન્સનના રોગ જેવાં લક્ષણો ધરાવતો તલગંડિકાઓ (basal ganglia) અને શ્યામદ્રવ્ય (substantia nigra) નામના મગજના વિસ્તારોનું અપજનન અને તેની સાથે અનૈચ્છિક ચેતાતંત્રનો વિકાર થવો તે.
99. શાર્કોટ(Charcot)નું સંલક્ષણ પગની ધમની સાંકડી થવાથી થોડુંક ચાલવાથી પગમાં દુખાવો જે આરામ કરતાં મટે. તેને સમયાંતરિત પીડા (intermittent clandication) કહે છે.
100. શીર્ષધમનીય વિવર-(carotid sinus)નું સંલક્ષણ અથવા શાર્કોટ વિસ-બાર્બરનું સંલક્ષણ શીર્ષધમનીના દબાણ અંગેના સંવેદી સ્વીકારકોની અતિઉત્તેજનાને કારણે હૃદયના ધબકારાનો દર ઘટે અને લોહીનું દબાણ ઘટે તેવો વિકાર.
101. સિગ્નેક ફાન્કોનિનું સંલક્ષણ જુઓ : ઍબ્ડર હૉલ્ડન ફાન્કોનિનું સંલક્ષણ.
102. સેઝારિ(Sezary)નું સંલક્ષણ લોહીમાં એકકોષકેન્દ્રી (mononuclear) કોષોની સંખ્યામાં વધારો, તેમનો ચામડીમાંના દોષવિસ્તારોમાં ભરાવો, ખૂજલી તથા કોષપાતી ત્વચાશોથ (exfoliative dermatitis) વગેરેનો લક્ષણસમૂહ.
103. સ્ટિવન્સ-જોર્ડ્નસન-(Stevens Johnson)નું સંલક્ષણ સલ્ફોનેમાઇડની વિષમોર્જા(allergy)ને કારણે ચામડી અને શ્લેષ્મકલા પર ફોલ્લા તથા રક્તિમાવાળો સ્ફોટ થાય તે.
104. સ્ટોક્સ-ઍડમનું સંલક્ષણ જુઓ : ઍડમ સ્ટોક્સનું સંલક્ષણ.
105. સ્વપ્નદેશમાં એલિસ-(Alice in wonder land)નું સંલક્ષણ મગજના પાર્શ્વખંડ(parietal lobe)માં વિવિધ રોગો થાય ત્યારે અથવા અર્ધશીર્ષપીડ (migraine) કે અપસ્માર(epilepsy)નો રોગ હોય ત્યારે સ્વપ્નાનો વિભ્રમ (illusion), ઊંચે ઊડતા હોય (levitation) તેવો ભ્રમ તથા સમય પસાર થવા અંગેની સંવેદિતામાં વિકાર થાય તે.
106. હેમેન-રિચ-(Hamman-Rich)નું સંલક્ષણ ફેફસાંમાં અંતરાલીય ફેફસીશોથ (interstitial pneumonia) થાય તે, જેમાં તાવ, શ્વાસ ચડવો વગેરે ARDS જેવી લાક્ષણિકતાઓ ધરાવતો વિકાર થાય છે. તેમાં ઉગ્ર (acute) કે દીર્ઘકાલી (chronic) પ્રકારે ફેફસીતંતુતા (ફેફસામાં તંતુઓ  વિકસવા તે) થાય છે. તેમાં હૃદયના જમણા ખંડોની નિષ્ફળતા પણ થાય છે. તેનું કોઈ ચોક્કસ કારણ જાણમાં નથી, પરંતુ તે માટે ઘણાં પરિબળો કાર્યરત હોય છે.
107. હોમ્સ (Holmes) ઍડિનું સંલક્ષણ જુઓ : એડિ (Adie) સંલક્ષણ.
108. હૉર્નરનું સંલક્ષણ જુઓ : બર્નાર્ડ હૉર્નરનું સંલક્ષણ.

શિલીન નં. શુક્લ