સંરચનાવાદ : આધુનિક ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચારની પાયારૂપ સંજ્ઞા. દરેક ભાષા અનન્ય હોય છે. એ ભાષાની ઉક્તિઓને અને એમના એકમોને એમના પરસ્પરના સંબંધોથી સમજી શકાય છે. આ એકમો અને એમના સંબંધોને તપાસતાં તપાસતાં જ ભાષાની સંરચના સુધી પહોંચી શકાય છે.
સૉસ્યૂર માનતા હતા કે ભાષાવિજ્ઞાનીનું મુખ્ય કાર્ય ભાષાની તપાસ છે. એ જ રીતે કશી પણ ઘટના કે કોઈ પણ આવિર્ભાવ તેની સંરચનાને આભારી છે. તેથી તપાસની શરૂઆત સંરચનાથી કરવી પડે. વસ્તુપદાર્થ વિશેની મનુષ્ય-ચિત્તની વિલક્ષણ સક્રિયતા ચૉમ્સ્કીમાં જોવા મળે છે. બધી સંરચનાઓ માનવચિત્ત-સંરચનાને આભારી હોવી જોઈએ એવી એમની માન્યતા હતી.
સંરચનાનો મૂળ ખ્યાલ બોઆઝ અને સેપિર જેટલો જૂનો છે. લીચ કહે છે કે રૂપો અને રૂપાંતરોમાંથી પસાર થયેલી સંગીતરચનાનાં તમામ રૂપો વચ્ચે કશુંક સમાન તત્ત્વ હોવું જોઈએ. આ સમાન તત્ત્વ તે સંબંધોની ભાત આંતરિક રીતે વ્યવસ્થિત એવા સંબંધોની ભાત. લીચ આ ભાત(પેટર્ન)ને સંરચના કહે છે. અલબત્ત, લીચનો સંરચના-વિષયક આ ખ્યાલ એક ગાણિતિક ખ્યાલના રૂપમાં જ સમજાય છે. ભાત એ સંજ્ઞા આજે વ્યાપક અર્થમાં પ્રયોજાય છે. વેરવિખેર ગોઠવણોને પણ ભાત કહેવામાં આવે છે. રસેલ, એડિંગ્ટન કે કારનેપ આપણા બાહ્ય જગતના જ્ઞાન વિશે લખે છે ત્યારે સ્પષ્ટપણે સૂચવે છે કે પ્રત્યેક સંરચનાને અમુક પ્રકારની સુસંગતિ અને વ્યવસ્થા હોવાં જ જોઈએ.
સંરચનાવાદે પોતાના પાયામાં રહેલા આ ગાણિતિક ખ્યાલમાંથી ‘સંરચના’નો આ અભ્યાસ જ્યારે વાદમાં પરિણમ્યો ત્યારે અનેક અંશોને વિકસાવ્યા છે. છતાં સંરચનાવાદને સાંસ્કૃતિક ગણાતી માનવસર્જિત વસ્તુઓના અધ્યયનની પદ્ધતિ કહેવી ઉચિત ગણાશે. રોલાં બાર્થે સમકાલીન ભાષાવિજ્ઞાનની પદ્ધતિઓના સંદર્ભમાં જોવા મળતા સંરચનાવાદ વિશે વહેતો કરેલો આ વિચાર આજે તો ઘણો સઘન બન્યો છે.
ઈ. સ. 1929માં પ્રાગમાં મળેલી સ્લાવિક ભાષાશાસ્ત્રીઓની પ્રથમ આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસમાં પ્રાગ લિંગ્વિસ્ટિક સર્કલના અભ્યાસીઓએ સંયુક્ત રીતે જે ગૃહિતો રજૂ કર્યા તેમાં સંરચનાવાદના પ્રારંભનાં ચિહ્નો દૃષ્ટિગોચર થાય છે. આ નવ્ય દૃષ્ટિના મૂળમાં સૉસ્યૂર હતો. ભાષા એક પ્રયોજનસાધક તંત્ર છે અને તેનો તેના પ્રયોજન-સંક્રમણ સંદર્ભે અભ્યાસ થવો ઘટે. તંત્રની સંરચનાનો અભ્યાસ ભાષાવિજ્ઞાનમાં પાયાની બાબત છે. ભાષાવિજ્ઞાન સંરચનાપરક છે. તે આવા સંદર્ભમાં આ ભૂમિકા ઉપર જ સંરચનાવાદી ભાષાવિજ્ઞાન વિકસ્યું છે. બીજી રીતે સંરચનાવાદ અધ્યયનની વિશિષ્ટ પદ્ધતિ છે. એનો વસ્તુલક્ષિતા અને વૈજ્ઞાનિકતા માટેનો આગ્રહ આધુનિક શોધસંશોધનના પ્રત્યેક ક્ષેત્રમાં સ્વીકારાયો છે. પિયગેટ કહે છે તેમ, અખિલાઈ, સ્વનિયમન અને રૂપાંતરની વિભાવનાઓ પર રચાયેલી આ શોધપદ્ધતિ માનવવિદ્યા અને ભાષાવિજ્ઞાન પૂરતી મર્યાદિત રહી નથી; પણ ગણિતવિદ્યા, ભૌતિકશાસ્ત્ર, જીવવિદ્યા, મનોવિજ્ઞાન તથા તત્ત્વજ્ઞાનમાં પણ અપનાવાઈ છે.
રશિયન સ્વરૂપવાદીઓએ રૂપરચનાને ટૅક્નિકના સમવાય તરીકે ઓળખાવી. એ રીતે તેઓ નવ્યવિવેચનની પરંપરા સાથે સામ્ય ધરાવતા થયા. આ સ્વરૂપવાદ જ્યારે ચૅક વિવેચકો પાસે આવ્યો ત્યારે તેમણે તેનું નામ ‘સંરચનાવાદ’ પાડ્યું. તેમણે જોયું કે રૂપરચનાને કેવળ છંદ, લય, અલંકાર જેવી યુક્તિઓના સમવાય તરીકે ઘટાવી ન શકાય. રોમન ઇન્ગાર્ડન સાહિત્યકૃતિને અનેકસ્તરી રચના તરીકે ઓળખાવે છે. આ અનેક સ્તર કૃતિના ધ્વનિથી દાર્શનિક પીઠિકા સુધીના છે. એટલે આ રીતે સંરચનાવાદની પ્રાથમિક ભૂમિકા સુધી આવી પહોંચાય છે.
વીસમી સદીની શરૂઆતના દાયકાઓમાં પ્રત્યેક વિદ્યાશાખાને સ્વયંસંપૂર્ણ સમજીને અભ્યાસ કરવામાં આવતો હતો. એનું પરિણામ એ આવ્યું કે આપણે આપણા સંકુલ પ્રશ્નોને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકી ન શક્યા. આ પરિસ્થિતિમાંથી બચવા સર્વાશ્લેષી વિજ્ઞાનની શોધમાં નીકળવું પડ્યું. નૃવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન, સાહિત્યવિવેચન – આ બધાંનો સંપુટ રચીને કોઈ બાબતને જોઈએ તો બૃહx પરિપ્રેક્ષ્ય ઊભો કર્યો એમ કહેવાય. આવા પરિપ્રેક્ષ્યમાં કોઈ બાબતને તપાસવાની પદ્ધતિમાં સંરચનાવાદી પદ્ધતિનો સમાવેશ કરી શકાય. આ કોઈ વાદ નથી પણ એક પદ્ધતિ છે એમ શોલ્સ કહે છે તે ઉચિત છે.
સંરચનાવાદ કેવળ સમકાલીન સાહિત્યને જોતો નથી, પણ સમગ્ર સાહિત્યને જુએ છે. વળી ‘સાહિત્ય’ સંજ્ઞાને બહુ ઉદાર બનીને જોવામાં આવે છે. એટલે સાહિત્ય, પત્રકારત્વ, લોકપ્રિય સાહિત્ય વગેરેનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે.
સામાન્ય રીતે સંરચનાવાદની સાથે ભાષાવિજ્ઞાનને સાંકળવામાં આવે છે, પણ કૃતિનો ભાષાવૈજ્ઞાનિક અભ્યાસ સંરચનાવાદી પદ્ધતિનો એક ભાગ માત્ર છે. શોલ્સે તેના પુસ્તક ‘સ્ટ્રક્ચરાલિઝમ’માં કહ્યું છે, ‘ભાષાવૈજ્ઞાનિક વર્ણન સાહિત્યિક પ્રતિભાવનો પ્રશ્ન ઉકેલી નહિ શકે, કારણ કે કાવ્ય કેવળ વિશિષ્ટ કાવ્યાત્મક નિબંધનમાં જ જો કોડ-સંદેશાઓ આપતું હોત તો પ્રશ્ન બહુ સરળ બનત; પણ કાવ્ય તો સર્જક અને ભાવકના આદાનપ્રદાન સાથે સંકળાયેલું છે. વળી છંદ, લય, અલંકાર જેવી યુક્તિઓથી તે સાંકેતિક લિપિ ધરાવતું થાય છે. એટલે ભાષાવિજ્ઞાન આપણા વતી કાવ્યનો મર્મ ઉઘાડવાનું નથી, એ તો આપણે જ શોધવો પડે.’
સંરચનાવાદી પદ્ધતિઓ વડે કોઈ પણ એકમને સાવ નાનામાં નાના એકમોમાં વિભાજિત કરી શકાય. વિવેચકો કહે છે કે જેમ અણુ વડે વિભુ જાણી શકાય તેમ ખંડ પરથી આપણે અખંડ સુધી જઈ શકીએ. નાટક અને કવિતા કરતાં કથાસાહિત્યમાં સંરચનાવાદી અભિગમ સારી રીતે પ્રયોજી શકાય છે. સંરચનાવાદ હંમેશાં બૃહx પરિપ્રેક્ષ્યનો આગ્રહ રાખે છે. એટલે નવલકથાની વિભાવના એવી હોવી જોઈએ કે તેમાં ગોવર્ધનરામથી માંડી સુરેશ જોષી સુધીના સર્જકોનો સમાવેશ કરી શકાય.
એક વિચારણા એવી પ્રવર્તે છે કે ભાષાપ્રયોગ ભાષા-પરિસ્થિતિ છે, કૃતિ સંસ્કૃતિ છે, આવી વિચારસરણીનું મહત્ત્વ એટલા માટે છે કે એમાં કોઈ પણ કૃતિની વાક્યરચનાનું સમર્થન સાંપડે છે. વાક્ય ભાષારૂઢિ અનુસાર કે તેથી જરા વેગળા પડીને ભલે રચાય, એનો સંભવ તો જીવનવિષયક પરિસ્થિતિઓમાંથી જ રચાયો હોય છે. સંરચના-શોધ આ રીતે કૃતિથી સંસ્કૃતિ સુધીના વ્યાપારમાં જવાનો રસ્તો કોરી આપે છે. સાહિત્ય-વિવેચન જો પોતાની સમગ્રતા સિદ્ધ કરવા માગતું હોય તો સંરચનાનો ઉપાય એને માટે કારગત નીવડી શકે. સંરચના જેવું મૂળગામી બીજું કશું નથી. કોઈ પણ સંરચના સંબંધોના બધા પ્રપંચને ન્યૂન કરી આપે છે અને મૂળગામી વ્યવસ્થિતિની સમ્મુખ કરે છે.
આ ભૂમિકાએ સંરચનાવાદી વિવેચન પાયાની પ્રવૃત્તિ છે. અન્યની રુચિ કે તેના કલાનુભવને ઘડવાનું અને પ્રેરવાનું વિવેચનાનું જૂનું કાર્ય અહીં કર્તવ્ય નથી મનાતું. પોતાના કલાનુભવની વિજ્ઞાનીય પ્રતીતિ રચવી એ જ અહીં કર્તવ્ય છે.
સંરચનાવાદી પૃથક્કરણનો આરંભ ભાષાકીય પૃથક્કરણથી થાય છે. વ્યાકરણવિષયક પરિભાષામાં કૃતિનું ભાષાકીય વિમર્શન (linguistic perception) વ્યક્ત થઈને સંરચનાના સાક્ષાત્કારમાં પરિણમીને નૂતન સંશ્લેષણનો રસ્તો નિશ્ચિત કરે છે. ભાષાના સામાન્ય માળખાને વશ થવાને બદલે એનાથી ઊફરા જવાનું વલણ વિશેષ હોવાથી સાહિત્યભાષાને વ્યાવર્તક ગણાઈ છે. યાકૉબ્સને આ સત્યને પદાન્વયધરી પરના પસંદગીધરીના પ્રક્ષેપ રૂપે વર્ણવ્યું છે.
સંરચનાવાદી ભૂમિકાનાં આ બધાં વર્ણનો સૂચવે છે કે વિવેચકે સાહિત્યભાષાને પૃથક્ કરીને આ પ્રક્ષેપો, વ્યાવર્તનો, તુલનાઓ કે વિશેષોને તારવવાં તથા કૃતિનું નવેસર સંશ્લેષણ કરવું. અહીં વિવેચકની સંશ્લેષક સહસર્જકતાનો સ્વીકાર છે. સંરચનાબોધ એને નવેસરના છતાં સહેજ પણ દૂરના નહિ એવા રૂપાંતરપરક સંરચનાની પ્રવૃત્તિમાં સક્રિય કરે છે.
અર્થના પ્રશ્નનો એક ઉકેલ સંરચનાવાદ અને સંકેતવિજ્ઞાન પોતે છે. એમાં ભાષાકીય ઉપરાંતનાં અર્થસૂચનોની વ્યાપક માંડણીએ પ્રશ્નને સવિશેષ મહત્ત્વ અપાયું છે. સમકાલિક-વિષમકાલિકના દ્વૈત વડે સૉસ્યૂરે ભાષાના અધ્યયનની બે ધરીઓ સૂચવી હતી અને સમકાલિક ધરીના અધ્યયનનો આગ્રહ રાખ્યો હતો. ભાષાનાં ઇતિહાસ, વ્યુત્પત્તિ કે ધ્વનિપરિવર્તનો પાછળ ઓગણીસમી સદીનાં વિષમકાલિક અધ્યયનોમાં ઘણો સમય ગયો હતો. એને લીધે ભાષાની સમગ્ર સંરચના તો મોટેભાગે અનાવૃત જ રહેલી. સંરચનાવાદ તેના સમગ્ર સ્વરૂપમાં ભાષાની સમકાલિક અધ્યયન-દૃષ્ટિનું પરિણામ છે. એટલે જે સમકાલિક છે તે સંરચનાવાદી છે.
સંરચનાવાદમાં કોઈ પણ આવિર્ભાવના ઘટકને સ્વતંત્રપણે વૈયક્તિક રૂપમાં જોનારી દૃષ્ટિનો વિરોધ છે. ઍટમિઝમથી સ્ટ્રક્ચરાલિઝમ (અણુવાદથી સંરચનાવાદ) એવી દાર્શનિકતાએ કરીને તે ઊલટું ઠરે છે. બધા ઘટકો અહીં સંરચિત છે. તેથી સંરચનાતપાસ અર્થસંભવની તપાસનો પર્યાય બની જાય છે. બધા સંરચનાવાદીઓએ અર્થસંભવ નક્કી કરતી ભાષાની આ ભેદકતાનો પોતપોતાની રીતે મહિમા કર્યો છે.
રશિયન સંકેતવિજ્ઞાની યુરી મિખાઇલૉવિચ લોત્મન સંરચનાને વિરોધસ્વરૂપ લેખે છે. એમનું માનવું છે કે સંરચનામાં વિરોધી તત્ત્વોનું સાયુજ્ય સધાય છે. જ્ઞાનવિજ્ઞાનની વિભિન્નતાઓમાં સર્વસાધારણ વસ્તુસંરચના છે, પણ એ પોતે તો વિરોધધર્મિતાએ કરીને જ અસ્તિત્વમાં આવે છે.
ભેદ તથા વિરોધ પર અવલંબિત વિચારણાનું આધુનિક રૂપ દેરિદામાં દૃષ્ટિગોચર થાય છે. તેઓ વર્ચસ્ ભોગવતા કોઈ પરમ અર્થને છતો કરવાની ચાલી આવતી ભ્રાન્ત પ્રણાલીના વિરોધી છે. અર્થની કોઈ પણ વાતમાં તેમની શ્રદ્ધા અર્થપ્રસરણથી ઢ થઈ છે.
અર્થસંભવ વિશે જવાબદાર ભેદદૃષ્ટિથી સંરચનાવાદી સાહિત્ય-પ્રવૃત્તિનું જરૂરી સીમાંકન સરળતાથી થઈ આવે છે. વ્યવહારભાષા અને સાહિત્યભાષાનું વ્યાવર્તન નક્કી કરવાથી આ અભિગમ અનુસારની વિવેચનાનો પાયો નંખાય છે. સાહિત્યિક ભાષાની ‘સાહિત્યિકતા’ બધી રીતે લક્ષ્યબિંદુ છે. યાકૉબ્સન અને બાર્થે એ દિશામાં કેટલીક મહત્ત્વની વિભાવનાઓ અને સૈદ્ધાંતિકતાઓ રજૂ કરી છે.
યાકૉબ્સન કહે છે કે વિન્યાસ પર થયેલો પસંદગીનો પરમ પ્રક્ષેપ કવિતાને સત્ત્વવન્તી બનાવે છે. કવિતા પ્રતીકાત્મક, સંકુલ અને સંદિગ્ધ અર્થવલયો આંકતી ભાષા વડે સત્ત્વશીલ બને છે એ જાણીતું છે. ભાષાનો એવો વિલક્ષણ આવિષ્કાર પ્રક્ષેપને આભારી છે.
ફ્રેન્ચ સંરચનાવાદનાં મૂળ સૉસ્યૂરમાં છે, છતાં એ પર યાકૉબ્સનની ઊંડી અસર છે. જોકે એનો વિકાસ રશિયન સંકેતવિજ્ઞાનીઓની રીતે-ભાતે નથી થયો, છતાં ‘મૉર્ફોલૉજી ઑવ્ ધ ફોકટેલ’ના કર્તા વી. આઇ. પ્રોપનાં કથનપરક સંરચનાનાં અધ્યયનોનો ફ્રાન્સમાં વ્યાપક સ્વીકાર થયેલો છે.
એક સંકેતવિજ્ઞાની પર હોય એમ લોત્મન પર સંસ્કૃતિ અને મનુષ્યને વિશેના સમગ્રદર્શી વિજ્ઞાનીય અભિગમનો પૂરો પ્રભાવ છે. સાહિત્યિક ભાષાની વાત કરતાં એમણે પૂછ્યું હતું, કવિતા એવું તે શું કરે છે જે વ્યવહારભાષા નથી કરી શકતી ? એમનો જવાબ એ છે કે કવિતા ઘણી સંકુલ માહિતી વ્યક્ત કરી શકે છે. સામાન્ય ભાષામાં એ નથી બનતું, કેમ કે સામાન્ય ભાષાની સંયોજના સાદી હોય છે, જ્યારે કવિતાની સંયોજના અતિ સંકુલ હોય છે. કવિતાનું આ કાર્ય એની સમગ્ર સંરચનાને આભારી છે. કાવ્યની બાબતમાં માહિતી સંરચના જોડે અવિશ્લેષ્ય હોય છે. પોતાના ‘સ્ટ્રક્ચર’ નામક પુસ્તકમાં લોત્મને કલાને જ એક પ્રકારની ભાષા કહી છે. એનો અર્થ એ કે સંક્રમણનું પાયાનું કાર્ય તો એ કરે જ છે, પણ બીજાં સંક્રમણતંત્રોથી જુદી જ રીતે કરે છે. ‘સ્ટ્રક્ચર’માં લોત્મનના કલાપરક સંકેતવિજ્ઞાનીય સિદ્ધાંતનું સુંદર નિરૂપણ છે. વળી એમાં આકારવાદ, સંરચનાવાદ અને સંકેતવિજ્ઞાનની સંમિશ્ર ભૂમિકાનો સાહિત્યવિચાર પણ ઊપસ્યો છે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ