સંરચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર (Structural Geology)

January, 2007

સંરચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર (Structural Geology) : ભૂસ્તરશાસ્ત્રની વિષયશાખા. પૃથ્વીનો પોપડો ક્યારેય શાંત સ્થિતિમાં હોતો નથી. તેની જુદી જુદી ઊંડાઈના જુદા જુદા ભાગોમાં તાપમાન અને દાબનાં પ્રતિબળો (stresses) કાર્યરત હોય છે. પ્રતિબળોમાંથી ઉદ્ભવતી ઊર્જા પોપડામાં ભેગી થતી રહે છે. વધુ પડતી સંચિત થયેલી ઊર્જા પોપડાના જે તે સ્થાનમાં વિક્ષેપ ઊભો કરે છે. આ વિક્ષેપોને કારણે ત્યાંના ખડકોમાં વિરૂપતા (deformation) આવે છે. વિરૂપતા ખડકોની ગોઠવણીમાં ફેરફારો લાવી મૂકે છે. વિરૂપતા સાથે સંકળાયેલી ભૂસ્તરશાસ્ત્રની વિષયશાખાને સંરચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર કહે છે.

ઉપર્યુક્ત સંદર્ભોથી જોતાં, આ વિષયશાખા ખડકભંગાણ, સાંધા, ફાટો, અપરૂપણ, સ્તરભંગ, ગેડીકરણ જેવી વિવિધ રચનાઓનો અભ્યાસ રજૂ કરે છે. ભૂપૃષ્ઠ-તકતીઓનું સંચલન, ભૂકંપ, જ્વાળામુખી, ઊર્ધ્વગમન, અધોગમન (અવતલન) વગેરે જેવી ક્રિયાઓનો અભ્યાસ પણ સંરચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર સાથે સંકળાયેલો છે. ખડકોમાં થતી ઘર્ષણક્રિયા, ખડકદળમાં રહેલા ઘટકોમાં ઉદ્ભવતી ભંગાણ અને કચરાવાની ક્રિયા, ઘટકોનું પુનર્નિર્માણ, નવી કણરચનાઓ અને સંરચનાઓનો ઉદ્ભવ, પુન:સ્ફટિકીકરણથી માંડીને મોટા પાયા પરની સ્તરભંગની, ધસારા-અતિધસારા અને નૅપ જેવી રચનાઓ તેમજ ગિરિનિર્માણ અને ભૂસંચલન-ક્રિયાઓનો વિગતવાર અભ્યાસ પણ આ જ વિષયશાખા દ્વારા કરી શકાય છે.

ખડકોમાંનાં રચનાત્મક લક્ષણોના અભ્યાસને રચનાત્મક ખડકવિદ્યા તરીકે ઓળખાવાય છે. એ જ રીતે મીઠાની ઘૂમટઆકાર-રચનાઓ, ફાટખીણો, દ્વીપચાપો, મધ્યમહાસાગરીય ડુંગરધારો, ખંડીય થાળાં, સમુદ્રખાઈઓ, ખંડો અને મહાસાગરીય વિસ્તરણ જેવાં મોટા પાયા પરનાં રચનાત્મક લક્ષણોના અભ્યાસને ‘ભૂગતિવિદ્યા’, ‘ભૂસંચલનવિદ્યા’ જેવાં જુદાં જુદાં નામ અપાયાં છે. પોપડામાં થતા વિવિધ પ્રકારના આમૂલ ફેરફારો સમજવા માટે અલગ અલગ નમૂનાઓ (મૉડેલો) પણ તૈયાર કરવામાં આવે છે. આવા નમૂનાઓ તેમજ નકશાઓના અભ્યાસથી ખડકો પર લાગતાં પ્રતિબળોએ કેવી રીતે કાર્ય કર્યું હશે તેનું પણ સરળતાથી અર્થઘટન થઈ શકે છે.

ગિરીશભાઈ પંડ્યા