સંયુક્ત રાષ્ટ્રો – સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) (UNO)

January, 2007

સંયુક્ત રાષ્ટ્રોસંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) (UNO)

વિશ્વના સ્વતંત્ર દેશો માટે અને તેમની વચ્ચે વિવિધ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય વિકાસ, સહકાર અને સંકલન અર્થે કામ કરતી સંસ્થા. સંયુક્ત રાષ્ટ્રસંઘ કે સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થાને યુદ્ધની સંસ્થા જોડે ગહેરો સંબંધ છે. કિનીથ વાલ્ટ્ઝ (Kenneth Walts) યુદ્ધના અસ્તિત્વ માટે જવાબદાર ત્રણ સિદ્ધાંતોની ચર્ચા કરે છે. તેમાંના એક સિદ્ધાંત મુજબ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજ્યો વચ્ચેની અરાજકતા (anarchy) કે કોઈ ઉપરી રાજ્યની ગેરહાજરી સાર્વભૌમ રાજ્યો વચ્ચેનાં યુદ્ધ માટે જવાબદાર છે. મૉર્ગેન્થો રાષ્ટ્રીય સમુદાય અને આંતરરાષ્ટ્રીય સમુદાય વચ્ચેના ભેદની ચર્ચા કરતાં પ્રશ્ન કરે છે : શા માટે રાષ્ટ્રીય સમુદાયમાં શાંતિ અને પ્રમાણમાં વ્યવસ્થા ટકી રહે છે અને શા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તે નથી ? તેમના મતે આ પ્રશ્નનો જવાબ સાર્વભૌમ રાજ્યની પ્રથામાં જ રહેલો છે.

યુદ્ધ એ નવી સંસ્થા નથી. સંગઠિત યુદ્ધનો પુરાવો જેરિચો(Jericho)માં દશ હજાર વર્ષ પહેલાં મળી આવ્યો છે. આ યુદ્ધોમાં શિસ્ત અને સંયમ દેખાતાં ન હતાં. યુદ્ધ એ એવું મૃત્યુયંત્ર હતું જેનો હેતુ અમુક પ્રજાને ખતમ કરવાનો, તેમની વસ્તુઓ ઝૂંટવી લેવાનો (જેમાં સ્ત્રીઓ, ગુલામો અને વસ્તુઓનો સમાવેશ થતો) હતો.  1618થી 1648ના ત્રીસ વર્ષના યુદ્ધમાં ખૂબ જ વિનાશકતા આચરાઈ. અઢારમી સદીમાં યુદ્ધનું સંસ્થીકરણ કરવાના પ્રયત્નો થયા. કાર્લવોહન ક્લોગ્વિત્ઝે (Karlvohn Clgwitz) યુદ્ધનું આદર્શ સ્વરૂપ કેવું હોય તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો. એ મુજબ યુદ્ધ એ રાજ્યનીતિનું સાધન છે (continuation of politics by other means). બીજાં સાધનો પણ તેની સાથે (મુત્સદ્દીગીરી જેવાં) વપરાવાં જોઈએ અને છેવટના સંજોગોમાં જ તેનો ઉપયોગ થવો જોઈએ. યુદ્ધના આ ખ્યાલમાં સમતુલન અને વિવેકના ઉપયોગ પર ભાર મુકાતો હતો. યુદ્ધની સંસ્થાએ રાજ્યના અસ્તિત્વને સ્વીકારીને કામ કરવાનું હતું; પરંતુ યુદ્ધના આ આદર્શ કે ધોરણનો ભંગ વ્યવહારમાં વારંવાર થતો જ હતો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સમગ્ર યુરોપ અને વિશ્વ પર પણ એકચક્રી સત્તા સ્થાપવાના પ્રયત્નો થયા. વળી આ યુદ્ધો વ્યાપ અને માત્રામાં પ્રમાણભાન વગરનાં હતાં.

ઓગણીસમી અને વીસમી સદીનાં યુદ્ધોનાં કારણો અનેક છે અને વળી વિવાદાસ્પદ છે; પરંતુ રાજ્યોની દૃદૃષ્ટિએ તેનો એકમાત્ર ઉકેલ કોઈક પ્રકારની આંતરરાષ્ટ્રીય સરકારની સ્થાપના છે.

સંયુક્ત રાષ્ટ્રોનો ધ્વજ

1814 અને 1815નું ‘હોલી એલાયન્સ’ (Holy Alliance) એ એક પ્રયોગ હતો. મહાસત્તાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સંબંધોનું સંચાલન – આ જોડાણનો આધાર હતો. યુરોપીય સંઘ (Concert of Europe) એ આ પછીનો પ્રયોગ હતો; પરંતુ સંઘને સંસ્થાકીય સ્વરૂપ ન હતું. જોકે લગભગ સો વર્ષ સુધી યુરોપમાં શાંતિ જાળવવામાં તેને સફળતા મળી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘ(League of Nations)ની સ્થાપના થઈ. સંગઠનના સંસ્થાકરણની દૃદૃષ્ટિએ આ સૌથી પ્રગતિશીલ પ્રયત્ન હતો; પરંતુ મહાસત્તાઓનું વર્ચસ્, વ્યવહારમાં તેમની વચ્ચે સંમતિનો અભાવ, સંગઠનની ભૂમિકા અંગે મહાસત્તાઓમાં મતભેદ, બંધારણીય ક્ષતિઓ અને વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રથામાં અસ્તિત્વ ધરાવતી સત્તાની વહેંચણીનું પ્રતિબિંબ રાષ્ટ્રસંઘના સંગઠનના માળખામાં ન પડવાને કારણે રાષ્ટ્રસંઘ વિશ્વસરકાર બની શક્યો નહિ અને વધુ મહત્ત્વની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવામાં તે નિષ્ફળ ગયો. સામૂહિક સલામતીના ખ્યાલનો પાયો એ છે કે રાજ્યો સ્વહિતના ખ્યાલની ઉપર જઈને શાંતિ માટેના કોઈ પણ ખતરાને પોતાને માટે ભયરૂપ ગણે. પણ આ વિચાર અમલી બન્યો જ નહિ. રાષ્ટ્રસંઘની નિર્ણય લેવાની પ્રક્રિયા, જેમાં સર્વાનુમતિ જરૂરી હતી, તેણે કટોકટીના પ્રસંગે નિર્ણયો લેવામાં રાષ્ટ્રસંઘને અપંગ બનાવી દીધું હતું.

બીજા વિશ્વયુદ્ધનો સંહાર અને છેવટે અણુશસ્ત્રોનો યુદ્ધના અંત માટે ઉપયોગ યુદ્ધ રોકવાના ઉકેલની અનિવાર્યતા જ દર્શાવતા હતા અને નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત ઊભી કરતા હતા, પછી ભલે આવી સંસ્થા વિફળ થઈ હોય. આનો અર્થ એવો નથી કે રાજ્યો બીજા વિકલ્પો અજમાવશે જ નહિ; બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી પણ સત્તાની સમતુલા પર આધારિત લશ્કરી જોડાણો અને પ્રતિજોડાણો રચાવાનાં જ હતાં; પરંતુ વિશ્વ સમુદાયનો નૈતિક ટેકો પ્રાપ્ત કરનાર વિશ્વસરકાર જેવું આંતરરાષ્ટ્રીય સંગઠન જ વિશ્વ સમુદાયની સ્વીકૃતિ પ્રાપ્ત કરી શકે એમ હતું. વિશ્વ સમુદાયની સ્વીકૃતિ પામી શકે એવું વિશ્વસરકાર જેવું સંગઠન અને એ રીતની તેની કામગીરી એકવીસમી સદીના યુનોના મહત્ત્વના પ્રશ્નો છે જ. આ સિવાય પણ આંતરરાષ્ટ્રીય સાર્વભૌમ રાજ્યોની પ્રથા આંતરરાષ્ટ્રીય પ્રથાનો આધાર હોવાથી આંતરરાષ્ટ્રીય સંગઠન અનિવાર્ય બને છે. આંતરરાષ્ટ્રીય સંગઠનની રચના આદર્શ સ્વરૂપ બને કે તેની કામગીરી અસરકારક બને તેની આડે સાર્વભૌમ રાજ્યોની પ્રથા જ આવે છે.

‘સંયુક્ત રાષ્ટ્રો’ (‘United Nations’) શબ્દપ્રયોગનો જન્મ 1 જાન્યુઆરી, 1942ની વૉશિંગ્ટનની જાહેરાતની ઘટના સાથે સંકળાયેલો છે. આ જાહેરાત મુજબ ‘સંયુક્ત રાષ્ટ્રો’ તરીકે ઓળખાયેલાં 26 રાષ્ટ્રોએ જર્મની, ઇટાલી અને જાપાન સામે પોતાની બધી જ સાધન-સામગ્રી વાપરવાનો નિર્ણય કર્યો. એ જ રીતે 30 ઑક્ટોબર, 1943ની ચાર રાષ્ટ્રોની જાહેરાતમાં પણ મિત્રરાજ્યોને ‘સંયુક્ત રાષ્ટ્રો’ તરીકે ઓળખાવવામાં આવ્યાં. યુનોના બંધારણની કલમ 3 અને 106માં પણ આ જાહેરાતોનો ઉલ્લેખ છે. આમ ‘સંયુક્ત રાષ્ટ્રો’ શબ્દનો ઉપયોગ યુદ્ધના વાતાવરણમાં થયો હતો. આથી ‘યુએન’ (‘UN’) શબ્દસંજ્ઞાનો ઉપયોગ કરવાને બદલે શરૂઆતના વર્ષમાં ‘UNO’ (‘United Nations Organization’) કે ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ’ શબ્દસંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવતો હતો; જેથી UNOને UNથી અલગ પાડી શકાય. આજે આ શબ્દપ્રયોગનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. UN(મુખ્ય – મૂળ સંગઠન)ને તેની વિશિષ્ટ સંસ્થાઓ(specialized agencies)થી અલગ કરવા માટે જ તેનો ઉપયોગ થાય છે. આજે બીજા વિશ્વયુદ્ધનાં મિત્રરાજ્યોને ‘સંયુક્ત રાષ્ટ્રો’ તરીકે ઓળખવાને બદલે મિત્રરાજ્યો (Allies) તરીકે ઓળખવામાં આવે છે. ‘સંયુક્ત રાષ્ટ્રસંઘે’ આજે ‘સંયુક્ત રાષ્ટ્ર’ શબ્દપ્રયોગને પોતાનામાં સમાવી લીધો છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના બંધારણની કાચી રૂપરેખા યુ.એસ., યુ.કે., યુ.એસ.એસ.આર. અને તેમના મિત્રોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તૈયાર કરી હતી. યુનોના બંધારણનો સ્વીકાર જૂન, 1945માં સાન ફ્રાન્સિસ્કો ખાતે પચાસ રાજ્યોએ કર્યો. યુનોની સ્થાપના 24 ઑક્ટોબર, 1945ના રોજ થઈ; ત્યારથી તેનું ખતપત્ર (charter) અમલમાં આવ્યું. 1945માં યુનોના એકાવન (મૂળ) સભ્યો હતા. યુનોના ખતપત્રના અમલ પછી તેમાં મૂળભૂત ફેરફારો થયા નથી.

યુનોના સભ્યપદમાં વિસ્તાર થતો આવ્યો છે. તેમાં બે મુખ્ય પરિબળો જવાબદાર છે : સંસ્થાનવાદનો અંત અને કેટલાંક રાજ્યોનું વિઘટન. 1960ના અંત સુધીમાં યુનોના 100 સભ્યો બન્યા. આ સંખ્યા વધીને 1984ના અંતમાં 159 બની. જુલાઈ, 1993માં યુનોના 184 સભ્યો હતા. આજે (2006) તેની સભ્યસંખ્યા 191ની છે. આ વિશ્વસંગઠનનો એક ગુણ એ છે કે તે એકંદરે તેના સમગ્ર ઇતિહાસ દરમિયાન સાર્વત્રિક સંગઠન રહ્યું છે, એનો અર્થ એ કે ઘણાં બધાં મતમતાંતર ધરાવતા, વિવિધ કદના દેશો તેના સભ્યો છે. એક મોટો અપવાદ 1949થી 1971 સુધીના સામ્યવાદી ચીનનો હતો. જોકે આ સમય દરમિયાન ચીનનું પ્રતિનિધિત્વ તાઇવાન કરતું હતું.

સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્ય હેતુઓ ટૂંકમાં જોઈએ તો તે આ છે : (1) આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી; તે સામે ઊભી થતી ધમકીઓ રોકવી અને દૂર કરવી; આક્રમણનાં પગલાં અટકાવવાં અને શાંતિમય સાધનો, ન્યાય અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો દ્વારા ઝઘડાઓ પતાવવા, જેથી આંતરરાષ્ટ્રીય શાંતિ માટેનો ખતરો ઊભો ન થાય.

(2) સમાન હકો અને આત્મનિર્ણયના સિદ્ધાંતો અનુસાર રાજ્યો વચ્ચે મૈત્રીભર્યા સંબંધો વિકસાવવા.

(3) આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, માનવતાવાદી સ્વરૂપના પ્રશ્નો હલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવો.

(4) આ હેતુઓ સિદ્ધ કરવા એક સંકલનકેન્દ્ર બનાવવું. સંગઠનના હેતુઓ સિદ્ધ કરવા નીચેના સિદ્ધાંતોને લક્ષમાં લેવાનું ખતપત્ર જણાવે છે :

(I) રાજ્યો સાર્વભૌમ અને સમાન છે. (II) સભ્યપદના લાભ લેવા માટે સભ્યો પોતાની સભ્યો તરીકેની જવાબદારી અદા કરશે. (III) સભ્યો આંતરરાષ્ટ્રીય ઝઘડા પતાવવા માટે શાંતિમય સાધનોનો ઉપયોગ કરશે. (IV) બંધારણની જવાબદારી અદા કરવા તૈયાર હોય તેવાં બીજાં બિન-સભ્ય રાજ્યોને સભ્યપદ મળશે. (V) સભ્યો યુનોને બધી મદદ કરશે અને યુનો શિક્ષાત્મક પગલાં લે ત્યારે તેમાં અડચણરૂપ બનશે નહિ. (VI) યુનોના સભ્યો ન હોય તેવાં રાજ્યો પણ યુનોના સિદ્ધાંત અનુસાર વર્તે તે આ સંગઠન જોશે. (VII) યુનોનું ખતપત્ર તેને તેનાં સભ્ય રાજ્યોના આંતરિક મામલામાં દખલ કરવાનો અધિકાર આપતું નથી (domestic jurisdiction), પરંતુ આ સિદ્ધાંતનો અમલ ખતપત્રના પ્રકરણ સાત (7) હેઠળ લેવાતાં શિક્ષાત્મક પગલાંની આડે આવશે નહિ.

સંયુક્ત રાષ્ટ્રસંઘનાં મુખ્ય અંગો છ છે : (1) જનરલ એસેમ્બ્લી કે મહાસભા (General Assembly); (2) સલામતી સમિતિ (Security Council); (3) આર્થિક અને સામાજિક પરિષદ (Economic and Social Council); (4) ટ્રસ્ટીશિપ પરિષદ (Trusteeship Council); (5) આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (International Court of Justice); (6) સચિવાલય (Secretariat).

રાજ્યોના સભ્યપદથી યુનોનું સંગઠન રચાયું છે; પરંતુ સભ્ય ન હોય તેવાં રાજ્યોને વિવિધ સંગઠનોની પ્રવૃત્તિઓ માટે તે તક આપે છે – ખાસ કરીને માનવહકોના અને પરિસરરક્ષણના ક્ષેત્રમાં. આજે રાષ્ટ્રીય હિતનો ખ્યાલ બદલાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સિવિલ સોસાયટી(International Civil Society)ના વિકાસમાં યુનો યોગદાન આપે છે.

મહાસભા યુનોનું ઘણું કામ કરે છે. દર વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં તેની બેઠક મળે છે. ખાસ પ્રશ્નોની ચર્ચા કરવા તેની વિશેષ બેઠક પણ મળે છે. તે બજેટ મંજૂર કરે છે, નિ:શસ્ત્રીકરણથી માંડીને માનવ-હકો સુધીના વિવિધ પ્રશ્નો ચર્ચે છે અને તેના પર ઠરાવો કરે છે; સચિવાલય અને વિવિધ વિશિષ્ટ અંગોની દેખરેખ રાખે છે. વળી સંસ્થાનવાદના અંતની પ્રક્રિયાને સરળ બનાવવાની અને આગળ વધારવાની અતિ મહત્ત્વની કામગીરી તેણે કરી છે. માનવહકોની માવજત કરવામાં પણ તેણે ભાગ ભજવ્યો છે. નવા સ્વતંત્ર થયેલા દેશોમાં ચૂંટણીપ્રક્રિયાના નિરીક્ષણમાં અને વિવાદાસ્પદ વિસ્તારોમાં લોકમત કે જનપૃચ્છાના સંચાલનમાં પણ તેણે ભાગ ભજવ્યો છે; જેમ કે, વેસ્ટ ઇરિયન અને ઈસ્ટ તિમોરમાં. મહાસભાને પેટા અંગો છે; જેમ કે, યુનાઇટેડ નૅશન્સ ચિલ્ડ્રન્સ ઇમર્જન્સી ફંડ (UNICEF), ઑફિસ ઑવ્ ધી યુનાઇટેડ નૅશન્સ હાઇકમિશનર ફૉર રેફ્યુજિસ (UNHCR) (જેને નોબેલ શાંતિ પારિતોષિક મળ્યું છે), ધ યુનાઇટેડ નૅશન્સ કૉન્ફરન્સ ઑવ્ ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ (UNCTAD), યુનાઇટેડ નૅશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP), યુનાઇટેડ નૅશન્સ એન્વાયરન્મેન્ટ પ્રોગ્રામ (UNEP). મહાસભાનું મોટાભાગનું કામ વિશિષ્ટ હેતુઓ માટેની કાયમી કે કામચલાઉ સમિતિઓ દ્વારા થાય છે.

મહાસભા ચર્ચાઓ દ્વારા રાજ્યોને ઊભરો બહાર કાઢવાની, આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની તક આપે છે. ખતપત્રના કાર્યક્ષેત્ર હેઠળ આવતી કોઈ પણ બાબતની તે ચર્ચા કરી શકે છે અને યુનોના કોઈ પણ અંગને કે સભ્ય રાજ્યોને ભલામણ કરી શકે છે, ઠરાવો કરી શકે છે; પરંતુ યુનોના બંધારણની બારમી કલમ હેઠળ જ્યારે સલામતી સમિતિ કોઈ ઝઘડા કે પરિસ્થિતિ અંગે પોતાને સોંપાયેલ કાર્ય કરતી હોય ત્યારે મહાસભા એ ઝઘડા અંગે કોઈ પણ ભલામણ કરશે નહિ, સિવાય કે સલામતી સમિતિ એવી ભલામણ કરે  પરંતુ એ સિવાય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના સામાન્ય સિદ્ધાંતોની ચર્ચા મહાસભા કરી શકે છે. મહાસભામાં કોઈ દેશ પોતાની રજૂઆત કરવા એકથી વધુ સભ્યો મોકલી શકે છે, પરંતુ દરેક દેશને એક જ મત હોય છે. મહાસભામાં મહત્ત્વના પ્રશ્નો પર હાજર રહેલા અને મત આપતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતીથી નિર્ણય લેવાય છે.

આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાની પ્રાથમિક કે મૂળભૂત જવાબદારી (primary responsibility) સલામતી સમિતિની છે. તેમાં પંદર સભ્યો છે, જેમાંના પાંચનું સભ્યપદ કાયમી છે. ચીની પ્રજાસત્તાક, યુ.એસ., રશિયા, બ્રિટન અને ફ્રાન્સ કાયમી સભ્યો છે. બીજા દશ બિનકાયમી સભ્યોની ચૂંટણી (1965ના બંધારણીય સુધારા પહેલાં આ સંખ્યા 6ની હતી) બે વર્ષ માટે મહાસભા દ્વારા થાય છે. સલામતી સમિતિને નિર્ણય લેવાનો અધિકાર છે, જે સભ્યોને બંધનકર્તા બને છે.

સલામતી સમિતિના દરેક સભ્યને એક મત છે. તેની કાર્યપદ્ધતિ(procedure)ને સ્પર્શતી બાબતો અંગે તથા મૂળભૂત પ્રશ્નો અંગે 9 હકારાત્મક મતોથી નિર્ણય લઈ શકાય છે, પરંતુ તેમાં પાંચ કાયમી સભ્યોના હકારાત્મક મતો જરૂરી છે. ટૂંકમાં, કોઈ પણ કાયમી સભ્ય પોતાના નકારાત્મક મતથી મૂળભૂત પ્રશ્નો પરના કોઈ પણ ઠરાવને પસાર થતાં અટકાવી શકે છે. નકારાત્મક મત એટલે ‘વીટો’ વાપરવાની સત્તા. પ્રકરણ 6 હેઠળ ઝઘડાનો પક્ષકાર પોતે મત આપી શકે નહિ. પાંચ કાયમી સભ્યોને અપાયેલ નિષેધાત્મક મત(Veto  વીટો)નો અધિકાર એ ધારણા પર આધારિત હતો કે જો કોઈ પણ મહાસત્તા (પાંચ કાયમી સભ્યો) સંમત ન થાય તો યુનોના નિર્ણયનો અમલ સફળ બનશે નહિ.

વીટોના અધિકારનો સતત ઉપયોગ કે તેના ઉપયોગનો ભય સલામતી સમિતિ અને વિશ્વને સતાવતો રહ્યો છે. શીતયુદ્ધનો સમય એ વીટોના ઉપયોગ માટે સૌથી ચર્ચાસ્પદ રહ્યો છે. જોકે વીટોના વિવિધ દેશો દ્વારા ઉપયોગના આંકડાઓ છેતરામણા હોય છે. જો કોઈ ઠરાવને બે તૃતીયાંશ બહુમતી મળે એમ ન હોય તો કાયમી સભ્ય વીટોના સીધા ઉપયોગને ટાળે છે. 1970 અને 1980ના દાયકામાં પશ્ચિમી દેશો સોવિયેટ સંઘને એકલા પાડી દેવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા.

સલામતી સમિતિ અન્ય સભ્ય દેશોને તેમના ઝઘડાઓની શાંતિમય પતાવટ કરવા માટે છઠ્ઠા પ્રકરણ હેઠળ પ્રાપ્ત થયેલી સત્તાઓનો ઉપયોગ કરવા કહી શકે છે. આવી જોગવાઈઓ ખતપત્ર કલમ 33થી 37માં કરવામાં આવી છે; પરંતુ તે છતાં શાંતિમય સાધનોથી ઝઘડાની પતાવટ ન થાય તો તે બાબતને સાતમા પ્રકરણ (7) હેઠળ લઈ શકે છે. ખતપત્રની કલમ 39 મુજબ શાંતિ માટે ખતરો ઊભો થયો છે કે નહિ અથવા આક્રમણ થયું છે કે નહિ તે સલામતી સમિતિ નક્કી કરે છે. કલમ 41 મુજબ તે આક્રમક રાજ્ય સાથેના આર્થિક, મુત્સદ્દી સંબંધો તોડવા અને સંવહનનાં સાધનોનો સંપર્ક તોડવા કહી શકે છે; આ પગલાં જો અપૂરતાં લાગે તો કલમ 42 હેઠળ હવાઈ, દરિયાઈ કે ભૂમિમાર્ગે બળનાં સાધનોનો ઉપયોગ તે કરી શકે છે. આ કાર્યમાં સભ્યોએ તેને સહકાર આપવાનો રહે છે. પોતાનાં લશ્કરી દળોમાં યુનોના ઉપયોગ માટે તેમણે અમુક ભાગ અનામત રાખવાનો રહે છે. આક્રમક સામે પગલાં લેવા માટે કમ-સે-કમ સભ્ય રાજ્યોએ યુનોનાં લશ્કરી દળોને જે તે દેશમાંથી પસાર થવાનો રસ્તો આપવાનો (right to passage) હોય છે. યુનોને લશ્કરી બાબતોમાં સલાહ આપવા માટે એક લશ્કરી સલાહકાર સમિતિ(military staff committee)ની વાત યુનોના ખતપત્રમાં છે. તેની એકાવન (51)મી કલમ મુજબ સલામતી સમિતિને અપાયેલી ઉપરની સત્તાઓ સભ્ય દેશોના સ્વબચાવ(self-defence)ના અધિકારનું હનન કરતી નથી, પરંતુ કાનૂની રીતે જ્યાં સુધી સલામતી સમિતિ કંઈ પગલાં ન લે ત્યાં સુધી આ અધિકાર ચાલુ રહે છે. વળી પોતાના રક્ષણ માટે ખતપત્રની 52મી કલમ મુજબ સભ્યો પ્રાદેશિક સંગઠનોનો ઉપયોગ કરી શકે છે. ખુદ યુનો પણ આ પ્રાદેશિક સંગઠનોનો ઉપયોગ કરી શકે છે. તેણે આવું કેટલાક પ્રસંગોએ કર્યું પણ છે. તેનાં ઉદાહરણો યુગોસ્લાવિયા અને સોમાલિયા જેવા દેશો છે. પરંતુ આ સંગઠનોનો હેતુ અને એમની પ્રવૃત્તિઓ યુનોના સિદ્ધાંતો અને હેતુઓ સાથે સુસંગત હોવાં જોઈએ.

1945થી 1992 દરમિયાન વીટોના ઉપયોગના આંકડાઓ જોઈએ તો સોવિયેત સંઘે 114 વાર, યુ.એસે. 69 વાર, બ્રિટને 30 વાર, ફ્રાન્સે 18 વાર અને ચીને 3 વાર વીટોનો ઉપયોગ કર્યો હતો. સમયગાળાની દૃષ્ટિએ વીટોની વહેંચણી કરવામાં આવે તો વીટોના ઉપયોગની સંખ્યા નીચે પ્રમાણે હતી. (જુઓ સારણી 1).

સારણી 1 : સલામતી સમિતિ : કાયમી સભ્યો દ્વારાવીટોના ઉપયોગ અંગેની વિગતો

ચીન ફ્રાંસ બ્રિટન અમેરિકા સોવિયેત સંઘ
1946-55 : 01 02 0 0 75
1956-65 : 0 02 03 0 26
1966-75 : 02 02 08 12 07
1975-85 : 0 09 11 34 06
1985-92 : 0 03 08 23 0

વીટોને કારણે સલામતી સમિતિ નિર્ણયો લેવામાં સ્થગિત થઈ જતી હતી. મહત્ત્વની આંતરરાષ્ટ્રીય કટોકટીમાં તે કશું પણ કરવા અસમર્થ બનતી હતી, ખાસ કરીને જે ઝઘડાઓમાં તેના કાયમી સભ્યો સંડોવાયેલા હોય તેમાં; દા.ત., સુએઝ નહેરની કટોકટી (1956), હંગેરી (1956), વિયેટનામ (194675), ચીન-વિયેટનામ યુદ્ધ (1979). 1980ના મધ્ય ભાગ પછી સલામતી સમિતિ આવાં કાર્યોમાં વધુ સક્રિય બની છે.

રાષ્ટ્રસંઘ(લીગ ઑવ્ નૅશન્સ)ની તુલનામાં સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) પાસે આક્રમક રાજ્યો સામે પગલાં લેવા દબાણ કરવાનાં વધુ અસરકારક સાધનો હશે તેમજ કટોકટીમાં નિર્ણય લેવા માટેની વધુ સારી પદ્ધતિઓ હશે એવી ધારણા હતી; પરંતુ યુનોની કાયમી લશ્કરી સલાહકારક સમિતિ, કાયમી લશ્કર કે સભ્યો દ્વારા યુનોની કામગીરી માટે લશ્કરી દળો પૂરાં પાડવાના કરારો કરી શક્યું નથી. અમુક અસાધારણ સંજોગો સિવાય શિક્ષાત્મક પગલાં (Enforcement Actions) લેવાના નિર્ણયો લઈ શક્યું નથી. શિક્ષાત્મક પગલાં લેવાની વાસ્તવિક જવાબદારી શીતયુદ્ધ દરમિયાન નાટો કે વૉરસો સંગઠન જેવાં પ્રાદેશિક સંગઠનોએ જ ઉપાડી હતી; એટલું જ નહિ, પણ નિરીક્ષણની જવાબદારી પણ શીતયુદ્ધ દરમિયાન તે ઉપાડી શક્યું નથી. યુનો સામે શીતયુદ્ધ દરમિયાન અને તેના અંત પછી પણ એક આક્ષેપ થયો છે કે તે કોઈ ચોક્કસ દેશો કે દેશના સ્વાર્થ માટે ઓઠા (front) તરીકે કામ કરે છે અને તેનાં પગલાં વાસ્તવમાં સામૂહિક સલામતીનાં પગલાં નથી; પરંતુ વધુ મહત્ત્વની બાબત એ છે કે યુનોના ઇતિહાસમાં શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્ણય જ ઓછા પ્રસંગોએ થયો છે.

આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે યુનો જેવી સંસ્થા રચાય અને આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સંઘર્ષોમાં યુનો નિરુપાય બની રહે, માત્ર પ્રેક્ષક તરીકે ઘટનાને જુએ એ પણ આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્વીકાર્ય ન હતું. પ્રકરણ 7 અમલમાં ન મૂકી શકાતું હોવાથી સહવિકલ્પોનો ઉપયોગ થાય છે. યુનોની સલામતી સમિતિ કે મહાસભા આવા સંજોગોમાં આક્રમકના આક્રમણને વખોડવાનો ઠરાવ કરે છે. કમ-સે-કમ આક્રમકે આક્રમણ કર્યું છે એવી જાહેરાત કરે છે.

ઉત્તર કોરિયાના આક્રમણ સામે નવેમ્બર, 1950માં સોવિયેત સંઘે વીટો વાપર્યો તેથી ઉત્તર કોરિયા વિરુદ્ધ પગલાં લેવાનું મુશ્કેલ બન્યું હતું. આ સમયે મહાસભાએ શાંતિ માટે એકતા(Uniting For Peace Resolution)નો ઠરાવ પસાર કર્યો, જે મહાસભાને એક નવી ભૂમિકા આપતો હતો. એ મુજબ જો સલામતી સમિતિ કાયમી સભ્યોની એકમતીના અભાવે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાની તેની પ્રધાન જવાબદારી (primary responsibility) અદા કરવામાં નિષ્ફળ જાય તો મહાસભા એ કટોકટીના સંદર્ભમાં સભ્યોને ભલામણ કરી શકે છે; જેમાં જરૂર પડ્યે લશ્કરી પગલાં લેવાની ભલામણની સત્તાનો સમાવેશ થાય છે. સોવિયેટ સંઘે આ ઠરાવને યોગ્ય ગણ્યો નથી. આ સત્તા હેઠળ મહાસભાએ ઠરાવ પસાર કર્યો છતાં હંગેરીમાંથી તેણે પોતાનું લશ્કર પાછું ખેંચ્યું ન હતું. જોકે ઠરાવ થવા સિવાયનાં કારણોસર બ્રિટન અને ફ્રાન્સે ઇજિપ્તમાંથી લશ્કર પાછું ખેંચ્યું હતું. આનો અર્થ એ હતો કે યુ.એસ. અને યુ.એસ.એસ.આર. સામે યુનો કોઈ જ પગલાં લઈ શકે એમ ન હતું. આનું પરિણામ એ આવ્યું કે શીતયુદ્ધનાં શરૂઆતનાં વર્ષોમાં જ્યારે મહાસભા પર યુ.એસ.નો પ્રભાવ હતો ત્યારે મહાસભાનો ઉપયોગ આ ઠરાવ (UFPR) દ્વારા યુ.એસ.એસ.આર. સામે ઠરાવો કરવામાં થયો. પછી સંસ્થાનવાદના અંતની પ્રક્રિયા આગળ વધતાં ત્રીજા વિશ્વના દેશો યુનોની મહાસભામાં ઉમેરાતાં અને તેમનું વલણ એકંદરે અમેરિકા વિરુદ્ધ હોતાં આ ઠરાવનો ઉપયોગ (UFPR) યુ.એસ. સામે ઠરાવો કરવામાં થયો. આવા સંજોગોમાં સલામતી સમિતિ બિનકાર્યશીલ (deadlock) થતાં અને મહાસભા પણ અસમર્થ (powerless) બનતાં જવાબદારી યુનોના મહામંત્રી પર આવી. ઘણી વાર સંગઠનની ક્ષતિઓ માટે બલિના બકરા તરીકે મહામંત્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

વધુ મહત્ત્વની બાબત એ હતી કે યુનોનું ખતપત્ર ‘જૈસે થે’(status quo)ની પરિસ્થિતિ જાળવવામાં શ્રદ્ધા રાખતું હતું; પરંતુ દરેક ‘જૈસે થે’ની પરિસ્થિતિની જાળવણી શક્ય હોય છે ખરી ? કોરિયામાં ‘જૈસે થે’ની સ્થિતિ પુન:સ્થાપિત થઈ શકી; પરંતુ સંસ્થાનવાદના અંતની હવામાં બ્રિટન અને ફ્રાન્સનો ઇજિપ્ત પર અંકુશ જાળવવાનો કે હોલૅન્ડનો ઇન્ડોનેશિયા પરનો અંકુશ જાળવી રાખવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો. 1976માં મહાસભાએ નિ:શસ્ત્રીકરણ પર કરેલા ઠરાવ અનુસાર રાજ્યોએ એકબીજાંની પ્રાદેશિક એકતા, રાજકીય સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વ પર હુમલો કરવાનો ન હતો. પરંતુ સાથેસાથે આત્મનિર્ણયનો અધિકાર અમલમાં મૂકવા માગતા કે આઝાદી પ્રાપ્ત કરવા માગતા દેશો સામે બળના ઉપયોગનો પણ તેમાં નિષેધ કરવામાં આવ્યો હતો.

યુનો દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાનો ઠરાવ ઉત્તર કોરિયા સામે અપવાદરૂપ સંજોગોમાં થયો હતો. આ પગલાં લેવામાં પણ યુનોનું લશ્કર વાસ્તવમાં અમેરિકાનું લશ્કર હતું એવો આક્ષેપ થયો.

યુનો દ્વારા શિક્ષાત્મક પગલાંનું બીજું ઉદાહરણ 1990માં જોવા મળ્યું. ઇરાકે કુવૈત પર આક્રમણ કરી, તેને જીતી, તે વિસ્તાર ઇરાકનો ભાગ હોવાની જાહેરાત કરી. પ્રકરણ 7ની જોગવાઈઓ હેઠળ સલામતી સમિતિએ 12 ઠરાવો પસાર કર્યા. સલામતી સમિતિએ ઇરાક સામે આર્થિક શિક્ષાનાં પગલાં લીધાં, દરિયાઈ માર્ગબંધી (naval blockade) કરી, 29 નવેમ્બરે જો ઇરાક આ ઠરાવને માન ન આપે તો બળનો ઉપયોગ કરવાની મંજૂરી (authorisation) આપી; પરંતુ બળના ઉપયોગનાં પગલાં સલામતી સમિતિ દ્વારા કે તેના અંકુશ હેઠળ લેવામાં આવ્યાં ન હતાં. કોરિયાના યુદ્ધમાં પણ ઉપર જોયું તેમ, લશ્કરી અંકુશ અમેરિકાનો હતો. લશ્કરી સલાહકાર સમિતિના અભાવે કે સભ્ય રાજ્યો સાથે કરારના અભાવે કદાચ યુનોનું પોતાનું તંત્ર શિક્ષાનાં પગલાં લેવા તૈયાર જ ન હતું. સલામતી સમિતિની મંજૂરી પછી શિક્ષાત્મક પગલાં માટે બંધારણની 51મી કલમ હેઠળની ‘વ્યક્તિગત અને સામૂહિક સ્વબચાવ’(individual and collective self-defence)ની જોગવાઈનો ઉપયોગ કરાયો.

આ પછી પણ અમેરિકામાં 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાના સંદર્ભમાં અફઘાનિસ્તાનના તાલીબાની શાસન સામે અમેરિકી નેતૃત્વ હેઠળ બળના ઉપયોગ પર આધારિત પગલાં લેવામાં આવ્યાં. ત્રાસવાદને ઉત્તેજન આપનાર આક્રમક ગણાય અને તેનો ભોગ બનનાર તેનો શિકાર ગણાય, એવું અર્થઘટન કરીને આક્રમણના પ્રણાલિકાગત અર્થનો વિસ્તાર કરવામાં આવ્યો. વળી આ ભયને પહોંચી વળવા ‘યુદ્ધ રોકવા માટેનું યુદ્ધ’ (Pre-emptive War) કરી શકાય એવું અમેરિકાના પ્રમુખ બુશે (Jr.) પ્રતિપાદિત કર્યું.

ઇરાક સામેના બીજા યુદ્ધમાં યુનોની તપાસ સમિતિએ જણાવ્યું કે ઇરાક પાસે વિનાશક અણુશસ્ત્રો કે બીજાં શસ્ત્રો નથી. આ જાહેરાત કરવા છતાં પ્રમુખ બુશે અમેરિકા, યુરોપના તથા બીજા કેટલાક દેશોની મદદથી સદ્દામ હુસેનની સરકારને બરખાસ્ત કરી, તેની ધરપકડ કરી છે.

ટૂંકમાં, યુનોના ખતપત્રના 7મા પ્રકરણની જોગવાઈઓનાં કહેવાતાં બે શિક્ષાત્મક પગલાંઓ(enforcement actions)માં તેનો વફાદારીપૂર્વક અમલ થયો નથી. વળી કોરિયા અને ઇરાકનાં ઉદાહરણો બતાવે છે કે શક્તિશાળી આક્રમકને પહોંચી વળવા વિશ્વભરમાં પહોંચી શકે એવી માતબર લશ્કરી શક્તિ યુનો પાસે હોવી જોઈએ. જો યુનો પાસે તે ન હોય તો આક્રમણ સામેનાં પગલાં યુનોનાં નહિ પણ શક્તિશાળી દેશોનાં પગલાં બની રહે છે.

ખતપત્રના ઉદ્દેશ વિરુદ્ધ શાંતિની પરિસ્થિતિ સામે ઊભા થતા જોખમ માટે શિક્ષાત્મક પગલું એ સૈદ્ધાંતિક રીતે સૌથી અસરકારક, છેવટનું સાધન છે; પરંતુ જો તે અમલમાં જ ન મૂકી શકાય તો ? ‘શાંતિ માટે એકતા’ના ઠરાવની મર્યાદા આપણે આગળ જોઈ. માત્ર કોઈ દેશને આક્રમક ઠેરવતા ઠરાવો ભાષણબાજીની જરૂરિયાત સંતોષે છે; પરંતુ તેનાથી આક્રમણના શિકારનો ભોગ બનનાર દેશને શું લાભ ? તેણે તો સ્વરક્ષણનો ઉપયોગ કરવો પડે કે જો કોઈ પ્રાદેશિક સંગઠનનો તે સભ્ય હોય તો તેના મિત્રોની મદદ લેવી પડે. આમ આક્રમણનો ભોગ બનનાર કુવૈત જેવું નાનું રાજ્ય હોય અને આક્રમણની હકીકતો નિર્વિવાદ હોય તેમજ કોઈ મોટી સત્તા આક્રમક સામે પગલાં લેવા તૈયાર હોય ત્યારે આક્રમણનો ભોગ બનેલ દેશને રક્ષણ મળે છે. પછી ભલે તે મહાસત્તા પગલું લેવામાં બીજાની ભાગીદારી આવકારે અને પોતાનાં પગલાં માટે લોકસ્વીકૃતિ ઊભી કરે.

આથી યુનોની શાંતિ અને સલામતીના ક્ષેત્રમાંની કામગીરીને કઈ રીતે મૂલવવી ? સારે નસીબે શિક્ષાત્મક પગલાંનો એક વિકલ્પ યુનોએ શોધી કાઢ્યો છે, જેના દ્વારા જ યુનો શાંતિ અને સલામતીના ક્ષેત્રમાં પણ પ્રસિદ્ધિ પામે છે. આ વિકલ્પ છે : યુનોની શાંતિરક્ષાનાં (Peace keeping) પગલાં (operation activities) કે શાંતિ જાળવવા માટેનાં પગલાં. શાંતિ-સર્જન (peace making) અને બળપૂર્વક શાંતિના અમલ(peace enforcement)થી તે અલગ પડે છે. શાંતિરક્ષાનાં પગલાંની વ્યાખ્યા આ પ્રમાણે અપાય : ‘કોઈક તાત્કાલિક ઊભા થયેલા પ્રશ્ન (પછી ભલે તેનાં મૂળ ઊંડાં હોય) માટે જો ઝઘડો કરતાં રાજ્યો ટૂંક સમય માટે પણ શાંતિમાં જીવવા માંગતાં હોય તો તેમની ઇચ્છા મુજબ મોકલાતી આંતરરાષ્ટ્રીય મદદ.’ અહીં ઝઘડાના પક્ષકારોની શાંતિ(ટૂંક સમયની પણ)માં રહેવાની ઇચ્છા મહત્ત્વની છે. આની તુલનામાં શિક્ષાત્મક પગલાં દ્વારા શાંતિનો અમલ અલગ પડે છે, જેમાં શાંતિ સ્થાપવા માટે ઝઘડાના પક્ષકારો ઇચ્છે કે ન ઇચ્છે પણ બહારની સત્તાઓ દ્વારા પગલાં લાદવામાં આવે છે. ઝઘડાના પક્ષકારો વચ્ચે ઝઘડાનાં મૂળ કારણો દૂર કરી પ્રશ્નનો ઉકેલ લાવવાની પ્રક્રિયાને શાંતિ-સર્જનની પ્રક્રિયા કહેવામાં આવે છે. શાંતિ-રક્ષણની પ્રવૃત્તિઓ એ યુનોનું એક સ્થાયી અંગ બની ગઈ છે. એનું એક કારણ એ છે કે રાજ્યો વચ્ચેના ઝઘડાઓનો અનેક કારણોસર કોઈ કાયમી ઉકેલ આવતો નથી. યુદ્ધથી પણ પ્રશ્નના કાયમી ઉકેલ અંગેની આશંકાઓ અને યુદ્ધથી થતા વિનાશનો ભય શાંતિરક્ષાની પ્રવૃત્તિઓ (peace keeping activities) તરફ રાજ્યોને લઈ જાય છે.

યુનોની શાંતિરક્ષાની પ્રવૃત્તિઓમાં સ્વયંસેવકો, હથિયારવિહીન સૈનિકો, આછાં શસ્ત્રોવાળા સૈનિકોથી માંડીને આધુનિક હથિયારોથી સજ્જ સૈનિકો મોકલવામાં આવે છે. યુનોની શરૂઆતનાં વર્ષોમાં પહેલી પેઢીની શાંતિરક્ષક-પ્રવૃત્તિઓમાં મોટી લશ્કરી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો ન હતો. બંને પક્ષકારોની સંમતિથી આ પ્રવૃત્તિઓ હાથમાં લેવાતી અને ઝઘડાનો એક પક્ષકાર ઇચ્છે તો યુનોનાં દળોને પાછાં ખેંચી લેવામાં આવતાં હતાં. વળી સંઘર્ષના પક્ષકારો વચ્ચે યુદ્ધવિરામ થઈ જાય પછી કે સંઘર્ષ યુદ્ધમાં પરિણમે તે પહેલાં જ દળો મોકલાતાં. યુનોનાં દળોમાં મહાસત્તાઓનાં દળો નહિ, પણ નાના કે તટસ્થ દેશોના સૈનિકોને જ મોકલવામાં આવતા હતા. મોટેભાગે રાજ્યો વચ્ચેના ઝઘડાઓમાં જ શાંતિરક્ષક દળોને મોકલાતાં. જોકે રાજ્ય ગૃહયુદ્ધો(civil-war)થી જો આંતરરાષ્ટ્રીય શાંતિ જોખમમાં આવી પડે એમ હોય તો યુનો માટે આંતરિક ઝઘડામાં યુનોની દરમિયાનગીરી વર્જ્ય ન હતી; પરંતુ બીજી પેઢીની શાંતિરક્ષક પ્રવૃત્તિઓનાં લક્ષણો, પ્રથમ પેઢીની પ્રવૃત્તિઓથી અલગ પડી જાય છે. અહીં આંતરવિગ્રહ પ્રકારના સંઘર્ષો દરમિયાન યુનોની દરમિયાનગીરી વધી છે. ઝઘડાઓના એક પક્ષકારની ઇચ્છાથી અને કોઈક વાર બીજાની ઇચ્છા વિરુદ્ધ પણ યુનોએ દરમિયાનગીરી કરી છે. યુદ્ધવિરામ ન થયો હોય તોપણ યુનોએ દરમિયાનગીરી કરી છે. વિગ્રહ ચાલુ હોવાની પરિસ્થિતિમાં સશસ્ત્ર સૈનિકો અને આધુનિક શસ્ત્રોથી સજ્જ સૈનિકોનો સમાવેશ યુનોનાં દળોમાં કરવો પડ્યો છે. ઘણી વાર તો યુદ્ધવિરામ જાળવવાને બદલે શાંતિ સ્થાપવા યુનોનાં દળોએ સંઘર્ષ કરવો પડ્યો છે. લશ્કરી પ્રવૃત્તિઓ યુનોનાં દળોની કામગીરીનો ભાગ બનતાં મોટી સત્તાઓએ પણ શાંતિરક્ષાની લશ્કરી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો પડ્યો છે. આ પ્રવૃત્તિઓ ઉપરાંત યુનોએ નિષ્પક્ષ રીતે ચૂંટણીઓ કે લોકમતના સંચાલનની જવાબદારી પણ ઉપાડવી પડી છે. નિષ્ફળ ગયેલાં રાજ્યો કે યુદ્ધના વિનાશથી ત્રસ્ત વિસ્તારોમાં પાયાના માળખા(infrastructure)ના સર્જન કે પુનર્રચનાની જવાબદારી પણ ઉપાડવી પડી છે. યુનોની વિસ્તરેલી પ્રવૃત્તિઓ વૈશ્ર્વિકીકરણની પ્રક્રિયા સાથે જાણે કદમ મિલાવી રહે છે. મહત્ત્વની વસ્તુ એ છે કે આ પ્રક્રિયાને રાજ્યોની અને તેમના પ્રજાજનોની સ્વીકૃતિ મળી છે.

1948થી માંડીને 2006 સુધીમાં યુનોએ 60 જેટલાં શાંતિરક્ષાનાં કાર્યો (peace keeping operation) હાથ ધર્યાં છે; જેમાં આજે 15 જેટલાં શાંતિરક્ષા-કાર્યો ચાલુ છે. યુનોનો એક વિભાગ તે અંગેનું સંચાલન કરે છે. તેણે અત્યાર સુધી આવાં 18 જેટલાં શાંતિરક્ષક કાર્યો હાથ ધર્યાં છે. હાલનાં 15 શાંતિરક્ષક કાર્યોમાં સૈનિકો, પોલીસ, નિરીક્ષકો મળીને 72,983 જેટલા માણસો કામે લાગેલા છે. 1948થી જૂન, 2006 સુધી 41.04 બિલિયન ડૉલર જેટલો ખર્ચ આ પ્રવૃત્તિઓમાં થયેલો છે. જૂન, 2005થી જૂન, 2006 દરમિયાન આ પ્રવૃત્તિઓ માટે 5.03 બિલિયન ડૉલરનો ખર્ચ મંજૂર થયેલો છે. આજે યુનો દ્વારા શાંતિરક્ષાની પ્રવૃત્તિઓ સાયપ્રસ, ભારત-પાકિસ્તાન, લેબેનોન, પશ્ચિમ સહારા, જ્યૉર્જિયા, કોસોવો, સુદાન, કૉંગો પ્રજાસત્તાક, ઇથિયોપિયા, સાઇબીરિયા, હૈતી, બરૂન્ડી વગેરે સ્થળોએ ચાલે છે.

યુનો દ્વારા ચાલતી શાંતિરક્ષાની પ્રવૃત્તિઓ તે અંગેના ધ્યેયમાં સફળ થાય છે એની કોઈ ખાતરી નથી. કોઈ એક શક્તિશાળી રાજ્ય આવી પ્રવૃત્તિઓ કરે તેના કરતાં યુનો વધુ અસરકારક બને એમ નથી. કદાચ કોઈ એક રાજ્ય પ્રવૃત્તિ કરે તો તે વધુ અસરકારક બને એવું પણ બને; પરંતુ એક સામાન્ય મત ખાસ કરીને ઝઘડામાં અંગત હિત ન ધરાવતાં હોય એવાં રાજ્યોમાં એવો હોય છે કે કોઈ પણ એક રાજ્યનાં પગલાં કરતાં યુનો દ્વારા લેવાતું પગલું વધુ સારું. શાંતિરક્ષાની પ્રવૃત્તિઓ જ્યારે યુનો દ્વારા હાથમાં લેવાય ત્યારે ઝઘડાના કોઈ એક કે બંને પક્ષકારોને પ્રતિષ્ઠા સાચવવાની તક મળે છે. યુનો દ્વારા કોઈ રાજ્ય સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને પછી તેણે ઝૂકવું પડે તો તે નામોશીભર્યું લાગે અથવા બે રાજ્યો યુદ્ધે ચડે અને પરિણામ વિશે અનિશ્ચિતતા લાગે તો ઝઘડાના વિસ્તાર કે બફર ઝોનમાં યુનોનાં દળો મુકાય તો પ્રતિષ્ઠા બચાવવાની (face saving) રાજ્યોને તક મળે છે. આમ, ચાલી રહેલા સંઘર્ષમાંથી ખસી જવાની કે સંઘર્ષ શરૂ થવામાંથી બચવાની રાજ્યોને તક મળે છે. આ ઉપરાંત યુનોના નિરીક્ષકો જો સંવેદનશીલ બિંદુઓ પર કામ કરતા હોય તો સ્ફોટક પરિસ્થિતિમાં ભડકો થવાની શક્યતાઓ (fire-watching) જોઈને ઝઘડાના પક્ષકારોનું ધ્યાન ખેંચી શકે છે. વળી યુનોની શાંતિરક્ષાની પ્રવૃત્તિઓ ઝઘડાઓનું સ્થાનિકીકરણ (localisation) કરવામાં મદદ કરે છે.

સંયુક્ત રાષ્ટ્રોનું વડું મથક, ન્યૂયૉર્ક

આ ઉપરાંત યુનોની મહાસભા કે સલામતી સમિતિ આક્રમકનું નામ દઈ, તેના આક્રમણને વખોડતા ઠરાવ કરી શકે છે. પછી ભલે આક્રમક પર તેની અસર શંકાસ્પદ હોય કે શિક્ષાત્મક પગલાં લેવાની શક્યતા નહિવત્ હોય. યુનોની મહાસભાની બહુમતી એટલે કે વિશ્વ-ધારાસભા જો ઠરાવ દ્વારા પોતાનો મત વ્યક્ત કરે (સ્પષ્ટ શબ્દમાં) કે સલામતી સમિતિ વીટો દ્વારા જ કોઈક ઠરાવ કરતાં રોકાઈ જાય તો તે એક પ્રકારનો અર્ધ-અધિકૃત (semi-authoritative) નિર્ણય તો લે જ છે અને મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય શાંતિ માટે જરૂરી સિદ્ધાંતના રક્ષણનું (creed protection) કાર્ય કરે છે અને એ રીતે આંતરરાષ્ટ્રીય શાંતિના હેતુને અમુક અંશે મજબૂત કરે છે.

આમ છતાં, આંતરરાષ્ટ્રીય રક્ષાનું યુનોનું કાર્ય સરળ નથી. ઘણાં રાજ્યો દૂર દૂરના વિસ્તારોની શાંતિ માટે પોતાના સૈનિકોની આહુતિ આપવા તૈયાર હોતાં નથી. આ વિસ્તારોની ભૂગોળથી સૈનિકો પરિચિત હોતા નથી. ઘણી વાર સ્થાનિક લોકો કે ટોળીઓના વિરોધનો તેમને સામનો કરવો પડે છે; જે આંતરવિગ્રહનું સ્વરૂપ લઈ શકે છે. સૈનિકોને વિદેશી કમાન્ડરોના હાથ નીચે કામ કરવું ગમતું નથી. યુનોનાં રક્ષક દળોમાં જો સૈનિકોનાં મૃત્યુ મોટા પ્રમાણમાં થાય તો સૈનિકો મોકલનાર દેશમાં આંતરિક રાજકીય અસંતોષ ઊભો થાય છે. યુનોનાં શાંતિરક્ષક દળોને પોતાનું અલગ બજેટ હોય છે; પરંતુ યુનો પ્રત્યે અસંતોષ ધરાવનાર દેશ પોતાનો ફાળો આપવાનો ઇનકાર કરીને યુનોના કાર્યમાં વિઘ્ન નાખે છે.

આમ છતાં, યુનોનાં રક્ષકદળો વિવિધ દેશોના સૈનિકોને વિદેશી ભૂમિ પર કામ કરવાની એક રીતની તાલીમ આપે છે. નાના દેશોને યુનોમાં દળો મોકલવાનું કામ પ્રતિષ્ઠા આપે છે. સૈનિકોને ગૃહઆંગણે મળતા પગાર કરતાં યુનોનાં દળો તરીકે મળતો વધારે પગાર (ખાસ કરીને ડૉલરમાં) ખાસ આકર્ષણરૂપ બને છે. આમાંથી ભ્રષ્ટાચાર પણ ઊભો થાય છે.

યુનો પાસે આજે મોટી આંતરરાષ્ટ્રીય સિવિલ સેવા ઊભી થઈ છે, જે સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય છે. લશ્કરી ક્ષેત્રે યુનોને વફાદાર એવી કાયમી આંતરરાષ્ટ્રીય લશ્કરી સેવા ઊભી થઈ નથી એ કમનસીબી છે; પરંતુ એ બતાવે છે કે યુનોને વિશ્વસરકાર બનવા લાંબી યાત્રા કરવાની છે. આંતરરાષ્ટ્રીય શિક્ષાનાં પગલાં લેવાનાં કે શાંતિરક્ષાનાં પગલાં લેવાનાં હોય  યુનોની મોટી મર્યાદા એ છે કે માત્ર સલામતી સમિતિના પાંચ કાયમી સભ્યોને જ નહિ, પણ ઉપરનાં પગલાંઓમાં ભાગ લેવો કે ન લેવો એ દરેક સભ્યની ઇચ્છાને આધીન છે. યુનોની અંદર એક પ્રકારની નિષેધાત્મક અધિકારની પ્રથા (Unit Veto System) કામ કરે છે, જેમાં જૂથના રૂપમાં સભ્ય દેશો નિષેધાત્મક અધિકાર વાસ્તવમાં ઊભો કરે છે.

આર્થિક અને સામાજિક પરિષદ (Economic and Social Council) : યુનોની સ્થાપના સમયે 8ની સંખ્યા ધરાવનાર, યુનોના આ અંગની સભ્યસંખ્યા 1965માં 27ની થઈ હતી અને 1973માં 54ની થઈ હતી. ત્રીજા વિશ્વના આઝાદ થયેલા દેશોની વધતી જતી સભ્યસંખ્યા અને તેમને માટે પ્રાણરૂપ આર્થિક અને સામાજિક પ્રશ્નોના મહત્ત્વના સંદર્ભમાં આર્થિક અને સામાજિક પરિષદના વિસ્તારને સમજી શકાય છે. પરિષદનું સભ્યપદ ત્રણ વર્ષે થતી ચૂંટણીમાં ફરીથી પ્રાપ્ત કરી શકાય છે. સલામતી સમિતિના પાંચ કાયમી સભ્યો હકીકતમાં તેના સભ્ય હોય જ છે, જોકે કાનૂની રીતે એવું જરૂરી નથી. યુનોના બંધારણના ઘડનારા સલામતી સમિતિ સિવાયની સંસ્થાઓને સમાનતાના આધાર પર રચવા માંગતા હતા. તેઓ કેટલા અંશે આમાં સફળ થયા તે ચર્ચાસ્પદ પ્રશ્ન છે. ખતપત્રની કલમ 7 આર્થિક અને સામાજિક પરિષદને યુનોના મુખ્ય અંગ તરીકે જાહેર કરે છે. લીગની તુલનામાં યુનો રાજ્યોના આર્થિક વિકાસમાં જરૂર વધુ ગાઢ રીતે સંકળાયેલું હોય પણ આર્થિક અને સામાજિક પરિષદની ભૂમિકા આ ક્ષેત્રમાં પહેલાંની મહાસભાની સરખામણીમાં અને પછી યુનોની વેપાર અને વિકાસની પરિષદ – અન્કટાડ(UNCTAD) (United Nations Conference of Trade and Development)ની તુલનામાં (1964 પછી) ગૌણ રહી છે; પરંતુ ખતપત્રમાં આર્થિક અને સામાજિક પરિષદને અપાયેલું મહત્ત્વ દર્શાવે છે કે આર્થિક પ્રશ્નો વ્યાપક લોકસ્વીકૃતિ ધરાવે છે. આર્થિક ક્ષેત્રમાં યુનોની ભૂમિકા નિશ્ચિત નહિ કરીને વિવિધ પ્રકારની આર્થિક ભૂમિકા ભજવવાની તક યુનોને પૂરી પાડી છે, જેમાં વિવિધ પ્રશ્નો અંગે એજન્ડા નક્કી કરવાથી માંડીને આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થા નક્કી કરવાની સ્વતંત્રતા મળી જાય છે. ‘મહાસભા’ અને પરિષદને પોતાના હેતુઓ સિદ્ધ કરવા વિશિષ્ટ સંસ્થાઓ સ્થાપવાની સત્તા તો છે જ, પણ તે રાજ્યો વચ્ચેના આર્થિક સંબંધોના સંચાલન માટેનાં ધોરણો નક્કી કરવાની સત્તા પણ આપવામાં આવી છે.

આર્થિક અને સામાજિક પરિષદે પ્રાદેશિક આર્થિક પંચોની રચના કરી છે. 1948માં યુરોપ, એશિયા અને લૅટિન અમેરિકા માટે ત્રણ પંચોની રચના કરવામાં આવી છે. આર્થિક અને સામાજિક પરિષદ અને પંચો વિકાસશીલ દેશો માટે વધુ આર્થિક મદદ મેળવવાનાં સાધનો બન્યાં. ટૅક્નિકલ મદદ માટેનો વિસ્તૃત કાર્યક્રમ પણ આમાંથી જન્મ્યો. શરૂઆતમાં આ બધા કાર્યક્રમો ઉદારવાદી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાના ભાગ રૂપે જન્મ્યા હોવાથી વિવાદાસ્પદ ન બન્યા. 1960ના દાયકામાં યુનોમાં નવા સભ્યો દાખલ થયા, જેમાંના મોટાભાગના ગ્રૂપ ઑવ્ 77(group 77)ના સભ્ય બન્યા. ધીમે ધીમે વિકાસશીલ દેશો એક દાબજૂથના ભાગ બનવાના હતા. 1960નો દાયકો તો યુનોનો વિકાસ દાયકો (UN Development-Decade) જાહેર થયો; પણ 1970ના દાયકામાં નવી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થા(New International Economic Order)ની માગ અને ઠરાવ થવાનાં હતાં.

આ બધાંને કારણે આર્થિક અને સામાજિક પરિષદની ભૂમિકા ગૌણ હતી. તેની સામેની ફરિયાદ એ હતી કે તેનું સભ્યપદ વધુ પ્રતિનિધિત્વયુક્ત ન હતું અને આર્થિક વિકાસના કાર્યક્રમમાં તે સક્રિય ભૂમિકા ભજવતી ન હતી. એ જ રીતે GATT (General Agreement on Trade and Tariff) સામે ફરિયાદ એ હતી કે તેમાં વિકાસશીલ દેશોને લગભગ પ્રતિનિધિત્વ જ ન હતું. આથી ‘અન્કટાડ’(UNCTAD)નું મહત્ત્વ વધ્યું.

અમેરિકાની ઘટતી ભૂમિકાથી ત્રીજા વિશ્વના દેશોએ નવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની માગને આકાર આપ્યો. આ અંગેનો ઠરાવ સર્વસંમતિથી થતાં, ‘નીઓ’ (NIEO) દ્વારા થયેલી વિવિધ માગ ત્રીજા વિશ્વના દેશોની નહિ પણ યુનોની માગ બની. હવે પ્રશ્ન નવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની ઇચ્છનીયતાનો કે તેમાં શું આવે એવો ન હતો પણ કયાં સાધનોથી નવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા લાવવી તે બન્યો. જોકે આ ક્ષેત્રમાં બદલાયેલા સંજોગોને કારણે ખૂબ જ મર્યાદિત સિદ્ધિઓ મળે છે.

ટ્રસ્ટીશિપ પરિષદ (Trusteeship of Council) : તેમાં ટ્રસ્ટ તરીકે જે તે વિસ્તારનું સંચાલન કરનારા દેશો અને અન્ય દેશો હોય છે. સલામતી સમિતિના સભ્યો તેના સભ્યો હોય છે. સામાન્ય રીતે ટ્રસ્ટ તરીકે સંચાલન કરવાના વિસ્તારોનો નિર્ણય પરિષદ કરે છે. આ એવા વિસ્તારો છે કે જે સંપૂર્ણ સ્વસરકાર ધરાવતા નથી. છેલ્લો ટ્રસ્ટ-વિસ્તાર ‘પલાઉ’ (Palau) હતો જેનું વિસર્જન 1994માં થયું અને પલાઉ નવો દેશ બન્યો. આથી આ સ્વતંત્રતા અને સ્વસરકાર ધરાવતાં રાજ્યો આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તેમજ ટ્રસ્ટીશિપ પરિષદમાં મહત્ત્વના ગણાતા નથી. જોકે કેટલાકે એવું સૂચવ્યું છે કે આ નવા આઝાદ થયેલા દેશોમાં પણ રાજકીય સ્થિરતા અને પ્રાદેશિક એકતાના પ્રશ્નો મહત્ત્વના છે. તેમની પાસે પાયાનું રાજકીય અને આર્થિક માળખું નથી. નિષ્ફળ નીવડેલાં રાજ્યો(failed states)નો વહીવટ ટ્રસ્ટીશિપ કાઉન્સિલને સોંપવો. જોકે યુનોના આધુનિકીકરણ, કાર્યક્ષમ અને કરકસરયુક્ત વહીવટની થતી માગના સંદર્ભમાં આ અંગને પુનર્જીવિત કરવાનું કામ કઠિન છે.

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (International Court of Justice) : આ અદાલત પંદર ન્યાયમૂર્તિઓની બનેલી હોય છે. આ ન્યાયમૂર્તિઓની નિમણૂક મહાસભા અને સલામતી સમિતિ – એમ બંને અંગો દ્વારા પૂર્ણ બહુમતી(absolute majority)થી થાય છે. યુનોનો દરેક સભ્ય દેશ આંતરરાષ્ટ્રીય અદાલતની ધારા(statute)નો લાભ લઈ શકે છે; પરંતુ સભ્ય દેશો સિવાયના દેશો પણ આંતરરાષ્ટ્રીય અદાલતનો આશરો લઈ શકે છે. જોકે અદાલતના કાર્યક્ષેત્રનો સ્વીકાર સ્વૈચ્છિક છે. જાહેરાતો, કરારો, વિશિષ્ટ કરારો દ્વારા આવું થઈ શકે છે.

અદાલત સભ્ય દેશોને કે યુનોનાં બીજાં અંગોને સલાહ આપી શકે છે. તે આંતરરાષ્ટ્રીય કાનૂનના અર્થઘટનનું કામ કરે છે. પોતાની સમક્ષ આવેલા ઝઘડાઓમાં આપેલા ચુકાદાઓથી આંતરરાષ્ટ્રીય કાયદાનો વિસ્તાર થયો છે. આંતરરાષ્ટ્રીય કાયદાના અર્થઘટન અને બીજા કેટલાક વિષયો માટે આંતરરાષ્ટ્રીય અદાલતનું કાર્યક્ષેત્ર ફરજિયાત રીતે સ્વીકારવાની જોગવાઈ પણ અદાલતના બંધારણમાં છે. કેટલાંક રાજ્યોએ તેનો સ્વીકાર કર્યો છે, સાથે સાથે ઘણાંએ

તેનો શરતી સ્વીકાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય અદાલતની એક મુશ્કેલી એ છે કે તેની પાસે રાજ્યો વચ્ચેના ઝઘડાના કેસો જ ઓછા આવે છે. આથી આંતરરાષ્ટ્રીય કાયદાના અર્થઘટનનું તેનું કામ જ વધુ મહત્ત્વનું બને છે. અદાલતના નિર્ણયના અમલનું કામ સલામતી સમિતિનું છે.

સચિવાલય (secretariat) : આંતરરાષ્ટ્રીય સંગઠનનું ન્યૂયૉર્કનું સચિવાલય જ 14,000નો કર્મચારીગણ ધરાવે છે. સમગ્ર વિશ્વમાં સચિવાલયના 50,000 જેટલા વહીવટકર્તાઓ કામ કરે છે. આ વહીવટકર્તાઓ સિવિલ સેવાના આદર્શને અનુસરીને યુનોને વફાદાર રહે અને પોતાના દેશને નહિ એવી અપેક્ષા રખાય છે.

સચિવાલયના કારોબારી અને વહીવટી વડા મહામંત્રી કે Secretary General કહેવાય છે. મહામંત્રીને બે પ્રકારનાં કાર્યો સોંપવામાં આવેલાં છે, રાજકીય અને વહીવટી. મહામંત્રી સચિવાલયના બીજા કર્મચારીગણની પણ નિમણૂક કરે છે. વળી સચિવાલયના કાર્ય માટેની જવાબદારી મહામંત્રી, મહાસચિવની છે. તે માત્ર સચિવાલયના વડા નથી, પરંતુ યુનોનાં બીજાં અંગોના નિર્ણયોનો અમલ કરે છે; એટલું જ નહિ, પણ તે યુનોનાં બીજાં અંગોના સમકક્ષ અંગનું સ્થાન ધરાવે છે. આથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટેનાં જોખમો તરફ તેમણે સલામતી સમિતિનું ધ્યાન દોરવાનું અને મહાસભાને અહેવાલ આપવાનો રહે છે. રાષ્ટ્રસંઘના મહાસચિવનું પદ માત્ર વહીવટી હતું, જ્યારે યુનોના મહામંત્રીનું પદ એથી અલગ પ્રકારનું છે. તેણે પોતાના વિવેકનો ઉપયોગ કરીને શાંતિ અને સલામતી માટે ઊભા થતા ખતરા તરફ બીજાં અંગોનું ધ્યાન દોરવાની જવાબદારી અદા કરવાની છે. એ જ રીતે તેઓ યુનોની મહાસભાના એજન્ડા પર વસ્તુ મૂકી શકે છે. આ ઉપરાંત ઝઘડાના પક્ષકારો વચ્ચે મહામંત્રી પ્રત્યાયનનું મુખ્ય સાધન છે.

યુનોના મહામંત્રીની સફળતા માટે આ વસ્તુઓ જરૂરી છે : (1) યુનોનાં જુદાં જુદાં અંગોએ મહામંત્રીમાં વિશ્વાસ મૂકવો જોઈએ; પરંતુ સાથે સાથે પોતાની જવાબદારીમાંથી છટકવા મહામંત્રી એક સાધન બની જવા ન જોઈએ. (2) યુનોના મહામંત્રીની સદ્ભાવના-(good offices)ની ભૂમિકાનો પૂરતો ઉપયોગ થવો જોઈએ. (3) ઝઘડાના પક્ષકારોના વલણની નૈતિકતા અંગેના પોતાના અભિપ્રાયને બાજુએ રાખીને શાંતિની સ્થાપના અને પક્ષકારોને નજીક લાવવાનું કામ મહામંત્રીએ કરવું જોઈએ. (4) મહામંત્રીએ પોતાની ભૂમિકાના અર્થઘટનમાં અતિ સંકોચશીલ કે વધુ પડતા મહત્ત્વાકાંક્ષી બનવું ન જોઈએ.

અત્યારે મહામંત્રી અને સચિવાલયની એક મોટી મર્યાદા એ છે કે તેની માહિતીના સ્રોતો (sources) મર્યાદિત છે. (સભ્ય રાજ્યો કે બહુરાષ્ટ્રીય વેપારી પેઢીની તુલનામાં.)

ઉપર ચર્ચેલ મહામંત્રીની રાજકીય ભૂમિકા ઉપરાંત તેમણે વહીવટી ભૂમિકા પણ ભજવવાની છે. એક બાજુએ યુનોના મહામંત્રીની રાજકીય ભૂમિકાનો વિસ્તાર થતો ગયો છે, પણ તેમની વહીવટી ભૂમિકાનું ધોવાણ થતું ગયું છે. રાજ્યો પોતાનાં હિતમાં આંતરરાષ્ટ્રીય સિવિલ સેવકો પર પ્રભાવ પાડવાની કોશિશ કરે છે. વળી કારોબારીના કાર્યક્ષેત્રમાં આવતી મહાસભા વિગતવાર નિર્દેશો સચિવાલયને આપે છે  એથી સિવિલ સેવકો પર પ્રભાવ પાડવા પ્રયાસ થાય છે. સંગઠનના કેટલાક સભ્યો દ્વારા પોતાની નાણાકીય જવાબદારી અદા કરવાના ઇન્કારથી પ્રશ્નની ગંભીરતા વધે છે. યુનોના મહામંત્રી સંગઠનના સભ્ય દેશો દ્વારા ચૂંટાય છે (મહાસભા) અને આમ છતાં તેમણે રાજ્યોના વ્યક્તિગત હિતની ઉપર જઈને વિશ્વસમુદાયના હિત માટે કામ કરવાનું રહે છે.

મહામંત્રીની પસંદગી 5 વર્ષની મુદત માટે મહાસભા દ્વારા સલામતી સમિતિની ભલામણને આધારે થાય છે. અત્યાર સુધીના યુનોના મહામંત્રીઓ નાના કે તટસ્થ દેશોમાંથી આવેલા છે. યુનોના મહામંત્રીનાં નામો અને કાર્યકાળ નીચે મુજબ છે : (જુઓ સારણી 2)

સારણી 2 : યુનોના મહામંત્રીઓ

ક્રમાંક મહામંત્રી કાર્યકાળ મૂળ વતની
1. ટ્રિગ્વે-લી 1946-53 નોર્વે
2. દાગ હેમરશૂલ્ડ 1953-62 સ્વીડન
3. ઉ-થાં 1962-72 મ્યાનમાર (બર્મા)
4. કુર્ત વાલ્ડહેઇમ 1972-81 ઑસ્ટ્રિયા
5. હોવિએર પેરેઝ દ કોએર 1982-91 પેરુ
6. બુત્રાસ બુત્રાસ ઘાલી 1991-97 ઇજિપ્ત
7. કૉફી અન્નાન 1997 ઘાના
8. બા-કી-મૂન 2007 દક્ષિણ કોરિયા

યુનોનાં પોતાનાં અંગો ઉપરાંત તેનાં અંગોને પણ પેટાઅંગો હોય છે; જેમ કે, યુનોની મહાસભાનાં પેટાઅંગો છે : યુનાઇટેડ નૅશન્સ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (UNICEF), યુ. એન. હાઈકમિશનર ફૉર રેફ્યુજી (UNHCR), વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP), યુનાઇટેડ નૅશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP).

આ ઉપરાંત યુનોની કેટલીક વિશિષ્ટ કે વિશિષ્ટ કાર્યો સાથે સંકળાયેલી સંસ્થાઓ (Specialized Agencies) પણ છે. આવી સંસ્થાઓમાં ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (FAO), વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO), યુનાઇટેડ નૅશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (UNESCO), ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (ILO), ઇન્ટરનૅશનલ બૅંક ફૉર રિકન્સ્ટ્રક્શન ઍન્ડ ડેવલપમેન્ટ (IBRD કે વિશ્વબૅંક), ઇન્ટરનૅશનલ મૉનેટરી ફંડ (IMF). આવી 16 સંસ્થાઓ છે. આમાંની કેટલીક નિયંત્રણનું કાર્ય કરતી સંસ્થાઓ છે; જેમ કે, યુનિવર્સલ પોસ્ટલ યુનિયન, ઇન્ટરનૅશનલ ટેલિ-કૉમ્યૂનિકેશન યુનિયન, ઇન્ટરનૅશનલ સિવિલ એવિયેશન ઑર્ગેનાઇઝેશન, ઇન્ટરનૅશનલ ઍટમિક એનર્જી એજન્સી (IAEA), જનરલ એગ્રીમેન્ટ ઑન ટ્રેડ ઍન્ડ ટેરિફ (GATT) (જે રાજ્યો વચ્ચેના વેપારમાં જકાતો અને બીજા અવરોધો દૂર કરવાનું કામ કરે છે).

આ ઉપરાંત યુનોનું કેટલાંક વિશિષ્ટ ક્ષેત્રોમાં પણ કાર્ય છે. માનવહકોનું ક્ષેત્ર તેનું એક મહત્ત્વનું ક્ષેત્ર છે. આમ તો રાજ્યે પોતાના નાગરિકોને કયા હકો આપવા કે તેમની સાથે કઈ રીતે વર્તવું  એ દરેક રાજ્યની આંતરિક બાબત છે; પરંતુ યુનોએ રાજ્યો પોતાના નાગરિકોને માનવહકો આપે અને તેનો અમલ થાય એ જોવા માટે અનેક રીતે પ્રયત્નો કર્યા છે. ખતપત્રની કલમ 1 (3) મુજબ યુનોનો એક હેતુ જ માનવહકોના સન્માનને ઉત્તેજન આપવાનો છે. તેની કલમ 13 માનવહકોના અમલ માટે અભ્યાસો કરવાની જવાબદારી મહાસભાને સોંપે છે. તેની 68મી કલમ આર્થિક અને સામાજિક પરિષદને માનવહકોના ઉત્તેજન માટે વિશિષ્ટ પંચો નીમવાની જવાબદારી સોંપે છે; પરંતુ યુનોના બીજા હેતુઓની તુલનામાં માનવહકોની જાળવણીને ગૌણ સ્થાન અપાયું છે. એ નોંધવું જોઈએ કે યુનોનું ખતપત્ર શાંતિ માટે, ભયના કે આક્રમણના પ્રસંગ માટે શિક્ષાત્મક પગલાંઓની જોગવાઈ કરે છે.

એક એવો વિચાર પણ હતો કે યુનોએ માનવહકોના અમલની જવાબદારી રાજ્યો પર છોડી દેવી જોઈએ. યુનો આ કાર્ય માટે યોગ્ય સંસ્થા નથી. અમેરિકન ઉત્તેજનને કારણે માનવહકોનો પ્રશ્ન એજન્ડા પર આવ્યો. આર્થિક અને સામાજિક પંચે માનવહકોની જાહેરાત તૈયાર કરવા એક પંચ નીમ્યું. આવી જાહેરાત રાજ્યોના સાર્વભૌમત્વનો ભંગ કરશે એવી ટીકા સોવિયેત સંઘે કરી. જોકે સોવિયેત સંઘ પોતાની મૂળ વિચારસરણી અનુસાર સરહદપાર ક્રાંતિના વિચારને વરેલું હતું. પંચે માનવહકોના કાર્યને ત્રણ ભાગમાં વહેંચવાનું નક્કી કર્યું : (1) સિદ્ધાંતોનો સ્વીકાર; (2) આ સિદ્ધાંતોનો રાજ્યો દ્વારા કાનૂની બંધન તરીકે સ્વીકાર; (3) હકોના અમલનું તંત્ર.

1948ની 10 ડિસેમ્બરે માનવહકોની સાર્વત્રિક જાહેરાતનો સ્વીકાર 48 વિરુદ્ધ 0 મતથી (8 સભ્ય દેશો ગેરહાજર) કરવામાં આવ્યો. સોવિયેત બ્લૉકના દેશો, સાઉદી અરેબિયા અને દક્ષિણ આફ્રિકા ગેરહાજર રહ્યાં. કોઈ પણ મત વિરુદ્ધ ન પડવાથી અને જાહેર કરાયેલા હકોએ આંતરરાષ્ટ્રીય કરારો અને વિવિધ રાષ્ટ્રીય બંધારણોમાં સ્થાન મેળવતાં સાર્વત્રિક જાહેરાતનું નૈતિક મૂલ્ય વધ્યું.

એક બીજો પ્રશ્ન હતો : જાહેરાતમાં કયા હકોનો સમાવેશ કરવો ? સંપત્તિના અધિકારનો સમાવેશ ચર્ચાસ્પદ બન્યો. પશ્ચિમના દેશો રાજકીય હકોને પ્રાધાન્ય આપતા હતા, જ્યારે સોવિયેત બ્લૉકના દેશો આર્થિક અને સામાજિક હકોને પ્રાધાન્ય આપતા હતા. અંતે બંનેને તેમાં સ્થાન મળ્યું.

માનવહકોની સાર્વત્રિક જાહેરાત : માનવહકોની સાર્વત્રિક જાહેરાતનું નૈતિક મહત્ત્વ એ છે કે તે હકો જાતિ, ધર્મ, ભાષા, વર્ગ, લિંગના ભેદભાવ વગર કે વ્યક્તિ ક્યાં રહે છે તેને લક્ષમાં લીધા વિના બધાંને મળે છે. તેમાં નીચેના હકોનો સમાવેશ થાય છે :

(અ) પહેલી પેઢી(generation)ના કે રાજકીય અને નાગરિક હકો : જીવન, સ્વતંત્રતા અને સલામતીનો હક; વિચાર અને વક્તવ્યનું સ્વાતંત્ર્ય; સભા ભરવાનું અને ધર્મનું સ્વાતંત્ર્ય; હરવા-ફરવાનું સ્વાતંત્ર્ય; મુક્ત ચૂંટણી દ્વારા પ્રતિનિધિઓ પસંદ કરવાનો હક; બીજા રાજ્યમાં આશરો લેવાનો અધિકાર; આપખુદ ધરપકડ વિરુદ્ધનો અધિકાર.

(આ) બીજી પેઢીના કે આર્થિક-સામાજિક હકો : કામ પ્રાપ્ત કરવાનો અને બેરોજગારી વિરુદ્ધનો હક, શિક્ષણનો અધિકાર, મંડળમાં જોડાવાનો, સારા જીવનધોરણનો અધિકાર અને આરામ મેળવવાનો અધિકાર, જેથી તંદુરસ્તી જળવાઈ રહે.

(ઇ) ત્રીજી પેઢીના કે પ્રજાના હકો : રાષ્ટ્રીયતાનો હક, ધર્મ બદલવાનો કે ન બદલવાનો હક. આ પ્રકારના હકો સાર્વત્રિકતાના સિદ્ધાંતની વિરુદ્ધ કામ કરી શકે.

હકોની જાહેરાતના સ્વીકાર પછી હકોને કાનૂની સ્વરૂપ આપવાનું હતું. બે કરારો (covenants) તૈયાર કરવામાં આવ્યા. એક રાજકીય અને નાગરિક હકોનો અને બીજો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક હકોનો. 1966માં તૈયાર થયેલા આ બે કરારો 1976થી અમલમાં આવ્યા. જ્યાં સુધી અમલના તંત્રને સ્પર્શે છે ત્યાં સુધી રાજ્યો આ બેમાંના એક કે બંને કરારો પર સહી કરી શકે. તેમની જવાબદારી માત્ર સમયાંતરે અહેવાલ આપવાની હતી. સભ્યોએ આ હકોનો સમાવેશ તેમણે બંધારણ, કાનૂનમાં કેટલે અંશે કર્યો તેની અને તેના અમલની વિગતો આપવાની હોય છે. આ અહેવાલો મહામંત્રી મારફતે ચૂંટાયેલા 18 સભ્યોની એક સમિતિને સુપરત કરવાના હોય છે, જે પોતાની ટીકાટિપ્પણ રાજ્યોને તેમજ આર્થિક અને સામાજિક પરિષદને મોકલે છે, જે પછીથી માનવહક પંચને તે મોકલી આપે છે, જેથી પંચ તેનો અભ્યાસ કરીને ભલામણ કરી શકે.

રાજકીય હકોને સ્પર્શે છે ત્યાં સુધી રાજ્યો 41મી કલમમાં આવેલા વૈકલ્પિક પ્રોટોકોલ(optional protocol)નો સ્વીકાર કરી શકે. આ પ્રોટોકોલ હેઠળ રાજ્યો માનવહક સમિતિ(human rights committee)નું કાર્યક્ષેત્ર સ્વીકારે છે. આ સમિતિ કોઈ રાજ્યમાં થતા માનવહકોના ભંગ અંગે બીજાં રાજ્યોની અને માનવહકનો ભંગ થવાથી નુકસાન ભોગવનાર વ્યક્તિની ફરિયાદ સાંભળી શકે અને પોતાના વિચારોની જાણ તેમને કરી શકે. સમિતિ પોતાની પ્રવૃત્તિની નોંધ વાર્ષિક અહેવાલમાં કરી શકે. અમલનું આ તંત્ર નબળું જ છે; પરંતુ તેથી જ અમલ માટેના કોઈ પણ પ્રકારના યુનોના તંત્રનો વિરોધ કરનાર રાજ્યોએ તેને સ્વીકાર્યું. આમ પણ હકોની વિગતમાં તેના અમલ માટેના અપવાદોનો પણ ઉલ્લેખ હોય જ છે. સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક હકોમાં તો કેન્દ્રીય સંસ્થા તરફથી રાજ્યોને નિર્દેશ આપવાની શક્યતા રાજકીય હકો કરતાં પણ ઓછી રહે છે. મહત્ત્વની વસ્તુ એ છે કે આ બે કરારો વીસ વર્ષના સંઘર્ષ પછી સ્વીકારાયા. જોકે તે અમલમાં આવતાં બીજાં દસ વર્ષ નીકળી ગયાં. લગભગ 100 જેટલાં રાજ્યોએ આ તંત્રનો સ્વીકાર કર્યો છે.

આ સિવાય બીજી મહત્ત્વની બાબત એ છે કે બાળકો કે નિરાશ્રિતોનાં જૂથોને મદદ કરીને (જે તે સરકારના વિરોધ વિના) યુનોએ માનવહકોના જતનનો હેતુ આગળ વધાર્યો છે.

આ ઉપરાંત યુનોના આશ્રય હેઠળ વિશિષ્ટ જૂથોના માનવહકોના પ્રશ્નોના સંદર્ભમાં વિવિધ સંમેલનોમાં થયેલા ઠરાવો(conventions)નો સ્વીકાર થયો છે; ઉદા. તરીકે, નૃવંશી સંહાર (genocide), લઘુમતીઓ, સ્ત્રીઓ, ગુલામો, રંગભેદનો ભોગ બનનાર જૂથો, બાળકો, નિરાશ્રિતો જેવાં જૂથોના સંદર્ભમાં પસાર થયેલ ઠરાવોનો ઉલ્લેખ કરી શકાય.

1993માં વિયેના ખાતે માનવહકો અંગેની વિશ્વ પરિષદ બોલાવવાનું કામ પણ યુનોએ કર્યું હતું. આ પરિષદે માનવહકો પ્રાદેશિક છે કે સાર્વત્રિક એ મુદ્દાની છણાવટ કરી. બધાંએ સાર્વત્રિકતાના સિદ્ધાંતનો સ્વીકાર કરવા છતાં સાંસ્કૃતિક ભેદો તેમજ વિકાસની કક્ષાને સાવ અવગણી શકાય નહિ એવું વિચારવામાં આવ્યું. વળી બિન-પશ્ચિમી દેશોએ એવો ભય વ્યક્ત કર્યો કે સાર્વત્રિકતાનો સ્વીકાર પશ્ચિમના દેશોના હાથમાં બિન-પશ્ચિમી દેશોને દબાવવાનું સાધન બની જશે.

સંસ્થાનવાદના અંતમાં યુનોની કામગીરી : રાષ્ટ્રસંઘ એ વૈશ્ર્વિક સંસ્થા ન હતી. તેની નિષ્ફળતા માટે સાર્વત્રિકતાના અભાવને એક કારણ તરીકે ગણાવાતું હતું. આ સંજોગોમાં યુનોને સફળ બનાવવા અને તે સાર્વત્રિક સંસ્થા બને એવી અપેક્ષા હતી. બીજા વિશ્વયુદ્ધ સમયે 1943માં અમેરિકાના વિદેશ ખાતાએ ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય’ની જાહેરાત તૈયાર કરી હતી; પરંતુ અમેરિકા અને સંસ્થાનવાદી દેશો સંયુક્ત રીતે ધરી રાજ્યો સામે લડતા હતા. આથી આ અંગે કંઈ પ્રગતિ થઈ નહિ. બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં એશિયા અને આફ્રિકામાં ચીન એકમાત્ર એવો દેશ હતો, જે સ્વતંત્ર હતો. બ્રિટન પોતાનાં સંસ્થાનોને ઝડપથી આઝાદી આપવામાં માનતું હતું (સંજોગોની માગને સમજીને). યુનોના ઉદ્દેશોમાં ‘આઝાદી’ કે ‘સ્વ-સરકાર’નો સમાવેશ કરવો એ ચર્ચાસ્પદ બન્યો. ટ્રસ્ટીશિપ પરિષદના ઉદ્દેશોમાં ટ્રસ્ટ-વિસ્તારોની ‘આઝાદી’ રાખવાનો અંતિમ ઉદ્દેશ રાખવો કે નહિ એ વિશે સંસ્થાનવાદી દેશોમાં સર્વાનુમતિ ન હતી. ટ્રસ્ટ-વિસ્તારના સંચાલકોની અને સ્વસરકારો દ્વારા સંચાલિત ન હોય એવા વિસ્તારો(non-self-governing territories)ના વહીવટદારોની જવાબદારી કેટલી એ પણ ચર્ચાસ્પદ મુદ્દો બન્યો.

નૉન-સેલ્ફ-ગવર્નિંગ વિસ્તારોના વહીવટ માટે સમિતિ, તેનો વિસ્તાર, વહીવટ હેઠળના વિસ્તારના પ્રતિનિધિઓનો તેમાં સમાવેશ વગેરે દ્વારા યુનો સંસ્થાનવાદ વિરુદ્ધના માહોલને મજબૂત બનાવતો હતો. યુનોમાં નવા સભ્યો દાખલ થતાં (1955 પછી) અને બંને મહાસત્તાઓએ એમાં અવરોધ ઊભો ન કરવાનું નક્કી કરતાં સંસ્થાનવાદના અંતની પ્રક્રિયા મજબૂત બની. એશિયા અને આફ્રિકામાં રાષ્ટ્રવાદનો જુવાળ, યુનોનો વિસ્તાર અને તેનો મંચ તરીકે ઉપયોગ, શીતયુદ્ધમાં બંને મહાસત્તાઓની નવા સ્વતંત્ર થયેલા દેશોમાં સદ્ભાવના ઊભી કરવાની ઇચ્છા અને સંસ્થાનવાદી દેશોની બીક કે જો તેઓ આઝાદી નહિ આપે તો માનવતાનો મોટો ભાગ તેમની વિરુદ્ધમાં થઈ જશે – જેવાં પરિબળોએ સંસ્થાનવાદની જડ હલાવી નાખી. આ બધાંના પરિણામે 14 ડિસેમ્બર 1960ના રોજ મહાસભાએ આઝાદીની જાહેરાતને (એક પણ મત વિરુદ્ધ પડ્યા વગર) અપનાવી. આ જાહેરાતમાં ગર્ભિત રીતે સંસ્થાનવાદના અંતનો વિરોધ કરનારાને નૈતિક, ભૌતિક, રાજકીય, માનવતાવાદી ટેકો આપવાની વાત પણ આવતી હતી.

1967માં આફ્રિકન દેશોએ અપનાવેલા ‘લ્યૂસાકા મૅનિફેસ્ટો’માં આ મદદમાં લશ્કરી મદદનો સમાવેશ કર્યો, અલબત્ત, તેમાં જ મંત્રણાના સાધનને જાકારો આપવામાં આવ્યો ન હતો. જોકે 1976માં મહાસભાની માગમાં શસ્ત્રોની મદદનો ઉલ્લેખ કરાયો ન હતો.

1960માં એક વિસ્તારને બાદ કરતાં બાકીના 10 ટ્રસ્ટ-વિસ્તારો સ્વતંત્ર થયા. માઇક્રોનેશિયા સ્વતંત્ર થઈને 1992માં યુનોનું સભ્ય બન્યું. 1970 સુધીમાં વિશ્વની વસ્તીનો 1 % વિસ્તાર જ સ્વશાસન હેઠળ ન હતો. 80 નવાં રાજ્યોનો જન્મ થયો. યુનોએ સંસ્થાનવાદની સ્વીકૃતિને તોડી નાખી નવાં રાજ્યોને જન્મ આપવામાં મદદ કરી, નવાં રાજ્યોને રક્ષણ અને આર્થિક મદદ આપ્યાં, સંસ્થાનવાદનો અંત આણી આંતરરાષ્ટ્રીય વેપાર વધાર્યો અને ઉત્પાદનનું આંતરરાષ્ટ્રીયકરણ કર્યું.

સંસ્થાનવાદની સાથે રંગભેદ સામેની લડત ચાલતી હતી. પોર્ટુગલમાં લશ્કરી બળવો થતાં અને નવી સરકાર સંસ્થાનવાદ વિરુદ્ધ વલણ અપનાવતી હોવાને કારણે અને પોર્ટુગલ રંગભેદના ગઢ દક્ષિણ આફ્રિકા સાથે સંકળાવા માગતું ન હોવાને કારણે 1975 પછી આ લડત દક્ષિણ આફ્રિકા સામે મુખ્યત્વે કેન્દ્રિત બની. 1990માં નામિબિયા આઝાદ થયું. આ પહેલાં 1988માં ઍંગોલામાં તેની હાર થઈ હતી. 1993માં દક્ષિણ આફ્રિકા આઝાદ થયું. આ પહેલાં 1979માં પહેલી આફ્રિકન(શ્યામવર્ણો)ની બનેલી સરકાર સત્તા પર આવી.

સંસ્થાનવાદના અંતની અસરો મોટી થઈ છે. યુનો આઝાદ દેશોની બનેલી વિશ્વવ્યાપી સરકાર બની છે. આ ઉપરાંત પણ યુનોમાં આંતરિક રાજકારણમાં સભ્યસંખ્યાના વિસ્તારથી મહાસત્તાઓના વર્ચસ્ પર અંકુશ મુકાયો છે. 51માંથી 170 રાજ્યો થયાં, જેની સંખ્યા સોવિયેત સંઘના વિઘટન બાદ 185, વર્ષ 2000માં 188 અને આજે (2006) 191 સભ્યોની થઈ છે. ત્રીજા વિશ્વના દેશોના પ્રશ્નો હવે યુનોના એજન્ડા પર મુકાયા છે. ગરીબી અને આર્થિક વિકાસના પ્રશ્નોનું મહત્ત્વ વધ્યું છે. યુનોનાં બીજાં અંગોએ હવે વિશ્વસમુદાયનું સાચા અર્થમાં પ્રતિનિધિત્વ ધરાવવાનું છે. એક એવો સમય આવ્યો કે જ્યારે યુનોમાં ત્રીજા વિશ્વના દેશોની સરમુખત્યારશાહીની વાત થવા લાગી.

સંસ્થાનવાદના અંતથી બીજા કેટલાક પ્રશ્નો ઊભા થયા. સંસ્થાનોની સરહદો એક રાષ્ટ્રીયતા-ટોળી કે એક રાજ્યના ધોરણે થયેલી ન હતી, પણ સંસ્થાનવાદી દેશોની જરૂરિયાતો અને સંજોગો પ્રમાણે થઈ હતી. હવે જો દરેક ટોળી કે રાષ્ટ્રીયતાને અલગ રાજ્ય રચવાની આકાંક્ષા જાગે તો વર્તમાન રાજ્યો તૂટે. સમગ્ર આફ્રિકન ખંડમાં રાજ્યો રાષ્ટ્રીયતા કે ટોળીને આધારે રચાયેલાં ન હોવાથી રાજ્યોની-પુનર્રચનાનો પ્રશ્ન સમગ્ર આફ્રિકા ખંડ માટે ઊભો થાય. આથી શક્ય હોય ત્યાં સુધી ‘જૈસે થે’ને જાળવવાની નીતિ આફ્રિકન રાજ્યોની સરકારોએ અપનાવી; આમ છતાં વિદેશી સત્તાઓનો કેન્દ્રીય અંકુશ દૂર થતાં વિઘટન(disintegration)ની પ્રક્રિયાને ઉત્તેજન મળ્યું. રાજ્યો આંતરવિગ્રહોના ભોગ બન્યાં. વળી રાજ્યોની પ્રજાની જાતિઓ કે ટોળીઓના લોકો પડોશના રાજ્યમાં રહેતા હોવાથી આંતરવિગ્રહ અને જાતિવધ ઉપરાંત આંતરરાજ્ય-યુદ્ધો પણ આફ્રિકામાં ઊભાં થયાં.

યુનો અને પરિસર (પર્યાવરણ) : યુનોના ખતપત્રમાં પર્યાવરણના રક્ષણનો એક ઉદ્દેશ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આ પરિસ્થિતિમાં ક્રાંતિકારી પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે યુનોની મહાસભાએ 1972માં યુ.એન. કૉન્ફરન્સ ઑવ્ હ્યુમન ઍન્વાયરન્મૅન્ટ (UNCHE) બોલાવી. આ પહેલાં પણ યુનોએ પરિષદો બોલાવી હતી, પરંતુ તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત હતું. આ પરિષદે સારું પર્યાવરણ પ્રાપ્ત કરવાનો માનવ-અધિકાર પ્રતિપાદિત કર્યો. આ પછીથી યુનો દ્વારા કે તેનાં વિવિધ અંગો અને વિશિષ્ટ અંગો દ્વારા પર્યાવરણ અંગે વિવિધ સંમેલનો (conventions) બોલાવવામાં આવ્યાં હતાં. આર્થિક વિકાસ અને પરિસરની જાળવણી એ બંને ધ્યેયો વિકસિત અને વિકાસશીલ દેશો બંને માટે મહત્ત્વનાં છે. વિકાસશીલ દેશોનો એક વિશિષ્ટ પ્રશ્ન એ છે કે પર્યાવરણની જાળવણી માટે, જોઈતી નવી ટૅક્નૉલૉજી માટે, આર્થિક ખર્ચ ભોગવવા માટે તેમની ક્ષમતા ઓછી છે. 1992માં રિયો(બ્રાઝિલ)માં મળેલી યુનોની પરિસર અને વિકાસ માટેની પરિષદમાં આ મુખ્ય પ્રશ્ન બન્યો. યુનોનું ધ્યાન પરિસરના પ્રશ્નો તરફ મોડું દોરાયું, એનું એક કારણ એ હતું કે વિકાસ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સાચી રીતે સમજી શકાયો ન હતો. 1972 પછી પરિસરના સંદર્ભમાં યુનોનું સંસ્થાકીય માળખું પણ રચાયું હતું. યુનોના પરિસર કાર્યક્રમના સંદર્ભમાં સચિવાલય, ગવર્નિંગ કાઉન્સિલ, કો-ઑર્ડિનેશન બૉર્ડ રચવામાં આવ્યાં. આ પરિષદમાં વિકાસ અને પર્યાવરણના સંદર્ભમાં 26 સિદ્ધાંતો પ્રતિપાદિત કરવામાં આવ્યા, જેમાંથી પરિસરના કાનૂનના વિકાસનાં મૂળ નંખાયાં. નિષ્ણાતોને ભેગા કરીને મહાસભા સમક્ષ માર્ગદર્શક સિદ્ધાંતો યુનોના આશ્રય હેઠળ મુકાયા છે; પરંતુ યુનોની વિકાસ અને પરિસરના ક્ષેત્રમાં કામગીરી અસંકલિત રહી છે. નિ:શંક રીતે યુનોના પ્રયત્નોને લીધે પ્રશ્નોના મહત્ત્વ તરફ વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. વિવિધ પરિષદો અને સંમેલનો માટે રાજ્યોએ તૈયારી કરવી પડે છે. બિનસરકારી સંગઠનોએ રાજ્યોને અને આંતરરાષ્ટ્રીય પરિષદોને પોતાના નિષ્ણાત જ્ઞાન અને અનુભવનો લાભ આપ્યો છે. રિયો પરિષદમાં 27 સિદ્ધાંતો બતાવવામાં આવ્યા છે. આ પરિષદમાં એજન્ડા 21 (Agenda 21) પણ તૈયાર કરવામાં આવ્યો. ચિરકાલીન વિકાસ કે ધરતી જીરવી શકે એવો વિકાસ (sustainable development) અને તેના સંદર્ભમાં રાજ્યોની વ્યક્તિગત વર્તણૂકના સંદર્ભમાં આ એજન્ડા મુકાયો છે. આ ઉપરાંત વિવિધ ગૅસ વધુ પડતા પ્રમાણમાં નીકળવાથી પર્યાવરણને થતા નુકસાન અને તેની લાંબા ગાળાની અસરોના સંદર્ભમાં હવામાન-પરિવર્તન(climate change)ના સંદર્ભનો વિચાર કરવામાં આવ્યો, જેનો સૈદ્ધાંતિક સ્વીકાર 153 રાજ્યોએ કર્યો હતો. આ ઉપરાંત જૈવ વૈવિધ્ય(biodiversity)ના ક્ષેત્રમાં પણ વિવિધ પગલાંઓ વિચારવામાં આવ્યાં. આ પછી ક્યોટો પરિષદમાં વિવિધ રાજ્યો માટે ગૅસ છોડવા(gas emission)નાં લક્ષ્યો નક્કી કરવામાં આવ્યાં. નક્કી કરેલી સંખ્યામાં રાજ્યોએ સહી કરતાં

ક્યોટો સંમેલનના ઠરાવો સહી કરનાર રાજ્યોના સંદર્ભમાં અમલમાં આવ્યા છે.

આમ છતાં, પર્યાવરણના સંદર્ભમાં યુનોના સંસ્થાકીય માળખાની ક્ષતિઓ પણ છતી થઈ. વિકાસ અને પર્યાવરણના સંબંધની આંતરિક સમજના અભાવનો ઉલ્લેખ થયો છે. તેને લીધે યુનોનાં વિવિધ અંગોની પ્રવૃત્તિઓ વચ્ચે સંકલનનો અભાવ નજરે પડ્યો છે. પરિસરના રક્ષણને માટે પગલાં લેવામાં આંતરરાષ્ટ્રીય સહકાર અનિવાર્ય હોય તોપણ સાર્વભૌમત્વ જાળવવા આતુર રાજ્યો, રાજ્યને જ આ માટેનો યોગ્ય એકમ કે આધાર માને છે.

ભારત અને સંયુક્ત રાષ્ટ્રસંઘ : ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપનાના હિમાયતી હતા. એક ઇતિહાસકાર તરીકે નેહરુ રાષ્ટ્ર-રાજ્ય પ્રથાના અતિરેક અને તેની ક્ષતિઓથી અજ્ઞાત ન હતા. સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થા રાષ્ટ્ર-રાજ્યની પ્રથાના અતિરેકો પર અંકુશ મૂકી શકે. આમ છતાં રાષ્ટ્રસંઘ (League of Nations) અને યુનો પરના મહાસત્તાઓના વર્ચસ્ના તેઓ વિરોધી હતા. વીટોની સત્તાના તેઓ વિરોધી હતા, છતાં અમુક પ્રમાણમાં નેહરુ યથાર્થવાદી (realist) હતા, તેથી આ પ્રથાનો તેઓ સ્વીકાર કરતા હતા.

નેહરુ અને તેમના મિત્ર સંરક્ષણપ્રધાન કૃષ્ણમેનન યુનોનો ઉપયોગ શાંતિ માટે થાય અને વાટાઘાટોનું સંકલન-કેન્દ્ર તે બને એમ ઇચ્છતા હતા; છતાં ઉત્તર કોરિયા જ્યારે આક્રમક રાજ્ય બન્યું ત્યારે તેની ટીકા કરવામાં અને તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાનું જ્યારે નક્કી થયું ત્યારે ભારતે તેનું સમર્થન કર્યું હતું. યુનોની નીતિ પર ભારતની બિનજોડાણની નીતિની અસર પડતી હતી; પરંતુ શીતયુદ્ધના વિસ્તાર સાથે અને પોતાના રાષ્ટ્રીય હિત સાચવવા ભારતે રશિયાની સાથે રહેવું પડ્યું હતું કે તેની વિરુદ્ધનું વલણ ન લેવાની નીતિ (નૈતિક રીતે યોગ્ય ન હોય તોપણ) અપનાવવી પડી હતી. ભારતની બિનજોડાણની નીતિ રશિયાતરફી છે એવો આક્ષેપ ભારતના યુનોમાંના વલણના સંદર્ભમાં પણ થયો હતો.

ભારતે સંસ્થાનવાદનો અનુભવ કરેલો હોવાથી તેણે આઝાદી પહેલાંથી સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ અને જાતિવાદ(racism)નો વિરોધ કરેલ હતો. આઝાદી પછી પણ યુનોમાં સંસ્થાનવાદનો સતત વિરોધ કરીને, ત્રીજા વિશ્વના દેશોને આઝાદ બનવાની અને તેમને યુનોના સભ્ય બનાવવાની નીતિને ટેકો આપેલો હતો. એ જ રીતે ઇન્ડોનેશિયા આઝાદ બન્યું પછી તેને ફરી સંસ્થાન બનાવવાના હોલૅન્ડના વલણની ભારતે આકરી ટીકા કરી હતી. આમ છતાં, ગાંધીચીંધ્યા માર્ગે ભારત આઝાદ બન્યું હોવાથી બીજા દેશો પણ એ રીતે આઝાદ થાય એમ ભારત ઇચ્છતું હતું. ત્રીજા વિશ્વના દેશો બિનલોહિયાળ માર્ગે આઝાદ બને એવી ઇચ્છાને કારણે ભારત સંસ્થાનવાદી દેશો અને સંસ્થાનો વચ્ચે સમાધાનકારી માર્ગે સંસ્થાનોને આઝાદી મળે એ રીતનું રચનાત્મક વલણ યુનોમાં અપનાવતું હતું. સંસ્થાનોને અહિંસક માર્ગે, નૈતિક, ભૌતિક અને રાજકીય ટેકો તેણે આપ્યો હતો. આમ છતાં ખુદ ભારતે દીવ, દમણ અને ગોવાને પોર્ટુગલથી મુક્ત કરાવવા લશ્કરી માર્ગ અપનાવ્યો હતો.

યુનોને સાર્વત્રિક સંસ્થા બનાવવાના હેતુથી ભારતે શરૂઆતથી લાલ ચીનને યુનોનું સભ્યપદ મળે એ માટે પ્રયત્નો કર્યા હતા. 1962 પછી ચીન સાથે સંબંધ બગડવા છતાં, ભારતે પોતાની નીતિમાં પરિવર્તન આણ્યું ન હતું.

સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા – એક દૃશ્ય

ભારતે યુનોની શાંતિરક્ષાની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હતો. જોકે પહેલી પેઢી(generation)ની શાંતિરક્ષાની યુનોની પ્રવૃત્તિઓની તરફેણ ભારતે વધુ કરી છે. બીજી પેઢીની શાંતિરક્ષાની યુનોની પ્રવૃત્તિઓ એ લશ્કરી પ્રકારની પ્રવૃત્તિઓ હોવાથી અને તેમાં ઝઘડાના કોઈક પક્ષકારની ઇચ્છા વિરુદ્ધ દરમિયાનગીરીની શક્યતા હોવાથી ભારતે તેની હિમાયત કરી નથી. આ ઉપરાંત આવી પ્રવૃત્તિમાં ઝઘડાનો એક પક્ષકાર ભારતનો મિત્ર હોય (સોમાલિયા) તો ભારતને માટે આવી પ્રવૃત્તિને ટેકો આપવાનું મુશ્કેલ બન્યું છે.

ભારતે યુનોની આર્થિક પ્રવૃત્તિઓને અને પર્યાવરણરક્ષણની પ્રવૃત્તિઓને ટેકો આપ્યો છે; જોકે વિકસિત દેશોએ વિશ્વના આવા પ્રશ્નોના સર્જનમાં આપેલા મોટા ફાળાને કારણે, ત્રીજા વિશ્વના દેશોની તુલનામાં વિકસિત દેશોએ આ પ્રશ્નોને હલ કરવામાં મોટું યોગદાન કરવું જોઈએ એવું વલણ તેણે અપનાવ્યું છે.

યુનોની મહાસભાના પ્રમુખથી માંડીને, યુનોનાં અનેક અંગોમાં ભારતીય રાજપુરુષો અને નિષ્ણાતોએ પોતાની સેવા આપી છે.

ભારતે સલામતી સમિતિના બિનકાયમી સભ્ય તરીકે પણ સેવા આપી છે. સલામતી સમિતિના સભ્યપદના વિસ્તારની વાત જ્યારે વિશ્વના એજન્ડા પર છે, ત્યારે ભારતે સલામતી સમિતિના કાયમી સભ્ય બનવા માટેની પોતાની ઇચ્છા જાહેર કરી અનૌપચારિક તથા મુત્સદ્દીગીરીના માર્ગો દ્વારા બીજા દેશોનો ટેકો પ્રાપ્ત કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે.

યુનોની શાંતિરક્ષાની પ્રવૃત્તિઓમાં પોતાના સૈનિકોનો ભોગ અપાયો હોવા છતાં ભારતે પોતાનાં દળોને પાછાં ખેંચ્યાં નથી. ટૂંકમાં, ભારત આ અંગે સગવડભર્યું વલણ અપનાવતું નથી પણ ન્યાયોચિત વલણ ધરાવે છે.

યુનોમાં સુધારા, તેના પ્રશ્નો અને તેનું ભાવિ : યુનોની સ્થાપના થયા પછી યુનોના માળખામાં સંપૂર્ણ ફેરફારના પ્રયત્ન થયા નથી (entire revision). યુનોના બંધારણમાં થોડાક ફેરફારો થયા; જેમ કે, સલામતી સમિતિના અને આર્થિક તેમજ સામાજિક પરિષદના સભ્યોની સંખ્યામાં ફેરફારો થયા છે; બંધારણમાં ફેરફારની પદ્ધતિનો ઉપયોગ કર્યા વગર ખરેખર મોટાં પરિવર્તનો તેમાં આવ્યાં છે. આમાં સૌથી મોટા પરિવર્તનમાં યુનોની શાંતિરક્ષાની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરી શકાય. શાંતિરક્ષક દળોની પ્રવૃત્તિઓને ‘નોબેલ શાંતિ પારિતોષિક’ પણ મળ્યું છે; જ્યારે કેટલાંક ઇચ્છનીય પગલાં યુનોના બંધારણમાં જણાવવામાં આવ્યાં છે, પણ લેવાયાં નથી; જેમ કે, લશ્કરી સલાહકાર સમિતિની રચના, વિવિધ દેશોમાં યુનોના હેતુઓ માટે લશ્કરી દળો અનામત રાખવાની જોગવાઈ.

યુનોની સ્થાપના પછી સુધારણાના નોંધવા લાયક પ્રયત્નો થયા છે; જેમ કે, સચિવાલયની પુનર્રચના. યુનોની ચક્રાકારે આવતી નાણાકીય મુશ્કેલીઓ સુધારવા માટે ઉપક્રમ ઊભો કરે છે. સચિવાલયે આ સુધારાઓ અને આધુનિકીકરણનો વિરોધ કર્યો છે. 1986માં મહાસભાએ નીમેલી 18 સભ્યોની સમિતિએ ભૂતકાળમાં સૂચવાયેલા કેટલાક સુધારાઓ ઉપરાંત સચિવાલયની કર્મચારીગણ અંગે(staffing policy)ની નીતિમાં સુધારા કરવા પર ખાસ ભાર મૂક્યો હતો અને ટોચ ઉપર ભારે અને યોગ્ય લાયકાત વગરના કર્મચારીગણની વ્યવસ્થાની આકરી ટીકા કરી હતી. આ સમિતિએ યુનોના પ્રશ્નો માટે સભ્યોની સદ્ભાવનાનો અભાવ, અસરકારક સંચાલનનો અભાવ અને યુનોની માળખાકીય ક્ષતિઓ(ખાસ કરીને સચિવાલયની)ને જવાબદાર ગણ્યાં હતાં.

1980ના મધ્ય ભાગથી શીતયુદ્ધનો અંત આવતાં યુનો પ્રત્યેની સદ્ભાવના વધી અને યુનો મહત્ત્વનું બન્યું. 1985થી ત્રણ વલણો નજરે પડ્યાં છે :

(અ) આર્થિક અને સામાજિક સુધારાને અપાયેલું મહત્ત્વ; જેમાં આર્થિક સલામતી સમિતિ(Economic Security Council)ની રચના કરવાનું સૂચન થયું હતું.

(આ) સલામતી સમિતિની સત્તા વધારવી; જેમ કે, તેને હસ્તક લશ્કરી દળ સોંપવું અને પ્રકરણ 7ની જોગવાઈઓને સક્રિય બનાવવી. ખાસ કરીને નાના, મધ્યમ આક્રમક દેશો સામે વિવિધ પ્રકારની અસરકારક લશ્કરી શક્તિ ઊભી કરવી એ ધ્યેય હતું.

(ઇ) સલામતી સમિતિને વધુ પ્રતિનિધિત્વવાળી બનાવવી; જેમાં કાં તો વીટોની સત્તા નાબૂદ કરવી કે સલામતી સમિતિના કાયમી સભ્યોની સંખ્યા વધારવી.

બુટ્રાસ બુટ્રાસ ઘાલીએ યુનોની સુધારણા માટે ‘An Agenda For Peace’ રજૂ કર્યો હતો. કૉફી અન્નાને પણ સુધારણા માટે એક પૅનલ નીમી હતી. આ પૅનલે સલામતી સમિતિના સભ્યોની સંખ્યા 15થી વધારીને 24 કરવાનું સૂચવ્યું હતું. એક સૂચન મુજબ 6 બીજા કાયમી સભ્યો ઉમેરવા જોઈએ અને બીજા 3 બે વર્ષની મુદત ભોગવનાર સભ્યો ઉમેરાવા જોઈએ. સભ્યસંખ્યાના વિસ્તાર માટે એક બીજું સૂચન એવું હતું કે 8 અર્ધકાયમી ઉમેરાવા જોઈએ, જેની મુદત 4 વર્ષની હોય (પુનર્નિયુક્તિની શક્યતા સાથે) અને બે વર્ષની મુદત ધરાવતો એક સભ્ય ઉમેરાવો જોઈએ. વીટોની સત્તા હાલના પાંચ કાયમી સભ્યો પાસે જ ચાલુ રાખવી જોઈએ. પૅનલના અહેવાલમાં હુમલાની ધમકીની અપેક્ષાએ સ્વરક્ષણના અધિકાર પર ભાર મૂક્યો હતો. ત્રાસવાદની ધમકીને પણ આ હુમલાની અપેક્ષામાં સામેલ કરવામાં આવી હતી. કોઈક રાજ્યને આતંકવાદની ધમકીને પહોંચી વળવા સલામતી સમિતિ સમક્ષ રજૂઆત કરે તો તે રાજ્યને લશ્કરી પગલું લેવાની સત્તા સલામતી સમિતિ આપી શકે.

સલામતી સમિતિના સભ્યપદના વિસ્તારનો પ્રશ્ન હજી ચર્ચાની એરણે છે. કેટલા અને કયા સભ્યોને કાયમી સભ્યપદ આપવું, કયે આધારે આપવું, વીટો વગર કે વીટો સાથે કાયમી સભ્યપદ આપવું  એ મુદ્દાઓનું નિરાકરણ આવ્યું નથી. વર્તમાન કાયમી સભ્યો, વીટો વગરના કાયમી સભ્યોની વાત સ્વીકારે પણ નવા કાયમી સભ્ય બનવા માગતા એને સ્વીકારશે ?

એ જ રીતે યુનોનો સ્ટાફ વધારે પડતો છે અને તેનું સંચાલન બિનકાર્યક્ષમ છે એવી રજૂઆત અમેરિકા તરફથી ખાસ થાય છે. અમેરિકાના મતે આવા યુનોને તેણે નાણાકીય પ્રદાન શા માટે કરવું જોઈએ ?

યુનોની સુધારણા માટેના પ્રયત્નો સફળ થયા નથી. કેટલાંક પરિબળો જે યુનોની સ્થાપના પહેલાં અસ્તિત્વમાં હતાં અને જેથી રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું તે જ પરિબળો યુનોના સંદર્ભમાં અસ્તિત્વમાં છે. આ પરિબળોનો ઉલ્લેખ કરીએ તો :

(અ) રાજ્યો સામૂહિક સલામતીની વ્યવસ્થા માટે તૈયાર નથી. આ સિદ્ધાંત મુજબ શાંતિ અનિવાર્ય છે; પરંતુ રાજ્યો એવું માનતા નથી. આફ્રિકા ખંડમાંની અશાંતિ યુરોપ, એશિયા, લૅટિન અમેરિકાના દેશોને એટલી મહત્ત્વની લાગતી નથી. શાંતિની આવશ્યકતા બધાંને મહત્ત્વની લાગતી નથી. પાકિસ્તાનને કાશ્મીરમાં શાંતિ મહત્ત્વની લાગતી નથી. અલ કાયદા તરફથી ઊભી થતી અશાંતિ અમેરિકાને જેટલી મહત્ત્વની લાગે તેટલી કાશ્મીરનાં જેહાદી જૂથો દ્વારા ઊભી થતી અશાંતિ લાગતી નથી. વળી રાજ્યો દૂરના પ્રદેશની શાંતિ માટે પોતાના સૈનિકોનો જીવ ગુમાવવા તૈયાર નથી. યુનો વધુમાં વધુ કાયમી ધોરણે શાંતિરક્ષાની પ્રવૃત્તિઓ જ કરે છે.

અમુક અપવાદરૂપ કેસો-જેવા કે ઇરાકનું કુવૈત પર આક્રમણ-ને બાદ કરતાં રાજ્યો શિક્ષાત્મક પગલાં લેવા તૈયાર નથી, ખાસ કરીને જો આક્રમક અમુક પ્રમાણમાં શક્તિશાળી રાજ્ય હોય તો આમ બને છે.

વળી અમુક પ્રકારનાં અશાંતિ સર્જતાં પરિબળો, જેવાં કે ત્રાસવાદ વગેરેને પહોંચી વળવા યુનો સક્ષમ નથી.

વળી આજનું વિશ્વ પણ મિત્રો અને દુશ્મનોમાં વહેંચાયેલું છે. જાતિ, ટોળી, ધર્મ કે ભાષાને આધારે બનેલા મિત્રો સામે પગલાં લેવા રાજ્યો તૈયાર હોતાં નથી.

આંતરરાજ્ય ઝઘડાઓને પહોંચી વળવા યુનો અમુક ક્ષમતા ધરાવે તોપણ રાજ્યની અંદરના ઝઘડાઓને પહોંચી વળવાની તેની ક્ષમતા શંકાસ્પદ છે.

(આ) જો વિશ્વનાં રાજ્યો આર્થિક પરસ્પરાવલંબનમાં શ્રદ્ધા રાખતા હોય તો આર્થિક વિકાસના હેતુ માટે યુનો સફળ થઈ શકે; પરંતુ આજે વિશ્વ ઉત્તર-દક્ષિણના વિવાદોમાં ઘેરાયેલું છે. આંતરરાષ્ટ્રીય વેપારના વિકાસમાં આવતા અવરોધો વાસ્તવિક છે. બધા જ દેશો બીજાને બંધનમાં રાખી, પોતે તેનાથી મુક્ત રહેવા માગે છે.

યુનોના મહત્ત્વના પ્રશ્નો : (1) યુનોનો એક મહત્ત્વનો પ્રશ્ન છે આંતરિક વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રનો. આજના સંઘર્ષો આંતરિક વધુ છે. આ સંઘર્ષમાં માનવહકોનો હ્રાસ પણ થાય છે. ક્યાં સુધી યુનોએ આ ચલાવી લેવું ? આખરે માનવહકોનું જતન એ પણ યુનોનું ધ્યેય છે. આ જતન માટે કેટલા પ્રમાણમાં યુનોએ આંતરિક ક્ષેત્ર(domestic jurisdiction)માં દખલ કરવી ? આમ કરવાથી સાર્વભૌમત્વનો ભંગ થાય છે; પરંતુ વિચારો બદલાતાં કે સંજોગો બદલાતાં રાજ્યો આજે એ ચલાવી લે છે, ભલે અચકાતાં અચકાતાં. આ દખલગીરીને વાજબી ઠેરવવામાં આવે તો યુનો શક્તિશાળી દેશોનું પ્યાદું ન બને ?

(2) ઇરાક સામેના પ્રથમ અને બીજા યુદ્ધે યુનો પરના અમેરિકન વર્ચસ્નો ભય ઊભો કર્યો છે. વિશ્વમાં સત્તાની વર્તમાન વહેંચણી એકધ્રુવી વિશ્વની સ્થાપના કરે છે. અમેરિકા આથી પોતાના હિતમાં સાક્ષીઓ ઊભા કરીને યુદ્ધો કરે છે. બીજા ઇરાક યુદ્ધમાં તો આથી અમેરિકાના જૂના મિત્રો પણ નારાજ હતા. આથી યુનોનો એક મહત્ત્વનો પ્રશ્ન એ બને છે કે આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રથાના વર્તમાન નેતાને સાચા અર્થમાં સામૂહિક નિર્ણય લેવા કેવી રીતે તૈયાર કરવા ?

(3) યુનોએ કેટલા અંશે કટોકટી ઊભી થતી રોકવા કે વિકસતી અટકાવવા રુકાવટની મુત્સદ્દીગીરી કે લશ્કરી પગલાં (preventive diplomacy કે military action) લેવાં જોઈએ ? ઇરાક સામે લેવામાં આવેલાં પગલાંથી આ ચર્ચા ગંભીર બની છે, કારણ કે સામાન્ય રીતે યુનો કટોકટીની ઘટના કે આક્રમણ પછી પગલાં લે એવી અપેક્ષા રાખવામાં આવે છે. આ સાથે કાયમી ધોરણે તાત્કાલિક રીતે અમલમાં આવે એવી લશ્કરી વ્યવસ્થાના સર્જનનો પ્રશ્ન પણ મહત્ત્વનો બને છે.

(4) યુનોમાં કાર્યરત યુનેસ્કો જેવાં બિનરાજકીય સંગઠનો યુનોના ઉપયોગી અને અનિવાર્ય એકમો બનતા જાય છે. યુનો એ માત્ર રાજ્યોનું સંગઠન બની રહેશે કે ભવિષ્યમાં બિનરાજકીય એકમોને માળખાકીય રીતે સંગઠનમાં સમાવનાર સંસ્થા બનશે એ પ્રશ્ન મહત્ત્વનો છે (ખાસ કરીને આર્થિક વિકાસ અને પર્યાવરણના સંદર્ભમાં).

(5) સક્ષમ યુનો માટે નાણાં કઈ રીતે ઊભાં કરવાં અને તેમ છતાં તેની સ્વાયત્તતા કઈ રીતે જાળવવી ?

(6) યુનોના સંચાલનને વ્યવસાયી (professional) કઈ રીતે બનાવવું તે મહત્ત્વનો પ્રશ્ન છે. યુનોનું તંત્ર પર્યાપ્ત અને વ્યવસાયી બને એમ છતાં તે પાછળ રહેલા રાજકીય ઇરાદાઓ સફળ ન થાય તે પણ તેણે સંભાળવાનું છે.

1980ના દાયકાના મધ્ય ભાગ પછી યુનોનું મહત્ત્વ એકદમ વધી ગયેલું લાગતું હતું; પરંતુ યુનોના પ્રશ્નો રહ્યા છે અને અમુક ક્ષેત્રમાં વધ્યા છે. તેમને હલ કરવા માટે નવો અભિગમ જોઈએ; પણ આજે ફરી જૂના અભિગમની વાપસી દેખાઈ આવી છે, પછી ભલે એની ઉગ્રતા કંઈક ઓછી હોય. યુનોના માળખાના ફેરફારો કંઈ નહિ તો યુનોને વધુ પ્રતિનિધિત્વવાળી સંસ્થા બનાવવા જરૂરી બન્યા છે, પણ એ કરવાની સૂઝ આંતરરાષ્ટ્રીય સમુદાય અને મહાસત્તાઓ દર્શાવે તેના પર તેનો આધાર છે. ટૂંકમાં, યુનોની લોકસ્વીકૃતિનો પ્રશ્ન આજે મહત્ત્વનો છે જ, બલકે એ યુનોના અસ્તિત્વના સમગ્ર ગાળા દરમિયાન મહત્ત્વનો રહ્યો જ છે. એ નોંધવું જોઈએ કે યુનો ત્રીજા વિશ્વના દેશોને જ ‘પોતાનું’ લાગ્યું નથી એવું નથી; અલગ અલગ સમયે ‘અમેરિકા’, ‘રશિયા’ અને ‘ચીન’ને પણ તે પોતાનું લાગ્યું નથી !

આમ, યુનોની કામગીરી લીગ ઑવ્ નેશન્સની તુલનાએ નોંધપાત્ર હોવા છતાં પ્રત્યેક દેશની ગતિવિધિ પરત્વે યુનો ઘણી અધૂરપો ધરાવે છે અને તેણે ઘણું કામ કરવાનું બાકી છે. ખરી જરૂર રાજ્યોની અપેક્ષાઓ અને યુનોની કામગીરીની વાસ્તવિકતાઓ વચ્ચે મેળ બેસાડવાની છે. આ કામ જેટલું વધુ પ્રમાણમાં થશે તેટલા પ્રમાણમાં યુનો સફળ થઈ શકશે એ નિર્વિવાદ છે.

મહેન્દ્ર ઠાકોરલાલ દેસાઈ