સંયુક્ત સ્વર (Combination Tones) : સ્વરોની એવી શ્રેણી, જે બે જુદી જુદી આવૃત્તિઓના બે પ્રબળ સ્વરોનો ધ્વનિ એકસાથે ઉત્પન્ન કરતાં તે સ્વરો સાથે અન્ય આવૃત્તિઓના સ્વરો રૂપે ઉત્પન્ન થાય.

સંયુક્ત સ્વર સંનાદી(harmonics)થી અલગ છે. સંયુક્ત સ્વરો પૈકી સૌથી પ્રબળ સ્વર પ્રથમ વ્યવકલિત સ્વર (difference tone) હોય છે. મુખ્ય સ્વરોની આવૃત્તિ P અને Q હોય તો પ્રથમ વ્યવકલિત સ્વરની આવૃત્તિ (P – Q) અથવા (Q – P) હોય. અલબત્ત, વ્યવકલિત સ્વરોની સંખ્યા તો અનંત હોઈ શકે, દા.ત., (P – 2Q), (P – 3Q), (P – 4Q), …….. વગેરે. સૈદ્ધાંતિક રીતે એ પણ શક્ય છે કે બે વ્યવકલિત સ્વરોની આવૃત્તિઓ (P  2Q) અને (P – 4Q) એક વ્યવકલિત સ્વર ઉત્પન્ન કરી શકે જેની આવૃત્તિ [(P – 2Q)  (P – 4Q)] = 2Q હોય. તેવી જ રીતે (P + Q), (P + 2Q), (2P + Q), ……… વગેરે આવૃત્તિઓના સંકલિત સ્વરો મળી શકે. સૈદ્ધાંતિક રીતે અનંત સંખ્યામાં વ્યવકલિત કે સંકલિત પ્રકારના સંયુક્ત સ્વરો શક્ય છે. સામાન્યત: પ્રથમ વ્યવકલિત સ્વર સહેલાઈથી શ્રાવ્ય હોય છે. પ્રથમ વ્યવકલિત સ્વર બે મુખ્ય સ્વરોથી નબળો હોય છે. જોકે દ્વિતીય, તૃતીય, …….. વગેરે વ્યવકલિત સ્વરો અને સંકલિત સ્વરોની તીવ્રતા અત્યંત મંદ હોય છે.

અઢારમી સદીના આરંભે લગભગ એક જ સમયે ત્રણ સંગીતકારોએ દાવો કરેલો કે તેમણે જ્યારે સ્વરમાપક્રમના પાંચ સ્વરનું અંતર ધરાવતા બે સ્વરોને વાદ્ય પર બજાવવામાં આવ્યા ત્યારે નવો સ્વર સંભળાયો હતો. બે ઉચ્ચ સ્વરકોટિના સ્વરોને બજાવતાં બંનેની આવૃત્તિઓના તફાવત જેટલી આવૃત્તિનો નિમ્ન સ્વરકોટિનો નવો સ્વર સાંભળવા મળે છે. લાંબા સમય સુધી આ પરિણામી સ્વર બીજું કશું નહિ પણ વિસ્પંદી સ્વર (beat tone) ગણવામાં આવ્યો, જેની આવૃત્તિ બંને મુખ્ય સ્વરોની આવૃત્તિઓના તફાવત બરાબર હતી. પરંતુ હૅલ્મહોલ્ટ્ઝ દ્વારા એવા પરિણામી સ્વરની શોધ કરવામાં આવી જેની આવૃત્તિ બે મુખ્ય સ્વરોની આવૃત્તિના સરવાળા બરાબર થતી હતી. તે વખતે આવા સ્વરો બિલકુલ જુદા પ્રકારના સ્વરો ગણવાની અગત્ય સમજાયેલ. તેને ‘સંયુક્ત સ્વરો’ કહેવાયા, જે બંને ‘વ્યવકલિત સ્વરો’ અને ‘સંકલિત સ્વરો’ દર્શાવે છે. આ એવો વિષય છે જે અંગે છેલ્લાં ત્રીસ વર્ષોમાં ઘણો રસ જાગ્રત થયો છે.

વ્યવકલિત સ્વર કે સંકલિત સ્વર ઉત્પન્ન કરવા મુખ્ય સ્વરો સતત અને પ્રબળ હોવા જોઈએ અને મુખ્ય સ્વરોની આવૃત્તિ એવી હોવી જોઈએ. સંયુક્ત સ્વરની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારની મધ્યમાં હોય. વ્યવકલિત સ્વર ઉત્પન્ન કરવો સહેલો છે, જ્યારે સંકલિત સ્વર ઉત્પન્ન કરવો મુશ્કેલ હોય છે. કારણ કે તેના ઉત્પાદનમાં નિમ્ન સ્વરો પસંદ કરવામાં આવે છે.

સંયુક્ત સ્વરો વ્યક્તિનિષ્ઠ (subjective) અને વસ્તુનિષ્ઠ (objective) હોય છે. વ્યક્તિનિષ્ઠ સંયુક્ત સ્વરો એવા સ્વરો છે, જે માત્ર કાન દ્વારા જ પારખી શકાય છે અને તેમનું અસ્તિત્વ કાન બહાર હોતું નથી; પરંતુ આગળ જતાં એવું માલૂમ પડ્યું કે વ્યવકલિત સ્વરનું અસ્તિત્વ કાનની બહાર પણ હોય છે, જે યોગ્ય અનુનાદકને અનુમાનિત વ્યવકલિત સ્વર સાથે સમસ્વરિત (tuned) કરીને જાણી શકાય છે.

સંયુક્ત સ્વરોનાં વિવિધ પાસાંને સમજાવવા કેટલાક સિદ્ધાંતો છે તે પૈકી વાએટ્ઝમાને આપેલ સિદ્ધાંત સૌથી વિશેષ સંતોષકારક છે. આ સિદ્ધાંત સંયુક્ત સ્વરોની કંપવિસ્તાર અને આવૃત્તિના સંદર્ભમાં વિશેષતાઓ તેમજ વ્યક્તિનિષ્ઠ અને વસ્તુનિષ્ઠ સંયુક્ત સ્વરોનું અસ્તિત્વ સંતોષકારક રીતે સમજાવે છે.

વિહારી છાયા