સંયુક્ત ક્ષેત્ર : જાહેર ક્ષેત્રની સંસ્થાએ આર્થિક હેતુઓ માટે ખાનગી ક્ષેત્ર સાથે શૅરમૂડીની ભાગીદારીમાં સ્થાપેલ અલગ કંપની અથવા સહકારી મંડળી.

કેન્દ્ર, રાજ્ય અથવા તો સ્થાનિક સરકારી સંસ્થા 100 ટકા શૅરમૂડીરોકાણ કરીને જે અલગ કંપનીની સ્થાપના કરે છે તેને જાહેર ક્ષેત્રની કંપની તરીકે ઓળખવામાં આવે છે. તેનો વહીવટ તેને સ્થાપનાર સંસ્થાના પ્રતિનિધિઓ કરે છે; જ્યારે જાહેર ક્ષેત્રની સંસ્થા, ખાનગી ક્ષેત્રની સંસ્થા અથવા જનતા સાથે શૅરમૂડીમાં ભાગીદારી કરી અલગ કંપનીની સ્થાપના કરે ત્યારે તે સંયુક્ત ક્ષેત્રની કંપની તરીકે થાય છે. તેમાં કેટલીક જાહેર ક્ષેત્રની સંસ્થાઓ બહુમતી શૅરમૂડીરોકાણ કરી વહીવટ પોતાને હસ્તક રાખે છે. તો વળી કેટલીક સંયુક્ત ક્ષેત્રની કંપનીઓનું સંચાલન ખાનગી ક્ષેત્રના ભાગીદારને સોંપવામાં આવે છે. આર્થિક હેતુઓ માટે શરૂ કરવામાં આવેલ જાહેર કે સંયુક્ત ક્ષેત્રની કંપનીઓનું સંચાલન સરકારી પ્રણાલી અને દખલથી દૂર રાખવા અલગ સ્વાયત્ત કંપની સ્થાપવામાં આવે છે.

ખાનગી ક્ષેત્ર પાસે આર્થિક વિકાસ માટે સાહસિક વૃત્તિ, અનુભવ, સૂઝ, દીર્ઘદૃદૃષ્ટિ, કુશળ સંચાલનશક્તિ છે. બીજી તરફ રાજ્ય પાસે પૂરતી મૂડી, નાણાકીય સાધનો છે; જેમનો ખાનગી સાહસ પાસે અભાવ છે. આથી રાજ્યનાં નાણાકીય સાધનો અને ખાનગી ક્ષેત્રની પાસે રહેલ સૂઝ, અનુભવનો સમન્વય સાધવા માટે સંયુક્ત સાહસ ચલાવવામાં આવે તો આર્થિક વિકાસ વધુ વેગવાન બને. સાહસની કામગીરી માટે અધ્યક્ષ અને સંચાલકમંડળ જવાબદાર રહે છે. આ સ્વરૂપ કંપની કે સહકારી મંડળી તરીકે અસ્તિત્વમાં આવે છે. તેની સ્થાપના માટે અલગ કાયદો કરવાની જરૂર રહેતી નથી. ક્રિભકો, ઇફકો એ સહકારી મંડળી તરીકે અસ્તિત્વમાં આવેલાં સંયુક્ત સાહસનાં સ્વરૂપ છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એ કંપની તરીકે અસ્તિત્વમાં આવેલું સ્વરૂપ છે. ઓછી મૂડીએ સરકાર અનેક કંપનીઓ પર પોતાનો કાબૂ આ સ્વરૂપ થકી રાખી શકે છે; આમ છતાં તેનું અલગ વ્યક્તિત્વ જળવાઈ રહે છે.

જાહેર ક્ષેત્રના સંચાલન હેઠળની કંપનીઓનો અભિગમ જનતાના હિતમાં વધુ અને નફા પ્રત્યે સામાન્ય રીતે નિમ્ન હોય છે. જ્યારે ખાનગી ક્ષેત્રનો હેતુ ફક્ત નફો જ હોય છે; તેથી જાહેર ક્ષેત્રની સંસ્થાઓ સંરક્ષણ, અણુશક્તિ જેવા સંવેદનશીલ ઉદ્યોગો અને આંતર-માળખાકીય સુવિધાઓ – રેલવે, ટેલિફોન, વીજળી, માર્ગવાહનવ્યવહાર વગેરેની તેમજ શૈક્ષણિક, સાંસ્કૃતિક હેતુઓવાળી કેટલીક સગવડોની જનતાને પૂરી પાડતી પ્રવૃત્તિઓનું સફળતાથી સંચાલન કરી શકે છે.

1948ના કેન્દ્ર સરકારના ઔદ્યોગિક નીતિ ઠરાવ અનુસાર જાહેર ક્ષેત્રને સમાજવાદી સમાજરચનાનું એક અગત્યનું સાધન ગણવામાં આવ્યું હતું. તેમાં સરકારે મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કરી ઉદ્યોગોને ચાર વિભાગમાં ફાળવ્યા હતા : (1) રાજ્યનો ઇજારાશાહી વિભાગ (સંરક્ષણ, અણુશક્તિ, રેલવે વગેરે). (2) રાજ્ય-નિયંત્રિત ઉદ્યોગો (લોખંડ, કોલસા, ખનિજતેલ, ટેલિફોન, રેડિયો, હવાઈ અને સામુદ્રિક પરિવહન વગેરે). તેમાં હયાત એકમો સિવાયના નવા એકમોની સ્થાપના અને સંચાલનની જવાબદારી સરકાર માટે અનામત રાખવામાં આવી હતી. (3) રાજ્ય-નિયમન અને નિયંત્રણને આધીન ઉદ્યોગો(કાપડ, ઊનની મિલો, ભારે રસાયણો, ખાતરો, યંત્રસામગ્રી વગેરે)ને આવરી લેવામાં આવ્યાં હતાં. આ ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ નહિ કરવાના સરકારના ઇરાદાની સ્પષ્ટતા છતાં રાષ્ટ્રીય હિતમાં જરૂરિયાત અનુસાર સરકાર નિયમનો અને નિયંત્રણો મૂકી શકે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. (4) ખાનગી સાહસોમાં આગળના ત્રણેય વિભાગોમાં આવરી ન લેવાયા હોય તેવા સઘળા ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1956માં આ ઔદ્યોગિક નીતિનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

ઉપર દર્શાવ્યા મુજબના પાયાના ઉદ્યોગોને સરકારહસ્તક રાખવાનાં કારણોમાં તેની સંવેદનશીલતા ઉપરાંત દેશના ઔદ્યોગિકીકરણને, વિશેષે કરીને વિશાળ ઉદ્યોગોને, વેગ આપવા માટે આવશ્યક ગણનાપાત્ર મૂડીરોકાણ, અદ્યતન તકનીકી, આંતરમાળખાકીય સુવિધા, વિપુલ સંખ્યામાં કામદારોની જરૂરિયાત હતી. જ્યારે તે સમયે ખાનગી ક્ષેત્ર પાસે આવશ્યક મૂડીરોકાણની અછત, અદ્યતન તકનીકીનો વિકસિત દેશોમાંથી પ્રબંધ કરવાની ક્ષમતાનો અભાવ, નફા પહેલાંનો લાંબો પ્રતીક્ષાગાળો વેઠવાની તૈયારીનો અભાવ અને નવા સાહસનું જોખમ લેવાની અનિચ્છાનો અહેસાસ થતો હતો. તેથી કેન્દ્ર સરકારની જાહેર ક્ષેત્રમાં વિશાળ ઉદ્યોગો સ્થાપવાની નીતિ જ યોગ્ય હતી તેમ માની શકાય. વળી ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી અને મૂઠીભર હાથોમાં આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અટકાવવાની જરૂરિયાતને પણ જાહેર ક્ષેત્રને પ્રાધાન્ય આપવાનું વલણ વાજબી ઠરાવ્યું હતું.

જાહેર ક્ષેત્રની વિશાળ કંપનીઓ વાજબી નફો રળી સમાજવાદી સમાજની રચના કરવામાં નાણાકીય સહાય કરી શકશે તેવી અપેક્ષા હતી; પરંતુ મહત્તમ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં તેનું વિશાળ કદ, ગણનાપાત્ર મૂડીરોકાણ, તકનીકી સહયોગ, સામાજિક કલ્યાણના ધ્યેયોમાં અનિશ્ચિતતા, જનતાની અપેક્ષા વગેરેમાં સમાનતાનો અભાવ હતો. વળી તેમના પરના સરકારી આધિપત્યને કારણે જાહેર ક્ષેત્રની કંપનીઓ સરકારી અભિગમ, પદ્ધતિ અને કાર્યવહીને અનુસરતી માલૂમ પડી હતી. બીજા અર્થમાં તે સરકારનું નાનું સ્વરૂપ જ હતી. આ અભિગમને પરિણામે વિવિધ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો ખોટ કરતા માલૂમ પડ્યા હતા. સરકાર પર તે નાણાકીય બોજરૂપ બની રહેતા હતા. તેમનામાં સમયાંતરે અદ્યતન તકનીકી અપનાવી, જનતાને કિફાયત ભાવે ગુણવત્તાવાળી વસ્તુઓ પૂરી પાડી, નિકાસમાં વૃદ્ધિ કરી, કુશળ સંચાલન કરી, સામાજિક હેતુઓ માટે નાણાં રળવાની ક્ષમતાનો અભાવ જણાતો હતો. ફક્ત ઇજારાશાહી ધરાવતા જાહેર ક્ષેત્રના ઉદ્યોગો જ નફો રળતા હતા. એક સર્વેક્ષણ મુજબ ઈ. સ. 2004-05ના વર્ષમાં 276 જાહેર ક્ષેત્રની કંપનીઓનું કુલ વેચાણ રૂ. 7,42,249 કરોડ હતું. નફો રૂ. 66,630 કરોડ (8.9 ટકા) હતો. તેમાંથી 164 કંપનીઓએ નફો કર્યો હતો અને 102 નુકસાન કરતી હતી. નફો રળતી કંપનીઓ પેટ્રોલિયમ, સંદેશાવ્યવહાર, લોખંડ, કોલસો, લિગ્નાઇટ વગેરે સાથે સંકળાયેલી અને ઇજારાશાહી ધરાવનારી હતી.

ભારતમાં સંયુક્ત ક્ષેત્રમાં આઝાદી મળ્યા પહેલાં પણ ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા હતા. તેમાં 1923માં મૈસૂર ડિસ્ટિલરિઝ ઍન્ડ આયર્ન વકર્સ લિમિટેડ, બૅંગાલુરુ; 1940માં હિન્દુસ્તાન ઍરક્રાફ્ટ લિમિટેડ, બૅંગાલુરુ; 1943માં ધ ફર્ટિલાઇઝર ઍન્ડ કેમિકલ્સ ત્રાવણકોર લિમિટેડ, ત્રિવેન્દ્રમ્ વગેરેને ગણી શકાય. આઝાદી મળ્યા પછી તરત જ 1947માં ઍર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરી ઍર ઇન્ડિયા ઇન્ટરનૅશનલ લિમિટેડની જાહેર ક્ષેત્રની કંપનીમાં સરકારે 49 ટકા શૅરમૂડી રાખી વહીવટ ખાનગી ક્ષેત્રને સોંપ્યો હતો. 1964માં ગુજરાત રાજ્યે સંયુક્ત ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય ફર્ટિલાઇઝર કંપની લિમિટેડની વડોદરામાં શરૂઆત કરી હતી.

ભારતના જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની અસંતોષજનક કામગીરીને ધ્યાનમાં રાખીને ઈ. સ. 1969માં કેન્દ્ર સરકારે શ્રી સુબિમલ દત્તના વડપણ હેઠળ નીમેલ ઔદ્યોગિક પરવાના નીતિ સમિતિએ વિશ્વભરના ઔદ્યોગિક પ્રવાહોનો અભ્યાસ કરીને દેશમાંના સંયુક્ત ક્ષેત્રમાં ઉદ્યોગો સ્થાપવા માટે ભલામણ કરી હતી; જેમાં સરકારની ગણનાપાત્ર મૂડીરોકાણ અને આંતરમાળખાકીય સવલતો પૂરી પાડવાની ક્ષમતાનો અને ખાનગી ક્ષેત્રના કુશળ સંચાલનના અનુભવનો ઉપયોગ દેશના ઝડપી વિકાસ માટે કરવાનું આયોજન હતું. આ વિચારસરણીને તે સમયગાળા દરમિયાન ફક્ત રાજ્યના જ વહીવટને વરેલ રશિયન પ્રજાસત્તાકના વિભાજન અને વિશ્વબૅંક તથા બીજી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓના ખાનગી ક્ષેત્રને તક આપવાના અભિગમે ભારતમાં સંયુક્ત ક્ષેત્રમાં ઉદ્યોગો સ્થાપવા માટેની ભૂમિકા તૈયાર કરી હતી.

આમ છતાં, કેન્દ્ર સરકારની ઔદ્યોગિક નીતિ અનુસાર ઉદ્યોગો સ્થાપવાના મહત્તમ પરવાના કેન્દ્ર, રાજ્ય અથવા સ્થાનિક સરકારો કે તેમના દ્વારા સ્થપાયેલી સંસ્થાઓને જ આપવામાં આવતા હતા. તેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર, પંજાબ, કર્ણાટક જેવાં પ્રગતિશીલ રાજ્યોએ વિવિધ ઉદ્યોગો સ્થાપવાના પરવાના મેળવી રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે આયોજન કર્યું હતું. ગુજરાત રાજ્યે મહત્તમ ઉદ્યોગો સંયુક્ત ક્ષેત્રમાં સ્થાપવાનો અભિગમ અપનાવ્યો હતો. આ ઉદ્યોગોમાંથી ગુજરાત રાજ્ય ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ, ગુજરાત આલ્કલી ઍન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ જેવી સંયુક્ત ક્ષેત્રની કંપનીઓનો વહીવટ જાહેર ક્ષેત્ર-હસ્તક રાખ્યો હતો; જ્યારે ગુજરાત અમ્બુજા સિમેન્ટ, ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત ફ્લોરોકાર્બન લિમિટેડ, ગુજરાત એસ્સાર સ્ટીલ લિમિટેડ વગેરેનો વહીવટ ખાનગી ક્ષેત્રને સોંપ્યો હતો.

સંયુક્ત ક્ષેત્રમાં શૅરમૂડીની ફાળવણીમાં સામાન્ય રીતે જાહેર ક્ષેત્રના 26 ટકા, ખાનગી ક્ષેત્રના 25 ટકા અને બાકીના જનતા માટે રાખવામાં આવતા હતા. કેટલીક વાર જાહેર ક્ષેત્ર 51 ટકાથી પણ વધુ શૅરમૂડી ધરાવી વહીવટ પોતાને હસ્તક રાખવાનું આયોજન કરતું હતું.

ક્વચિત્ ખાનગી ક્ષેત્રની કંપની પણ રાજ્યને શૅરમૂડીમાં રોકાણ કરવા અને રાજ્યની શાખનો તે રીતે લાભ લેવા પ્રયત્નશીલ રહેતી હતી. આ કંપનીઓ સાથી (associate) ક્ષેત્ર તરીકે ઓળખાય છે. ખાનગી ક્ષેત્રને જાહેર ક્ષેત્રના પરવાનાવાળા ઉદ્યોગમાં જોડાવા માટેના આમંત્રણનું એક કારણ રાજ્ય માટે વિવિધ ઉદ્યોગોમાં રોકાણ કરવા માટે આવશ્યક મૂડીની ઉપલબ્ધિનો અભાવ ગણી શકાય. તો બીજી બાજુ ખાનગી ક્ષેત્રનું જાહેર ક્ષેત્ર સાથેનું જોડાણ તેમને જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલ ઉદ્યોગોમાં પ્રવેશવાનું એક સાધન હતું. બંને પક્ષોને પરસ્પરનો લાભ લેવાનું આકર્ષણ સંયુક્ત ક્ષેત્રના વિકાસ માટે લાભદાયી નીવડ્યું હતું.

સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોમાં જાહેર ક્ષેત્ર સંચાલિત કંપનીઓમાં વિવિધ વિષયના નિષ્ણાતોની (નાણાકીય, તકનીકી વગેરે ક્ષેત્રના) સંચાલક-મંડળમાં નિમણૂક કરી તેમના અનુભવનો લાભ લેવામાં આવતો હતો. ખાનગી ક્ષેત્ર સંચાલિત કંપનીઓમાં રોજિંદો વહીવટ મુખ્યત્વે ખાનગી ક્ષેત્રના હાથમાં રહેતો જ્યારે જાહેર ક્ષેત્રના ભાગીદાર બેત્રણ સંચાલકોની નિમણૂક કરતા હતા. તેમનું કાર્ય મુખ્યત્વે નીતિવિષયક નિર્ણયો લેવા પૂરતું સીમિત રહેતું હતું.

ગુજરાત રાજ્ય સરકારે સંયુક્ત ક્ષેત્રની કંપનીઓ સંતોષકારક નફો રળતી થાય પછી તેના શેરો બજારભાવે ખાનગી ક્ષેત્રના ભાગીદારને વેચી તેમાંથી આવેલ મૂડીનો ઉપયોગ બીજા ઉદ્યોગોના વિકાસ માટે કરવાનું આયોજન કર્યું હતું. તેમાંથી કેટલીક સંયુક્ત ક્ષેત્રની સંસ્થાઓના જાહેર ક્ષેત્રની શૅરમૂડી ખાનગી ક્ષેત્રના ભાગીદારને વેચી દેવામાં આવી હતી; પરંતુ કેટલીક સંયુક્ત ક્ષેત્રની કંપનીઓમાં ખાનગી ક્ષેત્રના ભાગીદારોએ ઉદ્યોગ નફાને બદલે નુકસાન કરે તેવો અભિગમ અપનાવ્યો હતો. તેમનો હેતુ નુકસાન કરતી કંપનીના બજારમાં નીચા ભાવે બોલાતા શૅરો સસ્તામાં પડાવી લેવાનો હતો. મોટાભાગની શૅરમૂડી તેમની પાસે આવ્યા બાદ ઉદ્યોગ ક્રમશ: નફો કરતો જોવા માલૂમ પડ્યો હતો. આ રીતે સંયુક્ત ક્ષેત્રમાં રાજ્યક્ષેત્રે તેમજ કેન્દ્રમાં મિશ્ર અનુભવો થતા રહ્યા હતા તેમ જાણવા મળે છે.

વિશાળ ઉદ્યોગો સ્થાપવા માટે આવશ્યક વિપુલ મૂડી તેમજ ઇજારાશાહી ધરાવતી તકનીક માટે વિદેશના ઉદ્યોગો સાથે પરામર્શ કરી તેમને તેમાં સહકાર આપવા આકર્ષવા જરૂરી હોય છે. તેવા ઉદ્યોગોમાં વિદેશી સંસ્થા દ્વારા શૅરમૂડીમાં રોકાણ અથવા તકનીક ઉપલબ્ધ કરાવવા માટે મૂડીરોકાણ, યંત્રસામગ્રી વગેરે માટે, લાંબા સમયના ધિરાણની આવશ્યકતા રહે છે. આવા ઉદ્યોગોની મદદ વિદેશી સહયોગ (foreign collaboration) તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ સાચા અર્થમાં તેને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો જ ગણી શકાય. તેવા ઉદ્યોગોમાં સામાન્ય રીતે જાહેર ક્ષેત્રનું 26 ટકા, વિદેશી કંપનીનું 20 ટકા, ભારતીય ખાનગી કંપનીનું 20 ટકા અને જનતાનું 35 ટકા શૅરમૂડી-રોકાણનું આયોજન હોય છે. તેમાં આવશ્યકતા અનુસાર પરિવર્તનો થઈ શકે છે. તેમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો જેવા કે હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડના જર્મન કંપનીના સહયોગથી રૂરકેલા, ઓરિસા; રશિયન સહયોગથી ભિલાઈ, મધ્યપ્રદેશ; અને બ્રિટિશ કંપનીઓના સહયોગથી દુર્ગાપુર; પશ્ચિમ બંગાળમાં સ્થપાયેલ લોખંડનાં વિશાળ કારખાનાં; ભારત હેવી એન્જિનિયરિંગ લિમિટેડ, હૈદરાબાદ, કોચીન રિફાઇનરીઝ લિમિટેડ, કોચીન વગેરેને ગણી શકાય.

24 જુલાઈ, 1991ના રોજ કેન્દ્ર સરકારે ઉદ્યોગોમાં ઉદારીકરણની નીતિ જાહેર કરી કેટલાક સુધારા દાખલ કર્યા હતા : (1) પંદર સિવાયના બાકીના ઉદ્યોગોને પરવાનામુક્ત જાહેર કરવામાં આવ્યા. (2) ઇજારાશાહી અને પ્રતિબંધિત વ્યાપારી રીતરસમોને લગતા કાયદા(MRTP)ની જોગવાઈ હળવી કરી, પ્રવર્તમાન ઔદ્યોગિક એકમોને વિસ્તરણ અને નવા ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે સરકારની પૂર્વસંમતિની જરૂરિયાત રહેશે નહિ એમ નક્કી કરવામાં આવ્યું હતુ. (3) જાહેર ક્ષેત્ર માટે અનામત ગણવામાં આવતા ઉદ્યોગોની સંખ્યામાં ઘટાડો કરી બાકીના ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્ર પર પ્રતિબંધ રહેશે નહિ એવી જાહેરાત કરવામાં આવી. વળી વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા હળવી કરી 51 ટકા જેટલા પ્રત્યક્ષ મૂડીરોકાણને આપોઆપ મંજૂરી આપવાનું ઠરાવ્યું હતું. કેન્દ્ર સરકારની ખાધ ઘટાડવાના હેતુથી જાહેર ક્ષેત્રના એકમોમાંથી સરકારનું મૂડીરોકાણ ઘટાડવાની (disinvestment) નીતિ અખત્યાર કરવામાં આવી હતી. તેમાં સરકારના ખોટ ખાતા તેમજ નફો કરતા એકમોને ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

સરકારની ઉદારીકરણની નીતિને પરિણામે ખાનગી ઉદ્યોગો માટે વિકાસની તકો ઉજ્જ્વળ બની હતી. આઝાદી પછીનાં લગભગ ચાલીસ વર્ષો દરમિયાન તેમણે ઠીક ઠીક પ્રગતિ કરી વિશાળ ઉદ્યોગો માટે ગણનાપાત્ર નાણાકીય રોકાણ કરવાની ક્ષમતા મેળવી હતી. વળી નાણાકીય સંસ્થાઓ અને વિદેશી સંસ્થાઓ પણ વિશાળ ઉદ્યોગો માટે ધિરાણ કરવામાં રસ ધરાવતી હતી; જેને પરિણામે સરકાર તેમજ ખાનગી ક્ષેત્રને સંયુક્ત ક્ષેત્રમાં ઉદ્યોગો સ્થાપવા માટે કોઈ વિશેષ આકર્ષણ રહ્યું ન હતું. આમ છતાં પણ વિશિષ્ટ સંજોગોમાં સંયુક્ત ક્ષેત્રમાં ઉદ્યોગોની સ્થાપના માટે મળેલા અવકાશને અવગણી શકાય નહિ.

જિગીષ દેરાસરી

અશ્વિની કાપડિયા