સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates)

January, 2007

સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates)

નૈર્ઋત્ય એશિયાનાં સાત સ્વતંત્ર આરબ રાજ્યોનો સંઘ. ભૌ. સ્થાન : આ રાજ્યો 21o 30’ થી 26 o 15’ ઉ. અ. અને 51o 00o થી 56o 15’ પૂ. રે. વચ્ચેનો આશરે 83,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેમનું પૂર્વ-પશ્ચિમ અંતર 563 કિમી. અને ઉત્તર-દક્ષિણ અંતર 402 કિમી. જેટલું છે. આ રાજ્યોની ઉત્તરે ઈરાની અખાત અને ઈરાન, પૂર્વ તરફ ઓમાન અને અરબી સમુદ્ર, દક્ષિણ અને પશ્ચિમ તરફ સાઉદી અરેબિયા તથા વાયવ્ય તરફ કતાર આવેલાં છે. ઈરાની અખાત અને ઓમાનના અખાત પરની દરિયાકિનારાની લંબાઈ અનુક્રમે 650 કિમી. અને 80 કિમી. જેટલી છે. આ સંઘમાં આવેલાં સાત રાજ્યોમાં ઓમાનના અખાત પર અલ ફુજાયરાહ (Al Fujayrah), ઈરાની અખાતમાં ઈશાનથી નૈર્ઋત્યમાં રાસ અલ ખાયમાહ (Ras al Khaymah), ઉમ્મ અલ કવાઇન (Umm al Qawain), ઉજમાન (Ujman), શારજાહ (Ash Sharijah), દુબાઈ (Dubayy) અને અબુ ધાબી(Abu Dhabi)નો સમાવેશ થાય છે. તેમના કુલ વિસ્તારમાં ઈરાની અખાતમાં આવેલા કેટલાક ટાપુઓનો પણ સમાવેશ થાય છે.

સંયુક્ત આરબ અમીરાત

ભૂપૃષ્ઠ : આ રાજ્યોનું ભૂપૃષ્ઠ તૂટક-તૂટક મરુભૂમિ સ્વરૂપનું છે. મોટાભાગનો વિસ્તાર સમતળ પરંતુ ઉજ્જડ રણ જેવો છે. રણવિસ્તારની ઊંચાઈ સમુદ્રસપાટીથી 170 મીટર જેટલી છે. પૂર્વ તરફ આવેલો અલ હજર પર્વત 3,400 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઉત્તર તરફ આવેલો ઈરાની અખાતનો દરિયાકિનારો આ રાજ્યો માટે લાંબો ગણાય છે, તે ત્રણ કુદરતી બંદર-વિભાગોમાં વિભાજિત થયેલો છે : (1) ઓમાનની દક્ષિણે આવેલું ડિબા, (2) ખાવર અલ ફક્કાન અને (3) કલબા (Kalba). ઓમાનના અખાત પરનો મુસાનડેમ(Musan dam)નો પૂર્વ કિનારો ખૂબ જ સાંકડો છે. દરિયાકાંઠે રેતીના સંખ્યાબંધ ઢૂવા આવેલા છે. સમુદ્રકિનારાનાં જળ છીછરાં છે, કિનારારેખા તૂટક છે તથા અહીં ઘણા નાના નાના ટાપુઓ તેમજ પરવાળાના ખરાબા જોવા મળે છે. ઈશાન કિનારો ઓછો શુષ્ક છે, કારણ કે ત્યાં પર્વતીય હારમાળા આવેલી છે. કિનારાથી અંદરનો વિસ્તાર મરુભૂમિથી છવાયેલો છે, પરંતુ જ્યાં જળ ઉપલબ્ધ છે ત્યાં રણદ્વીપો છે. અલ બુરાયમી નામનો સૌથી મોટો રણદ્વીપ ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતની સરહદમાં આવેલો છે. આ રાજ્યોની પૂર્વ સરહદે પર્વતો અને ટેકરીઓ પથરાયેલાં છે.

આબોહવા : સંયુક્ત આરબ અમીરાતની આબોહવા પ્રમાણમાં ગરમ અને સૂકી છે, જોકે દરિયાકિનારા નજીકના ભાગોમાં ભેજનું પ્રમાણ વધુ રહે છે. પર્વતીય વિભાગને બાદ કરતાં રાજ્યોના અંતરિયાળ ભાગોમાં વધુ ગરમી પ્રવર્તે છે. અહીંનાં ઉનાળા અને શિયાળાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 46o સે. અને 18o સે. જેટલાં રહે છે. કોઈક વર્ષે ઉનાળામાં તાપમાન 49o સે. તો શિયાળામાં 0o સે. સુધી પણ પહોંચી જાય છે. દુબાઈનું ઉનાળાનું અને શિયાળાનું તાપમાન અનુક્રમે 42o સે. અને 23o સે. જ્યારે શારજાહનું ઉનાળાનું અને શિયાળાનું તાપમાન અનુક્રમે 32o સે. અને 18o સે. જેટલું હોય છે. અહીં ઉનાળાની ઋતુમાં ફૂંકાતા પવનોને ‘શામલ’ (Shamal) નામથી ઓળખવામાં આવે છે. તે પોતાની સાથે રેતી અને ધૂળ ઘસડી લાવે છે. કેટલીક વાર અતિશય વેગવાળા પવનો સંદેશાવ્યવહારનાં સાધનોને નુકસાન પણ પહોંચાડે છે. અહીં વરસાદનું પ્રમાણ સરેરાશ 75થી 100 મિમી. જેટલું રહે છે; જ્યારે પહાડી વિભાગમાં 130થી 150 મિમી. જેટલો વરસાદ પડે છે.

વનસ્પતિજીવનપ્રાણીજીવન : સંયુક્ત આરબ અમીરાતનો લગભગ આખોય વિસ્તાર મરુભૂમિ જેવો રહેતો હોવાથી વનસ્પતિવિહીન છે. દરિયાકિનારાના ભાગોમાં કે પહાડી વિસ્તારમાં કોઈ કોઈ જગાએ કાંટાવાળી વનસ્પતિ જોવા મળે છે. પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વિચરતી જાતિઓને તે ઉપયોગી બને છે. આ પ્રજા ઘેટાં-બકરાં-ઊંટનો ઉછેર કરે છે. રણદ્વીપોમાં આ જાતની પ્રવૃત્તિ વધુ વિકસેલી જોવા મળે છે.

અર્થતંત્ર : અબુ ધાબીની પશ્ચિમે આવેલો સમતળ ભૂમિવિસ્તાર ખેતી માટે બિલકુલ ઉપયોગી નથી; પરંતુ ઈશાન તરફનો કેટલોક ભાગ ખેતીયોગ્ય હોવાથી ઉપયોગમાં લેવાય છે. પર્વતોની પશ્ચિમે વિશાળ રણદ્વીપો આવેલા છે. પર્વતોની બંને બાજુએ કૂવા અને ઝરણાં આવેલાં હોવાથી ત્યાં ખેતી થાય છે.

સંયુક્ત આરબ અમીરાતની ભૂમિના માત્ર 1 % ભાગમાં જ ખેતી થાય છે. અહીં ખેતીનો વિકાસ થાય તે માટે અંગ્રેજોએ સહાય કરી છે; તેમણે ખેતીશાળા અને ખેડૂતોની પ્રગતિ થતી રહે તે માટે રાસ અલ ખાયમાહ ખાતે હમેશાં પાણીની તંગી પ્રવર્તતી હોવા છતાં એક કેન્દ્ર ઊભું કર્યું છે, ત્યાંના ખેડૂતો પાતાળકૂવા દ્વારા અને વર્ષાજળનો સંગ્રહ કરીને ઘઉં, જવ, બાજરી જેવા ધાન્યપાકો તથા ખજૂર, તરબૂચ, ટામેટાં, સ્ટ્રૉબેરી, લીંબુ જેવા રોકડિયા પાકોની ખેતી કરે છે. ખેતીની પ્રવૃત્તિ મોટેભાગે શારજાહ, રાસ અલ ખાયમાહ, ઉજમાન અને ફુજાયરાહ ખાતે જોવા મળે છે. ખજૂરી અને ઘાસ રણદ્વીપોમાં થાય છે. કેટલાક રણદ્વીપો ખાતે અનાજ અને ફળોની ખેતી થાય છે. અબુ ધાબીમાં આવેલ બુરાયમી ખાતે કેરીનો પાક પણ લેવાય છે.

સંયુક્ત આરબ અમીરાતને મળેલા 730 કિમી. લાંબા દરિયાકિનારા સાથે માછીમારીનો વ્યવસાય પણ સંકળાયેલો છે. દરિયાકિનારાના ભાગોમાંથી માછલાં, છીંપ અને અન્ય દરિયાઈ જીવો પકડવામાં આવે છે.

મહાનગર અબુ ધાબી – એક વિહંગ-શ્ય

કેટલાંક માછલાં ખાદ્યપદાર્થ તરીકે તો કેટલાંક જરૂરિયાત માટે ઉપયોગી બને છે. આ ઉપરાંત મરઘાં-બતકાંના ઉછેરની પ્રવૃત્તિ પણ વિકસેલી છે.

સંયુક્ત આરબ અમીરાતના અર્થતંત્રનો મુખ્ય આધાર ખનિજતેલના ઉત્પાદન અને નિકાસ પર રહેલો છે. આ રાજ્યો ખનિજતેલ તેમજ કુદરતી વાયુની સારી એવી સંપત્તિ ધરાવે છે. ખનિજતેલનું અને કુદરતી વાયુનું ઉત્પાદન અબુધાબી, દુબાઈ અને શારજાહમાંથી લેવાય છે. અબુધાબી અને શારજાહ ખાતેથી ખનિજતેલનું ઉત્પાદન અનુક્રમે 1962થી અને 1974થી શરૂ કરવામાં આવેલું છે.

આ ઉપરાંત ઉજમાન ખાતે આરસપહાણ તથા અન્યત્ર ગંધક, ચિરોડી, ક્રોમાઇટ અને ચૂનાખડકોનાં ખાણક્ષેત્રો આવેલાં છે.

ઉદ્યોગો : અબુ ધાબી નજીકના દાસ ટાપુ પર પ્રવાહી ગૅસનો એકમ સ્થાપવામાં આવ્યો છે. અહીં ઍલ્યુમિનિયમ, સિમેન્ટ, રાસાયણિક ખાતર તેમજ કેબલ બનાવવાના એકમો પણ સ્થાપવામાં આવેલા છે. આ સિવાય પોલાદ અને પ્લાસ્ટિક મશીનોના પુરજા તથા પોશાકો બનાવવાનાં કારખાનાં દુબાઈ અને શારજાહ ખાતે ઊભાં કરવામાં આવ્યાં છે.

વેપાર : આ રાજ્યો દુનિયાના ઘણા દેશોમાં ખનિજતેલ, કુદરતી વાયુ, પેટ્રોલ તેમજ સંકલિત અન્ય અવશિષ્ટ પદાર્થોની નિકાસ કરે છે. અહીંની જરૂરિયાતો યુ.એસ., યુ.કે., જર્મની, જાપાન, દક્ષિણ કોરિયા અને ભારત જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે. જાપાન, દક્ષિણ કોરિયા, ભારત, સિંગાપોર અને ઓમાન ખાતે અહીંની ચીજવસ્તુઓની નિકાસ થાય છે. દિરહામ અહીંનું નાણું છે.

પરિવહનસંદેશાવ્યવહાર : 1960 અને 1970ના દાયકાઓમાં પરિવહનક્ષેત્રે સુવિધાઓ વધારીને ઘણું પરિવર્તન કરવામાં આવ્યું છે. રણભૂમિમાં પાકા સડકમાર્ગો બાંધવામાં આવ્યા છે. અબુ ધાબી સાથે મુખ્ય ભૂમિભાગને જોડતા પુલોનું નિર્માણ કર્યું છે. સાત રાજ્યોને સાંકળતા આધુનિક રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. અહીંના પાકા રસ્તાઓની કુલ લંબાઈ આશરે 1,900 કિમી. જેટલી છે.

અહીંના લાંબા દરિયાકિનારા પર 15 જેટલાં વેપારી બંદરો વિકસાવાયાં છે; તેમાં ઈરાની અખાતમાં આવેલ ઝાયદ (અબુ ધાબી), રશીદ અને જેબલ અલી (દુબાઈ), ખાલીદ (શારજાહ), સક્ર (Saqr) (રાસ અલ ખાયમાહ) તથા ઓમાનના અખાત પર ફુજાયરાહ અને ખોર ફક્કાન જેવાં મોટાં બંદરોનો સમાવેશ થાય છે.

અહીં આવેલી રણભૂમિને કારણે હવાઈ માર્ગોનું મહત્ત્વ વિશેષ છે. અબુ ધાબી, અલ અઇન (Al Ain), દુબાઈ, ફુજાયરાહ, રાસ અલ ખાયમાહ અને શારજાહ જેવાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકો આવેલાં છે. 1985માં ‘અમીરાત’ નામની સ્વતંત્ર વિમાની સેવા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત દુનિયાની ઘણી હવાઈ સેવાઓનો લાભ પણ આ રાજ્યોને મળે છે.

અહીં ટેલિફોન, મોબાઇલ, ઇન્ટરનેટ, ફૅક્સ વગેરે જેવી સેવાઓ પણ ઉપલબ્ધ છે. 180 પોસ્ટ ઑફિસો અદ્યતન સેવાઓ આપે છે. રેડિયો અને ટેલિવિઝન-મથકો પણ કાર્યરત છે. અહીંથી નવ દૈનિક સમાચારપત્રો પણ પ્રગટ થાય છે.

વસ્તી : 2000 મુજબ સંયુક્ત આરબ અમીરાતની વસ્તી 24.4 લાખ જેટલી છે. આરબ જાતિના લોકો વર્ષોથી અહીં વસવાટ કરતા આવ્યા છે. તેમના પોતપોતાના આગવા રીતરિવાજો છે. મોટાભાગની વસ્તી શહેરોમાં વસે છે, માત્ર વિચરતી (વણઝાર) જાતિના લોકો જ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. અહીં વિવિધ જાતિના લોકો વસતા હોઈને રાષ્ટ્રીય એકતા ઊભી કરવામાં મુશ્કેલીઓ પડે છે. અહીંની ઘઉંવર્ણી આરબ પ્રજા પરગજુ છે. ઘણા આરબો મધ્યપૂર્વના દેશોમાંથી સ્થળાંતર કરીને આવેલા છે. આ ઉપરાંત અહીં ભારતીય, પાકિસ્તાની અને ઈરાની લોકો પણ વસે છે. વિવિધ દેશોમાંથી સ્થળાંતર કરીને આવેલા લોકો પૈકી 75% લોકો શ્રમિકો છે. અહીં સુન્ની મુસ્લિમોનું પ્રમાણ વિશેષ છે.

અહીં વસ્તીની ગીચતા ક્રમશ: વધતી જતી હોવાથી આવાસોની તંગી તેમજ તેની સાથે સંકળાયેલી સમસ્યાઓ ઊભી થઈ છે. તેથી જરૂરિયાત પ્રમાણે અહીં બહુમાળી મકાનો, શૈક્ષણિક સંસ્થાઓ, ચિકિત્સાલયો, રસ્તાઓ નિર્માણ થતાં રહે છે. શહેરોમાં સુવિધાઓ ધરાવતી વૈભવી ઇમારતો બનતી રહે છે. ગ્રામીણ વિસ્તારોમાં જૂની ઢબના આવાસો જોવા મળે છે. પશ્ચિમી ઢબનો પોશાક પહેરનારા અહીં ઓછા પ્રમાણમાં છે. અરબી ભાષા અહીંની રાષ્ટ્રીય ભાષા છે, તેમ છતાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ વધતો જાય છે. અહીં 15 વર્ષનો વિદ્યાર્થી સારી રીતે લખતાં-વાંચતાં શીખી જાય છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઊભી કરાઈ છે. વિનયન, વાણિજ્ય અને તક્નીકી કૉલેજો પણ અહીં આવેલી છે. શારજાહ ખાતે ઝૈદ (Zayed) યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 74.6% જેટલું છે. અબુ ધાબી, દુબાઈ, શાહજાહ, રાસ અલ ખાયમાહ અહીંનાં મુખ્ય શહેરો છે.

રાજકીય : 2 ડિસેમ્બર, 1971ના રોજ સંયુક્ત આરબ અમીરાતનું સાત રાજ્યોનું બનેલું સમવાયતંત્ર અસ્તિત્વમાં આવ્યું. સમવાયતંત્રની પૂર્વે આ સાતેય રાજ્યો રાજાશાહી વ્યવસ્થા ધરાવતા સ્વતંત્ર એકમો હતા. તેના પ્રત્યેક રાજ્યના શેખને હોદ્દા પર ચાલુ રાખવામાં આવ્યા અને તેઓ વંશપરંપરાગતતાના ધોરણે ઘટકરાજ્યના વડા નિમાય છે. રાજ્યની રાજધાનીનું શહેર અબુ-ધાબી છે અને સમગ્ર દેશમાં આરબ સુન્ની મુસ્લિમોની સંખ્યા અતિશય બહોળી છે.

કારોબારી : ફેડરલ સુપ્રીમ કાઉન્સિલ તેની કારોબારી છે. તેમાં પ્રત્યેક ઘટકરાજ્યના વડા (શેખ) સભ્યપદ ધરાવે છે. આ કાઉન્સિલ મંત્રીમંડળને ચૂંટે છે. બંધારણીય વ્યવસ્થા મુજબ સંયુક્ત આરબ અમીરાતનો પ્રમુખ અબુ-ધાબીનો શેખ અને દુબઈનો વડાપ્રધાન બને છે. અબુ ધાબીના શેખ રાજ્યના વડા અને દુબઈના શેખ સરકારના વડા ગણાય છે. પ્રત્યેક અમીરાત તેનું ઘટક-રાજ્ય છે. આ અમીરાતોનો રાજકીય અને આર્થિક પ્રભાવ સમવાયતંત્રના હોદ્દાઓની ફાળવણીમાં પ્રતિબંબિત થાય છે. અહીં મજબૂત સમવાયતંત્ર હોવા છતાં પ્રત્યેક અમીરાત નોંધપાત્ર સ્વાયત્તતા ધરાવે છે. પ્રત્યેક અમીરાતની આવકની મોટી ટકાવારી સમવાયતંત્રના કેન્દ્રીય અંદાજપત્ર માટે ફાળવવામાં આવે છે. શેખ ઝાયેદ-બિન-સુલતાન-અલ-નાહ્યાન તેના પ્રથમ પ્રમુખ ચૂંટાયા હતા. સમવાય સરકાર મુખ્યત્વે વિદેશ સંબંધો, સંરક્ષણ, અર્થકારણ અને સામાજિક વિકાસ માટે કાર્ય કરે છે. ખનીજ તેલની ઊંચી કિંમતો મળતી હોવાથી વિશ્વમાં માથાદીઠ સૌથી ઊંચી આવક ધરાવતા દેશ તરીકે તેમની નામના છે.

ધારાસભા : તેની ધારાસભા ફેડરલ નૅશનલ કાઉન્સિલ (મજલિસ વાતાની ઇત્તિહાદ) તરીકે ઓળખાય છે. 40 સભ્યોની બનેલી આ સભા વિવિધ અમીરાતો(ઘટકરાજ્યો)નું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્ય વતી તેમાં મોકલવામાં આવતા કુલ પ્રતિનિધિઓમાંથી અડધા પ્રતિનિધિઓને જે તે રાજ્યના શેખ દ્વારા નીમવામાં આવે છે તેમજ બાકીના અડધા સભ્યો બે વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે રાજ્યમાં એક પણ રાજકીય પક્ષ અસ્તિત્વમાં આવ્યો નથી. દરખાસ્ત માટે રજૂ થતા કાયદાઓની વિચારણા જાહેર હિતના ધોરણે કરવામાં આવતી હોય છે.

ન્યાયતંત્ર : ફેડરલ સુપીમ કોર્ટ નામનું ન્યાયતંત્રનું માળખું સમવાયી કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ એમ બે કક્ષાએ કાર્યરત છે. મુસ્લિમ ધર્મમાં દર્શાવાયેલ ‘નિયાબા’ પ્રથાના ધોરણે આ ન્યાયતંત્ર કામ કરે છે. ગુનાઓ અંગેની તપાસ અને કાર્યવહી પણ ‘નિયાબા’નાં ધોરણો મુજબ કરવામાં આવે છે. ન્યાયવિભાગના મંત્રી ન્યાયાધીશોની ઉમેદવારી અંગેનાં નામો સૂચવે છે. ત્યારબાદ તે સૂચનોના આધારે પ્રમુખ ન્યાયાધીશોની નિમણૂક કરે છે. ચાબખાની સજા તેમજ નાના ગુનાઈત કૃત્યો માટે મૃત્યુદંડની સજા આ ન્યાયપદ્ધતિનો હિસ્સો છે.

આર્થિક સમૃદ્ધિ ધરાવતું સંયુક્ત આરબ અમીરાત ઝડપી આધુનિકીકરણ, શિક્ષણનો વ્યાપક ફેલાવો, વ્યાપક પ્રમાણમાં વિદેશી નાગરિકોની હાજરી જેવાં કારણોસર બાહ્ય રીતે બદલાઈ રહ્યું છે. પરંતુ તેની પરંપરાગત રાજકીય પ્રથામાં કોઈ મૂળભૂત પરિવર્તનો આવ્યાં નથી. અબુ-ધાબી અને દુબઈ જેવાં સમૃદ્ધ રાજ્યો સાથે ઉજમાન અને અલ ફુજાયરાહ જેવાં સાવ નાનાં રાજ્યો તે ધરાવે છે જે રાજધાનીને જોડતા સુવિધાપૂર્ણ માર્ગો પણ ધરાવતા નથી. દેશમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અભાવ હોવાથી માનવઅધિકારોના સમર્થકો તેની શાસનવ્યવસ્થાની ભારે ટીકા કરે છે. એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલે ત્યાં થતા માનવઅધિકારભંગના ઘણા કિસ્સા નોંધ્યા છે. કેદમાં કેદીઓ પ્રત્યે કરાતો અમાનવીય વ્યવહાર અને સદીઓ પુરાણી ન્યાયપદ્ધતિ તેની વૈચારિક વિકાસહીનતાની ચાડી ખાય છે. વ્યવસ્થિત રાજકીય માળખા છતાં લોકશાહી ઢબે ચૂંટાઈને કામ કરતી એક પણ સંસ્થા આ રાજ્યમાં નથી. આમ આ રાજ્ય આધુનિક સુવિધાઓ છતાં રાજકીય સંદર્ભમાં ઘડતરની અવસ્થામાં છે અને રાજ્ય કે શાસનવ્યવસ્થાના ક્ષેત્રમાં ઘણું કામ કરવાનું બાકી છે.

ઇતિહાસ : હાલ સંયુક્ત આરબ અમીરાત છે તે પ્રદેશમાં હજારો વર્ષોથી લોકોનો વસવાટ છે. આરબ જાતિઓના મુખીઓએ ક્રમશ: તે પ્રદેશમાં અંકુશ મેળવ્યો. ઈ. સ. 600 સુધીમાં તે જાતિઓએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો.

ઈરાની અખાતનો પ્રદેશ વિશ્વવ્યાપારના મુખ્ય માર્ગમાં આવેલ છે. સોળમી સદીની શરૂઆતમાં, જુદાં જુદાં યુરોપિયન રાષ્ટ્રોએ તે વિસ્તારમાં વેપારનાં મથકો સ્થાપ્યાં. ઈરાની અખાતના પ્રદેશમાં ગ્રેટ બ્રિટન સૌથી વધુ શક્તિશાળી યુરોપિયન સત્તા હતી. 18મી સદી દરમિયાન આરબ રાજ્યોનો વિકાસ થવા લાગ્યો. સૌપ્રથમ રાસ અલ ખેમાહ અને એશ શરીકા સૌથી શક્તિશાળી રાજ્યો હતાં. તેમને વેપાર અને સમુદ્રમાંથી મોતી કાઢવાના વ્યવસાયથી સમૃદ્ધિ તથા નૌકાસત્તાથી સામર્થ્ય પ્રાપ્ત થયું હતું.

18મી સદીનાં પાછલાં વર્ષોમાં તથા 19મી સદીની શરૂઆતમાં તે પ્રદેશના વેપાર ઉપર અંકુશ મેળવવા માટે રાસ અલ ખેમાહ તથા એશ શરીકાએ અખાતનાં બીજાં રાજ્યો સાથે ઘણાં યુદ્ધો કર્યાં હતાં. ઈ. સ. 1820માં, રાસ અલ ખેમાહ શહેરનો નાશ કર્યા બાદ, અંગ્રેજોએ તે પ્રદેશમાં આવેલાં બધાં રાજ્યોને સમુદ્રમાં યુદ્ધ કરવાની મનાઈ કરતા કરાર પર સહી કરવાની ફરજ પાડી. 19મી સદીમાં બીજી સંધિઓ કરવામાં આવી અને સંધિઓને લીધે તે પ્રદેશ ‘ટ્રુસીઅલ સ્ટેટ્સ’ કહેવાયો. 20મી સદીની શરૂઆતમાં, અબુ ધાબી અને દુબઈ આગળ પડતાં રાજ્યો બન્યાં; પરંતુ બ્રિટને તેમની પરદેશની બાબતોનો અંકુશ પોતાની પાસે રાખ્યો હતો અને બાહ્ય આક્રમણ સામે રક્ષણની ખાતરી આપી હતી. તે રાજ્યોની આંતરિક બાબતો તેના શાસકો સંભાળતા હતા. 20મી સદીના પૂર્વાર્ધ સુધી, સરહદો માટેની પારંપરિક સ્પર્ધા, સમુદ્રમાંથી મોતી કાઢવાના હકો અને બીજી તકરારોને લીધે રાજ્યો વચ્ચે લડાઈઓ થઈ હતી.

આ કરારબદ્ધ રાજ્યોમાં વિદેશી કંપનીઓએ 20મી સદીના પૂર્વાર્ધ પછી, ખનીજતેલ માટે ડ્રિલિંગ શરૂ કર્યું. ઈ. સ. 1958માં અબુ ધાબીમાં ખનીજતેલ મળી આવ્યું અને 1962માં તે રાજ્યે ક્રૂડ ઑઇલ – કુદરતી ખનીજતેલ નિકાસ કરવા માંડ્યું. 1966માં દુબઈમાં ઘણા મોટા પ્રમાણમાં ખનીજતેલ મળી આવ્યું. 1974માં એશ શરીકામાં તેલનું ઉત્પાદન શરૂ થયું. ખનીજતેલમાંથી થતી આવકથી અબુ ધાબી, દુબઈ અને એશ શરીકા આધુનિક રાજ્યો બનવા લાગ્યાં. પછીથી બીજાં રાજ્યો પણ ખનીજતેલનું ઉત્પાદન કરવા લાગ્યાં; પરંતુ તે રાજ્યો મુખ્યત્વે ખેતી અને માછીમારી પર આધાર રાખતાં. ઈ. સ. 1971માં આ કરારબદ્ધ રાજ્યોએ (Trucial states) બ્રિટન પાસેથી સંપૂર્ણ સ્વતંત્રતા મેળવી. પરંપરાગત સ્પર્ધા હોવા છતાં, રાસ અલ ખેમાહ સિવાય બધાં રાજ્યોએ સંયુક્ત થઈને 2 ડિસેમ્બર, 1971ના રોજ સંયુક્ત આરબ અમીરાતની રચના કરી. તે જ વર્ષે સંયુક્ત આરબ અમીરાત આરબ સંઘ તથા યુનાઇટેડ નૅશન્સનું સભ્ય બન્યું. ફેબ્રુઆરી, 1972માં રાસ અલ ખેમાહ પણ સંયુક્ત આરબ અમીરાતમાં જોડાયું.

સંયુક્ત આરબ અમીરાતે અપનાવેલ કામચલાઉ બંધારણ મુજબ દરેક અમીર પોતાના રાજ્યની આંતરિક બાબતોમાં સ્વતંત્ર હતો; પરંતુ બધાં રાજ્યોના આર્થિક વિકાસ માટે કામ કરવા તથા સાધનોનો ઉપયોગ કરવા શાસકો કબૂલ થયા. ખનીજતેલનું ઉત્પાદન વધવાથી સિત્તેરના દાયકામાં તેમનો ખૂબ આર્થિક વિકાસ થયો. વળી, એશ શરીકામાં કુદરતી વાયુનો પુષ્કળ જથ્થો ઉપલબ્ધ થયો; પરંતુ એંસીના દાયકામાં સમગ્ર વિશ્વમાં ખનીજતેલના ભાવો ઘટવાથી સંયુક્ત આરબ અમીરાતને આર્થિક મુશ્કેલીઓ પડી.

નીતિન કોઠારી

રક્ષા વ્યાસ

જયકુમાર શુક્લ