સંભોગ-સંક્રામક રોગો (sexually transmitted diseases, STDs)

January, 2007

સંભોગસંક્રામક રોગો (sexually transmitted diseases, STDs) : લૈંગિક (જાતીય) સમાગમ અથવા સંભોગ દ્વારા ફેલાતા ચેપી રોગો. તેમને લૈંગિક સંક્રામક રોગો પણ કહે છે. તેમનું પ્રમાણ વધતું રહ્યું છે. તેમાં મુખ્ય રોગો છે  ઉપદંશ (syphilis), પરમિયો (gonorrhoea), માનવપ્રતિરક્ષા-ઊણપકારી વિષાણુ(human immuno deficiency virus, HIV)નો ચેપ, જનનાંગી હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુ(HSV)નો ચેપ, જનનાંગી વિષાણુજ મસા (warts), ક્લેમાયડિયાનો ચેપ, ટ્રાયકોમોનિયાસિસ તથા જનનાંગી શ્વેતફૂગજન્ય ચેપ (genital candidiasis).

સામાન્ય રીતે દર્દીના અવૈધ અથવા લગ્નેતર લૈંગિક સંબંધ અંગે માહિતી મળે તો નિદાન સરળ બને છે. દર્દીના પ્રારંભિક અને મુખ્ય લક્ષણો અને ચિહ્નો જનનાંગો સંબંધિત હોય છે. તેમાં તે સ્થળે ચાંદું, સ્ફોટ (rash), ખૂજલી, દુખાવો, સોજો કે પેશાબમાં બળતરા થાય છે. ઘણી વખત પુરુષોમાં મૂત્રમાર્ગે અને સ્ત્રીઓમાં યોનિમાર્ગે (per vaginum) પ્રવાહી વહે છે. તેને અનુક્રમે મૂત્રાશયનલિકાકીય બહિ:સ્રાવ (urethral discharge) અને યોનીય બહિ:સ્રાવ (vaginal discharge) કહે છે. દર્દીની સામાન્ય આરોગ્યલક્ષી માહિતી, લૈંગિક સમાગમનો વૃત્તાંત, લૈંગિક સમાગમનો પ્રકાર (જનનાંગ-જનનાંગી, મુખ-જનનાંગી કે ગુદા-જનનાંગી), ગર્ભનિરોધ પદ્ધતિનો ઉપયોગ (દા.ત., નિરોધ), ભૂતકાળમાં તે પ્રકારનો રોગ થયો હોય તો તેની માહિતી તથા કુટુંબમાં કોઈને(પતિ, પત્ની, માતા કે પિતા)ને આ જૂથનો ચેપ લાગેલો હોય તો તેની વિગતો વગેરે મેળવાય છે. દર્દીના જનનાંગોની તપાસ કરાય છે. સ્ત્રીઓમાં દ્વિકપાટી યોનિદર્શલ (bivalve speculum) વડે તપાસ કરાય છે. શરીરનાં અન્ય અવયવો, ભાગો અને તંત્રોની પણ તપાસ કરાય છે. દર્દીને એકથી વધુ લૈંગિક સંક્રામક રોગ એકસાથે હોઈ શકે છે.

સ્ત્રીની યોનિ, મૂત્રાશયનલિકા છિદ્ર અને ગ્રીવામુખ (cervical os) પરથી પ્રવાહી લઈને અને તેનું જીવાણુઓ માટે વિશેષ અભિરંજન (staining) કરીને સૂક્ષ્મદર્શક વડે કે સંવર્ધન-કસોટી વડે પરીક્ષણ કરાય છે. તેના વડે પરમિયો, ક્લેમાયડિયા, શ્વેતફૂગ (candida albicans), ટી-વેજાઇનાલિસ તથા અન્ય જીવાણુઓના વડે સ્ત્રીનાં જનનાંગોમાં લાગેલા ચેપનું નિદાન કરી શકાય છે. તેવી રીતે પુરુષોના શિશ્નના મુકુટ પર આવેલાં મૂત્રાશયનલિકાના છિદ્ર પરથી પણ પ્રવાહી લઈને પરમિયો, ક્લેમાયડિયા, ટી-વેજાઇનાલિસ તથા અન્ય જીવાણુઓના ચેપનું નિદાન કરાય છે. સ્ત્રી અને પુરુષ બંનેમાં વિવિધ પ્રકારની લોહીની કસોટીઓ તથા જનનાંગ પરનાં ચાંદાંનું નિરીક્ષણ કરીને પણ નિદાન કરાય છે. લોહીમાં લૈંગિક રોગ સંશોધન-શાળા(venereal disease research laboratory, VDRL)ની કસોટી તથા ટ્રિપોનિમા પેલિડમ સામેનાં પ્રતિદ્રવ્યો(TPHA)નું આમાપન (assay) કરવાથી ઉપદંશનું નિદાન કરી શકાય છે. આ ઉપરાંત પરમિયોના રોગમાં લૈંગિક સંપર્કની તપાસ કરવાથી તથા નશો કરતા કે સમલૈંગિક (homosexual) સંબંધ ધરાવતા લોકોમાં યકૃતશોથ બી અને સી (hepatitis B અને C) તથા HIVના નિદાન માટેની કસોટીઓ કરવાથી પણ ઘણી વખત STDની હાજરી જાણી શકાય છે.

લૈંગિક સંક્રામક રોગોનો ફેલાવો લૈંગિક સમાગમથી થાય છે. તેની પાછળ ઘણાં સામાજિક અને આર્થિક પરિબળો કાર્ય કરે છે. લગ્નેતર સંબંધો, વધુ પડતી મુસાફરી હોય તેવો ધંધો (દા.ત., ટ્રક ડ્રાઇવર), નાણાકીય વિપુલતા (affluence), મદ્યપાન, નવરાશ અથવા ફાજલ સમય (leisure), વ્યક્તિગત સ્વતંત્રતા, વેશ્યાગીરી તેમજ અજ્ઞાનતાને કારણે આ પ્રકારના રોગો ફેલાય છે. નિરોધ અને અમુક અંશે ગ્રીવાટોપ (cervical cap) આ પ્રકારના ચેપના ફેલાવા સામે રક્ષણ આપે છે. સામાન્ય રીતે 18થી 34 વર્ષના પુરુષો, 16થી 24 વર્ષની સ્ત્રીઓ, બહુ મુસાફરી કરનારા, વેશ્યાઓ, લશ્કરી કર્મીઓ, દરિયાઈ વેપારીઓ તથા મનોરંજનકર્તાઓ(entertainers)માં તેનો ચેપ વધુ લાગે છે. તેના નિયંત્રણમાં ચોક્કસ નિદાન, અસરકારક સારવાર અને ચીવટપૂર્વકના અનુ-પરીક્ષણ(follow up examination)નું મહત્ત્વ છે. દર્દીના સહભોગી(partner)ની તપાસ અને તેની સારવાર પણ મહત્ત્વનાં છે. લૈંગિક સંક્રામક રોગો અંગેની જાણકારીનો ફેલાવો કરવાથી તથા વધુ જોખમ ધરાવતાં જૂથોમાં લૈંગિક સંક્રામક રોગવાળા દર્દીઓનું અધિચયન (screening) કરવાથી પણ આ રોગોના ફેલાવાનું નિયંત્રણ કરી શકાય છે. સામાન્ય અને લક્ષણરહિત વ્યક્તિઓમાં લોહીની તપાસ કરીને લૈંગિક સંક્રામક ચેપ અંગેની માહિતી મળે તેવું પરીક્ષણ કરીને તેવા ચેપધારી વ્યક્તિને ઓળખી કાઢવાની ક્રિયાને અધિચયન કહે છે. સામાન્ય રીતે આવું અધિચયન રુધિરદાન કરતી વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ તથા લિંગજીવીઓ (sexual workers) વગેરેમાં કરાય છે.

લૈંગિક સંક્રામક રોગોને 3 જૂથમાં વહેંચાય છે : (ક) જીવાણુજન્ય, (ખ) વિષાણુજન્ય અને (ગ) પ્રકીર્ણ.

() જીવાણુજન્ય લૈંગિક સંક્રામક રોગો : તેમાં ઉપદંશ (syphilis), પરમિયો (gonorrhoea) તથા તે સિવાયના જીવાણુજ ચેપ વગેરેનો સમાવેશ થાય છે.

(ક-1) ઉપદંશ (syphilis) : તે ટ્રિપોનેમા પેલિડમ નામના સૂક્ષ્મજીવના ચેપથી થતો રોગ છે. તે તેની શરૂઆતના તબક્કાથી જ ચેપી અને દીર્ઘકાલીન હોય છે. તેમાં ક્યારે અતિતર (florid) લક્ષણો થઈ આવે છે. પરંતુ મહદ્અંશે તેમાં લાંબા સમયના સુષુપ્તકાલખંડો (latent periods) હોય છે. તે માતા દ્વારા ગર્ભશિશુમાં ફેલાય છે. તેના પર પેનિસિલીન અકસીર દવા છે. તે મુખ્ય 2 ભાગમાં વહેંચાય છે : સંપ્રાપ્ત (acquired) અને જન્મજાત (congenital).

સંપ્રાપ્ત ઉપદંશમાં લૈંગિક સંભોગ વખતે લાગેલા ચેપ પછી 14થી 28 દિવસ(ક્યારેક 9થી 90 દિવસ)ના ઉષ્મનકાલ (incubation period) પછી શરૂઆતના તબક્કાનાં લક્ષણો જોવા મળે છે. પ્રાથમિક દોષવિસ્તાર કઠણવ્રણ (chancre) છે, જે જનનાંગ પર એક કઠણ ચાંદા તરીકે જોવા મળે છે. તે ચેપના પ્રવેશનું સ્થાન હોય છે. શરૂઆતમાં એક ગુલાબી ડાઘો (ત્વકડાઘ, macule) થાય છે, જેમાં પછીથી નાની ફોલ્લી (papule) થાય છે, જેમાં ચાદું પડે છે. સ્થાનિક લસિકાગ્રંથિઓ (lymphnodes) મોટી થાય છે. તેને ‘વેળ ઘાલવી’ કહે છે. તે મધ્યમ કદની, હલાવી શકાતી, છુટ્ટી, રબર જેવી, પીડારહિત અને સ્પર્શ કરવાથી દુખાવો ન થાય તેવી હોય છે. પ્રારંભિક તબક્કાનું ચાંદું શમે છે અને ત્યારપછી 6થી 8 અઠવાડિયે તાવ, શરીરમાં કળતર, માથું દુખવું વગેરે થાય છે. તેને દ્વૈતીયિક ઉપ-તબક્કો કહે છે. તેમાં છાતી તથા હાથપગના ધડની નજીકના ભાગ પર ઝાંખી છાંટ (macules) થાય છે, જે શરીરમાં ફેલાય છે અને ફોલ્લીમાં પરિવર્તિત થાય છે, ફોલ્લીઓ લાલ રંગની અને બહુરૂપ હોય છે, શરીરમાં બંને બાજુએ સમાનરૂપે ફેલાય છે. તેમાં ખૂજલી થતી નથી તથા તેમાં પોપડા વળે છે. હથેળી અને પગનાં તળિયાંમાં તે ખાસ થાય છે. ગુદા જેવા ભીનાશવાળા ભાગમાં ચપટી ફોલ્લીઓના દોષવિસ્તારો થાય છે તેને condylomata lata કહે છે. પ્રારંભિક તબક્કા જેવી લાક્ષણિકતાઓવાળા શરીરમાં વ્યાપક સ્વરૂપે લસિકાગ્રંથિવર્ધન (lymphadenopathy) થાય છે. જનનાંગો, મોઢું, ગળું અને સ્વેરપેટીની શ્લેષ્મકલા પર ચાંદાં પડે છે. તેમનું તળિયું સફેદ હોય છે અને કિનારી લાલ હોય છે. એકબીજાં સાથે જોડાય છે; તેથી તે ‘ગોકળગાય-પથ સમ’ (snail track) ચાંદાં બનાવે છે. થોડાક મહિનામાં સારવાર વગર પણ વિકાર શમે છે. તેને સુષુપ્તિ તબક્કો (latent phase) કહે છે. આમ શરૂઆતના તબક્કામાં 3 ઉપવિભાગો છે – પ્રારંભિક તબક્કો, દ્વૈતીયિક તબક્કો અને સુષુપ્તિ તબક્કો.

સુષુપ્તિ તબક્કો ઘણાં વર્ષો ચાલે છે. આશરે 2 વર્ષે તૃતીય તબક્કો (tertiary stage) થાય છે; જેમાં ચામડી, શ્લેષ્મકલા અને હાડકાંમાં ઉપદંશ ગડ (gumma) થાય છે. ઘણાં વર્ષો પછી મૃત્યુકારક ચતુર્થ તબક્કો (quadernary stage) થાય છે; જેમાં હૃદય અને ચેતાતંત્ર અસરગ્રસ્ત થાય છે. તે મૃત્યુકારક તબક્કો હોય છે.

જન્મજાત ઉપદંશમાં માતા દ્વારા ચેપ ગર્ભશિશુને પહોંચેલો હોય છે. તીવ્રવિકારની સ્થિતિમાં મૃતશિશુજન્મ થાય છે. ઓછા તીવ્ર વિકારમાં જન્મસમયે શ્લેષ્મકલા પર ચાંદાં તથા સજલફોલ્લી અને ફોલ્લાઓ થાય છે. નવજાતશિશુનાં હાડકાં, સાંધા, યકૃત, મૂત્રપિંડ અને અન્ય અવયવો અસરગ્રસ્ત હોય છે. કેટલાંક બાળકોમાં આ ચેપ ઘણાં વર્ષો સુધી સુષુપ્ત રહે છે. સગર્ભાવસ્થાની પ્રસૂતિપૂર્વ તપાસ કરવામાં આવતી હોય અને પેનિસિલીન વડે માતાને સારવાર અપાઈ હોય તો સામાન્ય બાળકનો જન્મ શક્ય બને છે.

નિદાનકસોટીઓ : VDRL અને TDH આમાપન-કસોટીઓ ઉપરાંત અન્ય કસોટીઓ ઉપલબ્ધ છે. ચેપ લાગ્યાના 4થા અઠવાડિયાથી કસોટીઓ નિદાન-સૂચક પરિણામ આપે છે. VDRL અને ત્વરિત પ્રરસીય પ્રતિક્રિયન (rapid plasma reagin, RPR) કસોટી કેટલાક અન્ય રોગોમાં પણ હકારાત્મક પરિણામ આપે છે. માટે યોગ્ય રીતે નિદાનભેદ કરવો જરૂરી બને છે. સુષુપ્ત તબક્કામાં મગજ-કરોડરજ્જુની આસપાસના મેરુમસ્તિષ્કી જલ(cerebrospinal fluid, CSF)ની તપાસ કરવાથી ચેતાતંત્રીય વિકાર અને એક્સ-રે-ચિત્રણમાં ઊર્ધ્વગામી મહાધમનીમાં કૅલ્શિયમ જમા થયું હોય તો તે હૃદ્વાહિની વિકારનું નિદાન કરવામાં મદદરૂપ થાય છે.

સારવારમાં પેનિસિલીન, ઑક્સિ-ટેટ્રાસાઇક્લિન અને ડોસિ-સાઇક્લિન ઉપયોગી છે. તેમનો ઉપયોગ સારણી 1માં દર્શાવ્યો છે.

સારણી 1 : ઉપદંશ(syphilis)ની સારવારમાં ઉપયોગી ઔષધો

તબક્કો પ્રોકેઇન ઑક્સિટેટ્રા-પેનિસિલીન ડોસિસાઇક્લિન સાઇક્લિન
1. પ્રારંભિક
2. દ્વૈતીયિક
3. તાર્તીયિક
4. સુષુપ્ત
5. હૃદ્-વાહિની કે ચેતાતાંત્રીય વિકાર

(2) પરમિયો (gonorrhoea) : તે નિઝેરિયા ગોનોરી નામના ગ્રામ-અનાભિરંજિત દ્વિગોલાણુ(gram negative diplococci)થી થતો અને નીચલા જનનમાર્ગ, મળાશય, ગળું અને આંખને અસરગ્રસ્ત કરતો ચેપી રોગ છે. પુરુષોમાં તેનો ઉષ્મનકાલ 2થી 10 દિવસ છે. ચેપ લાગ્યા પછી પ્રથમ લક્ષણ જોવા મળે તે વચ્ચેના સમયગાળાને ઉષ્મનકાલ કહે છે. પુરુષોમાં તે મૂત્રાશયનલિકા(urethra)માં પીડાકારક સોજો (શોથ) કરે છે. તેને મૂત્રાશયનલિકાશોથ (urethritis) કહે છે. તેનાથી પેશાબમાં બળતરા થાય છે. તેને દુર્મૂત્રણ (dysuria) કહે છે. આશરે 5 %થી 10 % દર્દીમાં ત્યાંથી પરુ પણ નીકળે છે. સ્ત્રીઓમાં નીચલી ગ્રીવાનલિકા (cervical cannal) 80 % કિસ્સામાં અસરગ્રસ્ત થાય છે. આશરે 50 % સ્ત્રીઓનાં મૂત્રાશયનલિકા અને મળાશયમાં ચેપ લાગે છે, પરંતુ 60 % સ્ત્રીઓમાં કોઈ લક્ષણ હોતાં નથી. સમલિંગરાગી (homosexual) પુરુષોમાં તે અલક્ષણીય રીતે મળાશયમાં ચેપ કરે છે. તેવી રીતે ગળામાંનો ચેપ લક્ષણરહિત હોય છે અને પુરુષ અને સ્ત્રી બંનેમાં જોવા મળે છે. અસરગ્રસ્ત ભાગમાંથી પ્રવાહી લઈને તેની સંવર્ધન-કસોટી (culture) કરવાથી નિદાન થાય છે. સૂક્ષ્મજીવને યોગ્ય માધ્યમમાં ઉછેરવાની ક્રિયાને સંવર્ધન કહે છે. સારવારમાં પેનિસિલીન અથવા સિપ્રોફ્લોક્સાલિન વપરાય છે. અન્ય અસરકારક ઔષધોમાં એમ્પિસિલીન અને પ્રોબેનેસિડ, કો-ટ્રાયમેક્સેઝોલ, સિફોટેક્ઝિમ અને સ્પેક્ટિનોમાયસિનનો સમાવેશ થાય છે. જો સારવાર આપવામાં મોડું થાય તો કેટલીક આનુષંગિક તકલીફો થાય છે, જેમ કે શુક્રપિંડ અને અધિશુક્રપિંડમાં ચેપ (સાધિપિંડ-શુક્રપિંડશોથ, epididymo-orchitis), અંડવાહિનીમાં ચેપ (અંડવાહિનીશોથ, salpingitis), શ્રોણીમાં ચેપ (pelvic infection), યકૃતની આસપાસ ચેપ (પરિયકૃત શોથ, perihepatitis); જેમાં પેટના જમણા ઉપરના ભાગે દુખાવો અને સ્પર્શવેદના થાય, લોહીમાં જીવાણુઓ પ્રસરે (જીવાણુરુધિરતા, bacteraemia), સાંધામાં ઉગ્ર પ્રકારનો ચેપ પ્રસરે (ઉગ્રસંધિશોથ, actue arthritis), લોહી દ્વારા પરુ પ્રસરે (સપૂયરુધિરતા, septicaemia) વગેરે થાય છે. ચેપગ્રસ્ત માતાને અવતરતા નવજાત શિશુમાં પરમિયાના ચેપને કારણે પરુવાળી આંખ આવે છે. તેને ઉગ્ર સપૂય નેત્રકલાશોથ (acute purulent conjunctivitis) અથવા નવજાત શિશુનો નેત્રરોગ (ophthalmia neonatorum) કહે છે.

(3) પરમિયાંતર (non-gonorrhoea) ચેપ : તેમાં પરમિયા જેવાં લક્ષણો હોવા છતાં પરમિયો કરતાં જીવાણુઓ, પરમિયા-ગોલાણુ (gonococci), હોતાં નથી. તેમની સારવારમાં ઑક્સિટેટ્રાસાઇક્લિન, ડોસિસાઇક્લિન, એરિથ્રોમાઇસિન અને એઝિથ્રોમાયસિન વપરાય છે. અર્ધાથી વધુ કિસ્સામાં તે ક્લેમાયડિયા ટ્રેકોમટિસ નામના સૂક્ષ્મજીવથી થાય છે. અન્ય ચેપમાં જનનાંગી લસિકાશોથ ગડ (lympho-granuloma venereum), કઠણવ્રણાભ (chancroid) તથા ઊરુપ્રદેશીય ચીરશોથગડ(granuloma inguinale)નો સમાવેશ થાય છે. તેમને સારણી 2માં ટૂંકમાં દર્શાવ્યા છે.

સારણી 2 : કેટલાક લૈંગિક સંક્રામક રોગોની લાક્ષણિકતા

પરિમાણ જનનાંગી લસિકા શોથગડ (lymp-hogranuloma venereum) કઠણવ્રણાભ (chancroid) ઊરુપ્રદેશીય ચીર- શોથગડ (granu-loma inguinale)
કારકસૂક્ષ્મજીવ ક્લેમાયડિયા ટ્રેકોમેટિસ હિમોફિલસ ડુક્રિ ડોનોવેનિઆ ગ્રેન્યુલોમેટિસ
સૂક્ષ્મજીવસ્વરૂપ કોષની અંદરનીપિંડિકાઓ નાના ગ્રામ-અના ભિરંજિત દંડાણુઓ (bacilli) દ્વિધ્રુવીય (bipolar) દંડાણુઓ
ઉષ્મનકાલ 1થી 5 અઠવાડિયાં 1થી 8 દિવસ થોડાક દિવસથી 3 મહિના
જનનાંગી દોષ- વિસ્તાર નાનો, ટૂંકાગાળાનો ઘણી વખત ન જોવા મળે ઘણાં, અનિયમિત સ્પર્શવેદનાવાળાં ચાંદાં ફેલાતી ચીરશોથ-ગડ (granuloma) ગુલાબી કે લાલ વેલ્વેટ જેવો દેખાવ
લસિકાગ્રંથિઓ સ્પર્શવેદનાવાળી, એક બાજુએ થતી, એકબીજાં સાથે ચોંટી જતી, આસ- પાસની પેશી સાથે ચોંટતી, પરુવાળી ગાંઠો સ્પર્શવેદનાવાળી, એક બાજુએ થતી, ચોંટી જતી, પરુ-વાળી ગાંઠો જો આનુષંગિક  ચેપ લાગે તો જ મોટી થતી ગાંઠો
નિદાન સંવર્ધન(culture)- કસોટી, પ્રતિજન શોધતી કસોટી, પ્રતિદ્રવ્ય દર્શાવતી કસોટી સૂક્ષ્મદર્શક વડે તપાસ અથવા સંવર્ધન-કસોટી સૂક્ષ્મદર્શક વડે તપાસ
સારવાર ઑક્સિટેટ્રા-સાઇક્લિન એરિથ્રોમાયસિન અથવા કો-ટ્રાય-મેક્સેઝોલ સ્ટ્રેપ્ટોમાયસિન અથવા ઑક્સિ-ટેટ્રાસાયક્લિન

(3) વિષાણુજ ચેપ : વિષાણુજ ચેપમાં HIV, હર્પિસ સિમ્પ્લેક્સ, જનનાંગી વિષાણુજ મસા (genital warts), મોલ્યુસ્કમ કોન્ટેજિઓઝમ તથા યકૃતશોથ (hepatitis) મુખ્ય છે. પેપિલોમા વિષાણુના ચેપમાં પાછળથી ગર્ભાશયગ્રીવા(cervix)નું કૅન્સર થાય છે. તેવી રીતે ચેપી કમળો અથવા યકૃતશોથ(બી પ્રકાર)માં ઘણી વખત યકૃતનું કૅન્સર થાય છે. હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુનો પ્રથમ હુમલો તાવ, કળતર અને સ્થાનિક બળતરા કરે છે. ક્યારેક જનનાંગો પર નાની સજલ ફોલ્લીઓ થાય છે, ક્યારેક સ્થાનિક લસિકાગ્રંથિઓમાં વેળ ઘાલે છે, ક્યારેક ચેતામૂળના ચેપમાં ત્રિકાસ્થિક ચર્મપટ્ટામાં દુખાવો થાય છે અને પેશાબ રોકાઈ જાય છે. 2થી 4 અઠવાડિયે તે રુઝાય છે પરંતુ ત્યારબાદ તેના વારંવાર હુમલા થાય છે. સારવારમાં એસાઇક્લોવિર વપરાય છે.

માનવ અંકુરાબુર્દ વિષાણુ(humen papilloma virus, HPV)માં જનનાંગો અને ગુદાદ્વાર પાસે વિષાણુજ મસા થાય છે. તેમાં ગર્ભાશયગ્રીવાનું કૅન્સર થવાની સંભાવના રહે છે. વિષાણુજ મસા પર પોડોફાયલિન ચોપડવાથી તે મટે છે. તેની શીતચિકિત્સા (cryotheraphy), વીજદહન (electro cantery) કે લેઝર વડે પણ સારવાર કરાય છે. તે ફરીથી વારંવાર થાય છે. મોલ્યુસ્કમ કૉન્ટેજિયોસમના રોગમાં નાની, ચમકતી, ગુલાબી ફોલ્લીઓ થાય છે. તેની વચ્ચે નાનો ખાડો હોય છે. શીતચિકિત્સા કે વીજદહનથી તેને મટાડાય છે. યકૃતશોથ (ચેપી કમળો) – પ્રકાર બી સમલિંગભોગીઓમાં વધુ જોવા મળે છે.

() પ્રકીર્ણ ચેપ : તેમાં શિશ્નમુકુટ શોથ (balanitis) તથા સમુકુટ-મુકુટાવરણ શોથ (balanoposthitis) નામના પુરુષોમાં થતા ચેપ અને ભગયોનિશોથ (vulvovaginitis) નામના સ્ત્રીઓમાં થતા ચેપનો સમાવેશ થાય છે.

શિશ્નના ટોપ પર ચેપ લાગે તો તેને શિશ્નમુકુટ શોથ કહે છે અને જો તેની સાથે તેની ઉપરની ચામડીના આવરણ પર પણ ચેપ લાગ્યો હોય તો તેને સમુકુટ-મુકુટાવરણ શોથ કહે છે. સામાન્ય રીતે લાંબા મુકુટાવરણ (prepuse) ધરાવતી વ્યક્તિઓમાં કે ત્યાંની અપૂરતી સફાઈ રખાઈ હોય તો આવો ચેપ લાગે છે. મોટેભાગે શ્વેતફૂગ (candida), ટ્રાઇકોમોનસ વેજિનાલિસ, અજારક જીવાણુઓ અને રેખકારી ગોલાણુઓ(streptococci)નો ચેપ લાગે છે. પ્રતિરક્ષાની ઊણપ, મધુપ્રમેહ અથવા તો બહુજીવાણુમારક એન્ટિબાયોટિક, કૉર્ટિકોસ્ટીરોઇડ અને કૅન્સરવિરોધી દવાઓના ઉપયોગ પછી પણ તે થાય છે. તેમાં સ્થાનિક ચાંદું, શોથ (inflammation) અને પરુ થાય છે. લાંબા સમયે મૂત્રછિદ્રની સંકીર્ણતા (meatal stenosis) થાય તો મૂત્રછિદ્ર સાંકડું થઈ જાય છે. સ્થાનિક સફાઈ, કોટ્રાઇમેક્સેઝોલ, મેટ્રોનિડેઝોલ, એમ્પિસિલીન તથા ફ્લૂકેનેઝોલ વડે સારવાર કરાય છે.

સ્ત્રીઓમાં ભગ અને યોનિમાં પણ શ્વેત ફૂગ, ટ્રાયકોમોના તથા જીવાણુઓ વડે ચેપ લાગે તો તેને ભગયોનિશોથ કહે છે. તેમાં પણ ઉપર્યુક્ત ઔષધો વપરાય છે.

શિલીન નં. શુક્લ