સંમતિ (consent) (આયુર્વિજ્ઞાન)

January, 2007

સંમતિ (consent) (આયુર્વિજ્ઞાન) : કોઈ ચોક્કસ કાર્ય કે ક્રિયા કરવાની, કરાવવાની, તેમાં ભાગ લેવાની અથવા તેને અનુસરવા(compliance)ની મુક્ત અને સ્વૈચ્છિક સહમતિ, અનુમતિ, સ્વીકૃતિ કે મંજૂરી. આવી સંમતિ તો જ વૈધ અને ઉપયોગક્ષમ (valid) ગણાય છે, જો તે સભાન અવસ્થામાં જે તે કાર્ય કે ક્રિયાના પ્રકાર અને પરિણામને જાણીને અપાઈ હોય અને તે ફક્ત તે જ કાર્ય કે ક્રિયા માટેની સંમતિ હોય.

તેના વિવિધ પ્રકારો છે : (1) ગર્ભિત (implied) સંમતિ, (2) અભિવ્યક્ત (expressed) સંમતિ, (3) જ્ઞાનાધારિત અથવા આખ્યાનિત (informed) સંમતિ વગેરે.

જ્યારે કોઈ વ્યક્તિનું કોઈ કાર્ય, ક્રિયા કે વર્તન એવું સૂચવે કે તે જે તે કાર્ય કે ક્રિયા સાથે સહમત છે અથવા તે તેને ઇચ્છે છે; પરંતુ તેણે તે બોલી, લખી કે અન્ય રીતે દર્શાવ્યું નથી, તો તેને ગર્ભિત સંમતિ કહે છે; દા.ત., ડૉક્ટર પાસે આવતો દર્દી સામાન્ય પ્રકારની શારીરિક તપાસ અને સારવાર માટે આવી ગર્ભિત સંમતિ ધરાવે છે તેવું મનાય છે. જોકે તેને કોઈ પ્રકારની હાનિ થવાની સંભાવના હોય કે વિશિષ્ટ તપાસ કે સારવાર કરવાની હોય તો તેની જાણકારીવાળી અભિવ્યક્ત (લેખિત) સંમતિ જરૂરી ગણાય છે. આમ કેટલાક સંજોગોમાં ગર્ભિત સંમતિ પૂરતી ગણાતી નથી અને તે સમયે અભિવ્યક્ત (લેખિત) સંમતિ જરૂરી હોય છે. આવી અભિવ્યક્ત સંમતિ સામાન્ય રીતે જે તે વ્યક્તિ પાસે માગવામાં આવે છે અથવા તે મેળવ્યા પછી જ આગળની ક્રિયા કે કાર્ય કરાય છે. જોકે અભિવ્યક્ત સંમતિ મૌખિક પણ હોઈ શકે. જો સમગ્ર કાર્ય, ક્રિયા કે તેનું પરિણામ ભવિષ્યમાં કાયદાની અદાલતમાં ન્યાય આપવા કે મેળવવા માટે ધ્યાનમાં લેવામાં આવેલું હોય તો લેખિત સંમતિ ઉપયોગી પુરાવો બની શકે છે. કોઈ પણ પ્રકારની અભિવ્યક્ત સંમતિ મેળવતી વખતે સાક્ષીની હાજરી હોય અને તેની લેખિત સાક્ષી હોવાની સ્થિતિ અંગે તેના હસ્તાક્ષર (સહી) હોય તો તે અભિવ્યક્ત સંમતિના પુરાવાને બળ આપે છે.

સંમતિ-સમયે સંમતિ આપનાર વ્યક્તિ સભાન, પૂરતી માનસિક પુખ્તતા અને સ્થિરતા ધરાવનાર, પૂરતી વય સંબંધિત પુખ્તતા ધરાવનાર તથા જે તે સમયે ભયમુક્ત હોય તો જ તે સંમતિ વૈધ અને ઉપયોગક્ષમ ગણાય છે.

સંમતિ આપતી વ્યક્તિને જે તે કાર્ય, ક્રિયા કે તેના પરિણામ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી હોય અને તે સમજી શકે તેવી રીતે અને તે ભાષામાં બોલીને કે લખીને જણાવાયું હોય તો તેને આખ્યાનિત સંમતિ અથવા જાણકારીવાળી સંમતિ કહેવાય છે. આ માટે આપેલી માહિતી જોખમ અંગે સ્પષ્ટ અને સરળ ભાષામાં લખીને, જણાવીને તથા તેને બોલીને તથા પ્રશ્નોના ઉત્તરોને સંતોષકારક રીતે આપીને, સમજાવીને અપાયેલી હોવી જરૂરી ગણાય છે. આવી સંમતિમાં પણ સાક્ષીની હાજરી અને જાણકારી મહત્ત્વની બની રહે છે.

જે વ્યક્તિને સંમતિ મેળવવાની જરૂરી હોય તેને સીધી અને વ્યક્તિગત રીતે અપાયેલી હોવી જોઈએ એવું મનાય છે. વળી તે મુક્ત અને સ્વૈચ્છિક રીતે અપાયેલી હોવી જોઈએ અને તે માટે પૂરતી જાણકારી મેળવેલી હોવી જોઈએ એવું મનાય છે. આવી સાક્ષીની હાજરીમાં લખાણમાં અપાયેલી સંમતિ વૈધ અને ઉપયોગક્ષમ ગણાય છે. જો સંમતિ આપનાર વ્યક્તિને ભય, અણસમજ, સગીરાવસ્થા કે માનસિક રીતે અસ્વસ્થતા હોય તો તેવી સંમતિ વૈધ અને ઉપયોગક્ષમ ગણાતી નથી. એ રીતે માનસિક રીતે અસ્થિરતા (insanity) કે નશાની અસર હેઠળની સ્થિતિ હોય તો તે સંમતિ પણ વૈધ અને ઉપયોગક્ષમ ગણાતી નથી.

શસ્ત્રક્રિયા કે અન્ય હાનિ પહોંચાડી શકે તેવી નૈદાનિક કે ઉપચારલક્ષી ક્રિયા કે કાર્ય પહેલાં ડૉક્ટરે જે તે કાર્ય કે ક્રિયા માટે સાક્ષીની હાજરીમાં આખ્યાનિત અને લેખિત સંમતિ લેવી જરૂરી ગણાય છે. જો દર્દી પૂરતી જાણકારી મેળવ્યા પછી જો તે ડૉક્ટરને સંમતિ ન આપે તો તેની નોંધ કરવી જરૂરી છે; કેમ કે, તેને કારણે કોઈ ચોક્કસ કાર્ય કે ક્રિયા ન કરવા અંગેની બેદરકારી(ઉપેક્ષા, negligence)નો આરોપ કે આક્ષેપ થવામાંથી મુક્ત અને સુરક્ષિત રહી શકાય છે.

ક્યારેક પુરુષ કે સ્ત્રીના કિસ્સામાં કોઈ તપાસ કે સારવાર તેમની સંતતિ ઉત્પન્ન કરવાની કે લૈંગિક સમાગમ કરવાની ક્ષમતા ઘટાડે કે નાશ કરે તેવી સંભાવનાવાળી હોય તો જે તે વ્યક્તિના પતિ કે પત્નીની સંમતિ લેવી જરૂરી ગણાય છે.

જ્યારે દર્દી સગીર વયનો હોય તો તેના વાલી (પાલક) કે માતાપિતાની સંમતિ મેળવવામાં આવે છે. ભારતમાં 18 વર્ષની ઉંમરે કે તે પછી વ્યક્તિ પોતે સંમતિ આપી શકે છે. વ્યક્તિ કોઈ હાનિ કરી શકે તેવી ક્રિયા કે કાર્ય માટે સંમતિ આપે ત્યારે તે ક્રિયા કે કાર્ય કરવાનો મૂળભૂત ઇરાદો તેને મદદરૂપ થવા કે તેના રોગને મટાડવાનો હોવો જરૂરી ગણાય છે. ક્યારેક આવી સારવાર કે તપાસની જરૂર હોય અને વ્યક્તિ પોતે તેને માટે સંમતિ આપી શકે તેવી સ્થિતિમાં ન હોય ત્યારે યોગ્ય સાક્ષીની હાજરીમાં અને જે તે વ્યક્તિની નજીકની વ્યક્તિને જણાવી અને સમજાવીને, સદ્ભાવના સાથે કાર્ય કે ક્રિયા કરાય છે. ક્યારેક સમાજના હિતમાં કોર્ટના હુકમથી સંમતિ મેળવ્યા વગર અથવા અસંમતિ હોય તોપણ ડૉક્ટરને તપાસ તથા સારવાર કરવાની જરૂર પડે છે. સજીવ વ્યક્તિની પોતાની અથવા મૃત વ્યક્તિના કાયદેસરના વારસદારની સંમતિ મેળવ્યા પછી તેના શરીરમાંથી અવયવ કે કોઈ પેશીને પ્રત્યારોપણ, પ્રતિનિરોપ કે પ્રતિસારણ (transfusion) માટે મેળવી શકાય છે. જો કોઈ વ્યક્તિ અસ્પષ્ટ કારણે મૃત્યુ પામેલી હોય અને અભ્યાસ માટે તેના શબનું પરીક્ષણ (postmortem) કરવું જરૂરી હોય તો મૃત વ્યક્તિના કાયદેસરના વારસદારની સંમતિ જરૂરી ગણાય છે.

કાયદેસરના લગ્ન બહાર કોઈ સ્ત્રી સાથે લૈંગિક સમાગમ પહેલાં તે સ્ત્રીની ભયવિહોણી અને પૂરતી જાણકારીવાળી સંમતિ હોવી આવશ્યક ગણાય છે. કેટલાક સંજોગોમાં તે અભિવ્યક્ત કે ગર્ભિત સંમતિ છે તે નિશ્ચિત કરવું જરૂરી બને છે.

કોઈ ડૉક્ટર તેના દર્દીની તપાસ તથા સારવારની વિગતો તેની સંમતિ વગર સામાન્ય રીતે જાહેર કરી શકતો નથી, પરંતુ જે તે દર્દીની ઓળખ છતી ન થાય તેવી રીતે અભ્યાસ કે સંશોધનના હેતુસર સંશોધન કે અભ્યાસ માટેના સામયિકમાં તેના વ્યવસાયની વ્યક્તિઓ માટે કોઈ કિસ્સાની માહિતી પ્રગટ કરી શકે છે અને તે માટે તેણે જે તે દર્દીની સંમતિ મેળવવાની જરૂર ગણાતી નથી.

શિલીન નં. શુક્લ