સંબંધ મુદલિયાર, પમ્મલ (. 1873; . 1964) : તમિળ રંગભૂમિના પિતા. માત્ર 18 વર્ષની વયે તેમણે 1891માં ‘સગુણ વિલાસ સભા’ નામના અવેતન રંગભૂમિ જૂથની સ્થાપના કરી. તેની શરૂઆત ફક્ત 7 સભ્યોથી કરી, જે ક્રમશ: એક શક્તિશાળી અને અતિ પ્રભાવશાળી સંસ્થા બની. લોક-રંગભૂમિનાં જૂથો દ્વારા શેરીના નાકે કે ખુલ્લાં મેદાનોમાં તેમજ પારસી રંગભૂમિ પર રચાયેલ નાટ્યવૃંદો દ્વારા મંચ પર ભજવાતાં નાટકો તરફ સમાજ તિરસ્કારની દૃષ્ટિથી જોતો હતો. ત્યારે તેમણે નિમ્ન કોટિએ પહોંચેલી રંગભૂમિની પ્રતિષ્ઠાને સમાજમાં માનવંતું સ્થાન અપાવ્યું. વિકાસની ધીમી પ્રક્રિયા દ્વારા તેમણે રંગભૂમિને વ્યાવસાયિકતાના ઊંચા સ્તરે લાવીને મૂકી.

અદાકારો દ્વારા કોઈ ફેરફાર વિના જેને ચુસ્તપણે વળગી રહેવાય તેવો નાટ્યલેખ (script) હોય તેવા આગ્રહ સાથે નાટકમાંનાં ગીતો અને સંવાદોમાં તેમણે નહિવત્ ઘટાડો કર્યો. છેક બીજા દિવસના પરોઢ સુધી લંબાવાતાં નાટકોનો સમયગાળો તેમણે ઘટાડ્યો અને અદાકારો દ્વારા લાંબા રાગડા ગાવાની પ્રવૃત્તિ બંધ કરી. પાત્રોને અને તેમના ઐતિહાસિક મંચસજાવટને શોભે તેવી અને પ્રમાણભૂત વેશભૂષાનો તેમણે આગ્રહ રાખ્યો અને રાજા, રાણી કે સૈનિકના જેવી વેશભૂષાને બદલે મંદિરનાં સ્થાપત્યો, ભીંતચિત્રો તથા લઘુચિત્રોમાં અને સાહિત્યમાં વર્ણવેલી વિગતોમાં ઉપલબ્ધ સ્રોતને મહત્ત્વ આપ્યું. વચ્ચે વચ્ચે બેઢંગું મનોરંજન પીરસતા વિદૂષકના પાત્રને તિલાંજલિ આપી. ગીતોની સંખ્યા ઘટાડતા જઈને તેમણે બે દસકા સુધી ગીતો વિનાનાં નાટકોનું મંચન કર્યું. સામાન્ય રીતે તમિળ રંગભૂમિના વાતાવરણમાં તેમના અભિનવ પરિવર્તનને સ્વીકારવામાં ઘણો લાંબો સમય લાગ્યો હતો તેમ છતાં તે દિશામાં ક્રાંતિ લાવવામાં તેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

તેમની સભા માટે તેઓ પોતે જ નાટ્યલેખ (script) તૈયાર કરતા. તેમણે સૌપ્રથમ મૉનિયર વિલિયમ્સનો ‘શાકુન્તલમ્’નો અંગ્રેજી અનુવાદ મેળવી તમિળમાં અનૂદિત કર્યો અને તે પણ ફક્ત 18 વર્ષની વયે. પરંતુ તેનું પૂર્ણ સ્વરૂપે મંચન કરતાં તેમને ઘણાં વર્ષો લાગેલાં. તેમણે શેક્સપિયરના ‘એઝ યુ લાઇક ઇટ’, ‘હેમ્લેટ’, ‘ધ મરચન્ટ ઑવ્ વૅનિસ’, ‘મેક્બેથ’, ‘જુલિયસ સિઝર’, ‘ઑથેલો’ અને ‘હેન્રી 4થો’, તેમ કાલિદાસ, શ્રી હર્ષનાં સંસ્કૃત નાટકો, મૉલિયેરનાં નાટકો તથા પૌરાણિક ઘટનાઓ પર આધારિત 94 જેટલાં તમિળ નાટકો રચ્યાં અને ભજવ્યાં, જે તમિળ રંગભૂમિ પર ખૂબ લોકપ્રિય બન્યાં. જેમાં તેમણે નાટ્યકાર, નિર્માતા અને નિર્દેશકની મહત્ત્વની ભૂમિકા ભજવી. સમગ્ર દક્ષિણનાં અન્ય રંગભૂમિ જૂથોએ પણ તેમાં ભજવણી કરી. તેના પર આધારિત કેટલીક ફિલ્મો જેવી કે ‘સતી સુલોચના’, ‘મનોહર’, ‘સભાપતિ’ અને ‘વેદાલ ઉલ્કમ’નું સર્જન કરવામાં આવ્યું.

તેમણે અનેક પ્રહસનો અને વિડમ્બનોની રચના કરી. દા.ત., હરિશ્ર્ચંદ્ર નાટકની ઘટનાને ઉલટાવી તેમણે ‘ચંદ્ર હરિ’ નામક પ્રહસન રચ્યું, જેમાં રાજા તેના જીવનમાં કદી સત્ય બોલ્યો નહોતો. આ પ્રહસન પરથી 1940ના દાયકામાં તમિળ હાસ્ય કલાકાર એન. એસ. ક્રિશ્નને ફિલ્મનું નિર્માણ કર્યું.

તમિળ રંગભૂમિ પર ‘કલ્વર તલૈવાન’ નામક કરુણાન્તિકા અને નવતર પ્રકાશ ટૅક્નિક રજૂ કરનાર તેઓ પ્રથમ નાટ્યકાર હતા તેમજ પુરુષ અદાકાર દ્વારા તેમનાં નાટકોમાં ભરતનાટ્યમનો ઉમેરો કર્યો. તેમના નાટ્યમંડળે બૅંગલોર, નેલ્લોર, ત્રિવેન્દ્રમ વગેરે શહેરોમાં તેમજ સિલોન અને બ્રહ્મદેશમાં સંખ્યાબંધ નાટ્યપ્રયોગો કર્યા. તેમની જીવનભરની વિપુલ કામગીરી અને દક્ષ અભિનય બદલ તેમને ઘણાં સન્માન મળ્યાં. તે ઉપરાંત સંગીત-નાટક અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો. 1959માં તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો.

બળદેવભાઈ કનીજિયા