સંબલપુર : ઓરિસા રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 00 ઉ. અ. અને 84° 20´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 6,702 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુંદરગઢ જિલ્લો, પૂર્વમાં સુંદરગઢ, દેવગઢ અને અંગૂલ જિલ્લા, દક્ષિણે અંગૂલ અને સોનેપુર જિલ્લા તથા પશ્ચિમે સોનેપુર, બારગઢ, ઝારસુગુડા અને સુંદરગઢ જિલ્લા આવેલા છે. જિલ્લામથક જિલ્લાની પશ્ચિમે આવેલું છે. જિલ્લાનું નામ જિલ્લામથક પરથી પડેલું છે.

સંબલપુર

ભૂપૃષ્ઠ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ 146 મીટરથી 289 મીટર વચ્ચેની જુદી જુદી ઊંચાઈવાળી અસમતળ ભૂમિથી બનેલું છે. સંબલપુર અને બારગઢ ઉપવિભાગોમાં વિશાળ મેદાની વિસ્તારો આવેલા છે. મહાનદી પરની હિરાકુડ યોજનાની જળઉપલબ્ધિને કારણે અહીંની ફળદ્રૂપ જમીનો ઉપજાઉ બની રહેલી છે. બાકીના વિસ્તારમાં જંગલ-આચ્છાદિત નાની ટેકરીઓની હારમાળા આવેલી છે. જિલ્લાના નૈર્ઋત્ય વિભાગમાં ગંધમર્દન (ગંધમાદન) પર્વત છે. જિલ્લાના અર્થતંત્રમાં જંગલપેદાશો મહત્ત્વનો ભાગ ભજવે છે, એ જ રીતે કૃષિપેદાશો પણ અગત્યની છે. જંગલોથી જમીનોનું ધોવાણ અટકે છે. જંગલોમાંથી ઇમારતી અને ઇંધનનાં લાકડાં, વાંસ તેમજ કેન્દુનાં પાંદડાં મળી રહે છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દુનાં પાંદડાંનો વેપાર ચાલે છે. આ ઉપરાંત ગુંદર, મહુડાનાં ફૂલ, હરડે, સબાઈ ઘાસ અને મીણ પણ મેળવાય છે.

જળપરિવાહ : મહાનદી અહીંની મુખ્ય નદી છે, ઈબ તેને મળતી સહાયક નદી છે. આ ઈબનદી હિરાકુડ યોજનામાં ઠલવાય છે. હિરાકુડ જળાશય 4.8 કિમી. લંબાઈનું છે. તેની બાજુઓ પર આશરે 21 કિમી. લાંબા માટીના પાળાના અવરોધો (dyke) છે. જળાશયમાં જ્યારે જળભરાવો થાય ત્યારે ત્યારે તેનો જળપ્રસાર 777 ચોકિમી. જેટલો થાય છે. જળાશયથી પૂરનિયંત્રણ શક્ય બન્યું છે તથા તેમાંથી સિંચાઈ અને વીજળી પણ મેળવી શકાય છે.

ખેતીસિંચાઈપશુપાલન : ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ડાંગર અહીંનો મુખ્ય પાક છે. હિરાકુડ બંધ બંધાયા પછી જિલ્લાના વધુ વિસ્તારને સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી છે. જિલ્લામાં ત્રણ પ્રકારની જમીનો મળે છે : જંગલ વિસ્તારમાં રાતી જમીન  તે તુવેર જેવા પાક માટે તથા વાડીઓ માટે ઉપયોગમાં લેવાય છે; જંગલની કથ્થાઈ જમીનો  તે ફળો ઉગાડવામાં કામ આવે છે; જ્યારે રેતાળ જમીનો  મગફળી અને કઠોળ માટે ઉપયોગી બને છે. રેતાળ જમીનોનું પ્રમાણ વધુ છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લામાંથી કોલસો, અગ્નિજિત માટી, ગ્રૅફાઇટ અને ચૂનાખડક જેવી ખનિજસંપત્તિ મળી રહે છે. સુતરાઉ અને રેશમી કાપડનું વણાટકામ તથા કાંસાનાં વાસણો બનાવવાના એકમો અહીં આવેલા છે. હિરાકુડ યોજના સાકાર થયા પછી, ઉદ્યોગોને વેગ મળ્યો છે. ઍલ્યુમિનિયમનો ઉદ્યોગ તથા વીંટવા માટેના તાંબાના તારના એકમો વિકસ્યા છે. ઓરિસા ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (IDCO) ઊભું થયું છે. નાના પાયાના ઉદ્યોગો, ગ્રામ-કુટિર ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. દરજીકામ, લુહારીકામ, કાંસાનાં વાસણોનું કામ, મધમાખી-ઉછેર, નેતર અને વાંસકામના પરંપરાગત એકમો ચાલે છે. વીજળીના-સાઇકલના-રેડિયોના સમારકામ માટેના એકમો પણ છે.

આ જિલ્લામાંથી ડાંગર, કોલસો, તેલીબિયાં, કંતાન, ચામડાં અને લાકડાં-કેન્દુપાંદડાં, મહુડાનાં ફૂલ અને વાંસ જેવી વન્યપેદાશોની નિકાસ તથા મીઠું, ખાંડ, કેરોસીન, ઘઉં, સિમેન્ટ, બાંધકામ માટેની સામગ્રી, ઉપભોક્તા-માલસામાન અને સૂતરની આયાત થાય છે. સંબલપુર આ જિલ્લાનું મુખ્ય વેપારી કેન્દ્ર છે. અહીંના બજારમાં મુખ્યત્વે ચોખા, ખાતરો, જંતુનાશકો, કૃષિસાધનોનો વેપાર ચાલે છે. જિલ્લાનાં કેટલાંક જુદાં જુદાં સ્થળો ખાતે ફૂડ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા વતી ખોરાકી ચીજો માટે ગોદામો ઊભાં કરવામાં આવ્યાં છે.

પરિવહન : જૂના વખતમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારત જોડેના આ વિસ્તારનો વેપાર સંબલપુર મારફતે થતો હતો. ગંજમથી સોનેપુર અને બિનિકા થઈને સંબલપુર જતા માર્ગ પર રાયપુર પણ આવતું. એ જ રીતે કટક-સંબલપુર માર્ગ રાઈરાખોલ થઈને જતો હતો. કોલકાતાથી મુંબઈનો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 6 બારગઢ, દેવગઢ અને સંબલપુર થઈને જાય છે; એ જ રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 42 પણ આ જિલ્લામાંથી પસાર થાય છે.

પ્રવાસન : સંબલપુર ઓરિસા રાજ્યના પશ્ચિમ વિભાગ માટેનું પ્રવેશદ્વાર છે. અહીંનો હરિયાળો જંગલવિસ્તાર, વિવિધતાભર્યું વન્યજીવન, ગંધમર્દન પર્વત અને ટેકરીઓનાં સુંદર સ્થળદૃશ્યો, ધોધ, આદિવાસી જાતિઓનું નિત્ય ધબકતું જીવન, સંસ્કૃતિ, લોકગીતો, લોકનૃત્યો તેમજ સ્મારકો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેલાં છે. જિલ્લામથક સંબલપુર, હિરાકુડ બંધ અને જળાશય, નૃસિંહનાથ ટેકરીઓ, ઉષાકોઠી (બદ્રામા, Badrama) અભયારણ્ય, પ્રધાનપટ જળધોધ અને હ્યુમા મંદિર અહીંનાં જોવાલાયક સ્થળો ગણાય છે.

હિરાકુડ બંધ

હિરાકુડ બંધ : મહાનદી પરનો આ બંધ સંબલપુરથી માત્ર 10 કિમી.ને અંતરે આવેલો છે. તે દુનિયાનો લાંબામાં લાંબો બંધ છે. તેનો જળસ્રાવ-વિસ્તાર શ્રીલંકાથી બમણો 1,33,090 ચોકિમી. જેટલો છે. બંધનો ઘણોખરો ભાગ કૉંક્રીટથી અને બાકીનો ચણતર કે માટીથી બાંધેલો છે. એમાં વપરાયેલા દ્રવ્યમાંથી કાશ્મીરથી કન્યાકુમારી તેમજ અમૃતસરથી દ્બ્રિૂગઢ સુધીનો 8 મીટર પહોળો માર્ગ બનાવી શકાય. આ બંધ પાછળનું જળાશય પણ 640 ચોકિમી. જેટલું વિશાળ છે. બાજુમાં 21 કિમી.ના લાંબા પાળા બનાવેલા છે. અહીં ગાંધીમિનાર નામનો ગોળ ફરતો મિનારો છે, તેના પરથી બંધ અને જળાશયનું રમણીય દૃશ્ય માણી શકાય છે. પ્રવાસીઓની સુવિધા જાળવવા અહીં અશોક નિવાસ ગેસ્ટ હાઉસ ઊભું કરેલું છે. બંધસ્થાનથી 10 કિમી. તથા હિરાકુડ નગરથી 16 કિમી. અંતરે હિરાકુડ રેલમથક આવેલું છે.

ઉષાકોઠી : બદ્રામા ખાતેનું વન્યજીવન અભયારણ્ય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂક્યું છે. તેમાં હાથી, વાઘ, ગૌર, સાબર, કાળા ચિત્તા, હરણ, રીંછ વગેરે જોવા મળે છે. તેમને ફરતાં જોવા માટે એક ઊંચો મંચ તૈયાર કરેલો છે. અહીંથી પસાર થતા માર્ગ પરથી વાહનમાં બેસીને પણ તેમને જોઈ શકાય છે. અહીં નજીકમાં નજીકનું રેલમથક સંબલપુર છે. સંબલપુરથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 6 પર આ ઉષાકોઠી 42 કિમી.ને અંતરે આવેલું છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 9,28,889 જેટલી છે. અહીં સ્ત્રી-પુરુષોની વસ્તી લગભગ સમાન છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું સંખ્યાપ્રમાણ અનુક્રમે 75 % અને 25 % જેટલું છે. જિલ્લામાં ઊડિયા, બંગાળી, હિન્દી અને તેલુગુ ભાષાઓ બોલાય છે. હિન્દુ-મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે; જ્યારે શીખ, જૈન અને બૌદ્ધોની વસ્તી ઓછી છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ આશરે 45 % જેટલું છે. અહીંનાં બધાં જ નગરોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સગવડ ઉપલબ્ધ છે. 1996 મુજબ જિલ્લામાં 21 કૉલેજો આવેલી છે. સંબલપુર ખાતે સંબલપુર યુનિવર્સિટી આવેલી છે. તબીબી સેવામાં હૉસ્પિટલો, ચિકિત્સાકેન્દ્રો અને કુટુંબનિયોજન-કેન્દ્રો છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને 3 ઉપવિભાગોમાં અને 4 તાલુકાઓમાં વહેંચેલો છે. અહીં 4 નગરો અને 1325 ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : અગાઉના વખતમાં સંબલપુર વિસ્તાર દક્ષિણ કોશલનો એક ભાગ હતો ત્યારે તે આજના રાયપુર, બિલાસપુર, બાલાંગિર, સંબલપુર, સુંદરગઢ જિલ્લાઓના વિસ્તારથી બનેલો હતો. 14મી સદીથી સંબલપુર પટણાના ચૌહાણોના શાસન હેઠળ આવેલું. ચૌહાણો ત્યારે અઢાર રાજ્યોના જૂથના સર્વેસર્વા હતા. છેલ્લા ચૌહાણરાજા નારાયણસિંહ સંતાનવિહીન મૃત્યુ પામવાથી 1849માં બધો વિસ્તાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હસ્તક ગયો. રાંચી ખાતેથી તેનો વહીવટ થતો હતો. 1854માં આ વિસ્તાર છોટાનાગપુરના કમિશનરને સોંપાયો. 1857માં થયેલો બળવો અન્યત્ર બધે દાબી દેવાયેલો, પરંતુ સંબલપુર ખાતે બળવાના અહીંના નેતા સુરેન્દ્ર સાઈ શરણે ન થયા ત્યાં સુધી ચાલુ રહેલો. 1860માં સંબલપુરને બંગાળના ઓરિસા વિભાગમાં હસ્તાંતરિત કરવામાં આવેલું. 1862માં આ વિભાગનો એક નવો પ્રાંત રચાયો; પરંતુ 1905માં તેને બંગાળમાં ઓરિસા વિભાગમાં મૂક્યું હતું. 1912માં તેને ઓરિસા અને બિહારનો પ્રાંત બનાવાયો. 1936માં ઓરિસાનો પ્રાંત જુદો પડ્યો, તેથી તેમાં સંબલપુરનો ઉપવિભાગ રચવામાં આવ્યો. 1948માં દેશી રાજ્યોની ભારતીય સંઘમાં ભેળવણી થતાં 1949, અને પછીથી 1981 સુધી જુદા જુદા ભાગોની ફેરબદલી થતી રહી. 1993માં સંબલપુરને ચાર જિલ્લાઓ(બારગઢ, દેવગઢ, ઝારસુગુડા અને સંબલપુર)માં વહેંચ્યું. આ રીતે સંબલપુર એક અલગ જિલ્લો બન્યો.

સંબલપુર (શહેર) : ઓરિસા રાજ્યના સંબલપુર જિલ્લાનું (જિલ્લા) મથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 21° 28´ ઉ. અ. અને 84° 00´ પૂ. રે.. જિલ્લાનું તે મુખ્ય વાણિજ્યમથક પણ છે. અહીં આવેલા સમલેશ્વરી(ટૂંકું નામ સમલાઈ)ના મંદિર પરથી આ શહેરને અને શહેર પરથી જિલ્લાને નામ અપાયેલું છે. અહીં મહાનદીને કાંઠે બુધારાજા ટેકરીની ટોચ પર ચોરસ પીઠિકા પર સમલાઈગુડી નામે ઓળખાતું બુધારાજાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત અહીં બડા જગન્નાથ, બ્રહ્મપુરા, અનંતશૈયા અને પટણેશ્વરીનાં મંદિરો પણ છે.

સંબલપુર તેના હાથવણાટના સુતરાઉ કાપડ માટે જાણીતું છે. દક્ષિણ-પૂર્વ રેલવિભાગનો ઝારસુગુડા-તિતલાગઢ રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. આ શહેર ભુવનેશ્વરથી 321 કિમી. કટકથી 286 કિમી., રારૂરકેલાથી 192 કિમી., કોલકાતાથી 620 કિમી. અને મુંબઈથી 1426 કિમી.ને અંતરે આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા