સંપાદન (પત્રકારત્વ) : જે તે પત્રનાં નીતિધોરણને લક્ષમાં લઈને સમાચાર, લેખ, ભાષા, તસવીરો આદિ સામગ્રીમાં જરૂરી સુધારા-વધારા કરી તેને પ્રકાશનક્ષમ બનાવવાની પ્રક્રિયા. આ કામગીરી કરનાર વ્યક્તિને સંપાદક અથવા તંત્રી તરીકે ઓળખવામાં આવે છે. પત્રકારત્વમાં સંપાદનની કામગીરી સૌથી વધુ જવાબદારીવાળી હોય છે. પત્રકારત્વમાં થોડાં વર્ષ પહેલાં સંપાદનની કામગીરી મુખ્યત્વે અખબાર, સામયિકો તથા રેડિયો પૂરતી મર્યાદિત હતી પરંતુ હવે તેમાં ટેલિવિઝનનો પણ સમાવેશ થયો છે.
સામાન્ય સંજોગોમાં સંપાદનની કામગીરીમાં સમાચાર-સંસ્થાઓ મારફત આવેલા દેશ-વિદેશના સમાચારોની પસંદગી, સ્થાનિક ઘટનાઓ અંગે પત્રકારો દ્વારા લખવામાં આવેલા સમાચારની યોગ્યતા મુજબ પસંદગી તેમજ કેટલાક વિશિષ્ટ સમાચારની ચોકસાઈ કરી તેની પસંદગી કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. અખબાર, સામયિક, રેડિયો તેમજ ટેલિવિઝનમાં સંપાદન એક નૈતિક જવાબદારીવાળું કામ છે. એક અર્થમાં સંપાદનની જવાબદારી સંભાળનાર સંપાદક તેના વાચક, શ્રોતા કે દર્શકનો શિક્ષક હોય છે. સંપાદનની જવાબદારી સંભાળવા માટે વ્યક્તિમાં યોગ્યતા, પ્રતિભા, અનુભવ, નીડરપણું તથા સત્ય માટેનો આગ્રહ હોય તે આવદૃશ્યક છે.
સંપાદન-પ્રક્રિયા અને તેની કામગીરી માધ્યમ ઉપર આધાર રાખે છે. સૌપ્રથમ અખબારના સંપાદનની વાત કરીએ તો પત્રકારત્વનું આ માધ્યમ સંભવત: સામયિક પછીનું સૌથી જૂનું માધ્યમ છે. પરિણામે અખબારની સંપાદન-પ્રક્રિયા જટિલ હોવા સાથે સૌથી વધારે જવાબદારીવાળી રહી છે. પત્રકારત્વમાં સંપાદનની પ્રક્રિયા માટે મોટામાં મોટું માળખું અખબારમાં જ હોય છે. સમાચાર-સંસ્થાઓ તરફથી આવતા સમાચારની પસંદગી, એડિટિંગ, ભાષાકીય અખબાર હોય તો ભાષાંતર જેવી પ્રક્રિયાઓ માટે એક મુખ્ય ઉપ-સંપાદક અને તેની સાથે મદદમાં ઓછામાં ઓછા ચારથી પાંચ ઉપ-સંપાદક હોય છે. એ જ પ્રમાણે સ્થાનિક સમાચાર એકત્ર કરવા એક મુખ્ય રિપોર્ટરની સાથે અખબારનાં કદ અને જરૂરિયાત મુજબ રિપોર્ટરોની ટીમ હોય છે. આમ મુખ્ય ઉપ-સંપાદક તથા મુખ્ય રિપોર્ટર દ્વારા જે સમાચારો સૂચવવામાં આવે તેમાંથી આખરી પસંદગી કરીને પ્રકાશન માટે તૈયાર કરી આપવાની પ્રક્રિયા તે સંપાદન અને તે જવાબદારી નિભાવનાર વ્યક્તિ સંપાદક કે તંત્રી તરીકે ઓળખાય છે. અખબારના સંપાદકે આ ઉપરાંત ફોટોગ્રાફરો વિવિધ પ્રસંગની જે તસવીરો લાવ્યા હોય તેમાંથી પણ પસંદગી કરવાની હોય છે. તંત્રીપાને તંત્રીલેખ, અન્ય લેખો તેમજ વાચકોના પત્રો વગેરેની પસંદગી પણ સંપાદન-પ્રક્રિયા છે. આ તમામ સામગ્રી તપાસવી, તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા વગેરે કામગીરી, અગાઉ કહ્યું તેમ, ખૂબ જટિલ અને જવાબદારીવાળી છે. આમ તો એક આખી ટીમ અખબારની સંપાદન-પ્રક્રિયામાં સામેલ હોય છે પરંતુ તેની સારી કે નરસી કોઈ પણ જવાબદારી સંપાદક ઉપર હોય છે. અખબારનું સંપાદન ખૂબ સારું થતું હોય કે પછી ખરાબ થતું હોય એ બંને સ્થિતિમાં તેની ઓળખાણ મુખ્ય સંપાદક જ હોય છે.
બીજો એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે, અખબારના સંપાદન માટે જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે સામાન્ય સંજોગોમાં તો ઘડાયેલા વરિષ્ઠ પત્રકાર જ હોય છે, પરંતુ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ઘણા દાયકાથી માલિક-તંત્રીનો અભિગમ સ્વીકારાયેલો છે. આ કારણે અખબારની સંપાદન-પ્રક્રિયા અને તેની નીતિ અન્ય વ્યવસાયી પત્રકાર-સંપાદકના નેજા હેઠળનાં વર્તમાનપત્રો કરતાં અલગ હોય છે.
અખબારના પ્રમાણમાં સામયિકનું સંપાદન સરળ છે. સામયિકમાં રોજેરોજ બનતી ઘટનાઓના સમાચાર લેવાના હોતા નથી, પરંતુ કોઈ મોટી ઘટના કે વિશિષ્ટ સમાચારની પાછળના સંજોગો વિશે વિસ્તારપૂર્વક અહેવાલ આપવાના હોય છે. સામયિક અઠવાડિકથી માંડીને વાર્ષિક કે દ્વિવાર્ષિક સુધીનાં હોઈ શકે અને તે રીતે તેની સંપાદન-પ્રક્રિયા થતી હોય છે. સામયિક રોજેરોજ નહિ પરંતુ ચોક્કસ સમયે પ્રકાશિત થતાં હોવાથી તેમાં કેટલાક વિશેષ વિભાગ હોય છે; જેમાં સંપાદકની સંપાદન-સૂઝનો સાચો પરિચય મળે છે. વળી અખબારથી વિરુદ્ધ સામયિકના ઘણા જુદા જુદા પ્રકાર હોય છે; જેમ કે, સમાચાર અને માહિતી આધારિત સામાન્ય (General), સાહિત્ય, કળા, ફિલ્મ, મહિલા, બાળકો, આર્થિક, રમતગમત, સંસ્થાકીય, ધર્મ, જ્ઞાતિ વગેરે અલગ અલગ પ્રકારનાં સામયિકોના સંપાદન માટે જે તે વિષયના નિષ્ણાતોની પસંદગી કરવામાં આવે તે સ્વાભાવિક છે.
અખબાર અને સામયિક પછી સમાચાર માટેનું મહત્ત્વનું સાધન રેડિયો છે. જોકે આ માધ્યમની સૌથી મોટી વિશેષતા એ છે કે, અભણ વ્યક્તિ પણ રેડિયો પર પ્રસારિત થતા સમાચાર સાંભળીને માહિતગાર રહી શકે. દેશમાં 2005માં ખાનગી રેડિયો-ચૅનલનો પ્રવાહ શરૂ થયો તે પહેલાં ખાસ કરીને આકાશવાણી સરકારી માધ્યમ હોવાથી તેના પર પ્રસારિત થતા સમાચાર વિશ્વસનીય ગણાતા. પરિણામે રેડિયો પર સમાચાર-સંપાદનનું કામ અતિશય મહત્ત્વનું ગણાય છે. રેડિયો-સમાચારમાં મુખ્યત્વે સરકારી યાદી કે રાષ્ટ્રપતિથી માંડી પ્રધાનો દ્વારા કરવામાં આવતી અગત્યની જાહેરાતોને અગ્ર સ્થાન આપવાનું ચલણ છે. ઉપરાંત રેડિયોના સમાચાર-સંપાદક પીટીઆઇ, યુએનઆઇ, ભાષા સહિત દેશ અને વિદેશની સમાચાર-સંસ્થાઓ દ્વારા પ્રસારિત કરવામાં આવતા સમાચારો ઉપર પણ દેખરેખ રાખે છે અને તેમાંથી અગત્યના સમાચારોની પસંદગી પણ કરે છે. સમાચારના સંપાદનમાં અખબારની સરખામણીમાં રેડિયોની જોકે થોડી મર્યાદા છે. રેડિયો ઉપર સમાચાર-પ્રસારણ માટે સમય ઓછો હોવાથી સંપાદકે મોટાભાગના અગત્યના સમાચારનું ટૂંકાણમાં જ સંપાદન કરવાનું હોય છે. એ જ રીતે રેડિયો ઉપર સમાચાર-સંપાદનની કામગીરી માટે પત્રકારોની ખાસ કોઈ મોટી ટીમની જરૂર પણ નથી હોતી. મહદ્ અંશે દરેક રેડિયો-સ્ટેશનમાં એક સમાચાર-સંપાદક તથા એક કે બે સમાચાર-વાચક હોય છે. નાનાં કેન્દ્રો ઉપર તો ક્યારેક તો એવું પણ બને છે કે સમાચાર-સંપાદક પોતે જ સમાચાર-વાચક હોય. આમ અખબારની સરખામણીમાં રેડિયો માટે સમાચાર-સંપાદનની કામગીરી પ્રમાણમાં સહેલી અને તંગદિલી વગરની હોય છે.
ટેલિવિઝન માધ્યમના આવિષ્કાર પછી એક અર્થમાં સમાચાર-સંપાદનની વિભાવના બદલાઈ છે. ટેલિવિઝન દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ હોવાથી તેના પર પ્રસારિત થતા ઘણાખરા સમાચારની સાથે દૃશ્યો ઉમેરવામાં આવે છે. સ્વાભાવિક છે કે ટેલિવિઝન માટે સમાચાર સંપાદન કરનાર વ્યક્તિ પાસે સંપાદનની સૂઝની સાથે ટીવીની ટૅક્નિકલ જાણકારી હોવી પણ આવદૃશ્યક છે. ગુજરાતમાં 1970ના દાયકાના અંતે ટેલિવિઝન આવી પહોંચ્યું ત્યારથી દૃશ્ય-શ્રાવ્ય સમાચારનો આરંભ થયો. ઘણાં વર્ષ સુધી તો ટીવી સરકારી માધ્યમ જ હતું અને તે ‘દૂરદર્શન’ તરીકે ઓળખાતું હતું. તેના પર પ્રસારિત થતા સમાચાર પણ રેડિયોની માફક ઘણાખરા સરકારી જ રહેતા, પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી (આશરે ઈ. સ. 2000થી) સરકારે ઉદારીકરણની નીતિ અપનાવતાં ખાનગી સમાચાર-ચૅનલની સંખ્યા સતત વધી રહી છે. ચોવીસે કલાક માત્ર સમાચાર પ્રસારિત કરતી આવી ચૅનલની સંખ્યા આજે (2006માં) અંદાજે આઠ છે. તેમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી સમાચાર-ચૅનલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ આવી 24 કલાકની સમાચાર-ચૅનલ હોઈ શકે છે.
અહીં મુખ્ય મુદ્દો એ છે કે આવી 24 કલાકની સમાચાર-ચૅનલ ઉપર સમાચાર-સંપાદનની કામગીરી કેવી રીતે થાય છે ? આવી ચૅનલ માટે સંપાદનની કામગીરી ખરેખર અતિશય કપરી અને પડકારજનક હોય છે. આ માટે એક કરતાં વધારે સંપાદક અને ઉપસંપાદકોની જરૂર પડે છે; એટલું જ નહિ, પરંતુ વિવિધ શહેર અને રાજ્યમાંથી પણ સતત સમાચાર મેળવવા દરેક જગ્યાએ પત્રકાર કે સંવાદદાતાની નિમણૂક કરવી પડે છે. સમાચાર-ચૅનલના સંપાદક મુખ્યત્વે શહેરો અને અન્ય રાજ્યોમાં નિયુક્ત પ્રતિનિધિઓ મારફત સમાચાર મેળવે છે અને યોગ્યતા મુજબ તેનું સંપાદન કરી તેની સાથે દૃશ્યો મેળવી તેનું મુખ્ય કેન્દ્ર ઉપરથી પ્રસારણ કરે છે. ટેલિવિઝન સમાચાર-ચૅનલના સંપાદકો આ ઉપરાંત સમાચાર-સંસ્થાઓ તેમજ અન્ય સમાચાર-ચૅનલ ઉપર પણ સતત દેખરેખ રાખે છે જેથી કોઈ અગત્યના સમાચાર ચૂકી ના જવાય. જોકે આ બાબત અખબારને પણ લાગુ પડે છે, પરંતુ તેમાં ફેર એટલો છે કે અખબારમાં જો આવું કંઈ ચૂકી જવાયું હોય તો તે 24 કલાક પછી જ સુધારી શકાય છે જ્યારે સમાચાર -ચૅનલ 24 કલાકમાં ગમે ત્યારે ફેરફાર કરીને નવેસરથી સંપાદન કરી શકે છે.
અલકેશ પટેલ