સંપાતબિંદુ (Equinox) : ક્રાંતિવૃત્ત અથવા અયનવૃત્ત (Ecliptic) અને ખગોલીય (આકાશી) વિષુવવૃત્ત જ્યાં છેદે તે બિંદુ. પૃથ્વી પોતાની ધરી પર 23 ક. – 56 મી.ના સમયગાળે એક ભ્રમણ કરે છે, અને સાથેસાથે સૂર્ય ફરતાં, લગભગ વર્તુળાકાર કક્ષામાં 365.25 દિવસના સમયગાળે કક્ષાભ્રમણ કરે છે; પરંતુ તેની ધરી ફરતાં ભ્રમણની અક્ષ કક્ષાભ્રમણના સમતલને લંબદિશામાં નથી, આ બે વચ્ચે 231°નો ખૂણો છે જેને ધરીનું નમન કહેવામાં આવે છે. નોંધવાનું કે અવકાશમાં આ ધરીની દિશા, કક્ષાભ્રમણ સાથે બદલાતી નથી. (અલબત્ત, સેંકડો વર્ષ જેવા સમયગાળે આમાં થતો ફેરફાર પુરસ્સરણ (precession) સાથે સંકળાયેલો છે.) પૃથ્વીના ગોળાની સપાટી ઉપર આ (કાલ્પનિક) ધરી જે બે સ્થાને છેદતી જણાય તે અનુક્રમે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કહેવાય. ધરીના નમનને કારણે વાર્ષિક કક્ષાભ્રમણ દરમિયાન, 6 માસને ગાળે વારાફરતી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સૂર્ય તરફ નમેલા જણાય અને તે કારણે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધોમાં દિવસ-રાતની લંબાઈ ફેરવાતાં ઋતુચક્ર સર્જાય છે.

પૃથ્વીનું કક્ષાભ્રમણ અને ધરી-નમન

પૃથ્વીના વિષુવવૃત્તને આકાશમાં લંબાવતાં આકાશી ગોલક પર તેનો જે પ્રક્ષેપ (projection) થાય તે આકાશી વિષુવવૃત્ત કહેવાય છે; જ્યારે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ સૂર્ય તરફ નમેલો હોય (જુઓ આકૃતિ) ત્યારે પૃથ્વી પરથી જોતાં સૂર્ય આકાશી વિષુવવૃત્તની ઉત્તર તરફ આવેલો જણાશે અને જ્યારે દક્ષિણ ધ્રુવ સૂર્ય તરફ નમેલો હોય ત્યારે સૂર્ય વિષુવવૃત્તની દક્ષિણે જણાશે. આમ વરસ દરમિયાન 6 માસને ગાળે સૂર્ય આકાશી વિષુવવૃત્તને ઓળંગતો જણાશે. જ્યારે તે વિષુવવૃત્તની દક્ષિણથી ઉત્તર તરફ જાય ત્યારે તે વસંતસંપાતનો દિવસ ગણાય (વસંતઋતુનો વાસ્તવિક આરંભ આ દિવસે ગણાય.) અને જ્યારે તે ઉત્તરથી દક્ષિણ તરફ વળતાં વિષુવવૃત્તને ઓળંગે તે શરદસંપાતનો દિવસ કહેવાય. વસંતસંપાતને દિવસે પૃથ્વીનું કક્ષા-સ્થાન તે વસંતસંપાતબિંદુ. પૃથ્વી પરથી જોતાં તારાઓના સંદર્ભમાં સૂર્ય આ દિવસે જે સ્થાને જણાય તે આકાશી ગોલક પણ વસંતસંપાતબિંદુ કહેવાય. ખગોળની ભાષામાં આ બિંદુને (સાયન) મેષારંભ (first point of aries) બિંદુ કહેવાય છે. કારણ કે સાયન રાશિચક્રની શરૂઆત આ સ્થાનેથી ગણાય છે. શરદસંપાતનું બિંદુ આ જ રીતે શરદવિષુવ (Autumnal Equinox) તરીકે ઓળખાય છે. (વસંતસંપાતને Vernal Equinox કહેવાય છે.) વસંતસંપાતનો દિવસ 21 માર્ચ છે જ્યારે શરદસંપાતનો દિવસ 23 સપ્ટેમ્બર. પૃથ્વીનો કક્ષાભ્રમણનો ગાળો 365.25 દિવસનો હોવાથી દર વર્ષે જે 0.25 દિવસનો ફેરફાર થાય તે સરભર કરવા માટે દર ચાર વર્ષે વર્ષમાં એક દિવસ ઉમેરાય છે. આવા વર્ષને Leap Year કહેવાય છે. સંપાત દિવસોએ પૃથ્વી પરના દરેક સ્થાનેથી સૂર્યોદય બરાબર પૂર્વમાં થતો જણાય છે અને સૂર્યાસ્ત બરાબર પશ્ચિમ દિશામાં. ઉપરાંત આ દિવસોએ બંને ગોળાર્ધોમાં દિવસ અને રાત સરખી અવધિના હોય છે.

શરૂઆતમાં જ જણાવ્યા અનુસાર પૃથ્વીની ધરીની દિશામાં સેંકડો વર્ષ જેવા સમયગાળે ફેરફાર થાય છે. આ ધરી, કક્ષાભ્રમણના સમતલને લંબ એવી દિશા ફરતાં 231°ના ખૂણે રહીને (ત્રાંસા ભમરડાની જેમ) 25,800 વર્ષના સમયગાળે ભ્રમણ કરે છે જેને પુરસ્સરણ (precession) કહેવાય છે. આ ગતિને કારણે તારાઓની પાર્શ્વભૂમિના સંદર્ભમાં વસંતસંપાતબિંદુ તથા શરદસંપાતબિંદુ ધીરે ધીરે (વર્ષે ~ 50 આર્ક સેકન્ડ જેટલા) ક્રાંતિવૃત્ત પર સરકતા જાય છે. (ક્રાંતિવૃત્ત એટલે પૃથ્વીની કક્ષાના સમતલનો અવકાશમાં પ્રક્ષેપ. પૃથ્વી પરથી જોતાં વર્ષ દરમિયાન સૂર્ય હંમેશાં ક્રાંતિવૃત્ત પર જ હોય એટલે એને રવિમાર્ગ પણ કહેવાય છે.) આશરે 1,700 વર્ષ પહેલાં જ્યારે તારાઓની પાર્શ્વભૂમિના સંદર્ભમાં રાશિચક્ર અને સંપાતબિંદુઓ નક્કી કરાયાં, ત્યારે મેષરાશિનો આરંભ, એટલે કે વસંતસંપાતબિંદુ, આકાશી ગોલક પર હાલની (નિરયન) મેષ રાશિના તારાઓ નજીક હતું, એટલે મેષથી શરૂ કરીને મીન રાશિનું રાશિચક્ર નક્કી કરાયું. આ રાશિચક્ર અનુસાર સૂર્યનું મહત્તમ દક્ષિણ સ્થાન સૂર્યના (નિરયન) મકર પ્રવેશ સાથે સંકળાયેલ હતું; ત્યારબાદ સૂર્યની ઉત્તર તરફથી ગતિની શરૂઆત થતી. આ કારણથી મકરસંક્રાંતિ એક મહત્ત્વનો દિવસ બન્યો અને ઉત્તરાયન તરીકે ઊજવાવાની શરૂઆત થઈ. પુરસ્સરણને કારણે હવે સંપાતબિંદુનું 1,700 વર્ષના ગાળામાં ~ 24° જેટલું ચલન થતાં (આને અયનાંશ કહેવાય છે જેનું મૂલ્ય વર્ષે ~ 50 આર્ક સેકન્ડ વધે છે.) હાલ વાસ્તવિક વસંતસંપાત (નિરયન) મીન રાશિમાં છે અને વાસ્તવિક ઉત્તરાયન (22 December) ધન રાશિમાં આવે છે. હવે જો આપણે હાલના વસંતસંપાતબિંદુથી મેષ રાશિની શરૂઆત ગણીએ તો જે રાશિચક્ર નક્કી થાય તે સાયન એટલે કે અયનચલનની અસરને ધ્યાનમાં લઈને નક્કી કરાયેલ રાશિચક્ર કહેવાય. આ રાશિચક્રમાં મકરસંક્રાંતિ હંમેશાં 22 ડિસેમ્બરના રોજ થાય, પરંતુ તે દિવસે સૂર્યનું સ્થાન મકર તારામંડળના સ્થાને નહિ હોય ! તારાઓ સંદર્ભે સ્થિર રાશિચક્ર તે નિરયન અને સંપાતબિંદુને સંદર્ભે સ્થિર રાશિચક્ર તે સાયન.

અયનચલનની અન્ય નોંધપાત્ર અસર ધ્રુવબિંદુનું ચલન છે. હાલ પૃથ્વીના ભ્રમણની ધરીને ઉત્તર તરફ આકાશમાં લંબાવીએ તો તે દિશાથી ઘણો નજીક જે તારો છે તે હંમેશાં સ્થિર જણાય એટલે આપણે એ તારાને ધ્રુવતારા તરીકે ઓળખીએ છીએ. ધરીના પુરસ્સરણને કારણે આ દિશામાં પણ ફેરફાર થાય છે. આજથી ~ 5,000 વર્ષ પહેલાં જ્યારે ઇજિપ્તના પિરામિડોનું સર્જન થયું ત્યારે કાલિય તારામંડળનો એક તારો (a Draco) એ દિશામાં હતો અને તે સમયે એ ધ્રુવતારો હતો !

જ્યોતીન્દ્ર ન. દેસાઈ