સંપર્કબાધા (Communication Barrier)
January, 2007
સંપર્કબાધા (Communication Barrier) : હેતુપૂર્ણ (intended) માહિતીની પરસ્પર આપલે દરમિયાન નડતાં વિઘ્નોનાં કારણો.
કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સંપર્ક (communication) કરવા પ્રયત્નો કરે છે ત્યારે અનેક બાધાઓ (barriers) એ પ્રયત્નોને સફળ થવા દેતા નથી. અન્યોના મન:પ્રદેશમાં ચોક્કસ સમજ ઊભી કરવા આડે જે વિઘ્નો આવે તે સંપર્કબાધાઓ તરીકે ઓળખાય છે. બીજા શબ્દોમાં communicationને માહિતીસંચાર તરીકે અને માહિતીસંચારને આડે આવતાં વિઘ્નો સંપર્કબાધા તરીકે ઓળખાય છે. કોઈ પણ નવી સમજને માનવમન ઝટ સ્વીકારતું નથી. નવી સમજ પરત્વે માણસનો પ્રથમ અને સાહજિક પ્રતિભાવ પ્રતિકારનો હોય છે. આથી, સૌથી પહેલો સંપર્કબાધા તો માણસનો નૈસર્ગિક અભિગમ જ બનતો હોય છે. આથી, સંપર્ક કરનાર વિશેષ પ્રયત્નો કરે તો જ સંપર્ક સાધી શકાય છે. વિશેષ પ્રયત્નોની આડે અન્ય કેટલાંક વિઘ્નો પણ આવે છે જે મુખ્યત્વે આ પ્રમાણે છે :
1. સંપર્ક કરવાની નીતિ અને વ્યૂહરચનાનો અભાવ : વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે અંગત સંપર્ક કરવા માટે કોઈ નીતિઘડતરની જરૂર પડતી નથી. અલબત્ત, જેનો સંપર્ક કરવાનો છે તે સંપર્ક થવા દેશે કે કેમ તે જાણવાની વ્યૂહરચના અંગત સંપર્કમાં પણ અમલી કરવી જરૂરી છે. જ્યાં જ્યાં તંત્રો હોય તેમજ જૂથો વચ્ચે સંપર્ક કરવાના હોય અને તે નિયમિતપણે કરવાની અનિવાર્યતા હોય ત્યાં સંપર્કનીતિનો અભાવ સંપર્કબાધા બને છે. જેમનો સંપર્ક કરવાનો છે તે ક્યાં અને ક્યારે સંપર્ક માટે તૈયાર થશે તે શોધી તેવાં સ્થળે સંપર્ક કરવાની વ્યૂહરચનાનો અભાવ પણ સંપર્કબાધા બને છે.
2. વિશ્વસનીયતાનો અભાવ : સંપર્ક કરનારના ભૂતકાળની કાર્યવહીએ તેને વિશ્વાસપાત્ર રાખ્યો નહિ હોય તો જેમનો સંપર્ક કરવાનો છે તેઓ એનો કોઈ પણ સંદેશો સમજવા માટે તો ઠીક, પરંતુ સાંભળવા માટે પણ તૈયાર થશે નહિ. વિશ્વસનીયતાનો અભાવ એક મોટી સંપર્કબાધા છે.
3. સમજવાની અશક્તિ : જેમનો સંપર્ક કરવાનો છે તેમની જુદી ભાષા, ઓછાં શિક્ષણ અને ક્ષમતા તેમજ બેધ્યાનપણું એમની સંદેશો સમજવાની શક્તિને ઓછી કરી નાંખે છે. તેથી તે બધું સંપર્કબાધા બને છે.
4. સમજાવવાની અશક્તિ : સંપર્ક કરનારની રજૂઆતમાં અસ્પષ્ટતા, સંવાદ સાધવાની અશક્તિ અને સંપર્ક કરવાનો છે તેમની ભાષામાં રજૂઆત કરવાનો ઇનકાર એની સમજાવવાની અશક્તિ તરફ દોરી જાય છે, જે સંપર્કબાધા બને છે.
5. વધુ પડતો વિશ્વાસ : સંપર્ક કરનાર સમજાવવા માટેની પોતાની શક્તિ, ભાષા અને પ્રભાવમાં વધારે પડતો વિશ્વાસ રાખે ત્યારે તે સંપર્કબાધા બને છે. એ જ પ્રમાણે, જેમનો સંપર્ક કરવાનો છે તેઓ પોતે બધું જ સમજે છે અને એમને નવી સમજની જરૂર નથી એવું માનતા હોય તો તે પણ સંપર્કબાધા બને છે.
6. સંદેશાનું કલેવર અને માધ્યમો : જે સંદેશા માટે સંપર્ક થતો હોય તે સંદેશો વિગતપ્રચુર હોય ત્યારે જેમનો સંપર્ક કરવાનો છે તે વિગતોમાં ખોવાઈ જાય છે. વિગતપ્રચુર સંદેશા આથી સંપર્કબાધા બને છે. અસ્પષ્ટ સંદેશા પણ સંપર્કબાધા બને છે. સંદેશાને અસ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવે તો તે પણ સંપર્કબાધા બને છે. સંપર્ક કરવા માટેનું માધ્યમ બિનકાર્યક્ષમ હોય, એની સાંકળ વધારે પડતી લાંબી હોય અથવા જેમનો સંપર્ક કરવાનો છે એમને માધ્યમ પ્રત્યે પૂર્વગ્રહ હોય ત્યારે તેવાં માધ્યમ સંપર્કબાધા બને છે.
7. અનુકાર્યનો અભાવ : સંપર્ક સાધ્યા બાદ સંદેશો બરાબર સમજાયો કે નહિ તે તપાસવાનું અનુકાર્ય (follow-up) ના હોય તો સંપર્કનું ચક્ર પૂરું થતું નથી. સમજાવનારાએ સતત સમજવું પડે છે કે જેનો સંપર્ક કરવામાં આવ્યો છે તે સમજ્યો કે નહિ. આ અનુકાર્યનો અભાવ સંપર્કબાધા છે.
8. પૂર્વગ્રહો : જેમનો સંપર્ક કરવાનો છે તે અને સંપર્ક કરનાર વચ્ચે ભૂતકાળના અનુભવો, જ્ઞાતિ, જાતિ, ધર્મ, જેવાં પરિબળો અને કોઈક ઐતિહાસિક વાસ્તવિક યા કલ્પિત બનાવો જેવાં કારણોથી પૂર્વગ્રહો બંધાયા હોય તો તે પૂર્વગ્રહો પણ સંપર્કબાધા બને છે.
સંપર્કબાધાના મૂળમાં મુખ્યત્વે માનવતત્ત્વ કામ કરતું હોય છે. માનવતત્ત્વ અનેક સ્વરૂપે કાર્યરત બનતું હોય છે; તેથી સંપર્કબાધાની સંપૂર્ણ યાદી બનાવી શકાતી નથી.
સૂર્યકાન્ત શાહ