સંપર્કનિષેધ (quarantine) : ચેપી રોગના સંપર્કમાં આવેલાં માણસો કે પ્રાણીઓને તે રોગના લાંબામાં લાંબા ઉષ્મનકાલ (incubation period) સુધી સ્વતંત્ર રીતે હરવાફરવા પર નિયંત્રણ મૂકવું તે. ચેપ લાગ્યા પછી શરીરમાં સૂક્ષ્મજીવોની પૂરતી સંખ્યાવૃદ્ધિ કરીને નિદાન કરી શકાય તેવા રોગનું પ્રથમ લક્ષણ કે ચિહ્ન ઉત્પન્ન કરે તે સમયગાળાને ઉષ્મનકાલ કહે છે. સાદી રીતે જોઈએ તો ચેપ લાગવાથી પ્રથમ લક્ષણ ઉત્પન્ન થાય તે વચ્ચેના સમયગાળાને ઉષ્મનકાલ કહે છે. જ્યારે કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવી હોય કે જ્યાં તે રોગ વાવડના રૂપે કે કાયમી રીતે ફેલાયેલો હોય તેવા પ્રદેશમાંથી આવી હોય ત્યારે અગાઉ આવી વ્યક્તિ કે પ્રાણીને વસ્તીમાં મુક્ત રીતે અમુક સમયગાળા માટે હળવા-મળવા દેવામાં આવતી નહોતી. આ સંપર્ક પરની રોકનો સમયગાળો જે તે ચેપી રોગના લાંબામાં લાંબા ઉષ્મનકાળ જેટલો રાખવામાં આવતો હતો. તેને સંપર્કનિષેધ કહેવાય છે. તે રોગના ફેલાવા પર નિયંત્રણ મેળવવાની પદ્ધતિ છે. હાલના જમાનામાં વહેલાં નિદાન કે લક્ષણો દેખાય તે પહેલાંના સમયગાળામાં નિર્દેશન (detection) થઈ શકે તેવી કસોટીઓ હોવાને કારણે સંપર્કનિષેધનો ઉપયોગ ઘટ્યો છે. તેને સ્થાને તેવી વ્યક્તિને સક્રિય રીતે સતત દેખરેખ (active surveillance) હેઠળ રાખવામાં આવે છે. અલગીકરણ(isolation)ની ક્રિયામાં જે તે વ્યક્તિને કોઈ ચેપી રોગ થયો હોય છે અને તેને અલગ રાખવામાં આવે છે. જ્યારે સંપર્કનિષેધમાં વ્યક્તિની તબિયત સામાન્ય (અવિષમ, normal) હોય પણ તેને ચેપધારક કે ચેપગ્રસ્ત વ્યક્તિનો સંપર્ક થયો હોય અથવા તે તેવા વિસ્તારમાંથી આવતી હોય છે. સંપર્કનિષેધનો ઉપયોગ આગગાડી, રસ્તા પરનું વાહન, વિમાન કે કોઈ પણ પ્રકારના વાહનમાં રોગનો ફેલાવો, રોગના સ્રોતમૂલનો ફેલાવો કે ચેપવાહક(vector)નો ફેલાવો રોકવા માટે થાય છે. સામાન્ય રીતે તેવો હુકમ આરોગ્ય-અધિકારીઓ આપે છે. તેના 3 પ્રકાર છે : સંપૂર્ણ સંપર્કનિષેધ, પરિવર્તિત (modified) સંપર્કનિષેધ અને વિભક્તન (segregation). સંપૂર્ણ સંપર્કનિષેધ ઉપર વર્ણવ્યો છે. જો આવા બાળકને શાળાએ જતું રોકવામાં આવે તો તે એક પ્રકારે પસંદગીપૂર્ણ અને આંશિક સંપર્કનિષેધ કરેલો કહેવાય. તેને પરિવર્તિત સંપર્કનિષેધ કહે છે. ક્યારેક માતાપિતાથી છૂટાં પાડીને બાળકોને અન્ય રોગપ્રતિકારક્ષમ વ્યક્તિઓ સાથે રાખવામાં આવે ત્યારે તેને વિભક્તન કહે છે.

શિલીન નં. શુક્લ