સંપત્તિવેરો : કરદાતાની સંચિત ચોખ્ખી મિલકત (accumulated/net wealth) ઉપર લેવામાં આવતો વાર્ષિક વેરો. પ્રત્યેક આકારણી-વર્ષ (assessment year) માટે કરદાતાની સંપત્તિનું નિર્ધારણ કરીને તેની પાસેથી સંપત્તિવેરો વસૂલ કરવામાં આવે છે. કરદાતા, પોતાના ઉપર લાગુ પડતા આ વેરાનું ભારણ (incidence of tax), કોઈ અન્ય વ્યક્તિ ઉપર ખસેડી (shift) કરી શકતો નથી, તેથી આ વેરો તેની સંપત્તિ અને પરિણામે ખરીદશક્તિમાં ઘટાડો કરે છે અને દેશના વિવિધ સ્તરોના નાગરિકો વચ્ચેની આર્થિક અસમાનતા ઓછી કરે છે. આમ, સંપત્તિવેરો પ્રત્યક્ષ વેરો (direct tax) અને પ્રગતિશીલ વેરો (progressive tax) કહેવાય છે. ભારતના સંવિધાન(constitution)ની જોગવાઈઓ અનુસાર સંપત્તિવેરો ઉઘરાવવાનો અધિકાર કેન્દ્ર સરકારનો છે, તેથી તેણે સંપત્તિવેરા અધિનિયમ (Wealth Tax Act) 1957 આ વેરો વસૂલ કરવા માટે ઘડેલો છે. ભારત સરકારના નાણામંત્રાલયના હાથ નીચેનું કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બૉર્ડ(Central Board of Direct Taxes)નો આવકવેરા વિભાગ પોતાના તંત્ર દ્વારા પ્રત્યેક વર્ષે આ વેરો ઉઘરાવે છે. સંપત્તિવેરા અધિનિયમના પરિશિષ્ટમાં નિર્દેશિત સંપત્તિના જુદા જુદા સ્તરોને લાગુ પડતા ચઢિયાતા ક્રમ(slab rates)ના દરે આ વેરો શરૂઆતનાં વર્ષોમાં વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ અને કંપનીઓ પાસેથી વસૂલ કરવામાં આવતો હતો, પરંતુ 1-4-1960થી તે કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યો હતો, ત્યારપછી 1-4-1984થી જે કંપનીઓમાં જાહેર જનતા વાસ્તવિક હિત (substantial interest) ધરાવતી હોય તેવી કંપનીઓ સિવાયની કંપનીઓ ઉપર ફરીથી કંપનીની સંપત્તિના બે ટકાના દરે શરૂ કરવામાં આવ્યો હતો. તા. 1-4-1993થી સંપત્તિ વેરાના દરના માળખામાં ફેરફાર કરીને હવે વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ અને કંપનીઓની 15 લાખથી અધિક સંપત્તિ ઉપર એક ટકાના સરખા દર (flat rate) આધારિત આ વેરો લેવામાં આવે છે. કરદાતાની સંપત્તિનું નિર્ધારણ કરવા માટે દરેક આકારણી વર્ષના આગળના વિત્તીય વર્ષની છેલ્લી તારીખ મૂલ્યાંકન-તારીખ (valuation date) કહેવાય છે; દા.ત., આકારણી વર્ષ 2006-2007 માટે આગળનું વિત્તીય વર્ષ 2005-2006 પાછલું વર્ષ કહેવાય છે અને તેની છેલ્લી તારીખ 31-3-2006 આકારણી વર્ષ 2006-2007 માટે મૂલ્યાંકન તારીખ કહેવાય છે અને કરદાતાની તા. 31-3-2006ના દિને જે ચોખ્ખી સંપત્તિ હોય તેની ઉપર આકારણી વર્ષ 2006-2007 માટે સંપત્તિવેરો આકારવામાં આવે છે.

સંપત્તિવેરા અધિનિયમ હેઠળ સંપત્તિની કોઈ સર્વગ્રાહી (exhaustive) વ્યાખ્યા આપવામાં આવી નથી, પરંતુ તેમાં કરવામાં આવેલી વિવિધ જોગવાઈઓ હેઠળ કઈ રકમને સંપત્તિમાં સમાવવી (include) અથવા સમાવવી નહિ (exclude) તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે : 1-4-1993થી શરૂ થતા આકારણી વર્ષ અને ત્યાર પછીનાં આકારણી વર્ષો માટે નીચેની સંપત્તિઓનો કરદાતાની કરપાત્ર સંપત્તિમાં સમાવેશ (include) થાય છે : (1) મ્યુનિસિપાલિટીની સ્થાનિક હદથી 25 કિલોમીટરની હદમાં આવેલાં કૃષિ-નિવાસ (farm house) સહિતનાં રહેઠાણ અને વાણિજ્ય હેતુ માટેનાં મકાનો તથા તેમને આનુષંગિક (appurtenant) જમીન. આ વર્ગ/શ્રેણીમાં (ક) નિવાસ માટેનું એક મકાન, (ખ) ધંધો અથવા વ્યવસાય કરવા માટેનું એક મકાન અને (ગ) એક વર્ષમાં ત્રણસો અથવા વધારે દિવસો માટે ભાડે આપેલા મકાનનો સમાવેશ થતો નથી; (2) મોટરો ભાડે ફેરવવાનો અથવા વેચવાનો ધંધો કરનાર કરદાતાની મોટરો સિવાયની અન્ય મોટરો; (3) ધંધો કરવા માટેના માલ સિવાયનાં ઝવેરાત, સોના-ચાંદીની લગડીઓ અને કીમતી ધાતુમાંથી બનાવેલાં દાગીના/વસ્તુઓ, ફર્નિચર તથા વાસણો; (4) ધંધા- વેપારમાં વપરાશ સિવાયની હોડીઓ, ક્રીડા-નૌકાઓ અને વિમાનો; (5) શહેરી વિસ્તારમાં આવેલી જમીન; (6) વ્યક્તિ અને હિન્દુ અવિભક્ત કુટુંબની રૂ. 50,000થી અધિક હાથ ઉપરની રોકડ રકમ તથા અન્ય કરદાતાઓએ હિસાબ-કિતાબમાં નોંધેલી હોય નહિ તેવી રોકડ રકમ; (7) કરદાતા કોઈ પેઢીમાં ભાગીદાર હોય અથવા વ્યક્તિઓના સમૂહ(association of persons)નો સભ્ય હોય તો પેઢીમાં અથવા સમૂહમાં તેના હિતનું મૂલ્યાંકન અને (8) સહકારી ગૃહમંડળીમાં સભ્ય તરીકે કરદાતાને ફાળવેલા મકાનનું મૂલ્યાંકન.

સામાન્ય કાનૂન પ્રમાણે કરદાતાની માલિકીની ન હોય પરંતુ અન્ય વ્યક્તિની માલિકીની હોય તેવી ધનરાશિનો પણ કરદાતાની કુલ સંપત્તિમાં સમાવેશ થાય છે; દા.ત., (1) પતિ અથવા પત્ની; પરણાવેલી પુત્રી અને અપંગ સંતાનો સિવાયનાં સગીર સંતાનો તથા પુત્રવધૂ જેવાં સગાંને પર્યાપ્ત બદલા વિના (without adequate consideration) હસ્તાંતરિત કરેલી ધનરાશિ અને (2) પોતાની આગવી મિલકતનું કરદાતાએ હિન્દુ અવિભક્ત કુટુંબના નામે હસ્તાંતરણ કર્યું હોય તેવી ધનરાશિનો કરદાતાની વેરાપાત્ર સંપત્તિમાં સમાવેશ થાય છે.

કેટલીક સંપત્તિ નિ:શંક રીતે કરદાતાની માલિકીની હોય છે છતાં તેનો કરદાતાની કુલ સંપત્તિમાં સમાવેશ થતો નથી : (1) કરદાતાના નામે કોઈ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નોંધાવેલી મિલકત; (2) હિન્દુ અવિભક્ત કુટુંબની મિલકતમાં કરદાતાનો સભ્ય તરીકેનો હક; (3) ભારતના ભૂતપૂર્વ દેશી રાજ્યના રાજવીનું ભારત સરકારે માન્ય કરેલું સત્તાવાર નિવાસસ્થાન; (4) ભારતના ભૂતપૂર્વ દેશી રાજ્યના રાજવીનું ભારત સરકારે માન્ય કરેલું અંગત ઝવેરાત સિવાયનું વંશપરંપરાગત (heir loom) ઝવેરાત; (5) કરદાતાનું એક નિવાસસ્થાન અથવા નિવાસસ્થાન માટે જમીનનો એક પ્લોટ તથા (6) કરદાતા ભારતનો બિનનિવાસી (non-resident) હોય તો તેની ભારત બહારની મિલકતો અને દેવાં.

સંપત્તિનાં જુદાં જુદાં શીર્ષકો હેઠળની સંપત્તિઓનો સરવાળો કરીને કુલ સંપત્તિ (gross wealth) નક્કી કરવામાં આવે અને સંપત્તિઓ અંગે જે આનુષંગિક દેવાં કરવામાં આવ્યાં હોય તેમને કુલ સંપત્તિમાંથી બાદ કરવામાં આવે છે. આ બાકી રહેલી સંપત્તિ ચોખ્ખી સંપત્તિ (net wealth) કહેવાય છે અને તે કરપાત્ર સંપત્તિ ગણાય છે. સંપત્તિઓનું મૂલ્યાંકન કરવા માટે સંપત્તિવેરા અધિનિયમના પરિશિષ્ટ 3માં વિગતવાર જોગવાઈઓ કરવામાં આવેલી છે. તદનુસાર રોકડ રકમ સિવાયની વિવિધ સંપત્તિઓ જેવી કે (1) સ્થાવર મિલકત; (2) વેપાર-ધંધાનો એકમ; (3) પેઢી અથવા વ્યક્તિઓના સમૂહ(association of persons)માં ભાગ; (4) મિલકતમાં જીવનપર્યંતનો હક (life interest); (5) ઝવેરાત અને (6) પ્રકીર્ણ સંપત્તિનું મૂલ્યાંકન કરવાના વિગતવાર નિયમો બનાવેલા છે.

સંપત્તિવેરાનું સંચાલન અને વસૂલાત આવકવેરા વિભાગ કરે છે તેથી સંપત્તિવેરા અધિનિયમ 1957ની જોગવાઈઓ આવકવેરા અધિનિયમ 1961ની જોગવાઈઓ જેવી છે; જેમાં (1) અધિકારીઓનું કાર્યક્ષેત્ર; (2) સંપત્તિપત્રક ભરવાના નિયમો; (3) સંપત્તિના નિર્ધારણની કાર્યવહી; (4) છટકી ગયેલી સંપત્તિનું પુનર્નિર્ધારણ; (5) વસૂલ કરેલા કરમાંથી રિફન્ડ; (6) પત્રક મોડાં ભરવા માટે અથવા સંપત્તિ છુપાવવા માટે દંડ; (7) નિર્ધારણ અને દંડના હુકમોમાં થયેલી ભૂલોની સુધારણા (rectification); (8) નિર્ધારણ અને દંડના હુકમો સામે અપીલ; (9) અપીલના હુકમો સામે ઉચ્ચ ન્યાયાલયો અને સર્વોચ્ચ ન્યાયાલયમાં રેફરન્સ; (10) નિર્ધારણ અને દંડના હુકમોનું નિરાકરણ/સમજૂતી પંચ (settlement commission) વગેરેનો સમાવેશ થાય છે.

જયન્તિલાલ પોપટલાલ જાની