સંપત્તિ : બજારકિંમત હોય તેવી દરેક પ્રકારની મૂર્ત અને અમૂર્ત ધનદોલત. વાણિજ્ય અને અર્થશાસ્ત્રમાં સંપત્તિનાં ચાર મુખ્ય લક્ષણો ગણવામાં આવ્યાં છે : (1) જે વસ્તુમાં માનવીની જરૂરિયાત સંતોષવાનાં ગુણ યા ક્ષમતા (ઉપયોગિતા) હોય, (ii) જે જોઈતા પ્રમાણમાં તથા જ્યાં તેનો ખપ હોય ત્યાં મેળવવા માટે શ્રમ કરવો પડતો (શ્રમપ્રાપ્યતા) હોય, (iii) જેના ઉપર માણસ કબજો (અધીનતા) ધારણ કરી શકે એમ હોય એટલે કે જે આપણી માંગના પ્રમાણમાં એટલી ઓછી યા વિરલ હોય કે તેની માલિકી માટે હરીફાઈ ઊભી થતી હોય, અને (iv) જે આપીને એના બદલામાં (વિનિમય-યોગ્યતા) બીજી વસ્તુ મેળવી શકાય એમ હોય, એ વસ્તુ સંપત્તિ કહેવાય.

માનવીની પ્રવૃત્તિઓનું અંતિમ ધ્યેય એની જરૂરિયાતો સંતોષવા માટે સંપત્તિનું (ચીજવસ્તુઓ અને સેવાઓનું) ઉત્પાદન કરવાનું છે. માનવીના ઉપયોગમાં આવતી સંપત્તિના ચાર વર્ગ છે : (ક) સર્વસુલભ, (ખ) સાર્વજનિક, (ગ) આર્થિક અને (ઘ) અમૂર્ત સંપત્તિ.

(ક) જે વિના ચાલી જ ન શકે અને છતાં પણ તે વિના શ્રમે અને વિના મૂલ્યે પૂરતા પ્રમાણમાં મળે છે એવી (હવા, પાણી, પ્રકાશ વગેરે) જેવી વસ્તુઓને સર્વસુલભ સંપત્તિ કહે છે; આવી વસ્તુઓ ઉપર સીધી રીતે માલિકી કે કબજો ધરાવી શકાતાં નથી. આવી વસ્તુઓનાં ખરીદ-વેચાણ, અદલાબદલી કે વિનિમય થઈ શકતાં નથી. આવી વસ્તુઓ વિના માનવજીવન અશક્ય છે, એ અર્થમાં એ અમૂલ્ય છે.

(ખ) જેનો ઉપયોગ કરનારાઓએ તેની કિંમત ચૂકવવાની હોતી નથી એવી (જાહેર રસ્તા, બગીચા, પુલ વગેરે) વસ્તુઓને સાર્વજનિક સંપત્તિ કહે છે. આવી વસ્તુઓ આમ તો સર્વસુલભ છે પરંતુ તેઓ વિના શ્રમે મળતી નથી. તેથી તેમની સર્વસુલભ વસ્તુઓમાં ગણતરી કરી શકાય નહિ.

(ગ) જે વસ્તુમાં આપણી જરૂરિયાત પૂરી પાડવાનો ગુણ કે શક્તિ હોય, જે વસ્તુ જોઈતા પ્રમાણમાં અને જ્યાં જરૂર હોય ત્યાં મેળવવા માટે શ્રમ કરવો પડતો હોય, અથવા જે આપણી જરૂરિયાતના પ્રમાણમાં એટલી ઓછી હોય કે જેની માલિકી માટે હરીફાઈ ઊભી થાય તે વસ્તુને આર્થિક સંપત્તિ કહે છે. આર્થિક સંપત્તિ કાં તો વિરલ હોય, કાં તો શ્રમપ્રાપ્ય હોય.

(ઘ) કેટલીક સંપત્તિ અમૂર્ત છે. માનવીની જરૂરિયાતો સંતોષવાનું સાધન એટલે સંપત્તિ એ અર્થમાં શિક્ષકો, લેખકો, સિપાઈઓ, ધારાશાસ્ત્રીઓ, તબીબો, ઇજનેરો, શોધકો, વૈજ્ઞાનિકો, કલાકારો, વેપારીઓ, યોજકો વગેરેની પ્રવૃત્તિઓ અને સેવાઓ પણ સંપત્તિ જ છે; કેમ કે, તેથી લોકોની જરૂરિયાતો સંતોષાય છે અને સમાજની પ્રગતિ સધાય છે. રાજ્યના કાયદાકાનૂનોથી અને સામાજિક રીતરિવાજોથી માણસને પ્રાપ્ત થતા (ટ્રેડમાર્ક પેટન્ટ માલિકી સફીલદારી વગેરે) અધિકારો કે હકો પણ એક પ્રકારની અમૂર્ત સંપત્તિ છે; કેમ કે, સમાજની વ્યવસ્થા જાળવવામાં તે મદદરૂપ થઈ પડે છે.

પ્રચલિત લોકમાન્યતા મુજબ પૈસાને સંપત્તિ અથવા ધન ગણવામાં આવે છે. સાધારણ વ્યવહારમાં આ વાત સાચી જણાય છે; કારણ કે, જેની પાસે પૈસા હોય તે પોતાને જોઈતી હરકોઈ વસ્તુ તે વડે મેળવી શકે છે. દરેક સમાજે વસ્તુઓના અદલાબદલા કરવાના એક સાધન અથવા માપ તરીકે પૈસાનો-નાણાંનો સ્વીકાર કર્યો છે, તેથી જ આમ બની શકે છે. વિનિમયના સાધન તરીકેનો ગુણ બાદ કરીએ તો સોનાચાંદીના સિક્કામાં માણસની જરૂરિયાતો પૂરી પાડવાનો એટલે કે માણસને ઉપયોગી થવાનો ગુણ બહુ ઓછો છે, અને ચલણી નોટોમાં તો મુદ્દલ નથી.

વાણિજ્ય અને અર્થશાસ્ત્રમાં સર્વસુલભ સંપત્તિનો વિચાર ગૌણ છે. સામાન્ય રીતે સર્વસુલભ સંપત્તિની વિપુલતાવાળા પ્રદેશો વધારે સંપત્તિવાળા ગણાય, પરંતુ તે વિસ્તારના લોકોને વિના શ્રમે, વિના મૂલ્યે મબલખ વસ્તુઓ મળતી હોવાથી તેઓ જાહોજલાલી ભોગવે એમ હંમેશાં બનતું નથી. નૈસર્ગિક સાધનસંપત્તિની સાથે માનવશ્રમ અને માનવબુદ્ધિનો યોગ થાય ત્યારે જ સમાજને ઉપભોગયોગ્ય સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે સમાજમાં સંપત્તિનું રક્ષણ કરી તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની સૂઝ અને ક્ષમતા હોય તે જ સમાજ વૈભવ ભોગવે છે.

સંપત્તિની સામગ્રી એટલે સર્વ ધનદોલત. તેનો સદુપયોગ તે સંપત્તિ; દુરુપયોગ તે વિપત્તિ અને નિરુપયોગ તે દરિદ્રતા.

ધીરુભાઈ વેલવન