સંધિશોથ (arthritis) : હાડકાંના સાંધામાં પીડાકારક સોજા(શોથ)નો વિકાર. ચેપ, ઈજા કે અન્ય કારણે પેશીને નુકસાન થાય ત્યારે પ્રતિક્રિયા રૂપે ત્યાં સોજો આવે છે, તે ભાગ ગરમ થાય છે, ત્યાં દુખાવો થાય છે. આવી પ્રતિક્રિયાને શોથ (inflammation) કહે છે. જ્યારે તે હાડકાંના સાંધાને અસરગ્રસ્ત કરે ત્યારે તેને સંધિશોથ કહે છે. તેનાં વિવિધ કારણો હોય છે; જેમ કે, હાડકાંના છેડાઓ પર અપજનનીય (degenerative) વિકાર થાય તો તેને અસ્થિસંધિશોથ (osteoarthritis) કહે છે. ક્યારેક તે ચેપજન્ય વિકાર હોય તો તેને ચેપી અથવા સપૂય સંધિશોથ (septic arthritis) કહે છે. યુરિક ઍસિડના વિષમ ચયાપચયમાં શોથજન્ય સંધિશોથ થાય છે. તે વિકારને નજલો (gout) કહે છે. વિવિધ પ્રકારના સંધાનપેશીના વિકારો (આમવાતી સંધિશોથ, rheumatoid arthritis) પણ સાંધામાં પીડાકારક સોજો લાવે છે.

અસ્થિસંધિશોથ (osteoarthritis) : તેને અસ્થિસંધિશોફ (osteoarthrosis), સંધિશોફ (arthrosis) અથવા અપજનનીય સંધિરોગ (degenerative joint disease) પણ કહે છે. તે વિવિધ પ્રકારની સંધીય અપપર્યાપ્તતાઓ (joint failures) અથવા સાંધાની નિષ્ફળતાઓનું અંતિમ પરિણામ ગણાય છે. હાડકાંના સાંધામાં બે હાડકાંના છેડા એકબીજા સાથે હલનચલન થઈ શકે તેવી રીતે જોડાયેલા રહે છે. તેમની એકબીજાના સંપર્કમાં આવતી સપાટીને સંધીય સપાટી (articular surface) કહે છે. તેના પર કાચમય કાસ્થિનું પડ આવેલું હોય છે. તે કાચમય કાસ્થિના પડને સંધીય કાસ્થિ કહે છે. અસ્થિસંધીય શોથમાં વધતા ઓછા પ્રમાણમાં સંધીય કાસ્થિ(articular cartilage)નું અપજનન થાય છે. જેની સાથે અસ્થિ પેશી, કાસ્થિ પેશી અને સંધાન પેશીની વૃદ્ધિ પણ થાય છે. વિવિધ પેશીઓના કદમાં થતા અનિયમિત વધારાને કારણે સાંધાની રચના બદલાય છે. તે સમયે સાંધાના પોલાણનું આવરણ કરતી સંધિકલા(synovial membrane)માં પ્રતિક્રિયા રૂપે પીડાકારક સોજો (શોથ) થઈ આવે છે.

30 વર્ષની ઉંમર પછી સાંધાઓમાં ક્રમશ: વધતો જતો અપજનનીય વિકાર થવા માંડે છે અને તેથી 65 વર્ષની વયની 85 % વ્યક્તિઓની એક્સ-રે-ચિત્રણ વડે તપાસ કરતાં તેનાં ચિહ્નો જોવા મળે છે; જોકે ફક્ત 25 % વ્યક્તિઓ તેનાથી અસરગ્રસ્ત થાય છે. તે પુરુષ અને સ્ત્રી – બંનેને થાય છે, પરંતુ વૃદ્ધ સ્ત્રીઓમાં તે વધુ વ્યાપક અને તીવ્ર વિકાર કરે છે. વિવિધ પ્રકારની જાતિઓ, વિસ્તારો અને વાતાવરણ તેમજ અન્ય જનીની પરિબળોને આધારે તેનું વસ્તીપ્રમાણ અને અસરગ્રસ્ત સાંધાઓ અલગ અલગ રહે છે. અશ્વેત અને ચીનાઓ કરતાં કૉકેસિયન પ્રજામાં કેડનો સાંધો વધુ અસરગ્રસ્ત થાય છે. માનવ શ્વેતકોશ પ્રતિજન(human leucocyte antigen, HLA)વાળા રૂપપ્રકાર(phenotype)ની પણ અસર જોવા મળે છે; જેમ કે HL-AA-A1B8 અને આલ્ફા-1-ઍન્ટિટ્રિપ્સીનના રૂપપ્રકારમાં તે વધુ જોવા મળે છે. વધુ પડતું વજન તેની સંભાવના વધારે છે. જ્યારે ધૂમ્રપાનની ટેવ અને અસ્થિછિદ્રલતા (osteoporosis) અમુક અંશે તેની સંભાવના ઘટાડે છે. ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં તેની પીડા વધુ હોય છે, પરંતુ ઍક્સ-રે-ચિત્રણોમાં કોઈ ખાસ વધારાનો વિકાર જોવા મળતો નથી.

અસ્થિસંધિશોથ પ્રારંભિક અને દ્વૈતીયિક એમ 2 જૂથોમાં વહેંચાય છે. પ્રારંભિક જૂથમાં તેના ઉદ્ભવનું કારણ જાણમાં નથી. દ્વૈતીયિક વિકારનાં કારણો સારણી 1માં દર્શાવ્યાં છે. તેમને મુખ્યત્વે 8 ઉપજૂથોમાં વહેંચવામાં આવેલાં છે : (1) વિકાસક્રિયા સંબંધી, (2) ઈજાજન્ય, (3) ચયાપચયી (metabolic) એટલે કે શરીરની રાસાયણિક ક્રિયાઓ સંબંધી, (4) અંત:સ્રાવી (endocrine) એટલે કે શરીરમાં વિવિધ ગ્રંથિઓ દ્વારા લોહીમાં પ્રવેશતા અને શરીરની ચયાપચયી અને અન્ય ક્રિયાઓનું રાસાયણિક નિયંત્રણ કરતા તંત્ર સંબંધી, (5) શોથજન્ય (inflammatory), (6) ચેપવિહીન પેશીનાશજન્ય (aseptic necrosis), (7) ચેતારુગ્ણતાજન્ય (neuropathic) તથા (8) પ્રકીર્ણ કારણો.

સારણી 1 : અસ્થિસંધિશોથ કરતાં કેટલાંક કારણો

ક્રમ જૂથ ઉદાહરણ તથા નોંધ
1. વિકાસલક્ષી વિવિધ પ્રકારનાં હાડકાં, સાંધા અને સંયોજન પેશીના ગર્ભાવસ્થામાં કે બાળપણમાંના વિકાસના તબક્કે ઉદ્ભવેલા વિકારો; દા.ત., પર્થિસ(Perthes)નો રોગ, અધિદંડીય કુવિકસન (epiphysial dysplasia) વગેરે.
2. ઈજાજન્ય સાંધાની અંદરનું હાડકું તૂટવું, વ્યવસાયજન્ય સાંધાની ઈજાઓ, સાંધાનું અતિસંચલન (hypermobility); દા.ત., એહલર-ડાન્લોસનું સંલક્ષણ વગેરે.
3. ચયાપચયી (metabolic) વિલ્સનનો રોગ, આલ્કોટોન્યુરિયા, હિમોક્રોમેટોસિસ વગેરે અનુક્રમે તાંબું, આલ્કોટોન અને લોહતત્ત્વ સંબંધિત રાસાયણિક ક્રિયાઓમાં થતા વિકારો.
4. અંત:સ્રાવી (endocrine) પીયૂષિકા ગ્રંથની અધિક ક્રિયાથી વિષમ અતિકાયતા acromegaly નામનો શરીરના હાથપગ, નાક, ચહેરો, વગેરે મોટાં થવાનો વિકાર.
5. શોથજન્ય (inflammatory) આમવાતી સંધિશોથ (rheumatoid arthritis), નજલો (gout), ચેપજન્ય સંધિશોથ (septic arthritis), માતૃપક્ષી રુધિરસ્રાવિતા (haemophilia) વગેરે રોગોમાં સાંધાની પેશીમાં પીડાકારક સોજો આવે તેવી પ્રતિક્રિયા થાય ત્યારપછી ઉદ્ભવતી સ્થિતિ.
6. ચેપવિહીન પેશી-નાશ (aseptic necrosis) કોર્ટિકોસ્ટીરૉઇડ દાત્રકોષી પાંડુતા(sickle-cell anaemia)થી થતો રોગ, દરિયાના તળિયેથી ઝડપથી ઉપર આવવાથી લોહીમાં હવાના પરપોટા છૂટા પડવાથી થતો કેસનનો રોગ, સંધાનપેશીના વિવિધ રોગો.
7. ચેતારુગ્ણતાજન્ય (neuropathic) ઉપદંશ (syphilis), મધુપ્રમેહ, પરિઘવર્તી ચેતાઓના વિકારોમાં ચેતાઓ અસરગ્રસ્ત થાય છે અને તેથી સાંધામાં બહેરાશ આવે છે. તેને કારણે રક્ષણાત્મક ક્રિયાઓ થતી અટકે છે અને અસ્થિસંધિશોથનો વિકાર થાય છે.
8. પ્રકીર્ણ વિકારો પેજેટનો રોગ, ગોશરનો રોગ વગેરે.

દ્વૈતીયિક અસ્થિસંધિશોથમાં કાં તો સાંધા પર તણાવ અથવા ત્રસ્તતા (stress) વધે છે, કાં તો કાસ્થિમાં અપજનનનો વિકાર ઉદ્ભવે છે. કાસ્થિમાં ઉદ્ભવતા અપજનનમાં વિકારમાં વિવિધ પ્રકારના જૈવરાસાયણિક ફેરફારો થાય છે; જેમ કે તેમાં પાણીનો ભાગ વધે છે. શ્વેતતંતુ (collagen) અને અન્ય રસાયણો ઘટે છે, શ્વેતતંતુનું ઉત્પાદન વધે છે અને તે સંબંધિત ઉત્સેચકો પણ વધે છે.

મુખ્યત્વે અસરગ્રસ્ત થતા સાંધાઓ છે – કેડનો સાંધો, ઢીંચણ, કરોડના મણકાના સાંધા અને હાથના સાંધા. મોટાભાગના દર્દીઓમાં એક કે થોડાક જ સાંધા અસરગ્રસ્ત થાય છે. તેના મુખ્ય 2 પ્રકાર છે : ગંડિકાકારી (nodal) અને અગંડિકાકારી (non-nodal). ગંડિકાકારી અને અગંડિકાકારી વિકાર ઢીંચણ તથા આંગળીઓ અને અંગૂઠાના નાના સાંધાને અસરગ્રસ્ત કરે છે. ક્યારેક ફક્ત ઢીંચણ કે કેડનો સાંધો અસરગ્રસ્ત થાય છે. મુખ્ય તકલીફ ધીમે ધીમે વધતો જતો દુખાવો છે, જે સમયાંતરિત હોય છે. એટલે કે દુખાવો ક્યારેક થાય, ક્યારેક ન થાય. સામાન્ય રીતે સાંધાના વપરાશમાં દુખાવો થાય અને તેને આરામ આપવાથી શમે. જેમ વિકાર વધે તેમ ક્રમશ: દુખાવાથી, સ્નાયુઓના સતત સંકોચન(spasm)થી તથા પાછળથી સાંધાની પેશીમાં તંતુતા (fibrosis) થવાથી હાડકાંના છેડાની રોગજન્ય પુનર્રચના થવાથી તથા અસ્થિકંટક (osteophytes) બનવાથી સાંધાનું હલનચલન ઘટે છે. સામાન્ય ઈજાથી પણ સાંધામાં પ્રવાહી ભરાય છે. સાંધાના હલનચલન સમયે તેના પર હાથ મૂકવાથી તેમાં કડકડાટ જેવો અવાજ (crepitus) અનુભવી શકાય છે. વિકાર વધે એટલે આસપાસના સ્નાયુઓમાં અપોષી ક્ષીણતા (wasting) થાય છે. તેથી સાંધાનું સ્નાયુસંકોચન વડે થતું નિયંત્રણ અને રક્ષણ ઘટે છે અને સાંધાની ઈજા વધે છે. ક્યારેક હાડકાંમાંની અસ્થિજાલ(trabeculi)માં થતા સૂક્ષ્મ અસ્થિભંગ (micro-fracture), સાંધાના સંપુટ (capsule) તથા પરિસંધિપેશી (periarticular tissue) એટલે કે સાંધાની આસપાસની પેશીમાં થતી ઈજાને કારણે દુખાવો થાય છે. કાસ્થિની નીચે આવેલા હાડકાના ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને તેથી પણ રાત્રે સાંધામાં કળતર થયા કરે છે.

ગંડિકાકારી અસ્થિસંધિશોથ મધ્યમ વયની સ્ત્રીઓમાં થાય છે. તેમાં આંગળીઓના વેઢાના છેલ્લા સાંધામાં પ્રવાહી ભરેલી પોટલી(કોષ્ઠ, cyst)ના કે હાડકાંની અતિવૃદ્ધિથી બનતી ગંડિકાઓ થાય છે. તેમને હેબર્ડન(Heberden)ની ગંડિકાઓ કહે છે. તે અચાનક ઘણો દુખાવો, સોજા અને શોથ સાથે થાય છે. તેઓ કુરૂપતા (deformity) લાવે છે. પણ દુર્ક્ષમતા (diability) લાવતા નથી. આવી જ ગંડિકાઓ વેઢાના નજીકના સાંધામાં થાય છે; તેમને બોકાર્ડ(Bouchard)ની ગંડિકાઓ કહે છે. ક્યારેક આવો વિકાર અંગૂઠા અને કાંડા વચ્ચેના સાંધામાં, કરોડના મણકાના સાંધામાં, કેડ તથા ઢીંચણના સાંધામાં પણ થાય છે. હેબર્ડનની ગંડિકાનો વિકાર દેહસૂત્રી પ્રભાવી (autosomal dominant) પ્રકારની આનુવંશિકતા(વારસા)ને કારણે થાય છે અને તે કુટુંબમાં વારસાથી ઊતરી આવે છે. જોકે ગંડિકાકારી અસ્થિસંધિશોથ દ્વૈતીયિક પ્રકારના સંધિશોથમાં પણ જોવા મળે છે. વધુ તીવ્ર પ્રકારના વિકારમાં અવકાસ્થીય (subchondral) એટલે કે કાસ્થિની નીચેના હાડકાંમાં ક્ષરણ (erosion) થાય છે. તેવા કિસ્સામાં આંગળીના વેઢાના સાંધા અસ્થિર બને છે.

અગંડિકાકારી અસ્થિસંધિશોથ સ્ત્રી અને પુરુષ બંનેમાં સમાન દરે થાય છે અને તે વેઢાના દૂરના સાંધામાં મંદથી મધ્યમ તીવ્રતાવાળો વિકાર કરે છે.

ઢીંચણના સાંધાનો અસ્થિસંધિશોથ વધુ વજનવાળી વ્યક્તિઓ અને હાથમાં અસ્થિસંધિશોથ થયો હોય તેવી સ્ત્રીઓમાં વધુ થાય છે. સામાન્ય રીતે મધ્યરેખા તરફના જાંઘના હાડકા બાજુએ શરૂઆત થાય છે. વધુ તીવ્ર વિકારમાં સાંધો વાંકો વળી જાય છે. કેડના સાંધામાં થતો અસ્થિસંધિવિકાર હંમેશાં દ્વૈતીયિક પ્રકારનો હોય છે. મોટેભાગે કેડના સાંધાનો ઉપરનો ભાગ અસરગ્રસ્ત થાય છે.

નિદાનશાળાની કસોટીઓ  લોહીના કોષોની સંખ્યા તથા રક્તકોષ ઠારણ દર (erythrocyte sedimentation rate, E.S.R.) સામાન્ય (અવિષમ) હોય છે. સાંધામાંના પ્રવાહી(સંધિજલ, synovial fluid)માં કોષોની સંખ્યા ઓછી રહે છે. ઍક્સ-રે-ચિત્રણમાં સાંધામાં બે હાડકાં વચ્ચેની જગ્યામાં ઘટાડો તથા તેમની કિનારી પર અસ્થિકંટકનો ઉદભવ જોવા મળે છે. કાસ્થિ નીચેના હાડકામાં તંતુકાઠિન્ય (sclerosis) થાય છે, હાડકાની પુનર્રચના થાય છે અને વધુ વધી ગયેલા રોગમાં કોષ્ઠ (cyst) બને છે. 99mtc વિસફોસ્ફોનેટ નામના સમસ્થાનિક(isotope)ની મદદથી હાડકાનું વીક્ષણ (bone-scan) નામનું નિદાનચિત્રણ મેળવવાથી રોગમાં થઈ રહેલા વધારા અંગે માહિતી મળે છે.

સારવારનો મુખ્ય હેતુ તકલીફો (દુખાવો) ઘટાડવો, સાંધાને જાળવી રાખવો તથા તેની ક્રિયાશીલતા સુધારવી તથા અપંગતા આવતી અટકાવવી વગેરે છે. જોકે અસ્થિસંધિશોથમાં થતી રોગજન્ય દુર્રચના કાયમી હોય છે, પરંતુ દર્દીની તકલીફ ઘટાડી શકાય છે. તે માટે તેનું આરોગ્યશિક્ષણ મહત્ત્વનું છે. દુખાવાનો ઘટાડો, સાંધા પર વધુ પડતી ત્રસ્તતા (stress) ન આવે તેવી સ્થિતિ, તેને થતી ઈજામાં ઘટાડો વગેરે બાબતોનું ધ્યાન રાખવા ઉપરાંત તેનું સંચલન બરાબર થાય તે માટે તેની આસપાસના સ્નાયુઓનું બળ જળવાઈ રહે તથા યોગ્ય રીતે વધે તે ખાસ જોવામાં આવે છે. જરૂરિયાત પ્રમાણે રબરના તળિયાવાળા જૂતાં, જો બંને પગની લંબાઈમાં ફરક હોય તો તે સમાન થાય માટે જરૂર પ્રમાણે જાડા તળિયાવાળાં જૂતાં, જાડી વ્યક્તિમાં વજનનો ઘટાડો અને હાથલાકડીનો ટેકો વગેરે બાબતો સૂચવાય છે. જરૂર પડ્યે વ્યક્તિએ તેના વ્યવસાય કે મનોરંજક ટેવોમાં ફેરફાર લાવવો જરૂરી બને છે. જેને કારણે તેમણે વધુ પ્રમાણમાં ઊભા રહેવું કે ચાલવાનું ન બને. પેરેસિટેમોલ કે અન્ય બિનનશાકારક પીડાશામકો વડે દુખાવો ઘટાડાય છે. કેટલાક દર્દીઓમાં બિન-સ્ટીરોઇડી પ્રતિશોથકારી ઔષધો (non-steroidal anti-inflammatory drug, NSAIDS) વપરાય છે; દા.ત., કાઇક્લોફેન, આઇબુ પ્રોફેન વગેરે. જો કે તે પેટમાં ચાંદુ પડવું, લોહીની ઊલટી થવી, મળમાં અકળ રીતે લોહી જવું (કાળો ઝાડો થવો), મૂત્રપિંડનો વિકાર થવો વગેરે તકલીફો કરે છે. જરૂર પડ્યે તે કિસ્સામાં સાંધામાં સ્ટીરૉઇડનું ઇન્જેક્શન અપાય છે. (ખાસ કરીને ઢીંચણના સાંધામાં.) આ ઉપરાંત અસ્થિછેદન (osteotomy) નામની શસ્ત્રક્રિયા કરીને વાંકા વળેલા અને દુર્રચના પામેલા સાંધાને સરખો કરાય છે અને જરૂર પડ્યે તેવા કિસ્સામાં તેની પુનર્રચના કરીને કે કૃત્રિમ સાંધો બેસાડીને જીવનની ગુણવત્તા સુધારાય છે.

શિલીન નં. શુક્લ