સંધિશોથ, આમવાતાભ (rheumatoid arthritis) : સાંધાઓને લાંબા સમયના પીડાકારક સોજા (શોથ) કરતો સૌથી વધુ જોવા મળતો વિકાર. તે મુખ્યત્વે નાના અને મોટા સંધિકલા (synovium) ધરાવતા એકસાથે એકથી વધુ સાંધાને અસર કરે છે અને તેના દર્દીના લોહીમાં પ્રતિગ્લોબ્યુલિન પ્રતિદ્રવ્ય (antiglobulin antibody) હોય છે. આ પ્રતિગ્લોબ્યુલિન પ્રતિદ્રવ્યને આમવાતાભ ઘટક (rheumatoid factor) કહે છે. આ રોગ લાંબો સમય ચાલે છે અને તેમાં ઉત્તીવ્રન (exacerbation) અને લઘુશમન (remission) થયા કરે છે. લાંબા સમયના શોથકારી વિકારમાં બંને બાજુના લગભગ સમાન પ્રકારના સાંધાઓનો નાશ થાય છે, ક્યારેક અલાક્ષણિક (atypical), અસમાન અને અપૂર્ણ પ્રકારનો વિકાર પણ જોવા મળે છે.

તે વિશ્વમાં બધે જોવા મળે છે. તેનો વાતાવરણ, ઊંચાઈ કે સ્થાનિક ભૌગોલિક પરિબળો સાથે કોઈ ખાસ સંબંધ નથી. તે સ્ત્રીઓમાં પુરુષો કરતાં 3 ગણા વધુ દરે થાય છે અને તેનું કુલ વસ્તીપ્રમાણ 1 % જેટલું હોય છે. તે જીવનના 3જાથી 5મા દાયકાઓમાં વધુ જોવા મળે છે, પરંતુ તે બધી ઉંમરે થાય છે. દર વર્ષે 0.02 % નવા દર્દીઓ ઉમેરાય છે અને તેથી 55 વર્ષની વયે 5 % સ્ત્રીઓ અને 2 % પુરુષોમાં તે થયેલો જોવા મળે છે. 6 અઠવાડિયાંથી વધુ સમય માટે એકથી વધુ સાંધામાં શોથકારી વિકાર થયો હોય તો તે નિદાનસૂચક છે.

નીચે દર્શાવેલાં 7 લક્ષણોમાંથી કોઈ 4 કે વધુ લક્ષણો હોય તો આમવાતાભ સંધિશોથનું નિદાન કરાય છે.

(1) 6 મહિનાથી સવારે 1 કલાક માટે સાંધાની અક્કડતા (stiffness) થાય તો તેને પ્રાત:કાલીન (સવારની) અવલનશીલતા (morning stiffness) કહે છે; (2) 6 માસથી વધુ સમય માટે 3 અથવા વધુ સાંધામાં સંધિશોથ(arthritis)નો વિકાર થાય એટલે કે તે સાંધામાં પીડાકારક સોજો આવેલો હોય; (3) 6 માસથી વધુ સમય માટે હાથના સાંધામાં સંધિશોથ; (4) બે બાજુ લગભગ સમાન રીતે સંધિશોથ – 6 મહિનાથી વધુ સમય માટે; (5) આમવાતાભ ગંડિકાઓ (rheumatoid nodules) થાય; (6) આમવાતાભ(rheumatoid factor)ની હાજરી હોય અને (7) ઍક્સ-રે ચિત્રણમાં લાક્ષણિક ચિહ્નો થયેલાં હોય.

કારણવિદ્યા : તે થવાનું કારણ સુસ્પષ્ટ નથી. પરંતુ ટી-લસિકાકોષો(T-lymphocytes)નું ઉત્તેજન થાય છે. માનવ શ્વેતકોષી પ્રતિજન (human leucocyte antigen, HLA) જૂથના HLA-DR બીટા 1 વિસ્તારનો 67થી 74 એમિનો ઍસિડવાળો ભાગ ટી-લસિકાકોષને પારખવાનો વિસ્તાર છે. કોઈ બાહ્ય કે સ્વ-પ્રતિજનિક (autoantigenic) પેપ્ટાઇડ આ ભાગ સાથે જોડાય છે કે નહિ તે હજુ સ્પષ્ટ નથી. ઍપ્સ્ટિન-બાર વિષાણુના ગ્લાયકોપ્રોટીન(GP110)ની એમિનો ઍસિડ-શૃંખલા પણ તેના જેવી છે. તે આમાં કોઈ રીતે સક્રિય છે કે નહિ તે પણ સ્પષ્ટ નથી. આ ઉપરાંત અન્ય રીતે પ્રતિરક્ષાલક્ષી (immunity-related) વિકાર થવાની સંભાવનાઓ પણ સૂચવાયેલી છે.

આમવાતાભ સંધિશોથ પ્રથમ કક્ષાનાં સગાં(ભાઈ, બહેન, માતા, પિતા, પુત્ર, પુત્રી)માં વધુ જોવા મળે છે. વળી તે સમસ્વરૂપી (identical) જોડકાંમાં 30 %ના દરે અને અસમસ્વરૂપી (non-identical) જોડકાંમાં 5 %ના દરે બંને સહોદરોને થતો જોવા મળે છે. તેમનામાં HLA-DR4 પ્રકારના પ્રતિજન હોવાનું 50 %થી 75 %ના દરે જોવા મળે છે; તેથી આ રોગ થવાની સંભાવના આનુવંશિક છે તેવું મનાય છે. આવી જનીનીય સંભાવનાવાળી વ્યક્તિમાં કોઈ કારણે ઉત્તેજના પામ્યા પછી પ્રતિરક્ષાલક્ષી કોષોનું સતત ઉત્તેજન ચાલુ રહે છે, જે સ્વકોષઘ્નતા (autoimmunity) સર્જે છે, જેમાં પ્રતિરક્ષાલક્ષી સંકુલો (immune complexes) બને છે. પ્રતિરક્ષા (immunity) એક એવી પ્રણાલી છે જે બાહ્ય દ્રવ્યોથી રક્ષણ આપે છે. તેને રોગપ્રતિકારક્ષમતા પણ કહે છે. તે જ્યારે વિકારયુક્ત થઈને પોતાના શરીરના જ કોષોને ઈજા કરે ત્યારે તેને સ્વકોષઘ્નતા (autoimmunity) કહે છે. આ ક્રિયા વખતે પ્રતિજન (antigen) અને પ્રતિદ્રવ્ય(antibody)ના સંયોજનથી જે સંકુલ દ્રવ્ય ઉત્પન્ન થાય છે તેને પ્રતિરક્ષાલક્ષી સંકુલ (immune complex) કહે છે. જે બાહ્ય સજીવકોષ કે શરીરના પોતાના કોષ સામે આ પ્રણાલી સક્રિય થઈ છે તેની સાથે પ્રતિરક્ષાલક્ષી સંકુલો જોડાઈને તેનો નાશ કરે છે. આમવાતાભ સંધિશોથમાં આવાં પ્રતિરક્ષાલક્ષી સંકુલો સાંધાની પેશી તથા અન્ય અસરગ્રસ્ત પેશીના કોષો પાસે જોવા મળે છે. વળી આ રોગમાં ઍમિલોઇડતા (amyloidosis) થાય છે. જ્યારે લસિકાવાહિનીઓમાં લસિકાકોષો ઘટે ત્યારે રોગનું લઘુશમન થાય છે. આમ, આ વિવિધ પ્રક્રિયાઓ સૂચવે છે કે તે એક પ્રકારનો સ્વકોષઘ્ની રોગ છે અને તે પ્રતિરક્ષા-પ્રણાલીનો વિકાર છે. જે સાંધો વધુ કાર્યશીલ હોય તેમાં વધુ નુકસાન થાય છે.

રુગ્ણવિદ્યા (pathology) : સાંધાના પોલાણની અંદરની તરફ આવરણ કરતા પટલને સંધિકલા (synovial membrane) કહે છે. તે તથા તેની નીચે આવેલી સંધાનપેશીમાં પ્રતિરક્ષાલક્ષી ઈજાને કારણે સોજો આવે છે તથા ત્યાં લોહીના કોષોનો ભરાવો થાય છે. તેને રુધિરભારિતા (congestion) કહે છે. તેમાં લસિકાકોષો (ખાસ કરીને CD4-ટી પ્રકારના), પ્રરસકોષો (plasma cells) તથા મહાભક્ષી કોષો (macrophages) મુખ્ય હોય છે. સાંધાના પોલાણમાં પ્રવાહી ઝમે છે. સંધિકલાની અતિવૃદ્ધિ (hypertrophy) અને તેમાં લસિકાભ પેશીના સમૂહો ભરાય છે. તેના પર શોથકારી દાણાદાર પેશી બને છે. તેને pannus કહે છે, જે કાસ્થિ પર ફેલાઈને તેને ઈજા પહોંચાડે છે. તેથી કાસ્થિ ઘસાય છે અને અમુક અંશે નાશ પામે છે. જતે દિવસે સાંધાના પોલાણમાં તંતુઓની પટ્ટીઓ થાય છે, જે બે હાડકાંને તંતુઓથી જાણે ચોંટાડી દે છે. આસપાસના સ્નાયુઓમાં ક્ષીણતા આવે છે અને તેમાં પણ લસિકાકોષોનો ભરાવો થાય છે. ચામડી નીચે બનતી ગંડિકાઓમાં તનુતંત્વાભ દ્રવ્ય (fibrinoid material) હોય છે જે ફૂલેલા અને તૂટેલા શ્વેતતંતુઓ (collagen), તાનુતંત્વિક બહિ:સ્રાવ તથા કોષોના કચરાનું બનેલું હોય છે. તેની આસપાસ એકકોષકેન્દ્રી કોષો (mononuclear cells) હોય છે. તેમનું બહારનું આવરણ ઢીલા તંતુઓનું બનેલું હોય છે. આવી ગંડિકાઓ પરિફેફસીકલા, ફેફસાં, પરિહૃદ-કલા તથા આંખના ડોળાના સફેદ આવરણ(sclera)માં જોવા મળે છે. ક્યારેક લસિકાગ્રંથિઓ પણ મોટી થાય છે. સંધિકલા અને લસિકાગ્રંથિઓમાંના પ્રરસકોષો(plasma cells)માં આમવાતાભ ઘટક (rheumatoid factor) હોય છે. તેને પ્રતિરક્ષાપ્રદીપ્તન (immunofluorescence) વડે દર્શાવી શકાય છે.

લક્ષણો અને ચિહ્નો : મોટાભાગના કિસ્સામાં ધીમે ધીમે વધતો દુખાવો, અક્કડતા અને બંને બાજુ લગભગ સમાન પ્રકારે દૂરના નાના સાંધામાં સોજો જોવા મળે છે. સાંધાને વાળવામાં પડતી તકલીફને અક્કડતા કહે છે. આવું 70 % દર્દીઓમાં થાય છે. લાક્ષણિક કિસ્સામાં સૌપ્રથમ હાથપગની આંગળીઓના નાના સાંધા અસરગ્રસ્ત થાય છે. વેઢાઓના હથેળી પાસેના સાંધા સૂજી જવાને કારણે આંગળી ‘તકલી’ આકારની થાય છે. પગમાં આંગળીઓ અને પાદના તળિયાને જોડતા સાંધા પહોળા થવાથી પાદનો આગળનો ભાગ પહોળો થાય છે. ધીમે ધીમે કાંડું, કોણી, ખભા, ઢીંચણ, ઘૂંટી (ankles) વગેરે અસરગ્રસ્ત થાય છે. કેડનો સાંધો ક્યારેક જ અસરગ્રસ્ત થાય છે; પરંતુ ડોકમાં અક્કડતા અને દુખાવો જોવા મળે છે. ક્યારેક નીચલા જડબાનો સાંધો તથા હાંસડીના સાંધા પણ અસરગ્રસ્ત થાય છે.

આશરે 10 %થી 15 % દર્દીઓમાં ઉગ્ર સ્વરૂપે અનેક સાંધા એકસાથે અસરગ્રસ્ત થાય છે. બીજા 10 % દર્દીઓમાં શરૂઆતમાં તાવ, વજનમાં ઘટાડો, થાક તથા અશક્તિ થઈ આવે છે, જે સમયે સાંધામાં કોઈ તકલીફ ન પણ હોય. આવા સમયે તેને દીર્ઘકાલી ચેપ કે કૅન્સરથી અલગ પાડવું જરૂરી બને છે. આશરે 5 % દર્દીઓમાં થોડાક કલાકો કે દિવસો ચાલતા સાંધાના દુખાવા અને અક્કડતાના ઉગ્ર હુમલા થાય છે.

જેમ જેમ રોગ વધે તેમ તેમ સ્નાયુ, સ્નાયુની ક્ષીણતા તથા સ્નાયુબંધ (tendon) પરનાં રક્ષણાત્મક આવરણો (ત્રાણિકાઓ, sheaths) અને સાંધાનો નાશ થાય છે. તેથી સાંધાનું સંચાલન ઘટે છે, સાંધો અસ્થિર બને છે, તેનો અલ્પાપભ્રંશ (subluxation) થાય છે અને કુરૂપતા આવે છે. સાંધાનાં હાડકાં પોતાને સ્થાને સુવ્યવસ્થિત રહેવાને બદલે થોડાંક હાલી જાય, ખસી જાય તો તેને અલ્પાપભ્રંશ કહે છે. શરૂઆતમાં આ કુરૂપતાને ઘટાડી શકાય છે, પરંતુ પાછળથી સાંધો કાયમ માટે વાંકો વળી જાય છે. આ વિકારમાં સાંધાની સાથે સાથે સ્નિગ્ધ પુટિકાઓ (bursa) તથા સ્નાયુબંધ ત્રાણિકાઓમાં પણ શોથકારી સોજો આવે છે. તેને અનુક્રમે સ્નિગ્ધપુટિકાશોથ (bursitis) અને સ્નાયુબંધત્રાણિકાશોથ (tenosynositis) કહે છે. ઢીંચણના પાછલા ભાગમાં કોષ્ઠ (cyst) થાય છે.

આમવાતાભ સંધિશોથ એક પ્રકારે બહુતંત્રીય રોગ હોવાથી દર્દીને અન્ય તકલીફો પણ થાય છે  ખોરાકમાં અરુચિ, વજનનો ઘટાડો, થાક, સ્નાયુમાં દુખાવો વગેરે સાંધાના દુખાવા થતાં પહેલાં કેટલાંક અઠવાડિયાં કે મહિનાથી થાય છે. સાંધા સાથે સંકળાયેલી તથા અન્ય લસિકા-ગ્રંથિઓમાં રુગ્ણતા થાય છે અને તેને લસિકાર્બુદ (lymphoma) નામના કૅન્સરથી અલગ પડાય છે. શરીરમાં વ્યાપકપણે અસ્થિછિદ્રલતા (osteoporosis), સ્નાયુઓની તથા ચામડીની અપક્ષીણતા થાય છે. આશરે 20 % દર્દીઓમાં ચામડી નીચે ગંડિકાઓ થાય છે. સામાન્ય રીતે તે દબાણ કે ઘસારાના સ્થાને હોય છે; દા.ત., માથાનો ઉપરનો ભાગ, ત્રિકાસ્થિ (sacrum), ખભાનું હાડકું (scapula), પાનીની ઉપરનો સ્નાયુબંધ, આંગળીઓ (fingers), પાદાંગુલીઓ (toes) વગેરે. ક્યારેક તેમાં ચાંદું પડે છે અને ચેપ લાગે છે. મોટાભાગના કિસ્સામાં આમવાતાભ ઘટકની કસોટી હકારાત્મક પરિણામ દર્શાવે છે. દર્દીને આ ઉપરાંત આંખના ડોળાના વિકારો, વિવિધ અવયવોની ધમનીના વિકારો, હૃદયમાં શોથજન્ય વિકારો, ફેફસાંમાં ગંડિકાઓ તથા શોથજન્ય વિકારો, ચેતાતંત્રમાં દબાણ કે રુગ્ણતાકારી વિકારો થાય છે. ક્યારેક ઍમિલોઇડતા પણ થાય છે. દર્દીનું હિમોગ્લોબિન ઓછું રહે છે.

આમવાતાભ ઘટક : આ રોગ ઉપરાંત અન્ય વિવિધ સ્વકોષઘ્ની રોગો તથા દીર્ઘકાલી ચેપમાં પણ હકારાત્મક કસોટી દર્શાવે છે; જેમ કે, જોગ્રેનનું સંલક્ષણ, સિસ્ટેમિક સ્ક્લેરોસિસ, પોલિમાયોસાયટિસ, ડર્મેટોમાયોસાયટિસ, યકૃત તંતુકાઠિન્ય (liver cirrhosis), સાર્કોઇડોસિસ, ઇન્ફેક્શ્યસ મોનોન્યુક્લિઓસિસ, ચેપી કમળો (hepatitis), ક્ષયરોગ, ઉપદંશ (syphylis), કુષ્ઠરોગ (leprosy), કાલાઅજાર, હાથીપગો વગેરે. સાંધામાં ભરાયેલા પ્રવાહીને સંધિજલ (synovial fluid) કહે છે. તેની તપાસ કરીને તેમાં પ્રતિરક્ષાપૂરક(complement)નું પ્રમાણ ઘટ્યું છે તેવું દર્શાવી શકાય છે. અન્ય સાંધાના રોગો નથી તેવું સાબિત કરવા જરૂર પડ્યે સંધિજલ-પરીક્ષણ ઉપરાંત સંધિકલાનું પેશી-પરીક્ષણ (biopsy), સંધિ-નિરીક્ષા (arthroscopy) તથા સીટી-સ્કૅન કે એમ.આર.આઇ. વડે ચિત્રણો કરી શકાય છે. સાંધામાં છિદ્ર પાડીને નળી વડે અંદરનું નિરીક્ષણ કરવાની પ્રક્રિયાને સંધિનિરીક્ષા કહે છે.

સારવાર : તેનું કારણ જાણમાં નથી માટે તેની સારવાર અનુભવજન્ય (empirical) છે અને તેની મદદથી તકલીફોને ઘટાડવાની ક્રિયા, સક્રિય અને પ્રવર્ધનશીલ રોગનું અવદમન તથા અસરગ્રસ્ત સાંધાનું પરિરક્ષણ (conservation) અને કાર્યનું પુન:સ્થાપન (restoration) કરવામાં આવે છે. આ માટે ઔષધો, આરામ, વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy) તથા શસ્ત્રક્રિયા કરાય છે. આ ઉપરાંત જરૂર પડે ત્યારે દર્દીની આસપાસની પરિસ્થિતિ બદલવા પ્રયત્ન કરાય છે  સહાયક સાધનો, વ્યવસાય વગેરે. આ દર્દીઓને મનશ્ચિકિત્સકની મદદની જરૂર પણ પડી શકે છે. તેમનું સામાજિક પુનર્વસન મહત્ત્વની ક્રિયા ગણાય છે. તે માટે યોગ્ય શિક્ષણ, સલાહસૂચન તથા તબીબી સહાયની જરૂર રહે છે. દર્દીનું વારંવાર તબીબી, ક્રિયાલક્ષી, સામાજિક, માનસિક, વ્યાવસાયિક તથા અન્ય આરોગ્યલક્ષી પરીક્ષણ કરાય છે તથા જરૂર પ્રમાણે સારવાર અપાય છે.

કોઈ એક સાંધો દુખતો હોય તો બહારથી તેને સ્થિર કરવા બાહ્યસ્થાપક (external splint) અપાય છે. તે અંગ વળી જાય તેવી કુરૂપતાને થતી અટકાવે છે અથવા તેમાં સુધારો પણ કરે છે. તીવ્ર શોથજન્ય પીડાવાળા એકાદ સાંધામાં જરૂર પડ્યે કોર્ટિકોસ્ટીરોઇડનું ઇન્જેક્શન અપાય છે. આ બંને પદ્ધતિ વડે સક્રિય તબક્કામાં રાહત આપી શકાય છે. બિનસ્ટીરોઇડી પ્રતિશોથકારી ઔષધો (non-steroidal anti-inflammatory drugs, NSAIDs) વડે દુખાવો અને સોજો ઘટાડવાની ક્રિયા સારવારનો મુખ્ય પાયો છે. એસ્પિરિન, આઇબ્રુપ્રોફેન, ડાયક્લોફેનેક, પાયરોક્સિકામ વગેરે વિવિધ ઔષધો આ જૂથમાં આવે છે. તેઓ જઠરમાં ચાંદું તથા મૂત્રપિંડને ઈજા કરે છે. માટે તેમનો વપરાશ તબીબી સલાહ મુજબ હોવો જરૂરી ગણાય છે. તેમની અસર વધારવા જરૂર પડ્યે પેરાસિટેમોલ અને ડેક્સ્ટ્રોપ્રોપોક્સિફેન જેવાં પીડાનાશકો પણ વપરાય છે.

કેટલાંક દ્વિતીય ક્રમમાં આવતાં અથવા રોગપરિવર્તક (disease modifying) ઔષધો વપરાય છે. તેઓ ધીમું કામ કરે છે અને તેમની અસર 34 મહિને દેખાય છે. તેઓ શોથક્રિયા પર અસર ધરાવતાં નથી, પરંતુ દુખાવો, અવલનશીલતા, સોજો તથા શારીરિક તકલીફો ઘટાડે છે. તેમાં ક્લોરોક્વિન અથવા હાઇડ્રૉક્સિક્લોરોક્વિન જેવાં પ્રતિમલેરિયા ઔષધો, સલ્ફાસેલેઝિન, ઓરાનોફિન નામનો મુખમાર્ગી સુવર્ણક્ષાર (gold salt), મિથોટ્રેક્ઝેટ, પેનિસિલેમાઇન, સુવર્ણક્ષારનાં ઇન્જેક્શન વગેરેનો સમાવેશ થાય છે. કોર્ટિકોસ્ટીરોઇડ પણ એક પ્રકારે રોગપ્રતિવર્તક દવા છે. વળી તે એક સક્ષમ પ્રતિશોથ (anti-inflammatory) ઔષધ પણ છે. અન્ય સારવારપદ્ધતિઓમાં પ્રતિરક્ષાનિયમન (immunomodulation), ઔષધીય સંધિકલા-ઉચ્છેદન (medical synovectomy) શસ્ત્રક્રિયા તથા પુનર્વસન-ક્રિયાનો સમાવેશ થાય છે.

રોગપરિવર્તક ઔષધો : પ્રતિ-મલેરિયા ઔષધોક્લોરોક્વિન ફૉસ્ફેટ અને હાયડ્રૉક્સિક્લોરોક્વિન સલ્ફેટને પીડાશામક સારવારની સાથે સહાયક સારવાર તરીકે અપાય છે. 4થી 12 અઠવાડિયાંમાં તેમની અસર જોવા મળે છે. પરંતુ જો તે 6 મહિનામાં પૂરતી અસર ન બતાવે તો બંધ કરાય છે. તેની મુખ્ય આડઅસરોમાં ઊબકા, ઊલટી, ઝાડા, ચામડી પર સ્ફોટ (rash), રક્તકોષવિલયી પાંડુતા (haemolytic anaemia), શ્રવણક્ષમતામાં ઘટાડો, ચેતા-સ્નાયુરુગ્ણતા (neuromyopathy) તથા એક વર્ષને અંતે દૃષ્ટિની ખામીની તકલીફનો સમાવેશ થાય છે. આંખની તકલીફ સામાન્ય રીતે દવા બંધ કરવાથી મટે છે. પણ જો દૃષ્ટિપટલરુગ્ણતા (retinopathy) થઈ હોય તો કાયમી રહે છે. તેથી દર 6 મહિને આંખની તપાસ કરીને દૃષ્ટિની તીવ્રતા તથા નેત્રગુહા-નિરીક્ષા (ophthalmoscopy) કરાય છે. તેનું જોખમ ઘટાડવા તે દર વર્ષે 10 મહિના અપાય છે. જરૂર પડ્યે માત્રા અર્ધી કરાય છે. તેઓ અન્ય રોગપરિવર્તક સારવાર કરતાં ઓછી અસરકારક છે અને તેમની આડઅસરને લીધે સારવાર છોડવાનો દર પણ ઓછો રહે છે.

સલ્ફાસેલેઝિન વધુ લાભ-ઓછું જોખમ ધરાવતી દવા હોવાથી તેનો ઉપયોગ પ્રથમ પંક્તિની રોગપરિવર્તક દવા તરીકે થાય છે. આશરે 50 % દર્દીઓ 3થી 6 મહિનામાં ફાયદો અનુભવે છે. ઊબકા, ઊલટી, ખિન્નતા, ચામડી પર સ્ફોટ, મહાબીજકોષી પાંડુતા(megaloblastic anaemia) તથા યકૃતશોથ(hepatitis)ની મુખ્ય આડઅસરો છે. લોહીના કોષોની સંખ્યા અને યકૃતક્રિયાક્ષમતા-કસોટીઓ કરીને તેની આડઅસરો પર નિરંતરેક્ષણ (monitoring) એટલે કે સતત નિરીક્ષણ રખાય છે.

સુવર્ણક્ષારો મુખમાર્ગી (ઓરાનોફિન) અને ઇન્જેક્શન દ્વારા (સોડિયમ ઓરોથાયોમેલેટ) આપી શકાય એમ બે પ્રકારના છે. મુખમાર્ગી ક્ષારોની અસર તેમજ આડઅસર સહેજ ઓછી રહે છે. 3થી 4 મહિને ઓછી અસર જોવા મળે તો માત્રા વધારાય છે. તેની મુખ્ય આડઅસર પાતળા ઝાડા થવા તે છે. અન્ય આડઅસરોમાં મોઢાંમાં ચાંદાં, ત્વચાશોથ (dermatitis), પ્રોટીનમેહ (proteinuria) તથા અસ્થિમજ્જાનું અવદમન (bone marrow suppression) છે. ત્વચાશોથમાં ચામડી પર પીડાકારક સૂજેલા વિસ્તારો ઉદ્ભવે છે. પેશાબમાં પ્રોટીન વહી જાય તેને પ્રોટીનમેહ કહે છે અને અસ્થિમજ્જાનું અવદમન થાય તો લોહીના કોષોનું ઉત્પાદન ઘટે છે.

સુવર્ણક્ષારને સ્નાયુમાં નિક્ષેપન (injection) આપતાં પહેલાં વિષમોર્જા (allergy) નથી થતી તેની ખાતરી કરવા પરીક્ષણમાત્રા (test-dose) રૂપે થોડી-દવા નિક્ષેપન રૂપે અપાય છે. ત્યારબાદ તેને દર અઠવાડિયે 2-3 મહિના માટે પૂર્ણ માત્રામાં અપાય છે. રોગમાં યોગ્ય સુધારો થાય તો ક્રમશ: બે નિક્ષેપનો વચ્ચેનો સમયગાળો વધારાય છે. જો 6 મહિને પણ અસર ન જોવા મળે તો સુવર્ણક્ષારનાં નિક્ષેપનો બંધ કરાય છે. મુખમાર્ગી સુવર્ણક્ષાર કરતાં નિક્ષેપિત સુવર્ણક્ષારની આડઅસરો (ઝેરી અસરો) વધુ તીવ્ર હોય છે; જેમાં ઉપર દર્શાવેલી આડઅસરો ઉપરાંત ખૂજલીવાળો સ્ફોટ, આંત્રસ્થિરાંત્રશોથ (entero-colitis), મૂત્રપિંડશોફ સંલક્ષણ (nephrotic syndrome), અલ્પગંઠનકોષિતા (thrombocytopenia) અલ્પકણિકાકોષિતા (agranulocytosis) તથા અપસર્જી પાંડુતા(aplastic anaemia)નો સમાવેશ થાય છે. નાના અને મોટા આંતરડાંમાં ચાંદાં પડે તેને આંત્ર-સ્થિરાંત્રશોથ કહે છે. મૂત્રમાં વધુ પ્રમાણમાં પ્રોટીનનો વ્યય થવા સાથેના મૂત્રપિંડના રોગને મૂત્રપિંડશોફ સંલક્ષણ કહે છે. લોહીના રક્તકોષો તથા તેની સાથે વધતે-ઓછે અંશે બીજા કોષોનું ઉત્પાદન ક્ષતિયુક્ત થઈને ઘટે તો તેને અપસર્જી પાંડુતા કહે છે. જો ફક્ત ગંઠનકોષો(platelets)ની સંખ્યા ઘટે તો તેને અલ્પગંઠનકોષિતા અને જો ફક્ત કણિકાકોષો-(granulocytes)ની સંખ્યા ઘટે તો તેને અલ્પકણિકાકોષિતા કહે છે. આમ તે ક્યારેક ચામડી, આંતરડાં, મૂત્રપિંડ અને લોહી બનાવતી અસ્થિમજ્જા નામની પેશીને ઈજા કરે છે. જો દર્દી HLA-DR3 પ્રકારના માનવશ્વેતકોષી પ્રતિજનો ધરાવતા હોય તો તેમને પ્રતિરક્ષા-સંકુલીય ગુચ્છમૂત્રપિંડશોથ (immune complex glomerulonephritis) નામનો મૂત્રપિંડનો રોગ થાય છે. તેથી સુવર્ણક્ષારના દરેક નિક્ષેપન પહેલાં લોહીના કોષોની સંખ્યા, મૂત્રવિશ્લેષણ (urinalysis) અને લોહીમાં ક્રિયેટનનું સ્તર જોઈ લેવાય છે. ખૂજલી પર પ્રતિહિસ્ટામિન ઔષધો અસરકારક છે, જ્યારે કોષપાતી ત્વચાશોથ (exfoliative dermatitis), મૂત્રપિંડરુગ્ણતા (nephropathy) તથા લોહીના કોષોની અલ્પતાના વિકારોને કોર્ટિકોસ્ટીરોઇડ વડે નિયંત્રિત કરી શકાય છે. કણિકાકોષો (શ્વેતકોષોનો એક પ્રકાર) ઘટે ત્યારે ચેપ ન લાગે તેનું ધ્યાન રાખીને યોગ્ય સારવાર કરાય તો તે મટે છે પરંતુ અપસર્જી પાંડુતા ઘણી વખત મટી શકતી નથી. આવા કિસ્સામાં સુવર્ણક્ષારો વડે કરાતી ચિકિત્સા બંધ કરીને ડાયમર્કેપ્રોલ (BAL) નામના ધાતુવિગ્રહક(chelating agent)ની મદદથી શરીરમાંના સોનાના ભરાવાને મૂત્રમાર્ગે દૂર કરાય છે.

નિક્ષેપિત (injected) સુવર્ણક્ષાર, મિથોટ્રેક્ઝેટ તથા પેનિસિલેમાઇન ધીમેથી અવદમન કરતા પ્રતિ-આમવાતી ઔષધો (antirheumatic drug) છે. તેઓ હાડકાંને ઈજા તથા રોગની પ્રક્રિયાને 50 %થી 60 % દર્દીઓમાં ઘટાડે છે. જોકે તે બધી જ સારવારપદ્ધતિઓ ઝેરી છે. તેથી તેમને મલેરિયાવિરોધી ઔષધો અને સલ્ફાસેલેઝિન વાપર્યા પછી જ જરૂર પડ્યે ઉપયોગમાં લેવાય છે. જો યોગ્ય સારવાર છતાં રોગનાં લક્ષણો અને ચિહ્નો વધતાં રહે, એક્સ-રે ચિત્રણોમાં વિકૃતિઓ વધતી રહે, શારીરિક તકલીફોમાં વધારો થાય તો નિક્ષેપિત સુવર્ણક્ષાર, મિથોટ્રેક્ઝેટ કે પેનિસિલેમાઇનનો ઉપયોગ કરાય છે.

મિથોટ્રેક્ઝેટ હાલ સક્રિય કે આક્રમક રોગમાં, જો સલ્ફાસેલેસિન નિષ્ફળ ગઈ હોય તો, અગ્રતાક્રમે વપરાય છે. તે 4થી 6 અઠવાડિયાંમાં સારું પરિણામ લાવે છે. તેને અઠવાડિક લઘુમાત્રામાં અપાય છે અને તેના બીજા દિવસે ફૉલિક ઍસિડ અપાય છે. તે ભાગ્યે જ લોહીના કોષો કે યકૃતની ક્રિયાકસોટીઓને વિષમ કરે છે. જોકે તેમનું નિરંતરેક્ષણ (monitoring) કરતાં રહેવાય છે. તેના ઉપયોગને કારણે ચેપવદૃશ્યતા (susceptibility to infection), ઉગ્ર ફેફસી વિષાક્તતા (acute pulmonary toxicity) અને યકૃતીય તંતુતા (hepatic fibrosis) થાય છે. આમ તે ફેફસાં, યકૃત તથા લોહીના કોષો પર આડઅસર ધરાવે છે. જે દર્દી નિયમિતપણે મદ્યપાન કરતો હોય તેને તે અપાતું નથી.

પેનિસિલેમાઇનની માત્રા ક્રમશ: વધારાય છે. ઔષધ શરૂ કર્યા પછી 4થી 6 મહિને પૂરી અસર જોવા મળે છે. તેની મુખ્ય આડઅસરોમાં સ્ફોટ, સ્વાદફેર, ઊબકા, ઊલટી અને ખૂબ તાવ ચડવો વગેરે શરૂઆતની સારવારમાં જોવા મળે છે. પાછળથી મોઢાંમાં ચાંદાં, પ્રોટીનમેહ અને મૂત્રપિંડશોફ સંલક્ષણ થાય છે. ક્યારેક વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematous), મહત્તમ સ્નાયુદુર્બળતા (myasthenia gravis), ફ્રેમ્ફિગસ અને ગુડપાશ્ચરનું સંલક્ષણ જેવા રોગો થઈ આવે છે. તે ક્યારેક અતિજોખમી અલ્પગંઠનકોષિતા અને અલ્પસર્વકોષિતા (pancytopenia) થાય છે. તેથી દર્દીનું નિરંતરેક્ષણ (monitoring) કરાય છે, જેમાં લોહીના કોષની સંખ્યા, મૂત્રવિશ્લેષણ તથા મૂત્રપિંડી ક્રિયાકસોટીઓનો સમાવેશ થાય છે. તેની મુખ્ય આડઅસરો રક્તકોષો, મૂત્રપિંડ, સ્નાયુ-ચેતાસંગમ, ચામડી વગેરે પર થાય છે. આડઅસરો થાય તો દવા બંધ કરાય છે.

અન્ય રોગપરિવર્તક ઔષધોમાં ડેપ્સોન, રિફામ્પિસિન, કેપ્ટોપ્રિલ, 5-થાયોપાયરિડૉક્સિન, પાયરિથાયોક્સિન, થાયોપ્રોનાઇન, પેન્ટાપૅપ્ટાઇડ થાયમોસિન અને ગામા-ઇન્ટરફેરોનનો સમાવેશ થાય છે.

કોર્ટિકોસ્ટિરૉઇડ એક સક્ષમ પ્રતિશોથ (anti-inflammatory) ઔષધ છે. તે ઝડપી રાહત આપે છે; પરંતુ તેના લાંબા સમયના ઉપયોગને કારણે વિવિધ અસ્વીકાર્ય આડઅસરો થાય છે; તેથી તેને અન્ય પ્રતિઆમવાતી ઔષધો સાથે શરૂઆતમાં અપાય છે. પરંતુ તેમની અસર જોવા મળે એટલે કોર્ટિકોસ્ટીરૉઇડને ક્રમશ: ઘટાડાય છે. આ ઉપરાંત તેને તીવ્ર ઊથલાઓ, વૃદ્ધ વ્યક્તિઓને પથારીવશ કરી દે તેવી સ્થિતિ તથા જીવનને જોખમી વિવિધ અવયવોમાં ઉદ્ભવતા વિકારો જોવા મળે તોપણ સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે પ્રેડ્નિસોલેનને મુખમાર્ગે નાની માત્રામાં અપાય છે. તેની વિવિધ આડઅસરોમાં જઠરમાં ચાંદું પડવું, લોહીનું દબાણ વધવું, મધુપ્રમેહનું નિયંત્રણ ઘટવું, ચેપ લાગવો, શરીરમાં સોજા આવવા, મોતિયો આવવો, જાંઘના હાડકાના શીર્ષમાં અવાહી પેશીનાશ (ischaemic necrosis) થવો, હાડકાંમાં અસ્થિછિદ્રલતા થવી વગેરે મુખ્ય છે.

કોર્ટિકોસ્ટીરૉઇડની જેમ એઝાથાયોપ્રિમ, સાયક્લોફૉસ્ફેમાઇડ તથા સાયક્લોસ્પેરિન પણ પ્રતિરક્ષાનિયમન (immunomodulation) કરે છે અને રોગની તકલીફોમાં ઘટાડો કરે છે. હાલ લસિકાકોષોનાં વિવિધ પ્રતિજનો (CD4, CD5, CD7, CD25, DW52) તથા એકમકોષો(monocytes)નાં પ્રતિજનો (લક્ષ્યો) માટેનાં એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો (monoclonal antibodies) વિકસાવવાના પ્રયોગો થઈ રહ્યા છે. લિવામેઝોલ ટી-લસિકાકોષોના પ્રતિભાવનું વર્ધન કરે છે. તેનો પણ આમવાતાભ સંધિશોથની સારવારમાં ઉપયોગ થાય છે.

ઉપર્યુક્ત સારવાર છતાં દુખાવો, બહિ:સ્રાવ તથા સંધિકલાશોથની પ્રક્રિયા ચાલુ રહે તો ઓસ્મિક ઍસિડ અથવા વિવિધ રેડિયોકોલોઇડ્ઝની મદદથી સંધિકલાના વિકારને અટકાવી શકાય છે. તેવી રીતે yttrium-90 સિલિકેટ નામના સમસ્થાનિક (isotope) વડે ઢીંચણના સાંધામાં અને erbium-159 ઍસિટેટ વડે હાથના નાના સાંધામાં પણ સંધિકલાના શોથ, બહિ:સ્રાવ અને પીડાને બંધ કરી શકાય છે. તેને ઔષધીય સંધિકલા-ઉચ્છેદન (medical synovectomy) કહે છે. તે 45 વર્ષથી નીચેની વયે વપરાતું નથી.

વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયાઓ વડે તીવ્ર અને સતત વધતા જતા રોગમાં સાંધામાં થતાં દુખાવો, કુરચના અને હલનચલનમાં થયેલા ઘટાડાને દૂર કરાય છે. તે માટે કરાતી વિવિધ શસ્ત્રક્રિયાઓમાં નિર્દમન (decompression), સ્નાયુબંધ(tendon)નું સમારકામ અથવા સ્થાનફેર, સંધિકલા-ઉચ્છેદન અસ્થિછેદન (osteotomy), ઉચ્છેદનીય સંધિરચના (excision arthroplasty), સંધિ-પ્રતિસ્થાપન (joint-replacement), સંધિસંધાન (arthrodesis) વગેરેનો સમાવેશ થાય છે.

સાંધાની, સ્નાયુબંધોની કે ચેતાઓની આસપાસ તંતુતા થવાથી તે ચોંટી જાય છે અને સંદમન (compression) અથવા બહારથી દબાણ અનુભવે છે. તે સમયે તે સંદમન દૂર કરવા શસ્ત્રક્રિયા કરાય છે. તેને નિર્દમન શસ્ત્રક્રિયા કહે છે. ક્યારેક સ્નાયુ જે તંતુમય રજ્જુ વડે હાડકાં સાથે જોડાય છે તે સ્નાયુબંધ (tendon) તણાવને કારણે તૂટે તો તેનું સમારકામ કરાય છે. ક્યારેક તેનો સ્થાનફેર કરીને જે તે સ્નાયુના કાર્યમાં ફરક લાવી શકાય છે. આ પ્રકારની શસ્ત્રક્રિયાઓ કાંડું, હાથ અને આંગળી માટે કરાય છે. દુખાવો અને સ્નાયુબંધના તૂટવાની સંભાવના હોય ત્યારે જરૂર પડ્યે સંધિકલાનો અધિવૃદ્ધિ પામેલો ભાગ કાપી કઢાય છે. તેને સંધિકલા-ઉચ્છેદન કહે છે. કુરચના પામેલા સાંધામાં હાડકાંને સમરૈખિક (alligned) કરવા માટે જરૂર પડ્યે હાડકાના છેડા પર કોઈ ટુકડો કાપી કઢાય છે. તેને અસ્થિછેદન કહે છે. ક્યારેક કોઈ હાડકાનો છેડો (દા.ત., અગ્રભુજાસ્થિનું શીર્ષ) કાપી કાઢીને સાંધાની પુનર્રચના કરાય છે. તેને ઉચ્છેદનીય સંધિરચના કહે છે. તેવી રીતે ઢીંચણ, કેડ, કોણી, ખભો, ઘૂંટી કે હથેળી સાથે આંગળીઓ જોડાય તે સાંધાને કાપી કાઢીને તે સ્થાને નવો સાંધો બેસાડવાની ક્રિયાને સંધિ-પ્રતિ-સ્થાપન કહે છે. ક્યારેક દુખાવો કરતા કે અસ્થિર થઈ ગયેલા સાંધામાં હાડકાંને એકબીજા સાથે ચોંટાડીને સંધિસંધાનની શસ્ત્રક્રિયા કરાય છે.

વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયા પછી કે તેના વગર પણ દર્દી તેનાં જીવન, કુટુંબ, વ્યવસાય વગેરેમાં વિવિધ રીતે કાર્યક્ષમ બને અને રહે તે માટે વ્યાયામાદિ તથા અન્ય પ્રકારની ચિકિત્સા તથા શિક્ષણ આપીને તેનું પુનર્વસન કરાય છે. જરૂર પડ્યે વ્યક્તિએ તેનો વ્યવસાય કે જીવનની ટેવો કે પદ્ધતિ બદલવી પડે છે.

પૂર્વાનુમાન (prognosis) : રોગની ક્રિયા અને અસરો જુદી જુદી રીતે વધે છે. આશરે 10 વર્ષે 25 % દર્દીઓમાં સંપૂર્ણ પરિશમન થાય છે અને આવી વ્યક્તિ સંપૂર્ણપણે સામાન્ય રીતે સક્રિય રહે છે. આશરે 40 % વ્યક્તિઓમાં મધ્યમ કક્ષાની તકલીફ રહે છે અને તેઓમાં રોગ વારેઘડીએ વધે અને શમે તેવું થતું રહે છે. 25 % દર્દીઓમાં તીવ્ર દુ:ક્ષમતા (diability) આપે છે અને 10 % દર્દીઓ 10 વર્ષે અને 20 % દર્દીઓ 20 વર્ષે અપંગતા અનુભવે છે.

શિલીન નં. શુક્લ