સંધિ : સામાન્ય રીતે બે અથવા વધુ સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે સ્વીકૃત થયેલ અને ઔપચારિક રીતરસમ દ્વારા અધિકૃત સત્તામંડળે માન્ય (ratified) રાખવામાં આવેલ લેખિત સુલેહનામું. એને અનેક નામો અપાયાં છે; જેવાં કે કન્વેન્શન, પ્રોટોકૉલ, કૉવેનન્ટ, ચાર્ટર, પૅક્ટ, સ્ટેચ્યૂટ, ઍક્ટ, ડેક્લેરેશન, એક્સચેન્જ ઑવ્ નોટ્સ, ઍગ્રીડ મિનિટ્સ અને મેમોરૅન્ડમ ઑવ્ ઍગ્રીમેન્ટ. આવી સંધિઓમાંથી સંધિ કરનાર રાષ્ટ્રો વચ્ચે પરસ્પર હકો અને જવાબદારીઓ ઉત્પન્ન થાય છે, જેનું સંચાલન આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કરવામાં આવે છે. સંધિના મુખ્ય બે પ્રકારો છે : (1) કાનૂનસર્જક સંધિઓ અને (2) કરારસર્જક સંધિઓ. આમાં વિવિધ પ્રકારની સંધિઓ સમાવિષ્ટ થાય છે; જેવી કે, વાણિજ્ય-વિષયક (commercial) સંધિ; મિશ્ર સંધિ (mixed treaty); બહુપક્ષીય સંધિ (multilateral treaty); તટસ્થતા-સંધિ (neutrality treaty); કાયમી સંધિ (permanent treaty); સંક્રાંતિકાલીન સંધિ (transitional treaty); મૈત્રીની સંધિ (treaty of alliance or friendship); પ્રત્યર્પણ સંધિ (treaty of extradition); વહાણવટા અંગેની સંધિ (treaty of navigation); સંરક્ષણાર્થ સંધિ (treaty of protection) વગેરે. શિમલા કરાર (1972) એ ભારત અને પાકિસ્તાન આ બે રાષ્ટ્રો વચ્ચે સાધવામાં આવેલ કરારનામું કહેવાય, જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) અને બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના અંતે એક તરફ વિજયી મિત્રરાષ્ટ્રો (allies) તો બીજી તરફ પરાજિત રાષ્ટ્રો જર્મની અને ઇટાલી (axis) વચ્ચે સાધવામાં આવેલ સંધિપત્રમાં એક કરતાં વધુ રાષ્ટ્રો બંને બાજુ સંડોવાયેલાં હતાં. સંધિ મૈત્રીની હોઈ શકે અથવા યુદ્ધમાં શરણાગતિની પણ હોઈ શકે છે. રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે ગુનેગારોના આદાનપ્રદાનને લગતા પ્રત્યર્પણ અંગે પણ સંધિ કરવામાં આવે છે. કોઈ રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય વિવાદોમાં તટસ્થતાની નીતિ અખત્યાર કરવા માગતું હોય અને જો અન્ય રાષ્ટ્રો તે રાષ્ટ્રની તટસ્થતાની ભૂમિકાને સ્વીકૃતિ બક્ષે તો તે તટસ્થતાનું કરારનામું કે સંધિ કહેવાય, દા.ત., સ્વિટ્ઝર્લૅન્ડે આંતરરાષ્ટ્રીય વિવાદોમાં તટસ્થતાની ભૂમિકા સ્વીકારી છે, જેને અન્ય રાષ્ટ્રોએ માન્ય રાખેલ છે. કેટલીક વાર સંધિ સંરક્ષણાર્થે પણ કરવામાં આવે છે; દા.ત., બીજા વિશ્વયુદ્ધ પછી કરવામાં આવેલ નોર્થ ઍટલૅંટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO) અથવા સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (SEATO) જેવા કરારો સંરક્ષણાત્મક સંધિના દાખલા છે, જેની મુખ્ય કલમ મુજબ તે સંગઠનોમાં જોડાયેલાં પૈકી કોઈ પણ એક સભ્ય રાષ્ટ્ર પર આક્રમણ થાય તો તે આક્રમણ સંધિમાં સામેલ થયેલાં બધાં રાષ્ટ્રો પર થયેલ આક્રમણ ગણાય અને આક્રમણનો ભોગ બનનાર રાષ્ટ્રના સંરક્ષણાર્થે અન્ય સભ્ય રાષ્ટ્રો પણ જરૂરી કાર્યવાહી કરે. કેટલીક વાર પોતાના દેશનાં બંદરો પરદેશી વેપાર માટે ખુલ્લાં મૂકવા માટે પણ સંધિ કરવામાં આવે છે; દા.ત., ચીન અને જાપાન વચ્ચે થયેલ સંધિ.
ફ્રાન્સના વર્સાઇલના મહેલમાં અનેક સંધિઓ કરવામાં આવી હતી; જેમાં 1783, 1871 અને 1919ની સંધિઓ વિશેષ નોંધપાત્ર છે. આમાંથી 1919ની વર્સાઇલ સંધિ અન્વયે મિત્રરાષ્ટ્રો દ્વારા જર્મનીને યુદ્ધખોર કે આક્રમણખોર રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તેને સજા કરવાના હેતુથી તેના પર અત્યંત કપરી અને અપમાનજનક શરતો લાદવામાં આવી હતી.
જ્યારે કોઈ સંધિ થોડાક સમય માટે જ અમલમાં રાખવાનો સંધિ કરનાર પક્ષોનો ઇરાદો હોય ત્યારે તે સંધિ કામચલાઉ સંધિ ગણાય. દા.ત., શ્રીલંકાની સરકાર અને એલ.ટી.ટી.ઈ. વચ્ચે ભૂતકાળમાં થયેલ સંઘર્ષવિરામની સંધિ. આવી સંધિનો અમલ કેટલા સમય માટે ગ્રાહ્ય ગણાશે તેનો સ્પષ્ટ ખુલાસો સંધિપત્રમાં કરવામાં આવતો હોય છે. ઉપર્યુક્ત સમય પૂરો થતાં તે દરમિયાન સંબંધિત પક્ષો વચ્ચે કાયમી સંધિનો કરાર કરવામાં આવ્યો ન હોય તો કામચલાઉ સંધિ આપોઆપ નિરસ્ત થયેલી ગણાય છે. મોટાભાગની આર્થિક અને વ્યાપારાર્થે કરવામાં આવેલી સંધિઓ સમયબદ્ધ હોય છે અને તેથી તે મહદ્અંશે કામચલાઉ ગણાય છે.
ભારત સરકાર અને નાગા બળવાખોરોના સંગઠન એન.એસ.સી.એન. (N.S.C.N.) વચ્ચે 1997માં સંઘર્ષવિરામની સંધિ કરવામાં આવી હતી, જે કામચલાઉ હતી. ત્યારથી અત્યાર સુધી (2005) સંઘર્ષવિરામનો સમય વારંવાર વધારવામાં આવતો રહ્યો છે. જુલાઈ, 2005ના અંતમાં આ સંધિના અમલનો સમય ફરી છ માસ માટે લંબાવવામાં આવ્યો હતો. આમ નાગા બળવાખોરોના સંગઠન અને ભારત સરકાર વચ્ચેની સંઘર્ષવિરામની સંધિ કામચલાઉ ગણાય.
જે સંધિ રાષ્ટ્રસંઘના ખતપત્ર(charter)થી વિસંગત હોય અથવા જે આંતરરાષ્ટ્રીય કાયદાના સર્વસાધારણ સિદ્ધાંતોની વિરુદ્ધ હોય તેનો અમલ કરાવી શકાતો નથી.
રાષ્ટ્રસંઘના સભ્યો દ્વારા કરવામાં આવેલી હરેક સંધિની નોંધણી તેના સચિવાલય(secretariat)માં કરાવવામાં આવે છે તથા તેને પ્રસિદ્ધિ અપાય છે. જે સંધિ નોંધાયેલી નહિ હોય તેનો ઉલ્લેખ અથવા આધાર રાષ્ટ્રસંઘના કોઈ પણ તંત્ર સમક્ષ લઈ શકાતો નથી.
સંધિમાં પક્ષકાર કે ભાગીદાર ન હોય એવું કોઈ રાજ્ય, એ સંધિ અમલમાં આવે તે પહેલાં કે પછી તેમાં જોડાવા ઇચ્છતું હોય તો સંધિમાં સામેલ મૂળ પક્ષકારોની સંમતિથી તેનો સ્વીકાર કરીને તેમાં જોડાઈ શકશે. યુનાઇટેડ નેશન્સમાં જે શિરસ્તાઓ તેની સામાન્ય સભા મંજૂર કરે તેમાં તેના સભ્યોને જોડાવાની છૂટ હોય છે; તેનો સ્વીકાર કરી તેમાં જોડાવાથી સ્વીકાર કરનાર રાજ્ય તેનો પક્ષકાર બને છે.
વૈશ્ર્વિક સ્તર પર રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી જુદાં જુદાં સાર્વભૌમ રાજ્યો વચ્ચે જુદા જુદા સમયે સંધિઓ થવાના ઉલ્લેખો ઇતિહાસમાં સાંપડે છે. ઈ. પૂ. 3000માં પણ મેસોપોટેમિયન સંધિઓ કરવામાં આવી હોય તેના પુરાવા ઉપલબ્ધ છે. જૂના કરાર(old testament)માં પણ કેટલીક સંધિઓનો ઉલ્લેખ છે. ગ્રીક અને રોમન સામ્રાજ્યો વચ્ચે થયેલી સંધિઓ બંને પક્ષો દ્વારા સ્વીકાર્ય બને તે હેતુથી જ તેમની વચ્ચે જે ઔપચારિક વિધિઓ કરવામાં આવી હતી તેનું વર્ણન પણ ઇતિહાસમાં ઉપલબ્ધ છે.
ભાનુપ્રસાદ મ. ગાંધી
બાળકૃષ્ણ માધવરાવ મૂળે