સંધાનપેશી (connective tissue)

January, 2007

સંધાનપેશી (connective tissue) : શરીરની આધારદાયી પેશી. તેને અંતરાલીય (interstitial) પેશી પણ કહે છે. તેમાં તંતુઓ, દલદાર દ્રવ્ય (ground substance) અને વિવિધ પ્રકારના કોષો હોય છે. તે જે તે અવયવના મુખ્યકોષોને બરાબર બાંધીને રાખે છે. તેમાં સામાન્ય રીતે ઘણી નસો હોય છે અને તેથી તેમાં પુષ્કળ લોહીનું વહન થાય છે. જોકે તેમાં અપવાદ પણ છે; જેમ કે, કાસ્થિ(cartilage)માં નસો હોતી નથી. આ પેશીમાં કોષો દૂર દૂર હોય છે અને તેમાં બે કોષો વચ્ચે ઘણું દલદ્રવ્ય (matrix) હોય છે તે સપાટી પર હોતી નથી. તેના પર અધિચ્છદ (epithelium); અંતછદ (endothelium) કે શ્લેષ્મકલાનું આવરણ હોય છે. તેનું આંતરકોષીય દ્રવ્ય (intercellular substance) જે તે પ્રકારની સંધાનપેશીનો પ્રકાર અને કાર્ય નક્કી કરે છે. આ આંતરકોષીય દ્રવ્ય (દલદ્રવ્ય) નિર્જીવ પ્રવાહી, અર્ધપ્રવાહી કે શ્લેષ્માભ (mucoid) હોય છે. કાસ્થિમાં તે મધ્યમ કઠણતાવાળું (firms) પણ વાળી શકાય તેવું હોય છે; જ્યારે હાડકામાં તે કઠણ અને વાળી ન શકાય તેવું હોય છે. સંધાનપેશીના કોષો તેનું દલદ્રવ્ય બનાવે છે. તેઓ અન્ય વિવિધ કાર્યો કરે છે; જેમ કે, ચરબીનો સંગ્રહ, જીવાણુભક્ષણ, કોષવ્યયનું ભક્ષણ, પ્રતિગંઠક દ્રવ્યોનું ઉત્પાદન, પ્રતિદ્રવ્યોનું ઉત્પાદન વગેરે. તેમને સારણી 1માં દર્શાવ્યા પ્રમાણે વર્ગીકૃત કરાય છે.

સમાન પ્રકારના કોષોના સમૂહને પેશી કહે છે. પેશીમાંના કોષો એકસરખા હોય છે. તેના કોષો વચ્ચેનું દલદ્રવ્ય સમાન હોય છે અને તેઓ એક પ્રકારનું કોઈ વિશિષ્ટ કાર્ય કરે છે. તેના 4 પ્રકાર છે : અધિચ્છદીય (epithelial), સંધાન (connective), સ્નાયુ (muscle) અને ચેતા (nervous) પેશીઓ.

સંધાનપેશી 2 પ્રકારની હોય છે : ગર્ભકાલીન (embryonic) અને પુખ્તવયી (adult).

સારણી : સંધાનપેશીના પ્રકારો

પ્રકાર ઉદાહરણ અને નોંધ
1. ગર્ભકાલીન (અ) મધ્યકોષસમૂહ (mesenchyme), જેમાંથી પુખ્તવયની બધી પ્રકારની સંધાનપેશી વિકસે છે.
(આ) શ્લેષ્મીય (mucous) સંધાન પેશી, જે ગર્ભનાળમાં હોય છે. તેને વ્હાર્ટન્સ જેલી (Wharton’s jelly) પણ કહે છે.
2. પુખ્તવયી (અ) મૂળ સંધાનપેશી (connective tissue proper), જેમાં 5 ઉપપ્રકારો છે :
(i) નિર્બંધ (areolar) સંધાનપેશી જે શરીરમાં વ્યાપકપણે પથરાયેલી છે.
(ii) મેદપેશી (adipose tissue) જેમાં ચરબી સંગ્રહાય છે.
(iii) ઘટ્ટ (dense) અથવા શ્વેતતંતુલીય (collagenous) સંધાનપેશી, જે અવયવોનું આવરણ બનાવે છે.
(iv) લવચીક (elastic) સંધાનપેશી, જે શ્વાસનળી અને શ્વસનનલિકાઓમાં હોય છે.
(v) તનુતંત્વી (reticular) સંધાનપેશી, જે ઘન અવયવોના પ્રમુખ કોષોને આધાર આપે છે; દા.ત., યકૃત, બરોળ, લસિકાગ્રંથિ વગેરે.
(આ) કાસ્થિ (cartilage), જેમાં મૂળ સંધાનપેશી કરતાં વધુ પ્રમાણમાં દબાણ કે તણાવ (ત્રસ્તતા, stress) સહી શકાય છે.
(i)  કાચવત્ (hyaline), જે મોટા હાડકાની બીજાં હાડકાં સાથે જોડાણ કરતી સપાટી પર હોય છે. તે નાક, શ્વાસનળી તથા શ્વસનમાર્ગની નલિકાઓમાં હોય છે.
(ii)  તંતુકાસ્થિ (fibrocartilage) જેમાં શ્વેતતંતુલો વધુ હોય છે. તે કરોડના 2 મણકા વચ્ચેની ચકતી (ગાદી) બનાવે છે.
(iii) લવચીક (elastic) કાસ્થિ, જેમાં લવચીક તંતુઓ (elastic fibres) હોય છે. તે બળ આપે છે અને અવયવોના ઘાટને જાળવે છે; જેમ કે, સ્વરપેટી.
(iv) અસ્થિપેશી (osseous અથવા bone tissues) જે હાડકું બનાવે છે.
(v)  રુધિર (blood)

(1) ગર્ભકાલીન સંધાનપેશી ભ્રૂણ અથવા પ્રાગર્ભ (embryo) તેમજ ગર્ભશિશુ(foetus)માં જોવા મળે છે. મધ્યકોષસમૂહ (mesenchyme) ફક્ત ગર્ભમાં જોવા મળતી સંધાનપેશી છે, જેમાંથી બધા જ પ્રકારની પુખ્તવયી સંધાનપેશી વિકસે છે. મધ્યકોષસમૂહ ચામડીની નીચે તથા વિકસતા અસ્થિ પર કે વિકસતી નસો પર જોવા મળે છે. શ્લેષ્મીય (mucous) સંધાનપેશી મુખ્યત્વે ગર્ભશિશુમાં જોવા મળે છે. તેને વ્હાર્ટમેન્સ જેલી પણ કહે છે અને તે ગર્ભનાળમાં હોય છે.

(2-અ) પુખ્તવયી સંધાનપેશીના 2 પ્રકારો છે : મૂળ અને કાસ્થિ. મૂળ સંધાનપેશીના 5 ઉપપ્રકારો છે : નિર્બંધ (loose), મેદીય (adipose), ઘટ્ટ (dense) અથવા શ્વેતતંતુલીય (collagenous), લવચીક તન્ત્વીય (elastic) અને તનુતન્ત્વીય (reticular).

નિર્બંધ સંધાનપેશી (loose અથવા aleolar connective tissue) શરીરમાં વ્યાપકપણે વિસ્તરેલી છે. તેમાં કેટલાક પ્રકારના કોષો, તંતુઓ (fibres) તથા અર્ધપ્રવાહી આંતરકોષીય પદાર્થ હોય છે. તેમાંના તંતુઓ નિર્બંધ (loose) રીતે ગોઠવાયેલા હોય છે. તેમની સંખ્યા ઓછી હોય છે અને તે પેશીના ખેંચાણને રોકી શકતી નથી. આંતરકોષીય દ્રવ્ય (intercellular substance) એક પ્રકારે શ્યાન (viscous) દ્રવ્ય છે; જેને હાયેલ્યુરોનિક ઍસિડ કહે છે, જેમાંથી પોષક દ્રવ્યો વહીને લોહીમાંથી કોષો સુધી પહોંચે છે. તેની ઘટ્ટતાને કારણે ક્યારેક કેટલીક દવાઓ કોષો સુધી પહોંચી શકતી નથી. હાયેલ્યુરોનિડ્ઝ નામનો ઉત્સેચક તેને પાતળા પ્રવાહી રૂપમાં ફેરવે છે, જેમાંથી દવાઓ સહેલાઈથી કોષો સુધી પહોંચે છે. કેટલાક જીવાણુઓ, શ્વેતકોષો તથા શુક્રકોષો પણ તે ઉત્સેચક બનાવે છે અને પોતાનો માર્ગ અને કાર્ય સરળ બનાવે છે.

નિર્બંધ સંધાનપેશીમાં 3 પ્રકારના તંતુલો (તાંતણા) હોય છે : શ્વેતતંતુલ (collagenous અથવા white fibres), લવચીક (elastic) તંતુઓ અને ઝીણા તનુતંતુઓ (reticular fibres). શ્વેતતંતુલો સફેદ રંગના અને મજબૂત હોય છે. તેઓ તરંગ આકારના અને અમુક અંશે વલનશીલતા (વાળી શકાય તેવા, flexible) ધરાવે છે. સામાન્ય રીતે તેઓ જથ્થામાં એટલે કે પુંજ(bundle)માં હોય છે. તેઓ પોતે અનેક સૂક્ષ્મ અને એકબીજાને સમાંતર તંતુલિકાઓ(fibrils)ના બનેલા હોય છે. તેઓ એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીન(નત્રલ)ના બનેલા હોય છે, જેને શ્વેતન (collagen) કહે છે. લવચીક (elastic) તંતુઓ નાના, પીળાશ પડતા, શાખાઓવાળા તથા એકબીજા સાથે જોડાતા છૂટા છૂટા તંતુઓ હોય છે. તે લવચીકન (elastin) નામના પ્રોટીનના બનેલા હોય છે. તેઓ પેશીને મજબૂતાઈ અને લંબનક્ષમતા આપે છે. તેઓ પોતે પોતાના કદના 50 % જેટલા પ્રમાણમાં વધુ લંબાઈ શકે છે. તનુતંતુઓ (reticular fibres) ગ્લાયકો પ્રોટીન સાથેના શ્વેતનવાળા હોય છે. તેઓ ઝીણા (ઘણા પાતળા) હોય છે અને શાખાઓ ધરાવે છે. તેઓ શ્વેતતંતુઓની માફક મૃદુ અવયવવાળું પ્રમુખ કોષોને આધાર આપતું માળખું (frame-work અથવા stroma) બનાવે છે.

નિર્બંધ સંધાનપેશીમાં વિવિધ પ્રકારના કોષો હોય છે. તેમાં ઘણા વ્યાપકપણે જોવા મળતા કોષોને તંતુબીજકોષ (fibroblast) કહે છે. તેઓ મોટા અને ચપટા હોય છે અને શાખાઓવાળા પ્રવર્ધકો (processes) ધરાવે છે. તેઓ શ્વેતતંતુલો, લવચીક તંતુઓ તથા શ્યાનીય દલદ્રવ્ય (viscous ground substance) બનાવે છે, જે ઈજા પછી સમારકામમાં ઉપયોગી થાય છે. પુખ્ત તંતુબીજકોષને તંતુકોષ (fibrocyte) કહે છે. તંતુકોષ તંતુઓ કે દલદ્રવ્ય બનાવી શકતો નથી. અન્ય પ્રકારના કોષોમાં મહાભક્ષી કોષો (macrophages), પ્રરસકોષો (plasma cells), દંડકકોષ (mast cells), કૃષ્ણકોષો (melano-cytes) વગેરેનો સમાવેશ થાય છે. મહાભક્ષી કોષો જીવાણુ તથા કોષવ્યય(cellular debris)નું ભક્ષણ કરીને તેમનો નાશ કરે છે. લોહીના બી-લસિકાકોષોમાંથી પ્રરસકોષો અને બેઝોરાગી કોષોમાંથી દંડકકોષો વિકસે છે. પ્રરસકોષો પ્રતિરક્ષાલક્ષી ગ્લોબ્યુલિન બનાવે છે, જ્યારે દંડકકોષોમાંની કણિકાઓ(granules)માં હિસ્ટામિન અને સિરોટોનિન હોય છે. તે લોહીની નસોને પહોળી કરે છે. આ ત્રણેય કોષો પેશીને ઈજા થાય કે તેમાં ચેપ લાગે ત્યારે શોથ(inflammation)-પ્રક્રિયામાં સક્રિય બને છે અને પેશીના રક્ષણમાં ઉપયોગી બને છે. આ ઉપરાંત નિર્બંધ સંધાનપેશીમાં કૃષ્ણકોષો હોય છે, જે પોતાના વર્ણકદ્રવ્ય (pigment) વડે ચામડીને રંગ આપે છે. મેદકોષો ચરબીનો સંગ્રહ કરે છે અને લોહીના શ્વેતકોષો જે તે પેશીનું રક્ષણ કરે છે.

નિર્બંધ સંધાનપેશી શરીરમાં બધે ફેલાયેલી હોય છે. તે નસો અને ચેતાઓના પરિબંધન(packing)નું કામ કરે છે અને તેમને યથાસ્થાને રાખે છે. તે ચામડીની નીચે અવત્વકીય સ્તર (subcutaneous layer) બનાવીને ચામડીને તેની નીચેની પેશી સાથે જોડી રાખે છે. આ અવત્વકીય સ્તરને સપાટીસમીપ તંતુપટ (superficial fascia) પણ કહે છે.

મેદપેશીમાંના મેદકોષો(adipocytes)માં તૈલીપદાર્થ (ચરબી) સંગ્રહાય છે. તે એક પ્રકારે નિર્બંધ સંધાનપેશી જ છે. મેદકોષો તંતુબીજકોષોમાંથી ઉત્પન્ન થાય છે અને તેઓ મોતીદાર વીંટી(signet ring)ના આકારના હોય છે. તેમાં ચરબીનું એક મોટું બિન્દુ હોય છે, જે કોષના કેન્દ્ર અને કોષરસ(cytoplasm)ને એક છેડે ધકેલે છે. મોટે ભાગે તે ચામડી નીચે, મૂત્રપિંડની આસપાસ, હૃદયની આસપાસ, સાંધાઓની આસપાસ તથા આંખના ડોળાની પાછળ હોય છે. તે આધાર તથા રક્ષણ આપે છે તથા ઊર્જાનું સંગ્રહસ્થાન અને ગરમીનું અવાહક સ્તર બનાવે છે.

ઘટ્ટ (dense) અથવા શ્વેતતંતુલીય (collagenous) સંધાનપેશીમાં તંતુઓ વધુ હોય છે અને આંતરકોષીય દ્રવ્ય ઘણું ઓછું હોય છે. જે તે સ્થળે જે તે રીતે તણાવ કે દબાણ આવતું હોય તે રીતે તેના તંતુઓ ગોઠવાય છે અને તેઓ આંતરજાલ ગૂંથે છે. વિવિધ તંતુપટ(fascia)માં તે અનિયમિત ગોઠવણી સાથે તથા સ્નાયુબંધ (tendon) કે તંતુબંધ(ligament)માં તે નિયમિત (સમાંતર) ગોઠવણી સાથે જોવા મળે છે. અનિયમિત ગોઠવણી તંતુપટ ઉપરાંત હાડકાંના બહારના આવરણ(પરિઅસ્થિકલા, periosteum)માં, કાસ્થિના બહારના આવરણ(પરિકાસ્થિકલા, perichondrium)માં, અવયવોનું તંતુમય આવરણ બનાવતા સંપુટ (capsule) કે પટલ (membrane) વગેરેમાં પણ જોવા મળે છે. અવયવોની બહારના સંપુટ બનાવતા પટલમાં મૂત્રપિંડ, શુક્રપિંડ, યકૃત તથા લસિકાગ્રંથિઓ (lymphnodes) રક્ષાઈને ગોઠવાયેલાં હોય છે. સ્નાયુઓ જેના વડે હાડકાં સાથે જોડાય તેને સ્નાયુબંધ (tendon) અને બે હાડકાં સાંધામાં જેના વડે જોડાય તેને તંતુબંધ (ligament) કહે છે. આ બંને ઘટ્ટ શ્વેતતંતુલીય સંધાનપેશીના બનેલા હોય છે. તેમાં દબાણ અને તણાવ કોઈ એક ચોક્કસ દિશામાં થતો હોવાથી તંતુઓના પુંજો  એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય છે. આવી રચનાને નિયમિત (સમાંતર) રચના કે ગોઠવણી કહે છે.

લવચીક (elastic) સંધાનપેશીમાં મુક્ત રીતે શાખાઓમાં વિભાજિત થતા લવચીક તંતુઓ વધુ પ્રમાણમાં હોય છે. તેમને કારણે તે પેશી પીળાશ પડતી લાગે છે. આ પેશીને ખેંચી શકાય છે અને તણાવનું બળ જતું રહે એટલે તે મૂળ સ્થિતિમાં આવી જાય છે. તેમનો મુખ્ય ઉપયોગ સ્વરપેટીના કાસ્થિઓમાં, ધમનીની દીવાલમાં, શ્વાસનળીમાં તથા શ્વસનનલિકાઓમાં તથા ફેફસાંમાં થયેલો હોય છે. તે ખેંચાણ વખતે પેશીને લંબનશીલતા આપે છે અને ખેંચાણ જતું રહે ત્યારે મૂળ સ્થિતિમાં આવી જવાની ક્ષમતા આપે છે. કરોડના મણકાને જોડતા તંતુબંધમાં લવચીક સંધાનપેશી હોય છે માટે તેમને પીતતંતુબંધ (ligamenta flava) કહે છે. તે શિશ્ન(penis)નો અવલંબી તંતુબંધ (suspensory ligament) તથા સ્વરપેટીમાં મુખ્ય સ્વરરજ્જુ (true vocal cord) બનાવવામાં પણ વપરાય છે.

તનુતન્ત્વી જાલમય (reticular) સંધાનપેશીમાં ખૂબ પાતળા તંતુઓની જાળી બને છે; જે યકૃત, બરોળ અને લસિકાગ્રંથિઓના પ્રમુખ કોષોને માટે માળખું બનાવે છે. તે અરૈખિક સ્નાયુતંતુઓને પણ આધાર આપે છે. તનુતન્ત્વી સંધાનપેશી દ્વારા બનતા માળખાને કંકાલિકા (stroma) કહે છે.

(2-આ) પુખ્તવયની સંધાનપેશીના બીજા મોટા જૂથને કાસ્થિ (cartilage) કહે છે. તે વધુ ત્રસ્તતા(stress, દબાણ અને ખેંચાણ અથવા તણાવ)ને સહન કરી શકે છે. તેના બહારના આવરણ (પરિકાસ્થિકલા) સિવાય તેનામાં લોહીની નસો કે ચેતાતંતુઓ હોતાં નથી. કાસ્થિમાં શ્વેતતંતુઓ અને લવચીક તંતુઓની ઘટ્ટ જાળી હોય છે; જે કોન્ડ્રોટિન સલ્ફેટ નામની લુદ્દી(jelly)માં ગોઠવાયેલી હોય છે. તેના મુખ્ય પુખ્ત કોષને કાસ્થિકોષ (chondrocyte) કહે છે, જે આંતરકોષીય દ્રવ્યમાં આવેલાં પોલાણોમાં હોય છે. આ પોલાણોને ગુહિકાઓ (lacunae) કહે છે. કાસ્થિ 5 પ્રકારની હોય છે : કાચવત (hyaline), તંતુકાસ્થિ (fibrocartilage), લવચીક (elastic), અસ્થિ (bone) અને રુધિર (લોહી).

કાચવત્ કાસ્થિ (hyaline cartilage) ચળકતો ભૂરાશ પડતો સફેદ સમરસ (homogenous) દ્રવ્યનો જથ્થો છે, તેમાં શ્વેતતંતુલો હોય છે પણ તે સામાન્ય અભિરંજન પદ્ધતિ(staining)માં સ્પષ્ટપણે જોવા મળતાં નથી. તે સાંધાઓમાં એકબીજા સાથે સંપર્કમાં આવતી હાડકાની સપાટી પર આવરણ બનાવે છે. તેને સંધિકાસ્થિ (articular cartilage) કહે છે. તેઓ પાંસળીઓના છેડે (પર્શૂકા કાસ્થિ, costal cartilage), નાક, સ્વરપેટી, શ્વાસનળી, શ્વસનનલિકાઓ વગેરેમાં હોય છે. ગર્ભશિશુનું કંકાલતંત્ર (skeleton) કાચવત્ કાસ્થિનું બનેલું હોય છે.

તંતુકાસ્થિમાં કાસ્થિકોષો ઉપરાંત શ્વેતતંતુલો સુસ્પષ્ટપણે જોવા મળે છે. તે ગુપ્તાસ્થિ(pubic bone)ના સાંધામાં જોવા મળે છે. તે પેશીને બળ અને સ્થિરતા આપે છે. લવચીક કાસ્થિ(elastic cartilage)માં લવચીક તંતુઓ વચ્ચે કાસ્થિકોષો હોય છે. તે જે તે અવયવના આકારને જાળવી રાખવામાં મદદ કરે છે; દા.ત., સ્વરપેટી, કાનનું બહારનું પર્ણ (pinna), શ્રવણનલિકાઓ (auditory canals) વગેરે. હાડકાં અસ્થિપેશી વડે બનેલાં છે. તેમને તથા રુધિરને પણ સંધાનપેશીના પ્રકારો ગણવામાં આવે છે.

અધિચ્છદીય સ્તર (epithelium) કે જે કશાકનું આવરણ બનાવે છે તે અને તેની નીચેની સંધાનપેશી સંયુક્ત રૂપે એક કલા (membrane) બનાવે છે; દા.ત., શ્લેષ્મકલા (mucous membrane), સતરલકલા (serosa). ચામડી પણ આ રીતે ત્વકીયકલા (cutaneous membrane) કહેવાય છે. સાંધામાં જોવા મળતી સંધિકલામાં અધિચ્છદીય પેશી હોતી નથી અને તે રીતે તે અન્ય કલાઓથી અલગ પડે છે.

શિલીન નં. શુક્લ