સંદેહવાદ (સંશયવાદ) : જ્ઞાનની શક્યતા કે નિશ્ચિતતા કે બંને વિશે કાયમી કે અલ્પસ્થાયી સંદેહ વ્યક્ત કરતો તત્ત્વજ્ઞાનનો મત. બીજી સદીના ચિન્તક સેક્સટસ એમ્પિરિક્સ મુજબ, સંદેહવાદી ચિન્તક (sceptic) મૂળ તો સમીક્ષક છે, સત્યશોધક છે, જિજ્ઞાસુ છે. સમીક્ષા પછી, શોધતપાસ પછી પણ તેને જો સમજાય કે તત્ત્વજ્ઞાનમાં પ્રવર્તતા જુદા જુદા મતમાંથી કોઈ પણ મતને ન તો સત્ય કે ન તો અસત્ય માની શકાય, તો તેવું સમજનારો સત્યશોધક કોઈ પણ સિદ્ધાન્તની સત્યતા કે અસત્યતા અંગેના આખરી નિર્ણયને મોકૂફ રાખે છે. સેક્સટસ પ્રમાણે નિશ્ચય-મોકૂફી પછી પણ પ્રશ્નને ખુલ્લો રાખનાર, અને શોધ ચાલુ રાખનાર ચિન્તક જ સાચા અર્થમાં સંદેહવાદી છે. તે એટલું જ કહે છે કે પોતે અમુક વિષયમાં અત્યારે કશું જાણતો નથી, પણ ભવિષ્યમાં પોતે તે વિષય અંગે કશું જાણી શકે તેવું પણ બને. આ વિનીત (soft) સંદેહવાદ છે. ઉગ્ર સંદેહવાદ પ્રમાણે, મોટાભાગના વિષયો વિશે કોઈ વ્યક્તિ પણ કશું પણ ક્યારેય જાણી શકે તેમ નથી. જ્ઞાનપ્રાપ્તિની સંપૂર્ણ અશક્યતા કે તેની નિશ્ચિતતાની અશક્યતા દર્શાવનાર ચિન્તક ઉગ્ર (hard) સંદેહવાદી છે. સત્ય પ્રાપ્ત થઈ જ ચૂક્યું છે તેવું કહેનારા ચિન્તકો મતાગ્રહવાદીઓ (dogmatists) છે.
સંદેહવાદના અભ્યાસના અમેરિકન નિષ્ણાત પીટર સૂબરે તેમના એક લેખ(1996)માં આ ભેદ સ્વીકાર્યો છે. વિનીત અને ઉગ્ર સંદેહવાદનો ભેદ સમજીને તેમની દૃષ્ટિએ બંનેને નિરીશ્વરવાદ અને અજ્ઞેયવાદથી પણ જુદા સમજવા જરૂરી છે.
ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર એટલે ઈશ્વરવાદ; ઈશ્વરના અભાવનો સ્વીકાર એટલે નિરીશ્વરવાદ અને આ ક્ષેત્રે કોઈ જ્ઞાન શક્ય નથી તેવું જે સ્વીકારે તે મત અજ્ઞેયવાદ તરીકે ઓળખાવાય છે. વિનીત અજ્ઞેયવાદ મુજબ ઈશ્વર, આત્મા વગેરે પ્રશ્નો વિશે અત્યારે વ્યક્તિ જ્ઞાતા પોતે કશું જાણતી નથી.
જોકે મનુષ્યને અત્યારે કોઈ જ્ઞાન નથી અથવા તો મનુષ્યને ક્યારેય જ્ઞાન મળી શકે તેમ જ નથી – એ બંનેમાંથી કોઈ પણ મત સ્વીકારનારને ‘તાત્ત્વિક સંશયવાદી’ કહેવાય છે. સંશયવાદ કરતાં અજ્ઞેયવાદનું ક્ષેત્ર મર્યાદિત છે. અજ્ઞેયવાદ કેવળ ઈશ્વર, આત્મા વગેરેના તત્ત્વવિચારાત્મક જ્ઞાનના ક્ષેત્રમાં જ રજૂ થયો છે; દા.ત., મનુષ્ય ઈશ્વરના અસ્તિત્વ કે અભાવ વિશે કશું જાણી શકતો નથી તે મતને ‘અજ્ઞેયવાદ’ કહેવાય છે; પણ આપણે મનુષ્યો મોટાભાગની વ્યાવહારિક અને સૈદ્ધાન્તિક કોઈ પણ માન્યતા(belief)ની સત્યતા/અસત્યતા વિશે અત્યારે કે ક્યારેય કશું જાણી શકીએ નહિ તેવો મત સંદેહવાદ છે અને તેનું ક્ષેત્ર સર્વ-વિષયવ્યાપી કે અધિક વિષયવ્યાપી હોય છે. અજ્ઞેયવાદીઓ અને સંદેહવાદીઓ બંને વિનીત (soft) કે ઉગ્ર (hard) મત રજૂ કરે છે.
(1) પ્રાચીન ગ્રીક સંદેહવાદ :
(i) પાય્રહોનો સંદેહવાદ અને
(ii) પ્લૅટોની અકાદમીનો સંદેહવાદ એમ બે પ્રકારો પ્રાચીન ગ્રીક સંદેહવાદમાં જોઈ શકાય છે.
(i) પાય્રહો (Pyrrho; 365-270 ઈ. પૂ.) : ગ્રીક સંદેહવાદના સ્થાપક પાય્રહો ઍલેક્ઝાંડર(356-323 ઈ. પૂ.)ના લશ્કર સાથે વાયવ્ય ભારતમાં આવેલા અને ત્યાં ભારતના સાધુસંતો અને ચિંતકોની સાથે તેમની મુલાકાતો થયેલી હતી. ત્યાં તેઓ બૌદ્ધમતથી પ્રભાવિત થયા હોવાનું મનાય છે.
વસ્તુઓના મૂળ સ્વરૂપનું મનુષ્યને અત્યારે કોઈ જ્ઞાન નથી તેવું પાય્રહો માને છે તેથી નિશ્ચય-મોકૂફી સિવાય કોઈ વિકલ્પો રહેતા નથી.
મૂળ તો પાય્રહો (અથવા પિર્ર્હો) સ્ટૉઇકવાદી હતા. સત્ય જ્ઞાન મળે પછી માનસિક શાન્તિ મળી જશે તેવી તેમને ખાતરી હતી, પરંતુ તે સમયે પ્રવર્તતા તત્ત્વચિન્તનનાં વિવિધ ક્ષેત્રોમાં એટલો બધો મતભેદ હતો કે કોનો પક્ષ લેવો તે જ તેમને સમજાતું નહોતું. આ સંજોગોમાં ભૂલની શક્યતાને લીધે કોઈ મતનો આખરી સ્વીકાર કે અસ્વીકાર થાય તેમ નહોતું. વળી, સત્યનો પ્રેમ હોવાથી શોધ-સમીક્ષા તો ચાલુ રાખવી પડે, પણ પ્રામાણિકતાને લીધે પોતાના વર્તમાન અજ્ઞાનની કબૂલાત પણ કરવી પડે. વિનીત સંદેહવાદ સત્યની શોધની વર્તમાન નિષ્ફળતા સૂચવે છે, જ્ઞાનની કાયમી અશક્યતા નહિ. તેથી જ ચિન્તનમાં કોઈ પણ, પક્ષ-વિપક્ષ સમાન રીતે સબળ હોવાથી, તે અંગેના સત્યનો કે અસત્યનો કોઈ આખરી નિશ્ચય વર્તમાનમાં થઈ શકતો નથી. નિશ્ચિત જ્ઞાનના અભાવમાં નિશ્ચય-મોકૂફી એ જ પાય્રહોવાદનું હાર્દ છે. તેનાથી અણધારી રીતે માનસિક શાન્તિ મળે છે. અજ્ઞાનથી કાયમ માનસિક શાન્તિ મળશે એમ પણ અહીં સમજવાનું નથી. પાય્રહો તેવું પણ સ્થાપવા માગતા નથી. અહીં વિચારવિમર્શ પછીના વર્તમાન અજ્ઞાનની નિખાલસ કબૂલાત છે. બાળકો અને પશુઓમાં પ્રવર્તતા સહજ અજ્ઞાન કરતાં સમીક્ષા પછીના વર્તમાન અજ્ઞાનને જુદું સમજવાનું છે. જ્ઞાનપ્રાપ્તિનો દાવો જ્ઞાનવાદીઓ કરે છે; જ્ઞાનપ્રાપ્તિની કાયમી અશક્યતાનો દાવો ઉગ્ર સંદેહવાદી કરે છે. પાય્રહો વિનીત સંદેહવાદી છે. કાયમી અજ્ઞાનનો દાવો કરવા જેટલુંય જ્ઞાન પાય્રહો સ્વીકારતા નથી. મનુષ્યો અત્યારે મૂળ વસ્તુના અસલી સ્વરૂપનું જ્ઞાન ધરાવતા નથી. મનુષ્ય માત્ર પ્રતિભાસો(appearances)ને જ જાણે છે. કુદરત, રિવાજ, કાનૂન કે રૂઢિથી મનુષ્યના વ્યવહારો નભી શકે છે. મધ ગળ્યું છે તે સ્વીકારો, પરંતુ તેના તાત્ત્વિક ખુલાસાઓ વિશે શંકા રાખો. અનુભવો સિવાય મનુષ્ય પાસે કશું નથી.
(ii) પ્લૅટોના કેટલાક સંવાદોમાં સંદેહવાદી વલણ વ્યક્ત થયું છે. પક્ષ-વિપક્ષની દલીલો પછી કોઈ આખરી સમાધાન વગર કેટલાક સંવાદો પૂરા થાય છે. પ્લૅટોની અકાદમીના કેટલાક ચિન્તકોએ પ્લૅટોને આધારે પાય્રહોથી જુદો એવો ઉગ્ર સંદેહવાદ રજૂ કર્યો છે. આર્કિસાય્લસ (315-242 ઈ. પૂ.), કાર્નિએડિસ (213-129 ઈ. પૂ.) અને ક્લાય્ટોમૅક્સ (187-109 ઈ. પૂ.) – એ અકાદમી-સ્થાપિત સંદેહવાદ રજૂ કરતા ચિન્તકો છે. તેમના મતને ‘વિદ્યાપીઠ-નિરૂપિત સંદેહવાદ’ (academic scepticism) કહેવાય છે. આ ચિન્તકો મુજબ કશું જાણી શકાય નહિ તેટલું જ તેઓ જાણે છે. સ્ટૉઇકવાદીઓ પ્રમાણે મનુષ્યના કેટલાક અનુભવો એટલા સજીવ અને સ્પષ્ટ છે કે તે અચૂક રીતે તેના વિષયનું ગ્રહણ કરે છે અને તેવા અચૂક વિષયગ્રાહક અનુભવો યથાર્થ જ્ઞાનનો પાયો બને છે. અકાદમીના ચિન્તકોને આ મત સ્વીકાર્ય ન હતો. ભ્રમ, વિભ્રમ કે સ્વપ્નમાં પણ મનુષ્યને અત્યંત સ્પષ્ટ, સજીવ અનુભવો તો થાય છે; પણ તેથી તે અનુભવો યથાર્થ વિષયગ્રાહક અનુભવો બની જતા નથી.
આ ચિન્તકોએ કાયમી નિશ્ચયમોકૂફીનું મહત્ત્વ સમજાવ્યું છે. કેટલીક માન્યતાઓને વધુ સંભવિત ગણીને, કામચલાઉ રીતે સ્વીકારીને, વ્યવહારો ચલાવી શકાય, પણ નિશ્ચિત જ્ઞાન શક્ય નથી. જોકે જ્ઞાન શક્ય નથી તેવું કાયમી જ્ઞાન સંદેહવાદીને કેવી રીતે પ્રાપ્ત થયું તે પ્રશ્ન રહે છે.
(2) આધુનિક પાશ્ચાત્ય સંદેહવાદ : મધ્યકાલીન યુરોપીય ખ્રિસ્તી ચિન્તનમાં સર્વવ્યાપક સંદેહવાદનું કોઈ સ્થાન ન હોય તે સમજી શકાય છે. જોકે, આધુનિક ચિન્તનમાં નવા રૂપે સંદેહવાદ રજૂ થયો છે.
સેક્સટસ ઍમ્પિરિક્સ(160-210 A.D.)ના ‘પાય્રહોવાદની રૂપરેખા’ અંગેના ગ્રંથનો આંશિક લૅટિન અનુવાદ 1562માં પ્રકાશિત થયો હતો. સેક્સટસની તમામ કૃતિઓ જો કે 1569માં લૅટિન ભાષામાં સુલભ થઈ ગઈ હતી. સેક્સટસનો પ્રભાવ ફ્રેન્ચ ચિન્તક મૉન્ટેઇન (Montaigne) ઉપર ખૂબ વ્યાપક હતો. પીટર બેઇલ (Bayle, 1647-1706) મુજબ આધુનિક પાશ્ચાત્ય ચિન્તનનો પ્રારંભ ન તો દ’કાર્ત(1596-1650)થી કે ન તો મૉન્ટેઇન(1533-1592)થી થયો છે. ખરેખર તો આધુનિક યુરોપીય ચિન્તન સેક્સટસના પાય્રહોવાદી સંદેહવાદના પુન:પ્રવેશથી શરૂ થયું ગણાય.
દ’કાર્ત : દ’કાર્તે પદ્ધતિમૂલક સંદેહવાદથી પ્રારંભ કર્યો અને અંતે તેમણે સ્વ-અસ્તિત્વ, ઈશ્વર અને બાહ્ય જગતનાં અસ્તિત્વની તર્કબુદ્ધિ-આશ્રિત સાબિતીઓ આપી. દ’કાર્ત સંદેહવાદી નહિ, પણ તર્કબુદ્ધિવાદી હતા. તેમનું લક્ષ્ય શંકા દ્વારા શંકામુક્ત અને નિરપેક્ષ રીતે નિશ્ચિત સત્ય સ્થાપવાનું હતું.
દ’કાર્તનો સંદેહ સર્વવિષયવ્યાપી અને અતિશયોક્તિભરેલો (hyperbolic) હતો અને છતાં તેમણે સંદેહમુક્ત જ્ઞાનતર્કથી સત્ય સિદ્ધ ગણ્યું હતું.
પોતે સંદેહવાદી ન હતા છતાં સર્વવ્યાપક સંદેહવાદ કેવો હોય તેની રજૂઆત દ’કાર્તે કરી છે; દા.ત., તેમની સ્વપ્ન-આધારિત દલીલ મુજબ મારા કોઈ પણ અનુભવોને હું યથાર્થ ન ગણી શકું, કારણ કે હું સ્વપ્નમાં નથી તેવું હું ક્યારેય શંકામુક્ત રીતે જાણી શકું નહિ. તેવી જ રીતે તર્કબુદ્ધિથી હું ગાણિતિક સત્યો જાણું ત્યારે પણ કોઈ દુષ્ટ દાનવ મને છેતરી રહ્યો છે કે કેમ તેવી શંકા તો થાય છે. જોકે શંકાને આવી રીતે તેની અંતિમ સીમા સુધી લઈ જઈને દ’કાર્ત એમ દલીલ કરે છે કે શંકા કરનાર વ્યક્તિનું સ્વ-અસ્તિત્વ તો શંકામુક્ત જ છે. બધી બાબતોની શંકા કરનાર વ્યક્તિ વિચાર કરનાર વ્યક્તિ તરીકે તો અસ્તિત્વમાં છે જ. શંકામુક્ત સ્વ-અસ્તિત્વની પ્રતીતિ પછી ઈશ્વરની સાબિતી આપીને દ’કાર્તે બાહ્ય જગતનું અસ્તિત્વ ઈશ્વર આપણને છેતરે નહિ તેમ દર્શાવીને સિદ્ધ કર્યું. આમ સર્વવ્યાપક શંકાથી ચિન્તનનો પ્રારંભ કરનાર દ’કાર્ત તર્કબુદ્ધિવાદી તેમજ ઈશ્વરવાદી તરીકે તમામ શંકાઓને નિર્મૂળ કરે છે.
હ્યૂમ (1711–1776 A.D.) : હ્યૂમનું તત્ત્વજ્ઞાન દર્શાવે છે કે દ’કાર્ત જેવી ઈશ્વરની સાબિતીના અસ્વીકારથી અવલોકનવાદ (empiricism) સ્વીકારનાર ચિન્તક પણ સ્થાનિક આંશિક સંદેહવાદી બની જાય છે. હ્યૂમ મુજબ કાર્યકારણસંબંધ કેવળ અવલોકિત નિયમિતતા જ છે. સ્વતત્ત્વ (self) ‘અનુભવોનું એક પોટલું (bundle)’ જ છે. મનુષ્યના અનુભવો ઉપરથી બાહ્ય પદાર્થના અસ્તિત્વને સિદ્ધ કરવાનો કોઈ માર્ગ નથી. વ્યાપ્તિલક્ષી અનુમાનોનું કોઈ પ્રામાણ્ય દર્શાવી શકાય તેમ નથી. જોકે વ્યવહારમાં ઘણુંબધું સત્ય માનીને ચાલવું પડે છે તે પણ હ્યૂમે સ્વીકાર્યું છે. ઈશ્વરને માનીને શંકામુક્ત થવાનો દ’કાર્તનો માર્ગ હ્યૂમને માન્ય ન થયો.
રીડ : સ્કૉટલૅન્ડના ચિન્તક થૉમસ રીડ (1710-1796) મુજબ બાહ્ય પદાર્થના અસ્તિત્વ અંગેની શંકાઓ વ્યર્થ છે. મનુષ્ય સીધેસીધો બાહ્ય પદાર્થને જાણે છે. આ ઉપરાંત, કોઈ પણ પ્રકારનો સંદેહવાદ રીડને માન્ય ન હતો. જો સંદેહવાદીઓ કહે છે તેમ ન તો પ્રત્યક્ષ જ્ઞાન કે ન તો તર્કશક્તિ દ્વારા સ્થાપિત કોઈ માન્યતા વિશ્વાસપાત્ર અને યથાર્થ હોય તો પછી ‘સ્કેપ્ટિક’(સંદેહવાદી)ની પોતાની આ માન્યતાને પણ કેવી રીતે માની શકાય ?
વીસમી સદીમાં સંદેહવાદનો પ્રશ્ન : વીસમી સદીના પાશ્ચાત્ય ચિન્તકોમાં ખાસ તો પીટર ઉન્ગર, બેરી સ્ટ્રાઉડ અને થૉમસ નેગેલ મુજબ સર્વવિષયવ્યાપી સંદેહવાદનું નિર્ણાયક તાર્કિક ખંડન શક્ય નથી. બીજી બાજુ, ઘણા મહત્ત્વના ચિન્તકોએ સંદેહવાદનો સામનો કરીને તેનો અસ્વીકાર કર્યો છે. મૂર, રસેલ, વિટ્ગેન્સ્ટાઇન, સ્ટ્રૉસન, ઑસ્ટિન, ડેવિડસન, પુદનામ, ડ્રેટ્સ્કે (Dretske), સ્ટુઅર્ટ કૉહેન, ડિરૉઝ વગેરે ચિન્તકોએ સંદેહવાદ-વિરોધી રજૂઆતો કરી છે. સુસંગત સંદેહવાદી તરીકે કોઈથી રહી શકાય જ નહિ.
અહીં સંદેહવ્યાપી ધારણા, તેના ઉપર આધારિત સંદેહવાદી દલીલ અને તેની સામે રજૂ થયેલી કેટલીક પ્રતિક્રિયાઓનો ટૂંકો ઉલ્લેખ કર્યો છે.
(ક) સર્વવ્યાપી સંદેહાત્મક ધારણા : (દૃષ્ટાન્તો) :
(i) મનુષ્યો કોઈ અનુભવ કરતા હોય ત્યારે સ્વપ્ન જોતા હોય તેવું બની શકે છે.
(ii) કોઈ દુષ્ટબુદ્ધિ યથાર્થ તાર્કિક વિચારણામાં પણ મનુષ્યોને છેતરતો હોય તેવું ન બને ?
(iii) ધારી લો કે તમારા મગજને કોઈ વૈજ્ઞાનિકે તમારા શરીરમાંથી બહાર કાઢીને કૂંડા જેવા વાસણમાં (Vatમાં) મૂક્યું છે. એવું પણ કલ્પો કે તે વાસણમાં પોષક પ્રવાહીને લીધે તમારું મગજ તમારા નૉર્મલ શરીરની બહાર Vatમાં જીવતું રહે છે. તમારા જ્ઞાનતંતુઓને એવી રીતે કોઈ સુપર કમ્પ્યૂટર સાથે જોડ્યાં છે કે તેના ઉદ્દીપનથી વેટ(vat)માં મૂકેલું તમારું મગજ શરીરની બહાર હોવા છતાં શરીરધારી સ્થિતિમાં તે હોય તેવા જ અનુભવો કરી શકે છે. ટૂંકમાં, તમે શરીર વગરના Brain-in-Vat (BIV) છો તેવું માની લો. આવી BIVની સ્થિતિમાં તમને જે અનુભવો થશે તે સામાન્ય દેહબદ્ધ સ્થિતિમાં તમને જે અનુભવો થાય છે તેવા જ હશે. જો આ શક્ય હોય તો તમે ક્યારેય BIV નથી તેવું જાણી શકાશે નહિ. આવી ધારણાનો નિષેધ શક્ય નથી.
સ્વપ્નની કે દુષ્ટ દાનવની કે BIVની આવી વ્યાપક સંદેહવાળી ધારણાઓ એવી છે કે તમારા સામાન્ય અનુભવો બંનેમાં એકસરખા હોવાથી તમને ખબર ન પડે કે તમે BIV નથી કે તમે સ્વપ્ન જોતા નથી.
(ખ) સંદેહવાદી ધારણા ઉપર રચાયેલી દલીલ :
(i) જો હું એ જાણતો નથી કે હું BIV નથી, તો હું મારે બે હાથ છે તેવું પણ જાણતો નથી.
(ii) હું BIV નથી તે હું જાણતો નથી. તેથી;
(iii) મારે બે હાથ છે કે કેમ તે હું જાણતો નથી. (આ દલીલ તર્કશાસ્ત્ર મુજબ પ્રમાણભૂત છે.)
આ પ્રકારની દલીલોમાં એમ કહેવાયું છે કે જો તમે સંદેહવાદી ધારણાનો નિષેધ જાણતા ન હો તો જ્ઞાનના તમારા કોઈ દાવાઓ ટકી શકે નહિ. માટે જ્ઞાનનો કોઈ દાવો માન્ય કરાવવો હોય તો પહેલાં સંદેહવાદી ધારણાનું નિર્ણાયક ખંડન કરવું જ પડે. જોકે પ્રાચીન ગ્રીક સંદેહવાદમાં આ પ્રકારની દલીલો રજૂ કરવામાં આવી નથી તે નોંધવું જોઈએ.
(ગ) સંદેહવાદી દલીલનું ખંડન :
મૂરે કહ્યું કે, ‘મારે બે હાથ છે તે હું જાણું છું’ તેથી સર્વવ્યાપક સંદેહવાદી ધારણાનો નિષેધ હું જાણું છું. વિટ્ગેન્સ્ટાઇન પ્રમાણે ‘મારે બે હાથ છે’ તેવું મૂરે સાબિત કરવાની જરૂર ન હતી. કેટલાંક વિધાનોને બારણાંનાં મજાગરાં (hinges) જેવાં ગણી શકાય. તેને વિશે શંકા કરવાની કે તેને સાબિત કરવાની જરૂર નથી. તેને આધારે જ બીજાં કેટલાંક વિધાનોને શંકાપાત્ર કે સ્વીકાર્ય ગણાય. મજાગરાં યોગ્ય સ્થાને બંધબેસતાં હોય તો જ બારણાંને બંધ કરી શકાય અથવા ખોલી શકાય છે.
ડ્રેટ્સ્કે મુજબ તમે જેમાં જ્ઞાનનો દાવો કરો છો તેને લગતા બીજા પ્રસ્તુત વિકલ્પોની એટલે કે ભૂલોની શક્યતાની વિચારણા જરૂરી છે. મારી સામે દેખાતું બતક રમકડાનું છે કે સાચું છે તેવી શંકા વાજબી છે; હું સાચું બતક જોઈ રહ્યો છું તેવું સ્થાપવા માટે તે રમકડાંનું નથી કે તેવા બીજા પ્રસ્તુત વિકલ્પોનો નિષેધ શક્ય હોવો જોઈએ તે સાચું, પરંતુ હું બતક જોઈ રહ્યો હોઉં ત્યારે હું કાયમી સ્વપ્નમાં નથી કે હું BIV નથી તે મારે જાણવું જ જોઈએ તેવો આગ્રહ ઠીક નથી. ભૂલો વિશેની અપ્રસ્તુત શક્યતાઓના ખંડનનો આગ્રહ વાજબી નથી.
સ્ટુઅર્ટ કોહેન, ડેવિસ લુઇસ અને ડિરૉઝના સંદર્ભવાદ મુજબ જ્ઞાનનાં અતિકડક ધોરણો ન હોય તેવા ઘણા સંદર્ભોમાં મનુષ્યની ઘણીબધી માન્યતાઓને સાચી માની શકાય છે. પરંતુ, ચિન્તનના જે સંદર્ભમાં વ્યાપક સંદેહવાદી ધારણા વિચારાધીન હોય ત્યાં જ્ઞાનનાં ધોરણો ખૂબ ઊંચાં હોવાથી મનુષ્યની મોટાભાગની માન્યતાઓ સંદેહમુક્ત નહિ રહે. ઘણાંને આ ખુલાસો માન્ય નથી.
મધુસૂદન બક્ષી