સંદેશાવ્યવહાર (communication) : સંદેશાને કે સંકેતો(signals)ને એક સ્થળેથી અન્ય સ્થળે મોકલવાની અને તેને ઝીલવાની પ્રક્રિયા. સંદેશવહનમાં કોઈ વ્યક્તિ જૂથ કે સંસ્થા પ્રેષક (sender) હોય છે અને કોઈ અન્ય વ્યક્તિ જૂથ કે સંસ્થા તેને ગ્રહણ કરનાર (ઝીલનાર, receiver) હોય છે. મોટાભાગે સંદેશાનું ઉદ્ગમસ્થાન અવાજના તરંગો, પ્રકાશનાં કિરણો કે વીજાણુકીય (electronic) સંકેતો હોય છે. કરકસર, સંગ્રહ કે કોઈ બીજા હેતુ માટે પ્રેષક (મોકલનાર) પોતાના વિચારને યોગ્ય સંકેતોમાં બદલે છે (જેવા કે, ઉચ્ચારેલા શબ્દો, છાપેલાં કે લેખિત વાક્યો). આ બદલવાની ક્રિયાને સંકેતન (coding) કહે છે. સંકેતોમાં મૂકેલા સંદેશાનું પ્રેષક યોગ્ય માધ્યમ દ્વારા પ્રસારણ (transmission) કરે છે. એ સંકેતો ગ્રાહક સુધી પહોંચે છે. ગ્રાહક એ સંકેતોને છોડે છે, એટલે કે તેને ફરીથી અર્થપૂર્ણ સંદેશમાં બદલે છે; આ ક્રિયાને વિસંકેતન (de-coding) કહે છે. જો ગ્રાહકને સમજાયેલો સંદેશાનો અર્થ, મોકલનારના મનમાં રહેલા આશય પ્રમાણે જ હોય તો સંદેશવહન સફળ ગણાય; જો મોકલનારે વિચારેલા અર્થ કરતાં ઝીલનાર એનો જુદો જ અર્થ સમજે તો સંદેશવહન નિષ્ફળ ગણાય. આમ સંદેશ-વ્યવહારની સફળતા માટે મોકલવાની અને ઝીલવાની ક્રિયાઓ સરખા મહત્ત્વની છે.
સંદેશવહનની ક્રિયાને સમજવામાં શરીરવિજ્ઞાન, ચેતાવિજ્ઞાન અને વીજાણુશાસ્ત્ર(electronics)ના કેટલાક ખ્યાલો ઉપયોગી છે.
સંદેશો મોકલતાં પહેલાં મોકલનારે એ નક્કી કરવું પડે છે કે પોતે કઈ કઈ વિગતો મોકલવા માગે છે. એ વિગતોનાં સ્વરૂપ અને અર્થ વિશે તેના મનમાં કોઈ અસ્પષ્ટતા કે ગૂંચવાડો હોવો જોઈએ નહિ. ઉપરાંત સંદેશવહન થતું હોય એ સ્થળે અને સમયે જો ઘોંઘાટ કે બીજા વિક્ષેપો થયા કરતા હોય તો ગ્રાહકને સંદેશો ઝીલવામાં અને તેનું વિસંકેતન (અર્થઘટન) કરવામાં પારાવાર મુશ્કેલી પડે. ગ્રાહક એ સંદેશો ઝીલે તે પછી તે એનો સાચો અર્થ સમજ્યો છે કે કેમ તેની ચકાસણી બે રીતે થાય છે : (1) ગ્રાહક મોંના હાવભાવો વડે કે બોલીને સંદેશાનો જે પ્રતિભાવ આપે તેના આધારે અને (2) સંદેશો મળ્યા પછી ગ્રાહક જે વર્તન કરે છે તેના આધારે.
સંદેશા વિવિધ પ્રકારના હોઈ શકે : (1) ગ્રાહકને માહિતી આપવા માટે હકીકતોની રજૂઆત, (2) પ્રેષકના પોતાનાં મત, માન્યતા કે લાગણીની અભિવ્યક્તિ, (3) ગ્રાહકને કંઈક કરવા માટે કરાયેલી વિનંતી, સૂચન, સૂચના કે આદેશ, (4) ગ્રાહક પાસેથી માહિતી મેળવવા માટે તેને પુછાયેલો પ્રશ્ન.
સંદેશાનું વહન અનેકવિધ માધ્યમો કે પદ્ધતિઓ વડે થઈ શકે : (1) શબ્દો ઉચ્ચારીને (વાણી દ્વારા), (2) લેખિત કે મુદ્રિત (છપાયેલા) સ્વરૂપે, (3) ચિહ્નો કે સાંકેતિક લિપિના ઉપયોગ વડે, (4) ચિત્રો, આકૃતિઓ વડે, (5) મુખના હાવભાવ વડે, (6) શરીરની સ્થિતિ દ્વારા, (7) શરીરનાં અંગોની ચેષ્ટાઓ વડે અને (8) દૃશ્યોની છબી દર્શાવીને.
સૌથી વધારે સંદેશાઓ વાણી દ્વારા અપાય છે; કેમ કે, એ પદ્ધતિ સીધી અને સરળ છે અને એનો નિરક્ષર લોકો પણ ઉપયોગ કરી શકે છે. હાલ આ પદ્ધતિને વધુ અસરકારક બનાવવા માટે ટેલિફોન, રેડિયો, માઇક્રોફોન, લાઉડસ્પીકર કે ટેપરેકર્ડરનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિની મર્યાદા એ છે કે જો બોલાયેલા સંદેશાને તરત રેકર્ડ કરી લેવાયો ન હોય તો તેનો ઘણો ભાગ લગભગ કાયમ માટે નાશ પામે છે.
સામાન્ય રીતે લેખિત કે મુદ્રિત સંદેશા વધારે સ્પષ્ટ હોય છે; કેમ કે, લખતાં પહેલાં વિચારો સ્પષ્ટ હોવા જરૂરી બને છે. (‘Writing makes man precise.’) વળી લેખિત સંદેશાને ઘણાં વર્ષો સુધી સાચવી શકાય છે. એટલે વાચકે તેને યાદ રાખવા માટે પોતાની સ્મૃતિ ઉપર વધુ પડતો બોજો નાખવો પડતો નથી. વર્તમાનપત્રો, સામયિકો અને પુસ્તકો મુદ્રિત સંદેશા મોકલે છે, પણ લેખિત સંદેશવ્યવહાર ત્યારે જ શક્ય બને જ્યારે પ્રેષક અને ગ્રાહક બંને વાંચી-લખી શકતા હોય; નિરક્ષરો માટે એ નકામો છે.
સંદેશાવ્યવહાર માટે સાંકેતિક લિપિનો ઉપયોગ કેટલાક ખાસ સંજોગોમાં જ થાય છે. ઉદ્યોગો અને વ્યાપાર-સંસ્થાઓ પોતાના વ્યવહારો માટે સંકેતલિપિ વાપરે છે. ખબરપત્રીઓ બનાવોના અહેવાલોને લઘુલિપિ(shorthand)માં નોંધે છે. જાસૂસો વિદેશની રાજકીય આર્થિક વગેરે સ્થિતિ વિશેના અહેવાલોને ગુપ્ત ચિહ્નોમાં નોંધીને મોકલે છે. વૈજ્ઞાનિક સંશોધકો પણ એકબીજા સાથેના સંદેશાવ્યવહારો ઘણે અંશે ખાસ ચિહ્નોના ઉપયોગ વડે કરે છે.
વિગતોથી ભરેલી અને જટિલ પરિસ્થિતિ વિશેના સંદેશા શાબ્દિક વર્ણન વડે મોકલવા કરતાં એ પરિસ્થિતિની આકૃતિ કે ચિત્ર દોરીને મોકલવા વધુ અસરકારક રહે છે; દા.ત., દેશના કે પ્રદેશના નકશા. કારખાનાંમાં યંત્રોની ગોઠવણી, વિદ્યુત-જોડાણો કે પાણી/ગટરની પાઇપલાઇનોની ગોઠવણી અને જોડાણોની માહિતી, સ્થપતિ વડે ઘરના બાંધકામના નકશા, વૈજ્ઞાનિક સાધનોની ગોઠવણી કે શરીરબંધારણની વિગતોને આકૃતિ વડે વધારે સ્પષ્ટ રૂપે મોકલી શકાય છે. જોકે એવી આકૃતિ દોરવામાં અને છપાવવામાં વધુ સમય અને નાણાંનો વ્યય થાય છે.
પ્રેષક વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ કે પ્રેરણાઓને ચહેરાના હાવભાવો વડે વધારે સારી રીતે વ્યક્ત કરી શકે છે. જોકે એ હાવભાવોનો સાચો અર્થ સમજવા માટે ગ્રાહકને એ જ્ઞાન હોવું જોઈએ કે કપાળ, ભ્રમર, આંખો, નાક, ગાલ કે હોઠની કેવી સ્થિતિ કયા આવેગને વ્યક્ત કરે છે. એ જ રીતે શરીરને ટટ્ટાર રાખવું કે નમાવવું, ડોકું ઊભું કે આડું હલાવવું કે હાથપગની વિશિષ્ટ મુદ્રાઓ કરવી એ પણ આંતરિક મનોવ્યાપારોને વિશે સંદેશો આપવાની પ્રાચીન સમયથી ચાલી આવતી રીત છે. અભિનેતાઓ અને નૃત્યકારો તેનો ઘણો ઉપયોગ કરે છે.
હવે તો છબીકલા, વીડિયોગ્રાફી વગેરેનો વિકાસ થયો હોવાથી માહિતી નોંધવા અને મોકલવા માટે કૅમેરા, વીડિયો-રેકર્ડર, ટેમકોર્ડર વગેરેનો ઉપયોગ વધતો જાય છે. તેને લીધે પરિસ્થિતિનું આબેહૂબ ચિત્ર જોઈ શકાય છે. રમતો અને અન્ય પ્રસંગોનાં દૃશ્યો અને ધ્વનિઓ સમકાલીન રીતે (live) ટેલિવિઝન પર પ્રસારિત થતાં હોવાથી દુનિયાભરના લોકોને એની તરત જાણ થાય છે. જોકે હવે સ્થાપિત હિતોવાળાં જૂથો કે સામાન્ય પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે ફોટોગ્રાફ, વીડિયો-દૃશ્યો વગેરેમાં ઘાલમેલો પણ કરવા માંડી છે. વર્તમાનપત્રો અને ટીવીની ચેનલો પણ એમણે પસંદ કરેલાં મર્યાદિત દૃશ્યોને વારંવાર બતાવે છે, જ્યારે બીજી માહિતીને છુપાવે છે. આમ, હાલ પ્રસાર-માધ્યમો અર્ધસત્ય કે અતિશયોક્તિ વડે લોકોના આચારવિચાર ઉપર અયોગ્ય પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
પ્રાણીઓમાં પણ સંદેશાવ્યવહાર થતો હોય છે. પક્ષીઓ, કીડીઓ, મધમાખી, પતંગિયાં, માછલીઓ, ડૉલ્ફિન, ગાય કે ભેંસ જેવાં ચોપગાં પ્રાણીઓ અને વાનરો વિશિષ્ટ અવાજો કાઢીને પોતાનાં સાથીઓ તરફ સંદેશા મોકલે છે. આવા સંદેશાનું તો હવે રેકર્ડિગ અને વિશ્લેષણ પણ થાય છે. પશુપાલકો પોતાનાં પશુઓના અવાજોનો અર્થ સમજી શકે છે અને પોતે વિશિષ્ટ અવાજો કાઢીને પશુઓને સંદેશ મોકલતા હોય છે.
સાંકેતિક સંદેશાની વિવિધ પદ્ધતિઓ પ્રાચીન યુગમાં પણ પ્રચલિત હતી. ઢોલ કે ઘંટ વગાડીને, થાળી પીટીને કે ભૂંગળામાં બોલીને લોકોને સંદેશા અપાતા. લેખિત સંદેશાઓ ખેપિયાઓ દ્વારા કે કબૂતરો દ્વારા મોકલાતા હતા. પહેરેલા વસ્ત્રનો રંગ (દા.ત., શોક દર્શાવવા કાળો કે સફેદ), કપાળે કરેલું તિલક, પાઘડી કે ટોપીના ઉપયોગ વડે વ્યક્તિના સંપ્રદાય તેમજ દરજ્જાની જાણ બીજાંઓને થતી. દિવસે વહાણ પરથી કિનારા તરફના સંદેશા ડાબા-જમણા હાથમાં જુદી જુદી સ્થિતિમાં ધજાઓ રાખીને મોકલાતા હતા. રાતે એવા જ સંદેશા મશાલના ઉપયોગથી મોકલાતા હતા.
ટપાલ, કુરિયર, ટેલિફોન અને મોબાઇલ ફોન, ઈ-મેઇલ, એસએમએસ વગેરે અદ્યતન યુગનાં સંદેશાવ્યવહારનાં સાધનો છે. ટ્રાફિક સિગ્નલો, રડાર-યંત્રો, સમુદ્રના તળિયે ગોઠવેલા કેબલો આજનાં સંદેશવહનનાં સાધનો છે. કરોડો કિલોમીટર દૂરના માનવરહિત અવકાશયાનની જોડે આજના અવકાશવૈજ્ઞાનિકો પૃથ્વી પરના કેંદ્રમાં બેઠાં બેઠાં સંદેશવ્યવહાર કરીને મંગળ, ગુરુ કે શનિ-ગ્રહની વિગતવાર છબીઓ મેળવે છે. અત્યંત દૂરના તારા અને નિહારિકાઓમાંથી ઉદભવતા સંદેશાઓને પૃથ્વી પરનાં ખાસ યંત્રો વડે ઝીલી લઈને એ દ્વારા વિશ્વની રચના વિશે ઊંડું જ્ઞાન મેળવાય છે.
સંદેશવ્યવહારો વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ-જૂથ વચ્ચે કે જૂથ-જૂથ વચ્ચે થાય છે. એકમાર્ગી સંદેશાવ્યવહારમાં સંદેશો એક જ દિશામાં થાય છે; દા.ત., શ્રોતાએ કે વાચકે જાહેરખબરને નિષ્ક્રિય રીતે માત્ર સાંભળવાની/જોવાની હોય છે. તેને બોલવાની કોઈ તક હોતી નથી. દ્વિમાર્ગી સંદેશવહનમાં બે પક્ષો સંદેશાની આપ-લે કરે છે; કેટલીક વાર કોની સાથે કે કેવા સંજોગોમાં સંદેશાવ્યવહાર કરવો તેના પર નિયંત્રણ મૂકવામાં આવે છે. કાર્યાલયોમાં થતા સંદેશવ્યવહારની ઝડપ અને ક્ષમતા ઉપર, તેના પ્રસારણની દિશાની અસર થાય છે. આ રીતે થતા વિવિધ સંદેશવહનની જાળરચના-(communication network)ની જુદી જુદી અસરો પડે છે.
સંદેશાવ્યવહારને અસરકારક બનાવવા માટે, સંદેશો મોકલતાં પહેલાં તેની માહિતીની સત્યતા અને ચોકસાઈ ચકાસવી જરૂરી છે. તેને વ્યક્ત કરવા માટે જાણીતા અને અસંદિગ્ધ શબ્દો અને સરળ વાક્યરચના પસંદ કરાય એ ઇષ્ટ છે. સંદેશાને સ્પષ્ટ અને તીવ્ર રૂપે પણ મધ્યમ ગતિથી રજૂ કરવો જોઈએ. અગત્યનો મુદ્દો રજૂ કરતાં પહેલાં અને પછી બે ક્ષણ થોભવું જરૂરી છે. અક્ષરો સુવાચ્ય હોવા જોઈએ. સંદેશો આપતાં પહેલાં તેને સાંભળવા કે જોવા માટે ગ્રાહકોને પ્રેરવા જોઈએ અને તેમનું ધ્યાન ખેંચવું જોઈએ, જેથી તેઓ કોઈ મુદ્દો ચૂકી ન જાય. સંદેશાને અંતે તેના મુખ્ય મુદ્દા ટૂંકમાં ફરી સ્પષ્ટ કરવા ઇષ્ટ છે. શ્રોતા/વાચક એમાંથી કેટલું અને શું સમજ્યા તે જાણવા માટે તેમના પ્રતિભાવો પણ મેળવવા જોઈએ. શક્ય હોય તો તેમને પ્રશ્નો પૂછવા પ્રેરવામાં આવે અને તેમની ગેરસમજો દૂર કરાય એ આવદૃશ્યક છે.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે