સંદેશાવ્યવહાર : બે વ્યક્તિ વચ્ચે સંજ્ઞા, મુદ્રા કે શ્રાવ્ય ભાષા દ્વારા થતી વિચારો કે સૂચનાની આપ-લે. આ વિષયમાં ભાષા, વાણી, લેખન, સંજ્ઞા વગેરે સંદેશાવ્યવહાર માટેનાં માધ્યમનો ઉપયોગ મહત્ત્વનો છે. દા.ત., ટપાલ-વ્યવસ્થા પણ સંદેશાવ્યવહારનું એક અગત્યનું સાધન છે.

વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસને કારણે સંદેશાવ્યવહાર ઉપર નોંધપાત્ર અસર થઈ છે; જેમાં શરૂઆતમાં ટેલિગ્રાફ અને ત્યારબાદ ટેલિફોનની શોધથી સંદેશાવ્યવહાર ઉપર ઘણી મહત્ત્વની અસર થઈ છે. ત્યારબાદ બિનતારી સંદેશાવ્યવહારમાં રેડિયો તથા દૂર-ચિત્ર (telephoto) યંત્રોનો પણ અગત્યનો ફાળો ગણાવી શકાય. વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો-પ્રસારણ, ચલચિત્ર તથા ટેલિવિઝનના વિકાસથી સંસ્થાગત અને સાંસ્કૃતિક પરિવર્તનો થયાં છે અને તેથી કેટલીક વ્યક્તિઓ/સંસ્થાઓ અને મોટી વસ્તી વચ્ચે ઝડપી સંદેશાવ્યવહાર શક્ય બન્યો છે અને તેથી આ પ્રકારનાં જન-માધ્યમો સામાજિક શક્તિના ઉદય માટે અત્યંત મહત્ત્વનાં બની ગયાં છે.

1846માં ટેલિગ્રાફ(તારસંચાર)ની શોધ થઈ. ત્યારબાદ ધાતુના તારના જોડાણથી ટૂંકા લેખિત સંદેશા દૂર અંતર સુધી મોકલી શકાતા હતા; જેમાં ‘મોર્સ કોડ’ નામથી ઓળખાતી સાંકેતિક પદ્ધતિનો ઉપયોગ થતો હતો. ભારતમાં ટપાલ અને તાર બંને સાર્વજનિક સેવાને એક સરકારી સંસ્થા ‘પોસ્ટ ઍન્ડ ટેલિગ્રાફ વિભાગ’(P & T Department)માં શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં એ સેવા રેલવે-વ્યવહારમાં વિશેષ ઉપયોગમાં લેવાતી હતી અને રેલવેના પાટાની સમાંતર તારના થાંભલા નાખવામાં આવતા હતા; પરંતુ, ત્યારબાદ એ સેવા નાનાંમોટાં બધાં શહેરો માટે ઉપલબ્ધ થઈ હતી.

1876માં અમેરિકાના ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી. ટેલિફોનમાં તારના જોડાણ દ્વારા બે વ્યક્તિઓ એકબીજી સાથે વાત કરી શકતી હતી. ટેલિફોન-સેવાના વિકાસ સાથે દરેક નાનામોટા શહેરમાં ટેલિફોન-જોડાણો આપવામાં આવ્યાં હતાં. શરૂઆતમાં બે ટેલિફોન વચ્ચેનું જોડાણ (ટેલિફોન-એક્સચેન્જ) માનવ-આધારિત (manual) હતું, પણ ત્યારપછી 1889માં સ્વયં-સંચાલિત (automatic) પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી; જેથી જોડાણ ત્વરિત થતું હતું અને તેમાં ક્ષતિ થવાની સંભાવના ઘણી ઓછી રહેતી હતી. વીસમી સદીમાં ઇલેક્ટ્રૉનિક્સ ટૅક્નૉલૉજીની પ્રગતિ સાથે હવે ઇલેક્ટ્રૉનિક પદ્ધતિ દ્વારા ટેલિફોનના જોડાણથી દરેક ટેલિફોન-એક્સચેન્જ કાર્ય કરે છે.

1886માં જર્મનીના હાઈનરીક હર્ટ્ઝ અને ભારતના જગદીશચંદ્ર બોઝે બતાવ્યું હતું કે એક સ્થાન ઉપરથી રેડિયો-તરંગો પ્રસારિત કરીને બીજા સ્થાન ઉપર એ રેડિયો-તરંગો સાદા ઉપકરણથી ગ્રહણ કરી શકાય છે. અગત્યનો મુદ્દો એ છે કે રેડિયો-તરંગોના પ્રસારણ માટે કોઈ તારનું જોડાણ જરૂરી નથી અને એ તરંગો શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે છે અને એ ગતિ પ્રકાશની ગતિ બરાબર હોય છે. આ રીતે રેડિયો-તરંગો બિનતારી (wireless) સંદેશાવ્યવહાર માટે ઘણા ઉપયોગી થયા છે. 1892માં ઇટાલીના ગુગ્લીએલ્મો માર્કોનીએ રેડિયો-તરંગો દ્વારા ટેલિગ્રાફિક સંદેશા મોકલવાની રીત શોધી કાઢી હતી, જેને ‘બિનતારી ટેલિગ્રાફી’ (wireless telegraphy) નામ આપવામાં આવ્યું હતું. આ જાતની સંદેશાવ્યવહારની પદ્ધતિ, ખાસ કરીને દરિયામાં ફરતાં વહાણો વચ્ચે તથા વહાણ અને ક્ધિાારા પરનાં મથકો વચ્ચે સંદેશાવ્યવહાર કરવા માટે ખાસ ઉપયોગી થઈ હતી.

1902માં માર્કોની ઇંગ્લૅન્ડથી ઍટલૅન્ટિક મહાસાગરને પેલે પાર અમેરિકા સુધી રેડિયો-સંકેતો પ્રસારિત કરી શક્યો ત્યારે સંદેશાવ્યવહારમાં એક મોટી ક્રાંતિ સર્જાઈ હતી અને એ ઘટના દ્વારા વાતાવરણના ઉચ્ચ સ્તરમાં અસ્તિત્વ ધરાવતા આયન-મંડળના સ્તરની આકસ્મિક રીતે શોધ પણ થઈ હતી. હકીકતમાં આયન-મંડળ દ્વારા રેડિયો-તરંગો પરાવર્તિત થઈને ઍટલૅન્ટિક મહાસાગરને પેલે પાર પહોંચી શકે છે એ પણ જાણવા મળ્યું. આ ઘટનાનો ઉપયોગ કરીને દરિયાપારના દેશો વચ્ચે રેડિયો-તરંગો દ્વારા સંદેશાવ્યવહારની વ્યવસ્થા શરૂ થઈ, જેને રેડિયો-ટેલિફોન નામ આપવામાં આવ્યું હતું. આ જાતની સંદેશાવ્યવહારની પદ્ધતિમાં આયનમંડળ દ્વારા પરાવર્તિત થતા રેડિયો-તરંગો દ્વારા સંદેશાવ્યવહાર શક્ય બને છે; પરંતુ, આયનમંડળમાં થતાં વિચિત્ર પરિવર્તનોને કારણે રેડિયો-ટેલિફોન-વ્યવહારમાં અણધારી મુશ્કેલી સર્જાય છે. ખાસ કરીને, સૂર્ય પર થતી તેજ-વિસ્ફોટની ઘટના પછી આયનમંડળ દ્વારા પરાવર્તિત થતા રેડિયો-તરંગોમાં ઘણી અનિયમિતતા પેદા થાય છે; કેટલીક વખત આયનમંડળમાં રેડિયો-તરંગોનું લગભગ સંપૂર્ણ શોષણ થાય છે અને તેથી રેડિયો-ટેલિફોન-વ્યવહાર લાંબા સમય સુધી લગભગ બંધ થઈ જાય છે.

1950ના અરસામાં માઇક્રોવેવ(સૂક્ષ્મ-તરંગ – સેમી.થી મિમી. તરંગ-લંબાઈ ધરાવતા રેડિયો-તરંગ)નો ઉપયોગ કરીને લાંબા અંતર સુધી સંદેશાવ્યવહાર કરવાની પદ્ધતિ શરૂ થઈ હતી. આ પદ્ધતિમાં આયનમંડળ ઉપર આધાર ન રાખતાં ભૂમિ ઉપર દર 30 કિમી.ના અંતરે માઇક્રોવેવ ટાવર ઊભા કરીને લાંબા અંતર સુધી સંદેશાવ્યવહાર કરી શકાય છે. આ પદ્ધતિમાં એક માઇક્રોવેવ રેડિયો-તરંગ ગ્રહણ કર્યા પછી તેને વિવર્ધિત કરીને આગળના ટાવર ઉપર મોકલવામાં આવે છે અને આમ સંખ્યાબંધ માઇક્રોવેવ ટાવરનો ઉપયોગ કરીને ઘણે દૂરના પ્રદેશો વચ્ચે સંદેશાવ્યવહાર શક્ય બને છે. ભૂમિ પર લાંબા અંતર માટે માઇક્રોવેવ પદ્ધતિ ઘણી અનુકૂળ છે, પરંતુ દરિયાપારના દેશ સાથે સંદેશાવ્યવહાર કરવા માટે માઇક્રોવેવ પદ્ધતિ ખૂબ મુશ્કેલ છે; કારણ કે દરિયામાં દર 30 કિમી.ના અંતરે માઇક્રોવેવ ટાવર ઊભા કરવાનું અને દરિયાની તોફાની પરિસ્થિતિમાં એ બધા ટાવરને સલામત રાખવાનું ઘણું અઘરું છે.

ઈ.સ. 1957માં સોવિયેત રશિયાનો ‘સ્પુતનિક’ ઉપગ્રહ અવકાશમાં મૂકવામાં આવ્યો અને એ ઉપગ્રહમાંથી પ્રસારિત થતા રેડિયો-તરંગો પૃથ્વી ઉપર ઝીલી શકાયા ત્યારે અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહના રૂપમાં માઇક્રોવેવ રિલે-ટાવર ઊભા કરીને તેમની મદદથી લાંબા અંતર સુધી સંદેશાવ્યવહાર કરવાની વ્યાવહારિક શક્યતા વિશેનું ચિત્ર વધારે સ્પષ્ટ થયું. અહીં એક રસપ્રદ હકીકત પણ જાણવી જરૂરી છે. 1945માં એટલે કે ‘સ્પુતનિક’ પહેલાં બાર વર્ષે બ્રિટનના એક રેડિયો-ઇજનેર અને કલ્પનાશીલ વિજ્ઞાનલેખક આર્થર ક્લાર્કે ‘વાયરલેસ વર્લ્ડ’ નામના સામયિકમાં ‘Extra-terrestrial Relays’ નામના લેખમાં ભૂ-સ્થાયી કક્ષામાં મૂકેલા કૃત્રિમ ઉપગ્રહનો માઇક્રોવેવ રિલે તરીકે ઉપયોગ કરવાનો નવો વિચાર રજૂ કર્યો હતો. ભૂ-સ્થાયી કક્ષા પૃથ્વીની સપાટીથી 36,000 કિમી. ઊંચાઈએ વિષુવવૃત્તીય તલમાં હોય છે. આ કક્ષાના બે વિશિષ્ટ લાભ છે : (1) પૃથ્વી ઉપરથી ઉપગ્રહ એક જ સ્થાન ઉપર ‘સ્થિર’ રહેતો હોય એવો આભાસ થાય છે અને સંદેશાવ્યવહાર માટે ‘સ્થિર’ રહેતો હોય તેવા 36,000 કિમી. ઊંચાઈ ધરાવતા માઇક્રોવેવ ટાવરના રૂપમાં કાર્ય કરે છે. (2) 36,000 કિમી.ની ઊંચાઈએથી ઉપગ્રહના ઍન્ટેના પૃથ્વીના 1/3 ભાગમાં આવેલાં બધાં જ ભૂમિ-મથકોના ઍન્ટેના સાથે રેડિયોસંપર્ક રાખી શકે છે. આ કારણથી ઉપગ્રહ દ્વારા પૃથ્વી પરનાં બે સ્થાન વચ્ચે અને પૃથ્વી પરનાં એક સ્થાનથી અનેક સ્થાનો વચ્ચે સંદેશાવ્યવહાર કરી શકાય છે. આ રીતે, ટેલિફોન અને ટેલિવિઝનના વિસ્તૃત પ્રસારણ માટે ઉપગ્રહ વિશિષ્ટ રીતે ઉપયોગી થાય છે.

દુનિયાભરની સંદેશાવ્યવહાર સેવા માટે વિષુવવૃત્તીય ભૂ-સ્થાયી કક્ષામાં ઘણા ઉપગ્રહો હવે કાર્યરત છે અને ચોવીસ કલાક માટે ઉપલબ્ધ હોય છે. ભારતમાં આંતરિક સંદેશાવ્યવહાર માટે ‘ઇનસેટ’ ઉપગ્રહો ‘પૂરક’ સેવા આપે છે. આ ઉપરાંત, ટેલિવિઝન(દૂરદર્શન)ના દેશવ્યાપી પ્રસારણ માટે ‘ઇનસેટ’ ઉપગ્રહો ઘણા ઉપયોગી બન્યા છે. એ જ રીતે 2005 પછી ભારતનો Edusat નામનો ઉપગ્રહ ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશવ્યાપી શિક્ષણકાર્ય માટે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત, વાણિજ્ય-સેવામાં, બૅન્ક અને શૅરબજારના આંકડા એક સ્થાનથી બીજા સ્થાને મોકલવા માટે ઇનસેટ ઉપગ્રહો ઘણા ઉપયોગી બન્યા છે.

ઇલેક્ટ્રૉનિક્સના ક્ષેત્રમાં અત્યંત સૂક્ષ્મ કદનાં સાધનો – ટ્રાંઝિસ્ટર, ઇન્ટિગ્રેટેડ સર્કિટો (Integrated Circuits – IC), ચિપ્સ (chips), માઇક્રોપ્રોસેસર – ના આવિષ્કાર પછી નાના કદનાં ગણકયંત્ર (calculator), મેજ ઉપર મૂકી શકાય તેવાં (Desk-top Computer) અથવા અંગત ઉપયોગમાં Personal Computers (PC) – નામનાં સાધનોનો ઉપયોગ થવા લાગ્યો છે. 1980 પછી લગભગ દરેક ક્ષેત્રમાં ઝડપી સેવા માટે કમ્પ્યૂટરોનો ઉપયોગ વધવા લાગ્યો છે. આ ઉપરાંત, ઇન્ટરનેટ સેવા શરૂ થયા પછી ઇન્ફૉર્મેશન-માહિતી-યુગનો પ્રારંભ થયો છે. તેની સાથે ઇન્ટરનેટના ઉપયોગથી ઈ-મેઇલ(Electronic Mail)થી ઓળખાતી એક અત્યંત ઝડપી સંદેશાવ્યવહાર-સેવા ઉપલબ્ધ થઈ છે, જેમાં આંખના પલકારાથી પણ ઓછા સમયમાં કમ્પ્યૂટર દ્વારા સંદેશા મોકલી અને મેળવી શકાય છે તથા છબી અથવા અહેવાલની નકલ પણ મોકલી કે મેળવી શકાય છે. બે વ્યક્તિઓ ઇન્ટરનેટ દ્વારા તેમના કમ્પ્યૂટરનું જોડાણ કરીને વાતચીત (chatting) દ્વારા ત્વરિત ગતિથી સંદેશાની આપ-લે કરી શકે છે તથા ટેલિફોન દ્વારા એકબીજા સાથે વાત કરી શકે છે.

1979 દરમિયાન પહેલાં જાપાનમાં અને ત્યારપછી 1983માં અમેરિકામાં સેલ્યુલર ટેલિફોન(cellular telephone)-સેવા શરૂ કરવામાં આવી હતી. ભારતમાં લગભગ 1997થી આ પ્રકારની ટેલિફોન-સેવા શરૂ કરવામાં આવી છે. આ ચલિત (mobile) ટેલિફોન-સેવા માટે તારના જોડાણની જરૂર નથી હોતી અને ટેલિફોન-સેવા માઇક્રોવેવ રેડિયો-તરંગો દ્વારા ચાલે છે. ટેલિફોન-સંદેશ મોકલવા કે મેળવવા માટેનું મોબાઇલ ટેલિફોન નામનું સાધન હાથમાં રહી શકે તેવું નાના કદનું અને વજનમાં હલકું હોય છે. શહેરના મોટા વિસ્તારને સંખ્યાબંધ નાના વિભાગ કે સેલ(cell)માં વહેંચી નાખેલો હોય છે અને તેથી એ ટેલિફોન-સેવાને cellular telephone service કહેવામાં આવે છે. આવા દરેક સેલમાં અમુક આવૃત્તિના માઇક્રોવેવ રેડિયો-તરંગો ગ્રહણ/પ્રસારિત કરવા માટે રિસીવર/ટ્રાન્સમિટર હોય છે, જે ટેલિફોનમાંથી ઉદ્ભવતા રેડિયો-તરંગો ગ્રહણ કરીને આજુબાજુના સેલ તરફ મોકલે છે અને એ રીતે એકબીજાથી ઘણા દૂરના બે ટેલિફોન સંવાદમાં જોડાય છે. જો બીજો ટેલિફોનધારક શહેરની બહાર હોય તો ટેલિફોન-સંકેતો મેળવી શકાતા નથી; પરંતુ, શહેરની બહાર કે જિલ્લા કે રાજ્યની બહાર પણ એ જ પ્રકારની સેવા ઉપલબ્ધ હોય તો ઘણે દૂરના બે ટેલિફોન જોડાઈ શકે છે. આવા મોબાઇલ ટેલિફોનના સાધન દ્વારા ટૂંકા લેખિત સંદેશાની સેવા (short messaging service – SMS) પણ ચલાવી શકાય છે. દા.ત., Happy Birthday. આ જાતના ટેલિફોન એક પ્રકારના નાના કમ્પ્યૂટર જેવા હોય છે, જેમાં સ્મૃતિ (memory), ગણકયંત્ર (calculator), ડિજિટલ કૅમેરા વગેરે પણ હોય છે. આ ટેલિફોન-સેવાનું વિસ્તૃતીકરણ એટલા મોટા પાયે થયું છે કે આખા દેશમાં કોઈ પણ સ્થળે હવે ટેલિફોનધારકનો સંપર્ક થઈ શકે છે.

ઉપર્યુક્ત વિગતોના સંદર્ભમાં ભારતમાં સંદેશાવ્યવહાર(ટેલિગ્રાફ, ટેલિફોન, ઉપગ્રહ-સંદેશાવ્યવહાર, કમ્પ્યૂટર તથા ઇન્ટરનેટ-સેવા અને મોબાઇલ ટેલિફોન-સેવા વગેરે)નાં વર્ષવાર સીમાચિહ્નો(mile-stones)માંનાં કેટલાંક, નીચે રજૂ કર્યાં છે :

1870 : દરિયાને તળિયે નાખેલાં તારનાં દોરડાં વડે મુંબઈ અને લંડન વચ્ચે ટેલિગ્રાફ-સેવા શરૂ કરવામાં આવી હતી, જેની ક્ષમતા મિનિટના ત્રીસ શબ્દો જેટલી જ હતી.

1927 : ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રેડિયો-ટેલિગ્રાફ સેવા શરૂ કરવામાં આવી હતી. આ માટે, પુણે પાસે દીધીમાં ટ્રાન્સમિટિંગ-મથક અને ધોન્ડ ખાતે રિસીવિંગ-મથક સ્થાપવામાં આવ્યાં હતાં.

1933 : મુંબઈ અને લંડન વચ્ચે વ્યાપારી ધોરણે રેડિયો-ટેલિફોન-સેવા શરૂ કરવામાં આવી હતી.

1944 : ‘ઇન્ડિયન રેડિયો ઍન્ડ કેબલ કૉમ્યુનિકેશન’ નામની ખાનગી કંપની દ્વારા નવી દિલ્હી અને લંડન વચ્ચે રેડિયો-સંદેશાવ્યવહાર શરૂ કરવામાં આવ્યો.

1947 : ઉપર્યુક્ત ખાનગી કંપનીનો વહીવટ સરકારહસ્તક લેવાયો અને એ માટે ત્યારની કૉમ્યુનિકેશન મિનિસ્ટ્રી હેઠળ ‘ઓવરસીઝ કૉમ્યુનિકેશન સર્વિસ’ નામની સંસ્થા ઊભી કરવામાં આવી.

1967 : ભારતના અણુ-શક્તિ વિભાગ દ્વારા અમદાવાદની પશ્ચિમે જોધપુર ટેકરા ઉપર ભારતનું પ્રથમ ઉપગ્રહ-સંદેશાવ્યવહાર-મથક પ્રાયોગિક કક્ષાએ સ્થાપવામાં આવ્યું, જેનું નામ Experimental Satellite Communication Earth Station – ESCES રાખવામાં આવ્યું હતું.

1970 : ભારતનું પહેલું ઉપગ્રહ-સંદેશાવ્યવહાર-ભૂમિમથક પુણે પાસે આર્વી ખાતે સ્થાપવામાં આવ્યું. 1971થી આર્વીના ભૂમિમથકનો ઉપયોગ કરીને દરિયાપારના દેશો સાથે વ્યાપારી ધોરણે ઉપગ્રહ-આધારિત સંદેશાવ્યવહાર શરૂ કરવામાં આવ્યો. આ મથક હવે ‘વિક્રમ ભૂમિમથક’ તરીકે ઓળખાય છે.

પરંતપ પાઠક