સંદિગ્ધતા (ambiguity) : શબ્દ કે વાક્યમાંથી નીપજતી બહુ-અર્થતા. સામાન્યત: વાક્યનો તે ગુણધર્મ છે. તે એકથી વધુ અર્થ ધરાવતા શબ્દનો પણ ગુણધર્મ છે. શબ્દ કે વાક્ય બોલાય કે લખાય ત્યારે તેમાંથી સંકેત નીકળે છે. પ્રત્યેક સંકેત જ્યારે એક કરતાં વધુ સંદેશાઓનું વહન કરે છે ત્યારે તેમાં સંદિગ્ધતા ઉદ્ભવે છે. સર વિલિયમ એમ્પસન ‘સેવન ટાઇપ્સ ઑવ્ ઍમ્બિગ્યૂઇટી’(1930)માં કાવ્યમાં સાત પ્રકારના જુદા જુદા અર્થોવાળી છાયાઓ કઈ રીતે નિષ્પન્ન થાય છે તેનું વિશ્લેષણાત્મક નિરૂપણ કરે છે. અમેરિકન વિવેચનસાહિત્યમાં અનેકાર્થી હોવું કાવ્યનું મૂલ્યવાન ભૂષણ ગણાયું છે. સંદિગ્ધતાનો આવિર્ભાવ શબ્દવિશ્લેષણથી, સ્વરભારને કાકુથી, વાક્યવિન્યાસથી, વિરામચિહ્નથી કે સમધ્વનિ વગેરે દ્વારા થાય છે. આધુનિક વિવેચન વિશિષ્ટ ભાવસંદર્ભમાં સંદિગ્ધતાને ગુણસંપત્તિ કહે છે; અન્યથા એ દોષ પણ લેખાય છે. અભીષ્ટ ભાવસંદર્ભમાં સંદિગ્ધતા કાવ્યના અર્થને સમૃદ્ધ કરે છે; એટલું જ નહિ, પણ ભાવકને તેના સંકુલને ઊંડા મર્મ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. પશ્ચિમના કાવ્યસાહિત્યમાં વિવેચનક્ષેત્રે આઇ. એ. રિચડર્ઝ અને વિલિયમ એમ્પસનના અભિપ્રાયો ખૂબ પ્રચલિત થયા છે. સંદિગ્ધતાના સિદ્ધાંતનું ઓઠું લઈ સર્જકે કે ભાવકે મનસ્વીપણે ને બળાત્કારે કાવ્યમાંથી તરંગી અર્થો તારવવાના નથી.
જ્યારે એકથી વધુ અર્થ થતા હોય ત્યારે કાવ્યમાંથી જ નીપજતા આંતર-સંબંધો સુપેરે તપાસવા પડે છે. કાવ્યને પોતાનું એક અર્થબંધન હોય છે અને તેની બહારના અર્થો તેમાં લાદી શકાતા નથી. કોઈ વાર એકથી વધુ અર્થો પ્રસ્તુત થાય એવું બને. કોઈ પણ સુકવિ સંદિગ્ધતા માટે જે તે સંયોજકો કે ઉત્કર્ષકોનો કલાત્મક રીતે વિનિયોગ કેમ કરવો તે બરોબર જાણતો હોય છે. સંદિગ્ધતા વિશે એમ કહેવાય છે કે કોઈ વાર કશુંક કહેવાયું ન હોય ત્યારે તેમાંથી, તો ક્યારેક કશુંક કહેવાયું હોય ત્યારે તેમાંથી પણ નિષ્પન્ન થાય છે. આમ સંદિગ્ધતા બે જુદી જુદી રીતે કાવ્યમાં ઉપસ્થિત થતી હોય છે.
વિ. પ્ર. ત્રિવેદી