સંત સુંદરદાસ
January, 2007
સંત સુંદરદાસ (જ. 1596, દ્યૌસાનગર, જયપુર રાજ્યની પ્રાચીન રાજધાની, રાજસ્થાન; અ. 1689, સાંગાનેર) : મધ્યયુગીન હિંદી સંત-કવિ. તેમનો જન્મ ખંડલેવાલ વૈશ્ય પરિવારમાં થયો હતો. તેમનાં માતાનું નામ સતી અને પિતાનું નામ પરમાનંદ હતું. તેમણે 6 વર્ષની વયે જ દાદૂ દયાલનું શિષ્યત્વ ગ્રહણ કરેલું. તેઓ ખૂબ સુંદર હોવાથી દાદૂ દયાળે તેમનું નામ સુંદરદાસ રાખેલું. દાદૂ સંપ્રદાયના ભક્ત કવિઓમાં સુંદરદાસ ભક્તિ, નૈતિક ડહાપણ અને આધ્યાત્મિક જ્ઞાનસભર એવી તેમની કાવ્યરચનાઓને લીધે શ્રેષ્ઠ ગણાતા.
દાદૂ સાથે થોડાં વર્ષો રહ્યા બાદ તત્ત્વજ્ઞાન અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસ માટે તેઓ વારાણસી ગયા. ત્રીસ વર્ષની વય સુધી ત્યાં રહીને અદ્વૈતના તત્ત્વજ્ઞાનના પંડિત બન્યા. વેદાંત, વ્યાકરણ ઉપરાંત હિંદી, પંજાબી, ગુજરાતી, મારવાડી અને ફારસીમાં તેમણે પ્રભુત્વ મેળવ્યું.
ત્યારબાદ તેઓ શેખાવતીમાં ફતેહપુર ખાતે કાયમ માટે સ્થાયી થયા. ફતેહપુરના શાસક નવાબ અલીફખાન તેમની વિદ્વત્તા અને આધ્યાત્મિકતાથી અત્યંત પ્રભાવિત થયા અને મહાન સંત તરીકે તેમની પ્રત્યેનો પૂજ્યભાવ પ્રગટ કર્યો. તેમણે રાજસ્થાન, પંજાબ, બિહાર, બંગાળ, ઓરિસા, ગુજરાત, માળવા અને બદરીનાથ વગેરે સ્થળોનું પર્યટન કર્યું હતું, ‘નિર્ગુણ’ સંતકવિઓમાં ખંતપૂર્વક શાસ્ત્રોનો અભ્યાસ કરનાર તેઓ એકમાત્ર સંત હતા. તેમની કવિતા રીતિ પરંપરાથી પ્રભાવિત છે. તેમની ભાષામાં સંસ્કૃત શબ્દાવલીનો બહોળો ઉપયોગ થયો છે. તેઓ દર્શન અને ચિંતનક્ષેત્રે સમન્વયવાદી હતા. આજીવન બ્રહ્મચર્યવ્રત પાળીને તેમણે અન્ય કરતાં ઉત્તમ ભક્તિ અને આધ્યાત્મિક કાવ્યો આપ્યાં છે. ધાર્મિક કવિ હોવા ઉપરાંત તેમણે સામાન્ય જનસમૂહની દુર્દશા, તેમના સામાજિક રિવાજો અને તેમની ટેવો વિશે ઊંડી ચિંતા વ્યક્ત કરી હોવાથી તેઓ તેમના કલ્યાણ માટે મથતા હતા અને તેમને આશ્વાસન તથા રાહત આપતા લોકકવિ બન્યા હતા. તેમણે દાદૂ સંપ્રદાય પર ઘણાં પુસ્તકો લખ્યાં છે, પરંતુ સવૈયા છંદમાં રચાયેલો તેમનો ગ્રંથ ‘સુંદર-વિલાસ’ ઉત્તમ ગણાય છે અને વ્રજભાષામાં આલંકારિક રીતિ અને ધ્વનિનાં સુંદર ઉદાહરણો પૂરાં પાડે છે. તેઓ જાણીતા રસસિદ્ધ કવિ હતા.
તેમણે કુલ 42 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘જ્ઞાન-સમુદ્ર’, ‘સુંદર-વિલાસ’, ‘સર્વાંગયોગપ્રદીપિકા’, ‘પંચેન્દ્રિય-ચરિત્ર’, ‘સુખસમાધિ’, ‘અદ્ભુત ઉપદેશ’, ‘સ્વપ્ન-પ્રબોધ’, ‘વેદવિચાર’, ‘ઉક્ત-અનૂપ’, ‘પંચ-પ્રભાવ’ અને ‘જ્ઞાન-ઝૂલણા’નો સમાવેશ થાય છે. આ બધી કૃતિઓ રાજસ્થાન રિસર્ચ સોસાયટી, કોલકાતા દ્વારા 1936માં સુંદર ગ્રંથાવલી ભાગ 1-2 સ્વરૂપે પ્રકાશિત થઈ છે. શાસ્ત્રજ્ઞાનસંપન્ન અને કાવ્યકલાનિપુણ કવિ રૂપે સુંદરદાસનું હિંદી સંતકાવ્યધારાના કવિઓમાં વિશિષ્ટ સ્થાન છે.
મહાવીરસિંહ ચૌહાણ