સંત દેવચંદ્રજી
January, 2007
સંત દેવચંદ્રજી (જ. ઈ. સ. 1582, ઉમરકોટ, સિંધ, હાલ પાકિસ્તાન; અ. 1655) : પ્રણામી અથવા નિજાનંદ સંપ્રદાયના સ્થાપક. યુવાન વયે તેઓ આત્મજ્ઞાનની ખોજમાં સિંધ છોડીને કચ્છમાં આવ્યા. કચ્છમાં આશરે દસ વર્ષ સુધી નિવાસ કર્યા બાદ ત્યાંથી તેઓ જામનગર આવ્યા. જામનગરમાં કાનજી ભટ્ટ નામના પંડિત પાસેથી ભાગવતનું જ્ઞાન મેળવ્યું તથા નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કરી, પરંતુ ગુજરાતની બહાર સમગ્ર ઉત્તર ભારતમાં આ સંપ્રદાયનો પ્રચાર કરવામાં તેમના પટ્ટશિષ્ય સંત પ્રાણનાથનું પ્રદાન નોંધપાત્ર હતું. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આ સંપ્રદાયનાં આશરે 92 જેટલાં મંદિર આવેલાં છે.
જયકુમાર ર. શુક્લ