સંજીવૈયા, દામોદર
January, 2007
સંજીવૈયા, દામોદર (જ. 14 ફેબ્રુઆરી 1921, પડ્ડાપાપાડુ, કુર્નાલ જિલ્લો, આંધ્ર પ્રદેશ; અ. 7 મે 1972, દિલ્હી) : કેન્દ્રીય મંત્રી, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને કૉંગ્રેસ-પ્રમુખ. આ જાણીતા રાજકારણી અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય કક્ષાના નેતા હતા. તેમની ગણના તેલુગુ ભાષાની વિદ્વાન વ્યક્તિઓમાં થતી હતી. વિનયન વિદ્યાશાખાની અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરી 1948માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક થયા. 1950માં વકીલાતના આરંભ દ્વારા વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો.
તે પછી તેઓ રાજકારણમાં સક્રિય બન્યા અને 1952થી 64નાં વર્ષો દરમિયાન વિધાનસભાના સભ્ય તરીકે ત્યાંના વિવિધ મંત્રીમંડળમાં હોદ્દાઓ શોભાવ્યા. 1953-54 દરમિયાન તેઓ મંત્રીપદે પણ રહ્યા હતા. 1960થી 1962 તેમણે તે પ્રદેશના મુખ્યમંત્રીની કામગીરી બજાવી હતી. 1962થી 1964 તેમણે કૉંગ્રેસ-પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. કેન્દ્ર સરકારમાં તેઓ 1964થી 1966 શ્રમ અને રોજગાર મંત્રાલયના, 1966થી 1967 ઉદ્યોગ મંત્રાલયના તથા ફેબ્રુઆરી, 1970થી માર્ચ 1971 શ્રમ અને પુનર્વસવાટ મંત્રાલયના મંત્રી રહ્યા હતા.
1967ની સામાન્ય ચૂંટણીમાં સંસદની બેઠકની સ્પર્ધામાં તેમને પરાજય મળ્યો હતો. 1969માં કૉંગ્રેસ પક્ષનું વિભાજન થતાં તેઓ ઇન્દિરા કૉંગ્રેસમાં જોડાઈ તેમના વફાદાર સાથી બની રહ્યા. કૉંગ્રેસ-પ્રમુખ તરીકે તેમને આમંત્રિત કરાતાં મંત્રીમંડળમાંથી રાજીનામું આપી તેમણે પક્ષીય હોદ્દો ધારણ કર્યો.
તેમનું અવસાન હૃદયરોગથી થયું હતું.
રક્ષા મ. વ્યાસ