સંચાર ફિલ્મ કો-ઑપરેટિવ સોસાયટી લિ.
January, 2007
સંચાર ફિલ્મ કો–ઑપરેટિવ સોસાયટી લિ. : સહિયારો પ્રયાસ કરીને ચલચિત્રનિર્માણ કરવા રચાયેલી ગુજરાતની એકમાત્ર સંસ્થા. આ સંસ્થાની રચના ચલચિત્રનિર્માણમાં રસ ધરાવતા કેટલાક યુવાનોએ કરી હતી, જેમાં દિગ્દર્શક કેતન મહેતાનો પણ સમાવેશ થતો હતો; પણ, એ દિવસોમાં કેતન મહેતાએ હજી કારકિર્દીનો પ્રારંભ જ કર્યો હતો. અમદાવાદ ખાતેના ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશને’ (ઇસરોએ) 1975માં ખેડા જિલ્લાના પીજ ખાતે એક ટીવી પ્રસારણ કેન્દ્રની સ્થાપના કરી હતી. તેના માટે દસ્તાવેજી ચિત્રો બનાવવા પુણે ખાતે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ પામેલા કેટલાક યુવાનોની ‘ઇસરો’ ખાતેના ‘ડેકુ’ (શૈક્ષણિક અને સંચાર વિકાસકેન્દ્ર) ખાતે નિમણૂક કરી હતી; એ પછી 1978માં કેતન મહેતા સહિતના આ યુવાનોએ ‘સંચાર ફિલ્મ કો-ઑપરેટિવ સોસાયટી લિ.’ની સ્થાપના કરી ગુજરાતમાં સહકારી ધોરણે ચલચિત્ર નિર્માણ કરવાની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો હતો. કેતન મહેતા ઉપરાંત આ સંસ્થામાં દર્શન દવે, કૃષ્ણકાંત પમ્મી, વાલ્મીકિ, પરેશ મહેતા વગેરે સભ્યો હતા, અને પછીથી તેમાં ગોપી દેસાઈ, નસીરુદ્દીન શાહ તથા સ્મિતા પાટીલ પણ સંકળાયાં હતાં. કુલ 13 સભ્યોની આ સંસ્થાનું 1979ની 1 જાન્યુઆરીએ રજિસ્ટ્રેશન કરાવાયું હતું. આ સંસ્થાના નેજા હેઠળ પ્રથમ ચિત્ર ‘ભવની ભવાઈ’ બનાવાયું હતું. આ ચિત્ર ખૂબ નોંધપાત્ર બની રહ્યું અને દેશમાં તથા વિદેશના ઘણા ચિત્રમહોત્સવોમાં તે પ્રદર્શિત થયું અને વખણાયું. તેને ઘણાં ઍવૉર્ડ પણ મળ્યા હતા. પણ આવા સફળ ચિત્રના નિર્માણ છતાં જે ઉદ્દેશ સાથે ‘સંચાર’ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, તે બર આવ્યો નહોતો. તેના નેજા હેઠળ બીજાં બેએક દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ થયા બાદ આ સંસ્થા નિષ્ક્રિય થઈ ગઈ.
હરસુખ થાનકી