સંચયખડક (Reservoir rock) : જળ કે ખનિજતેલ જેવાં પ્રવાહીઓ અથવા કુદરતી વાયુનો સંચય કરી શકે તેમજ જાળવી શકે એવા ખડકો. આવા સંચય-ખડકો સામાન્ય રીતે સ્તરોની સ્થાનિક વિરૂપતાને કારણે અથવા સછિદ્રતામાં ફેરફારો થવાને કારણે અથવા અંતર્ભેદકોના અવરોધને કારણે તૈયાર થતા હોય છે.

લક્ષણો : પર્યાપ્ત સછિદ્રતાવાળા અને પારગમ્યતાવાળા ખડકો જ સંચય-ખડકો બની શકે, જેથી તે પ્રવાહી કે વાયુનો સંચય કરી શકે અને તે પ્રવાહી કે વાયુ વ્યાપારી ધોરણે પ્રાપ્ત થઈ શકે એટલા પૂરતા પ્રમાણમાં જાળવી રાખી શકે. સંચય-ખડક બની રહેવા માટે ત્રણ જરૂરિયાતો હોવી આવશ્યક છે : (1) ખડકો સછિદ્ર હોવા જોઈએ અથવા પ્રવાહી કે વાયુને સમાવવા માટે તેમાં અરસપરસ સંપર્કવાળી આંતરછિદ્ર જગાઓ હોવી જોઈએ; (2) ખડકો પારગમ્ય હોવા જોઈએ, જેથી પ્રવાહી કે વાયુ તેમાંથી પસાર થઈ શકે; અને (3) એવા ખડકની આજુબાજુ વિશિષ્ટ અવરોધ હોવો જોઈએ, જેથી સંચિત દ્રવ્ય તેમાંથી નીકળી ન જાય. આ ત્રણેય લાક્ષણિકતાઓ પૂરી પાડી શકે તે ખડક યોગ્ય સંચય-ખડક હોવાને પાત્ર બની શકે.

સંચયખડકના પ્રકારો : (1) કણજન્ય ખડકો (detrital rocks) : ભૂપૃષ્ઠ પર અસ્તિત્વ ધરાવતા કોઈ પણ પ્રકારના ખડકો વિભંજનવિઘટન જેવી ખવાણક્રિયાથી ટુકડાઓ અને ખનિજકણોમાં તૂટી છેવટે કણજન્ય ખડકો બનાવે છે. તેમનાં કણકદ કલિલકણોથી માંડીને લઘુગોળાશ્મ સુધીનાં હોઈ શકે છે. આવા કણજન્ય સંચય-ખડકોમાં રેતીખડકો, ગોળાશ્મ-ખડકો, આર્કોઝ, ગ્રેવૅક કે પંકપાષાણનો સમાવેશ કરી શકાય છે. આ ઉપરાંત, રવાદાર (oolitic) ખડકો, કૅલ્ક ઍરેનાઇટ, કોક્વિના જેવા કાર્બોનેટ-ખડકો પણ સામેલ થઈ શકે, જે રવાદાર કણોના કે અસ્થિકણોના બનેલા હોય. તે સંશ્લેષિત હોય કે પુન:સ્ફટિકીકરણ પામેલા પણ હોય. સંચય-ખડક તરીકે વધુ પાત્રતા ધરાવતા કેટલાક રેતીખડકો છૂટા છૂટા કણોથી બંધાયેલા હોય કે ઓછાવત્તા સંશ્લેષિત હોય. રેતીખડકોમાંના ક્વાર્ટ્ઝકણોની જેમ કૅલ્સાઇટ કે ડોલોમાઇટ કણોથી બનેલા ચૂનાખડ-કોડોલોમાઇટ ખડકો જો ઊંચી સછિદ્રતા-પારગમ્યતા ધરાવતા હોય, તો તે પણ સંચય-ખડકની પાત્રતા ધરાવી શકે છે, સિવાય કે મૂળ કણો સંશ્લેષિત દ્રવ્યથી પૂરેપૂરા સંધાઈ ગયા હોય.

(2) રાસાયણિક-જૈવરાસાયણિક ખડકો (chemical-biochemical rocks) : રાસાયણિક કે જૈવરાસાયણિક પ્રક્રિયાત્મક અવક્ષેપનથી બનેલા અને સ્થાનિક જમાવટ પામેલા કેટલાક ખડકો સંચય-ખડક બની શકે. ચૂનાખડકો, ડોલોમાઇટ, ચર્ટ કે નૉવાક્યુલાઇટ જેવા માત્ર સિલિકાકણોથી બંધાયેલા ખડકો સારા સંચય-ખડકો બની શકતા નથી. કાર્બોનેટધારક ખડકોની સછિદ્રતા સ્રાવ પામતા ભૂગર્ભીય જળ દ્વારા થતા ધોવાણથી ઉદ્ભવતી હોય છે.

(3) પ્રકીર્ણ સંચયખડકો : અહીં કેટલાક અગ્નિકૃત અને વિકૃત ખડકોનો કે બંનેથી બનેલા મિશ્ર પ્રકારના ખડકોનો સમાવેશ કરી શકાય. કોઈ પણ સછિદ્ર-પારગમ્ય ખડકપ્રકાર જો તે જળકૃત ખડકના સહયોગમાં હોય તો તે સંચય-ખડક બની શકે છે, જો તે નજીકના જળકૃત ખડકમાંથી સ્થળાંતર થઈને આવેલા પ્રવાહીથી સંતૃપ્ત બન્યો હોય. જોકે આવા ખડકોનું પ્રમાણ ગૌણ હોય છે, કારણ કે તે પૂરતા પ્રમાણમાં પારગમ્ય હોતા નથી, પારગમ્ય હોય તો અન્ય ખડકના સહયોગમાં જ તે સંચય-ખડકની પાત્રતા ધરાવી શકે છે.

(4) દરિયા-ઈબિનદરિયાઈ સંચયખડકો (marinenonmarine reservoir rocks) : જૂના સમયના સમુદ્રતળ પર થયેલી જમાવટથી રચાયેલા ખડકો કે સ્વચ્છ જળમાં તૈયાર થયેલા ખડકો પણ સંચય-ખડકો હોઈ શકે છે, આવો સ્થિતિ-સંજોગ જ્યાં અવરોધ હોય, સ્તરભંગ હોય, ત્યાં સ્થળાંતર પામીને તેલ/વાયુ/જળ સંચિત થઈને રહે છે.

ગિરીશભાઈ પંડ્યા