સંઘરાજ્ય (confedaration)
January, 2007
સંઘરાજ્ય (confedaration) : જ્યારે બે અથવા વધુ રાજ્યો કોઈ ચોક્કસ હેતુ અથવા ધ્યેય (જેમ કે, સંરક્ષણ, આર્થિક-વેપારી સંબંધો) સિદ્ધ કરવા માટે અરસપરસ કરાર કરી ભેગાં થઈને કોઈ તંત્ર રચે ત્યારે તેને સામાન્ય રીતે, સંઘરાજ્ય અથવા સમૂહતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા તંત્રમાં જોડાતાં રાજ્યો પોતાની સાર્વભૌમ સત્તાનો સંપૂર્ણપણે ત્યાગ કરતા નથી, પણ જે હેતુ સિદ્ધ કરવા તેઓ ભેગાં થયાં હોય એટલાં પૂરતું તેઓ પોતાની સાર્વભૌમ સત્તાનો સ્વેચ્છાએ ત્યાગ કરે છે. આવી તંત્રરચના હમેશાં કાયમી હોય એવું જરૂરી નથી. સંઘરાજ્ય કે સમૂહતંત્રમાં જોડાતાં બધાં રાજ્યોની અથવા કોઈ એક રાજ્યની ઇચ્છા હોય તો કાં તો તેનું વિસર્જન કરવામાં આવે અથવા તે રાજ્ય સ્વેચ્છાએ તેનો ત્યાગ પણ કરે. જે વિષય માટે આવું તંત્ર રચાયું હોય, તે સિવાયના બધા વિષયો વિશે નિર્ણયો લેવાની સત્તા જે તે રાજ્યની પાસે રહે છે.
ક્યારેક સમૂહતંત્ર સમવાયતંત્રમાં ફેરવાઈ જાય તેવું પણ બને છે; દા.ત., અમેરિકાનાં તેર સંસ્થાનો સાથે રહીને બ્રિટિશ સામ્રાજ્ય સામે લડ્યાં અને 1776માં સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું. સ્વતંત્ર થયેલાં આ તેર રાજ્યોએ કેટલાંક સહિયારાં હિતોના રક્ષણ માટે 1781માં સમૂહતંત્રની રચના કરી; પણ અનુભવથી તેની ઊણપો અને નબળાઈઓ ધ્યાનમાં આવતાં ઠીક ઠીક ચર્ચાવિમર્શને અંતે તેમણે નવું બંધારણ ઘડીને 1789માં અમેરિકી સમવાયતંત્ર(federation)ની રચના કરી.
પ્રાચીન ગ્રીસમાં સહિયારાં સંરક્ષણ અને સલામતી માટે આવાં સમૂહતંત્રો રચાતાં અને ‘સહિયારા (કૉમન) શત્રુ’નો ભય ન રહેતાં વિખેરાઈ પણ જતાં.
સામાન્ય રીતે સમવાયતંત્ર અથવા ભારત જેવા ‘રાજ્યોના સંઘ’-(યુનિયન ઑવ્ સ્ટેટ્સ)માં કોઈ પણ ઘટકરાજ્યને છૂટા પડવાનો અધિકાર હોતો નથી. અમેરિકામાં ગુલામી પ્રથાને મુદ્દે દક્ષિણનાં રાજ્યો અમેરિકી સમવાયતંત્રમાંથી છૂટાં પડવા માંગતાં હતાં. તે મુદ્દે 1861-65 દરમિયાન આંતરવિગ્રહ થયો અને સમવાયતંત્રમાંથી કોઈ પણ ઘટક રાજ્યને છૂટા પડવાનો અધિકાર નથી, એ સ્થાપિત થયું. લાંબા સમય સુધી સાથે રહ્યા પછી સ્વેચ્છાએ, લોહી રેડ્યા વિના, છૂટા પડવાના કિસ્સા પણ નોંધાયા છે; દા.ત., 1993માં ચેકોસ્લોવાકિયાનું વિસર્જન થતાં ચેક અને સ્લોવાકિયા નામનાં બે સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં.
સ્વિટ્ઝર્લૅન્ડ આજે પણ સમૂહતંત્ર(કોન્ફેડરેશન)નું સુંદર દૃષ્ટાંત પૂરું પાડે છે, તો એથી તદ્દન વિરુદ્ધ સોવિયેત સંઘ સમૂહતંત્ર ધરાવતો દેશ હતો અને મજબૂત સમવાયતંત્રની જેમ તે કામ કરતો હતો, પરંતુ ગ્લાસનૉસ્ટ અને પેરેસ્ત્રોઇકાની નીતિઓને કારણે 1991માં આ મજબૂત સંઘ વિસર્જન પામ્યો. તેમાંથી એક કરતાં વધુ સ્વતંત્ર દેશો ઉદ્ભવ્યા.
દિનેશ શુક્લ