સંઘમિત્રા : મગધના મૌર્યવંશના રાજા અશોક(ઈ. પૂ. 273 – ઈ. પૂ. 232)ની પુત્રી. બૌદ્ધ સાહિત્યના જણાવ્યા મુજબ અશોક અવંતિનો સૂબો હતો ત્યારે તે એક શાક્ય શ્રેષ્ઠીની દેવી નામની પુત્રીને પરણ્યો હતો. તેનાથી તેને મહેન્દ્ર નામનો પુત્ર તથા સંઘમિત્રા નામની પુત્રી થયાં હતાં. કલિંગના યુદ્ધ પછી અશોકનો હૃદયપલટો થયો. તેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો તથા તેનો પ્રચાર કર્યો. તેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે વિવિધ દેશોમાં પ્રતિનિધિમંડળો મોકલ્યાં. શ્રીલંકા(સિલોન)ની બૌદ્ધ કથાઓ અનુસાર અશોકે પોતાની પુત્રી સંઘમિત્રા તથા પુત્ર મહેન્દ્રના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળ શ્રીલંકા મોકલ્યું હતું. શ્રીલંકાના રાજાએ તે પ્રતિનિધિમંડળનો આદરપૂર્વક સત્કાર કર્યો. તે પ્રતિનિધિમંડળે શ્રીલંકામાં સારો એવો પ્રચાર કર્યો. આ ધર્મ હજુ સુધી ત્યાં ઘણી સારી સ્થિતિમાં ફેલાયેલો છે. ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સાંગના વર્ણન મુજબ, સંઘમિત્રાની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળના ધર્મપ્રચારના ફલ સ્વરૂપે શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનો ખૂબ સારો પ્રચાર થયો હતો.

જયકુમાર ર. શુક્લ